સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૭

દુષ્ટ દૂતોનો સામનો કરવા યહોવાની મદદ લઈએ

દુષ્ટ દૂતોનો સામનો કરવા યહોવાની મદદ લઈએ

‘આપણી લડાઈ સ્વર્ગના દુષ્ટ દૂતોનાં લશ્કરો સામે છે.’—એફે. ૬:૧૨.

ગીત ૩૩ ડરશો નહિ!

ઝલક *

૧. યહોવા પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે, એની એક રીત વિશે એફેસીઓ ૬:૧૦-૧૩ શું જણાવે છે? સમજાવો.

યહોવા પોતાના ભક્તોનું અનેક રીતે ધ્યાન રાખે છે. એમાંની એક રીત છે, દુશ્મનોથી તે પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. શેતાન અને તેના દુષ્ટ દૂતો આપણા દુશ્મનો છે. યહોવા એ દુશ્મનો વિશે આપણને ચેતવે છે. તેઓનો સામનો કરવા તે આપણને મદદ કરે છે. (એફેસીઓ ૬:૧૦-૧૩ વાંચો.) આપણે યહોવાની મદદ લઈશું અને તેમના પર પૂરો ભરોસો રાખીશું તો, શેતાનનો સામનો કરી શકીશું. આપણે પણ પ્રેરિત પાઊલ જેવો ભરોસો રાખવો જોઈએ. તેમણે કહ્યું હતું: “જો ઈશ્વર આપણી સાથે હોય તો આપણી સામે કોણ થઈ શકે?”—રોમ. ૮:૩૧.

૨. આ લેખમાં આપણે શું શીખીશું?

આપણે શેતાન અને દુષ્ટ દૂતો તરફ વધુ પડતું ધ્યાન આપતા નથી. આપણું ધ્યાન તો યહોવા વિશે શીખવામાં અને તેમની ભક્તિ કરવામાં લાગેલું હોય છે. (ગીત. ૨૫:૫) લોકોને છેતરવા શેતાન જે રીતો વાપરે છે, એ આપણને ખબર હોવી જોઈએ, જેથી શેતાન આપણને છેતરી ન જાય. (૨ કોરીં. ૨:૧૧, ફૂટનોટ) શેતાન અને દુષ્ટ દૂતો લોકોને ભમાવવા એક ખતરનાક રીત વાપરે છે. એ વિશે આ લેખમાં જોઈશું. એ પણ શીખીશું કે આપણે કઈ રીતે તેઓનો સામનો કરી શકીએ.

દુષ્ટ દૂતો કઈ રીત વાપરે છે?

૩-૪. (ક) મેલીવિદ્યા એટલે શું? (ખ) કેટલા લોકો મેલીવિદ્યામાં માને છે?

શેતાન અને દુષ્ટ દૂતો લોકોને ભમાવવા મેલીવિદ્યાનો ઉપયોગ કરે છે. મેલીવિદ્યા કરનારા દાવો કરે છે કે તેઓ પાસે એવી શક્તિ છે, જે સામાન્ય માણસો પાસે નથી. દાખલા તરીકે, અમુક લોકો દાવો કરે છે કે જ્યોતિષવિદ્યા અથવા બીજી રીતોથી તેઓ ભવિષ્ય ભાખી શકે છે. બીજા અમુક દેખાડો કરે છે કે તેઓ મરણ પામેલા લોકો સાથે વાત કરી શકે છે. અમુક લોકો જંતરમંતર, જાદુવિદ્યા અને વશીકરણ જેવાં કામો કરે છે. *

મેલીવિદ્યામાં કેટલા લોકો માને છે? લૅટિન અમેરિકા અને કૅરિબિયન ટાપુના ૧૮ દેશોમાં એક સર્વે થયો હતો. એમાં જાણવા મળ્યું કે આશરે ૩૩ ટકા લોકો જાદુવિદ્યા કે જંતરમંતરમાં માને છે. આશરે ૩૩ ટકા લોકો માને છે કે આત્માઓ સાથે વાત કરવી શક્ય છે. આફ્રિકાના ૧૮ દેશોમાં પણ એક સર્વે થયો હતો. ૫૦ ટકાથી વધારે લોકોએ જણાવ્યું કે તેઓ જંતરમંતરમાં માને છે. ભલે ગમે એ દેશમાં રહેતા હોઈએ, આપણે મેલીવિદ્યાથી પોતાનું રક્ષણ કરવું જોઈએ. શેતાન “આખી દુનિયાને” ભમાવવા માંગે છે.—પ્રકટી. ૧૨:૯.

૫. મેલીવિદ્યાનાં કામોને યહોવા કેવાં ગણે છે?

યહોવા “સત્યના ઈશ્વર” છે. (ગીત. ૩૧:૫) તે મેલીવિદ્યાને ધિક્કારે છે. તેમણે ઇઝરાયેલીઓને આજ્ઞા આપી હતી: ‘તમારામાં એવો કોઈ માણસ હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્‍નિમાં ચલાવતો હોય, કે જોષ જોતો હોય, કે શુકન જોતો હોય, કે જંતરમંતર કરનાર, કે જાદુગર, કે મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, કે ઈલમી, કે ભૂવો હોય. કેમ કે જે કોઈ એવાં કામ કરે છે, તેનાથી યહોવા કંટાળે છે.’ (પુન. ૧૮:૧૦-૧૨) ઇઝરાયેલીઓને આપવામાં આવેલું નિયમશાસ્ત્ર આજે આપણને લાગુ પડતું નથી. પણ આપણે જાણીએ છીએ કે આજેય યહોવાને મેલીવિદ્યાનાં કામો જરાય પસંદ નથી.—માલા. ૩:૬.

૬. (ક) કઈ રીતે શેતાન મેલીવિદ્યાથી લોકોને નુકસાન પહોંચાડે છે? (ખ) મરણ વિશે શેતાને ફેલાવેલા જૂઠાણાને સભાશિક્ષક ૯:૫ કઈ રીતે ખુલ્લું પાડે છે?

શેતાન મેલીવિદ્યાનો ઉપયોગ કરીને લોકોને નુકસાન પહોંચાડે છે. એટલે યહોવા આપણને એ વિશે ચેતવે છે. મેલીવિદ્યા દ્વારા શેતાન જૂઠાણું ફેલાવે છે. એમાંનું એક જૂઠાણું છે, મરણ પછી વ્યક્તિનો આત્મા બીજે ક્યાંક જાય છે. (સભાશિક્ષક ૯:૫ વાંચો.) લોકોને ડરાવવા અને યહોવાથી દૂર રાખવા શેતાન મેલીવિદ્યાનો ઉપયોગ કરે છે. તે એવું ચાહે છે કે લોકો યહોવાને બદલે દુષ્ટ દૂતો પર ભરોસો રાખે.

દુષ્ટ દૂતોનો સામનો કઈ રીતે કરી શકીએ?

૭. યહોવા આપણને શાના વિશે ચેતવે છે?

અગાઉ જોયું તેમ, શેતાન અને દુષ્ટ દૂતોની જાળમાં ન ફસાઈએ માટે યહોવા આપણને ચેતવે છે. શેતાન અને દુષ્ટ દૂતોનો સામનો કરવા ચાલો અમુક રીતો પર ધ્યાન આપીએ.

૮. (ક) દુષ્ટ દૂતોનો સામનો કરવાની મુખ્ય રીત કઈ છે? (ખ) મરણ વિશે શેતાને ફેલાવેલા જૂઠાણાને ગીતશાસ્ત્ર ૧૪૬:૪ કઈ રીતે ખુલ્લું પાડે છે?

બાઇબલ વાંચીએ અને એના પર મનન કરીએ. આ એક મુખ્ય રીત છે, જેનાથી આપણે દુષ્ટ દૂતોનાં જૂઠાણાંને ખોટાં સાબિત કરી શકીએ. ઈશ્વરનો શબ્દ એક ધારદાર તલવાર જેવો છે. એ શેતાનનાં જૂઠાણાંને ખુલ્લાં પાડે છે. (એફે. ૬:૧૭) દાખલા તરીકે, લોકો માને છે કે મરણ પામેલી વ્યક્તિ જીવતાઓ સાથે વાત કરી શકે છે. પણ, બાઇબલ જણાવે છે કે ગુજરી ગયેલાઓ કંઈ કરી શકતા નથી. આમ, બાઇબલ એ જૂઠાણાંને ખુલ્લું પાડે છે. (ગીતશાસ્ત્ર ૧૪૬:૪ વાંચો.) બાઇબલ આપણને એ પણ જણાવે છે કે ફક્ત યહોવા જ ભાવિ વિશે સાચી ભવિષ્યવાણી કરી શકે છે. (યશા. ૪૫:૨૧; ૪૬:૧૦) દુષ્ટ દૂતો ચાહે છે કે આપણે તેઓનાં જૂઠાણાંને સાચાં માની બેસીએ. પણ જો આપણે નિયમિત બાઇબલ વાંચીશું અને મનન કરીશું, તો દુષ્ટ દૂતોના જૂઠાણાં માનીશું નહિ અને એનાથી દૂર રહીશું.

૯. મેલીવિદ્યા સાથે જોડાયેલાં કેવાં કામોથી આપણે દૂર રહેવું જોઈએ?

મેલીવિદ્યા સાથે જોડાયેલી વસ્તુઓથી દૂર રહીએ. સાચા ઈશ્વરભક્તો કોઈ પણ જાતની મેલીવિદ્યામાં ભાગ લેતા નથી. દાખલા તરીકે, આપણે એવા માણસ પાસે જતા નથી, જે મરણ પામેલી વ્યક્તિ સાથે વાત કરવાનો દાવો કરતો હોય. ગુજરી ગયેલાઓ સાથે વાત કરવાની રીતો આપણે શોધતા નથી. આગલા લેખમાં જોઈ ગયા તેમ, વ્યક્તિના મરણ વખતે અમુક વિધિઓ કરવામાં આવે છે. એ વિધિઓ એવી માન્યતાઓ સાથે જોડાયેલી છે કે, ગુજરી ગયેલાઓ બીજી કોઈ જગ્યાએ જીવે છે. આપણે એવી કોઈ પણ વિધિમાં ભાગ લેતા નથી. ભવિષ્ય વિશે જાણવા આપણે જ્યોતિષી કે ભવિષ્ય ભાખનાર પાસે જતા નથી. (યશા. ૮:૧૯) આપણે જાણીએ છીએ કે એ બધાં કામો બહુ ખતરનાક છે. એ કામોથી આપણે સામે ચાલીને શેતાન અને દુષ્ટ દૂતોના પંજામાં ફસાઈ શકીએ છીએ.

આપણે પહેલી સદીના ઈશ્વરભક્તોને અનુસરીએ. અલૌકિક કે ખરાબ શક્તિઓ સાથે જોડાયેલી વસ્તુઓ ફેંકી દઈએ અને મેલીવિદ્યાથી જોડાયેલા મનોરંજનથી દૂર રહીએ (ફકરા ૧૦-૧૨ જુઓ)

૧૦-૧૧. (ક) સત્ય શીખ્યા પછી પહેલી સદીના લોકોએ શું કર્યું? (ખ) આપણે શા માટે તેઓના દાખલાને અનુસરવું જોઈએ? કઈ રીતે એમ કરી શકાય?

૧૦ અલૌકિક કે ખરાબ શક્તિઓ સાથે જોડાયેલી વસ્તુઓથી દૂર રહીએ. પહેલી સદીમાં એફેસસના અમુક લોકો જાદુવિદ્યા કરતા હતા. પણ સત્ય શીખ્યા ત્યારે તેઓએ જીવનમાં મોટા ફેરફારો કર્યા. “જાદુવિદ્યા કરનારા ઘણા લોકોએ પોતાનાં પુસ્તકો લાવીને ભેગાં કર્યાં અને બધાની સામે બાળી નાખ્યાં.” (પ્રે.કા. ૧૯:૧૯) તેઓએ દુષ્ટ દૂતોથી દૂર રહેવા બનતું બધું કર્યું. તેઓ પાસે જાદુવિદ્યાનાં મોંઘાં મોંઘાં પુસ્તકો હતાં. તેઓએ એ પુસ્તકો બીજા કોઈને આપ્યાં કે વેચ્યાં નહિ, પણ એને બાળી નાખ્યાં. હવે તેઓ માટે એ પુસ્તકોની કોઈ કિંમત ન હતી. તેઓ તો યહોવાને ખુશ કરવા માંગતા હતા.

૧૧ પહેલી સદીના ઈશ્વરભક્તોને આપણે કઈ રીતે અનુસરી શકીએ? અલૌકિક કે ખરાબ શક્તિઓ સાથે જોડાયેલી દરેક વસ્તુથી દૂર રહીએ. આપણે આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ: માદળિયું, તાવીજ, મંત્રેલી વસ્તુઓ, શુકન માટેની વસ્તુઓ કે એના જેવી બીજી ચીજવસ્તુઓ.—૧ કોરીંથીઓ ૧૦:૨૧ વાંચો.

૧૨. મનોરંજન વિશે આપણે કેવા સવાલો પર વિચાર કરવો જોઈએ?

૧૨ મનોરંજન વિશે ધ્યાન રાખીએ. આપણે આ સવાલો પર વિચાર કરવો જોઈએ: “અલૌકિક કે ખરાબ શક્તિઓ વિશે શું હું પુસ્તકો, મૅગેઝિન કે ઇન્ટરનેટ પર કોઈ લેખ વાંચું છું? એને લગતું કોઈ સંગીત સાંભળું છું? એવી ફિલ્મો કે ટીવી કાર્યક્રમો જોઉં છું અથવા એવી વીડિયો ગેમ રમું છું? હું જે મનોરંજન પસંદ કરું છું, શું એમાં મેલીવિદ્યા જેવું કંઈ છે? શું એમાં વેમ્પાયર, ઝોમ્બી * અથવા માણસો પાસે ન હોય એવી ખરાબ શક્તિઓ વિશે બતાવવામાં આવે છે? શું એ મનોરંજનમાં કોઈ વ્યક્તિ પ્રાણી કે બીજા માણસનું રૂપ લે છે? શું એ મનોરંજનમાં જાદુ, વશીકરણ કે શાપ આપવાને એ રીતે રજૂ કરવામાં આવે છે કે જાણે એમાં કંઈ ખોટું નથી?” ખરું કે, બધા પ્રકારના મનોરંજનમાં મેલીવિદ્યાનો સમાવેશ થતો નથી, જેમ કે કાલ્પનિક વાર્તાઓ. પણ આપણે સમજી-વિચારીને મનોરંજનની પસંદગી કરીએ. એમ કરીશું તો યહોવા ધિક્કારે છે એવી બાબતોથી દૂર રહી શકીશું. ‘શુદ્ધ મનથી’ ઈશ્વરની ભક્તિ કરવા આપણે બનતું બધું કરીશું.—પ્રે.કા. ૨૪:૧૬. *

૧૩. આપણે શું ન કરવું જોઈએ?

૧૩ ભૂતપ્રેતની વાર્તાઓ કહેવી ન જોઈએ. આપણે ઈસુના દાખલાને અનુસરવું જોઈએ. (૧ પીત. ૨:૨૧) પૃથ્વી પર આવ્યા પહેલાં ઈસુ સ્વર્ગમાં હતા. શેતાન અને તેના દુષ્ટ દૂતો વિશે તે ઘણું જાણતા હતા. પણ તે લોકોને દુષ્ટ દૂતોની વાતો કહ્યા કરતા ન હતા. ઈસુ તો લોકોનું ધ્યાન યહોવા તરફ દોરવા ચાહતા હતા, શેતાન તરફ નહિ. આપણે પણ ઈસુની જેમ વર્તવું જોઈએ. આપણે લોકો આગળ ભૂતપ્રેતની વાર્તાઓ કહેવા બેસી ન જવું જોઈએ. એના બદલે આપણે ‘ઉત્તમ વિષય,’ એટલે કે સત્ય વિશે લોકોને જણાવવા આતુર રહેવું જોઈએ.—ગીત. ૪૫:૧.

આપણે દુષ્ટ દૂતોથી ડરવું ન જોઈએ. તેઓ કરતાં યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતો અનેક ગણા શક્તિશાળી છે (ફકરા ૧૪-૧૫ જુઓ) *

૧૪-૧૫. (ક) આપણે શા માટે દુષ્ટ દૂતોથી ડરવું ન જોઈએ? (ખ) શા પરથી કહી શકીએ કે યહોવા પોતાના લોકોનું રક્ષણ કરે છે?

૧૪ ભૂતોથી ડરવું ન જોઈએ. આજની દુષ્ટ દુનિયામાં આપણી સાથે ખરાબ ઘટના બની શકે છે. મરણ, અકસ્માત અને બીમારી કીધા વગર આવી શકે છે. એ બધા પાછળ દુષ્ટ દૂતોનો હાથ છે, એવું આપણે ન માનવું જોઈએ. બાઇબલ જણાવે છે કે ‘સમય અને સંજોગોની’ અસર બધાને થાય છે. (સભા. ૯:૧૧, કોમન લેંગ્વેજ) યહોવાએ સાબિત કરી આપ્યું છે કે તેમની પાસે એ દુષ્ટ દૂતો કરતાં અનેક ગણી વધારે શક્તિ છે. દાખલા તરીકે, અયૂબને મારી નાખવાની યહોવાએ શેતાનને છૂટ આપી ન હતી. (અયૂ. ૨:૬) મુસાના સમયમાં ઇજિપ્તના પૂજારીઓ જાદુવિદ્યા કરતા હતા. તેઓને યહોવાએ પોતાની શક્તિનો પરચો બતાવ્યો હતો. (નિર્ગ. ૮:૧૮; ૯:૧૧) યહોવાએ ઈસુને સત્તા આપી છે. ઈસુએ શેતાન અને દુષ્ટ દૂતોને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દીધા. બહુ જલદી તેઓને અનંત ઊંડાણમાં નાખી દેવામાં આવશે. ત્યાંથી તેઓ કોઈને પણ નુકસાન પહોંચાડી શકશે નહિ.—પ્રકટી. ૧૨:૯; ૨૦:૨, ૩.

૧૫ યહોવા પોતાના લોકોનું રક્ષણ કરે છે, એની ઘણી સાબિતીઓ જોવા મળે છે. જરા વિચારો, દુનિયા ફરતે આપણે પ્રચારકામ અને શીખવવાનું કામ કરીએ છીએ. (માથ. ૨૮:૧૯, ૨૦) આમ, આપણે શેતાનનાં દુષ્ટ કામોને ખુલ્લાં પાડીએ છીએ. શેતાનના હાથમાં હોત તો તેણે આપણું કામ ક્યારનુંય બંધ કરાવી દીધું હોત. પણ એ તો તેના ગજા બહારની વાત છે. એટલે આપણે દુષ્ટ દૂતોથી જરાય ડરવું ન જોઈએ. આપણે જાણીએ છીએ કે ‘યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેમની તરફ પૂરેપૂરું ઢળેલું છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.’ (૨ કાળ. ૧૬:૯) જો આપણે યહોવાને વફાદાર રહીશું, તો દુષ્ટ દૂતો આપણને મોટું નુકસાન પહોંચાડી શકશે નહિ.

જેઓ યહોવાની મદદ સ્વીકારે છે તેઓને આશીર્વાદ મળશે

૧૬-૧૭. દાખલો આપીને સમજાવો કે દુષ્ટ દૂતોનો સામનો કરવા ઘણી હિંમતની જરૂર પડે છે.

૧૬ દુષ્ટ દૂતોનો સામનો કરવા ઘણી હિંમતની જરૂર પડે છે. ખાસ કરીને આપણે કોઈ વિધિમાં ભાગ લેવાની ના પાડીએ ત્યારે આપણાં મિત્રો કે સગાંઓ આપણો વિરોધ કરી શકે. પણ જેઓ હિંમત બતાવે છે, તેઓને યહોવા આશીર્વાદ આપે છે. ચાલો એરિકાનો દાખલો જોઈએ. તે ઘાનામાં રહે છે. ૨૧ વર્ષની હતી ત્યારે તેણે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. તેના પિતા પૂજારી હતા અને જાદુટોણાં કરતા હતા. એરિકા પાસે પણ એવી અપેક્ષા રાખવામાં આવતી કે તે પણ મેલીવિદ્યાનાં રીત-રિવાજોમાં ભાગ લે. પૂર્વજોને ચઢાવેલું માંસ આખું કુટુંબ ખાય, એવો એક રિવાજ હતો. એરિકાએ એમ કરવાની ના પાડી. એ વખતે કુટુંબીજનોને લાગ્યું કે એરિકાએ પૂર્વજોનું અપમાન કર્યું છે, એટલે પૂર્વજો તેઓ પર મુશ્કેલીઓ લાવશે અને તેઓને સજા કરશે.

૧૭ કુટુંબીજનોએ રિવાજ પાળવા એરિકા પર ઘણું દબાણ કર્યું. પણ તેણે નમતું ન જોખ્યું. એટલે તેણે પોતાનું ઘર પણ છોડવું પડ્યું. અમુક સાક્ષીઓએ એરિકાને પોતાના ઘરે આશરો આપ્યો. આમ, યહોવાએ એરિકાને એક નવું કુટુંબ આપ્યું. સાક્ષીઓ ખરા અર્થમાં તેનાં ભાઈ-બહેનો બન્યાં. (માર્ક ૧૦:૨૯, ૩૦) સગાઓએ એરિકાને કાઢી મૂકી અને તેની ચીજવસ્તુઓ પણ બાળી નાખી. તોપણ તે યહોવાને વફાદાર રહી, તેણે બાપ્તિસ્મા લીધું. અત્યારે તે એક નિયમિત પાયોનિયર છે. તેને દુષ્ટ દૂતોનો ડર લાગતો નથી. કુટુંબના સભ્યો વિશે એરિકા જણાવે છે: ‘યહોવાને ઓળખવાથી મને અનેક આશીર્વાદો મળ્યા છે. હવે હું આઝાદ થઈ છું. મારું કુટુંબ પણ એવાં જ આશીર્વાદો અને આઝાદીનો અનુભવ કરે માટે હું દરરોજ યહોવાને પ્રાર્થના કરું છે.’

૧૮. યહોવા પર ભરોસો રાખવાથી કેવા આશીર્વાદો મળે છે?

૧૮ બધાની શ્રદ્ધાની કસોટી કદાચ એ રીતે ન થાય. જોકે, આપણે બધાએ દુષ્ટ દૂતોથી દૂર રહેવું જોઈએ અને યહોવા પર ભરોસો રાખવો જોઈએ. એમ કરીશું તો આપણને ઘણા આશીર્વાદો મળશે. આપણે શેતાનનાં જૂઠાણાઓથી છેતરાઈશું નહિ. આપણે એવો ડર રાખીશું નહિ કે દુષ્ટ દૂતો આપણને યહોવાની ભક્તિ કરતા રોકશે. યહોવા સાથે પોતાનો સંબંધ મજબૂત કરતા જઈએ. એ જ આપણા માટે સૌથી મહત્ત્વનું છે. યાકૂબે કહ્યું હતું: “તમે ઈશ્વરને આધીન થઈ જાઓ, પણ શેતાનની સામા થાઓ અને તે તમારી પાસેથી નાસી જશે. ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂ. ૪:૭, ૮.

ગીત ૪૯ યહોવા છે સહારો

^ ફકરો. 5 યહોવાએ આપણને દુષ્ટ દૂતો વિશે અને તેઓથી થતા નુકસાન વિશે ચેતવણી આપી છે. દુષ્ટ દૂતો કેવી રીતોથી લોકોને ભમાવે છે? આપણે કઈ રીતે દુષ્ટ દૂતોનો સામનો કરી શકીએ? આ લેખમાં જોઈશું કે તેઓની અસરથી બચવા યહોવા કઈ રીતે આપણને મદદ કરે છે.

^ ફકરો. 3 શબ્દોની સમજ: મેલીવિદ્યા એટલે દુષ્ટ દૂતો સાથે જોડાયેલી માન્યતાઓ અને એવાં કામો. એમાં આવી માન્યતાનો સમાવેશ થાય છે: મરણ પછી વ્યક્તિનો આત્મા બીજે ક્યાંક જાય છે. એ આત્મા કોઈ વ્યક્તિ કે માધ્યમ દ્વારા માણસો સાથે વાત કરે છે. મેલીવિદ્યામાં ભવિષ્ય ભાખવાનો અને જંતરમંતર કરવાનો પણ સમાવેશ થાય છે. આ લેખમાં અલૌકિક કે માણસો પાસે નથી એવી શક્તિ વિશે જણાવવા જાદુવિદ્યા શબ્દનો ઉપયોગ થયો છે. એમાં મૂઠ મારવી, વશીકરણ કરવું અને એમાંથી છોડાવવું પણ આવી જાય છે. મનોરંજન માટે કરવામાં આવતી હાથચાલાકીનો એમાં સમાવેશ થતો નથી.

^ ફકરો. 12 એમ માનવામાં આવે છે કે દુષ્ટ દૂતોની શક્તિ દ્વારા મરેલી વ્યક્તિ જીવતી થાય છે, જેને વેમ્પાયર કે ઝોમ્બી કહેવામાં આવે છે.

^ ફકરો. 12 વડીલો પાસે અધિકાર નથી કે મનોરંજન વિશે કોઈ નિયમ બનાવે. દરેક ઈશ્વરભક્તે બાઇબલના આધારે કેળવાયેલા અંતઃકરણથી નક્કી કરવું જોઈએ કે પોતે શું વાંચશે, જોશે કે રમશે. કુટુંબના શિર ધ્યાન રાખશે કે તેમનું કુટુંબ બાઇબલ સિદ્ધાંતોને આધારે મનોરંજનની પસંદગી કરે.—jw.org® વેબસાઇટ પર આ લેખ જુઓ: “શું યહોવાના સાક્ષીઓએ અમુક ફિલ્મ, પુસ્તક કે ગીત પર પ્રતિબંધ મૂક્યો છે?” (અમારા વિશે > વારંવાર પૂછાતા સવાલો)

^ ફકરો. 55 ચિત્રની સમજ: શક્તિશાળી રાજા ઈસુ સ્વર્ગદૂતોના આગેવાન છે.