સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઉત્તેજન આપનાર ઈશ્વર—યહોવાને અનુસરીએ

ઉત્તેજન આપનાર ઈશ્વર—યહોવાને અનુસરીએ

‘ઈશ્વરની સ્તુતિ થાઓ, જે આપણી બધી કસોટીઓમાં આપણને ઉત્તેજન આપે છે.’—૨ કોરીં. ૧:૩, ૪, ફૂટનોટ.

ગીતો: ૨૩, ૧૫૨

૧. આદમ અને હવાએ બંડ પોકાર્યું ત્યારે યહોવાએ કઈ રીતે માણસજાતને ઉત્તેજન અને આશા આપ્યાં?

યહોવા ઉત્તેજન આપનાર ઈશ્વર છે. માણસોએ પાપ કર્યું અને અપૂર્ણ બન્યા ત્યારથી તે ઉત્તેજન આપી રહ્યા છે. આદમ અને હવાએ ઈશ્વર સામે બંડ પોકાર્યું ત્યારે, ઈશ્વરે ભવિષ્યવાણી કરી હતી. એ ભવિષ્યવાણી ઉત્પત્તિ ૩:૧૫માં લખેલી છે. એ ભવિષ્યવાણી સમજવાથી આદમના વંશજોને એટલે કે, આખી માણસજાતને હિંમત અને આશા મળવાની હતી. એમાં વચન આપ્યું હતું કે શેતાનનો અને તેનાં દુષ્ટ કાર્યોનો નાશ કરવામાં આવશે.—પ્રકટી. ૧૨:૯; ૧ યોહા. ૩:૮.

યહોવાએ અગાઉના ઈશ્વરભક્તોને ઉત્તેજન આપ્યું

૨. યહોવાએ નુહને કઈ રીતે ઉત્તેજન આપ્યું?

યહોવાએ નુહને જે રીતે ઉત્તેજન આપ્યું, એનો વિચાર કરો. ફક્ત નુહ અને તેમનું કુટુંબ યહોવાને ભજતા હતા. આસપાસના લોકો હિંસક અને અનૈતિક હતા. એટલે કદાચ નુહ નિરાશ થઈ ગયા હશે. (ઉત. ૬:૪, ૫, ૧૧; યહુ. ૬) પરંતુ યહોવાએ નુહને જરૂરી હિંમત પૂરી પાડી, જેથી નુહ તેમની ભક્તિ કરી શકે અને જે ખરું છે એ કરી શકે. (ઉત. ૬:૯) યહોવાએ નુહને કહ્યું હતું કે દુષ્ટ દુનિયાનો તે નાશ કરવાના છે. યહોવાએ નુહને એ પણ સમજાવ્યું કે નુહે અને તેમના કુટુંબે બચવા માટે શું કરવાનું હતું. (ઉત. ૬:૧૩-૧૮) નુહ માટે યહોવા ઉત્તેજન આપનાર ઈશ્વર હતા.

૩. યહોવાએ યહોશુઆને કઈ રીતે ઉત્તેજન આપ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

થોડાં વર્ષો પછી, યહોવાએ પોતાના સેવક યહોશુઆને પણ ઉત્તેજન આપ્યું હતું, જેમણે મોટી જવાબદારી ઉપાડવાની હતી. યહોશુઆએ ઈશ્વરના લોકોને વચનના દેશમાં દોરી જવાના હતા અને ત્યાંની શક્તિશાળી સેના સામે જીત મેળવવાની હતી. યહોવા જાણતા હતા કે એવાં ઘણાં કારણોને લીધે યહોશુઆ ડરી ગયા હોત. તેથી, તેમણે મુસાને જણાવ્યું કે, “યહોશુઆને આજ્ઞા કર, ને તેને હિમ્મત તથા બળ દે; કેમ કે તે આ લોકોને પેલી પાર દોરી જશે, ને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને પ્રાપ્ત કરાવશે.” (પુન. ૩:૨૮) યહોવાએ પોતે યહોશુઆને હિંમત બંધાવતા શબ્દો કહ્યા: “શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિમ્મતવાન થા; ભયભીત ન થા, ને ગભરાતો મા; કારણ કે જ્યાં કંઈ તું જાય છે, ત્યાં તારો ઈશ્વર યહોવા તારી સાથે છે.” (યહો. ૧:૧,) એ શબ્દો સાંભળીને યહોશુઆને કેવું લાગ્યું હશે?

૪, ૫. (ક) યહોવાએ પોતાના લોકોને કઈ રીતે ઉત્તેજન આપ્યું? (ખ) યહોવાએ પોતાના દીકરાને કઈ રીતે ઉત્તેજન આપ્યું?

યહોવાએ પોતાના લોકોને એક પ્રજા તરીકે પણ ઉત્તેજન આપ્યું હતું. દાખલા તરીકે, યહોવા જાણતા હતા કે યહુદીઓને બાબેલોનમાં બંદી બનાવવામાં આવશે ત્યારે, તેઓને ઉત્તેજનની જરૂર પડશે. એટલે, તેમણે ઉત્તેજન આપનારી ભવિષ્યવાણી કરી હતી: “તું બીશ મા, કેમ કે હું તારી સાથે છું; આમતેમ જોઈશ મા, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.” (યશા. ૪૧:૧૦) સમય જતાં, યહોવાએ શરૂઆતના ખ્રિસ્તીઓને પણ ઉત્તેજન આપ્યું હતું. એવી જ રીતે, તે આજે પણ આપણને ઉત્તેજન આપે છે.—૨ કોરીંથીઓ ૧:૩, ૪ વાંચો.

યહોવાએ પોતાના દીકરાને પણ ઉત્તેજન આપ્યું હતું. ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે, સ્વર્ગમાંથી એક વાણી થઈ હતી: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.” (માથ. ૩:૧૭) શું તમે કલ્પના કરી શકો કે, એ શબ્દોથી ઈસુને પૃથ્વી પરના સેવાકાર્ય દરમિયાન કેટલી હિંમત મળી હશે?

ઈસુએ બીજાઓને ઉત્તેજન આપ્યું

૬. ઈસુના તાલંતના ઉદાહરણથી આપણને કઈ રીતે ઉત્તેજન મળી શકે?

ઈસુએ બીજાઓને ઉત્તેજન આપ્યું હતું કે તેઓ વફાદારી બતાવે. આમ, તેમણે ઉત્તેજન આપવામાં યહોવાનું અનુકરણ કર્યું હતું. એનો દાખલો તાલંતના ઉદાહરણમાં જોવા મળે છે. એમાં માલિકે પોતાના દરેક વફાદાર ચાકરને કહ્યું: ‘શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ થયો. હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. તારા માલિક સાથે આનંદ કર.’ (માથ. ૨૫:૨૧, ૨૩) એ શબ્દોથી તેમના શિષ્યોને વફાદારીથી યહોવાની ભક્તિ કરવાનું ઉત્તેજન મળ્યું હતું!

૭. ઈસુએ પોતાના શિષ્યોને અને ખાસ કરીને પીતરને કઈ રીતે ઉત્તેજન આપ્યું?

સૌથી મોટું કોણ છે, એ વિશે શિષ્યો ઘણી વાર એકબીજા સાથે તકરાર કરતા હતા. તોપણ, ઈસુ હંમેશાં તેઓ સાથે ધીરજથી વર્તતા હતા. તેમણે શિષ્યોને નમ્રતા બતાવવાનું ઉત્તેજન આપ્યું હતું. વધુમાં, ઈસુએ તેઓને ઉત્તેજન આપ્યું હતું કે બીજાઓ પાસેથી સેવાની અપેક્ષા રાખવાને બદલે પોતે બીજાઓની સેવા કરે. (લુક ૨૨:૨૪-૨૬) પીતરે ઘણી વાર ભૂલો કરી અને ઈસુને નિરાશ કર્યા. (માથ. ૧૬:૨૧-૨૩; ૨૬:૩૧-૩૫, ૭૫) તોપણ ઈસુએ ક્યારેય પીતરને નકાર્યા નહિ. એને બદલે, તેમણે પીતરને ઉત્તેજન આપ્યું અને તેમને જવાબદારી સોંપી કે તે બીજાઓને ઉત્તેજન આપે.—યોહા. ૨૧:૧૬.

પ્રાચીન સમયમાં ઉત્તેજન આપવામાં આવ્યું

૮. હિઝકિયાએ લશ્કરી અમલદારો અને લોકોને કઈ રીતે ઉત્તેજન આપ્યું?

ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે, તેમણે બીજાઓને ઉત્તેજન આપવા વિશે સારો દાખલો બેસાડ્યો હતો. જોકે, પ્રાચીન સમયના ઈશ્વરભક્તો જાણતા હતા કે એકબીજાને ઉત્તેજન આપવું જરૂરી છે. ચાલો, હિઝકિયાનો દાખલો જોઈએ. આશ્શૂરીઓ યહુદાના લોકો પર ચઢાઈ કરવાની તૈયારી કરતા હતા. એ સમયે હિઝકિયાએ લશ્કરી અમલદારો અને લોકોને ઉત્તેજન આપવા ભેગા કર્યા. તેમના શબ્દોથી ‘લોકોનો ભરોસો’ વધ્યો.—૨ કાળવૃત્તાંત ૩૨:૬-૮ વાંચો.

૯. ઉત્તેજન આપવા વિશે આપણે અયૂબ પાસેથી શું શીખી શકીએ?

અયૂબ પાસેથી પણ આપણે બીજાઓને ઉત્તેજન આપવાનું શીખી શકીએ છીએ. જોકે, તેમને પોતાને ઉત્તેજનની જરૂર હતી. છતાં, તે બીજાઓને શીખવતા હતા કે કઈ રીતે ઉત્તેજન આપવું જોઈએ. દિલાસો આપવા માટે આવેલા માણસોને અયૂબે કહ્યું કે ‘જો હું તમારી જગ્યાએ હોત તો તમારી હિંમત વધે એવા શબ્દો બોલ્યો હોત, નહિ કે દુઃખી થવાય એવા શબ્દો.’ (અયૂ. ૧૬:૧-૫) આખરે, અયૂબને અલીહૂના અને યહોવાના શબ્દોથી હિંમત મળી હતી.—અયૂ. ૩૩:૨૪, ૨૫; ૩૬:૧, ૧૧; ૪૨:૭, ૧૦.

૧૦, ૧૧. (ક) યિફતાની દીકરીને શા માટે ઉત્તેજનની જરૂર પડી? (ખ) આજે આપણે કોને ઉત્તેજન આપી શકીએ?

૧૦ યિફતાની દીકરીને પણ ઉત્તેજનની જરૂર હતી. તેના પિતા યિફતા એક ન્યાયાધીશ હતા અને આમ્મોનીઓ સામે લડવા જવાના હતા. તેમણે વચન આપ્યું હતું કે જો યહોવા તેમને લડાઈ જીતવા મદદ કરશે, તો તેમને મળવા આવનાર સૌથી પહેલી વ્યક્તિને તે યહોવાની સેવા માટે આપી દેશે. ઇઝરાયેલીઓ એ યુદ્ધ જીતી જાય છે અને યિફતાને સૌથી પહેલા તેમની એકની એક દીકરી મળવા આવે છે. તેને જોઈને યિફતાનું કાળજું કપાઈ જાય છે. પરંતુ, તે પોતાનું વચન નિભાવે છે અને પોતાની દીકરીને યહોવાની સેવા કરવા મોકલે છે.—ન્યા. ૧૧:૩૦-૩૫.

૧૧ એમ કરવું યિફતા માટે અઘરું થઈ પડ્યું હશે. પરંતુ સૌથી વધારે અઘરું તેમની દીકરી માટે થયું હશે. જોકે, પોતાના પિતાનું વચન નિભાવવા તે ખુશીથી તૈયાર થઈ. (ન્યા. ૧૧:૩૬, ૩૭) એ વચન પ્રમાણે તેણે ક્યારેય લગ્ન કરવાના ન હતા અને બાળકો પેદા કરવાના ન હતા. અને તેમના કુટુંબનો વંશવેલો ત્યાં જ અટકી જવાનો હતો. તેને દિલાસા અને હિંમતની ઘણી જરૂર પડી હશે. બાઇબલમાં લખ્યું છે કે “ઈસ્રાએલમાં એવો રિવાજ પડ્યો, કે વર્ષમાં ચાર દિવસ ગિલઆદી યિફતાની દીકરીનો શોક પાળવા માટે ઈસ્રાએલપુત્રીઓ દર વર્ષે જતી હતી.” (ન્યા. ૧૧:૩૯, ૪૦) યિફતાની દીકરી આજે આપણને એવા ઈશ્વરભક્તોની યાદ અપાવે છે, જેઓએ યહોવાની વધારે સેવા કરવા લગ્ન કર્યા નથી. શું આપણે તેઓના વખાણ કરી શકીએ અને ઉત્તેજન આપી શકીએ?—૧ કોરીં. ૭:૩૨-૩૫.

પ્રેરિતોએ ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું

૧૨, ૧૩. પીતરે કઈ રીતે ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું?

૧૨ ઈસુના મરણની આગલી રાતે તેમણે પ્રેરિત પીતરને જણાવ્યું: “સિમોન, સિમોન, જો! શેતાને તમને બધાને ઘઉંની જેમ ચાળવાની માંગ કરી છે. પરંતુ, મેં તારા માટે વિનંતી કરી છે કે તારી શ્રદ્ધા ખૂટે નહિ; અને તું, હા, તું પસ્તાવો કરીને એક વાર પાછો ફરે ત્યારે, તારા ભાઈઓને દૃઢ કરજે.”—લુક ૨૨:૩૧, ૩૨.

પ્રેરિતોના પત્રોથી પ્રથમ સદીના ખ્રિસ્તીઓને ઉત્તેજન મળ્યું હતું અને આજે આપણને પણ મળે છે (ફકરા ૧૨-૧૭ જુઓ)

૧૩ પ્રથમ સદીના મંડળમાં આગેવાની લેનારાઓમાં પ્રેરિત પીતર પણ હતા. (ગલા. ૨:૯) તેમણે પેન્તેકોસ્તના દિવસે અને પછીથી ઘણાં કાર્યો માટે હિંમત બતાવી, જેનાથી ભાઈ-બહેનોને ઉત્તેજન મળ્યું હતું. તેમણે લખ્યું: “હું તમને થોડા શબ્દોમાં લખું છું, જેથી તમને ઉત્તેજન અને ખરી સાક્ષી આપું કે આ ઈશ્વરની સાચી અપાર કૃપા છે. એમાં દૃઢ ઊભા રહો.” (૧ પીત. ૫:૧૨) પીતરના પત્રોથી એ સમયનાં ભાઈ-બહેનોને ઘણું ઉત્તેજન મળ્યું હતું. યહોવાનાં વચનો પૂરાં થાય, એની આપણે રાહ જોઈ રહ્યા છીએ, એવા સમયે એ પત્રોથી આપણને પણ ઉત્તેજન મળે છે.—૨ પીત. ૩:૧૩.

૧૪, ૧૫. પ્રેરિત યોહાને લખેલા બાઇબલના પુસ્તકોમાંથી આપણને કઈ રીતે ઉત્તેજન મળે છે?

૧૪ પ્રથમ સદીના મંડળમાં આગેવાની લેનારાઓમાં પ્રેરિત યોહાન પણ હતા. ઈસુના સેવાકાર્ય વિશે તેમણે ખુશખબરનું પુસ્તક લખ્યું હતું. સદીઓથી ઈશ્વરભક્તોને એ પુસ્તકથી ઉત્તેજન મળ્યું હતું અને આજે પણ મળી રહ્યું છે. દાખલા તરીકે, ફક્ત યોહાનના અહેવાલમાં આપણને ઈસુનું આ વાક્ય વાંચવા મળે છે. તેમણે કહ્યું હતું કે પ્રેમનો ગુણ તેમના સાચા શિષ્યોની ઓળખ હશે.—યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચો.

૧૫ યોહાને લખેલા ત્રણ પત્રોમાં કીમતી ખજાનો છુપાયેલો છે. પોતાની ભૂલોને લીધે નિરાશ થઈ જઈએ ત્યારે, આ શબ્દોથી આપણને ઘણી રાહત મળે છે: “ઈસુનું લોહી આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.” (૧ યોહા. ૧:૭) આપણને દોષની લાગણી સતત થયા કરે ત્યારે, આ શબ્દોથી આપણને દિલાસો મળે છે: “ઈશ્વર આપણા હૃદયો કરતાં મહાન છે.” (૧ યોહા. ૩:૨૦) ફક્ત યોહાન એવા લેખક હતા, જેમણે લખ્યું કે “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહા. ૪:૮, ૧૬) તેમનો બીજો અને ત્રીજો પત્ર એવા ઈશ્વરભક્તોના વખાણ કરે છે, જેઓ “સત્યમાં ચાલે છે.”—૨ યોહા. ૪; ૩ યોહા. ૩, ૪.

૧૬, ૧૭. પહેલી સદીના ખ્રિસ્તીઓને પાઊલે કઈ રીતે ઉત્તેજન આપ્યું?

૧૬ ભાઈ-બહેનોને ઉત્તેજન આપવામાં પ્રેરિત પાઊલે ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. ઈસુના મરણ પછી, મોટાભાગના પ્રેરિતો યરૂશાલેમમાં રહેતા, જ્યાં નિયામક જૂથ હતું. (પ્રે.કા. ૮:૧૪; ૧૫:૨) યહુદિયાના ખ્રિસ્તીઓ ફક્ત એવા લોકોને ઈસુ ખ્રિસ્ત વિશેની ખુશખબર જણાવતા હતા, જેઓ માનતા હતા કે એક જ ઈશ્વર છે. એટલે, ઘણા દેવોને ભજતા ગ્રીક, રોમનો અને બીજા લોકોને પણ ખુશખબર જણાવવા પવિત્ર શક્તિએ પાઊલને મોકલ્યા હતા.—ગલા. ૨:૭-૯; ૧ તિમો. ૨:૭.

૧૭ પાઊલે જે વિસ્તારોમાં મુસાફરી કરી હતી, એ આજે તુર્કી, ગ્રીસ અને ઇટાલીમાં છે. એ વિસ્તારોમાં રહેતા બીજી પ્રજાના લોકોને પણ પાઊલે ખુશખબર જણાવી અને ત્યાં મંડળો સ્થાપ્યાં હતાં. નવા ઈશ્વરભક્તો માટે જીવન સહેલું ન હતું. તેઓ પોતાના દેશના લોકોના હાથે સતાવણી સહી રહ્યા હતા, એટલે તેઓને ઉત્તેજનની જરૂર હતી. (૧ થેસ્સા. ૨:૧૪) આશરે સાલ પ૦માં, થેસ્સાલોનિકીમાંના નવા મંડળને પાઊલે ઉત્તેજન આપતો પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું: “અમે પ્રાર્થનામાં તમને બધાને યાદ કરીએ છીએ ત્યારે, હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ; શ્રદ્ધાને લીધે તમે કરેલાં કામને અને પ્રેમથી તમે કરેલી મહેનતને અમે ઈશ્વર આપણા પિતા આગળ કાયમ યાદ કરીએ છીએ.” (૧ થેસ્સા. ૧:૨, ૩) પાઊલે કહ્યું કે તેઓ એકબીજાને ઉત્તેજન આપતા રહે. તેમણે લખ્યું: “એકબીજાને ઉત્તેજન આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો.”—૧ થેસ્સા. ૫:૧૧.

નિયામક જૂથ ઉત્તેજન આપે છે

૧૮. પ્રથમ સદીના નિયામક જૂથે કઈ રીતે ફિલિપને ઉત્તેજન આપ્યું?

૧૮ પ્રથમ સદીમાં, યહોવાએ નિયામક જૂથ દ્વારા બધા ઈશ્વરભક્તોને ઉત્તેજન આપ્યું હતું, જેમાં મંડળમાં આગેવાની લેનારાઓનો પણ સમાવેશ થતો હતો. ફિલિપ સમરૂનીઓને ખ્રિસ્ત વિશે ખુશખબર જણાવતા હતા ત્યારે, નિયામક જૂથે તેમને ટેકો આપ્યો હતો. નિયામક જૂથે પોતાના બે સભ્યો પીતર અને યોહાનને મોકલ્યા, જેથી તેઓ નવા ખ્રિસ્તીઓને પવિત્ર શક્તિ મળે માટે પ્રાર્થના કરી શકે. (પ્રે.કા. ૮:૫, ૧૪-૧૭) ફિલિપ અને એ નવાં ભાઈ-બહેનોને નિયામક જૂથ તરફથી મળેલી મદદથી ઘણું ઉત્તેજન મળ્યું હતું!

૧૯. નિયામક જૂથ તરફથી મળેલો પત્ર વાંચ્યો ત્યારે ભાઈ-બહેનોને કેવું લાગ્યું?

૧૯ મુસાના નિયમ પ્રમાણે, યહુદીઓની જેમ બીજી પ્રજાના ખ્રિસ્તીઓની સુન્નત વિશે નિયામક જૂથે એક મહત્ત્વનો નિર્ણય લેવાનો હતો. (પ્રે.કા. ૧૫:૧, ૨) નિયામક જૂથે પવિત્ર શક્તિની મદદ માટે પ્રાર્થના કરી અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પછી, તેઓ એ નિર્ણય પર આવ્યા કે હવે ખ્રિસ્તીઓ માટે સુન્નત જરૂરી નથી. એ નિર્ણય વિશે તેઓએ પત્ર લખ્યો અને મંડળો સુધી એ પત્ર પહોંચાડવા ભાઈઓને મોકલ્યા. ભાઈ-બહેનોએ એ પત્ર વાંચ્યો અને “ઉત્તેજન મેળવીને તેઓ ઘણા ખુશ થયાં.”—પ્રે.કા. ૧૫:૨૭-૩૨.

૨૦. (ક) નિયામક જૂથ આજે કઈ રીતે આપણને બધાને ઉત્તેજન આપે છે? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨૦ આજે યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ બેથેલનાં ભાઈ-બહેનોને, પૂરા સમયના સેવકોને અને દુનિયાભરના બધાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપે છે. પ્રથમ સદીનાં ભાઈ-બહેનોની જેમ, ઉત્તેજન મળે ત્યારે આપણે પણ ઘણા ખુશ થઈએ છીએ. વધુમાં, સત્ય છોડી દેનાર લોકોને ઉત્તેજન આપવા ૨૦૧૫માં નિયામક જૂથે યહોવા પાસે પાછા આવો પુસ્તિકા બહાર પાડી હતી. શું મંડળમાં આગેવાની લેનાર ભાઈઓએ જ બીજાઓને ઉત્તેજન આપવું જોઈએ કે પછી આપણે બધાએ પણ એમ કરવું જોઈએ? એ વિશે આપણે આવતા લેખમાં ચર્ચા કરીશું.