સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૫૧

શું તમે યહોવાને સારી રીતે ઓળખો છો?

શું તમે યહોવાને સારી રીતે ઓળખો છો?

‘તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખશે. કેમ કે, હે યહોવા, તમે તમારા શોધનારને તજ્યા નથી.’—ગીત. ૯:૧૦.

ગીત ૩૪ જીવનમાં લખ્યું તારું નામ

ઝલક *

૧-૨. એન્જલિટોભાઈના અનુભવથી આપણને શું શીખવા મળે છે?

શું તમારાં માતા-પિતા યહોવાના સાક્ષી છે? એમ હોય તોપણ યાદ રાખો કે યહોવા સાથેનો સંબંધ તમને વારસામાં મળી જતો નથી. આપણાં માબાપ ઈશ્વરની ભક્તિ કરતા હોય કે ન કરતા હોય, આપણે પોતે ઈશ્વર સાથે સારો સંબંધ કેળવવો જોઈએ.

ચાલો એન્જલિટોભાઈનો વિચાર કરીએ. તેમના કુટુંબના બધા સભ્યો યહોવાના સાક્ષી હતા. યુવાન હતા ત્યારે તેમને લાગતું કે ઈશ્વર સાથે તેમનો સંબંધ ગાઢ નથી. તે જણાવે છે: ‘હું યહોવાની ભક્તિ એટલે કરતો કારણ કે મારે કુટુંબના સભ્યો જેવું કરવું હતું.’ પછીથી એન્જલિટોભાઈ બાઇબલ વાંચીને એના પર મનન કરવા વધારે સમય આપવા લાગ્યા. તે યહોવાને વધારે પ્રાર્થના કરવા લાગ્યા. એનું કેવું પરિણામ આવ્યું? તે કહે છે: ‘મને શીખવા મળ્યું કે પિતા યહોવાની નજીક જવાનો એક માત્ર રસ્તો છે, તેમને સારી રીતે ઓળખવા મારે જાતે પ્રયત્ન કરવો જોઈએ.’ એન્જલિટોભાઈના અનુભવથી આપણને આ મહત્ત્વના સવાલો થાય છે: યહોવા વિશે અમુક બાબતો જાણવી અને તેમને સારી રીતે ઓળખવા, એ બેમાં શો ફરક છે? યહોવાને સારી રીતે ઓળખવા આપણે શું કરવું જોઈએ?

૩. યહોવા વિશે જાણવામાં અને તેમને સારી રીતે ઓળખવામાં શો ફરક છે?

ધારો કે, એક વ્યક્તિ જાણતી હોય કે ઈશ્વરનું નામ યહોવા છે. તેમનાં કાર્યો કે વાતો વિશે પણ તે થોડું ઘણું જાણતી હોય. તો શું એનો અર્થ એવો થાય કે એ વ્યક્તિ યહોવાને ઓળખે છે? ના, એવું નથી. યહોવાને ઓળખવા માટે બીજી ઘણી બાબતોની જરૂર છે. આપણે યહોવા અને તેમના સુંદર ગુણો વિશે શીખવા સમય કાઢવો જોઈએ. એમ કરીશું તો જ તેમનાં કાર્યો અને વાતો વિશે સમજી શકીશું. એટલું જ નહિ, આપણે પારખી શકીશું કે યહોવાને આપણાં વિચારો અને કાર્યો ગમશે કે નહિ. યહોવા આપણી પાસેથી શું ચાહે છે, એ જાણ્યા પછી આપણે એ પ્રમાણે કરવું જોઈએ.

૪. બાઇબલમાં આપેલા દાખલાઓનો વિચાર કરવાથી આપણને કેવી મદદ મળશે?

આપણે યહોવાની ભક્તિ કરવા માંગીએ છીએ, એટલે અમુક લોકો કદાચ આપણી મજાક ઉડાવે. આપણે સભાઓમાં જવાનું શરૂ કરીએ તો, તેઓ કદાચ આપણો વધારે વિરોધ કરે. જો યહોવામાં ભરોસો રાખીશું, તો તે ક્યારેય આપણને છોડશે નહિ. એવો ભરોસો તો ઈશ્વર સાથે કાયમ માટેનો સંબંધ કેળવવાનું પહેલું પગથિયું છે. શું આપણે યહોવાને સારી રીતે ઓળખી શકીશું? હા, ચોક્કસ. મુસા અને દાઊદ રાજા પણ આપણી જેમ ભૂલો કરતા હતા. પણ તેઓ યહોવાને ઓળખી શક્યા હતા. તેઓનાં કાર્યો પર વિચાર કરવાથી આપણને આ બે સવાલોના જવાબ મળશે: તેઓ કઈ રીતે યહોવાને ઓળખી શક્યા? તેઓના દાખલા પરથી આપણે શું શીખી શકીએ?

મુસાએ “જે અદૃશ્ય છે તેમને” જોયા

૫. મુસાએ શું કરવાનું નક્કી કર્યું?

મુસાએ ઈશ્વરની ભક્તિ કરવાનું નક્કી કર્યું. મુસા આશરે ૪૦ વર્ષના હતા ત્યારે, તેમણે “ફારૂનની દીકરીનો પુત્ર” ગણાવાની ના પાડી. (હિબ્રૂ. ૧૧:૨૪) તેમણે એવા ઇઝરાયેલીઓ સાથે મિત્રતા રાખી, જેઓ ઈશ્વરની ભક્તિ કરતા હતા. મુસાએ મહત્ત્વનું સ્થાન છોડી દીધું. ફારૂન શક્તિશાળી રાજા હતો, જેને ઇજિપ્તના લોકો દેવ માનતા હતા. મુસા જાણતા હતા કે ઇઝરાયેલીઓનો પક્ષ લેવાથી ફારૂનને ગુસ્સો આવશે. તોપણ તેમણે એ ઇઝરાયેલીઓનો પક્ષ લીધો, જેઓ ઇજિપ્તની ગુલામીમાં હતા. એનાથી જોવા મળ્યું કે મુસાને યહોવામાં કેટલી શ્રદ્ધા હતી! મુસા પૂરા દિલથી તેમના પર ભરોસો રાખતા હતા. એવો ભરોસો તો યહોવા સાથે કાયમનો સંબંધ કેળવવાનું પહેલું પગથિયું હતું.—નીતિ. ૩:૫.

૬. મુસાના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?

એમાંથી આપણને શું શીખવા મળે છે? મુસાની જેમ આપણે બધાએ એક નિર્ણય લેવાનો છે. એ છે ફક્ત ઈશ્વરની ભક્તિ કરવી અને તેમના લોકો સાથે જ મિત્રતા કરવી. ઈશ્વરની ભક્તિ કરવા આપણે અમુક બાબતો કદાચ જતી કરવી પડે. જેઓ ઈશ્વરને ઓળખતા નથી, તેઓના વિરોધનો કદાચ સામનો કરવો પડે. પણ સ્વર્ગના પિતા પર ભરોસો રાખીશું તો, આપણો સાથ તે ક્યારેય છોડશે નહિ.

૭-૮. યહોવા વિશે મુસા શું શીખવા લાગ્યા?

મુસા યહોવાના ગુણો વિશે શીખતા ગયા અને તેમની ઇચ્છા પૂરી કરવા લાગ્યા. દાખલા તરીકે, મુસાને કહેવામાં આવ્યું કે ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવામાં આગેવાની લે. એ સાંભળીને તે ડરી ગયા. તેમણે વારંવાર યહોવાને કહ્યું કે પોતે એ કામ નહિ કરી શકે. યહોવાના જવાબ પરથી જોવા મળે છે કે તેમને મુસા પર કરુણા આવી, એટલે કે તે મુસાની લાગણીઓ સમજ્યા. પછી, તેમણે પ્રેમથી મુસાને મદદ કરી. (નિર્ગ. ૪:૧૦-૧૬) એ મદદને લીધે, મુસા ફારૂનની સામે કડક ચુકાદો આપી શક્યા. પછીથી મુસાએ જોયું કે યહોવાએ પોતાની શક્તિથી ઇઝરાયેલીઓને બચાવ્યા. પણ ફારૂન અને તેના સૈન્યનો લાલ સમુદ્રમાં નાશ કર્યો.—નિર્ગ. ૧૪:૨૬-૩૧; ગીત. ૧૩૬:૧૫.

મુસાની આગેવાનીમાં ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાંથી બહાર આવ્યા. પછી તેઓને વાતે વાતે વાંકું પડવા લાગ્યું. મુસાએ જોયું હતું કે યહોવાએ પોતાના લોકોને છોડાવ્યા પછી ઘણી ધીરજ ધરી હતી. (ગીત. ૭૮:૪૦-૪૩) ઇઝરાયેલીઓનો નાશ ન કરવા મુસાએ અરજ કરી ત્યારે, યહોવાએ પોતાનો વિચાર બદલ્યો અને નમ્રતા બતાવી. એ પણ મુસાએ જોયું હતું.—નિર્ગ. ૩૨:૯-૧૪.

૯. હિબ્રૂઓ ૧૧:૨૭માં જણાવ્યા પ્રમાણે મુસા અને યહોવા વચ્ચે કેવો સંબંધ હતો?

ઇજિપ્તમાંથી નીકળ્યા પછી મુસાનો યહોવા સાથેનો સંબંધ એટલો મજબૂત થઈ ગયો કે જાણે તે સ્વર્ગના પિતાને જોઈ શકતા હતા. (હિબ્રૂઓ ૧૧:૨૭ વાંચો.) તેઓ વચ્ચેના સંબંધ વિશે બાઇબલ આમ કહે છે: ‘જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે, તેમ યહોવા મુસાની સાથે મોઢામોઢ વાત કરતા.’—નિર્ગ. ૩૩:૧૧.

૧૦. યહોવાને સારી રીતે ઓળખવા આપણે શું કરવું જોઈએ?

૧૦ એમાંથી આપણને શું શીખવા મળે છે? યહોવાને સારી રીતે ઓળખવા આપણે તેમના ગુણો વિશે શીખવું જોઈએ. એટલું જ નહિ, તેમની ઇચ્છા પ્રમાણે કરવું જોઈએ. યહોવાની ઇચ્છા છે કે “બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય અને તેઓ સત્યનું ચોકસાઈભર્યું જ્ઞાન મેળવે.” (૧ તિમો. ૨:૩, ૪) ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાની એક રીત છે કે બીજાઓને યહોવા વિશે શીખવીએ.

૧૧. બીજાઓને યહોવા વિશે શીખવીએ ત્યારે આપણને શું ફાયદો થાય છે?

૧૧ બીજાઓને યહોવા વિશે શીખવીએ ત્યારે, આપણે યહોવાને વધુ સારી રીતે ઓળખવા લાગીએ છીએ. દાખલા તરીકે, નમ્ર દિલના લોકો સુધી પહોંચવા યહોવા આપણને માર્ગદર્શન આપે ત્યારે એમાં તેમની કરુણા દેખાય આવે છે. (યોહા. ૬:૪૪; પ્રે.કા. ૧૩:૪૮) જેઓ સાથે અભ્યાસ કરીએ તેઓ ખોટી લત છોડીને નવો સ્વભાવ કેળવે ત્યારે જોવા મળે છે કે બાઇબલમાં કેટલી તાકાત છે. (કોલો. ૩:૯, ૧૦) યહોવા લોકોને ઘણી તક આપે છે કે તેઓ તેમના વિશે શીખે અને પોતાનું જીવન બચાવે. એ તેમની ધીરજનો પુરાવો છે.—રોમ. ૧૦:૧૩-૧૫.

૧૨. નિર્ગમન ૩૩:૧૩માં જણાવ્યા પ્રમાણે મુસાએ કઈ મદદ માંગી હતી અને શા માટે?

૧૨ યહોવા સાથેના પોતાના સંબંધને મુસા કીમતી ગણતા હતા. ઈશ્વરના નામે મુસાએ ઘણાં મોટાં કામ કર્યાં હતાં. એટલે મુસા યહોવાને સારી રીતે ઓળખતા હતા. તેમ છતાં, યહોવાને વધુ સારી રીતે ઓળખવા તેમણે મદદ માંગી હતી. (નિર્ગમન ૩૩:૧૩ વાંચો.) તે જાણતા હતા કે પ્રેમાળ પિતા વિશે તેમણે હજુ ઘણું શીખવાનું છે. એટલે ૮૦થી વધુ વર્ષની ઉંમરે પણ તેમણે મદદ માંગી હતી.

૧૩. આપણે યહોવા સાથેનો સંબંધ કીમતી ગણીએ છીએ એ સાબિત કરવાની એક રીત કઈ છે?

૧૩ એમાંથી આપણને શું શીખવા મળે છે? ભલે ગમે એટલાં વર્ષોથી યહોવાને ભજતા હોઈએ, આપણે યહોવા સાથેનો સંબંધ કીમતી ગણવો જોઈએ. એ સાબિત કરવાની એક રીત છે, તેમની સાથે પ્રાર્થનામાં વાત કરીએ.

૧૪. ઈશ્વર વિશે વધુ શીખવા શા માટે પ્રાર્થના ઘણી મહત્ત્વની છે?

૧૪ વાતચીતના પાણીથી મિત્રતાનો બગીચો લીલોછમ રહે છે. એટલે યહોવાને હંમેશાં પ્રાર્થના કરતા રહીએ. તેમની સામે પોતાના દિલની લાગણી ઠાલવતા કદી અચકાઈએ નહિ. (એફે. ૬:૧૮) તુર્કીમાં રહેતા ક્રિસ્ટાબેન કહે છે: ‘જેટલી વાર પ્રાર્થનામાં યહોવા સામે દિલ ઠાલવું અને તેમની મદદ અનુભવું, એટલી વાર યહોવા માટે પ્રેમ અને તેમના પર ભરોસો વધતો જાય છે. યહોવા મારી પ્રાર્થનાનો જવાબ આપે છે. એટલે હું તેમને મારા પિતા અને મિત્ર ગણું છું.’

યહોવાના દિલને ખુશ કરનાર વ્યક્તિ

૧૫. યહોવાએ દાઊદ રાજા વિશે શું કહ્યું હતું?

૧૫ દાઊદ રાજાનો જન્મ એવા ઘરમાં થયો હતો, જ્યાં બધા યહોવાને ભજતા હતા. તેમની આસપાસના લોકો પણ યહોવાની ભક્તિ કરતા હતા. તે પોતાના કુટુંબને પગલે ચાલ્યા. અરે, તે એક ડગલું આગળ વધ્યા અને પોતે ઈશ્વર સાથે સારો સંબંધ કેળવ્યો. તે યહોવાના મનગમતા હતા. યહોવાએ પોતે દાઊદ વિશે કહ્યું કે તે “મારા દિલને ખુશ કરે છે.” (પ્રે.કા. ૧૩:૨૨) દાઊદ કઈ રીતે યહોવાની નજીક જઈ શક્યા?

૧૬. સૃષ્ટિ પર નજર નાખવાથી દાઊદને યહોવા વિશે શું શીખવા મળ્યું?

૧૬ સૃષ્ટિ પરથી દાઊદને યહોવા વિશે ઘણું શીખવા મળ્યું હતું. દાઊદ યુવાન હતા ત્યારે પિતાનાં ઘેટાં સાચવવા ઘણો સમય તેમણે ઘરની બહાર રહેવું પડતું. એ સમયે તેમને યહોવાની સૃષ્ટિ પર મનન કરવાની તક મળી હશે. દાખલા તરીકે, દાઊદે રાતે આકાશમાં લાખો કરોડો તારા જોયા હશે. એનાથી પણ મહત્ત્વનું, તે સૃષ્ટિમાંથી સર્જનહારના ગુણો જોઈ શક્યા હશે. દાઊદ આમ લખવા પ્રેરાયા: ‘આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે. અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે.’ (ગીત. ૧૯:૧, ૨) માણસને અદ્‍ભુત રીતે રચવામાં આવ્યો એ વિશે દાઊદે વિચાર કર્યો હશે. યહોવાની બુદ્ધિનો વિચાર કરીને દાઊદ નવાઈ પામ્યા હશે. (ગીત. ૧૩૯:૧૪) યહોવાનાં કામો પર મનન કરીને દાઊદને લાગ્યું હશે કે પોતે યહોવાની સામે કંઈ જ નથી.—ગીત. ૧૩૯:૬.

૧૭. સૃષ્ટિ પર નજર નાખવાથી શું શીખવા મળે છે?

૧૭ એમાંથી આપણને શું શીખવા મળે છે? સૃષ્ટિ પર જરા નજર નાખીએ. યહોવાએ બનાવેલી સુંદર દુનિયા પર ધ્યાન આપીએ. એ જોઈને આપણી નવાઈનો પાર નહિ રહે! આસપાસની સૃષ્ટિ જોવા દરરોજ સમય કાઢીએ. ઝાડપાન, પ્રાણીઓ અને મનુષ્યોને જે રીતે રચવામાં આવ્યા, એ જોઈને આપણને યહોવા વિશે ઘણું શીખવા મળશે. દરેક નવો દિવસ પ્રેમાળ ઈશ્વર વિશે આપણને નવું નવું શીખવશે. (રોમ. ૧:૨૦) એ જોઈને ઈશ્વર માટે તમારો પ્રેમ વધતો જશે.

૧૮. ગીતશાસ્ત્ર ૧૮માં જણાવ્યા પ્રમાણે દાઊદે શું કહ્યું?

૧૮ યહોવાએ કરેલી મદદ દાઊદ જોઈ શક્યા. દાખલા તરીકે, દાઊદે સિંહ અને રીંછથી પિતાનાં ઘેટાંનું રક્ષણ કર્યું હતું. તે જોઈ શક્યા કે એ શક્તિશાળી જંગલી જાનવરોને મારવા યહોવાએ તેમને મદદ કરી હતી. દાઊદે કદાવર ગોલ્યાથને મારી નાખ્યો, એમાં પણ તે યહોવાનો હાથ જોઈ શક્યા હતા. (૧ શમૂ. ૧૭:૩૭) રાજા શાઊલે તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે, દાઊદ તેમનાથી બચવા ભાગી રહ્યા હતા. એ સમયે દાઊદે પોતે કહ્યું કે યહોવાએ તેમને બચાવ્યા હતા. (ગીત. ૧૮, ઉપરનું લખાણ) જો દાઊદ ઘમંડી હોત, તો એ બધાં કામોને લીધે ફૂલાઈ ગયા હોત. પણ દાઊદ તો નમ્ર હતા. તેમને ખબર હતી કે યહોવાની મદદથી જ તે જીવનમાં સફળ થઈ શક્યા છે.—ગીત. ૧૩૮:૬.

૧૯. દાઊદના દાખલા પરથી આપણને શું શીખવા મળે છે?

૧૯ એમાંથી આપણને શું શીખવા મળે છે? યહોવા પાસે મદદનો હાથ લંબાવ્યા પછી આપણે હાથ પર હાથ ધરીને બેસી ન રહેવું જોઈએ. તે આપણને ક્યારે અને કઈ રીતે મદદ કરે છે, એનો વિચાર કરવો જોઈએ. જો નમ્ર હોઈશું તો સ્વીકારીશું કે આપણે જે ધારીએ એ બધું જ કરી શકતા નથી. એ પણ જોઈ શકીશું કે આપણા ગજા બહારની બાબતો કરવા યહોવા આપણને મદદ કરે છે. જેમ જેમ યહોવાની મદદ અનુભવીશું, તેમ તેમ તેમની સાથેનો આપણો સંબંધ મજબૂત થશે. ફિજીમાં રહેતા આઇઝેકભાઈ પણ એવું માને છે, જે વર્ષોથી યહોવાની ભક્તિ કરે છે. તે કહે છે: ‘વીતેલી કાલ પર નજર નાખું ત્યારે જોઈ શકું છું કે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો ત્યારથી લઈને આજ સુધી યહોવાએ મને મદદ કરી છે. એટલે યહોવા સાથે મારો ખૂબ નજીકનો સંબંધ છે.’

૨૦. યહોવા સાથે દાઊદનો ખાસ સંબંધ હતો, એમાંથી શું શીખી શકાય?

૨૦ દાઊદ યહોવા જેવા ગુણો બતાવી શક્યા. યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે કે, આપણે તેમના જેવા ગુણો બતાવી શકીએ. (ઉત. ૧:૨૬) યહોવાના સ્વભાવમાં જે ગુણો છલકાય છે, એ વિશે શીખતા જઈશું તેમ તેમના પગલે ચાલી શકીશું. દાઊદ સ્વર્ગના પિતાને સારી રીતે ઓળખતા હતા. એટલે બીજાઓ સાથે કામ કરતી વખતે દાઊદ તેમના પગલે ચાલી શક્યા. ચાલો એનો એક દાખલો જોઈએ. દાઊદે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો અને તેના પતિને મારી નંખાવ્યો. એમ કરીને દાઊદે યહોવા વિરુદ્ધ પાપ કર્યું. તેમ છતાં, યહોવાએ તેમના પર દયા બતાવી. (૨ શમૂ. ૧૧:૧-૪, ૧૫) કારણ કે દાઊદે પણ બીજાઓ પર દયા બતાવી હતી. યહોવા સાથે તેમનો ખાસ સંબંધ હતો. એટલે ઇઝરાયેલના લોકો દાઊદને ખૂબ પસંદ કરતા હતા. યહોવાની નજરમાં દાઊદે ખૂબ સારો દાખલો બેસાડ્યો હતો. એટલે ઇઝરાયેલના બીજા રાજાઓની વાત આવે ત્યારે, યહોવા દાઊદનો દાખલો આપતા હતા.—૧ રાજા. ૧૫:૧૧; ૨ રાજા. ૧૪:૧-૩.

૨૧. એફેસીઓ ૪:૨૪ અને ૫:૧માં જણાવ્યા પ્રમાણે ‘ઈશ્વરનું અનુકરણ કરવાથી’ શું થશે?

૨૧ એમાંથી આપણને શું શીખવા મળે છે? આપણે “ઈશ્વરનું અનુકરણ કરનારાં” બનવું જોઈએ. એમ કરવાથી આપણને ફાયદો થશે અને આપણે યહોવા વિશે વધુ શીખી શકીશું. યહોવા જેવો સ્વભાવ કેળવીને સાબિત કરીએ છીએ કે, આપણે તેમનાં બાળકો છીએ.એફેસીઓ ૪:૨૪; ૫:૧ વાંચો.

યહોવા વિશે શીખતા રહીએ

૨૨-૨૩. યહોવા વિશે જે શીખ્યા એ પ્રમાણે કરીશું તો શું ફાયદો થશે?

૨૨ આપણે જોઈ ગયા કે સૃષ્ટિ અને બાઇબલ દ્વારા યહોવા વિશે વધુ શીખી શકાય છે. એ અજોડ પુસ્તકનાં પાનાઓમાં મુસા અને દાઊદ જેવા ઘણા વફાદાર ઈશ્વરભક્તોના દાખલા છે, જેઓને આપણે અનુસરી શકીએ છીએ. યહોવાએ આપણને શીખવવા બનતું બધું કર્યું છે. હવે આપણા હાથમાં છે કે એ વિશે શીખવા આપણે કાન, આંખ અને દિલ ખુલ્લાં રાખીએ છીએ કે નહિ.

૨૩ યહોવા વિશે શીખવાનું કદી બંધ ન કરીએ. (સભા. ૩:૧૧) યહોવા વિશે આપણે જાણવું જોઈએ. પણ સૌથી મહત્ત્વનું છે કે તેમના વિશે જાણ્યા પછી એ પ્રમાણે કરવું જોઈએ. આપણે પ્રેમાળ પિતાના પગલે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ કરીશું તો તે આપણી નજીક આવશે. (યાકૂ. ૪:૮) બાઇબલમાં તેમણે ખાતરી આપી છે કે, જેઓ તેમને ઓળખવા માંગે છે તેઓને તે કદી છોડશે નહિ.

ગીત ૧ યહોવાના ગુણો

^ ફકરો. 5 ઘણા લોકો માને છે કે ઈશ્વર છે. પણ તેઓ તેમને ઓળખતા નથી. યહોવાને ઓળખવાનો શો અર્થ થાય? યહોવા સાથે સંબંધ મજબૂત કરવા આપણે મુસા અને દાઊદ રાજા પાસેથી શું શીખી શકીએ? એ સવાલોના જવાબ આ લેખમાંથી મળશે.