સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“બધી બાબતો માટે આભાર માનો”

“બધી બાબતો માટે આભાર માનો”

શું તમે બીજાઓનો આભાર માનો છો અને તેઓની કદર કરો છો? આપણે બધાએ એ સવાલનો વિચાર કરવો જોઈએ. બાઇબલમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આપણા સમયમાં ઘણા લોકો “આભાર ન માનનારા” હશે. (૨ તિમો. ૩:૨) તમે એવા લોકોને મળ્યા હશો, જેઓ ચાહે છે કે બીજાઓ તેઓ માટે કામ કરે કે તેઓને વસ્તુઓ આપે. તેઓને લાગે છે કે, બીજાઓએ આપેલી વસ્તુઓ માટે આભાર માનવાની જરૂર નથી. કદાચ એવા લોકો આપણને નહિ ગમે, ખરું ને!

ઈશ્વરભક્તોને કહેવામાં આવ્યું છે: “તમે આભારી છો, એમ બતાવી આપો.” એટલે આપણે ‘બધી બાબતો માટે આભાર માનવો’ જોઈએ. (કોલો. ૩:૧૫; ૧ થેસ્સા. ૫:૧૮) બીજાઓનો આભાર માનીશું તો આપણને જ ફાયદો થશે. કઈ રીતે?

બીજાઓનો આભાર માનવાથી આપણને ખુશી મળે છે

આભાર માનવાથી એક ફાયદો થાય છે. એનાથી આપણને ખુશ રહેવા મદદ મળે છે. જ્યારે વ્યક્તિ બીજાઓનો આભાર માને છે, ત્યારે તેઓને ખુશી મળે છે. એટલું જ નહિ, આભાર માનનાર વ્યક્તિને પણ સારું લાગે છે. શા માટે આભાર માનવાથી આપણને અને બીજાઓને ખુશી થાય છે? એ સમજવા ચાલો એક દાખલો લઈએ. એક વ્યક્તિ સમય કાઢીને તમારા માટે કામ કરે છે. તેને તમારી ચિંતા છે, એટલે તેને લાગે છે કે તમારા માટે એ કામ કરવું જોઈએ. એ જોઈને તમને ખુશી થાય છે. રૂથ સાથે પણ એવું જ થયું હતું. બોઆઝે રૂથ માટે ઉદારતા બતાવી. રૂથે જોયું કે બોઆઝ તેની સંભાળ રાખે છે ત્યારે તેને ઘણું સારું લાગ્યું.—રૂથ ૨:૧૦-૧૩.

આપણે ખાસ તો યહોવાનો આભાર માનવો જોઈએ. તેમણે આપણને ભક્તિ માટે અને જીવન જીવવા માટે ઘણી ભેટ આપી છે. એ હજુયે એવી ભેટ આપતા રહે છે. એ વિશે તમે ઘણી વાર વિચાર્યું હશે. (પુન. ૮:૧૭, ૧૮; પ્રે.કા. ૧૪:૧૭) પણ એટલું જ પૂરતું નથી. ઈશ્વરે આપણને અને આપણાં સગાં-વહાલાંને આપેલા ઘણા આશીર્વાદો પર મનન કરવું જોઈએ. સર્જનહારની ઉદારતા પર મનન કરવાથી તેમના માટે આપણી કદર વધશે. વધુમાં, તે આપણને કેટલો પ્રેમ કરે છે અને આપણી કેટલી કદર કરે છે એ પણ અનુભવી શકીશું.—૧ યોહા. ૪:૯.

યહોવાની ઉદારતા વિશે વિચારીએ અને તેમણે આપેલા આશીર્વાદો પર મનન કરીએ. શું એટલું બસ છે? ના, તેમની ભલાઈ માટે આભાર પણ માનવો જોઈએ. (ગીત. ૧૦૦:૪, ૫) એવું કહેવાય છે કે “બીજાઓનો આભાર માનવાથી આપણને ઘણી ખુશી મળે છે.”

આભાર માનવાથી લોકો એકબીજાની નજીક આવે છે

આભાર માનવાથી બીજો પણ એક ફાયદો થાય છે. એનાથી મિત્રતા ગાઢ થાય છે. બીજાઓ કદર કરે એ બધાને ગમે છે. જ્યારે તમે કોઈનો દિલથી આભાર માનો છો, ત્યારે તેની સાથે તમારી મિત્રતા પાકી થાય છે. (રોમ. ૧૬:૩, ૪) કદર બતાવનાર લોકો મોટા ભાગે બીજાઓને મદદ કરવા આતુર હોય છે. બીજાઓની પ્રેમાળ મદદ મેળવીને તેઓ પણ મદદ કરવા પ્રેરાય છે. સાચે જ, બીજાઓને મદદ કરવાથી ખુશી મળે છે. ઈસુએ પણ કહ્યું હતું: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”—પ્રે.કા. ૨૦:૩૫.

યુનિવર્સિટી ઓફ કૅલિફૉર્નિયાના એક ડિરેક્ટર રોબર્ટ એમન્સે કદર બતાવવા વિશે અભ્યાસ કર્યો હતો. તે જણાવે છે: ‘આભાર માનવાની લાગણી કેળવવા પહેલા તો એ સમજવું જોઈએ કે આપણને એકબીજાની જરૂર છે. કોઈ વાર આપણે બીજાઓનો આભાર માનીએ છીએ અને કોઈ વાર બીજાઓ આપણો આભાર માને છે.’ હકીકત એ છે કે, સુખી જીવન જીવવા અને જીવનની ગાડી આગળ વધારવા આપણને અનેક રીતે બીજાઓની જરૂર પડે છે. દાખલા તરીકે, બીજાઓ કદાચ આપણને ખોરાક પૂરો પાડે કે બીમારીના સમયે મદદ કરે. (૧ કોરીં. ૧૨:૨૧) વ્યક્તિ આભારી હશે તો, તેના માટે જે કંઈ કરવામાં આવે એની તે કદર કરશે. તમારા વિશે શું? શું તમે બીજાઓનો આભાર માનો છો?

કદર કરો અને સારી બાબતો પર ધ્યાન આપો

કદર બતાવવાનો ગુણ કેળવવાથી ખરાબ બાબતોને બદલે સારી બાબતો પર ધ્યાન આપવા મદદ મળે છે. તમારું મન એક ગળણી જેવું કામ કરે છે. એ આસપાસ થતી ખરાબ બાબતો પર ધ્યાન આપવાને બદલે, જે સારું છે એના પર ધ્યાન આપે છે. સારી બાબતો પર ધ્યાન આપવાથી મુશ્કેલીઓ પર બહુ ધ્યાન નહિ જાય. જો દિલમાં કદરની ભાવના હશે, તો તમારું મન સારી બાબતો પર લાગેલું રહેશે. આમ તમે વધુ કદર બતાવી શકશો. સારી બાબતો માટે કદર બતાવશો તો પાઊલે કહેલી આ વાત જીવનમાં લાગુ પાડી શકશો: “પ્રભુમાં હંમેશાં આનંદ કરો.”—ફિલિ. ૪:૪.

કદર બતાવશો તો ખરાબ વિચારો ટાળી શકશો. એક બાજુ તમે બીજાઓની કદર કરો અને બીજી બાજુ તેઓની ઈર્ષા કરો, એ શક્ય નથી. કદર કરનારા લોકો પૈસાનો લોભ રાખતા નથી. તેઓ પોતાની પાસે જે છે એની કદર કરે છે અને વધારે મેળવવાની આશા રાખતા નથી.—ફિલિ. ૪:૧૨.

તમને મળેલા આશીર્વાદો યાદ કરો!

આ છેલ્લા દિવસોમાં તમે ઘણી તકલીફોનો સામનો કરો છો. એનાથી તમે ઉદાસ અને નિરાશ થઈ જાઓ એવું જ શેતાન ચાહે છે. ઈશ્વરભક્તો તરીકે તમે એ સારી રીતે જાણો છો. જો તમે ખરાબ વલણ રાખશો કે બધી બાબતો માટે કચકચ કરશો, તો એ જોઈને તે રાજીનો રેડ થઈ જશે. તમારો એવો સ્વભાવ હશે તો ખુશખબર ફેલાવતી વખતે લોકો તમારું ખાસ કંઈ સાંભળશે નહિ. આભારની લાગણી અને પવિત્ર શક્તિના ગુણો એકબીજા સાથે જોડાયેલાં છે. દાખલા તરીકે, ઈશ્વરે આપેલી સારી બાબતો માટે આપણને આનંદ થાય છે. ભાવિ વિશેના તેમનાં વચનો પર આપણે શ્રદ્ધા રાખીએ છીએ.—ગલા. ૫:૨૨, ૨૩.

યહોવાના સાક્ષી હોવાથી આ લેખમાં આભાર વિશે જે લખ્યું છે, એની સાથે તમે પણ સહમત થશો. તમે જાણતા હશો કે આભારની લાગણી આપણામાં આપોઆપ આવી જતી નથી. પણ નિરાશ થશો નહિ, તમે એ કેળવી શકો છો. કઈ રીતે? જીવનમાં એવી કઈ બાબત છે, જેના માટે તમે કદર બતાવી શકો એનો દરરોજ વિચાર કરો. એવું કરતા જશો તેમ, આભારની લાગણી તમારા સ્વભાવમાં આવતી જશે. જે લોકો ચિંતાઓમાં ડૂબી જાય છે, તેઓ કરતાં તમે વધારે આનંદ મેળવશો. જરા વિચારો, ઈશ્વરે અને બીજા લોકોએ તમારા માટે કેટલી સારી બાબતો કરી છે! એનાથી તમને ઘણું ઉત્તેજન મળ્યું હશે, સાચી ખુશી મળી હશે. તમે એક ડાયરી બનાવી શકો. એમાં દિવસની બે-ત્રણ એવી બાબતો વિશે લખી શકો, જેના માટે તમે આભારી છો.

અભ્યાસ કરનારાઓ જણાવે છે કે ‘નિયમિત બીજાઓનો આભાર માનવાથી બીજો એક ફાયદો થાય છે. આપણું મગજ સારી બાબતો પર વધુ ધ્યાન આપી શકે છે અને જીવન પ્રત્યે આપણા વિચારો બદલાય છે.’ આભાર માનનાર વ્યક્તિ ખુશ રહે છે. એટલે તમને મળેલા આશીર્વાદો અને જીવનમાં થયેલા સારા અનુભવોનો વિચાર કરો. હંમેશાં આભારી બનો. તમને મળેલી સારી બાબતોની કિંમત ઓછી ન આંકો. એને બદલે, “યહોવાનો આભાર માનો, કેમ કે તે કૃપાળુ છે.” હા, “બધી બાબતો માટે આભાર માનો.”—૧ કાળ. ૧૬:૩૪; ૧ થેસ્સા. ૫:૧૮.