સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૫૦

આપણી આઝાદી માટે યહોવાની ગોઠવણ

આપણી આઝાદી માટે યહોવાની ગોઠવણ

‘તમારે આખા દેશમાં એના સર્વ રહેવાસીઓને માટે છુટકારાનો ઢંઢેરો પિટાવવો.’—લેવી. ૨૫:૧૦.

ગીત ૧૩૬ ધરતી પર તારું રાજ આવે

ઝલક *

૧-૨. (ક) જુબિલીનો શો અર્થ થતો? (“ જુબિલી એટલે શું?” બૉક્સ જુઓ.) (ખ) લુક ૪:૧૬-૧૮માં ઈસુએ શાના વિશે જણાવ્યું હતું?

અમુક દેશોમાં રાજા કે રાણીના શાસનના પચાસ વર્ષ પૂરાં થાય ત્યારે ખાસ ઉજવણી રાખવામાં આવે છે. એ પચાસમા વર્ષને ઘણી વાર શાસકનું જુબિલી વર્ષ કહેવામાં આવે છે. એ ઉજવણી દિવસો, અઠવાડિયાઓ કે એનાથી વધારે સમય સુધી ચાલે છે. પણ એ ઉજવણી સમય જતાં પૂરી થાય છે અને લોકો એને ભૂલી જાય છે.

પ્રાચીન ઇઝરાયેલમાં દર પચાસમા વર્ષે ઉજવણી કરવામાં આવતી, જે આખું વર્ષ ચાલતી. છુટકારાના વર્ષે ઇઝરાયેલીઓને આઝાદી મળતી હતી. આ લેખમાં આપણે એના કરતાં પણ વધારે મહત્ત્વની ઉજવણી વિશે જોઈશું. પણ આપણે શા માટે એના વિશે શીખવું જોઈએ? કારણ કે એ આપણને યહોવાએ કરેલી સુંદર ગોઠવણની યાદ અપાવે છે. એ ગોઠવણથી ભાવિમાં આપણને હંમેશાંની આઝાદી મળશે. આજે પણ આપણને એનાથી ફાયદો થાય છે. ઈસુએ પણ એ આઝાદી વિશે જણાવ્યું હતું.—લુક ૪:૧૬-૧૮ વાંચો.

ઇઝરાયેલમાં જુબિલીના વર્ષે આનંદ છવાઈ જતો કારણ કે, ગુલામો પોતાના વતનમાં કુટુંબ પાસે પાછા જઈ શકતા (ફકરો ૩ જુઓ) *

૩. લેવીય ૨૫:૮-૧૨ પ્રમાણે જુબિલી વર્ષથી ઇઝરાયેલીઓને કેવો ફાયદો થતો?

ઈસુએ જે આઝાદી વિશે વાત કરી, એ સમજવા ચાલો પહેલા જોઈએ કે યહોવાએ પહેલાંના સમયમાં પોતાના લોકો માટે કઈ ગોઠવણ કરી હતી. યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું હતું: ‘પચાસમું વર્ષ તમારે પવિત્ર પાળવું, ને આખા દેશમાં એના સર્વ રહેવાસીઓને માટે છુટકારાનો ઢંઢેરો પિટાવવો. એ તમારા માટે જુબિલીનું વર્ષ થાય: અને તમારામાંથી દરેક માણસે પોતપોતાનાં વતનમાં પાછા આવવું, ને તમારામાંથી દરેક માણસે પોતપોતાનાં કુટુંબમાં પાછા આવવું.’ (લેવીય ૨૫:૮-૧૨ વાંચો.) આગલા લેખમાં આપણે જોયું કે દર અઠવાડિયે સાબ્બાથ પાળવાથી ઇઝરાયેલીઓને ફાયદો થતો હતો. જુબિલીના વર્ષથી ઇઝરાયેલીઓને કેવો ફાયદો થતો હતો? દાખલા તરીકે, જો ઇઝરાયેલી વ્યક્તિના માથે દેવું વધી જાય, તો તેણે એ દેવું ચૂકવવા પોતાની જમીન વેચવી પડતી. પચાસમા વર્ષે તેને એ જમીન પાછી મળી જતી. એટલે એ વ્યક્તિ ‘પોતાના વતનમાં પાછી’ આવતી. તેના વંશજોએ વારસો ગુમાવવો પડતો નહિ. બીજો એક દાખલો જોઈએ. જો કોઈ વ્યક્તિ દેવામાં ડૂબી ગઈ હોય, તો એ ચૂકવવા તેણે ગુલામ તરીકે વેચાઈ જવું પડતું અથવા પોતાના એકાદ બાળકને ગુલામ તરીકે વેચી દેવું પડતું. જુબિલીના વર્ષે તેઓ ‘પોતપોતાનાં કુટુંબમાં પાછા આવતા.’ એટલે કોઈ પણ વ્યક્તિએ આખી જિંદગી ગુલામ રહેવું પડતું નહિ. સાચે જ, યહોવા પોતાના લોકોનું કેટલું ધ્યાન રાખે છે!

૪-૫. આપણે શા માટે જુબિલીના વર્ષ વિશે જાણવું જોઈએ?

જુબિલી વર્ષથી બીજો કયો ફાયદો થતો? યહોવાએ કહ્યું હતું: ‘તારી મધ્યે કોઈ ગરીબ નહિ હોય. કેમ કે યહોવા તારા ઈશ્વર તને જે દેશના વતનનો વારસો આપે છે, એમાં યહોવા તને ચોક્કસ આશીર્વાદ આપશે.’ (પુન. ૧૫:૪) આજના સમય કરતાં કેટલો મોટો ફરક! આજે ધનવાન લોકો વધારે ધનવાન અને ગરીબ લોકો વધારે ગરીબ થતા જાય છે.

આજે આપણને નિયમશાસ્ત્ર લાગુ પડતું નથી. આપણે જુબિલી વર્ષના નિયમો પાળતા નથી. જેમ કે, ગુલામોને આઝાદ કરવા, દેવું માફ કરવું અને જમીન પાછી આપવી. (રોમ. ૭:૪; ૧૦:૪; એફે. ૨:૧૫) પણ આપણે જુબિલી વર્ષ વિશે જાણવું જોઈએ. શા માટે? કારણ કે એનાથી આપણને યહોવાએ કરેલી એક ગોઠવણ યાદ રાખવા મદદ મળે છે. એ હતી, આપણને પાપમાંથી આઝાદ કરવાની ગોઠવણ.

ઈસુએ આઝાદી વિશે જણાવ્યું

૬. આપણને બધાને શાનાથી આઝાદીની જરૂર છે?

આપણને બધાને આઝાદીની જરૂર છે, કારણ કે આપણે પાપની આકરી ગુલામીમાં છીએ. એને લીધે આપણે વૃદ્ધ થઈએ છીએ, બીમાર પડીએ છીએ અને મરીએ છીએ. અરીસામાં જોઈએ ત્યારે ખબર પડે છે કે આપણી ઉંમર થઈ ગઈ છે. બીમાર થઈએ ત્યારે ડોક્ટર પાસે જવું પડે છે. આપણાથી ભૂલો થાય ત્યારે નિરાશ થઈ જઈએ છીએ. પ્રેરિત પાઊલે કહ્યું હતું કે તે પોતાના “શરીરમાં રહેલા પાપના નિયમના બંધનમાં” છે. તેમણે એમ પણ કહ્યું હતું: “હું કેવો લાચાર માણસ છું! મરણ તરફ લઈ જતા આ શરીરથી મને કોણ બચાવશે?”—રોમ. ૭:૨૩, ૨૪.

૭. આઝાદી વિશે યશાયાએ કઈ ભવિષ્યવાણી કરી હતી?

ઈસુ દ્વારા આપણને પાપમાંથી આઝાદી મળી. ઈશ્વરે એ ગોઠવણ કરી એટલે આપણે કેટલા ખુશ છીએ! ઈસુ પૃથ્વી પર આવ્યા એનાં ૭૦૦થી વધારે વર્ષો પહેલાં, પ્રબોધક યશાયાએ ભવિષ્યવાણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાવિમાં લોકોને સૌથી સારી આઝાદી મળવાની છે. એ આઝાદી ઇઝરાયેલીઓને જુબિલીના વર્ષે મળતી આઝાદી કરતાં પણ વધારે સારી હશે. તેમણે કહ્યું હતું, ‘પ્રભુ યહોવાની પવિત્ર શક્તિ મારા પર છે. કારણ કે દીનોને ખુશખબર કહેવા યહોવાએ મને અભિષિક્ત કર્યો છે. દુઃખી દિલના લોકોને સાજા કરવા, બંદીવાનોને છુટકારાની ખબર આપવા તેમણે મને મોકલ્યો છે.’ (યશા. ૬૧:૧, ૩) એ ભવિષ્યવાણી કોનામાં પૂરી થઈ?

૮. આઝાદી વિશે યશાયાની ભવિષ્યવાણી કોનામાં પૂરી થઈ?

ઈસુએ સેવાકાર્ય શરૂ કર્યું એના પછી આઝાદી વિશેની ભવિષ્યવાણી પૂરી થવા લાગી. એકવાર ઈસુ પોતાના વતન નાઝરેથના સભાસ્થાનમાં ગયા હતા. ત્યાં આવેલા યહુદીઓને તેમણે યશાયાના શબ્દો વાંચી સંભળાવ્યા હતા. એ શબ્દો તેમણે એવી રીતે વાંચ્યા જાણે તેમનામાં પૂરા થતા હોય. તેમણે આમ વાંચ્યું: “યહોવાની શક્તિ મારા પર છે, કેમ કે ગરીબોને ખુશખબર જાહેર કરવા તેમણે મને અભિષિક્ત કર્યો છે; કેદીઓને મુક્તિના સમાચાર આપવા, આંધળાઓને દૃષ્ટિ આપવા અને કચડાયેલાઓને છોડાવવા તેમણે મને મોકલ્યો છે; યહોવાની કૃપા પામવાના સમયનો પ્રચાર કરવા પણ મને મોકલ્યો છે.” (લુક ૪:૧૬-૧૯) ઈસુએ કઈ રીતે એ ભવિષ્યવાણી પૂરી કરી?

સૌથી પહેલા કયા લોકોને આઝાદી મળી?

ઈસુએ નાઝરેથના સભાસ્થાનમાં આઝાદી વિશે જણાવ્યું (ફકરા ૮-૯ જુઓ)

૯. ઈસુના સમયમાં લોકો શાનાથી આઝાદ થવા માંગતા હતા?

જે આઝાદી વિશે યશાયાએ જણાવ્યું અને ઈસુએ વાંચ્યું, એ આઝાદી પહેલી સદીના લોકોને સૌથી પહેલા મળી હતી. શા પરથી એ કહી શકાય? કારણ કે ઈસુએ કહ્યું હતું: “આ શાસ્ત્રવચન જે તમે હમણાં સાંભળ્યું, એ આજે પૂરું થયું છે.” (લુક ૪:૨૧) ઈસુએ એ શબ્દો વાંચ્યા ત્યારે, ઘણા લોકોને લાગ્યું કે તેઓને રોમન સરકારથી આઝાદી મળશે. તેઓના વિચારો કદાચ એ બે માણસો જેવા હતા, જેઓએ કહ્યું હતું: “અમે આશા રાખતા હતા કે આ એ જ માણસ છે, જે ઇઝરાયેલને બચાવશે.” (લુક ૨૪:૧૩, ૨૧) પણ ઈસુએ પોતાના શિષ્યોને ક્રૂર રોમન સરકાર સામે બળવો કરવાનું કહ્યું ન હતું. તેમણે તો શિષ્યોને કહ્યું હતું કે “સમ્રાટનું છે એ સમ્રાટને” આપે. (માથ. ૨૨:૨૧) તો પછી ઈસુએ કઈ રીતે લોકોને આઝાદી અપાવી?

૧૦. ઈસુએ લોકોને કઈ રીતે આઝાદી અપાવી?

૧૦ ઈસુ બે રીતે લોકોને આઝાદી અપાવવા આવ્યા હતા. પહેલી રીત, ધર્મગુરુઓના ખોટા શિક્ષણથી આઝાદ થવા લોકોને ઈસુએ મદદ કરી. એ સમયે ખોટાં રીત-રિવાજો અને માન્યતાઓ પાળવા ઘણા યહુદીઓને દબાણ કરવામાં આવતું. (માથ. ૫:૩૧-૩૭; ૧૫:૧-૧૧) જે લોકો ઈશ્વરની ભક્તિમાં બીજાઓને મદદ કરવાનો દાવો કરતા હતા, તેઓ પોતે જ યોગ્ય રીતે ભક્તિ કરતા ન હતા. એટલે કે, ઈશ્વરભક્તિમાં આંધળા હતા. તેઓએ મસીહ અને તેમના શિક્ષણનો સ્વીકાર કર્યો નહિ. તેઓ ઈશ્વરને ઓળખતા ન હતા. એટલે તેઓનાં પાપ માફ થયાં ન હતાં. (યોહા. ૯:૧, ૧૪-૧૬, ૩૫-૪૧) ઈસુએ સત્ય શીખવ્યું અને સારો દાખલો બેસાડ્યો. તેમણે નમ્ર દિલના લોકોને બતાવ્યું કે કઈ રીતે ખોટા શિક્ષણથી આઝાદ થઈ શકાય.—માર્ક ૧:૨૨; ૨:૨૩–૩:૫.

૧૧. ઈસુએ બીજી કઈ રીતે લોકોને આઝાદી અપાવી?

૧૧ બીજી રીત, ઈસુએ માણસજાતને પાપની ગુલામીમાંથી આઝાદી અપાવી. જે કોઈ ઈસુના બલિદાનમાં શ્રદ્ધા મૂકે અને પોતાનાં કાર્યોમાં એ બતાવી આપે, તેનાં પાપ ઈશ્વર માફ કરે છે. (હિબ્રૂ. ૧૦:૧૨-૧૮) ઈસુએ કહ્યું હતું: “જો દીકરો તમને આઝાદ કરે, તો તમે ખરેખર આઝાદ થશો.” (યોહા. ૮:૩૬) એ આઝાદી ઇઝરાયેલીઓને જુબિલીના વર્ષે મળતી આઝાદી કરતાં અનેક ગણી સારી હતી. દાખલા તરીકે, જુબિલી વર્ષમાં આઝાદ થનાર ગુલામ કદાચ ફરી પાછો ગુલામીમાં જતો. સમય જતાં તે મરી જતો. પણ ઈસુ જે આઝાદી અપાવે છે, એ હંમેશ માટે રહેશે.

૧૨. ઈસુએ જે આઝાદી વિશે જણાવ્યું એ સૌથી પહેલા કોને મળી?

૧૨ સાલ ૩૩માં પચાસમાના દિવસે યહોવાએ પવિત્ર શક્તિથી પ્રેરિતોને અને બીજાં વફાદાર સ્ત્રી-પુરુષોને અભિષિક્ત કર્યા હતા. તેઓને ઈશ્વરે દત્તક લીધા, જેથી તેઓ સજીવન થઈને સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરી શકે. (રોમ. ૮:૨, ૧૫-૧૭) તેઓને સૌથી પહેલા આઝાદી મળી હતી. એ આઝાદી વિશે ઈસુએ નાઝરેથના સભાસ્થાનમાં કહ્યું હતું. તેઓ હવે યહુદી ધર્મગુરુઓનાં ખોટાં શિક્ષણ અને રીત-રિવાજોથી આઝાદ હતા. ઈશ્વરે તેઓને મરણ તરફ લઈ જતા પાપમાંથી આઝાદ થવાને પણ લાયક ગણ્યા હતા. સાલ ૩૩માં ખ્રિસ્તના શિષ્યોને અભિષિક્ત કરવામાં આવ્યા ત્યારે, યહોવાએ કરેલી આઝાદીની ગોઠવણ શરૂ થઈ. ઈસુના હજાર વર્ષના રાજને અંતે એ ગોઠવણ પૂરી થશે. હમણાંથી લઈને હજાર વર્ષના અંત સુધી કઈ સારી બાબતો થશે?

લાખો ને કરોડો લોકોને આઝાદી મળશે

૧૩-૧૪. અભિષિક્તો સિવાય બીજા કોને આઝાદી મળે છે?

૧૩ બધા દેશોમાં આજે લાખો ને કરોડો નમ્ર દિલના લોકો ‘બીજાં ઘેટાંના’ છે. (યોહા. ૧૦:૧૬) ઈશ્વરે તેઓને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કર્યા નથી. પણ બાઇબલ કહે છે કે તેઓને આ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા છે. શું તમને એવી આશા છે?

૧૪ અભિષિક્ત ભાઈ-બહેનોને જે આશીર્વાદો મળે છે, એમાંથી અમુક આશીર્વાદો તમને પણ મળે છે. ઈસુએ આપેલા બલિદાનમાં શ્રદ્ધા મૂકીને તમે યહોવા પાસે પોતાનાં પાપોની માફી માંગી શકો છો. તમને ઈશ્વરની કૃપા મળી શકે છે. આમ તમે મનની શાંતિ મેળવી શકો છો. (એફે. ૧:૭; પ્રકટી. ૭:૧૪, ૧૫) ખોટા શિક્ષણમાંથી આઝાદ થયા પછી તમને જે આશીર્વાદો મળ્યા છે, એનો વિચાર કરો. ઈસુએ કહ્યું હતું: “તમે સત્ય જાણશો અને સત્ય તમને આઝાદ કરશે.” (યોહા. ૮:૩૨) એવી આઝાદી મળી હોવાથી આપણે કેટલા ખુશ છીએ!

૧૫. આપણે કેવાં આશીર્વાદો અને આઝાદીની આશા રાખીએ છીએ?

૧૫ આપણે આશા રાખીએ છીએ કે ભાવિમાં આપણને વધારે સારી આઝાદી મળશે. ઈસુ બહુ જલદી જૂઠા ધર્મો અને ભ્રષ્ટ સરકારોનો નાશ કરશે. ઈશ્વર તેમની ભક્તિ કરનાર ‘મોટા ટોળાને’ બચાવશે. પછી આપણને બાગ જેવી પૃથ્વી પર રહેવા મળશે, જેમાં આપણે જીવનની મજા લઈશું. (પ્રકટી. ૭:૯, ૧૪) કરોડો લોકોને સજીવન કરવામાં આવશે. આદમે કરેલા પાપની અસરમાંથી આઝાદ થવાની તેઓને તક મળશે.—પ્રે.કા. ૨૪:૧૫.

૧૬. માણસજાતને ભાવિમાં કેવી આઝાદી મળશે?

૧૬ હજાર વર્ષના રાજ દરમિયાન, ઈસુ અને તેમની સાથે રાજ કરનારા લોકો માણસજાતને મદદ કરશે. તેઓની મદદથી માણસોને એવી તંદુરસ્તી મળશે જે કાયમ ટકશે. ઈશ્વર સાથેનો સંબંધ હંમેશાં મજબૂત રહે, એ માટે પણ તેઓ મદદ કરશે. એ આઝાદીનો સમય ઇઝરાયેલના જુબિલી વર્ષ જેવો હશે. એટલે યહોવાની વફાદારીથી સેવા કરતા લોકોને એવું જીવન મળશે, જેમાં કોઈ ખામી નહિ હોય.

નવી દુનિયામાં આપણે કામ અને આરામની મજા લઈશું (ફકરો ૧૭ જુઓ)

૧૭. યશાયા ૬૫:૨૧-૨૩માં ઈશ્વરભક્તો માટે કેવા ભાવિ વિશે જણાવ્યું છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૭ ભાવિમાં પૃથ્વી પર જીવન કેવું હશે, એની ઝલક આપણને યશાયા ૬૫:૨૧-૨૩માં જોવા મળે છે. (વાંચો.) કોઈ પણ આળસુ નહિ હોય અને દરેક પાસે કામ હશે. બાઇબલ જણાવે છે કે એ સમયે ઈશ્વરભક્તો પાસે એવું કામ હશે, જેનાથી તેઓને સંતોષ મળશે. હજાર વર્ષના રાજને અંતે આપણે ખાતરી રાખી શકીએ કે ‘સૃષ્ટિ પોતે પણ વિનાશની ગુલામીમાંથી આઝાદ થશે અને ઈશ્વરનાં બાળકોની ભવ્ય આઝાદી પામશે.’—રોમ. ૮:૨૧.

૧૮. આપણે શા પરથી કહી શકીએ કે આપણી પાસે સુંદર ભાવિની આશા છે?

૧૮ યહોવાએ ઇઝરાયેલી લોકો માટે એવી ગોઠવણ કરી હતી, જેથી તેઓ કામ અને આરામ માટે યોગ્ય સમય આપી શકે. એવી જ ગોઠવણ તે હજાર વર્ષના રાજ દરમિયાન પોતાના લોકો માટે કરશે. નવી દુનિયામાં ઈશ્વરભક્તિ માટે આપણી પાસે સમય હશે, જીવનમાં સુખી થવા એ ખૂબ જરૂરી છે. આપણા બધા પાસે મનગમતું કામ હશે અને આપણે બધા ઈશ્વરની ભક્તિ પણ કરી શકીશું. એનાથી હજાર વર્ષના રાજ દરમિયાન દરેક જણ સુખી થશે.

ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ

^ ફકરો. 5 જુબિલી કે છુટકારાનું વર્ષ! એ યહોવાની એક ગોઠવણ હતી, જેનાથી ઇઝરાયેલીઓને આઝાદી મળતી. ભલે આપણને નિયમશાસ્ત્ર લાગુ પડતું નથી, પણ જુબિલીનું વર્ષ આપણા માટે મહત્ત્વનું છે. આ લેખમાં જોઈશું કે, કઈ રીતે જુબિલીનું વર્ષ યહોવાએ આપણા માટે કરેલી ગોઠવણની યાદ અપાવે છે. એ પણ જોઈશું કે એનાથી આપણને કઈ રીતે ફાયદો થઈ શકે.

^ ફકરો. 61 ચિત્રની સમજ: જુબિલીના વર્ષે ગુલામોને આઝાદ કરવામાં આવતા અને તેઓ પોતાના વતનમાં કુટુંબ પાસે પાછા જઈ શકતા.