સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુએ જીવનની છેલ્લી ઘડીએ કેમ એવું કહ્યું, “હે મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?”

શું ઈસુ નિરાશ થઈ ગયા હતા? શું ઈસુની શ્રદ્ધા નબળી પડી ગઈ હતી? ના. એવું ન હતું. જ્યારે ઈસુએ માથ્થી ૨૭:૪૬ના શબ્દો કહ્યા ત્યારે દાઉદે ગીતશાસ્ત્ર ૨૨:૧માં લખેલા શબ્દો પૂરા થયાં. (માર્ક ૧૫:૩૪) ઈસુ તો જાણતા હતા કે તેમણે કેમ મરવાનું છે. તે એ માટે તૈયાર હતા. (માથ. ૧૬:૨૧; ૨૦:૨૮) તેમને ખબર હતી કે એ સમયે યહોવાની “સુરક્ષાની વાડ” તેમની આસપાસ નહિ રહે. (અયૂ. ૧:૧૦) પણ ઈસુ સાબિત કરવા માંગતા હતા કે ભલે તેમને રિબાવીને મારી નાખવામાં આવે પણ તે અંત સુધી યહોવાને વફાદાર રહેશે.—માર્ક ૧૪:૩૫, ૩૬.

ઈસુએ એમ કેમ કહ્યું કે ઈશ્વરે તેમને છોડી દીધા છે? આપણે એ પૂરી રીતે નથી જાણતા પણ અમુક કારણો પર વિચાર કરી શકીએ. *

એ શબ્દોથી કદાચ ઈસુ બતાવી રહ્યા હતા કે યહોવા તેમને નહિ બચાવે. ઈસુએ યહોવાની મદદ વગર બધા લોકો માટે પોતાનું બલિદાન આપવાનું હતું. તેમણે ‘દરેક મનુષ્ય માટે મરણ સહન કરવાનું હતું.’—હિબ્રૂ. ૨:૯.

એ શબ્દો કહીને કદાચ ઈસુ શિષ્યોનું ધ્યાન ગીતશાસ્ત્રના ૨૨મા અધ્યાય તરફ દોરી રહ્યા હતા. પહેલાના સમયમાં ઘણા યહુદી લોકો ગીતશાસ્ત્રના આખા અધ્યાયો મોઢે કરી લેતા હતા. જ્યારે પણ તેઓ એ અધ્યાયોમાંથી કોઈ એક કલમ સાંભળે તો તેઓને આખો અધ્યાય યાદ આવી જતો. કદાચ ઈસુ ગીતશાસ્ત્ર ૨૨મા અધ્યાયમાં લખેલી અમુક વાતો પર શિષ્યોનું ધ્યાન દોરવા માંગતા હતા. પણ શા માટે ૨૨મો અધ્યાય? એ અધ્યાયમાં તેમના મરણ વખતે શું થશે એ વિશે અમુક ભવિષ્યવાણી હતી. (ગીત. ૨૨:૭, ૮, ૧૫, ૧૬, ૧૮, ૨૪) એ અધ્યાયની છેલ્લી કલમોમાં યહોવાનો મહિમા કરવામાં આવ્યો છે. એમાં જણાવ્યું છે કે તે આખી પૃથ્વી પર રાજ કરશે.—ગીત. ૨૨:૨૭-૩૧.

ગીતશાસ્ત્રના એ શબ્દોનો ઉલ્લેખ કરીને ઈસુ કદાચ કહેવા માંગતા હતા કે તે નિર્દોષ છે. ઈસુને મોતની સજા ફટકારવામાં આવી હતી. તેમની ઉપર ખોટી રીતે મુકદમો ચલાવવામાં આવ્યો હતો. તેમની પર જૂઠો આરોપ મૂકવામાં આવ્યો કે તે ઈશ્વરની નિંદા કરે છે. (માથ. ૨૬:૬૫, ૬૬) તે મુકદમો ખૂબ ઉતાવળે અને મોડી રાતે ચલાવવામાં આવ્યો હતો. જે એ સમયના કાનૂન પ્રમાણે ખોટું હતું. એટલે નિયમો તોડીને એ મુકદમો ચલાવવામાં આવ્યો હતો. (માથ. ૨૬:૫૯; માર્ક ૧૪:૫૬-૫૯) ઈસુએ જ્યારે કહ્યું, “હે મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?” ત્યારે તે જાણે કહી રહ્યા હતા કે તેમણે કંઈ ખોટું નથી કર્યું. વધુમાં તે કહેવા માંગતા હતા કે તેમની પર અન્યાય થઈ રહ્યો છે અને તેમણે એવું કંઈ નથી કર્યું, જેના લીધે તેમને મોતની સજા કરવામાં આવે.

દાઉદે ઘણું દુઃખ સહ્યું હોવા છતાં યહોવાએ તેમને છોડી દીધા ન હતા. એટલે કદાચ ઈસુ પોતાને ગીતશાસ્ત્રના લેખક દાઉદ સાથે સરખાવી રહ્યા હતા. દાઉદે ગીતશાસ્ત્રમાં લખ્યું: “હે ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?” એનો એ અર્થ ન હતો કે દાઉદને યહોવા પર ભરોસો ન હતો. પણ જો આપણે આગળની કલમો વાંચીએ તો ખબર પડે છે કે દાઉદને ભરોસો હતો કે યહોવા તેમને બચાવશે. અને યહોવાએ એવું જ કર્યું. યહોવાએ દાઉદને બચાવ્યા અને તેમને આશીર્વાદ આપ્યો. (ગીત. ૨૨:૨૩, ૨૪, ૨૭) એવી જ રીતે, દાઉદના વંશજ ઈસુએ વધસ્તંભ પર પીડા સહી, પણ એનો એવો અર્થ નથી કે યહોવાએ તમને છોડી દીધા છે.—માથ. ૨૧:૯.

ઈસુ કદાચ શબ્દોમાં પોતાનું દુઃખ જણાવી રહ્યા હતા કે યહોવા તેમનું રક્ષણ કરશે નહિ, જેથી ઈસુની વફાદારી સાબિત થાય. યહોવાની એવી ઇચ્છા ન હતી કે ઈસુએ દુઃખ સહેવું પડે અને મરવું પડે. પણ આદમે પાપ કર્યું એટલે એ બધાની જરૂર પડી. ઈસુએ ક્યારે કોઈ ખોટું કામ કર્યું ન હતું કે તેમને સહેવું પડે અથવા તેમના પર મોત આવે. પણ શેતાને ઉઠાવેલા સવાલનો જવાબ આપવા એ બધું જરૂરી હતું. માણસે જે ગુમાવ્યું હતું, એ પાછું મેળવવા ઈસુએ પોતાનું બલિદાન આપવું જરૂરી હતું. (માર્ક ૮:૩૧; ૧ પિત. ૨:૨૧-૨૪) પણ એ બધું ત્યારે જ શક્ય બને જો યહોવા ઈસુ પરથી તેમનું રક્ષણ ઉઠાવી લે. ઈસુના જીવનમાં એ પહેલી વખત હશે કે યહોવાએ તેમની મદદ ન કરી.

એ શબ્દોથી ઈસુ કદાચ શિષ્યોનું ધ્યાન એ વાત પર દોરી રહ્યા હતા કે યહોવાએ કેમ તેમના પર આવી મોત આવવા દીધું. * ઈસુ જાણતા હતા કે ગુનેગાર તરીકે તે મરણ પામશે ત્યારે લોકો ઠોકર ખાશે. (૧ કોરીં. ૧:૨૩) પણ જો શિષ્યો યાદ રાખે કે ઈસુ કેમ મરણ પામ્યા તો એનું મહત્ત્વ સમજી શકશે. (ગલા. ૩:૧૩, ૧૪) આમ શિષ્યો ઈસુને એક ગુનેગાર તરીકે નહિ પણ ઉદ્ધાર કરનાર તરીકે જોશે.

આપણે જાણતા નથી કે ઈસુએ કેમ ગીતશાસ્ત્રના એ શબ્દો કહ્યા હતા. પણ આપણને એટલી ખબર છે કે ઈસુ એવી રીતે મરણ પામે એ યહોવાની મરજી હતી. છેલ્લે ઈસુએ એવું પણ કહ્યું કે “બધું પૂરું થયું છે!” (યોહા. ૧૯:૩૦; લૂક ૨૨:૩૭) યહોવાએ ઈસુ પરથી પોતાનું રક્ષણ લઈ લીધું એટલે ઈસુ એ બધું કરી શક્યા, જે માટે તે પૃથ્વી પર આવ્યા હતા. એટલું જ નહિ, ઈસુ ભવિષ્યવાણીઓના શબ્દો પણ પૂરા કરી શક્યા જે “નિયમશાસ્ત્રમાં, પ્રબોધકોનાં લખાણોમાં અને ગીતશાસ્ત્રમાં” તેમના વિશે લખાયા હતા.—લૂક ૨૪:૪૪.

^ ફકરો. 2 આ અંકમાં “ઈસુના છેલ્લા શબ્દોમાંથી શીખીએ” લેખમાં ફકરા ૯ અને ૧૦ જુઓ.

^ ફકરો. 4 પ્રચારકામ વખતે ઈસુ અમુક વાર એવા સવાલો પૂછતા જે શિષ્યોના મનમાં હતા. એ સવાલો કંઈ ઈસુના મનમાં ન હતા, પણ તે જાણવા ચાહતા હતા કે શિષ્યોના મનમાં શું ચાલે છે.—માર્ક ૭:૨૪-૨૭; યોહા. ૬:૧-૫. ઑક્ટોબર ૧, ૨૦૧૦ ચોકીબુરજ પાન ૧૨ જુઓ.