બીજો શમુએલ ૨૦:૧-૨૬

  • શેબાનું બંડ, યોઆબ અમાસાને મારી નાખે છે (૧-૧૩)

  • શેબાનો પીછો થયો અને તેનું માથું કપાયું (૧૪-૨૨)

  • દાઉદે કરેલી ગોઠવણો (૨૩-૨૬)

૨૦  હવે શેબા+ નામનો એક બદમાશ માણસ હતો. તે બિન્યામીન કુળના બિખ્રીનો દીકરો હતો. શેબાએ રણશિંગડું વગાડ્યું+ અને કહ્યું: “દાઉદ સાથે આપણો કોઈ સંબંધ નથી. યિશાઈના દીકરાના વારસામાં આપણને કોઈ લાગભાગ નથી.+ ઓ ઇઝરાયેલીઓ, પોતપોતાના દેવો* પાસે પાછા ફરો!”+ ૨  એ સાંભળીને બધા ઇઝરાયેલી માણસોએ દાઉદ પાછળ જવાનું પડતું મૂક્યું અને બિખ્રીના દીકરા શેબા પાછળ ગયા.+ પણ યહૂદાના માણસો પોતાના રાજાને વળગી રહ્યા અને યર્દનથી યરૂશાલેમ સુધી તેની સાથે ગયા.+ ૩  દાઉદ યરૂશાલેમમાં પોતાના મહેલમાં આવ્યો.+ તેણે મહેલની સંભાળ લેવા જે દસ ઉપપત્નીઓ રાખી હતી,+ તેઓને એક અલગ ઘરમાં રાખીને પહેરો ગોઠવી દીધો. તેણે તેઓનું ભરણપોષણ કર્યું, પણ તેઓ સાથે સંબંધ બાંધ્યો નહિ.+ તેઓ જીવી ત્યાં સુધી એ પહેરામાં રહી. તેઓનો પતિ જીવતો હોવા છતાં જાણે વિધવા હોય એ રીતે રહી. ૪  રાજાએ અમાસાને કહ્યું:+ “તું મારી આગળ યહૂદાના માણસોને ત્રણ દિવસમાં ભેગા કરીને હાજર થા.” ૫  એટલે અમાસા યહૂદાના માણસોને ભેગા કરવા નીકળી પડ્યો. પણ ઠરાવેલા સમય સુધીમાં તે પાછો આવ્યો નહિ. ૬  દાઉદે અબીશાયને+ કહ્યું: “બિખ્રીનો દીકરો શેબા+ આપણને આબ્શાલોમ કરતાં વધારે નુકસાન કરી શકે છે.+ જા, મારા સેવકોને* લઈને તેનો પીછો કર, જેથી તે કોટવાળાં શહેરોમાં નાસી ન છૂટે અને આપણા હાથમાંથી છટકી ન જાય.” ૭  એટલે યોઆબના+ માણસો, કરેથીઓ, પલેથીઓ+ અને બધા શૂરવીર માણસો તેની* પાછળ ગયા. તેઓ યરૂશાલેમથી બિખ્રીના દીકરા શેબાનો પીછો કરવા નીકળી પડ્યા. ૮  તેઓ ગિબયોનમાં+ મોટા પથ્થર નજીક આવ્યા ત્યારે, અમાસા+ તેઓને સામે મળવા આવ્યો. યોઆબે બખ્તર પહેરેલું હતું અને તેના કમરપટ્ટામાં મ્યાન સાથે તલવાર પણ લટકતી હતી. તે થોડો આગળ વધ્યો એટલામાં તેની તલવાર પડી ગઈ. ૯  યોઆબે અમાસાને પૂછ્યું: “કેમ મારા ભાઈ, બધું બરાબર તો છે ને?” પછી જાણે ચુંબન કરવા જતો હોય એમ યોઆબે જમણા હાથે અમાસાની દાઢી પકડી. ૧૦  યોઆબના હાથમાંની તલવાર તરફ અમાસાનું ધ્યાન ગયું નહિ. યોઆબે તેના પેટમાં તલવાર ઘુસાડી દીધી+ અને તેનાં આંતરડાં નીકળીને જમીન પર પડ્યાં. તેણે બીજો ઘા કરવાની જરૂર ન પડી. અમાસાને મારી નાખવા એક ઘા પૂરતો હતો. પછી યોઆબ અને તેના ભાઈ અબીશાયે બિખ્રીના દીકરા શેબાનો પીછો કર્યો. ૧૧  યોઆબના એક યુવાને અમાસા પાસે ઊભા રહીને કહ્યું: “જે કોઈ યોઆબ અને દાઉદના પક્ષે હોય, તે યોઆબની પાછળ જાય!” ૧૨  એ દરમિયાન અમાસા લોહીથી લથપથ રસ્તાની વચ્ચે તરફડતો હતો. જ્યારે પેલા યુવાને જોયું કે બધા લોકો ત્યાં આવીને ઊભા રહી જાય છે, ત્યારે તેણે અમાસાને રસ્તા પરથી ખસેડીને ખેતરમાં મૂક્યો. તેણે તેના પર કપડું ઓઢાડી દીધું, કારણ કે જે કોઈ ત્યાં આવતો એ ત્યાં જ ઊભો રહી જતો હતો. ૧૩  તેણે અમાસાને રસ્તા પરથી ખસેડ્યા પછી, બધા માણસો યોઆબ સાથે ગયા અને બિખ્રીના દીકરા શેબાનો+ પીછો કરવા લાગ્યા. ૧૪  શેબા ઇઝરાયેલનાં બધાં કુળોનાં વિસ્તારમાંથી પસાર થતો થતો છેક બેથ-માખાહના+ આબેલ શહેર ગયો. બિખ્રીઓ પણ ભેગા થઈને તેની પાછળ પાછળ શહેરમાં ગયા. ૧૫  યોઆબ અને તેના માણસોએ આવીને શેબાને પકડવા બેથ-માખાહના આબેલ શહેરને ઘેરી લીધું. શહેરના કોટને ફરતે ઢોળાવ હોવાથી તેઓએ હુમલો કરવા કોટની લગોલગ માટીનો એક ટેકરો બનાવ્યો. યોઆબ અને તેની સાથેના બધા માણસો કોટ તોડી પાડવા એની નીચેની જમીન ખોદવા લાગ્યા. ૧૬  એક સમજુ સ્ત્રીએ શહેરમાંથી બૂમ પાડી: “સાંભળો માણસો, સાંભળો! કૃપા કરીને યોઆબને કહો કે તે અહીં આવે, મારે તેમને કંઈક કહેવું છે.” ૧૭  યોઆબ એ સ્ત્રી પાસે ગયો ત્યારે તેણે પૂછ્યું: “શું તમે યોઆબ છો?” તેણે જવાબ આપ્યો: “હા.” સ્ત્રીએ તેને કહ્યું: “તમારી દાસીની વાત સાંભળો.” યોઆબે કહ્યું: “બોલ, શું કહેવું છે.” ૧૮  સ્ત્રીએ કહ્યું: “જૂના જમાનામાં લોકો કહેતા કે ‘આબેલ શહેર જઈને પૂછો,’ ગમે એવી તકલીફોનો જરૂર ઉકેલ મળશે. ૧૯  હું ઇઝરાયેલના શાંત અને વિશ્વાસુ લોકોમાંની એક છું. જે શહેર ઇઝરાયેલની મા સમાન છે, એને તમે કેમ તબાહ કરવા માંગો છો? યહોવાના વારસાને તમે કેમ ખેદાન-મેદાન કરવા માંગો છો?”+ ૨૦  યોઆબે જવાબ આપ્યો: “એને ખેદાન-મેદાન અને તબાહ કરવાનો વિચાર પણ મારા મનમાં ન આવે. ૨૧  અમારો એવો કોઈ ઇરાદો નથી. પણ શેબા+ નામના એક માણસે દાઉદ રાજા સામે બળવો કર્યો છે. તે એફ્રાઈમના પહાડી વિસ્તારનો છે+ અને બિખ્રીનો દીકરો છે. જો તમે આ એક માણસને મારે હવાલે કરી દો, તો હું શહેર પરનો ઘેરો ઉઠાવીને ચાલ્યો જઈશ.” સ્ત્રીએ યોઆબને કહ્યું: “સારું ત્યારે, અમે તેનું માથું કોટ પરથી તમારી તરફ નાખી દઈશું!” ૨૨  એ સમજુ સ્ત્રી તરત જ બધા લોકો પાસે ગઈ. તેઓએ બિખ્રીના દીકરા શેબાનું માથું કાપીને યોઆબ તરફ નાખ્યું. એટલે યોઆબે રણશિંગડું વગાડ્યું અને તેઓ શહેર પાસેથી છૂટા પડીને પોતપોતાનાં ઘરે ચાલ્યા ગયા.+ યોઆબ પાછો રાજા પાસે યરૂશાલેમ આવ્યો. ૨૩  યોઆબ આખા ઇઝરાયેલનો સેનાપતિ હતો.+ કરેથીઓ અને પલેથીઓનો+ ઉપરી યહોયાદાનો+ દીકરો બનાયા+ હતો. ૨૪  અદોરામ+ રાજાના મજૂરોનો ઉપરી હતો અને અહીલૂદનો દીકરો યહોશાફાટ+ ઇતિહાસકાર હતો. ૨૫  શેવા મંત્રી હતો. સાદોક+ અને અબ્યાથાર+ યાજકો હતા. ૨૬  યાઈરી ઇરા દાઉદનો મુખ્ય કારભારી બન્યો.*

ફૂટનોટ

અથવા કદાચ, “તંબુઓ.”
મૂળ, “તારા માલિકના સેવકોને.”
મોટા ભાગે, અબીશાય.
મૂળ, “યાજક બન્યો.”