સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૬

મરણ વિશેનાં જૂઠાણાંથી છેતરાશો નહિ

મરણ વિશેનાં જૂઠાણાંથી છેતરાશો નહિ

“આપણે સત્યના સંદેશાને જૂઠના સંદેશાથી અલગ પાડીએ છીએ.”—૧ યોહા. ૪:૬.

ગીત ૧૩૭ હિંમતનું વરદાન દે

ઝલક *

યહોવાને પસંદ નથી એવા રિવાજોમાં ભાગ લઈએ નહિ. શોકમાં હોય એવા સગાને દિલાસો આપીએ (ફકરા ૧-૨ જુઓ) *

૧-૨. (ક) શેતાન કઈ રીતે લોકોને છેતરે છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

શેતાન  “જૂઠાનો બાપ” છે. આદમ-હવાના જમાનાથી તે લોકોને છેતરે છે. (યોહા. ૮:૪૪) મરણ વિશે અને મરણ પછી શું થાય છે એ વિશે શેતાને ઘણાં જૂઠાણાં ફેલાવ્યાં છે. એનાં આધારે ઘણાં રીત-રિવાજો અને માન્યતાઓ ફેલાયેલાં છે. એટલે કુટુંબ કે સમાજમાં મરણ થાય ત્યારે, ઘણાં ભાઈ-બહેનોએ સત્યના ‘શિક્ષણ માટે સખત લડત’ આપવી પડે છે.—યહુ. ૩.

એવી કસોટીમાં તમને ક્યાંથી મદદ મળી શકે? મરણ વિશે બાઇબલ જે સત્ય શીખવે છે એ પ્રમાણે તમે કઈ રીતે કરી શકો? (એફે. ૬:૧૧) ઈશ્વરને પસંદ નથી એવાં રીત-રિવાજોમાં ભાગ લેવાનું કદાચ અમુક ભાઈ-બહેનોને દબાણ કરવામાં આવે. એવા સમયે આપણે કઈ રીતે તેઓને મદદ અને હિંમત આપી શકીએ? એ વિશે યહોવા જે માર્ગદર્શન આપે છે, એના પર આ લેખમાં ચર્ચા કરીશું. ચાલો પહેલા જોઈએ કે મરણ વિશે બાઇબલ શું જણાવે છે.

મરણ પછી વ્યક્તિનું શું થાય છે?

૩. શેતાનનાં જૂઠાણાંનું કેવું પરિણામ આવ્યું?

ઈશ્વરે આદમ-હવાને બનાવ્યા ત્યારે તે ચાહતા ન હતા કે તેઓ મરણ પામે. કાયમ માટે જીવવા તેઓએ યહોવાની આજ્ઞા પાળવાની હતી. તેમણે આજ્ઞા આપી હતી, “ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.” (ઉત. ૨:૧૬, ૧૭) એ આજ્ઞા કેટલી સહેલી હતી! પણ શેતાને આદમ-હવાને ભમાવ્યા. સાપ દ્વારા તેણે હવાને કહ્યું: “તમે નહિ જ મરશો.” હવાએ શેતાનની વાત સાચી માની લીધી. તેણે ફળ ખાધું અને તેના પતિને પણ આપ્યું. (ઉત. ૩:૪,) આમ, માણસજાતમાં પણ પાપ અને મરણ ઊતરી આવ્યું.—રોમ. ૫:૧૨.

૪-૫. લોકોને ફસાવવા શેતાન શું કરે છે?

ઈશ્વરે કહ્યું હતું એ સાચું પડ્યું. આદમ અને હવા મરણ પામ્યા. પણ શેતાને મરણ વિશે જૂઠાણું ફેલાવવાનું ચાલુ જ રાખ્યું. સમય જતાં, તેણે બીજાં જૂઠાણાં પણ ફેલાવ્યાં. એમાંનું એક જૂઠાણું છે કે શરીર મરે છે પણ આત્મા અમર છે, એ તો બીજી કોઈ જગ્યાએ જાય છે. એ જૂઠાણાંમાં બીજી વાતો પણ ઉમેરાઈ છે, જેમાં આજ સુધી કેટલાય લોકો ફસાયા છે.—૧ તિમો. ૪:૧.

શા માટે આટલા બધા લોકો ખોટા માર્ગે ગયા છે? શેતાન જાણે છે કે લોકોને મરણ વિશે કેવું લાગે છે. પછી એનો ફાયદો ઉઠાવીને તે લોકોને ફસાવે છે. આપણને તો હંમેશ માટે જીવવા બનાવવામાં આવ્યા હતા, એટલે આપણે મરવા ચાહતા નથી. (સભા. ૩:૧૧) મરણ તો આપણો દુશ્મન છે.—૧ કોરીં. ૧૫:૨૬.

૬-૭. (ક) શું મરણ વિશેનું સત્ય છૂપું રહ્યું છે? સમજાવો. (ખ) ગુજરી ગયેલાઓનો ડર ન રાખવા બાઇબલમાં કઈ હકીકતો આપેલી છે?

ભલે શેતાન ગમે એટલા ધમપછાડા કરે, પણ મરણ વિશેનું સત્ય છૂપું રહ્યું નથી. બાઇબલ જણાવે છે કે મરણ પછી શું થાય છે અને ગુજરી ગયેલાઓ માટે કઈ આશા છે. પહેલાં કરતાં આજે વધારે લોકોને એ વિશે જાણવા મળ્યું છે. તેઓ પણ બીજાઓને એ વિશે જણાવે છે. (સભા. ૯:૫, ૧૦; પ્રે.કા. ૨૪:૧૫) મરણ વિશેની હકીકતો જાણવાથી આપણને દિલાસો મળે છે અને મરણ પછી શું થશે, એનો ડર રહેતો નથી. દાખલા તરીકે, આપણને ગુજરી ગયેલા લોકોની બીક લાગતી નથી. એવો પણ ડર રહેતો નથી કે તેઓને મરણ પછી રિબાવવામાં આવશે. આપણને ખબર છે કે તેઓ જાણે ઊંઘી રહ્યા છે. તેઓ હવે જીવતા નથી અને આપણને નુકસાન પહોંચાડશે નહિ. (યોહા. ૧૧:૧૧-૧૪) આપણે જાણીએ છીએ કે તેઓને સમય વિશે ખબર હોતી નથી. જેઓ સદીઓ પહેલાં ગુજરી ગયા છે, તેઓનો વિચાર કરો. તેઓને સજીવન કરવામાં આવશે ત્યારે તેઓને લાગશે કે, જાણે એક ઘડી પહેલાં જ મરણ પામ્યા હતા.

મરણ પછી વ્યક્તિનું શું થાય છે એ વિશેની હકીકત એકદમ સ્પષ્ટ, સાદી અને સમજાય એવી છે, ખરું ને! પણ શેતાનનાં જૂઠાણાં તો સાવ અટપટાં છે. એ જૂઠાણાં લોકોને ખોટા માર્ગે દોરે છે. વધુમાં, એનાથી તો આપણા સર્જનહારની નિંદા થાય છે. શેતાનનાં જૂઠાણાંથી ઘણું નુકસાન થયું છે, એ સમજવા ચાલો આ સવાલોનો વિચાર કરીએ: શેતાનનાં જૂઠાણાંથી કઈ રીતે યહોવાની નિંદા થઈ? એ જૂઠાણાંથી લોકો શા માટે એવું વિચારે છે કે ખ્રિસ્તના બલિદાનની કંઈ જરૂર નથી? એનાથી કઈ રીતે લોકોની દુઃખ-તકલીફોમાં વધારો થયો છે?

શેતાનનાં જૂઠાણાંથી ઘણું નુકસાન થયું છે

૮. યિર્મેયા ૧૯:૫માં જણાવ્યા પ્રમાણે શેતાનનાં જૂઠાણાંથી કઈ રીતે યહોવાની નિંદા થાય છે?

મરણ વિશે શેતાને ફેલાવેલાં જૂઠાણાંથી યહોવાની નિંદા થાય છે. શેતાને એવું પણ જૂઠાણું ફેલાવ્યું છે કે, મરણ પછી વ્યક્તિને નરકમાં રિબાવવામાં આવે છે. એ જૂઠને લીધે લોકો ઈશ્વરનો વાંક કાઢે છે. કઈ રીતે? તેઓ એવું માને છે કે પ્રેમાળ ઈશ્વર પણ શેતાન જેવા ક્રૂર છે. (૧ યોહા. ૪:૮) એનાથી તમને કેવું લાગે છે? જરા વિચારો, યહોવાને કેવું લાગતું હશે? તે તો ક્રૂરતાને ધિક્કારે છે.—યિર્મેયા ૧૯:૫ વાંચો.

૯. શેતાનનાં જૂઠાણાંથી કઈ રીતે ખ્રિસ્તના બલિદાનનું મહત્ત્વ ઘટી જાય છે?

મરણ વિશેનાં શેતાનનાં જૂઠાણાંથી ખ્રિસ્તના બલિદાનનું મહત્ત્વ ઘટી જાય છે. (માથ. ૨૦:૨૮) શેતાનનું બીજું એક જૂઠાણું છે કે મનુષ્યમાં અમર આત્મા છે. જો મનુષ્યોમાં આત્મા જેવું કંઈક હોત, તો એનો અર્થ થાય કે તેઓ પાસે હંમેશ માટેનું જીવન છે. જો એમ હોત તો ખ્રિસ્તે બલિદાન આપવાની જરૂર પડી ન હોત. માણસો માટેના પ્રેમની સૌથી મોટી સાબિતી છે, ખ્રિસ્તનું બલિદાન. (યોહાન ૩:૧૬; ૧૫:૧૩ વાંચો.) યહોવા અને ઈસુએ મનુષ્યોને કેટલી મોટી ભેટ આપી છે. શેતાનનાં જૂઠાણાંને લીધે ખ્રિસ્તના બલિદાનનું મહત્ત્વ ઘટી જાય છે. જરા વિચારો કે એનાથી યહોવા અને ઈસુને કેટલું દુઃખ થતું હશે!

૧૦. શેતાનનાં જૂઠાણાંથી કઈ રીતે લોકોની દુઃખ-તકલીફોમાં વધારો થયો છે?

૧૦ શેતાનનાં જૂઠાણાંથી લોકોની દુઃખ-તકલીફોમાં વધારો થાય છે. ધારો કે, કોઈ માબાપે પોતાનાં બાળકને ગુમાવ્યું છે અને તેઓ શોકમાં છે. તેઓને કહેવામાં આવે છે કે એ તો ઈશ્વરનું ગમતું ફૂલ હતું. એટલે ઈશ્વરે તેને પોતાની પાસે બોલાવી લીધું અને કદાચ તે એક દેવદૂત બની જશે. શેતાનના આ જૂઠાણાથી શું તેઓનું દુઃખ હળવું થશે કે વધશે? નરકના ખોટા શિક્ષણને લીધે લોકો એવું માને છે કે બીજાઓને રિબાવવામાં કંઈ ખોટું નથી. ચર્ચના શિક્ષણનો જેઓ વિરોધ કરે, તેઓને થાંભલા પર જીવતા સળગાવી દેવામાં પણ લોકોને કંઈ ખોટું લાગતું ન હતું. સ્પેનની એક કોર્ટ ઘણાં વર્ષોથી એવા લોકોને સતાવતી અને રિબાવતી, જેઓ કૅથલિક ચર્ચના શિક્ષણનો વિરોધ કરતા. “નરક કેવું હોય એની ઝલક” આપવા અમુક જજ તેઓને જીવતા બાળવાનો હુકમ આપતા. તેઓ માનતા કે એમ કરવાથી એવા લોકો મરતા પહેલાં પસ્તાવો કરીને નરકની સજામાંથી બચી શકે છે. અમુક દેશોમાં ગુજરી ગયેલા પૂર્વજોની ભક્તિ કરવાનું લોકોને દબાણ કરવામાં આવે છે. તેઓ માને છે કે એમ કરવાથી પૂર્વજોને આદર અને લોકોને આશીર્વાદ મળશે. બીજા અમુક લોકો પૂર્વજો હેરાન ન કરે માટે તેઓને ખુશ રાખવા માંગે છે. શેતાનનાં જૂઠાણાંને આધારે ફેલાયેલી માન્યતાઓથી સાચો દિલાસો મળતો નથી. એનાથી તો ચિંતા અને ડર આપણા દિલમાં ઘર કરી જાય છે.

બાઇબલમાં આપેલા સત્યને આપણે કઈ રીતે ટેકો આપી શકીએ?

૧૧. બાઇબલ વિરુદ્ધ જવા સગાં કે મિત્રો કઈ રીતે આપણને દબાણ કરી શકે?

૧૧ ગુજરી ગયેલા લોકો માટે વિધિઓ કરવામાં આવે છે, જેને બાઇબલ ટેકો આપતું નથી. એ વિધિઓમાં ભાગ લેવા સગાં કે મિત્રો કદાચ આપણને દબાણ કરે અથવા મનાવે. એવા સમયે ઈશ્વર માટેના પ્રેમથી અને બાઇબલથી હિંમત મળે છે અને આપણે એમાં ભાગ લેતા નથી. આમ, આપણે યહોવાને વફાદાર રહીએ છીએ. તેઓ કદાચ આપણને બધા આગળ નીચા પાડવા કહે કે ગુજરી ગયેલાને આપણે પ્રેમ કરતા નથી, તેમનો આદર કરતા નથી. તેઓ એવું પણ કહે કે આપણા વર્તનથી ગુજરી ગયેલા નારાજ થશે અને તેમનો આત્મા બધાને હેરાન કરશે. બાઇબલમાં આપેલા સત્યને આપણે કઈ રીતે ટેકો આપી શકીએ? ચાલો એ વિશે અમુક બાઇબલ સિદ્ધાંતો જોઈએ.

૧૨. ગુજરી ગયેલા લોકો વિશે કયા ખોટા રિવાજો જોવા મળે છે?

૧૨ ખોટી માન્યતાઓ અને રીત-રિવાજોથી ‘પોતાને અલગ કરવાનો’ મક્કમ નિર્ણય લો. (૨ કોરીં. ૬:૧૭) કૅરિબિયનના એક દેશમાં ઘણા લોકો માને છે કે, મર્યા પછી વ્યક્તિનું “ભૂત” ભમ્યા કરે છે અને જેઓએ તેને સતાવી હતી, તેઓને શિક્ષા કરે છે. એક અહેવાલ જણાવે છે કે, “ભૂત” ‘આખા સમાજ પર કાળો કેર વર્તાવી શકે છે.’ આફ્રિકામાં એક રિવાજ છે કે જે ઘરમાં મરણ થાય ત્યાંના અરીસા ઢાંકી દેવા. તેમ જ, વ્યક્તિના બધા ફોટા દીવાલ તરફ પલટાવી દેવા. શા માટે? અમુક લોકો માનતા કે એમ કરવાથી ગુજરી ગયેલી વ્યક્તિ પોતાને જોઈ શકશે નહિ. શેતાનનાં જૂઠાણાં સાથે જોડાયેલી ખોટી માન્યતા કે રીત-રિવાજોમાં યહોવાના ભક્તો ક્યારેય ભાગ લેશે નહિ.—૧ કોરીં. ૧૦:૨૧, ૨૨.

સાહિત્યમાં શોધખોળ કરવાથી અને સાક્ષી નથી એવાં સગાઓ સાથે વાત કરવાથી મુશ્કેલીઓ ટાળી શકાય છે (ફકરા ૧૩-૧૪ જુઓ) *

૧૩. કોઈ રીત-રિવાજો વિશે ચોક્કસ માહિતી ન હોય ત્યારે યાકૂબ ૧:૫ કઈ રીતે મદદ કરે છે?

૧૩ કોઈ માન્યતા કે રીત-રિવાજો વિશે આપણી પાસે ચોક્કસ માહિતી ન હોય તો આપણે શું કરીશું? આપણે યહોવાને પ્રાર્થના કરીએ અને તેમની પાસે સમજણ માંગીએ. (યાકૂબ ૧:૫ વાંચો.) એ વિશે આપણાં સાહિત્યમાંથી માહિતી શોધવી જોઈએ. જરૂર પડે તો મંડળના વડીલોની સલાહ લઈ શકીએ. તેઓ આપણને એ નહિ જણાવે કે આપણે શું કરવું જોઈએ. પણ તેઓ આપણને અમુક બાઇબલ સિદ્ધાંતો જણાવશે. એમાંના અમુક સિદ્ધાંતો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમ કરીને આપણે “પોતાની સમજશક્તિ વાપરીને” એને કેળવીએ છીએ. એનાથી “ખરું-ખોટું પારખવા” ભાવિમાં મદદ મળશે.—હિબ્રૂ. ૫:૧૪.

૧૪. આપણે શું ધ્યાન રાખીશું?

૧૪ ‘બધું ઈશ્વરના મહિમા માટે કરો. તમે ઠોકરરૂપ ન બનો.’ (૧ કોરીં. ૧૦:૩૧, ૩૨) આપણે કોઈ રીત-રિવાજમાં ભાગ લઈશું કે નહિ એ નક્કી કરતી વખતે શું ધ્યાન રાખીશું? એ જ કે, એનાથી બીજાઓને કેવું લાગશે, ખાસ તો આપણાં ભાઈ-બહેનોને. આપણે ચાહતા નથી કે કોઈને ઠોકર લાગે. (માર્ક ૯:૪૨) સાક્ષી નથી એવાં સગાઓને આપણે નારાજ કરવા માંગતા નથી. જો આપણે પ્રેમાળ હોઈશું, તો તેઓ સાથે માનથી વર્તીશું. એનાથી યહોવાને મહિમા મળશે. આપણે તેઓ સાથે ઝઘડવા કે તેઓના રિવાજોની મજાક ઉડાવવા માંગતા નથી. યાદ રાખો કે પ્રેમમાં ઘણી તાકાત છે! બીજાઓનો વિચાર કરીએ છીએ અને માનથી વર્તીએ છીએ ત્યારે, આપણા વિરોધીઓનાં દિલ પીગળી શકે છે.

૧૫-૧૬. (ક) શા માટે બીજાઓ તમારી માન્યતા વિશે જાણતા હોવા જોઈએ? દાખલો આપો. (ખ) રોમનો ૧:૧૬ના શબ્દો આપણને કઈ રીતે લાગુ પડે છે?

૧૫ બીજાઓ જાણતા હોવા જોઈએ કે તમે યહોવાના સાક્ષી છો. (યશા. ૪૩:૧૦) વિચાર કરો કે તમારા કુટુંબમાં કોઈનું મરણ થાય છે અને તેઓનાં રીત-રિવાજોમાં તમે ભાગ લેતા નથી. એ વિશે જાણીને તમારાં સગાઓ અને પડોશીઓને ખોટું લાગી શકે. જો તમે પહેલેથી તમારી માન્યતાઓ વિશે જણાવ્યું હશે, તો તમે સંજોગોને સારી રીતે હાથ ધરી શકશો. ફ્રાન્સિસ્કોભાઈ મોઝામ્બિકમાં રહે છે. તે જણાવે છે: ‘હું અને મારી પત્ની કેરોલિના સત્ય શીખ્યા ત્યારે, અમે એક નિર્ણય કર્યો હતો. અમે અમારા કુટુંબને જણાવ્યું હતું કે હવે અમે ગુજરી ગયેલાઓની ભક્તિ કરીશું નહિ. કેરોલિનાની બહેન મરણ પામી ત્યારે એ નિર્ણયની કસોટી થઈ. ત્યાં રિવાજ હતો કે ધાર્મિક વિધિ કરીને શબને એક જગ્યાએ નવડાવવામાં આવતું. પછી નજીકના સગાંએ ત્રણ રાત એ જગ્યાએ ઊંઘવાનું હતું. મરેલી વ્યક્તિના આત્માને ખુશ કરવા એ રિવાજ પાળવામાં આવતો. કુટુંબનાં સભ્યો ચાહતા હતા કે કેરોલિના એ જગ્યાએ ઊંઘે.’

૧૬ ફ્રાન્સિસ્કોભાઈ અને તેમની પત્નીએ શું કર્યું? ભાઈ કહે છે: ‘યહોવાને પ્રેમ કરતા હોવાથી અને તેમને ખુશ કરવા માંગતા હોવાથી અમે ખોટાં રીત-રિવાજોમાં ભાગ લીધો નહિ. મારી પત્નીનાં કુટુંબીજનો ગુસ્સે થઈ ગયાં. તેઓએ આરોપ મૂક્યો કે અમે ગુજરી ગયેલાનું અપમાન કર્યું છે. તેઓએ કહ્યું કે અમારી સાથે તેઓ કોઈ પણ જાતનો સંબંધ રાખશે નહિ. અમારી માન્યતાઓ વિશે અમે અગાઉથી તેઓને જણાવ્યું હતું. એટલે તેઓ ગુસ્સામાં હતા ત્યારે અમે વધારે ચર્ચા કરી નહિ. અમુક સગાઓએ અમારો પક્ષ લીધો અને કહ્યું કે એ વિશે અમે પહેલેથી જણાવ્યું હતું. સમય જતાં, કેરોલિનાનાં સગાઓનો ગુસ્સો ઠંડો પડ્યો અને હવે તેઓ સાથે અમારા સંબંધો સુધર્યા છે. અરે, અમુક સગાં તો સાહિત્ય લેવાં અમારા ઘરે પણ આવ્યાં હતાં.’ મરણ વિશે બાઇબલ જે કહે છે એને આપણે વળગી રહેવું જોઈએ. બીજાઓને એ વિશે જણાવતા શરમાવું ન જોઈએ.—રોમનો ૧:૧૬ વાંચો.

શોક કરનારાઓને આશ્વાસન અને સથવારો આપીએ

મરણ જ્યારે કુટુંબના સભ્યને છીનવી લે, ત્યારે સાચા મિત્રો દિલાસો અને હૂંફ આપે છે (ફકરા ૧૭-૧૯ જુઓ) *

૧૭. શોક કરનારાઓને દિલાસો આપવા આપણે શું કરી શકીએ?

૧૭ આપણાં કોઈ ભાઈ કે બહેનનું સગું મરણ પામે ત્યારે, આ સલાહ પ્રમાણે કરવા બનતું બધું કરવું જોઈએ: ‘સાચો મિત્ર જરૂરના સમયે મદદ કરવા ભાઈ બને છે.’ (નીતિ. ૧૭:૧૭, IBSI) એવાં ભાઈ કે બહેનને આપણે મદદ કરી શકીએ, ખાસ કરીને એવા સમયે જ્યારે ખોટાં રીત-રિવાજોમાં ભાગ લેવાનું તેઓ પર દબાણ આવે. આમ, આપણે “સાચા મિત્ર” બની શકીએ છીએ. શોક કરનારાઓને દિલાસો આપવા આપણને મદદ કરે એવા બાઇબલ સિદ્ધાંતો છે. ચાલો એમાંના બે સિદ્ધાંતોની ચર્ચા કરીએ.

૧૮. શા માટે ઈસુ રડી પડ્યા અને તેમના દાખલાથી આપણે શું શીખી શકીએ?

૧૮ “રડનારાઓની સાથે રડો.” (રોમ. ૧૨:૧૫) જેઓ શોકમાં ડૂબેલા છે તેઓને દિલાસો આપવા આપણી પાસે અમુક વાર શબ્દો હોતા નથી. ક્યારેક શબ્દો કરતાં આંસુઓ ઘણું કહી જાય છે. ઈસુના મિત્ર લાજરસ મરણ પામ્યા ત્યારે મરિયમ, માર્થા અને બીજા લોકો રડતા હતા. એના ચાર દિવસ પછી ઈસુ ત્યાં આવ્યા ત્યારે લોકો રડી રહ્યા હતા. તે જાણતા હતા કે પોતે જલદી જ લાજરસને મરણમાંથી ઉઠાડશે. તોપણ “ઈસુ રડી પડ્યા.” (યોહા. ૧૧:૧૭, ૩૩-૩૫) ઈસુ રડ્યા એનાથી દેખાઈ આવ્યું કે લાજરસના મરણથી યહોવાને કેટલું દુઃખ થયું હશે! એ પણ જોવા મળ્યું કે લાજરસના કુટુંબને ઈસુ ખૂબ પ્રેમ કરતા હતા. એનાથી માર્થા અને મરિયમને ચોક્કસ આશ્વાસન મળ્યું હશે. શોકમાં છે એવાં ભાઈ-બહેનો આપણો પ્રેમ અનુભવશે અને જોશે કે આપણને તેઓની ચિંતા છે ત્યારે કેવું પરિણામ આવશે? તેઓને ખાતરી થશે કે પોતે એકલા નથી. પણ તેઓની પડખે એવા મિત્રો છે, જે તેઓને સથવારો અને હૂંફ આપે છે.

૧૯. દુઃખી ભાઈ કે બહેનને કઈ રીતોથી દિલાસો આપી શકીએ?

૧૯ “ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત.” (સભા. ૩:૭) આપણે દુઃખી ભાઈ કે બહેનનું ધ્યાનથી સાંભળીને પણ તેમને દિલાસો આપી શકીએ છીએ. તેમને પોતાનું દિલ ઠાલવવા દઈએ. તે ‘વગર વિચાર્યે’ કંઈ બોલે તો ખોટું ન લગાડીએ. (અયૂ. ૬:૨, ૩) સાક્ષી નથી એવાં સગાઓ તેમને દબાણ કરતા હશે, એટલે તે વધારે દુઃખી હશે. તેમની સાથે પ્રાર્થના કરીએ. ‘પ્રાર્થનાના સાંભળનારને’ વિનંતી કરીએ કે તેમને હિંમત આપે અને સમજી-વિચારીને નિર્ણય લેવા મદદ કરે. (ગીત. ૬૫:૨) શક્ય હોય તો તેમની સાથે બાઇબલ વાંચીએ. કે પછી તેમને લાગુ પડતો લેખ આપણાં સાહિત્યમાંથી વાંચી શકીએ. તેમની સાથે ઈશ્વર ભક્તોની જીવન સફર વાંચી શકીએ, જેથી તેમને ઉત્તેજન મળે.

૨૦. આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨૦ ગુજરી ગયેલાનું શું થાય છે એ હકીકત આપણને જાણવા મળી છે. જેઓને મરણે છીનવી લીધા છે, તેઓ માટે સુંદર ભાવિની આશા છે એ પણ આપણને ખબર છે. (યોહા. ૫:૨૮, ૨૯) એ માટે આપણે યહોવાના કેટલા આભારી છીએ! તો ચાલો આપણાં વાણી-વર્તન દ્વારા હિંમતથી બાઇબલમાં આપેલા સત્યને વળગી રહીએ. તક મળે ત્યારે બીજાઓને એ વિશે જણાવીએ. આવતા લેખમાં જોઈશું કે લોકોથી સત્ય છુપાવવા શેતાન બીજો એક પેંતરો અજમાવે છે. એ છે, મેલીવિદ્યા. આપણે શીખીશું કે મેલીવિદ્યા સાથે જોડાયેલાં કામો અને મનોરંજનથી શા માટે આપણે દૂર રહેવું જોઈએ.

ગીત ૧૬ ઈશ્વરના રાજ્યમાં આશરો લો

^ ફકરો. 5 મરણ પછી શું થાય છે એ વિશે શેતાન અને તેના દુષ્ટ દૂતો જૂઠાણું ફેલાવે છે અને લોકોને છેતરે છે. એ જૂઠાણાંને લીધે ઘણાં રીત-રિવાજો ફેલાયેલાં છે, જેને બાઇબલ ટેકો આપતું નથી. એવાં રીત-રિવાજોમાં ભાગ લેવા ઘણી વાર બીજાઓ આપણને દબાણ કરે છે. એવા સમયે આપણે કઈ રીતે યહોવાને વફાદાર રહી શકીએ, એ વિશે આ લેખમાં જોઈશું.

^ ફકરો. 55 ચિત્રની સમજ: એક બહેન પોતાના સગાના મરણને લીધે શોકમાં છે. તેમનાં અમુક સગાં યહોવાના સાક્ષી છે, તેઓ તેમને દિલાસો આપી રહ્યાં છે.

^ ફકરો. 57 ચિત્રની સમજ: મરણ વખતે કરવામાં આવતી વિધિઓ વિશે એક ભાઈ સાહિત્યમાં શોધખોળ કરે છે અને પછી સગાઓને પોતાની માન્યતા વિશે જણાવે છે.

^ ફકરો. 59 ચિત્રની સમજ: એક ભાઈના કુટુંબમાં કોઈનું મરણ થયું છે અને વડીલો તેમને દિલાસો અને હૂંફ આપે છે.