સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમારું પ્રચારકાર્ય ઝાકળ જેવું છે?

શું તમારું પ્રચારકાર્ય ઝાકળ જેવું છે?

આપણું પ્રચારકાર્ય મહત્ત્વનું અને કીમતી છે. પણ, આપણે જેઓને પ્રચાર કરીએ છીએ, તેઓ બધા કંઈ એની કદર કરતા નથી. બની શકે કે લોકો બાઇબલના સંદેશામાં રસ બતાવે, પણ જરૂરી નથી કે તેઓ બાઇબલનો અભ્યાસ કરવા તૈયાર થાય.

ગેવીનના કિસ્સામાં એવું જ બન્યું. તે સભાઓમાં આવવા લાગ્યા; પણ, તે બાઇબલ અભ્યાસ કરવા માંગતા ન હતા. તે કહે છે: ‘મારી પાસે બાઇબલનું સાવ ઓછું જ્ઞાન હતું અને હું એની ખબર બીજાઓને પડવા દેવા માંગતો ન હતો. છેતરાઈ જવાનો મને ડર હતો અને હું વચન આપીને બંધાઈ જવા માંગતો ન હતો.’ શું તમને એમ લાગે છે કે ગેવીન પાછળ મહેનત કરવી નકામી હતી? ના. બાઇબલના શિક્ષણની વ્યક્તિ પર કેવી સારી અસર થાય છે, એનો વિચાર કરો. યહોવાએ પોતાના લોકોને જણાવ્યું હતું: ‘મારી વાતો ઝાકળની જેમ ટપકશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસતા વરસાદની જેમ તે પડશે.’ (પુન. ૩૧:૧૯, ૩૦; ૩૨:૨) ઝાકળનાં અમુક પાસાં બતાવે છે કે આપણે પ્રચારમાં કઈ રીતે બધા પ્રકારના લોકોને સારી રીતે મદદ કરી શકીએ.—૧ તીમો. ૨:૩, ૪.

ઝાકળ જેવું પ્રચારકાર્ય

ઝાકળ કોમળ હોય છે. હવામાં રહેલું પાણી ટીપે ટીપે ભેગું થઈને ઝાકળ બને છે. એ ક્રિયા ધીમે ધીમે થાય છે. યહોવાના શબ્દો ‘ઝાકળની જેમ ટપક્યા,’ એનો અર્થ થાય કે તે પોતાના લોકો સાથે પ્રેમથી, કોમળતાથી અને બીજાઓનો વિચાર કરીને બોલ્યા. બીજાઓના વિચારોને માન આપીને આપણે તેમને અનુસરીએ છીએ. આપણે લોકોને ઉત્તેજન આપીએ છીએ કે તેઓ પોતે પરખ કરે અને પોતે નિર્ણય લે. જ્યારે આપણે એમ કરીને લોકોમાં રસ લઈએ છીએ, ત્યારે આપણી વાત તરત લોકોના દિલમાં ઊતરી જાય છે. તેમ જ, આપણું પ્રચારકાર્ય વધારે અસરકારક બને છે.

ઝાકળ તાજગી આપનારું છે. સંદેશામાં રસ બતાવનારા લોકોને મદદ કરવા શું કરવું, એના પર વિચાર કરીએ. એમ કરવાથી આપણું પ્રચારકાર્ય લોકોને તાજગી આપનારું બનશે. બાઇબલ અભ્યાસ શરૂ કરવા ગેવીનને દબાણ કરવામાં આવ્યું નહિ. એના બદલે, ક્રીસ નામના ભાઈ, જે તેમને પહેલા મળ્યા હતા, તેમણે અલગ અલગ રીતો અપનાવી, જેથી ગેવીનને બાઇબલ વિશે ચર્ચા કરવામાં મજા આવે. ક્રીસે તેમને સમજાવ્યું કે બાઇબલનો એક મુખ્ય વિષય છે. જો તે એને પારખી લેશે, તો સભાઓમાં મળતા શિક્ષણને તે વધારે સારી રીતે સમજી શકશે. પછી, ક્રીસે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, બાઇબલની ભવિષ્યવાણીઓના અભ્યાસથી તેમને ખાતરી થઈ હતી કે, બાઇબલ સાચું છે. એ પછી, ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ એ વિષે ઘણી ચર્ચાઓ થઈ. એ ચર્ચાઓથી ગેવીનને તાજગી મળી અને છેવટે તેમણે બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો.

ઝાકળ જીવન ટકાવી રાખનારું છે. ઈસ્રાએલ દેશમાં સૂકી અને ગરમ ઋતુ હોય છે, જે દરમિયાન ઘણા મહિનાઓ સુધી વરસાદ વરસતો નથી. ઝાકળથી જે ભેજ મળે છે એનાથી છોડ ટકે છે, નહિતર એ સુકાઈને મરી જાય. યહોવાએ અગાઉ જણાવ્યું હતું તેમ, આજે તેમનાં વચન સાંભળવાનો દુકાળ છે. (આમો. ૮:૧૧) તેમણે વચન આપ્યું હતું કે અભિષિક્તો ‘યહોવાએ મોકલેલા ઝાકળ જેવા’ હશે, કેમ કે તેઓ રાજ્યનો સંદેશો જણાવે છે. એ કામમાં તેઓના સાથીઓ, એટલે કે, “બીજાં ઘેટાં” તેઓને સાથ આપે છે. (મીખા. ૫:૭; યોહા. ૧૦:૧૬) રાજ્યની ખુશખબર એ યહોવા તરફથી મળેલ જીવન ટકાવી રાખનાર ઝાકળ છે. શું આપણે એ સંદેશાની કદર કરીએ છીએ?

ઝાકળ યહોવાનો આશીર્વાદ છે. (પુન. ૩૩:૧૩) આપણો સંદેશો જેઓ સાંભળે છે, તેઓ માટે એ આશીર્વાદ બની શકે. ગેવીનને એવા જ આશીર્વાદ મળ્યા. બાઇબલ અભ્યાસથી તેમને બધા સવાલોના જવાબ મળ્યા. તેમણે ઝડપથી પ્રગતિ કરીને બાપ્તિસ્મા લીધું. હવે, તે અને તેમનાં પત્ની જોઈસ, રાજ્યની ખુશખબર ફેલાવવામાં પૂરો ભાગ લઈને આનંદ માણી રહ્યા છે.

યહોવાના સાક્ષીઓ રાજ્યના સંદેશાથી પૃથ્વીને ભીંજવી રહ્યા છે

તમારા પ્રચારકાર્યની કદર કરો

ઝાકળ વિશે વિચાર કરવાથી, પ્રચારમાં આપણે જે કરીએ છીએ, એની કદર કરવા ઉત્તેજન પણ મળી શકે છે. કઈ રીતે? ઝાકળના એક ટીપાથી કંઈ થઈ ન શકે. પણ, ઝાકળનાં લાખો ટીપાં ભેગા મળીને જમીનને ભીંજવી શકે છે. એવી જ રીતે, કદાચ આપણે પોતે કરેલો પ્રચાર આપણી નજરમાં સામાન્ય લાગે. પણ, યહોવાના બધા સેવકો પૂરા દિલથી પ્રયત્નો કરે છે ત્યારે, “સર્વ પ્રજાઓને” સાક્ષી આપવામાં મદદ મળે છે. (માથ. ૨૪:૧૪) શું આપણું પ્રચારકાર્ય બીજાઓ માટે યહોવા તરફથી આશીર્વાદરૂપ બનશે? હા, એમ ત્યારે થશે, જ્યારે આપણો સંદેશો ઝાકળની જેમ કોમળ, તાજગી આપનાર અને જીવન ટકાવી રાખનાર હશે!