સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૫

ઈસુના ચમત્કારોથી શું શીખી શકીએ?

ઈસુના ચમત્કારોથી શું શીખી શકીએ?

‘તેમણે આખા પ્રદેશમાં ફરીને ભલાં કામો કર્યાં અને લોકોને સાજા કર્યા.’—પ્રે.કા. ૧૦:૩૮.

ગીત ૫ ઈસુને પગલે ચાલું

ઝલક a

૧. ઈસુના પહેલા ચમત્કાર વિશે જણાવો.

 સાલ ૨૯ની પાનખર ૠતુની આ વાત છે. ઈસુએ હમણાં હમણાં જ પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું છે. ઈસુ, તેમની મા મરિયમ અને અમુક શિષ્યોને એક લગ્‍નનું આમંત્રણ મળ્યું છે. એ લગ્‍ન કાના ગામમાં છે, જે ઈસુના વતન નાઝરેથની ઉત્તરે આવેલું છે. મરિયમ વર-કન્યાના કુટુંબને સારી રીતે ઓળખે છે. એટલે સમજી શકાય કે તે મહેમાનોની આગતા-સ્વાગતા કરે છે. પણ લગ્‍નની મિજબાની વખતે એક મુશ્કેલી ઊભી થાય છે, જેના લીધે વર-કન્યા અને કુટુંબનું સમાજમાં નાક કપાઈ શકે છે. દ્રાક્ષદારૂ ખૂટી જાય છે. b કદાચ ધાર્યા કરતાં વધારે મહેમાનો આવ્યા છે. મરિયમ મદદ માટે તરત પોતાના દીકરા ઈસુ પાસે દોડી જાય છે અને કહે છે, “તેઓ પાસે દ્રાક્ષદારૂ નથી.” (યોહા. ૨:૧-૩) ઈસુ શું કરે છે? તે એવું કંઈક કરે છે જે કદાચ કોઈએ વિચાર્યું પણ નહિ હોય. તે ચમત્કાર કરીને પાણીમાંથી “એકદમ સારો દ્રાક્ષદારૂ” બનાવે છે.—યોહા. ૨:૯, ૧૦.

૨-૩. (ક) ઈસુએ કેવા ચમત્કારો કર્યા? (ખ) ઈસુના ચમત્કારો પર વિચાર કરવાથી કેવા ફાયદા થશે?

ઈસુએ પોતાના સેવાકાર્ય દરમિયાન બીજા ઘણા ચમત્કારો કર્યા. c એ ચમત્કારોથી તેમણે હજારો લોકોને મદદ કરી. દાખલા તરીકે, એક વખતે તેમણે ૫,૦૦૦ પુરુષોને અને બીજી વખતે તેમણે ૪,૦૦૦ પુરુષોને જમાડ્યા. જો ત્યાં હાજર બાળકો અને સ્ત્રીઓને ગણીએ, તો ઈસુએ કુલ મળીને ૨૭,૦૦૦ કરતાં વધારે લોકોને જમાડ્યા હતા. (માથ. ૧૪:૧૫-૨૧; ૧૫:૩૨-૩૮) એ બંને પ્રસંગે તેમણે બીમાર લોકોને સાજા પણ કર્યા. (માથ. ૧૪:૧૪; ૧૫:૩૦, ૩૧) જરા વિચારો, ઈસુએ ચમત્કાર કરીને લોકોને સાજા કર્યા અને જમાડ્યા ત્યારે, તેઓને કેટલી નવાઈ લાગી હશે!

આજે આપણે ઈસુના ચમત્કારોમાંથી ઘણું શીખી શકીએ છીએ. આ લેખમાં આપણે ઈસુના ચમત્કારોમાંથી એવી અમુક વાતો શીખીશું, જેનાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે. પછી એ જોઈશું કે ચમત્કાર કરતી વખતે ઈસુએ કઈ રીતે નમ્રતા અને કરુણા બતાવી અને આપણે કઈ રીતે તેમને અનુસરી શકીએ.

યહોવા અને ઈસુ વિશે શીખી શકીએ છીએ

૪. ઈસુના ચમત્કારોમાંથી આપણને કોના વિશે શીખવા મળે છે?

ઈસુના ચમત્કારોમાંથી આપણને ફક્ત ઈસુ વિશે જ નહિ, તેમના પિતા વિશે પણ ઘણું શીખવા મળે છે, જેનાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. કેમ કે ચમત્કારો કરવાની શક્તિ ઈસુને યહોવા પાસેથી જ મળી હતી. પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૮માં જણાવ્યું છે: “ઈશ્વરે તેમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા અને તેમને બળ આપ્યું. તેમણે આખા પ્રદેશમાં ફરીને ભલાં કામો કર્યાં અને શેતાનથી હેરાન થયેલા લોકોને સાજા કર્યા. તે આ બધું કરી શક્યા, કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.” એ પણ યાદ રાખીએ કે ઈસુની વાતો અને કામોમાં તેમના પિતાનાં વિચારો અને લાગણીઓ જોવા મળે છે. તેમના એ કામોમાં ચમત્કારોનો પણ સમાવેશ થાય છે. (યોહા. ૧૪:૯) ચાલો, ઈસુના ચમત્કારોમાંથી ત્રણ વાતો શીખીએ.

૫. ઈસુએ કેમ ચમત્કારો કર્યા? (માથ્થી ૨૦:૩૦-૩૪)

પહેલી વાત: ઈસુ અને તેમના પિતા આપણને ખૂબ જ પ્રેમ કરે છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ચમત્કાર કરીને દુખિયારા લોકોને મદદ કરી. આમ, તેમણે બતાવ્યું કે તે લોકોને ખૂબ પ્રેમ કરે છે. એક વખતે, બે આંધળા માણસોએ ઈસુને મદદ માટે કાલાવાલા કર્યા. (માથ્થી ૨૦:૩૦-૩૪ વાંચો.) ધ્યાન આપો કે “ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું” અને પછી તેમણે તેઓને સાજા કર્યા. “હૈયું કરુણાથી ભરાઈ આવ્યું” માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે, એ બતાવે છે કે તેઓનું દુઃખ જોઈને ઈસુને દયા આવી અને તેમની આંતરડી કકળી ઊઠી. એનાથી ખબર પડે છે કે ઈસુ લોકોને કેટલો બધો પ્રેમ કરે છે. કરુણાના ગુણને લીધે જ ઈસુએ ભૂખ્યા લોકોને ખવડાવ્યું અને એક રક્તપિત્તિયાને સાજો કર્યો. (માથ. ૧૫:૩૨; માર્ક ૧:૪૧) આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે કરુણાના ઈશ્વર અને તેમના દીકરા આપણને અનહદ પ્રેમ કરે છે અને આપણને દુઃખી જોઈને તેઓ પણ દુઃખી થાય છે. (લૂક ૧:૭૮; ૧ પિત. ૫:૭) તેઓ ખરેખર આપણી બધી મુશ્કેલીઓ દૂર કરવા આતુર છે!

૬. યહોવાએ ઈસુને કયાં કામો કરવાની શક્તિ આપી છે?

બીજી વાત: યહોવાએ ઈસુને બધા માણસોની તકલીફો દૂર કરવાની શક્તિ આપી છે. ઈસુએ ચમત્કારો કરીને બતાવી આપ્યું કે તે પોતાની શક્તિથી આપણી એકેએક તકલીફ દૂર કરી શકે છે, જે આપણે ક્યારેય પોતાની જાતે દૂર નથી કરી શકતા. દાખલા તરીકે, તેમની પાસે માણસોની બધી મુશ્કેલીઓનું મુખ્ય કારણ દૂર કરવાની શક્તિ છે. એ કારણ છે, આદમથી વારસામાં મળેલું પાપ અને એના લીધે આવતી તકલીફો, જેમાં બીમારીઓ અને મરણનો સમાવેશ થાય છે. (માથ. ૯:૧-૬; રોમ. ૫:૧૨, ૧૮, ૧૯) તેમના ચમત્કારો બતાવે છે કે તે લોકોને દરેક પ્રકારની બીમારીમાંથી સાજા કરી શકે છે અને ગુજરી ગયેલાઓને જીવતા કરી શકે છે. (માથ. ૪:૨૩; યોહા. ૧૧:૪૩, ૪૪) તેમની પાસે તોફાનો શાંત કરવાની અને લોકોને દુષ્ટ દૂતોના પંજામાંથી આઝાદ કરવાની શક્તિ છે. (માર્ક ૪:૩૭-૩૯; લૂક ૮:૨) યહોવાએ પોતાના દીકરાને આવી શક્તિ આપી છે, એ જાણીને કેટલી રાહત મળે છે!

૭-૮. (ક) ઈસુના ચમત્કારોથી કયો ભરોસો મળે છે? (ખ) નવી દુનિયામાં તમે કયો ચમત્કાર જોવા માંગો છો?

ત્રીજી વાત: આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે ઈશ્વરે પોતાના રાજ્ય દ્વારા જે આશીર્વાદો આપવાનું વચન આપ્યું છે, એ જરૂર પૂરું થશે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે માણસ તરીકે તેમણે જે ચમત્કારો કર્યા હતા, એનાથી જોવા મળે છે કે ઈશ્વરના રાજ્યના રાજા તરીકે તે આખી પૃથ્વી પર કેવાં મોટાં મોટાં કામ કરશે. જરા વિચારો, ખ્રિસ્તના રાજમાં આપણું જીવન કેવું હશે. આપણે પૂરી રીતે તંદુરસ્ત હોઈશું, કેમ કે તે આપણી દરેક બીમારી અને ખોડખાંપણ દૂર કરશે, જેણે આખી માણસજાત પર કહેર વરસાવ્યો છે. (યશા. ૩૩:૨૪; ૩૫:૫, ૬; પ્રકટી. ૨૧:૩, ૪) આપણે ક્યારેય ભૂખ્યા સૂવું નહિ પડે, કુદરતી આફતોના શિકાર બનવું નહિ પડે. (યશા. ૨૫:૬; માર્ક ૪:૪૧) આપણાં સગા-વહાલાઓ “જેઓ કબરમાં છે,” તેઓને જીવન આપવામાં આવશે અને તેઓને આવકારવામાં આપણને કેટલી ખુશી મળશે. (યોહા. ૫:૨૮, ૨૯) નવી દુનિયામાં તમે ખાસ કરીને કયો ચમત્કાર જોવા માંગો છો?

ચમત્કાર કરતી વખતે ઈસુએ નમ્રતા અને કરુણાના ગુણો બતાવ્યા. એ બે ગુણો આપણે પણ બતાવવા જોઈએ. હવે ચાલો બે ચમત્કારો પર વાત કરીએ. પણ સૌથી પહેલા એ ચમત્કાર પર વાત કરીએ, જે ઈસુએ કાના ગામમાં લગ્‍નની મિજબાની વખતે કર્યો હતો.

નમ્રતા બતાવવાનું શીખી શકીએ છીએ

૯. ઈસુએ લગ્‍નની મિજબાનીમાં કેમ ચમત્કાર કર્યો? (યોહાન ૨:૬-૧૦)

યોહાન ૨:૬-૧૦ વાંચો. લગ્‍નની મિજબાનીમાં દ્રાક્ષદારૂ ખૂટી ગયો એ સમયે શું ઈસુએ કંઈ કરવાની જરૂર હતી? ના! મસીહ પાણીનો દ્રાક્ષદારૂ બનાવશે એવી કોઈ જ ભવિષ્યવાણી કરવામાં આવી ન હતી. હવે વિચારો, જો તમારા જ લગ્‍નમાં ખાવા-પીવાની વસ્તુઓ ખૂટી પડે, તો તમને કેવું લાગશે? ઈસુને કદાચ એ કુટુંબની અને ખાસ કરીને વર-કન્યાની દયા આવી. ઈસુ ચાહતા ન હતા કે તેઓએ નીચું જોવું પડે. એટલે જેમ લેખની શરૂઆતમાં જોયું, તેમ ઈસુએ એક ચમત્કાર કર્યો. તેમણે આશરે ૩૯૦ લિટર પાણીનો એકદમ સારો દ્રાક્ષદારૂ બનાવ્યો. તેમણે કેમ આટલો બધો દ્રાક્ષદારૂ બનાવ્યો? કદાચ એટલા માટે કે વધેલા દ્રાક્ષદારૂનો ભાવિમાં ઉપયોગ થઈ શકે અથવા એને વેચીને વર-કન્યાને પૈસેટકે મદદ મળી શકે. એ યુગલને કેટલી રાહત મળી હશે!

પોતાની સફળતા વિશે બડાઈ ન મારીએ અને ઈસુને અનુસરીએ (ફકરા ૧૦-૧૧ જુઓ) e

૧૦. યોહાનના બીજા અધ્યાયમાંથી કઈ અમુક ખાસ વિગતો જાણવા મળે છે? (ચિત્ર પણ જુઓ.)

૧૦ ચાલો યોહાનના બીજા અધ્યાયમાં આપેલી અમુક ખાસ વિગતો પર વિચાર કરીએ. શું તમે ધ્યાન આપ્યું કે ઈસુએ જાતે કોઠીઓમાં પાણી ન ભર્યું? પોતાના પર ધ્યાન ખેંચવાને બદલે તેમણે ચાકરોને પાણી ભરવા કહ્યું. (કલમો ૬, ૭) પાણીમાંથી દ્રાક્ષદારૂ બનાવ્યા પછી, ઈસુ જાતે એ દ્રાક્ષદારૂ લઈને મિજબાનીના કારભારી પાસે ન ગયા. આ વખતે પણ તેમણે ચાકરોને એમ કરવા કહ્યું. (કલમ ૮) ઈસુએ દ્રાક્ષદારૂનો પ્યાલો લઈને મહેમાનો વચ્ચે આવી બડાઈ ન મારી: ‘મેં હમણાં જ આ દ્રાક્ષદારૂ બનાવ્યો છે, ચાખીને તો જુઓ!’

૧૧. ઈસુના ચમત્કારમાંથી શું શીખી શકીએ?

૧૧ ઈસુના ચમત્કારમાંથી શું શીખી શકીએ? એ જ કે આપણે નમ્ર બનવું જોઈએ. ઈસુએ ક્યારેય એ ચમત્કાર વિશે બડાઈ ન મારી. અરે, તેમણે જે કંઈ કર્યું એ વિશે પણ ક્યારેય બડાઈ ન મારી. એના બદલે તેમણે નમ્રતા બતાવી અને બધો મહિમા અને જશ પોતાના પિતાને આપ્યો. (યોહા. ૫:૧૯, ૩૦; ૮:૨૮) જો નમ્રતા બતાવવામાં ઈસુના દાખલાને અનુસરીશું, તો ક્યારેય પોતાની સફળતા વિશે બડાઈ નહિ મારીએ. આપણે યહોવાની ભક્તિમાં જે કંઈ કરતા હોઈએ, એ વિશે ક્યારેય અભિમાન ન કરીએ. પણ જે મહાન ઈશ્વરની ભક્તિ કરવાનો લહાવો મળ્યો છે, એ ઈશ્વર માટે અભિમાન કરીએ. (યર્મિ. ૯:૨૩, ૨૪) ચાલો બધો જ માન-મહિમા યહોવાને આપીએ, જેના તે હકદાર છે. સાચે જ, આપણે યહોવાની મદદ વગર કંઈ કરી શકતા નથી!—૧ કોરીં. ૧:૨૬-૩૧.

૧૨. ઈસુની જેમ નમ્રતા બતાવવાની બીજી એક રીત કઈ છે? દાખલો આપો.

૧૨ ચાલો ઈસુની જેમ નમ્રતા બતાવવાની બીજી એક રીત જોઈએ. આ દૃશ્યની કલ્પના કરો: એક યુવાન સહાયક સેવક પહેલી વખત જાહેર પ્રવચન આપવાના છે. એ માટે એક વડીલ તેમને કલાકોના કલાકો મદદ કરે છે. એના લીધે એ ભાઈ જોરદાર પ્રવચન આપે છે અને મંડળમાં પણ બધાને મજા આવે છે. સભા પછી કોઈ ભાઈ કે બહેન એ વડીલ પાસે આવે છે અને કહે છે: ‘આ ભાઈએ ખૂબ સરસ પ્રવચન આપ્યું, હેં ને?’ તમને શું લાગે છે કે એ વખતે વડીલે શું કહેવું જોઈએ? શું આવું કહેવું જોઈએ: ‘હા, પણ મેં તેની પાછળ ઘણો સમય કાઢ્યો છે’? કે પછી નમ્રતા બતાવીને તેમણે આવું કહેવું જોઈએ: ‘હા, તેણે ખૂબ સરસ કર્યું. મને તેના પર ગર્વ છે’? જો નમ્ર હોઈશું તો બીજાઓના ભલા માટે જે કરીશું, એનો જશ પોતાના માથે નહિ લઈએ. આપણને તો એ જાણીને ખુશી થાય છે કે આપણે જે કંઈ કરીએ છીએ એ યહોવા જુએ છે અને તેમની નજરે એ કીમતી છે. (માથ્થી ૬:૨-૪ સરખાવો; હિબ્રૂ. ૧૩:૧૬) ખરેખર, ઈસુની જેમ નમ્ર બનીએ છીએ ત્યારે યહોવા ઘણા ખુશ થાય છે.—૧ પિત. ૫:૬.

કરુણા બતાવવાનું શીખી શકીએ છીએ

૧૩. નાઈન શહેરના દરવાજે ઈસુ શું જુએ છે અને તે શું કરે છે? (લૂક ૭:૧૧-૧૫)

૧૩ લૂક ૭:૧૧-૧૫ વાંચો. સાલ ૩૧માં બનેલા આ બનાવની કલ્પના કરો. ઈસુ મુસાફરી કરીને ગાલીલના નાઈન શહેર આવ્યા છે. એ શૂનેમ શહેરથી બહુ દૂર નથી, જ્યાં આશરે ૯૦૦ વર્ષ પહેલાં એલિશા પ્રબોધકે એક સ્ત્રીના દીકરાને જીવતો કર્યો હતો. (૨ રાજા. ૪:૩૨-૩૭) ઈસુ નાઈન શહેરના દરવાજા નજીક આવે છે ત્યારે, અમુક લોકોને જુએ છે. તેઓ એક મરેલા માણસને દાટવા માટે લઈ જઈ રહ્યા છે. એ દૃશ્ય કાળજું કંપાવી દે એવું છે. એક વિધવાનો એકનો એક દીકરો ગુજરી ગયો છે. તે હૈયાફાટ રુદન કરી કહી છે. પણ તે એકલી નથી, શહેરના લોકો પણ તેની સાથે છે. ઈસુ એ લોકોને રોકે છે અને એ વિધવા સ્ત્રી માટે એક અજાયબ કામ કરે છે. તે તેના દીકરાને જીવતો કરે છે! ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવ્યા હોય એવા ત્રણ બનાવો ખુશખબરનાં પુસ્તકોમાં નોંધવામાં આવ્યા છે, આ એમાંનો પહેલો બનાવ છે.

જેઓએ પોતાનાં સ્નેહીજનોને ગુમાવ્યાં છે, તેઓને કરુણા બતાવવા પહેલ કરીએ અને ઈસુને અનુસરીએ (ફકરા ૧૪-૧૬ જુઓ)

૧૪. લૂકના સાતમા અધ્યાયમાંથી કઈ અમુક ખાસ વિગતો જાણવા મળે છે? (ચિત્ર પણ જુઓ.)

૧૪ લૂકના સાતમા અધ્યાયમાં જોવા મળતી અમુક ખાસ વિગતો પર વિચાર કરીએ. શું તમે ધ્યાન આપ્યું કે એ રુદન કરતી માતા પર ‘ઈસુની નજર પડી’ અને એ જોયા પછી “તેમનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું”? (કલમ ૧૩) ઈસુએ કદાચ જોયું હશે કે એ સ્ત્રી પોતાના દીકરાના શબની બાજુમાં ચાલતી ચાલતી રડી રહી છે. એ જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું. એવું ન હતું કે ઈસુના દિલમાં ફક્ત કરુણાની લાગણી જ થઈ હતી, પણ તેમણે એ લાગણી પોતાના કાર્યોમાં પણ બતાવી આપી. તેમણે એ સ્ત્રી સાથે વાત કરી. જ્યારે ઈસુએ તેને કહ્યું: “રડીશ નહિ,” ત્યારે ચોક્કસ તેને ઘણો દિલાસો મળ્યો હશે. પછી તેમણે એ સ્ત્રીને મદદ કરવા પહેલ કરી. ઈસુએ તેના દીકરાને જીવતો કર્યો અને “તેની માને સોંપ્યો.”—કલમો ૧૪, ૧૫.

૧૫. ઈસુના ચમત્કારમાંથી શું શીખી શકીએ?

૧૫ ઈસુના ચમત્કારમાંથી શું શીખી શકીએ? જેઓએ પોતાનાં સગા-વહાલાઓ અને મિત્રોને મરણમાં ગુમાવ્યાં છે, તેઓને કરુણા બતાવવી જોઈએ. ખરું કે, આપણે ગુજરી ગયેલાઓને જીવતા કરી શકતા નથી. પણ ઈસુની જેમ કરુણા ચોક્કસ બતાવી શકીએ છીએ. કઈ રીતે? જેઓએ પોતાનાં સ્નેહીજનોને મરણમાં ગુમાવ્યાં છે, તેઓ પર વધારે ધ્યાન આપીએ. જોકે, કરુણા બતાવવા પહેલ કરવાની પણ જરૂર છે. એમ કઈ રીતે કરી શકીએ? આપણાં શબ્દોથી અને કાર્યોથી તેઓને મદદ કરવા અને દિલાસો આપવા બનતું બધું કરીએ. d (નીતિ. ૧૭:૧૭; ૨ કોરીં. ૧:૩, ૪; ૧ પિત. ૩:૮) પ્રેમથી કહેલા બે શબ્દો અથવા ભલાઈનું કોઈ નાનું અમથું કામ પણ તેઓને દિલાસો અને ઉત્તેજન આપી શકે છે.

૧૬. દૃશ્યથી બતાવ્યું છે તેમ, તમને એ મમ્મીના અનુભવમાંથી શું શીખવા મળ્યું, જેમણે હાલમાં જ પોતાની દીકરીને મરણમાં ગુમાવી હતી?

૧૬ ચાલો એક અનુભવ જોઈએ. થોડાં વર્ષો પહેલાંની આ વાત છે. મંડળની એક સભામાં બધા એક ગીત ગાતા હતા. એક બહેને જોયું કે તેમનાથી થોડે દૂર ઊભેલાં એક મમ્મી રડી રહ્યાં છે. હવે એ ગીત ગુજરી ગયેલાને જીવતા કરવા વિશે હતું અને એ મમ્મીએ હમણાં જ પોતાની લાડકવાયી દીકરીને મરણમાં ગુમાવી હતી. બહેન એ વાત જાણતાં હતાં. એટલે તે તરત તેમની પાસે ગયાં અને તેમણે પોતાનો હાથ એ મમ્મીના ખભે મૂક્યો અને તેમની બાજુમાં ઊભા રહીને બાકીનું ગીત ગાયું. એ મમ્મીએ થોડા સમય પછી કહ્યું: “ભાઈ-બહેનો માટેનો પ્રેમ મારા દિલમાં ઊભરાઈ આવ્યો.” તે ઘણાં ખુશ હતાં કે એ દિવસે તે સભામાં ગયાં. તેમણે આગળ જણાવ્યું: “પ્રાર્થનાઘર જ એવી જગ્યા છે, જ્યાં આપણને મદદ મળે છે.” આપણે ખાતરી રાખી શકીએ કે ‘કચડાયેલા મનનાં’ ભાઈ-બહેનોને કરુણા બતાવવા આપણે જે કંઈ નાનું-મોટું કામ કરીએ છીએ, એ યહોવાની નજર બહાર જતું નથી. તે એને કીમતી ગણે છે.—ગીત. ૩૪:૧૮.

અભ્યાસ—શ્રદ્ધા વધારવાની એક જોરદાર રીત!

૧૭. ઈસુના ચમત્કારો શું શીખવે છે?

૧૭ બાઇબલમાંથી આપણે ઈસુના ચમત્કારોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે, આપણી શ્રદ્ધા ઘણી વધે છે. એ ચમત્કારો શીખવે છે: (૧) યહોવા અને ઈસુ આપણને ખૂબ પ્રેમ કરે છે, (૨) ઈસુ પાસે બધા માણસોની તકલીફો દૂર કરવાની શક્તિ છે અને (૩) આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે ઈશ્વરના રાજ્યમાં મળનાર આશીર્વાદો બસ હાથવેંતમાં છે. જ્યારે આપણે એ અહેવાલો વાંચીએ, ત્યારે મનન કરીએ કે ઈસુના ગુણોને કઈ રીતે અનુસરી શકીએ. કુટુંબ તરીકેની ભક્તિમાં અથવા જાતે અભ્યાસ કરતા હોઈએ ત્યારે ઈસુના બીજા ચમત્કારો પર ધ્યાન આપી શકીએ. અભ્યાસ કરતી વખતે વિચારો કે તમને એમાંથી શું શીખવા મળ્યું. પછી શીખેલી વાતો બીજાઓને જણાવો. એમ કરશો તો ભાઈ-બહેનો સાથે એવી ઘણી વાતો કરી શકશો, જેનાથી એકબીજાની હિંમત વધશે.—રોમ. ૧:૧૧, ૧૨.

૧૮. આવતા લેખમાં આપણે શું જોઈશું?

૧૮ ઈસુએ પોતાના સેવાકાર્યના અંત ભાગમાં એક માણસને મરણમાંથી જીવતો કર્યો. ઈસુએ ગુજરી ગયેલાઓને જીવતા કર્યા, એવો આ ત્રીજો અને છેલ્લો ચમત્કાર હતો, જે બાઇબલમાં નોંધાયેલો છે. પણ આ ચમત્કાર થોડો અલગ હતો. કેમ કે તેમણે પોતાના વહાલા દોસ્તને જીવતો કર્યો હતો અને સંજોગો પણ એકદમ અલગ હતા. એ ચમત્કારમાંથી આપણે શું શીખી શકીએ? ગુજરી ગયેલા જીવતા થશે, એ આશા પર કઈ રીતે ભરોસો મજબૂત કરી શકીએ? આવતા લેખમાં એ સવાલોના જવાબ જોઈશું.

ગીત ૧૪૮ તમારો વહાલો દીકરો આપ્યો

a ઈસુના ચમત્કારો વિશે વાંચીએ છીએ ત્યારે, આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. દાખલા તરીકે, તેમણે મોટા તોફાનને શાંત કર્યું, બીમાર લોકોને સાજા કર્યા અને ગુજરી ગયેલાઓને જીવતા કર્યા. આ ચમત્કારો આપણને મજા આવે એટલે નહિ, પણ એમાંથી આપણે કંઈક શીખી શકીએ એટલે નોંધવામાં આવ્યા છે. આ લેખમાં આપણે ઈસુએ કરેલા અમુક ચમત્કારો વિશે જોઈશું. એમાંથી યહોવા અને ઈસુ વિશે અમુક વાતો શીખીશું, જેનાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે. આપણે અમુક ગુણો વિશે પણ શીખીશું, જે આપણે કેળવવા જોઈએ.

b એક બાઇબલ વિદ્વાન જણાવે છે, “પૂર્વના દેશોમાં લોકો માનતા કે મહેમાનગતિ કરવી એ તેઓની ફરજ છે. જો કોઈ મહેમાનોને પોતાના ઘરે બોલાવે, તો તે ખાતરી કરતો કે જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ હોય. ખાસ કરીને, લગ્‍ન જેવી મિજબાનીઓમાં સારો યજમાન એ જ કહેવાતો જે મહેમાનોની જરૂરિયાત કરતાં વધારે ખાવા-પીવાની વસ્તુઓ પૂરી પાડતો.”

c ખુશખબરનાં પુસ્તકોમાં ઈસુએ કરેલા ૩૦થી પણ વધારે ચમત્કારો વિશે જણાવ્યું છે. ઈસુએ બીજા પણ ઘણા ચમત્કારો કર્યા હતા. જોકે, બાઇબલમાં એ બધા ચમત્કારો વિશે એક એક કરીને જણાવ્યું નથી. એક વખતે, “આખું શહેર” ઈસુ પાસે આવ્યું અને તેમણે “જાતજાતના રોગોથી પીડાતા ઘણા લોકોને સાજા કર્યા.”—માર્ક ૧:૩૨-૩૪.

d જેઓએ પોતાનાં સ્નેહીજનને મરણમાં ગુમાવ્યાં છે, તેઓને દિલાસો આપવા તમે શું કહી શકો અથવા શું કરી શકો? એ વિશે અમુક સૂચનો વાંચવા ડિસેમ્બર ૧, ૨૦૧૦ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “શોકમાં ડૂબેલાને ઈસુની જેમ દિલાસો આપીએ.

e ચિત્રની સમજ: ઈસુ પાછળ ઊભા છે અને વર-કન્યા તેમજ મહેમાનો એકદમ સારા દ્રાક્ષદારૂની મજા માણી રહ્યાં છે.