અભ્યાસ માટે સૂચન
યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાં બાઇબલ કલમોની સમજણ આપી છે. શું તમે એનો પૂરેપૂરો ફાયદો મેળવી રહ્યા છો?
કલમોની સમજણથી તમે બાઇબલની વાતો વધારે સારી રીતે સમજી શકશો. તમને જાણવા મળશે કે કલમોમાં જણાવેલો બનાવ ક્યારે બન્યો હતો, એ વખતે સંજોગો કેવા હતા, એ કેમ લખવામાં આવ્યો હતો અથવા એ કોને લાગુ પડે છે. એટલું જ નહિ, તમને કોઈ એક શબ્દનો અથવા અમુક શબ્દોનો અર્થ પણ જાણવા મળશે.
તમે વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી અને JW લાઇબ્રેરી બંનેમાં કોઈ કલમથી સીધેસીધા સંશોધન માર્ગદર્શિકાના લેખો જોઈ શકો. જો કલમ વિશે સંશોધન માર્ગદર્શિકામાં માહિતી આપી હશે, તો કલમ પર ક્લિક કરવાથી સંશોધન માર્ગદર્શિકાનું નિશાન દેખાશે. એ નિશાન ક્લિક કરવાથી એ કલમને લગતા બધા લેખો ખૂલી જશે.
એ લેખો વાંચતી વખતે એના ક્રમ પર ધ્યાન આપો. નવા લેખો સૌથી ઉપર હશે. તમે જેમ જેમ નીચે જશો, તેમ તેમ જૂના લેખો જોવા મળશે. જૂના લેખોમાં કદાચ એવી સમજણ હોય શકે, જેમાં સુધારો કરવામાં આવ્યો છે.
વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરીમાં કલમને લગતા લેખો આપોઆપ ખૂલી જશે, જે સંશોધન માર્ગદર્શિકામાં છે.
JW લાઇબ્રેરીમાં કલમને લગતા લેખો વાંચવા પહેલા સંશોધન માર્ગદર્શિકા ડાઉનલોડ કરો. એમાં અપડેટ આવે ત્યારે એને ડાઉનલોડ કરો. એમ કરવા “લાઇબ્રેરી” વિભાગમાં જાઓ અને “સંશોધન માટે” પર ક્લિક કરો. પછી નવામાં નવી સંશોધન માર્ગદર્શિકા ડાઉનલોડ કરો.