સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૯

કામ અને આરામનો યોગ્ય સમય

કામ અને આરામનો યોગ્ય સમય

‘બધા એકાંત જગ્યાએ ચાલો અને થોડો આરામ કરો.’—માર્ક ૬:૩૧.

ગીત ૩૨ અડગ રહીએ

ઝલક *

૧. મોટા ભાગના લોકો કામને કેવું ગણે છે?

તમારી આસપાસ રહેતા મોટા ભાગના લોકો કામને કેવું ગણે છે? ઘણા દેશોમાં લોકો પહેલાં કરતાં વધારે કામ કરે છે. એમાં તેઓના કલાકોના કલાકો જતા રહે છે. એવા લોકો પાસે આરામ, કુટુંબ અને ભક્તિ માટે સમય રહેતો નથી. (સભા. ૨:૨૩) બીજા અમુક લોકોને કામ કરવાનું ગમતું નથી અને કામ ન કરવાનાં બહાનાં શોધે છે.—નીતિ. ૨૬:૧૩, ૧૪.

૨-૩. કામ કરવા વિશે યહોવા અને ઈસુએ કેવું ઉદાહરણ બેસાડ્યું?

દુનિયામાં અમુક લોકો બહુ કામ કરે છે, જ્યારે કે બીજા અમુક લોકો કામ કરતા જ નથી. ચાલો જોઈએ કે યહોવા અને ઈસુ કામને કેવું ગણે છે. આપણે જાણીએ છીએ કે યહોવાને કામ કરવું ગમે છે. એ વિશે ઈસુએ કહ્યું હતું: “મારા પિતા હમણાં સુધી કામ કરે છે અને હું પણ કામ કરતો રહું છું.” (યોહા. ૫:૧૭) જરા વિચારો, ઈશ્વરે લાખો-કરોડો સ્વર્ગદૂતો અને વિશાળ બ્રહ્માંડ બનાવ્યાં છે. આ પૃથ્વી પર કેટકેટલી સુંદર વસ્તુઓ બનાવી છે. એક ગીતના લેખકે એ વિશે કહ્યું હતું: ‘હે યહોવા, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે બધાને ડહાપણથી બનાવ્યા છે. પૃથ્વી તમારી સંપત્તિથી ભરપૂર છે.’—ગીત. ૧૦૪:૨૪.

ઈસુ યહોવાને પગલે ચાલતા હતા. યહોવાએ ‘આકાશોનું સર્જન કર્યું’ ત્યારે, ઈસુએ તેમની સાથે મળીને “કુશળ કારીગર” તરીકે કામ કર્યું. (નીતિ. ૮:૨૭-૩૧) ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે પણ તેમણે ઉત્તમ કામ કર્યું. યહોવાએ સોંપેલા કામને તેમણે ખોરાક જેવું ગણ્યું. તેમનાં કાર્યોથી સાફ દેખાઈ આવ્યું કે ઈશ્વરે તેમને મોકલ્યા છે.—યોહા. ૪:૩૪; ૫:૩૬; ૧૪:૧૦.

૪. આરામ કરવા વિશે આપણે યહોવા અને ઈસુ પાસેથી શું શીખી શકીએ?

યહોવા અને ઈસુ સખત મહેનત કરે છે. શું એનો અર્થ એવો થાય કે આપણે બસ કામ જ કર્યાં કરવાનું? ના, એવું નથી. યહોવાને કદી થાક લાગતો નથી, એટલે તેમને આરામની જરૂર નથી. બાઇબલમાં જણાવ્યું છે કે, યહોવાએ આકાશ અને પૃથ્વી બનાવ્યાં પછી “વિસામો લીધો.” (નિર્ગ. ૩૧:૧૭) એટલે કે, યહોવાએ બધું બનાવ્યા પછી એ જોવા સમય કાઢ્યો અને એ જોઈને તેમને ખુશી થઈ. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે સખત મહેનત કરતા હતા. તોપણ, તેમણે આરામ કરવા અને મિત્રો સાથે જમવા સમય કાઢ્યો હતો.—માથ. ૧૪:૧૩; લુક ૭:૩૪.

૫. આપણને શું અઘરું લાગી શકે?

બાઇબલમાંથી ઈશ્વરભક્તોને કામ કરવાનું ઉત્તેજન મળે છે. તેઓ આળસુ નહિ પણ મહેનતુ હોવા જોઈએ. (નીતિ. ૧૫:૧૯) કદાચ કુટુંબનું ભરણપોષણ કરવા આપણે નોકરી-ધંધો કરતા હોઈએ. સાથે સાથે ખ્રિસ્તના શિષ્યો હોવાથી આપણી જવાબદારી છે કે ખુશખબર ફેલાવીએ. એટલું જ નહિ, આપણે પૂરતો આરામ પણ લેવો જોઈએ. શું તમને નોકરી, પ્રચાર અને આરામ માટે સમય કાઢવો અઘરું લાગે છે? આપણે કઈ રીતે જાણી શકીએ કે કેટલું કામ કરવું જોઈએ અને કેટલો આરામ કરવો જોઈએ?

કામ અને આરામ માટે યોગ્ય વલણ રાખો

૬. ઈસુએ કઈ રીતે કામ અને આરામ માટે યોગ્ય વલણ રાખ્યું હતું?

કામ માટે યોગ્ય વલણ રાખવું ખૂબ મહત્ત્વનું છે. ઈશ્વરની પ્રેરણાથી રાજા સુલેમાને લખ્યું, ‘દરેક બાબત માટે વખત હોય છે.’ એમાં સુલેમાને રોપવાનો, બાંધવાનો, રડવાનો, હસવાનો, નાચવાનો અને બીજી અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. (સભા. ૩:૧-૮) કામ અને આરામ જીવનનાં બે મુખ્ય પાસાઓ છે. ઈસુએ કામ અને આરામ માટે યોગ્ય વલણ રાખ્યું હતું. એકવાર પ્રેરિતો પ્રચારમાંથી પાછા ફરી રહ્યા હતા. “તેઓ પાસે નવરાશનો જરાય સમય ન હતો, અરે, જમવાનો પણ સમય ન હતો.” ઈસુએ કહ્યું: “તમે બધા મારી સાથે એકાંત જગ્યાએ ચાલો અને થોડો આરામ કરો.” (માર્ક ૬:૩૦-૩૪ વાંચો.) ઈસુ અને તેમના શિષ્યોને પૂરતો આરામ મળતો ન હતો. ઈસુ જાણતા હતા કે એ બધાને આરામની જરૂર છે.

૭. સાબ્બાથના નિયમથી આપણને કેવો ફાયદો થઈ શકે?

આપણને બધાને અમુક વાર આરામ કરવાની અથવા જીવનમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. ચાલો પ્રાચીન સમયનો વિચાર કરીએ. ઈશ્વરે પોતાના લોકોને સાબ્બાથનો નિયમ આપ્યો હતો. એ એક મહત્ત્વની ગોઠવણ હતી. આપણે મુસાના નિયમ હેઠળ નથી. છતાં સાબ્બાથના નિયમ વિશે જાણવાથી આપણને ફાયદો થઈ શકે. એમાંથી આપણને કામ અને આરામ માટે યોગ્ય વલણ રાખવા મદદ મળશે.

સાબ્બાથ—આરામ અને ભક્તિનો સમય

૮. નિર્ગમન ૩૧:૧૨-૧૫ પ્રમાણે સાબ્બાથનો દિવસ શાના માટે હતો?

બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વરે છ “દિવસ” કામ કર્યા પછી, પૃથ્વી પર સર્જન કરવાનું બંધ કર્યું. (ઉત. ૨:૨) યહોવાને કામ કરવું બહુ ગમે છે. બીજી ઘણી રીતે તે “હમણાં સુધી કામ કરે છે.” (યોહા. ૫:૧૭) યહોવાએ છ “દિવસ” કામ કર્યું અને સાતમા “દિવસે” વિસામો લીધો. તેમણે ઇઝરાયેલીઓને પણ સાતમા દિવસે આરામ કરવાનું જણાવ્યું હતું. સાબ્બાથના નિયમથી જોવા મળતું કે યહોવા અને ઇઝરાયેલીઓ વચ્ચે એક ખાસ સંબંધ હતો. એનાથી ઇઝરાયેલીઓને યાદ રહેતું કે યહોવાએ તેઓને ઇજિપ્તમાંથી છોડાવ્યા હતા. એ દિવસ આરામનો હતો અને ‘યહોવા માટે પવિત્ર’ રાખવામાં આવ્યો હતો. (નિર્ગમન ૩૧:૧૨-૧૫ વાંચો.) એ દિવસે કોઈએ કામ કરવાનું ન હતું. અરે બાળકો, ગુલામો અને પાલતુ પ્રાણીઓએ પણ નહિ. (નિર્ગ. ૨૦:૧૦) એનાથી લોકો યહોવાની ભક્તિ પર વધારે ધ્યાન આપી શકતા હતા.

૯. ઈસુના સમયમાં સાબ્બાથ વિશે અમુક લોકોનું શું માનવું હતું?

સાબ્બાથનો દિવસ ઈશ્વરભક્તોના ભલા માટે હતો. ઈસુના સમયમાં ઘણા ધાર્મિક આગેવાનોએ સાબ્બાથ માટે કડક નિયમો બનાવ્યા હતા. તેઓ માનતા કે સાબ્બાથના દિવસે અનાજનાં કણસલાં તોડવાં કે બીમાર લોકોને સાજા કરવા પણ ખોટું છે. (માર્ક ૨:૨૩-૨૭; ૩:૨-૫) ઈશ્વર તો ક્યારેય એવું વિચારે નહિ. તેઓના વિચારો અને ઈશ્વરના વિચારો વચ્ચે આભ-જમીનનો ફરક હતો. ઈસુએ લોકોને સાફ શબ્દોમાં ઈશ્વરના વિચારો જણાવ્યા હતા.

ઈસુના કુટુંબના સભ્યો સાબ્બાથના દિવસે ઈશ્વરની ભક્તિ કરતા (ફકરો ૧૦ જુઓ) *

૧૦. સાબ્બાથ વિશે ઈસુના વિચારો કેવા હતા?

૧૦ ઈસુ અને તેમના યહુદી શિષ્યો સાબ્બાથનો નિયમ પાળતા હતા, કારણ કે તેઓ મુસાના નિયમ હેઠળ હતા. * પણ ઈસુએ શબ્દો અને કાર્યોથી બતાવ્યું કે સાબ્બાથના દિવસે કોઈને મદદ કરવામાં અને દયા બતાવવામાં કંઈ ખોટું નથી. તેમણે કહ્યું હતું: “સાબ્બાથના દિવસે કંઈક સારું કરવું નિયમ પ્રમાણે બરાબર છે.” (માથ્થી ૧૨:૯-૧૨ વાંચો.) ઈસુને લાગતું કે એ દિવસે સારાં કામ કરવાથી સાબ્બાથનો નિયમ તૂટતો નથી. એ તેમનાં કાર્યોમાં સાફ દેખાઈ આવ્યું. તે સારી રીતે જાણતા હતા કે શા માટે ઈશ્વરે લોકોને સાબ્બાથના દિવસે આરામ કરવાનું કહ્યું હતું. એ દિવસે ઈશ્વરના લોકોએ રોજબરોજનાં કામ કરવાનાં ન હતાં. એમ કરવાથી તેઓ યહોવાની ભક્તિ પર ધ્યાન આપી શકતા હતા. ઈસુનો ઉછેર પણ એવા જ કુટુંબમાં થયો હતો. તેમના કુટુંબના સભ્યો સાબ્બાથ પાળતા અને એ સમય તેઓ ઈશ્વરની ભક્તિમાં વિતાવતા. એ વાત આપણને ઈસુ વિશેના આ અહેવાલથી જાણવા મળે છે: “તે [ઈસુ] નાઝરેથ ગયા, જ્યાં તેમનો ઉછેર થયો હતો અને તેમની રીત પ્રમાણે સાબ્બાથના દિવસે સભાસ્થાનમાં આવ્યા અને તે વાંચવા ઊભા થયા.”—લુક ૪:૧૫-૧૯.

કામ વિશે તમને કેવું લાગે છે?

૧૧. કામ કરવા વિશે ઈસુ માટે કોણે સારો દાખલો બેસાડ્યો હતો?

૧૧ યુસફે ઈસુને સુથારીકામ શીખવ્યું. એટલું જ નહિ, કામ વિશે ઈશ્વરના કેવા વિચારો છે એ પણ શીખવ્યું. (માથ. ૧૩:૫૫, ૫૬) ઈસુએ જોયું હશે કે યુસફ પોતાના મોટા કુટુંબનું ભરણપોષણ કરવા રાત-દિવસ મહેનત કરતા હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: “મજૂર તેની મજૂરી મેળવવા માટે લાયક છે.” (લુક ૧૦:૭) ઈસુ સારી રીતે જાણતા હતા કે સખત મહેનત કરવી ખૂબ જરૂરી છે.

૧૨. સખત કામ વિશે પાઊલ શું વિચારતા હતા?

૧૨ પ્રેરિત પાઊલ પણ જાણતા હતા કે સખત મહેનત કરવી ખૂબ જરૂરી છે. ખરું કે લોકોને ઈસુ અને તેમના શિક્ષણ વિશે જણાવવું, તેમના માટે સૌથી મહત્ત્વનું કામ હતું. પરંતુ ગુજરાન ચલાવવા તે કામ પણ કરતા હતા. થેસ્સાલોનિકીના લોકો સારી રીતે જાણતા હતા કે પાઊલ કોઈના પર ‘બોજરૂપ ન થવા રાત-દિવસ સખત મહેનત અને મજૂરી’ કરે છે. (૨ થેસ્સા. ૩:૮; પ્રે.કા. ૨૦:૩૪, ૩૫) કામ વિશે પાઊલે લખ્યું ત્યારે તે કદાચ તંબુ બનાવવાના પોતાના કામ વિશે વાત કરતા હતા. તે કોરીંથમાં આકુલા અને પ્રિસ્કિલા સાથે રહેતા હતા. તેઓ ‘તંબુ બનાવવાનો વ્યવસાય કરતા હતા એટલે તે તેઓ સાથે કામ કરવા લાગ્યા.’ એનો અર્થ એવો ન હતો કે પાઊલ “રાત-દિવસ” સતત કામ જ કરતા હતા. તે અમુક દિવસે તંબુ બનાવવાનું કામ બંધ રાખતા, જેમ કે સાબ્બાથના દિવસે. એ દિવસે યહુદીઓને સાક્ષી આપવાની પાઊલને તક મળતી, કારણ કે તેઓ પણ સાબ્બાથના દિવસે કામ કરતા ન હતા.—પ્રે.કા. ૧૩:૧૪-૧૬, ૪૨-૪૪; ૧૬:૧૩; ૧૮:૧-૪.

૧૩. પ્રેરિત પાઊલના દાખલામાંથી શું શીખી શકીએ?

૧૩ પ્રેરિત પાઊલે આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. ગુજરાન ચલાવવા તેમણે કામ કરવું પડતું, તોપણ “ઈશ્વરની ખુશખબર જાહેર કરવાના પવિત્ર કામમાં” તે નિયમિત ભાગ લેતા. (રોમ. ૧૫:૧૬; ૨ કોરીં. ૧૧:૨૩) તેમણે બીજાઓને પણ નિયમિત ખુશખબર જાહેર કરવાનું ઉત્તેજન આપ્યું હતું. આકુલા અને પ્રિસ્કિલા ‘ખ્રિસ્ત ઈસુની સેવામાં પાઊલ સાથે કામ કરનારા’ હતા. (રોમ. ૧૨:૧૧; ૧૬:૩) પાઊલે કોરીંથીઓને વિનંતી કરી કે ‘પ્રભુની સેવામાં પુષ્કળ કામ કરે.’ (૧ કોરીં. ૧૫:૫૮; ૨ કોરીં. ૯:૮) યહોવાએ પ્રેરિત પાઊલ દ્વારા એક મહત્ત્વનો સિદ્ધાંત જણાવ્યો: “જો કોઈ માણસ કામ કરવા માંગતો ન હોય, તો તેને ખાવાનું આપવું નહિ.”—૨ થેસ્સા. ૩:૧૦.

૧૪. યોહાન ૧૪:૧૨ના શબ્દોનો શો અર્થ થતો હતો?

૧૪ આ છેલ્લા દિવસોમાં ખુશખબર જણાવવાનું અને શિષ્યો બનાવવાનું કામ સૌથી મહત્ત્વનું છે. ઈસુએ અગાઉથી કહ્યું હતું કે શિષ્યો તેમના કરતાં પણ મોટાં કામ કરશે. (યોહાન ૧૪:૧૨ વાંચો.) એનો અર્થ એવો નથી કે તેમના શિષ્યો ઈસુની જેમ ચમત્કારો કરશે. તેઓ તો ઘણી જગ્યાઓએ અને ઘણા લોકોને ખુશખબર જણાવશે અને શિષ્યો બનાવશે. તેઓ ઈસુ કરતાં પણ વધારે સમય સુધી એ કામ કરશે.

૧૫. આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ અને શા માટે?

૧૫ જો તમે નોકરી કરતા હો તો આ સવાલો પર વિચાર કરો: “નોકરીની જગ્યાએ શું લોકો મને મહેનતુ ગણે છે? શું હું મારું કામ સમય પર પૂરું કરું છું? એ કામ શું હું મન લગાડીને કરું છું?” જો તમારો જવાબ હા હોય, તો તમે માલિકનો ભરોસો જીતી શકશો. સાથે કામ કરનારાઓ ખુશખબર સાંભળવા પણ તૈયાર થશે. ખુશખબર જણાવવાની અને શીખવવાની વાત આવે ત્યારે આ સવાલોનો વિચાર કરો: “શું ભાઈ-બહેનો મને મહેનતુ ગણે છે? શું હું પહેલી મુલાકાત માટે સારી તૈયારી કરું છું? શું હું રસ ધરાવનાર લોકોને તરત મળવા જાઉં છું? શું હું ખુશખબર ફેલાવવાની જુદી જુદી રીતોમાં નિયમિત ભાગ લઉં છું?” જો તમારો જવાબ હા હોય, તો તમને એ કામમાં મજા આવશે.

આરામ વિશે તમને કેવું લાગે છે?

૧૬. આરામ વિશે ઈસુ અને પ્રેરિતોનું કેવું વલણ હતું અને આજના સમયના લોકોનું કેવું વલણ છે?

૧૬ ઈસુ જાણતા હતા કે સમયે સમયે તેમને અને પ્રેરિતોને આરામની જરૂર પડશે. ઈસુના સમયમાં ઘણા લોકો એ ધનવાન માણસ જેવા હતા, જેનું ઈસુએ ઉદાહરણ આપ્યું હતું. આજે પણ એવા ઘણા લોકો જોવા મળે છે. એ માણસ જાણે પોતાને કહેતો, “આરામ કર, ખા, પી અને મજા કર.” (લુક ૧૨:૧૯; ૨ તિમો. ૩:૪) તેણે પોતાનું મન આરામ અને મોજમજા કરવા પર લગાડ્યું હતું. જ્યારે કે, ઈસુ અને પ્રેરિતોએ એવી બાબતો પર ધ્યાન આપ્યું ન હતું.

કામ અને આરામ માટે યોગ્ય વલણ રાખવાથી સારાં કામ કરવા પર ધ્યાન આપી શકીશું, જેનાથી આપણને ખુશી મળશે (ફકરો ૧૭ જુઓ) *

૧૭. નોકરીધંધામાં સમય આપ્યા પછી સમયનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ?

૧૭ નોકરીધંધામાં સમય આપ્યા પછી સમયનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ? આરામ કરવા, ખુશખબર ફેલાવવા અને સભાઓમાં જવા સમય કાઢીએ. ખુશખબર ફેલાવવી અને સભાઓમાં જવું આપણા માટે સૌથી મહત્ત્વનું છે. એટલે એમાં ભાગ લેવા આપણે બનતું બધું કરીએ છીએ. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) આમ આપણે ઈસુને પગલે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. વેકેશન પર ગયા હોઈએ ત્યારે પણ સભામાં જવાનું ચૂકીએ નહિ. જેઓને મળીએ તેઓને ખુશખબર જણાવવાની તક શોધતા રહીએ.—૨ તિમો. ૪:૨.

૧૮. રાજા ઈસુ આપણી પાસેથી શું ચાહે છે?

૧૮ આપણે જેટલું કરી શકીએ એનાથી વધારે ઈસુ આપણી પાસે આશા રાખતા નથી. કામ અને આરામ માટે યોગ્ય વલણ રાખવા તે આપણને મદદ કરે છે. આપણને એવા રાજા મળ્યા છે માટે આપણે કેટલા આભારી છીએ! (હિબ્રૂ. ૪:૧૫) ઈસુ ચાહે છે કે આપણે પૂરતો આરામ લઈએ. તે એ પણ ચાહે છે કે ગુજરાન ચલાવવા આપણે સખત મહેનત કરીએ અને ખુશખબર ફેલાવવાના કામમાં ખુશી મેળવીએ. ઈસુએ આપણને આકરી ગુલામીમાંથી છોડાવવા જે કર્યું છે, એ વિશે હવે પછીના લેખમાં જોઈશું.

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

^ ફકરો. 5 શાસ્ત્રવચનોથી આપણને શીખવા મળે છે કે કામ અને આરામ માટે યોગ્ય વલણ કઈ રીતે રાખી શકીએ. ઇઝરાયેલીઓને સાબ્બાથનો નિયમ આપવામાં આવ્યો હતો. આ લેખમાં જોઈશું કે એ નિયમથી આપણને કામ અને આરામ માટે યોગ્ય વલણ રાખવા કઈ રીતે મદદ મળી શકે.

^ ફકરો. 10 શિષ્યોને સાબ્બાથના નિયમ માટે ઘણો આદર હતો. એટલે સાબ્બાથનો દિવસ પૂરો ન થયો ત્યાં સુધી તેઓએ ઈસુના દફન માટે સુગંધી દ્રવ્યો તૈયાર કરવાની રાહ જોઈ.—લુક ૨૩:૫૫, ૫૬.

^ ફકરો. 55 ચિત્રની સમજ: સાબ્બાથના દિવસે યુસફ પોતાના કુટુંબને લઈને સભાસ્થાનમાં જાય છે.

^ ફકરો. 57 ચિત્રની સમજ: એક પિતા કુટુંબનું ગુજરાન ચલાવવા કામ કરે છે પણ બાકીના સમયમાં ભક્તિને લગતાં કામ કરે છે. અરે, કુટુંબ સાથે વેકેશન પર જાય ત્યારે પણ એમ કરે છે.