સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૯

નવી દુનિયાના વચનમાં શ્રદ્ધા મજબૂત કરીએ

નવી દુનિયાના વચનમાં શ્રદ્ધા મજબૂત કરીએ

“જો [યહોવા] કંઈ કહે, તો શું એને પૂરું નહિ કરે?”—ગણ. ૨૩:૧૯.

ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ

ઝલક a

૧-૨. નવી દુનિયાની રાહ જોઈએ તેમ આપણે શું કરવું જોઈએ?

 યહોવાએ વચન આપ્યું છે કે તે આ દુષ્ટ દુનિયાનો અંત લાવશે અને નવી દુનિયા લાવશે, જ્યાં ચારે બાજુ સત્ય હશે. (૨ પિત. ૩:૧૩) એ વચન આપણા માટે બહુ જ કીમતી છે. જોકે, આપણે એ નથી જાણતા કે નવી દુનિયા ક્યારે આવશે. પણ આ દુનિયાના બનાવો સાબિત કરે છે કે આપણે વધારે રાહ જોવી નહિ પડે.—માથ. ૨૪:૩૨-૩૪, ૩૬; પ્રે.કા. ૧:૭.

આપણે એ વચન પર ભરોસો વધારતા રહેવાની જરૂર છે, પછી ભલેને આપણે વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ. શા માટે? કેમ કે મજબૂત શ્રદ્ધા પણ નબળી પડી શકે છે. પ્રેરિત પાઉલે કહ્યું હતું કે શ્રદ્ધાની ખામી ‘સહેલાઈથી ફસાવનાર પાપ’ છે. (હિબ્રૂ. ૧૨:૧) જો આપણે ચાહતા હોઈએ કે આપણી શ્રદ્ધા નબળી ન પડે, તો શું કરવું જોઈએ? આપણે એવા પુરાવાઓ પર નિયમિત ધ્યાન આપીએ જે સાબિત કરે છે કે નવી દુનિયા જલદી જ આવશે.—હિબ્રૂ. ૧૧:૧.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આ લેખમાં એવી ત્રણ રીતો પર ચર્ચા કરીશું, જેની મદદથી આપણે નવી દુનિયાના વચન પર ભરોસો મજબૂત કરી શકીશું: (૧) ઈસુના બલિદાન પર મનન કરીને, (૨) યહોવાની શક્તિ પર વિચાર કરીને અને (૩) યહોવાની નજીક લાવે એવાં કામોમાં લાગુ રહીને. પછી આપણે ચર્ચા કરીશું કે યહોવાએ હબાક્કૂકને જે સંદેશો આપ્યો હતો, એનાથી આજે આપણી શ્રદ્ધા કઈ રીતે મજબૂત થાય છે. પણ સૌથી પહેલા ચાલો એવા સંજોગો વિશે વાત કરીએ, જેમાં નવી દુનિયાના વચન પર ભરોસો અડગ કરવાની જરૂર પડી શકે. બની શકે કે હમણાં આપણા સંજોગો એવા જ હોય.

એવા સંજોગો જેમાં અડગ શ્રદ્ધાની જરૂર પડે છે

૪. કેવા નિર્ણયોમાં અડગ શ્રદ્ધાની જરૂર પડે છે?

દરરોજ આપણે એવા ઘણા નિર્ણય લઈએ છીએ, જેમાં આપણને અડગ શ્રદ્ધાની જરૂર પડે છે. જેમ કે દોસ્તી, મનોરંજન, ભણતર, લગ્‍ન, બાળકો અને નોકરી-ધંધા જેવી બાબતો. નિર્ણય લેતા પહેલાં આપણે આ સવાલો પર વિચાર કરીએ છીએ: ‘મારા નિર્ણયોથી શું દેખાઈ આવે છે? શું મને પાકો ભરોસો છે કે ઈશ્વર આ દુષ્ટ દુનિયાનો અંત લાવીને નવી દુનિયા લાવશે? અથવા શું હું દુનિયાના લોકો જેવું વિચારું છું કે જીવન પળ બે પળનું છે?’ (માથ. ૬:૧૯, ૨૦; લૂક ૧૨:૧૬-૨૧) નવી દુનિયા બસ હાથવેંતમાં છે, એ વાત પર આપણે શ્રદ્ધા મજબૂત કરીશું તો આપણે સારા નિર્ણયો લઈ શકીશું.

૫-૬. કસોટીઓમાં કેમ અડગ શ્રદ્ધાની જરૂર પડે છે? દાખલો આપો.

આપણે એવી કસોટીઓનો પણ સામનો કરીએ છીએ જેમાં અડગ શ્રદ્ધાની જરૂર પડે છે. આપણે કદાચ સતાવણી, મોટી બીમારી અથવા એવા સંજોગોનો સામનો કરવો પડે જે આપણને નિરાશ કરી દે. શરૂઆતમાં કદાચ લાગી શકે કે આપણે એ મુશ્કેલીનો સામનો કરી લઈશું. પણ ઘણી વાર એવી મુશ્કેલીઓ લાંબો સમય ચાલે છે. એટલે મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરવા અને ખુશી ખુશી યહોવાની ભક્તિ કરતા રહેવા અડગ શ્રદ્ધાની જરૂર પડશે.—રોમ. ૧૨:૧૨; ૧ પિત. ૧:૬, ૭.

કસોટીઓનો સામનો કરતી વખતે કદાચ થાય કે નવી દુનિયા ક્યારેય નહિ આવે. તો શું એનો અર્થ એ કે આપણી શ્રદ્ધા નબળી પડી ગઈ છે? ના, એવું જરૂરી નથી. આ દાખલાનો વિચાર કરો: શિયાળાની કડકડતી ઠંડીમાં આપણને લાગવા લાગે કે ઉનાળો ક્યારેય નહિ આવે. પણ ઉનાળો આવે જ છે. એવી જ રીતે, આપણે નિરાશાનાં વાદળોમાં ઘેરાઈ ગયા હોઈએ ત્યારે કદાચ લાગે કે નવી દુનિયા ક્યારેય નહિ આવે. પણ જો શ્રદ્ધા અડગ હશે, તો આપણને મજબૂત ભરોસો હશે કે ઈશ્વરનાં વચનો ચોક્કસ પૂરાં થશે. (ગીત. ૯૪:૩, ૧૪, ૧૫; હિબ્રૂ. ૬:૧૭-૧૯) એ ભરોસાને લીધે આપણે હંમેશાં યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખી શકીશું.

૭. આપણે કેવા વિચારોથી દૂર રહેવું જોઈએ?

પ્રચારકામ માટે પણ આપણને અડગ શ્રદ્ધાની જરૂર પડે છે. જેઓને “ખુશખબર” જણાવીએ છીએ, તેઓમાંથી ઘણાને એવું લાગે છે કે નવી દુનિયાની વાતો તો બસ ખોખલી છે, એ શક્ય નથી. (માથ. ૨૪:૧૪; હઝકિ. ૩૩:૩૨) પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે તેઓના લીધે આપણે ક્યારેય ઈશ્વરનાં વચનો પર શંકા ન કરવા લાગીએ. એ માટે આપણે શ્રદ્ધા મજબૂત કરતા રહેવાની જરૂર છે. ચાલો એમ કરવાની ત્રણ રીતો જોઈએ.

ઈસુના બલિદાન પર મનન કરીએ

૮-૯. ઈસુના બલિદાન પર મનન કરવાથી કઈ રીતે શ્રદ્ધા મજબૂત થાય છે?

શ્રદ્ધા મજબૂત કરવાની એક રીત છે, ઈસુના બલિદાન પર મનન કરીએ. ઈસુનું બલિદાન પાકી ખાતરી આપે છે કે ઈશ્વરનાં વચનો જરૂર સાચાં પડશે. વિચાર કરીએ કે યહોવાએ કેમ ઈસુને આપણા માટે મરવા દીધા અને એ માટે તેમણે કેટલું બધું જતું કર્યું. એનો વિચાર કરવાથી ઈશ્વરના વચન પર આપણી શ્રદ્ધા મજબૂત થશે. ઈશ્વરે વચન આપ્યું છે કે તે નવી દુનિયામાં આપણને હંમેશ માટેનું જીવન આપશે. એમ માનવાના આપણે પાસે કયા કારણો છે?

ઈસુનું બલિદાન આપીને યહોવાએ કેટલું બધું જતું કર્યું! આનો વિચાર કરો: ઈસુ યહોવાના એકના એક દીકરા છે. તે તેમને ખૂબ વહાલા છે. ઈસુએ યુગોના યુગો સુધી યહોવા સાથે કામ કર્યું છે. હવે યહોવાએ પોતાના એ કાળજાના ટુકડાને આ પૃથ્વી પર માણસ તરીકે મોકલ્યા. ઈસુના તન-મનમાં આપણા જેવી કોઈ ખામી ન હતી. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે દરેક પ્રકારની મુશ્કેલીઓ સહી. પછી તેમને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવ્યા. ખરેખર, યહોવાએ કેટલી મોટી કિંમત ચૂકવી! તેમણે તો પોતાના વહાલા દીકરાની કુરબાની આપી. શું એ કુરબાની આપણને ઘડી બે ઘડીનું જીવન મળે એ માટે હતી? ના, એવું કદી બની ન શકે. (યોહા. ૩:૧૬; ૧ પિત. ૧:૧૮, ૧૯) યહોવાએ આટલી મોટી કિંમત ચૂકવી છે, એટલે તે ચોક્કસ ધ્યાન રાખશે કે આપણને નવી દુનિયામાં હંમેશ માટેનું જીવન મળે.

યહોવાની શક્તિ પર વિચાર કરીએ

૧૦. એફેસીઓ ૩:૨૦ પ્રમાણે યહોવા શું કરી શકે છે?

૧૦ શ્રદ્ધા વધારવાની બીજી રીત છે, યહોવાની શક્તિ પર વિચાર કરીએ. યહોવા પાસે પોતાનાં બધાં વચનો પૂરાં કરવાની શક્તિ છે. માણસોની નજરે લાગી શકે કે મરણ વગરનું જીવન અશક્ય છે. પણ યહોવા ઘણી વાર એવાં વચનો આપે છે, જે માણસો ક્યારેય પૂરાં નથી કરી શકતા. તે એવું કરી શકે છે, કેમ કે તે સર્વશક્તિમાન ઈશ્વર છે. (અયૂ. ૪૨:૨; માર્ક ૧૦:૨૭) તો પછી, યહોવા અદ્‍ભુત વચનો આપે ત્યારે શું આપણને નવાઈ લાગવી જોઈએ?—એફેસીઓ ૩:૨૦ વાંચો.

૧૧. ઈશ્વરના એવા એક અદ્‍ભુત વચન વિશે જણાવો જે પૂરું થવું અશક્ય લાગે. (“ અમુક અદ્‍ભુત વચનો જે પૂરાં થયાં” બૉક્સ જુઓ.)

૧૧ યહોવાએ પહેલાંના ઈશ્વરભક્તોને અમુક વચનો આપ્યાં હતાં, જે પૂરાં થવાં આપણને કદાચ અશક્ય લાગે. ચાલો એવાં જ અમુક વચનો જોઈએ. જેમ કે, તેમણે ઇબ્રાહિમ અને સારાહને કહ્યું હતું કે તેઓને ઘડપણમાં એક દીકરો થશે. (ઉત. ૧૭:૧૫-૧૭) તેમણે ઇબ્રાહિમને એ પણ જણાવ્યું હતું કે તેમના વંશજોને કનાન દેશ આપવામાં આવશે. પણ ઘણાં વર્ષો સુધી ઇબ્રાહિમના વંશજો, એટલે કે ઇઝરાયેલીઓ ઇજિપ્તમાં ગુલામ હતા. એવામાં લાગી શકે કે એ વચન કદી પૂરું નહિ થાય. પણ એ વચન પૂરું થયું. એના ઘણા સમય પછી યહોવાએ વૃદ્ધ એલિસાબેતને વચન આપ્યું કે તે એક બાળકને જન્મ આપશે. યહોવાએ એક કુંવારી સ્ત્રી મરિયમને કહ્યું હતું કે તે ઈશ્વરના દીકરાને જન્મ આપશે, જેના વિશે હજારો વર્ષો પહેલાં યહોવાએ એદન બાગમાં વચન આપ્યું હતું. યહોવાએ એ વચન પણ પૂરું કર્યું!—ઉત. ૩:૧૫.

૧૨. યહોશુઆ ૨૩:૧૪ અને યશાયા ૫૫:૧૦,૧૧માંથી આપણને યહોવાની શક્તિ વિશે કઈ ખાતરી મળે છે?

૧૨ યહોવાએ આપેલાં વચનો પર અને તેમણે એ કઈ રીતે પૂરાં કર્યાં છે, એના પર વિચાર કરીએ. એમ કરીશું તો અહેસાસ થશે કે તેમની શક્તિનો કોઈ પાર નથી. આમ, નવી દુનિયાના વચન પર આપણી શ્રદ્ધા મજબૂત થશે. (યહોશુઆ ૨૩:૧૪; યશાયા ૫૫:૧૦, ૧૧ વાંચો.) એ શ્રદ્ધાથી આપણે બીજા લોકોને વધારે સારી રીતે સમજાવી શકીશું કે બાગ જેવી સુંદર દુનિયા કોઈ સપનું કે વાર્તા નથી. યહોવાએ પોતે નવા આકાશ અને નવી પૃથ્વી વિશે જણાવ્યું હતું: “એ શબ્દો ભરોસાપાત્ર અને સાચા છે.”—પ્રકટી. ૨૧:૧, ૫.

યહોવાની નજીક લઈ જાય એવાં કામો કરતા રહીએ

સભાઓ

ભક્તિના આ કામથી કઈ રીતે શ્રદ્ધા મજબૂત થાય છે? (ફકરો ૧૩ જુઓ)

૧૩. સભાઓમાં જવાથી કઈ રીતે શ્રદ્ધા મજબૂત થાય છે? સમજાવો.

૧૩ શ્રદ્ધા વધારવાની ત્રીજી રીત છે, યહોવાની નજીક લઈ જાય એવાં કામો કરતા રહીએ. દાખલા તરીકે, મંડળની સભાઓથી આપણને કેટલો ફાયદો થાય છે, એનો વિચાર કરીએ. એનાબહેનના દાખલા પર ધ્યાન આપો. b તેમણે ઘણાં વર્ષો અલગ અલગ રીતોએ પૂરા સમયની સેવા કરી છે. તે કહે છે: “સભાઓ મારી શ્રદ્ધાને લંગરની જેમ સ્થિર રાખે છે. ભલે કોઈ ભાઈ સારા શિક્ષક ન હોય અથવા તે કંઈ નવું ન શીખવતા હોય, પણ મને ઘણી વાર એવી વાત સાંભળવા મળે છે, જેનાથી હું બાઇબલની વાતો સારી રીતે સમજી શકું છું. એટલું જ નહિ, મારી શ્રદ્ધા પણ મજબૂત થાય છે.” સભામાં ભાઈ-બહેનોના જવાબ સાંભળીને પણ આપણી શ્રદ્ધા મજબૂત થાય છે.—રોમ. ૧:૧૧, ૧૨; ૧૦:૧૭.

પ્રચારકામ

ભક્તિના આ કામથી કઈ રીતે શ્રદ્ધા મજબૂત થાય છે? (ફકરો ૧૪ જુઓ)

૧૪. પ્રચારકામ કરવાથી કઈ રીતે શ્રદ્ધા મજબૂત થાય છે?

૧૪ પ્રચારકામ કરવાથી પણ આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. (હિબ્રૂ. ૧૦:૨૩) બાર્બરાબહેન ૭૦ કરતાં વધારે વર્ષોથી યહોવાની ભક્તિ કરી રહ્યાં છે. તે કહે છે: “મેં હંમેશાં જોયું છે કે પ્રચાર કરવાથી મારી શ્રદ્ધા મજબૂત થાય છે. યહોવાનાં અદ્‍ભુત વચનો વિશે હું બીજાઓને જેટલું વધારે જણાવું છું, એટલી શ્રદ્ધા વધારે મજબૂત થાય છે.”

વ્યક્તિગત અભ્યાસ

ભક્તિના આ કામથી કઈ રીતે શ્રદ્ધા મજબૂત થાય છે? (ફકરો ૧૫ જુઓ)

૧૫. જાતે અભ્યાસ કરવાથી કઈ રીતે શ્રદ્ધા મજબૂત થાય છે? (ચિત્રો પણ જુઓ.)

૧૫ હજી એક એવું કામ છે, જેનાથી આપણી શ્રદ્ધા વધશે અને યહોવાની નજીક જઈ શકીશું. એ છે, વ્યક્તિગત અભ્યાસ કરવો, જેમાં બાઇબલ અને એને લગતાં સાહિત્યનો જાતે અભ્યાસ કરવાનો સમાવેશ થાય છે. સુઝનબહેનને અભ્યાસનું શેડ્યુલ બનાવવાથી ઘણી મદદ મળે છે. તે કહે છે: “રવિવારે હું પછીના અઠવાડિયે ચાલનાર ચોકીબુરજ અભ્યાસની તૈયારી કરું છું. સોમવાર અને મંગળવારે હું અઠવાડિયા દરમિયાન થતી સભાની તૈયારી કરું છું. બાકીના દિવસોએ અલગ અલગ વિષયો પર અભ્યાસ કરું છું.” સુઝનબહેન શેડ્યુલને વળગી રહીને પોતાની શ્રદ્ધા મજબૂત કરતા રહે છે. આઈરીનબહેને દાયકાઓ સુધી જગત મુખ્યમથકમાં સેવા આપી છે. બાઇબલ ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવાથી તેમની શ્રદ્ધા મજબૂત થાય છે. તે કહે છે: “યહોવાએ કરેલી ભવિષ્યવાણીઓની નાનામાં નાની વિગતો જે રીતે પૂરી થાય છે, એ જોઈને મારી નવાઈનો કોઈ પાર રહેતો નથી.” c

“એ ચોક્કસ સાચું પડશે”

૧૬. આપણે કેમ કહી શકીએ કે યહોવાએ હબાક્કૂકને જે ખાતરી આપી એનાથી આજે આપણને પણ ફાયદો થાય છે? (હિબ્રૂઓ ૧૦:૩૬, ૩૭)

૧૬ યહોવાના અમુક ભક્તો ઘણા લાંબા સમયથી આ દુષ્ટ દુનિયાના અંતની રાહ જોઈ રહ્યા છે. માણસોની નજરે જોઈએ તો કદાચ લાગી શકે કે યહોવા પોતાનું વચન પૂરું કરવામાં મોડું કરી રહ્યા છે. પણ તે પોતાના ભક્તોની લાગણી ખૂબ સારી રીતે સમજે છે. અરે, તેમણે પ્રબોધક હબાક્કૂકને ખાતરી આપતા કહ્યું હતું: “આ દર્શન નક્કી કરેલા સમય માટે છે, એ પૂરું થવા ખૂબ આતુર છે, એ ખોટું પડશે નહિ. જો એવું લાગે કે એ મોડું કરી રહ્યું છે, તોપણ એની આતુરતાથી રાહ જો! એ ચોક્કસ સાચું પડશે, એ મોડું પડશે નહિ!” (હબા. ૨:૩) શું ઈશ્વરે એ ખાતરી ફક્ત હબાક્કૂકના જ ફાયદા માટે આપી હતી? શું એ શબ્દોથી આજે આપણને કોઈ ફાયદો થાય છે? યહોવાએ પ્રેરિત પાઉલને પ્રેરણા આપી કે તે એ શબ્દો બધા ઈશ્વરભક્તો માટે લખે, જેઓ ખૂબ જ આતુરતાથી નવી દુનિયાની રાહ જોઈ રહ્યા છે. (હિબ્રૂઓ ૧૦:૩૬, ૩૭ વાંચો.) યહોવાએ વચન આપ્યું છે કે તે આપણને જરૂર બચાવશે. આપણને કદાચ લાગે કે એ વચન પૂરું થવામાં મોડું થઈ રહ્યું છે. પણ ખાતરી રાખી શકીએ કે “એ ચોક્કસ સાચું પડશે, એ મોડું પડશે નહિ!”

૧૭. યહોવાએ હબાક્કૂકને આપેલી સલાહ એક બહેને કઈ રીતે લાગુ પાડી?

૧૭ “આતુરતાથી રાહ જો!” એ સલાહ યહોવાના ઘણા ભક્તોએ લાગુ પાડી છે. અરે, અમુક તો વર્ષોથી એવું કરી રહ્યા છે. દાખલા તરીકે, લૂઈસબહેને ૧૯૩૯માં યહોવાની સેવા કરવાનું શરૂ કર્યું. તે કહે છે: “એ સમયે મને લાગતું હતું કે હું સ્કૂલનું ભણતર પૂરું કરીશ એ પહેલાં તો આર્માગેદન આવી જશે. પણ એવું ન થયું. એ પછીનાં વર્ષોમાં મને ઈશ્વરભક્તોના અહેવાલો વાંચવાથી ઘણી મદદ મળી. એ એવા ઈશ્વરભક્તો હતા, જેઓએ યહોવાનાં વચનો પૂરાં થવાની રાહ જોઈ હતી. હું નૂહ, ઇબ્રાહિમ, યૂસફ અને બીજા ઈશ્વરભક્તો વિશે વાંચતી, જેઓએ યહોવા પાસેથી આશીર્વાદ મેળવવા વર્ષો રાહ જોઈ હતી. ઈશ્વરનાં વચનો ચોક્કસ પૂરાં થશે એવો ભરોસો રાખવાથી મને અને બીજાઓને પૂરી ખાતરી થઈ કે નવી દુનિયા ખૂબ જ નજીક છે.” જેઓ લાંબા સમયથી યહોવાની ભક્તિ કરે છે, તેઓને પણ એવું જ લાગે છે.

૧૮. સૃષ્ટિ પર વિચાર કરવાથી કઈ રીતે આવનાર નવી દુનિયા પર આપણી શ્રદ્ધા મક્કમ થાય છે?

૧૮ સાચી વાત છે કે નવી દુનિયા હજી આવી નથી. પણ જરા એ બધાનો વિચાર કરો જેને આપણે જોઈ શકીએ છીએ. જેમ કે તારાઓ, વૃક્ષો, પ્રાણીઓ અને માણસો. એક સમયે એ બધું ન હતું, પણ આજે છે. એ વાત પર આપણને જરાય શંકા થતી નથી. એ બધું આજે છે, કેમ કે યહોવાએ બનાવ્યું છે. (ઉત. ૧:૧, ૨૬, ૨૭) આપણા ઈશ્વરે એ પણ વચન આપ્યું છે કે તે આ દુનિયાને નવી બનાવશે. તે પોતાનું વચન જરૂર પાળશે. નવી દુનિયામાં કોઈ બીમાર પડશે નહિ, લોકો હંમેશ માટે જીવશે. આપણે ખાતરી રાખી શકીએ કે ઈશ્વર પોતાના નક્કી કરેલા સમયે નવી દુનિયા જરૂર લાવશે. પછી નવી દુનિયા આપણને આસપાસની સૃષ્ટિ જેટલી જ અસલ લાગશે, એના પર આપણને કોઈ શંકા નહિ થાય.—યશા. ૬૫:૧૭; પ્રકટી. ૨૧:૩, ૪.

૧૯. તમે કઈ રીતે તમારી શ્રદ્ધા મક્કમ કરી શકો?

૧૯ નવી દુનિયા આવે ત્યાં સુધી શ્રદ્ધા મક્કમ કરવાની પૂરી કોશિશ કરો. ઈસુના બલિદાન માટે હંમેશાં કદર બતાવતા રહો. યહોવાની શક્તિ પર વિચાર કરો. યહોવાની નજીક લાવે એવાં કામોમાં લાગુ રહો. એ બધું કરવાથી તમારી ગણતરી એવા લોકોમાં થશે, ‘જેઓ શ્રદ્ધા અને ધીરજ રાખવાને લીધે વચનોના વારસ છે.’—હિબ્રૂ. ૬:૧૧, ૧૨; રોમ. ૫:૫.

ગીત ૫૫ જીવન દીપ નહિ બૂઝે

a આજે ઘણા લોકો ઈશ્વરે આપેલા નવી દુનિયાના વચનમાં માનતા નથી. તેઓને લાગે છે કે એ એક સપનું છે, એવું કદી ન બને. જોકે, આપણને ખાતરી છે કે યહોવાનાં બધાં જ વચનો ચોક્કસ પૂરાં થશે. પણ આપણે શ્રદ્ધા વધારતા રહેવાની જરૂર છે. એવું કઈ રીતે કરી શકીએ? આ લેખમાં એ વિશે જોઈશું.

b અમુક નામ બદલ્યાં છે.

c બાઇબલ ભવિષ્યવાણીને લગતા ઘણા લેખો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાં છે. એ માટે “બાઇબલ” વિષયમાં “ભવિષ્યવાણી” મથાળું જુઓ. દાખલા તરીકે, મે ૧, ૨૦૧૨ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “સમયના પાબંદ યહોવામાં પૂરો ભરોસો રાખીએ.