બીજો શમુએલ ૭:૧-૨૯

  • દાઉદ મંદિર નહિ બાંધે (૧-૭)

  • દાઉદ સાથે રાજ્યનો કરાર (૮-૧૭)

  • આભાર માનવા દાઉદે કરેલી પ્રાર્થના (૧૮-૨૯)

 હવે રાજા તેના પોતાના મહેલમાં સુખચેનથી રહેતો હતો.+ યહોવાએ તેને આસપાસના બધા દુશ્મનોથી સલામતી આપી હતી. ૨  રાજાએ નાથાન+ પ્રબોધકને* કહ્યું: “જો, હું દેવદારનાં લાકડાંથી બનેલા મહેલમાં રહું છું,+ જ્યારે કે સાચા ઈશ્વરનો કરારકોશ કાપડના મંડપમાં છે.”+ ૩  નાથાને રાજાને જવાબ આપ્યો: “તમારા દિલની જે તમન્‍ના હોય એ કરો, કેમ કે યહોવા તમારી સાથે છે.”+ ૪  એ જ રાતે, નાથાન પાસે યહોવાનો આવો સંદેશો આવ્યો: ૫  “જા અને મારા સેવક દાઉદને કહે, ‘યહોવા આમ જણાવે છે: “શું મારા રહેવા માટે તું મંદિર બાંધવા માંગે છે?+ ૬  ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી* બહાર કાઢી લાવ્યો ત્યારથી લઈને આજ સુધી હું કોઈ મંદિરમાં રહ્યો નથી.+ હું તંબુ અને મંડપમાં* રહીને ફર્યો* છું.+ ૭  બધા ઇઝરાયેલીઓ* સાથે હું ફર્યો એ દરમિયાન શું મેં કંઈ કહ્યું હતું? મારા ઇઝરાયેલી લોકોની સંભાળ રાખવા મેં ઇઝરાયેલનાં કુળોમાંથી આગેવાનો પસંદ કર્યા હતા. શું મેં તેઓને ક્યારેય કહ્યું, ‘તમે મારા માટે દેવદારનાં લાકડાંનું મંદિર કેમ નથી બાંધ્યું?’”’ ૮  હવે મારા સેવક દાઉદને કહે, ‘સૈન્યોના ઈશ્વર યહોવા જણાવે છે કે “તું ઘેટાં ચરાવતો હતો, ત્યાંથી+ મેં તને મારા ઇઝરાયેલી લોકો પર આગેવાન થવા બોલાવ્યો.+ ૯  તું જ્યાં જ્યાં જઈશ, ત્યાં ત્યાં હું તારી સાથે રહીશ.+ તારી આગળથી તારા બધા દુશ્મનોનો હું સફાયો કરી નાખીશ.+ દુનિયામાં જે મહાન માણસો થઈ ગયા છે, તેઓની જેમ હું તારું નામ પણ મહાન કરીશ.+ ૧૦  હું મારા ઇઝરાયેલી લોકો માટે રહેવાની જગ્યા પસંદ કરીશ અને તેઓ એમાં ઠરીઠામ થશે. તેઓ ત્યાં રહેશે અને હેરાન-પરેશાન થશે નહિ. અગાઉની જેમ તેઓ પર દુષ્ટ માણસો જુલમ કરશે નહિ.+ ૧૧  મારા ઇઝરાયેલી લોકો પર મેં ન્યાયાધીશો* ઠરાવ્યા+ ત્યારે પણ દુષ્ટો જુલમ કરતા હતા. હું તને પણ તારા બધા દુશ્મનોના હાથમાંથી છોડાવીશ.+ “‘“યહોવા એમ પણ કહે છે કે યહોવા તારા માટે ઘર બાંધશે.*+ ૧૨  જ્યારે તારા દિવસો પૂરા થશે+ અને તારું મરણ થશે,* ત્યારે હું તારા વંશજને, એટલે કે તારા પોતાના દીકરાને ઊભો કરીશ. હું તેનું રાજ્ય કાયમ માટે ટકાવી રાખીશ.+ ૧૩  તે જ મારા નામના મહિમા માટે મંદિર બાંધશે.+ હું તેની રાજગાદી કાયમ ટકાવી રાખીશ.+ ૧૪  હું તેનો પિતા થઈશ અને તે મારો દીકરો થશે.+ તે કોઈ ભૂલ કરશે ત્યારે, હું માણસોની સોટીથી અને માણસોના* દીકરાઓના ફટકાથી તેને સુધારીશ.+ ૧૫  હું તેના પરથી મારી કૃપા* હટાવી લઈશ નહિ, જેમ મેં શાઉલ પરથી હટાવી લીધી હતી+ અને તેને તારી આગળથી દૂર કરી દીધો હતો. ૧૬  તારું ઘર અને તારું રાજ્ય હંમેશ માટે સલામત રહેશે. તારી રાજગાદી કાયમ માટે ટકી રહેશે.”’”+ ૧૭  નાથાને દાઉદને એ સંદેશો આપ્યો અને આખા દર્શન વિશે જણાવ્યું.+ ૧૮  એ સાંભળીને દાઉદ રાજા યહોવાની આગળ આવીને બેઠો અને બોલ્યો: “હે વિશ્વના માલિક* યહોવા, હું કોણ અને મારું ઘર કોણ કે તમે મને અહીં સુધી લઈ આવ્યા છો?+ ૧૯  હે વિશ્વના માલિક યહોવા, એટલું જ નહિ, તમે મને એ પણ જણાવ્યું કે તમારા સેવકનું ઘર લાંબા સમય સુધી ટકશે. હે વિશ્વના માલિક યહોવા, આ નિયમ* બધા મનુષ્યો માટે છે. ૨૦  તમારો સેવક દાઉદ તમને બીજું શું કહે? હે વિશ્વના માલિક યહોવા, તમે મને સારી રીતે જાણો છો.+ ૨૧  તમારા વચનને લીધે અને તમારા દિલની ઇચ્છાને લીધે, તમે આ મોટાં મોટાં કામો કર્યાં છે અને એ વિશે તમારા સેવકને જણાવ્યું છે.+ ૨૨  હે વિશ્વના માલિક યહોવા, તમે સાચે જ મહાન છો!+ અમે જે જે સાંભળ્યું છે, એ સાબિતી આપે છે કે તમારા જેવું કોઈ જ નથી+ અને તમારા સિવાય બીજા કોઈ ઈશ્વર નથી.+ ૨૩  ધરતી પર તમારા ઇઝરાયેલી લોકો જેવા શું કોઈ બીજા લોકો છે?+ હે ઈશ્વર, તમે પોતે જઈને તેઓને છોડાવ્યા અને પોતાના લોકો બનાવ્યા.+ તમે મોટા મોટા ચમત્કારો કરીને+ તમારું નામ મોટું મનાવ્યું.+ તમે તેઓને ઇજિપ્તમાંથી છોડાવી લાવ્યા. તમારા લોકો માટે તમે બીજી પ્રજાઓને અને તેઓના દેવોને હાંકી કાઢ્યાં. ૨૪  તમે ઇઝરાયેલીઓને હંમેશ માટે તમારા લોકો તરીકે અપનાવી લીધા.+ હે યહોવા, તમે તેઓના ઈશ્વર બન્યા.+ ૨૫  “હે યહોવા ઈશ્વર, તમારા સેવક અને તેના ઘર વિશે આપેલું વચન તમે હંમેશ માટે નિભાવજો. તમે જે વચન આપ્યું છે, એ પ્રમાણે જ થવા દેજો.+ ૨૬  તમારું નામ સદાને માટે મોટું મનાય,+ જેથી લોકો કહે કે ‘સૈન્યોના ઈશ્વર યહોવા ઇઝરાયેલના ઈશ્વર છે.’ તમારી આગળ તમારા સેવક દાઉદનું ઘર કાયમ માટે ટકી રહે એવું થવા દો.+ ૨૭  હે સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયેલના ઈશ્વર, તમે તમારા સેવકને પ્રગટ કર્યું છે કે ‘હું તારા માટે ઘર બાંધીશ.’*+ એ કારણે તમારા સેવકે તમને આવી પ્રાર્થના કરવાની હિંમત કરી છે. ૨૮  હે વિશ્વના માલિક યહોવા, તમે જ સાચા ઈશ્વર છો. તમારાં વચનો સાચાં છે+ અને તમે તમારા સેવકને આ આશીર્વાદોનું વચન આપ્યું છે. ૨૯  એટલે કૃપા કરીને તમારા સેવકના ઘરને આશીર્વાદ આપો. એ કાયમ માટે તમારી આગળ ટકી રહે.+ હે વિશ્વના માલિક યહોવા, તમે જ વચન આપ્યું છે. તમારો આશીર્વાદ તમારા સેવકના ઘર પર કાયમ રહે.”+

ફૂટનોટ

અથવા, “મિસરમાંથી.”
મૂળ, “ચાલ્યો.”
મૂળ, “ઇઝરાયેલના દીકરાઓ.”
અથવા, “રાજવંશ સ્થાપશે.”
મૂળ, “તું તારા પિતાઓની સાથે ઊંઘી જશે.”
અથવા કદાચ, “આદમના.”
અથવા, “મારો અતૂટ પ્રેમ.”
અથવા, “સૂચના.”
અથવા, “રાજવંશ સ્થાપીશ.”