બીજો શમુએલ ૧૮:૧-૩૩

  • આબ્શાલોમની હાર અને મરણ (૧-૧૮)

  • આબ્શાલોમના મરણ વિશે દાઉદને જાણ થઈ (૧૯-૩૩)

૧૮  પછી દાઉદે પોતાની સાથેના માણસોની ગણતરી કરી. તેણે હજાર હજાર પર અને સો સો પર મુખીઓ ઠરાવ્યા.+ ૨  દાઉદે પોતાની સાથેના માણસોને ત્રણ ટુકડીઓમાં વહેંચી દીધા. તેણે એક ટુકડીને યોઆબના હાથ નીચે,+ બીજીને યોઆબના ભાઈ અને સરૂયાના દીકરા+ અબીશાયના હાથ નીચે+ અને ત્રીજીને ઇત્તાય ગિત્તીના હાથ નીચે+ મોકલી. રાજાએ તેઓને કહ્યું: “હું પણ તમારી સાથે આવીશ.” ૩  પણ તેઓએ કહ્યું: “ના, તમે અમારી સાથે ન આવો,+ કેમ કે જો અમે ભાગીએ, તો તેઓને અમારી કંઈ પડી નથી. અમારામાંથી અડધા માણસો માર્યા જાય, તોપણ તેઓને કોઈ પરવા નથી, કારણ કે તમે અમારા જેવા ૧૦,૦૦૦ માણસો બરાબર છો.+ એ સારું રહેશે કે તમે શહેરમાંથી અમને મદદ મોકલતા રહો.” ૪  રાજાએ તેઓને કહ્યું: “તમને જેમ ઠીક લાગે એમ હું કરીશ.” રાજા શહેરના દરવાજા પાસે ઊભો રહ્યો. બધા માણસો સો સોની અને હજાર હજારની ટુકડીઓમાં નીકળી પડ્યા. ૫  રાજાએ યોઆબ, અબીશાય અને ઇત્તાયને આવો હુકમ આપ્યો: “આબ્શાલોમને મારી નાખશો નહિ, કારણ કે તે મારો વહાલો દીકરો છે.”+ રાજાએ આબ્શાલોમ વિશે બધા આગેવાનોને આપેલો હુકમ સર્વ માણસોએ સાંભળ્યો. ૬  એ માણસો ઇઝરાયેલ સામે લડવા મેદાનમાં ઊતરી પડ્યા. એફ્રાઈમના જંગલમાં યુદ્ધ જામ્યું.+ ૭  ત્યાં દાઉદના સેવકોએ+ ઇઝરાયેલના માણસોને+ હરાવી દીધા. એ દિવસે ૨૦,૦૦૦ માણસોનો મોટો સંહાર થયો. ૮  એ લડાઈ આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. એ દિવસે તલવાર કરતાં જંગલે વધારે માણસોનો ભોગ લીધો. ૯  એવું બન્યું કે આબ્શાલોમને અચાનક દાઉદના સેવકોનો ભેટો થઈ ગયો. આબ્શાલોમ નાસવા લાગ્યો. તે ખચ્ચર પર સવાર હતો અને ખચ્ચર એક મોટા ઝાડ નીચેથી દોડ્યું. આબ્શાલોમનું માથું એ મોટા ઝાડની ડાળીઓમાં ફસાઈ ગયું. તે હવામાં અધ્ધર* લટકી રહ્યો અને ખચ્ચર દોડતું દોડતું આગળ નીકળી ગયું. ૧૦  કોઈકે એ જોયું અને યોઆબને જણાવ્યું:+ “જુઓ, મેં આબ્શાલોમને એક મોટા ઝાડ પર લટકતો જોયો.” ૧૧  યોઆબે એ માણસને જવાબ આપ્યો: “તેં આબ્શાલોમને જોયો ત્યારે, તેને ત્યાં જ મારીને ભોંયભેગો કેમ ન કર્યો? એમ કર્યું હોત તો, મેં તને ખુશીથી ચાંદીના દસ ટુકડા અને કમરપટ્ટો આપ્યા હોત.” ૧૨  એ માણસે યોઆબને કહ્યું: “જો મને ચાંદીના ૧,૦૦૦ ટુકડા આપવામાં આવે, તોપણ હું રાજાના દીકરા સામે હાથ ન ઉઠાવું. તમને, અબીશાયને અને ઇત્તાયને રાજાએ આપેલો હુકમ અમે સાંભળ્યો છે: ‘તમારે કોઈએ પણ આબ્શાલોમને મારી નાખવો નહિ.’+ ૧૩  જો મેં હુકમ ન પાળીને* તેને મારી નાખ્યો હોત, તો એ કંઈ રાજાથી છૂપું રહ્યું ન હોત. તમે પણ એ સમયે મને બચાવ્યો ન હોત.” ૧૪  એ સાંભળીને યોઆબે તેને કહ્યું: “હું તારી સાથે વધારે સમય બગાડવા માંગતો નથી!” યોઆબે ત્રણ તીર* લીધાં અને પેલા મોટા ઝાડ પાસે ગયો, જેના પર આબ્શાલોમ જીવતો લટકતો હતો. યોઆબે એ તીર આબ્શાલોમના હૃદયની આરપાર ઉતારી દીધાં. ૧૫  યોઆબનાં હથિયાર ઊંચકનારા દસ ચાકરો આવ્યા અને આબ્શાલોમ પર તૂટી પડીને તેને મારી નાખ્યો.+ ૧૬  યોઆબે રણશિંગડું વગાડ્યું અને ઇઝરાયેલીઓનો પીછો કરનારા માણસો પાછા આવ્યા. આમ યોઆબે તેઓને રોક્યા. ૧૭  તેઓએ આબ્શાલોમનું શબ લઈને જંગલના એક મોટા ખાડામાં નાખ્યું અને એના પર પથ્થરોનો મોટો ઢગલો કરી દીધો.+ બધા ઇઝરાયેલીઓ પોતપોતાનાં ઘરે નાસી છૂટ્યા. ૧૮  જ્યારે આબ્શાલોમ જીવતો હતો, ત્યારે તેણે રાજાની ખીણમાં+ આમ વિચારીને પોતાના માટે એક સ્તંભ ઊભો કર્યો હતો: “મારું નામ કાયમ રાખવા માટે મારે કોઈ દીકરો નથી.”+ તેણે પોતાના નામ પરથી એ સ્તંભનું નામ રાખ્યું હતું. એ સ્તંભ આજ સુધી આબ્શાલોમના સ્મારક તરીકે ઓળખાય છે. ૧૯  સાદોકના દીકરા અહીમાઆસે+ કહ્યું: “કૃપા કરીને મને દોડીને જવા દો. હું જઈને રાજાને આ મોટી ખબર આપું. રાજાને દુશ્મનોથી છોડાવીને યહોવાએ અદ્દલ ઇન્સાફ કર્યો છે.”+ ૨૦  પણ યોઆબે તેને કહ્યું: “આજે ખબર આપવા ન જઈશ, બીજા કોઈ દિવસે જજે. આજે ખબર આપવાની નથી, કારણ કે ખુદ રાજાનો દીકરો માર્યો ગયો છે.”+ ૨૧  યોઆબે એક કૂશી+ માણસને કહ્યું: “જા, તેં જે જોયું એ જઈને રાજાને જણાવ.” એ માણસે યોઆબને નમન કર્યું અને દોડ્યો. ૨૨  સાદોકના દીકરા અહીમાઆસે ફરીથી યોઆબને કહ્યું: “ભલે ગમે એ થાય, કૃપા કરીને મને કૂશી માણસની પાછળ જવા દો.” પણ યોઆબે કહ્યું: “મારા દીકરા, ખબર આપવા જેવું કંઈ જ નથી, તો પછી તું શા માટે જવા માંગે છે?” ૨૩  તોપણ અહીમાઆસે કહ્યું: “ભલે ગમે એ થાય, મને જવા દો.” યોઆબે તેને કહ્યું: “જા દોડ!” અહીમાઆસ યર્દન વિસ્તારના રસ્તેથી દોડ્યો. તે પેલા કૂશી માણસની આગળ નીકળી ગયો. ૨૪  શહેરના બે દરવાજાઓ વચ્ચે દાઉદ બેઠો હતો.+ ચોકીદાર+ કોટના દરવાજા ઉપર ધાબે ગયો. તેણે જોયું તો એક માણસ દોડતો આવતો હતો. ૨૫  ચોકીદારે બૂમ પાડીને રાજાને એ જણાવ્યું. રાજાએ કહ્યું: “તે એકલો આવતો હોય તો, નક્કી તેની પાસે કોઈ સમાચાર છે.” એ માણસ પાસે આવ્યો તેમ, ૨૬  ચોકીદારે બીજા એક માણસને દોડતો આવતો જોયો. ચોકીદારે દરવાનને બૂમ પાડી: “જુઓ! બીજો એક માણસ પણ દોડતો આવે છે!” રાજાએ કહ્યું: “તેની પાસે પણ કોઈ ખબર હોવી જોઈએ.” ૨૭  ચોકીદારે કહ્યું: “પહેલા માણસની દોડ પરથી મને લાગે છે કે તે સાદોકનો દીકરો અહીમાઆસ+ છે.” રાજાએ કહ્યું: “તે સારો માણસ છે, તે કોઈ સારી ખબર લાવ્યો હશે.” ૨૮  અહીમાઆસે રાજાને બૂમ પાડીને કહ્યું: “બધું સલામત છે!” એમ કહીને તેણે રાજા આગળ જમીન સુધી માથું નમાવીને પ્રણામ કર્યા. તેણે કહ્યું: “યહોવા તમારા ઈશ્વરની સ્તુતિ થાઓ! હે રાજાજી, મારા માલિક, તેમણે તમારી વિરુદ્ધ બળવો પોકારનારા માણસોને તમારા હાથમાં સોંપી દીધા છે!”+ ૨૯  પણ રાજાએ પૂછ્યું: “મારો દીકરો આબ્શાલોમ તો સલામત છે ને?” અહીમાઆસે કહ્યું: “યોઆબે રાજાના સેવકને અને તમારા આ સેવકને મોકલ્યા ત્યારે, મેં ઘણી ધાંધલ થતી જોઈ, પણ શું થયું એની મને ખબર નથી.”+ ૩૦  રાજાએ કહ્યું: “અહીં એક બાજુ ઊભો રહે.” એ સાંભળીને તે એક બાજુ ઊભો રહ્યો. ૩૧  એટલામાં કૂશી માણસ આવી પહોંચ્યો.+ તેણે કહ્યું: “હે રાજાજી, મારા માલિક, તમારા માટે આ ખબર લાવ્યો છું: તમારી વિરુદ્ધ બળવો પોકારનારા બધાના હાથમાંથી તમને છોડાવીને, યહોવાએ આજે અદ્દલ ઇન્સાફ કર્યો છે.”+ ૩૨  રાજાએ કૂશી માણસને પૂછ્યું: “મારો દીકરો આબ્શાલોમ તો સલામત છે ને?” કૂશી માણસે કહ્યું: “હે રાજાજી, મારા માલિક, તમારા બધા દુશ્મનો અને તમને નુકસાન કરવા માટે જેઓ તમારી વિરુદ્ધ ઊઠે, તેઓ બધાના હાલ એ યુવાન જેવા થાય!”+ ૩૩  એ સાંભળીને રાજા ખૂબ દુઃખી થઈ ગયો. તે દરવાજાના ધાબા પર આવેલી ઓરડીમાં જઈને રડ્યો. તે આવો વિલાપ કરતાં કરતાં ઉપર ગયો: “ઓ મારા દીકરા આબ્શાલોમ, મારા દીકરા! ઓ મારા દીકરા આબ્શાલોમ! તારા બદલે હું મરી ગયો હોત તો સારું થાત! આબ્શાલોમ મારા દીકરા, મારા દીકરા!”+

ફૂટનોટ

મૂળ, “આકાશ અને પૃથ્વી વચ્ચે.”
અથવા, “દગો કરીને.”
અથવા કદાચ, “છડી; ભાલો.” મૂળ, “દાંડો.”