સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ક-૪

હિબ્રૂ શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ

બાબેલોનની ગુલામી અગાઉ વપરાતા પ્રાચીન હિબ્રૂ અક્ષરોમાં ઈશ્વરનું નામ

બાબેલોનની ગુલામી પછી વપરાતા હિબ્રૂ અક્ષરોમાં ઈશ્વરનું નામ

હિબ્રૂ શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ આ ચાર હિબ્રૂ વ્યંજનોથી રજૂ કરવામાં આવે છે: יהוה (ય-હ-વ-હ). આ નામ એમાં આશરે ૭,૦૦૦ વખત જોવા મળે છે. આ બાઇબલમાં એ ચાર મૂળાક્ષરોનું (ટેટ્રાગ્રામેટોન) ભાષાંતર “યહોવા” કરવામાં આવ્યું છે. બાઇબલમાં એ નામ સૌથી વધારે વખત જોવા મળે છે. ઈશ્વરની પ્રેરણાથી બાઇબલ લેખકોએ ઈશ્વર માટે ઘણા ખિતાબો કે વર્ણન કરતા શબ્દો વાપર્યા છે, જેમ કે “સર્વશક્તિમાન,” “સર્વોચ્ચ” અને “પ્રભુ.” પણ ઈશ્વરનું નામ બતાવવા માટે તેઓ ફક્ત એ ચાર મૂળાક્ષરો વાપરે છે.

યહોવા ઈશ્વરે પોતાના નામનો ઉપયોગ કરવા બાઇબલના લેખકોને જણાવ્યું હતું. દાખલા તરીકે, તેમણે પ્રબોધક યોએલને આમ લખવા પ્રેરણા આપી: “જે કોઈ યહોવાને નામે પોકાર કરશે, તે ઉદ્ધાર મેળવશે.” (યોએલ ૨:૩૨) ઈશ્વરે એક ગીતના લેખકને આમ લખવા જણાવ્યું: “બધા લોકો જાણે કે તમારું નામ યહોવા છે અને આખી પૃથ્વી પર તમે એકલા જ સર્વોચ્ચ ઈશ્વર છો.” (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) ગીતશાસ્ત્રના પુસ્તકનો વિચાર કરો. એમાં ઈશ્વરનું નામ આશરે ૭૦૦ વાર જોવા મળે છે. એ કવિતાઓનું પુસ્તક છે. એ કવિતાઓ ઈશ્વરના લોકોએ ગાવાની અને મોઢે બોલવાની હતી. તો પછી ઘણાં બાઇબલ ભાષાંતરોમાં ઈશ્વરનું નામ કેમ જોવા મળતું નથી? આ બાઇબલ કેમ ઈશ્વર માટે “યહોવા” નામ વાપરે છે? યહોવા નામનો અર્થ શું થાય?

મૃત સરોવરના વીંટામાં મળેલો ગીતશાસ્ત્રનો અમુક ભાગ, જે ઈસવીસન પહેલી સદીની શરૂઆતનો છે. ભલે એ લખાણ બાબેલોનની ગુલામી પછી વપરાતા હિબ્રૂ અક્ષરોમાં છે, પણ ચાર મૂળાક્ષરો પ્રાચીન હિબ્રૂ અક્ષરોમાં વારંવાર જોવા મળે છે

ઘણાં બાઇબલ ભાષાંતરોમાં ઈશ્વરનું નામ કેમ જોવા મળતું નથી? એનાં જુદાં જુદાં કારણો છે. અમુકને લાગે છે કે સર્વશક્તિમાન ઈશ્વરને પોતાની ઓળખ આપવા કોઈ ખાસ નામની જરૂર નથી. બીજા અમુક પર યહૂદી માન્યતાની અસર થઈ હોય શકે. યહૂદીઓને કદાચ ડર હતો કે ઈશ્વરનું નામ વાપરવાથી એ નામ અપવિત્ર થઈ જશે. બીજા અમુક માને છે કે ઈશ્વરના નામનો ખરો ઉચ્ચાર કોઈ જાણતું નથી. એટલે “પ્રભુ” કે “ઈશ્વર” જેવા ખિતાબો વાપરવા સારું. પણ આવી દલીલો ગળે ઉતારવી અઘરી છે. ચાલો અમુક કારણો જોઈએ:

  • અમુક લોકો દલીલ કરે છે કે સર્વશક્તિમાન ઈશ્વરને કોઈ ખાસ નામની જરૂર નથી. પણ તેઓ એ પુરાવા પર ધ્યાન નથી આપતા કે શાસ્ત્રવચનોની જૂની નકલોમાં ઈશ્વરનું નામ મળી આવે છે. એમાંની અમુક નકલો તો ઈસુ ખ્રિસ્તના સમય અગાઉથી સાચવી રાખવામાં આવી છે. આગળ જોયું તેમ, ઈશ્વરની પ્રેરણાથી તેમનું નામ શાસ્ત્રવચનોમાં આશરે ૭,૦૦૦ વખત વપરાયું છે. સાચે જ, ઈશ્વર ચાહે છે કે આપણે તેમનું નામ જાણીએ અને વાપરીએ.

  • જે ભાષાંતર કરનારાઓ યહૂદી માન્યતાને લીધે ઈશ્વરનું નામ કાઢી નાખે છે, તેઓ એક મહત્ત્વનો મુદ્દો ચૂકી જાય છે. ભલે અમુક યહૂદી શાસ્ત્રીઓ એ નામનો ઉચ્ચાર કરવા માંગતા ન હતા, પણ તેઓએ બાઇબલની નકલોમાંથી એ નામ કાઢી નાખ્યું નથી. મૃત સરોવર નજીક કૂમરાનમાં મળેલા જૂના વીંટાઓમાં એ નામ ઘણી વાર જોવા મળે છે. અમુક ભાષાંતર કરનારાઓ “પ્રભુ” ખિતાબને મોટા અક્ષરોમાં લખે છે. એનાથી તેઓ બતાવવા ચાહે છે કે મૂળ લખાણોમાં એ જગ્યાએ ઈશ્વરનું નામ હતું. ભાષાંતર કરનારા ઘણા કબૂલે છે કે બાઇબલમાં ઈશ્વરનું નામ હજારો વખત છે. તો પછી તેઓએ કેમ ઈશ્વરના નામને બદલે ખિતાબો મૂકવાની કે એ નામ કાઢી નાખવાની છૂટ લીધી? આવા ફેરફારો કરવા તેઓને અધિકાર કોણે આપ્યો? એનો જવાબ તો તેઓ જ આપી શકે.

  • અમુક લોકો કહે છે કે ઈશ્વરના નામનો ખરો ઉચ્ચાર કોઈ જાણતું નથી, એટલે એ ન વાપરવું જોઈએ. પણ તેઓ ઈસુનું નામ તો છૂટથી વાપરે છે. પહેલી સદીના શિષ્યો ઈસુના નામનો ઉચ્ચાર જુદી રીતે કરતા અને આજના મોટા ભાગના ખ્રિસ્તીઓ જુદી રીતે કરે છે. યહૂદી ખ્રિસ્તીઓ ઈસુના નામનો ઉચ્ચાર કદાચ યેશુઆ કરતા. “ખ્રિસ્ત” ખિતાબનો ઉચ્ચાર મસીઆક અથવા “મસીહ” કરતા. ગ્રીક ખ્રિસ્તીઓ તેમને ઇસોસ ખ્રિસ્તોસ કહેતા અને લૅટિન ખ્રિસ્તીઓ ઇસુસ ખ્રિસ્તુસ કહેતા. ઈશ્વરની પ્રેરણાથી બાઇબલમાં ઈસુના નામનો ગ્રીક ઉચ્ચાર લખી લેવામાં આવ્યો. પહેલી સદીના ખ્રિસ્તીઓને ઈસુનું એ નામ વાપરવું યોગ્ય લાગ્યું જે ગ્રીક ભાષામાં જાણીતું હતું. એવી જ રીતે, નવી દુનિયા બાઇબલ ભાષાંતર સમિતિને લાગે છે કે ઈશ્વરના નામ માટે “યહોવા” ઉચ્ચાર વાપરવો યોગ્ય છે, પછી ભલે એનો પ્રાચીન હિબ્રૂ ઉચ્ચાર થોડો અલગ હોય.

નવી દુનિયા ભાષાંતર કેમ ઈશ્વર માટે “યહોવા” ઉચ્ચાર વાપરે છે? હિબ્રૂના આ ચાર મૂળાક્ષરો יהוה ગુજરાતીમાં ય-હ-વ-હ વ્યંજનોથી રજૂ કરવામાં આવે છે. પ્રાચીન હિબ્રૂ લખાણમાં વપરાતા બધા શબ્દોની જેમ આ ચાર મૂળાક્ષરોમાં પણ કોઈ સ્વર નથી. જ્યારે પ્રાચીન હિબ્રૂ ભાષા બોલચાલમાં વપરાતી હતી, ત્યારે વાચકો પોતે એમાં યોગ્ય સ્વરો ઉમેરતા હતા.

હિબ્રૂ શાસ્ત્રવચનોનું લખાણ પૂરું થયું એના હજારેક વર્ષ પછી, યહૂદી વિદ્વાનોએ યોગ્ય સ્વરો સાથે વાંચવાની એક રીત શોધી કાઢી. તેઓએ અમુક ચિહ્‍નો કે નિશાનીઓ બનાવી, જે બતાવે કે હિબ્રૂ વાંચતી વખતે કયા સ્વરો વાપરવા. પણ ઘણા યહૂદીઓમાં અંધશ્રદ્ધા ઘર કરી ગઈ હતી કે ઈશ્વરનું નામ બોલવું ખોટું છે. તેઓ નામને બદલે ખિતાબો વાપરતા. એવું લાગે છે કે ચાર મૂળાક્ષરોની નકલ કરતી વખતે તેઓએ ઈશ્વરનું નામ રજૂ કરતા ચાર વ્યંજનો અને ખિતાબોના સ્વરોને ભેગા કરી દીધા. એટલે સ્વરનાં ચિહ્‍નો મૂકેલી હસ્તપ્રતોથી એ જાણવા મદદ મળતી નથી કે મૂળ હિબ્રૂમાં ઈશ્વરના નામનો ખરો ઉચ્ચાર શું થાય. અમુકને લાગે છે કે એનો ઉચ્ચાર “યાહવેહ” થતો હતો, જ્યારે કે અમુક લોકો કંઈક બીજું માને છે. મૃત સરોવરના વીંટામાં લેવીય પુસ્તકનો એક નાનકડો ભાગ મળી આવ્યો. એમાં ઈશ્વરના નામનો હિબ્રૂ ઉચ્ચાર ગ્રીક ભાષામાં યાઓ લખ્યો હતો. શરૂઆતના ગ્રીક લેખકો યાયે, યાબે, યાઉવી ઉચ્ચારો જણાવે છે. પણ કોઈ એક ઉચ્ચાર ખરો છે એવું આપણે પકડી રાખવાની જરૂર નથી. આપણે જાણતા નથી કે અગાઉના ભક્તો ઈશ્વરના નામનો હિબ્રૂમાં કેવો ઉચ્ચાર કરતા હતા. (ઉત્પત્તિ ૧૩:૪; નિર્ગમન ૩:૧૫) પણ એ તો જાણીએ છીએ કે ભક્તો સાથે વાત કરતી વખતે ઈશ્વરે પોતાના નામનો વારંવાર ઉપયોગ કર્યો હતો. ઈશ્વરના લોકો પણ તેમને એ નામથી બોલાવતા હતા. તેઓ વાતચીતમાં છૂટથી ઈશ્વરનું નામ વાપરતા હતા.—નિર્ગમન ૬:૨; ૧ રાજાઓ ૮:૨૩; ગીતશાસ્ત્ર ૯૯:૯.

આ બાઇબલ કેમ ઈશ્વર માટે “યહોવા” નામ વાપરે છે? કેમ કે અમુક ભાષાઓમાં ઈશ્વરના નામનો એ ઉચ્ચાર લાંબા સમયથી વપરાય છે.

૧૫૩૦માં વિલિયમ ટિંડેલે ભાષાંતર કરેલા પંચગ્રંથમાં ઉત્પત્તિ ૧૫:૨માં ઈશ્વરનું નામ

ગુજરાતીમાં ઈશ્વરના નામનો ઉપયોગ ૧૮૨૯ના ઓરીજિનલ વર્ઝન (ઓ.વી.) બાઇબલમાં જોવા મળે છે. વર્ષો દરમિયાન એમાં ઈશ્વરના નામ માટે “જીહોવા,” “યાહવે” અને “યહોવાહ” જોડણી વપરાઈ છે. બીજાં ગુજરાતી બાઇબલો ઈશ્વરના નામ માટે અલગ અલગ જોડણી વાપરે છે. મહત્ત્વનું એ છે કે તેઓ ઈશ્વરનું નામ વાપરે છે. બીજી ભાષાનાં બાઇબલોમાં પણ એવું જ છે. દાખલા તરીકે, અંગ્રેજીમાં ઈશ્વરનું નામ પહેલી વાર ૧૫૩૦માં વિલિયમ ટિંડેલે ભાષાંતર કરેલા પંચગ્રંથમાં જોવા મળ્યું. તેમણે “ઈહોઆહ” ઉચ્ચાર વાપર્યો. સમય જતાં, અંગ્રેજી ભાષા બદલાઈ અને ઈશ્વરના નામની જોડણી પણ બદલાઈ. ૧૬૧૨માં હેન્રી એન્સવર્થે ભાષાંતર કરેલા ગીતશાસ્ત્રના આખા પુસ્તકમાં “યેહોવાહ” ઉચ્ચાર વાપર્યો. ૧૬૩૯માં જ્યારે એ પુસ્તકમાં સુધારો કરીને પંચગ્રંથ સાથે છાપવામાં આવ્યું, ત્યારે એમાં “જેહોવાહ” ઉચ્ચાર વપરાયો. ૧૯૦૧માં અમેરિકન સ્ટાન્ડર્ડ વર્ઝન બાઇબલ બહાર પડ્યું. આ બાઇબલમાં ભાષાંતર કરનારાઓએ હિબ્રૂ લખાણોમાં જ્યાં ઈશ્વરનું નામ હતું, ત્યાં “જેહોવાહ” નામ વાપર્યું.

એક જાણીતા બાઇબલ વિદ્વાન જોસેફ બ્રાયેન્ટ રોધરહામે ૧૯૧૧માં સ્ટડીસ ઇન ધ સામ્સ પુસ્તક બહાર પાડ્યું. એમાં તેમણે “યાહવેહ” વાપરવાને બદલે “જેહોવાહ” ઉચ્ચાર વાપર્યો. શા માટે? તેમણે જણાવ્યું કે ઈશ્વરના “નામનો એવો ઉચ્ચાર વાપરવો હતો, જે બાઇબલ વાચકો માટે જાણીતો (અને માન્ય) હોય.” ૧૯૩૦માં વિદ્વાન એ. એફ. કર્કપેટ્રીકે પણ “જેહોવાહ” ઉચ્ચાર વિશે કંઈક એવો જ વિચાર જણાવ્યો. તેમણે કહ્યું: “આજના વ્યાકરણના વિદ્વાનો દલીલ કરે છે કે એનો ઉચ્ચાર યાહવેહ અથવા યાહાવેહ થવો જોઈએ. પણ અંગ્રેજી ભાષામાં ‘જેહોવાહ’ ઉચ્ચાર વર્ષોથી જાણીતો છે. મહત્ત્વનું એ નથી કે એનો ખરો ઉચ્ચાર શું છે. મહત્ત્વનું તો એ છે કે ‘જેહોવાહ’ એક નામ છે, ‘પ્રભુ’ જેવો ખિતાબ નથી.”

ચાર મૂળાક્ષરો, ય-હ-વ-હ : “તે શક્ય બનાવે છે”

ક્રિયાપદ હ-વ-હ : “બનવું”

યહોવા નામનો અર્થ શું થાય? હિબ્રૂ ભાષામાં યહોવા નામ એવા ક્રિયાપદમાંથી આવે છે, જેનો અર્થ “બનવું” થાય છે. ઘણા વિદ્વાનોના કહેવા પ્રમાણે એ હિબ્રૂ ક્રિયાપદ બતાવે છે કે કોઈક કંઈ કરે છે અથવા કરાવે છે. નવી દુનિયા ભાષાંતર સમિતિ માને છે કે ઈશ્વરના નામનો આવો અર્થ થાય છે: “તે શક્ય બનાવે છે.” આ વિશે વિદ્વાનોના અલગ અલગ વિચારો છે. એટલે એવું પકડી રાખવાની જરૂર નથી કે એનો અર્થ એવો જ હોવો જોઈએ. જોકે, એ અર્થ યહોવા માટે એકદમ બંધબેસે છે, કેમ કે તે સર્જનહાર છે અને પોતાનો હેતુ પૂરો કરે છે. તેમણે વિશ્વ, મનુષ્યો અને દૂતોની રચના કરી છે. એટલું જ નહિ, જેમ જેમ દુનિયામાં બનાવો બનતા જાય છે, તેમ તેમ તે પોતાની ઇચ્છા અને હેતુ પૂરાં થાય એવું શક્ય બનાવે છે.

યહોવા નામનો અર્થ નિર્ગમન ૩:૧૪માં આપેલા ક્રિયાપદ પૂરતો મર્યાદિત નથી, જે કહે છે: “હું જે બનવા ચાહું છું, એ બનીશ.” હકીકતમાં એ શબ્દો ઈશ્વરના નામનો પૂરેપૂરો અર્થ આપતા નથી, પણ ઈશ્વરના સ્વભાવનું ફક્ત એક પાસું રજૂ કરે છે. હા, તે પોતાનો હેતુ પૂરો કરવા દરેક સંજોગમાં જે જરૂરી હોય એ બને છે. ખરું કે યહોવા નામનો એવો અર્થ થાય છે, પણ એ એટલા પૂરતો મર્યાદિત નથી કે તે પોતે ચાહે એ બની શકે છે. તેમના નામનો આવો પણ અર્થ થાય: તે પોતાનો હેતુ પૂરો કરવા જે કંઈ જરૂરી હોય એ પોતાના સર્જન દ્વારા શક્ય બનાવે છે.