વડીલો અને સહાયક સેવકો—તિમોથી પાસેથી શીખો
ગયા વર્ષે, દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓમાંથી હજારો ભાઈઓ વડીલો અને સહાયક સેવકો તરીકે નિયુક્ત થયા હતા. જો તમે એ ભાઈઓમાંના એક હો, તો તમે એ નવા લહાવાથી ચોક્કસ ખુશ હશો.
સમજી શકાય કે તમને થોડી ચિંતા પણ થતી હશે. જેસન નામના યુવાન વડીલ કહે છે, ‘જ્યારે હું વડીલ બન્યો, ત્યારે મને લાગ્યું કે હું ઘણી જવાબદારીઓથી ઘેરાઈ ગયો છું.’ મુસા અને યિર્મેયાને યહોવા તરફથી નવી સોંપણી મળી ત્યારે, તેઓને લાગ્યું કે પોતે એ નિભાવી શકશે નહિ. (નિર્ગ. ૪:૧૦; યિર્મે. ૧:૬) જો તમને પણ એવું જ લાગતું હોય, તો કઈ રીતે એવી લાગણીઓને આંબી શકો અને પ્રગતિ કરી શકો? ચાલો, ઈશ્વરભક્ત તિમોથીના દાખલાનો વિચાર કરીએ.—પ્રે.કા. ૧૬:૧-૩.
તિમોથીના દાખલાને અનુસરીએ
તિમોથી કદાચ ૧૮-૨૦ વર્ષના હતા ત્યારે, પ્રેરિત પાઊલે મુસાફરીમાં આવવા તેમને આમંત્રણ આપ્યું હતું. શરૂઆતમાં, તિમોથીમાં આત્મવિશ્વાસની ખામી ઊભી થઈ હશે અને તે પોતાની નવી સોંપણીમાં કામ કરતા અચકાયા હશે. (૧ તિમો. ૪:૧૧, ૧૨; ૨ તિમો. ૧:૧, ૨, ૭) પરંતુ, પાઊલ દાયકા પછી ફિલિપી મંડળને કહી શક્યા હતા: “હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે તિમોથીને તમારી પાસે જલદી જ મોકલું . . . કેમ કે એના જેવો સ્વભાવ હોય એવું મારી પાસે કોઈ નથી.”—ફિલિ. ૨:૧૯, ૨૦.
તિમોથી કઈ રીતે એક સારા વડીલ બની શક્યા? ચાલો તેમના દાખલામાંથી ૬ બાબતો શીખીએ.
૧. તે દિલથી લોકોની સંભાળ રાખતા હતા. પાઊલે ફિલિપીનાં ભાઈ-બહેનોને કહ્યું હતું: “[તિમોથી] તમારી દિલથી સંભાળ રાખશે.” (ફિલિ. ૨:૨૦) હા, તિમોથી લોકોની કાળજી લેતા હતા. તે ચાહતા હતા કે લોકો યહોવાની નજીક આવે અને એ માટે તે પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર હતા.
તમે કદાચ આ ઉદાહરણ સાંભળ્યું હશે. એક બસનો ડ્રાઇવર ઘણું ધ્યાન રાખે છે કે તે સમયસર દરેક બસ સ્ટોપ પર પહોંચે. પણ, સમય પર વધુ પડતું ધ્યાન આપવાને કારણે તે જોતો નથી કે મુસાફરો બસમાં ચઢ્યા કે નહિ. વડીલો, તમે એ ડ્રાઇવર જેવા બનશો નહિ. વીસથી વધુ વર્ષોથી વડીલ તરીકે સેવા આપતા ભાઈ વિલિયમ નવા નિયુક્ત થયેલા ભાઈઓને સલાહ આપે છે: ‘ભાઈ-બહેનોને પ્રેમ કરો. બાબતો યોગ્ય રીતે થાય છે કે નહિ, એના પર વધુ પડતું ધ્યાન આપવાને બદલે ભાઈ-બહેનોની જરૂરિયાતો પર ધ્યાન આપો.’
૨. તેમણે સેવાકાર્યને પ્રથમ સ્થાન આપ્યું. તિમોથી કઈ રીતે બીજાઓથી અલગ હતા, એ વિશે વાત કરતા પાઊલે જણાવ્યું: “બીજા બધા તો ઈસુ ખ્રિસ્તના કામનો નહિ, પણ પોતાના જ ફાયદાનો વિચાર કરે છે.” (ફિલિ. ૨:૨૧) પાઊલ રોમમાંથી પત્ર લખી રહ્યા હતા. તેમણે જોયું હતું કે રોમના ભાઈઓ પોતાના જ કામકાજમાં રચ્યાપચ્યા રહેતા હતા. અમુક હદે, તેઓ ભક્તિને લગતા કાર્ય માટે તનતોડ મહેનત કરતા ન હતા. પણ તિમોથી એવા ન હતા! ખુશખબર ફેલાવવાની તક તે ક્યારેય જવા દેતા નહિ. તેમનું વલણ યશાયા જેવું હતું, જેમણે કહ્યું હતું: ‘હું આ રહ્યો; મને મોકલો.’—યશા. ૬:૮.
તમે કઈ રીતે પોતાની જવાબદારીઓ અને મંડળની જવાબદારીઓ વચ્ચે સમતોલ દૃષ્ટિ રાખી શકો? પહેલું, અગત્યની બાબતો પસંદ કરો. પાઊલે જણાવ્યું હતું: ‘જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો.’ (ફિલિ. ૧:૧૦) ઈશ્વરની નજરે જે મહત્ત્વનું છે, એને તમે પણ મહત્ત્વનું ગણો. બીજું, જીવન સાદું રાખો. સમય-શક્તિ ખાઈ જાય એવી બાબતોથી દૂર રહો. પાઊલે તિમોથીને સલાહ આપી હતી: “યુવાનીમાં જાગતી ઇચ્છાઓથી નાસી જા, પણ . . . સત્ય, શ્રદ્ધા, પ્રેમ અને શાંતિ મેળવવા ખૂબ પ્રયત્ન કર.”—૨ તિમો. ૨:૨૨.
૩. તેમણે પવિત્ર સેવા કરવા ઘણી મહેનત કરી. પાઊલે ફિલિપીનાં ભાઈ-બહેનોને કહ્યું કે, “તમે જાણો છો કે જેમ દીકરો પિતાની સાથે મળીને મહેનત કરે, તેમ [તિમોથીએ] મારી સાથે ખુશખબર ફેલાવવા મહેનત કરીને પોતાને લાયક સાબિત કર્યો છે.” (ફિલિ. ૨:૨૨) તિમોથી આળસુ ન હતા. તેમણે પાઊલ સાથે ખભેખભા મિલાવીને સખત મહેનત કરી હતી. એનાથી તેઓ બંને વચ્ચે લાગણીનો સેતુ બંધાયો હતો.
આજે ઈશ્વરના સંગઠનમાં કામનો કોઈ પાર નથી. એ કામથી મનનો સંતોષ મળે છે અને ભાઈ-બહેનો સાથે ગાઢ સંબંધ કેળવી શકાય છે. તેથી, “પ્રભુની સેવામાં પુષ્કળ કામ હોવાથી” હંમેશાં મંડ્યા રહેવાનો તમે ધ્યેય રાખો.—૧ કોરીં. ૧૫:૫૮.
૪. જે શીખ્યા એ તેમણે લાગુ પાડ્યું. પાઊલે તિમોથીને લખ્યું હતું: “મારું શિક્ષણ, મારો જીવનમાર્ગ, મારો હેતુ, મારી શ્રદ્ધા, મારી ધીરજ, મારો પ્રેમ, મારી સહનશીલતા, આ બધામાં તું મને અનુસરતો આવ્યો છે.” (૨ તિમો. ૩:૧૦) તિમોથીએ શીખેલી વાતો લાગુ પાડી, એટલે ભારે જવાબદારી મેળવવા માટે તે લાયક ઠર્યા હતા.—૧ કોરીં. ૪:૧૭.
શું તમારા કોઈ અનુભવી મિત્ર છે, જે તમને ભક્તિમાં માર્ગદર્શન આપી શકે? જો ન હોય, તો કેમ નહિ કે તમે કોઈને તમારા મિત્ર બનાવો. ઘણાં વર્ષોથી વડીલ તરીકે સેવા આપી રહેલા ભાઈ ટોમ યાદ કરતા કહે છે: ‘એક અનુભવી વડીલે મારામાં વ્યક્તિગત રસ લીધો અને મને સારી તાલીમ આપી. હું નિયમિત રીતે તેમની સલાહ લેતો અને એ લાગુ પાડતો. એનાથી મારો આત્મવિશ્વાસ વધતો ગયો.’
૫. તે પોતાને તાલીમ આપતા રહ્યા. પાઊલે તિમોથીને સલાહ આપી હતી: “તારો ભક્તિભાવ દેખાય આવે એ માટે પોતાને કેળવતો રહેજે.” (૧ તિમો. ૪:૭) એક રમતવીર પોતાની રમત સુધારવા કદાચ કોચનું માર્ગદર્શન લે છે. જોકે, તેણે પોતે પણ શીખતા રહેવું પડે છે. પાઊલે તિમોથીને જણાવ્યું હતું: “તું જાહેર વાંચન પર, સલાહ આપવા પર અને શીખવવા પર ધ્યાન આપતો રહેજે. . . . આ વાતો પર વિચાર કરજે; એમાં મન પરોવેલું રાખજે, જેથી તારી પ્રગતિ બધા લોકોને સાફ દેખાય આવે.”—૧ તિમો. ૪:૧૩-૧૫.
તમારે પણ તમારી આવડતોને વધારે કેળવવાની જરૂર છે. ભક્તિને લગતી બાબતોમાં ખંતીલા વિદ્યાર્થી બનો. સંગઠન તરફથી મળતી તાજેતરની જાણકારીથી હંમેશાં માહિતગાર રહો. પોતાના પર વધુ પડતો ભરોસો કરવાનું ટાળો. કદી એવું ન વિચારો કે તમારી પાસે ઘણો અનુભવ હોવાથી, ઊંડું સંશોધન કર્યા વગર પણ તમે સંજોગોને પોતાની રીતે હાથ ધરી શકો છો. તિમોથીને પગલે ચાલવા ‘તમે પોતાના પર અને તમારા શિક્ષણ પર સતત ધ્યાન રાખો.’—૧ તિમો. ૪:૧૬.
૬. તેમણે યહોવાની શક્તિ પર આધાર રાખ્યો. તિમોથીના સેવાકાર્ય વિશે પાઊલે યાદ અપાવ્યું: “તને સોંપવામાં આવેલા ખજાનાનું આપણામાં રહેલી પવિત્ર શક્તિ દ્વારા રક્ષણ કર.” (૨ તિમો. ૧:૧૪) હા, તિમોથીએ પોતાના સેવાકાર્યનું રક્ષણ કરવા ઈશ્વરની શક્તિ પર આધાર રાખવાનો હતો.
દાયકાઓથી વડીલ તરીકે સેવા આપી રહેલા ભાઈ ડોનાલ્ડ કહે છે, “જવાબદાર ભાઈઓએ ઈશ્વર સાથેના સંબંધને કીમતી ગણવો જોઈએ. એવું કરનાર ભાઈઓ ‘વધારે ને વધારે સામર્થ્ય મેળવે છે.’ જો તેઓ ઈશ્વરની શક્તિ માટે પ્રાર્થના કરે અને એ શક્તિના ગુણો કેળવે, તો ભાઈ-બહેનો માટે તેઓ ખરા અર્થમાં આશીર્વાદ બનશે.”—ગીત. ૮૪:૭; ૧ પીત. ૪:૧૧.
તમારા લહાવાને અમૂલ્ય ગણો
હમણાં નિયુક્ત થયેલા ઘણા ભાઈઓને પ્રગતિ કરતા જોઈને અનેરી ખુશી થાય છે. કદાચ તમે પણ એમાંના એક હશો. શરૂઆતમાં જેમના વિશે જોઈ ગયા, એ જેસન જણાવે છે કે ‘વડીલ બન્યા પછી હું ઘણું બધું શીખ્યો છું અને મારો ભરોસો વધ્યો છે. હવે હું મારી સોંપણીથી ઘણો ખુશ છું અને એને એક અમૂલ્ય લહાવો ગણું છું!’
શું તમે યહોવાની સેવામાં પ્રગતિ કરતા રહેવા માંગો છો? તિમોથીના દાખલામાંથી શીખવાનો ધ્યેય રાખો. એમ કરશો તો તમે પણ ઈશ્વરના લોકો માટે ખરા અર્થમાં આશીર્વાદ બનશો.