સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખરી આઝાદી તરફ લઈ જતો માર્ગ

ખરી આઝાદી તરફ લઈ જતો માર્ગ

“જો દીકરો તમને આઝાદ કરે, તો તમે ખરેખર આઝાદ થશો.”—યોહા. ૮:૩૬.

ગીતો: ૩૨, ૫૨

૧, ૨. (ક) આઝાદી મેળવવા લોકો શું કરે છે? (ખ) એનું શું પરિણામ આવે છે?

આજે ચારેબાજુ સમાનતા, મુક્તિ અને આઝાદીની વાતો સાંભળવા મળે છે. દુનિયાના મોટાભાગના લોકોને જુલમ, ભેદભાવ અને ગરીબીથી આઝાદી જોઈએ છે. બીજા અમુકને બોલવામાં, પસંદગી કરવામાં અને જાતે નિર્ણય લેવામાં આઝાદી જોઈએ છે. મોટાભાગના લોકો પોતાની મરજી પ્રમાણે જીવવાની ઝંખના રાખતા હોય છે.

આઝાદી મેળવવા ઘણા લોકો બળવો પોકારે છે. અરે, અમુક તો ક્રાંતિ પણ લાવવા માંગે છે. પણ શું એનાથી ધાર્યું પરિણામ આવી શકે? ના, એનાથી તો ક્યારેક દુર્ઘટના સર્જાય છે અને જાનહાનિ પણ થાય છે. એ બધું જોતાં રાજા સુલેમાનના શબ્દો સાચા પડે છે: “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.”—સભા. ૮:૯.

૩. સાચી ખુશી અને સંતોષ મેળવવા આપણે શું કરી શકીએ?

સાચી ખુશી અને સંતોષ મેળવવા શું કરવું જોઈએ, એ વિશે ઈશ્વરભક્ત યાકૂબે કહ્યું: “જે માણસ સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં ધ્યાનથી જુએ છે અને એ પ્રમાણે કરતો રહે છે, . . . તે જે કરે છે એમાં સુખી થશે.” (યાકૂ. ૧:૨૫) સંપૂર્ણ નિયમ આપનાર યહોવા સારી રીતે જાણે છે કે મનુષ્યોએ સાચી ખુશી અને સંતોષ મેળવવા શું કરવું જોઈએ. તેમણે પ્રથમ માનવ યુગલને ખુશ રહેવા માટે જરૂરી બધું જ પૂરું પાડ્યું હતું, જેમાં ખરી આઝાદીનો પણ સમાવેશ થાય છે.

એવો સમય જ્યારે મનુષ્યો ખરી આઝાદી માણતા હતા

૪. આદમ અને હવાએ કેવી આઝાદીનો આનંદ માણ્યો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

ઉત્પત્તિના પહેલા બે અધ્યાય વાંચવાથી આપણને શું જાણવા મળે છે? એ જ કે, આદમ અને હવાએ એવી આઝાદીનો આનંદ માણ્યો હતો, જે આજે લોકો માટે એક સપનું જ છે. તેઓ પાસે બધું જ હતું, તેઓને કશાનો ડર ન હતો. તેઓ સાથે કોઈ ભેદભાવ કરતું ન હતું. સાચે જ, પ્રથમ માનવ યુગલ ખોરાક, કામ, બીમારી અને મરણ વિશેની ચિંતાઓથી આઝાદ હતા. (ઉત. ૧:૨૭-૨૯; ૨:૮, ૯, ૧૫) શું એનો અર્થ એવો થાય કે આદમ અને હવાએ પૂરેપૂરી આઝાદીનો આનંદ માણ્યો હતો? ચાલો જોઈએ.

૫. લોકો જે વિચારે છે એનાથી વિરુદ્ધ, ખરી આઝાદીનો આનંદ માણવા માટે શું હોવું જરૂરી છે?

આજે મોટાભાગના લોકો એવું વિચારે છે કે ખરી આઝાદી એટલે પોતાની મરજી પ્રમાણે કરવું, પછી ભલે એનાં પરિણામો ગમે એ આવે. ધ વર્લ્ડ બુક ઍન્સાઇક્લોપીડિયા પ્રમાણે આઝાદી એટલે ‘પસંદગી કરવાની ક્ષમતા અને એ પ્રમાણે કરવું.’ જોકે, એ આગળ કહે છે: ‘કાયદા પ્રમાણે, જો સરકાર અયોગ્ય, બિનજરૂરી અને ગેરવાજબી નિયમો લોકો પર ન લાદે, તો તેઓ આઝાદ કહેવાય.’ એ બતાવે છે કે, બધા લોકો ખરી આઝાદીનો આનંદ માણી શકે, એ માટે સમાજમાં અમુક નિયમો જરૂરી છે. તો હવે સવાલ થાય કે, યોગ્ય, જરૂરી અને વાજબી નિયમો ઘડવાનો અધિકાર કોને છે?

૬. (ક) શા માટે ફક્ત યહોવા પાસે પૂરેપૂરી આઝાદી છે? (ખ) મનુષ્યો પાસે કેવી આઝાદી છે અને શા માટે?

આઝાદી વિશે એક વાત હંમેશાં યાદ રાખીએ કે ફક્ત યહોવા ઈશ્વર પાસે જ પૂરેપૂરી આઝાદી છે, જેની કોઈ સીમા નથી. શા માટે? કારણ કે યહોવા બધી વસ્તુઓના સર્જનહાર છે અને વિશ્વના માલિક છે. (૧ તિમો. ૧:૧૭; પ્રકટી. ૪:૧૧) રાજા દાઊદે જણાવ્યું હતું કે ફક્ત યહોવા જ અજોડ અને ભવ્ય સ્થાન ધરાવે છે. (૧ કાળવૃત્તાંત ૨૯:૧૧, ૧૨ વાંચો.) આમ જોઈ શકાય કે, સ્વર્ગમાં અને પૃથ્વી પર રહેનારા લોકો પાસે અમુક હદે જ આઝાદી છે. તેઓએ જાણવાની જરૂર છે કે, યોગ્ય, જરૂરી અને વાજબી હદ નક્કી કરવાનો હક ફક્ત યહોવા ઈશ્વર પાસે જ છે. એટલે જ, પ્રથમ યુગલ માટે પણ યહોવા ઈશ્વરે અમુક હદ નક્કી કરી હતી.

૭. કઈ અમુક બાબતો કરવાથી આપણને ખુશી મળે છે?

શરૂઆતથી જ આદમ અને હવાએ ઘણી રીતોએ આઝાદીનો આનંદ માણ્યો હતો, તેમ છતાં એના અમુક નિયમો હતા. અરે, અમુક નિયમો તો તેઓને જન્મજાત મળ્યા હતા. દાખલા તરીકે, જીવવા માટે તેઓએ શ્વાસ લેવો, ખાવું, ઊંઘવું અને બીજી બાબતો કરવી જરૂરી હતું. શું એનો અર્થ એવો થાય કે, તેઓએ આઝાદી ગુમાવી દીધી હતી? ના, હકીકતમાં તો તેઓને રોજબરોજની બાબતો કરવાથી આનંદ અને સંતોષ મળી રહે, એની યહોવાએ ખાતરી કરી હતી. (ગીત. ૧૦૪:૧૪, ૧૫; સભા. ૩:૧૨, ૧૩) તાજી હવામાં શ્વાસ લેવાનું, મનપસંદ ખોરાક ખાવાનું અને રાત્રે આરામદાયક ઊંઘ લેવાનું કોને નહિ ગમે? આ જરૂરી બાબતો કરવી આપણને બોજરૂપ લાગતું નથી. આદમ અને હવાને પણ બોજરૂપ નહિ લાગ્યું હોય.

૮. યહોવાએ આદમ અને હવાને કઈ આજ્ઞા આપી હતી અને શા માટે?

યહોવાએ આદમ અને હવાને એક ખાસ આજ્ઞા આપી હતી કે તેઓ બાળકો પેદા કરે, પૃથ્વીને ભરપૂર કરે અને એની સંભાળ રાખે. (ઉત. ૧:૨૮) શું આ આજ્ઞાથી તેઓની આઝાદી છીનવાઈ જવાની હતી? જરાય નહિ! એનાથી તો તેઓને આખી પૃથ્વીને સુંદર બાગ જેવી બનાવવાની તક મળવાની હતી. તેઓ હંમેશ માટે પોતાના સંપૂર્ણ બાળકો સાથે એમાં રહી શકવાના હતા અને ઈશ્વરનો એ જ હેતુ હતો. (યશા. ૪૫:૧૮) આજે કેટલાક લોકો કુંવારા રહેવાનું કે બાળકો પેદા ન કરવાનું પસંદ કરે છે, તો એનાથી ઈશ્વરની આજ્ઞા તૂટતી નથી. જ્યારે કે, મોટાભાગના લોકો લગ્ન કરે છે અને બાળકો પેદા કરે છે, પછી ભલે એમાં થોડી તકલીફો વેઠવી પડે. (૧ કોરીં. ૭:૩૬-૩૮) શા માટે? કારણ કે તેઓ આનંદ અને સંતોષની ઝંખના રાખે છે. (ગીત. ૧૨૭:૩) જો આદમ અને હવાએ યહોવાની આજ્ઞા પાળી હોત, તો હંમેશ માટે તેઓએ લગ્નજીવન અને કુટુંબનો આનંદ માણ્યો હોત.

મનુષ્યોએ ખરી આઝાદી ગુમાવી દીધી

૯. ઉત્પત્તિ ૨:૧૭માં ઈશ્વરે આપેલી આજ્ઞા શા માટે અયોગ્ય, બિનજરૂરી અને ગેરવાજબી ન કહેવાય?

યહોવાએ આદમ અને હવાને બીજી પણ એક આજ્ઞા આપી હતી. જો તેઓ એ આજ્ઞા ન પાળે, તો શું થશે એ પણ સાફ જણાવ્યું હતું. તેમણે કહ્યું: ‘ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.’ (ઉત. ૨:૧૭) શું એ આજ્ઞા અયોગ્ય, બિનજરૂરી અને ગેરવાજબી હતી? શું એનાથી આદમ અને હવાની આઝાદી છીનવાઈ ગઈ? ના, જરાય નહિ! હકીકતમાં તો, ઘણા બાઇબલ વિદ્વાનોને લાગે છે કે ઈશ્વરની આજ્ઞા યોગ્ય અને ડહાપણભરેલી હતી. એનાથી શું શીખવા મળે છે, એ વિશે એક વિદ્વાને આમ જણાવ્યું, ‘માણસો માટે સારું-નરસું શું છે, એ ફક્ત ઈશ્વર જ જાણે છે. “સારી” બાબતોનો આનંદ માણવા માણસોએ ઈશ્વર પર ભરોસો કરવો જોઈએ અને તેમની આજ્ઞાઓ પાળવી જોઈએ. જો તેઓ તેમની આજ્ઞા ન પાળે, તો એનો અર્થ કે તેઓએ પોતાના માટે સારું-નરસું જાતે નક્કી કરવું પડશે.’ જોકે, એમ કરવું માણસો માટે ઘણું અઘરું છે.

આદમ અને હવાના નિર્ણયથી મોટી આફત આવી પડી! (ફકરા ૯-૧૨ જુઓ)

૧૦. પસંદગી કરવાનો હક અને સારું-નરસું નક્કી કરવાનો હક, એ બંને વચ્ચે શો તફાવત છે?

૧૦ અમુક લોકો કદાચ એમ વિચારે કે યહોવાએ આદમને પસંદગી કરવાની આઝાદી આપી ન હતી. જોકે, તેઓ એ સમજતા નથી કે પસંદગી કરવાનો હક અને પોતાના માટે સારું-નરસું નક્કી કરવાનો હક, એ બંનેમાં ઘણો તફાવત છે. આદમ અને હવા પાસે પસંદગી કરવાનો હક હતો કે તેઓ ઈશ્વરની આજ્ઞા પાળશે કે નહિ. પણ સારું-નરસું નક્કી કરવાનો હક ફક્ત યહોવા પાસે જ છે. આદમ અને હવા માટે “ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ” એનો પુરાવો હતો. (ઉત. ૨:૯) આપણે કરેલી પસંદગીનું કેવું પરિણામ આવશે, એની આપણને હંમેશાં ખબર હોતી નથી. તેમ જ, પરિણામ હંમેશાં સારું જ આવશે એની પણ ખાતરી રાખી શકતા નથી. એટલે જ, ઘણી વાર પસંદગી કે નિર્ણયો પાછળ લોકોનો ઇરાદો તો સારો હોય છે, પણ એનું પરિણામ તકલીફો, મુશ્કેલીઓ અને આફતો આવે છે. (નીતિ. ૧૪:૧૨) એનું કારણ એ છે કે, બધી બાબતો મનુષ્યોના કાબૂમાં હોતી નથી. આદમ અને હવાને આજ્ઞા આપીને યહોવાએ શીખવ્યું હતું કે તેઓ આજ્ઞા પાળશે તો જ ખરી આઝાદી મેળવી શકશે. આદમ અને હવાએ શું કર્યું?

૧૧, ૧૨. આદમ અને હવાએ કરેલી પસંદગીથી શા માટે મોટી આફત આવી પડી? દાખલો આપો.

૧૧ દુઃખની વાત છે કે, આદમ અને હવાએ યહોવાની આજ્ઞા ન પાળવાનું નક્કી કર્યું. હવાએ શેતાનની વાત સાંભળી. શેતાને કહ્યું હતું, “તમારી આંખો ઊઘડી જશે, ને તમે ઈશ્વરના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.” (ઉત. ૩:૫) શેતાનના કહ્યા પ્રમાણે કરવાથી શું આદમ અને હવાની આઝાદી વધી? ના, બિલકુલ નહિ! હકીકતમાં તો, તેઓને ખબર પડી કે યહોવાનું માર્ગદર્શન નકારવાથી તેઓએ મોટી આફત નોતરી છે. (ઉત. ૩:૧૬-૧૯) શા માટે? કારણ કે મનુષ્યો પોતાના માટે સારું-નરસું નક્કી કરે, એવી આઝાદી યહોવાએ તેઓને આપી ન હતી.—નીતિવચનો ૨૦:૨૪; યિર્મેયા ૧૦:૨૩ વાંચો.

૧૨ ચાલો એ સમજવા એક દાખલો જોઈએ. એક વિમાનને સહીસલામત રીતે એની જગ્યાએ પહોંચાડવા પાયલોટ નક્કી કરેલા માર્ગ પર જ એને ઉડાવે છે. એ માટે તે વિમાનમાં આપેલાં દિશાસૂચક સાધનો (નેવિગેશનનાં સાધનો) અને એર ટ્રાફિક કંટ્રોલ કરનારની મદદ લે છે. પણ જો તે માર્ગદર્શન પ્રમાણે ન વર્તે અને મનફાવે એમ વિમાન ઉડાવે, તો એનાથી મોટી દુર્ઘટના સર્જાય શકે છે. એ પાયલોટની જેમ, આદમ અને હવાને પણ મનફાવે એમ કરવું હતું. તેઓએ ઈશ્વરના માર્ગદર્શનનો નકાર કર્યો. એનું શું પરિણામ આવ્યું? મોટી આફત આવી પડી! તેઓનાં નિર્ણયથી તેઓ પોતે અને તેઓનાં બધા જ વંશજો પાપ અને મરણના પંજામાં ફસાઈ ગયાં. (રોમ. ૫:૧૨) પોતાના માટે સારું-નરસું જાતે નક્કી કરવાના નિર્ણયથી તેઓની આઝાદી વધી નહિ. એના બદલે, યહોવાએ આપેલી ખરી આઝાદીથી પણ તેઓ હાથ ધોઈ બેઠા.

ખરી આઝાદી કઈ રીતે મેળવી શકાય?

૧૩, ૧૪. આપણે ખરી આઝાદી કઈ રીતે મેળવી શકીએ?

૧૩ કેટલાક લોકોનું માનવું છે કે પૂરેપૂરી આઝાદી સૌથી સારી છે. પણ, હકીકતમાં એવું હોતું નથી. ભલે આઝાદીથી અમુક ફાયદા થતા હોય, પણ શું તમે વિચાર્યું છે કે પૂરેપૂરી આઝાદી મળવાથી આ દુનિયાની હાલત કેવી થઈ શકે? ધ વર્લ્ડ બુક ઍન્સાઇક્લોપીડિયા કહે છે કે ‘દરેક સમાજના નિયમો અટપટા સાબિત થયા છે. કારણ કે એ નિયમો લોકોને આઝાદી આપે છે, સાથે સાથે અમુક બાબતોમાં હદ પણ ઠરાવી આપે છે.’ એમ કરવું હંમેશાં સહેલું હોતું નથી. એટલે જ આટલા બધા નિયમો જોવા મળે છે. તેમ જ, ઘણા વકીલો અને ન્યાયાધીશો એ નિયમો સમજાવવાનો અને લાગુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

૧૪ ઈસુ ખ્રિસ્તે સમજાવ્યું હતું કે આપણે કઈ રીતે ખરી આઝાદી મેળવી શકીએ. તેમણે કહ્યું, “જો તમે મારા શિક્ષણ પ્રમાણે જીવશો, તો તમે સાચે જ મારા શિષ્યો છો. તમે સત્ય જાણશો અને સત્ય તમને આઝાદ કરશે.” (યોહા. ૮:૩૧, ૩૨) એટલે ખરી આઝાદી મેળવવા આપણે બે બાબતો કરવી જરૂરી છે. પહેલી, ઈસુએ જે સત્ય શીખવ્યું એ આપણે સ્વીકારવું જોઈએ. બીજી, આપણે તેમના શિષ્ય બનવું જોઈએ. એ બાબતો કરવાથી આપણને ખરી આઝાદી મળશે. પણ આપણને શાનાથી આઝાદી મળશે? ઈસુએ કહ્યું હતું કે, “જે કોઈ પાપ કરે છે, તે પાપનો ગુલામ છે.” પોતાના શિષ્યોને ઈસુએ વચન આપ્યું: “જો દીકરો તમને આઝાદ કરે, તો તમે ખરેખર આઝાદ થશો.”—યોહા. ૮:૩૪, ૩૬.

૧૫. ઈસુએ આપેલા વચન પ્રમાણે કઈ રીતે આપણે ‘ખરેખર આઝાદ’ થઈ શકીએ છીએ?

૧૫ આજે મોટાભાગના લોકોને આઝાદી જોઈએ છે. એનાથી પણ સારી આઝાદીનું વચન ઈસુએ પોતાના શિષ્યોને આપ્યું હતું. એ વચન આપ્યું ત્યારે, ઈસુ પાપની ગુલામીમાંથી મળતી આઝાદી વિશે વાત કરી રહ્યા હતા. પાપની ગુલામી મનુષ્યો માટે સૌથી આકરી ગુલામી છે. કયા અર્થમાં આપણે પાપના ગુલામ છીએ? પાપ આપણને ખરાબ બાબતો તરફ દોરી જાય છે. વધુમાં, એ આપણને સારી બાબતો કરતા રોકે છે અથવા પૂરેપૂરી મહેનત કરતા અટકાવે છે. એનું પરિણામ નિરાશા, દુઃખ, પીડા અને આખરે મરણ આવે છે. (રોમ. ૬:૨૩) પ્રેરિત પાઊલે અનુભવ્યું હતું કે પાપના ગુલામ હોવાથી ઘણું દુઃખ થાય છે. (રોમનો ૭:૨૧-૨૫ વાંચો.) ભાવિમાં પાપને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે, ત્યારે શું થશે? આપણને એવી ખરી આઝાદી મળશે, જે એક સમયે આદમ અને હવા પાસે હતી.

૧૬. આપણે કઈ રીતે ખરેખર આઝાદ થઈ શકીએ?

૧૬ ઈસુએ કહ્યું હતું કે, “તમે મારા શિક્ષણ પ્રમાણે જીવશો.” ઈસુના એ શબ્દોનો શો અર્થ થાય? એ જ કે જો આપણે ખરેખર ઈસુ દ્વારા આઝાદી મેળવવા માંગતા હોઈએ, તો આપણે અમુક બાબતો કરવી જોઈએ. સમર્પણ પામેલા ઈશ્વરભક્ત તરીકે, આપણે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ અને ઈસુએ શીખવેલી બાબતો પ્રમાણે જીવવું જોઈએ. (માથ. ૧૬:૨૪) ઈસુએ આપેલા બલિદાનથી ભાવિમાં આપણે ફાયદા મેળવીશું અને ખરેખર આઝાદ થઈશું, જે વિશે તેમણે વચન આપ્યું હતું.

૧૭. (ક) આપણે કઈ રીતે સાચી ખુશી અને સંતોષ મેળવી શકીએ? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૭ ઈસુના શિષ્યો તરીકે તેમના શિક્ષણ પ્રમાણે ચાલવાથી જીવનમાં સાચી ખુશી અને સંતોષ મળશે. આમ કરવાથી સમય જતાં, આપણે પાપ અને મરણની ગુલામીમાંથી પૂરેપૂરી આઝાદી મેળવી શકીશું. (રોમનો ૮:૧, ૨, ૨૦, ૨૧ વાંચો.) આવતા લેખમાં આપણે જોઈશું કે હમણાં આપણી પાસે જે આઝાદી છે એનો આપણે કઈ રીતે સમજી-વિચારીને ઉપયોગ કરી શકીએ. એમ કરીશું તો, આપણે ખરી આઝાદીના ઈશ્વર યહોવાને હંમેશાં મહિમા આપી શકીશું.