બીજો શમુએલ ૨૩:૧-૩૯

  • દાઉદના છેલ્લા શબ્દો (૧-૭)

  • દાઉદના શૂરવીર યોદ્ધાઓનાં મોટાં કામો (૮-૩૯)

૨૩  દાઉદના આ છેલ્લા શબ્દો છે:+ “યિશાઈના દીકરા દાઉદના શબ્દો,+જે ઊંચી પદવીએ મુકાયો,+જે યાકૂબના ઈશ્વરનો અભિષિક્ત+અને ઇઝરાયેલનાં ગીતોનો સુરીલો ગાયક* છે.+  ૨  યહોવાની શક્તિથી હું બોલ્યો.+ તેમના બોલ મારી જીભે હતા.+  ૩  ઇઝરાયેલના ઈશ્વર બોલ્યા,ઇઝરાયેલના ખડકે મને કહ્યું:+ ‘જ્યારે મનુષ્યો પર કોઈ સચ્ચાઈથી* રાજ કરે,+ઈશ્વરનો ડર રાખીને રાજ કરે,+  ૪  ત્યારે તેનું રાજ સવારે ઊગતા સૂર્યની રોશની જેવું બને છે.+ એ રાજ વાદળ વગરની સવાર જેવું છે,વરસાદ પછી થતા ઉઘાડ જેવું છે,જેનાથી ધરતીનું ઘાસ ઊગી નીકળે છે.’+  ૫  શું ઈશ્વરની નજરમાં મારું ઘર એવું જ નથી? તેમણે મારી સાથે કાયમી કરાર કર્યો છે,+જે દરેક રીતે પાકો અને સલામત છે. એ કરાર મારો પૂરેપૂરો ઉદ્ધાર કરશે અને દિલની દરેક તમન્‍ના પૂરી કરશે,શું એ જ કારણે તે મારા ઘરને આબાદ કરતા નથી?+  ૬  પણ બધા નકામા માણસો કાંટાની જેમ ફેંકી દેવાય છે,+કેમ કે એ હાથથી ઉપાડી શકાતા નથી.  ૭  જ્યારે કોઈ માણસ એને અડકે,ત્યારે તેની પાસે લોઢાનાં હથિયારો અને ભાલો હોવાં જોઈએ. એને તો એની જગ્યાએ જ બાળીને ભસ્મ કરવા જોઈએ.” ૮  દાઉદના શૂરવીર યોદ્ધાઓનાં નામ આ છે:+ તાહખમોની યોશેબ-બાશ્શેબેથ, જે ત્રણ શૂરવીરોમાં ઉપરી હતો.+ તેણે એક જ સમયે ૮૦૦ માણસોને પોતાના ભાલાથી રહેંસી નાખ્યા હતા. ૯  તેના પછી એલઆઝાર,+ જે દોદોનો+ દીકરો અને અહોહીનો પૌત્ર હતો. પલિસ્તીઓ એક વખત ઇઝરાયેલીઓ સામે લડવા ભેગા થયા હતા ત્યારે, દાઉદના ત્રણ શૂરવીરોએ તેઓને મહેણાં માર્યાં હતાં. એલઆઝાર એ ત્રણ શૂરવીરોમાંનો એક હતો. એ સમયે ઇઝરાયેલી માણસોએ પીછેહઠ કરી, ૧૦  પણ એલઆઝાર લડતો રહ્યો. તેનો હાથ થાકી ગયો અને તલવાર પકડીને અક્કડ થઈ ગયો ત્યાં સુધી તે પલિસ્તીઓની કતલ કરતો રહ્યો.+ એ દિવસે યહોવાએ મોટી જીત અપાવી.*+ પછી ઇઝરાયેલના માણસો લાશો પરથી ચીજવસ્તુઓ લૂંટવા એલઆઝારની પાછળ પાછળ ગયા. ૧૧  તેના પછી શામ્માહ, જે હારારી આગેનો દીકરો હતો. એકવાર લેહીમાં મસુરના પાકથી ભરેલા એક ખેતર પાસે પલિસ્તીઓ ભેગા થયા હતા. બધા માણસો પલિસ્તીઓથી ડરીને નાસી છૂટ્યા. ૧૨  પણ શામ્માહે ખેતરની વચ્ચે ઊભા રહીને એનું રક્ષણ કર્યું અને પલિસ્તીઓને મારી નાખ્યા. યહોવાએ પોતાના લોકોને મોટી જીત અપાવી.*+ ૧૩  ફસલ કાપવાના સમયે ૩૦ આગેવાનોમાંથી ત્રણ માણસો દાઉદ પાસે અદુલ્લામની ગુફામાં ગયા.+ પલિસ્તીઓની ટુકડીએ રફાઈમની ખીણમાં+ છાવણી નાખી હતી. ૧૪  એ સમયે દાઉદ સલામત જગ્યાએ સંતાઈ ગયો હતો+ અને પલિસ્તીઓની ચોકી બેથલેહેમમાં હતી. ૧૫  દાઉદે કહ્યું: “કાશ, કોઈ મને બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી લાવી આપે!” ૧૬  એ સાંભળીને ત્રણ શૂરવીર યોદ્ધાઓ ત્યાંથી નીકળ્યા અને પલિસ્તીઓની છાવણીમાં ઘૂસી જઈને બેથલેહેમ પહોંચી ગયા. તેઓ બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી કાઢીને દાઉદ પાસે લાવ્યા. પણ દાઉદે એ પાણી પીવાની ના પાડી દીધી અને યહોવા આગળ રેડી દીધું.+ ૧૭  દાઉદે કહ્યું: “હે યહોવા, એ પાણી પીવાનું તો હું વિચારી પણ ન શકું. જે માણસોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો, તેઓનું લોહી હું કઈ રીતે પી શકું?”+ તેણે એ પાણી પીવાની ચોખ્ખી ના પાડી. દાઉદના ત્રણ શૂરવીર યોદ્ધાઓએ આવાં મોટાં કામો કર્યાં હતાં. ૧૮  યોઆબનો ભાઈ અને સરૂયાનો+ દીકરો અબીશાય+ બીજા ત્રણ શૂરવીરોમાં ઉપરી હતો. તેણે એક જ સમયે ૩૦૦ માણસોને પોતાના ભાલાથી મારી નાખ્યા હતા. તેની શાખ પહેલા ત્રણ શૂરવીરો જેવી જ હતી.+ ૧૯  ખરું કે બીજા ત્રણ શૂરવીરોમાં તે સૌથી કુશળ હતો અને તેઓમાં ઉપરી હતો, તોપણ તે પહેલા ત્રણ શૂરવીરોની બરાબરી કરી શક્યો નહિ. ૨૦  યહોયાદાનો દીકરો બનાયા+ બહાદુર માણસ* હતો. તેણે કાબ્સએલમાં+ ઘણાં પરાક્રમી કામો કર્યાં હતાં. તેણે મોઆબી અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા હતા. એકવાર હિમ પડતું હતું ત્યારે, તેણે ખાડામાં ઊતરીને એક સિંહને મારી નાખ્યો હતો.+ ૨૧  તેણે ઇજિપ્તના એક કદાવર માણસને પણ મારી નાખ્યો હતો. ઇજિપ્તના માણસના હાથમાં ભાલો હતો, છતાં બનાયા ફક્ત લાકડી લઈને તેની સામે ગયો. બનાયાએ ઇજિપ્તના માણસના હાથમાંથી ભાલો છીનવી લીધો અને એ જ ભાલાથી તેને મોતને ઘાટ ઉતારી દીધો. ૨૨  યહોયાદાના દીકરા બનાયાએ આવાં પરાક્રમી કામો કર્યાં હતાં. તેની શાખ પહેલા ત્રણ શૂરવીર યોદ્ધાઓ જેવી હતી. ૨૩  ખરું કે તે પેલા ત્રીસ શૂરવીર યોદ્ધાઓ કરતાં ચઢિયાતો હતો, તોપણ તે પહેલા ત્રણ શૂરવીરોની બરાબરી કરી શક્યો નહિ. જોકે દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી બનાવ્યો હતો. ૨૪  યોઆબનો ભાઈ અસાહેલ+ ત્રીસમાંનો એક હતો: બેથલેહેમના+ દોદોનો દીકરો એલ્હાનાન, ૨૫  હરોદી શામ્માહ, હરોદી અલીકા, ૨૬  પેલેટનો હેલેસ,+ તકોઆના ઈક્કેશનો દીકરો ઇરા,+ ૨૭  અનાથોથનો+ અબીએઝેર,+ હૂશાથી મબુન્‍નાય, ૨૮  અહોહી સાલ્મોન, નટોફાહનો માહરાય,+ ૨૯  નટોફાહના બાઅનાહનો દીકરો હેલેબ, બિન્યામીનીઓના ગિબયાહના રીબાયનો દીકરો ઇત્તાય, ૩૦  પિરઆથોનનો બનાયા,+ ગાઆશના+ વહેળાઓનો* હિદ્દાય, ૩૧  અરાબાહનો અબી-આલ્બોન, બાર્હુમીનો આઝ્માવેથ, ૩૨  શાઆલ્બોની એલ્યાહબા, યાશેનના દીકરાઓ, યોનાથાન, ૩૩  હારારી શામ્માહ, હારારી શારારનો દીકરો અહીઆમ, ૩૪  માઅખાથના દીકરા અહાસ્બાયનો દીકરો અલીફેલેટ, ગીલોની અહીથોફેલનો+ દીકરો એલીઆમ, ૩૫  કાર્મેલી હેસરો, અરબી પાઅરાય, ૩૬  સોબાહના નાથાનનો દીકરો ઇગાલ, ગાદનો બાની, ૩૭  આમ્મોની સેલેક, સરૂયાના દીકરા યોઆબનાં હથિયાર ઊંચકનાર બએરોથી નાહરાય, ૩૮  યિથ્રી ઇરા, યિથ્રી+ ગારેબ ૩૯  અને ઊરિયા+ હિત્તી, કુલ ૩૭ માણસો હતા.

ફૂટનોટ

અથવા, “મનપસંદ વ્યક્તિ.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “મોટો ઉદ્ધાર કર્યો.”
અથવા, “મોટો ઉદ્ધાર કર્યો.”
મૂળ, “શૂરવીર માણસનો દીકરો.”