બીજો શમુએલ ૯:૧-૧૩

  • મફીબોશેથ માટે દાઉદનો અતૂટ પ્રેમ (૧-૧૩)

 દાઉદે પૂછ્યું: “શાઉલના ઘરમાંથી શું હજી કોઈ જીવે છે? જો હોય તો હું યોનાથાનને લીધે તેના પર અતૂટ પ્રેમ બતાવીશ.”+ ૨  શાઉલના ઘરનો સીબા નામનો એક સેવક હતો.+ તેઓએ તેને દાઉદ પાસે બોલાવ્યો. રાજાએ તેને પૂછ્યું: “શું તું સીબા છે?” તેણે જવાબ આપ્યો: “હા જી, હું તમારો સેવક સીબા છું.” ૩  રાજાએ કહ્યું: “શાઉલના ઘરમાંથી શું હજી કોઈ જીવે છે કે તેના પર હું ઈશ્વર જેવો અતૂટ પ્રેમ બતાવું?” સીબાએ જવાબ આપ્યો: “યોનાથાનનો એક દીકરો હજી જીવે છે. તે બંને પગે અપંગ* છે.”+ ૪  રાજાએ તેને પૂછ્યું: “તે ક્યાં છે?” સીબાએ જવાબ આપ્યો: “તે લો-દબારમાં આમ્મીએલના દીકરા માખીરના ઘરમાં રહે છે.”+ ૫  દાઉદ રાજાએ તરત પોતાના માણસો મોકલ્યા. તેઓ યોનાથાનના દીકરાને લો-દબારમાં આમ્મીએલના દીકરા માખીરના ઘરેથી બોલાવી લાવ્યા. ૬  શાઉલના દીકરા યોનાથાનનો દીકરો મફીબોશેથ દાઉદ આગળ આવ્યો. તેણે તરત જ ભૂમિ સુધી માથું નમાવીને પ્રણામ કર્યા. દાઉદે કહ્યું: “મફીબોશેથ!” તેણે જવાબ આપ્યો: “હા, મારા માલિક.” ૭  દાઉદે કહ્યું: “ગભરાઈશ નહિ. હું તારા પિતા યોનાથાનને લીધે તારા પર ચોક્કસ અતૂટ પ્રેમ રાખીશ.+ તારા દાદા શાઉલની બધી જમીન હું તને પાછી આપીશ. તું હંમેશાં મારી મેજ પર ભોજન કરજે.”+ ૮  એ સાંભળીને મફીબોશેથે ફરીથી નમન કર્યું અને કહ્યું: “તમારો આ સેવક કોણ કે તમે તેના પર આટલી બધી મહેરબાની કરો છો? હું તો મરેલા કૂતરા જેવો છું.”+ ૯  રાજાએ શાઉલના સેવક સીબાને બોલાવીને કહ્યું: “શાઉલ અને તેના ઘરનું જે કંઈ છે, એ બધું હું તારા માલિકના પૌત્રને સોંપું છું.+ ૧૦  તું તેના માટે જમીન ખેડશે. તું અને તારા દીકરાઓ અને તારા સેવકો એ ખેડશો અને એની ઊપજ ભેગી કરશો. એનાથી તમે તમારા માલિકના પૌત્રના આખા કુટુંબનું ભરણપોષણ કરશો. પણ તારા માલિકનો પૌત્ર મફીબોશેથ તો હંમેશાં મારી મેજ પર ભોજન કરશે.”+ સીબાને ૧૫ દીકરાઓ અને ૨૦ સેવકો હતા.+ ૧૧  સીબાએ રાજાને કહ્યું: “હે રાજાજી, મારા માલિક, તમે જે હુકમ આપશો એ બધું જ તમારો સેવક કરશે.” મફીબોશેથ રાજાના દીકરાઓની જેમ દાઉદની* મેજ પર ભોજન કરતો. ૧૨  મફીબોશેથને મીખા નામે એક નાનો દીકરો પણ હતો.+ સીબાના ઘરમાં રહેનારા બધા જ મફીબોશેથના સેવકો બન્યા. ૧૩  મફીબોશેથ યરૂશાલેમમાં જ રહેતો અને હંમેશાં રાજાની મેજ પર ભોજન કરતો.+ તે બંને પગે અપંગ હતો.+

ફૂટનોટ

અથવા, “લંગડો.”
અથવા કદાચ, “મારી.”