સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શેતાને હવાને કહ્યું હતું કે, જો તમે ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ખાશો તો તમે નહિ જ મરશો. શું એમ કહીને તેણે અમર આત્માની માન્યતા શરૂ કરી હતી, જે આજે ઘણી સામાન્ય થઈ ગઈ છે?

એવું લાગતું નથી. શેતાને હવાને એવું કહ્યું ન હતું કે, ઈશ્વરે મના કરેલું ફળ તે ખાશે તો મરી જશે, પણ તેના શરીરનો અમુક ભાગ (જેને આજે અમુક લોકો અમર આત્મા કહે છે) બીજે ક્યાંક જીવતો રહેશે, જે કોઈને દેખાશે નહિ. પણ સાપનો ઉપયોગ કરીને શેતાને તો એવો દાવો કર્યો કે, જો હવા એ વૃક્ષનું ફળ ખાશે તો ‘તે નહિ જ મરશે.’ તે એવું કહેવા માંગતો હતો કે હવા હંમેશ માટે જીવશે, પૃથ્વી પર સુખ-શાંતિથી રહેશે અને તેને ઈશ્વરની જરૂર પડશે નહિ.—ઉત. ૨:૧૭; ૩:૩-૫.

આજે અમર આત્માની ખોટી માન્યતા શીખવવામાં આવે છે. જો એ માન્યતાની શરૂઆત એદન વાડીમાં થઈ ન હોય, તો પછી એ માન્યતા આવી ક્યાંથી? એ વિશે આપણને ખબર નથી. પણ આપણે એટલું જાણીએ છીએ કે, નુહના સમયે જળપ્રલયમાં બધી જૂઠી ભક્તિનો સફાયો થઈ ગયો હતો. જળપ્રલયમાં ફક્ત નુહ અને તેમના કુટુંબનો બચાવ થયો હતો. તેઓ સાચા ઈશ્વરભક્તો હતા, એટલે ત્યાં જૂઠી ભક્તિના વિચારો ફેલાવનાર કોઈ ન હતું.

જે અમર આત્માનું શિક્ષણ આજે ચારેબાજુ ફેલાયેલું છે, એ તો જળપ્રલય પછી આવ્યું હશે. ઈશ્વરે બાબેલ શહેરના લોકોની ભાષા ગૂંચવી નાખી અને તેઓને “આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.” (ઉત. ૧૧:૮, ૯) એ સમયે તેઓ પોતાની સાથે અમર આત્માની માન્યતા પણ ચોક્કસ લેતા ગયા હશે. ભલે એની શરૂઆત ગમે ત્યારે થઈ હોય, પણ આપણને એટલી ખાતરી છે કે એની પાછળ શેતાનનો હાથ છે. “તે જૂઠો અને જૂઠાનો બાપ છે.” અમર આત્માની માન્યતા આખી દુનિયામાં આગની જેમ ફેલાયેલી છે, એ જોઈને શેતાન ઘણો ખુશ થતો હશે.—યોહા. ૮:૪૪.