બીજો શમુએલ ૮:૧-૧૮

  • દાઉદે મેળવેલી જીત (૧-૧૪)

  • દાઉદે કરેલી ગોઠવણો (૧૫-૧૮)

 અમુક સમય પછી, દાઉદે પલિસ્તીઓને હરાવ્યા+ અને તાબે કરી લીધા.+ દાઉદે પલિસ્તીઓના હાથમાંથી મેથેગ-આમ્માહ લઈ લીધું. ૨  તેણે મોઆબીઓને પણ હરાવી દીધા.+ તેણે તેઓને જમીન પર સુવડાવીને દોરીથી માપ્યા. બે દોરી માપમાં આવતા માણસોને મારી નાખ્યા અને એક દોરી માપમાં આવતા માણસોને જીવતા રાખ્યા.+ મોઆબીઓ દાઉદના ગુલામ બન્યા અને તેને વેરો ભરવા* લાગ્યા.+ ૩  દાઉદે હદાદએઝેરને હરાવ્યો, જે સોબાહના રાજા રહોબનો દીકરો હતો.+ હદાદએઝેર યુફ્રેટિસ* નદી પાસે પોતાની સત્તા પાછી મેળવવા જતો હતો ત્યારે, દાઉદે તેને હરાવ્યો.+ ૪  દાઉદે તેની પાસેથી ૧,૭૦૦ ઘોડેસવારો અને ૨૦,૦૦૦ પાયદળ સૈનિકો કબજે કર્યા. તેણે રથના ૧૦૦ ઘોડા બાકી રાખીને બીજા બધા ઘોડાઓના પગની નસો કાપી નાખી.+ ૫  દમસ્કમાં+ રહેતા સિરિયાના લોકો સોબાહના રાજા હદાદએઝેરને મદદ કરવા દોડી આવ્યા. દાઉદે સિરિયાના ૨૨,૦૦૦ માણસોને મારી નાખ્યા.+ ૬  પછી દાઉદે દમસ્કના સિરિયામાં ચોકીઓ ગોઠવી. સિરિયાના માણસો દાઉદના ગુલામ બન્યા અને તેને વેરો ભરવા* લાગ્યા. દાઉદ જ્યાં પણ જતો, યહોવા તેને જીત અપાવતા.*+ ૭  દાઉદે હદાદએઝેરના ચાકરો પાસેથી સોનાની ઢાલો લઈ લીધી અને એ યરૂશાલેમ લઈ આવ્યો.+ ૮  હદાદએઝેરનાં શહેરો બેટાહ અને બેરોથાયમાંથી રાજા દાઉદ ઢગલેબંધ તાંબું લઈ આવ્યો. ૯  હમાથના+ રાજા ટોઈએ સાંભળ્યું કે દાઉદે હદાદએઝેરના લશ્કરને ધૂળ ચાટતું કરી દીધું છે.+ ૧૦  એટલે ટોઈએ પોતાના દીકરા યોરામને રાજા દાઉદ પાસે મોકલ્યો. ટોઈએ દાઉદના ખબરઅંતર પુછાવ્યા અને શાબાશી આપી, કારણ કે દાઉદે હદાદએઝેર સામે લડાઈ કરીને તેને હરાવ્યો હતો. (હદાદએઝેર ઘણી વાર ટોઈ સામે યુદ્ધ કરતો હતો.) યોરામ પોતાની સાથે સોના-ચાંદી અને તાંબામાંથી બનાવેલી વસ્તુઓ દાઉદ માટે લઈ આવ્યો. ૧૧  રાજા દાઉદે એ બધું યહોવા માટે પવિત્ર કર્યું, જે રીતે તેણે તાબે કરેલી પ્રજાઓ પાસેથી મેળવેલું સોનું અને ચાંદી પવિત્ર કર્યું હતું.+ ૧૨  એટલે કે, સિરિયાના લોકો અને મોઆબીઓ,+ આમ્મોનીઓ, પલિસ્તીઓ,+ અમાલેકીઓ+ અને સોબાહના રાજા રહોબના દીકરા હદાદએઝેર+ પાસેથી મેળવેલું સોનું અને ચાંદી. ૧૩  દાઉદ ૧૮,૦૦૦ અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખીને પાછો આવ્યો ત્યારે, તેનું નામ જગજાહેર થઈ ગયું.+ ૧૪  તેણે અદોમમાં ચોકીઓ ગોઠવી. તેણે આખા અદોમમાં ચોકીઓ ગોઠવી અને બધા અદોમીઓ દાઉદના ગુલામ બન્યા.+ દાઉદ જ્યાં પણ જતો, યહોવા તેને જીત અપાવતા.*+ ૧૫  દાઉદ આખા ઇઝરાયેલ પર રાજ કરતો રહ્યો.+ તે પોતાના બધા લોકોનો+ અદ્દલ ઇન્સાફ કરતો અને સચ્ચાઈથી રાજ કરતો.+ ૧૬  સરૂયાનો દીકરો યોઆબ+ સેનાપતિ હતો અને અહીલૂદનો દીકરો યહોશાફાટ+ ઇતિહાસકાર હતો. ૧૭  અહીટૂબનો દીકરો સાદોક+ અને અબ્યાથારનો દીકરો અહીમેલેખ યાજકો* હતા અને સરાયા મંત્રી* હતો. ૧૮  કરેથીઓ અને પલેથીઓનો+ ઉપરી યહોયાદાનો દીકરો બનાયા+ હતો. દાઉદના દીકરાઓ મુખ્ય કારભારીઓ હતા.*

ફૂટનોટ

અથવા, “ભેટો આપવા.”
અથવા, “ફ્રાત.”
અથવા, “ભેટો આપવા.”
અથવા, “તેનો ઉદ્ધાર કરતા.”
અથવા, “તેનો ઉદ્ધાર કરતા.”
મૂળ, “યાજકો હતા.”