અભ્યાસ લેખ ૧૭
યહોવા તમને અણધાર્યા સંજોગોનો સામનો કરવા મદદ કરશે
“સાચા માર્ગે ચાલનારે ઘણાં દુઃખો સહેવાં પડે છે, પણ યહોવા તેને બધાં દુઃખોમાંથી છોડાવે છે.”—ગીત. ૩૪:૧૯.
ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ
ઝલક a
૧. આપણને કઈ વાતનો ભરોસો છે?
યહોવાના ભક્તો તરીકે આપણે સારી રીતે જાણીએ છીએ કે તે આપણને પ્રેમ કરે છે અને ચાહે છે કે આપણું જીવન ખુશીઓથી ભરેલું હોય. (રોમ. ૮:૩૫-૩૯) આપણને એ વાતનો પણ ભરોસો છે કે બાઇબલના સિદ્ધાંતો પાળવાથી હંમેશાં આપણું ભલું થાય છે. (યશા. ૪૮:૧૭, ૧૮) પણ જો અણધારી આફત આવી પડે તો શું કરી શકીએ?
૨. (ક) આપણે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે? (ખ) એવા સમયે આપણા મનમાં કેવા વિચારો આવી શકે?
૨ યહોવાના બધા જ ભક્તોએ કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કદાચ કુટુંબનું સભ્ય કોઈક રીતે આપણને દુઃખ પહોંચાડે. કદાચ કોઈ મોટી બીમારી થાય, જેના લીધે આપણે યહોવાની સેવામાં વધારે ન કરી શકીએ. કદાચ આપણે કુદરતી આફતનો ભોગ બનીએ. એવું પણ બની શકે કે આપણી માન્યતાને લીધે સતાવણી થાય. એવામાં આપણે વિચારવા લાગીએ: ‘આ બધું મારી સાથે જ કેમ થાય છે? શું મેં કંઈ ખોટું કર્યું છે? શું એનો એવો અર્થ થાય કે યહોવા મારાથી નારાજ છે?’ શું તમારા મનમાં પણ કદી આવા વિચારો આવ્યા છે? જો એમ હોય તો નિરાશ ન થશો. ઘણા વફાદાર ઈશ્વરભક્તોને એવું જ લાગ્યું હતું.—ગીત. ૨૨:૧, ૨; હબા. ૧:૨, ૩.
૩. ગીતશાસ્ત્ર ૩૪:૧૯માંથી આપણને શું શીખવા મળે છે?
૩ ગીતશાસ્ત્ર ૩૪:૧૯ વાંચો. આ ગીતમાં આપણને બે મહત્ત્વની વાત જાણવા મળે છે: (૧) સાચા માર્ગે ચાલનારે મુશ્કેલીઓ સહેવી પડે છે. (૨) યહોવા આપણને મુશ્કેલીઓમાંથી છોડાવે છે. તે એવું કઈ રીતે કરે છે? એક રીત છે કે તે મુશ્કેલીઓ આવે ત્યારે આપણને યોગ્ય વિચારો રાખવા મદદ કરે છે. શું યહોવાએ એવું વચન આપ્યું છે કે તે આપણા પર ક્યારેય મુશ્કેલીઓ આવવા નહિ દે? ના, તેમણે તો એવું વચન આપ્યું છે કે તેમની ભક્તિ કરવાથી આપણને ખુશી મળશે. (યશા. ૬૬:૧૪) યહોવા ચાહે છે કે આપણે ભાવિનો વિચાર કરીએ, જ્યારે આપણે દુઃખ-દર્દ વગર હંમેશ માટે જીવીશું. (૨ કોરીં. ૪:૧૬-૧૮) પણ એ સમય આવે ત્યાં સુધી યહોવા આપણને દરરોજ ભક્તિમાં લાગુ રહેવા મદદ કરે છે.—ય.વિ. ૩:૨૨-૨૪.
૪. આ લેખમાં આપણે શું શીખીશું?
૪ હવે ચાલો જોઈએ કે બાઇબલ સમયના અને આજના સમયના વફાદાર ઈશ્વરભક્તો પાસેથી શું શીખી શકીએ. આ લેખમાં જોઈશું તેમ અમુક વાર અણધાર્યા સંજોગો આવી શકે છે. પણ યહોવા પર આધાર રાખીશું તો, તે આપણને નિભાવી રાખશે. (ગીત. ૫૫:૨૨) એ દાખલાઓ પર વિચાર કરીએ ત્યારે પોતાને પૂછો: ‘જો મારી સામે આવા સંજોગો આવે તો હું શું કરીશ? આ દાખલાઓ કઈ રીતે યહોવામાં મારો ભરોસો મજબૂત કરે છે? શીખેલી વાતોને હું કઈ રીતે જીવનમાં લાગુ પાડી શકું?’
બાઇબલ સમયના ઈશ્વરભક્તો
૫. લાબાનને લીધે યાકૂબે કઈ મુશ્કેલીઓ સહેવી પડી? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)
૫ યહોવાના ઘણા વફાદાર ભક્તોએ અણધારી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. યાકૂબનો વિચાર કરો. તેમના પિતાએ આજ્ઞા આપી હતી કે તે લાબાનની દીકરીઓમાંથી કોઈની સાથે લગ્ન કરે. લાબાન તેઓના સગામાં હતો અને યહોવાનો ભક્ત હતો. પિતાએ યાકૂબને એ ખાતરી પણ આપી કે યહોવા તેમને ભરપૂર આશીર્વાદો આપશે. (ઉત. ૨૮:૧-૪) એટલે યાકૂબે પોતાના પિતાની વાત માની. કનાન છોડીને તેમણે લાબાનના ઘરે જવા મુસાફરી કરી. લાબાનને બે દીકરીઓ હતી, લેઆહ અને રાહેલ. યાકૂબ લાબાનની નાની દીકરી રાહેલના પ્રેમમાં પડ્યા. રાહેલ સાથે લગ્ન કરવા યાકૂબ લાબાનની સાત વર્ષ ચાકરી કરવા તૈયાર થઈ ગયા. (ઉત. ૨૯:૧૮) પણ યાકૂબે વિચાર્યું હતું એવું ન થયું. લાબાને યાકૂબને છેતર્યા અને પોતાની મોટી દીકરી લેઆહના લગ્ન યાકૂબ સાથે કરાવ્યા. તેણે યાકૂબને કહ્યું કે તે એક અઠવાડિયા પછી તેમના લગ્ન રાહેલ સાથે કરાવી આપશે. પણ એ માટે તેમણે બીજાં સાત વર્ષ તેની ચાકરી કરવી પડશે. (ઉત. ૨૯:૨૫-૨૭) યાકૂબ સાથે કામ કરતી વખતે પણ લાબાને કપટ કર્યું. આમ, લાબાને કુલ ૨૦ વર્ષ યાકૂબ સાથે અન્યાય કર્યો.—ઉત. ૩૧:૪૧, ૪૨.
૬. યાકૂબે બીજી કઈ મુશ્કેલીઓ સહી?
૬ યાકૂબે બીજી ઘણી મુશ્કેલીઓ સહી. તેમનું કુટુંબ ઘણું મોટું હતું, પણ દીકરાઓનું એકબીજા સાથે ખાસ કંઈ બનતું ન હતું. તેઓએ તો પોતાના ભાઈ યૂસફને ગુલામીમાં વેચી દીધો. યાકૂબના બે દીકરાઓ શિમયોન અને લેવીનાં કરતૂતોને લીધે કુટુંબ શરમમાં મુકાયું અને યહોવાનું નામ બદનામ થયું. યાકૂબની વહાલી પત્ની રાહેલ પોતાના બીજા બાળકને જન્મ આપતી વખતે ગુજરી ગઈ. એટલું જ નહિ, એક આકરા દુકાળને લીધે યાકૂબે મોટી ઉંમરે ઇજિપ્ત રહેવા જવું પડ્યું.—ઉત. ૩૪:૩૦; ૩૫:૧૬-૧૯; ૩૭:૨૮; ૪૫:૯-૧૧, ૨૮.
૭. યહોવાએ કઈ રીતે બતાવ્યું કે તેમની કૃપા યાકૂબ પર છે?
૭ એ બધી મુશ્કેલીઓમાં પણ યાકૂબની યહોવા પર અને તેમના વચનો પર શ્રદ્ધા ડગમગી નહિ. બદલામાં યહોવાએ બતાવી આપ્યું કે તેમની કૃપા યાકૂબ પર છે. દાખલા તરીકે, ભલે લાબાને યાકૂબને છેતર્યા, પણ યહોવાએ યાકૂબને ઘણી સંપત્તિ આપી. જરા વિચારો, યાકૂબે જ્યારે વર્ષો પછી પોતાના વહાલા દીકરા યૂસફને જીવતો જોયો હશે, ત્યારે તેમણે યહોવાનો કેટલો આભાર માન્યો હશે! કેમ કે યાકૂબે તો માની લીધું હતું કે તેમનો દીકરો ગુજરી ગયો છે. યહોવા સાથે પાકી દોસ્તી હોવાને લીધે યાકૂબ દરેક મુશ્કેલીનો સામનો હિંમતથી કરી શક્યા. (ઉત. ૩૦:૪૩; ૩૨:૯, ૧૦; ૪૬:૨૮-૩૦) જો યહોવા સાથેની આપણી દોસ્તી પાકી હશે, તો યાકૂબની જેમ આપણે પણ અણધારી મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરી શકીશું.
૮. દાઉદ રાજા શું કરવા માંગતા હતા?
૮ દાઉદ રાજા યહોવાની સેવામાં એ બધું ન કરી શક્યા, જે તે કરવા માંગતા હતા. જેમ કે, દાઉદના દિલની ઇચ્છા હતી કે યહોવા માટે મંદિર બાંધે. તેમણે નાથાન પ્રબોધકને પોતાની ઇચ્છા જણાવી. નાથાને તેમને કહ્યું: “તમારા દિલની જે તમન્ના હોય એ કરો, કેમ કે સાચા ઈશ્વર તમારી સાથે છે.” (૧ કાળ. ૧૭:૧, ૨) જરા વિચારો, એ શબ્દો સાંભળીને દાઉદનો ઉત્સાહ કેટલો વધી ગયો હશે. બની શકે કે તેમણે તરત જ આ ભવ્ય બાંધકામ માટે યોજના બનાવવાનું શરૂ કરી દીધું હશે.
૯. ઉદાસ કરી દે એવા સમાચાર સાંભળ્યા પછી દાઉદે શું કર્યું?
૯ જોકે, થોડા જ સમયમાં નાથાન પ્રબોધક ફરી દાઉદ પાસે આવ્યા. તેમની પાસે યહોવાનો સંદેશો હતો, જેનાથી દાઉદ ઉદાસ થઈ શકતા હતા. “એ જ રાતે” યહોવાએ નાથાન પ્રબોધકને કહ્યું હતું કે દાઉદ મંદિર નહિ બાંધે, પણ તેમનો દીકરો મંદિર બાંધશે. (૧ કાળ. ૧૭:૩, ૪, ૧૧, ૧૨) એ સાંભળીને દાઉદે શું કર્યું? દાઉદે પોતાનો ધ્યેય બદલ્યો. તેમણે પોતાનું ધ્યાન મંદિરના બાંધકામ માટે પૈસા અને જરૂરી ચીજવસ્તુઓ ભેગી કરવામાં લગાડ્યું. સમય જતાં, એ બધું તેમના દીકરા સુલેમાનને કામ લાગવાનું હતું.—૧ કાળ. ૨૯:૧-૫.
૧૦. યહોવાએ દાઉદને કયો આશીર્વાદ આપ્યો?
૧૦ દાઉદ યહોવાનું મંદિર નહિ બાંધે એ જણાવ્યા પછી, તરત યહોવાએ તેમની સાથે કરાર કર્યો. યહોવાએ વચન આપ્યું કે તેમનો એક વંશજ હંમેશ માટે રાજ કરશે. (૨ શમુ. ૭:૧૬) જરા વિચારો, નવી દુનિયામાં હજાર વર્ષના રાજ દરમિયાન દાઉદને એ જાણીને કેટલી ખુશી થશે કે રાજા ઈસુ તેમના વંશમાંથી આવ્યા હતા! આ અહેવાલથી શું શીખી શકીએ? જો આપણે યહોવા માટે જે કરવા માંગીએ છીએ, એ ન કરી શકીએ, તો નિરાશ ન થવું જોઈએ. બની શકે કે આપણે ધાર્યું ન હોય એ રીતે યહોવા આપણને આશીર્વાદ આપે.
૧૧. ખ્રિસ્તીઓએ ધાર્યું હતું એ સમયે ઈશ્વરનું રાજ્ય ન આવ્યું, તોપણ યહોવાએ તેઓને કયા આશીર્વાદો આપ્યા? (પ્રેરિતોનાં કાર્યો ૬:૭)
૧૧ પહેલી સદીના ખ્રિસ્તીઓએ પણ અણધાર્યા સંજોગોનો સામનો કર્યો હતો. દાખલા તરીકે, તેઓ ખૂબ આતુરતાથી ઈશ્વરના રાજ્યની રાહ જોઈ રહ્યા હતા. પણ તેઓને ખબર ન હતી કે એ ક્યારે આવશે. (પ્રે.કા. ૧:૬, ૭) એટલે તેઓએ શું કર્યું? તેઓ પ્રચારકામમાં મંડ્યા રહ્યા. જેમ જેમ ખુશખબર દૂર દૂરના વિસ્તારો સુધી ફેલાતી ગઈ, તેમ તેમ તેઓ સાફ જોઈ શક્યા કે યહોવા તેઓની મહેનત પર આશીર્વાદ આપી રહ્યા છે.—પ્રેરિતોનાં કાર્યો ૬:૭ વાંચો.
૧૨. દુકાળના સમયે પહેલી સદીના ખ્રિસ્તીઓએ શું કર્યું?
૧૨ એક વખત, “આખી પૃથ્વી પર” ભયંકર દુકાળ પડ્યો. (પ્રે.કા. ૧૧:૨૮) પહેલી સદીના ખ્રિસ્તીઓએ પણ એનો સામનો કરવો પડ્યો. કલ્પના કરો કે, ખોરાકની અછતને લીધે તેઓનું જીવન કેટલું અઘરું થઈ ગયું હશે! કુટુંબના શિરને ચોક્કસ ચિંતા થઈ હશે કે તે કઈ રીતે પોતાના કુટુંબનું ભરણપોષણ કરશે. એ યુવાનો વિશે શું જેઓ પ્રચારકામમાં વધારે કરવા માંગતા હતા? તેઓ કદાચ વિચારવા લાગ્યા હશે કે દુકાળ પતવાની રાહ જોવી જોઈએ કે નહિ. એ અઘરા સંજોગોમાં પણ ખ્રિસ્તીઓએ પોતાનાથી બનતું બધું કર્યું. તેઓએ પોતાનાથી થાય એટલો પ્રચાર કર્યો. એટલું જ નહિ, તેઓની પાસે જે કંઈ હતું, એનાથી યહૂદિયામાં રહેતાં ભાઈ-બહેનોને ખુશી ખુશી મદદ કરી.—પ્રે.કા. ૧૧:૨૯, ૩૦.
૧૩. દુકાળના સમયે પહેલી સદીનાં ભાઈ-બહેનોને કયા આશીર્વાદો મળ્યા?
૧૩ જેઓને રાહત-સામગ્રી મળી હતી, તેઓ સાફ જોઈ શક્યા કે યહોવા તેઓની સંભાળ રાખી રહ્યા છે. (માથ. ૬:૩૧-૩૩) તેઓને મદદ કરનાર ભાઈ-બહેનો સાથે તેઓની દોસ્તી વધારે ગાઢ થઈ હશે. જે ભાઈ-બહેનોએ દાન આપ્યું અથવા કોઈ રીતે રાહતકામમાં મદદ કરી, તેઓએ પોતે અનુભવ્યું કે ઉદાર હાથે આપવાથી ખુશી મળે છે. (પ્રે.કા. ૨૦:૩૫) યહોવાએ એ બધાને આશીર્વાદ આપ્યો, કેમ કે તેઓએ સંજોગો પ્રમાણે પોતાને ઢાળ્યા હતા.
૧૪. પાઉલ અને બાર્નાબાસ સાથે શું બન્યું? એનું શું પરિણામ આવ્યું? (પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૧, ૨૨)
૧૪ પહેલી સદીના ખ્રિસ્તીઓની ઘણી વાર સતાવણી થઈ. અમુક વાર તો તેઓએ ધાર્યું ન હતું, એ સમયે તેઓની સતાવણી થઈ. ધ્યાન આપો કે પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રામાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે શું બન્યું. શરૂઆતમાં એ શહેરના લોકોએ પાઉલ અને બાર્નાબાસનું સ્વાગત કર્યું અને તેઓની વાત સાંભળી. પણ પછી અમુક વિરોધીઓએ “લોકોને પોતાની તરફ કરી લીધા.” જેઓએ ઉત્સાહથી પાઉલનું સ્વાગત કર્યું હતું, એમાંના જ અમુક લોકોએ પાઉલને પથ્થરે માર્યા અને મરવા છોડી દીધા. (પ્રે.કા. ૧૪:૧૯) પણ પાઉલ અને બાર્નાબાસે શું કર્યું? તેઓ બીજી જગ્યાએ જઈને પ્રચાર કરવા લાગ્યા. એનું શું પરિણામ આવ્યું? તેઓએ ‘ઘણા શિષ્યો બનાવ્યા’ અને તેઓનાં શબ્દો અને દાખલાથી ઘણાં ભાઈ-બહેનોની હિંમત વધી. (પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૧, ૨૨ વાંચો.) સતાવણીથી હારી જવાને બદલે પાઉલ અને બાર્નાબાસ પ્રચાર કરતા રહ્યા, એનાથી ઘણા લોકોને ફાયદો થયો. એવી જ રીતે, જો હિંમત હાર્યા વગર યહોવાએ સોંપેલું કામ કરતા રહીશું, તો યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે.
આજના સમયના ઈશ્વરભક્તો
૧૫. ભાઈ એ. એચ. મેકમીલનના દાખલાથી તમને શું શીખવા મળ્યું?
૧૫ સાલ ૧૯૧૪ પહેલાં યહોવાના લોકોએ ધારી લીધું હતું કે કંઈક તો બનશે. ચાલો ભાઈ એ. એચ. મેકમીલનના દાખલા પર ધ્યાન આપીએ. બીજાં ઘણાં ભાઈ-બહેનોની જેમ ભાઈ મેકમીલને પણ વિચારી લીધું હતું કે બહુ જલદી તે સ્વર્ગમાં જશે. સપ્ટેમ્બર ૧૯૧૪માં તેમણે એક પ્રવચનમાં કહ્યું હતું: “આ કદાચ મારું છેલ્લું પ્રવચન છે.” પણ એ તેમનું છેલ્લું પ્રવચન ન હતું. સમય જતાં તેમણે લખ્યું: “અમારામાંથી અમુકે બહુ ઉતાવળે વિચારી લીધું હતું કે અમે તરત જ સ્વર્ગમાં જતા રહીશું.” પણ તેમણે આગળ જણાવ્યું: “હકીકતમાં તો અમારે માલિકની સેવામાં વ્યસ્ત રહેવાનું હતું.” ભાઈ મેકમીલને એવું જ કર્યું. તે જોરશોરથી પ્રચારકામમાં લાગુ રહ્યા. તેમણે એવા ઘણા ભાઈઓને ઉત્તેજન આપ્યું, જેઓ સેનામાં ન જોડાવાને લીધે જેલમાં હતા. તે વૃદ્ધ હતા ત્યારે પણ નિયમિત રીતે સભાઓમાં જતા હતા. ભાઈ મેકમીલન સ્વર્ગના ઇનામની રાહ જોતા હતા ત્યારે પણ સમયનો સૌથી સારો ઉપયોગ કરતા રહ્યા. એનાથી તેમને શું ફાયદો થયો? ૧૯૬૬માં તેમના મરણના થોડા સમય પહેલાં તેમણે લખ્યું: “મારી શ્રદ્ધા પહેલાં જેટલી જ મજબૂત છે.” ભાઈ મેકમીલને કેટલું સરસ વલણ બતાવ્યું. બની શકે કે અમુક વાર ધાર્યું ન હોય એટલો લાંબો સમય મુશ્કેલીઓ ચાલે. પણ એ સમયે ચાલો ભાઈ મેકમીલનના દાખલાને અનુસરીએ.—હિબ્રૂ. ૧૩:૭.
૧૬. ભાઈ જેનિંગ્ઝ અને તેમની પત્નીએ કયા અણધાર્યા સંજોગોનો સામનો કર્યો? (યાકૂબ ૪:૧૪)
૧૬ યહોવાના ઘણા ભક્તો તબિયતને લગતી અણધારી મુશ્કેલીઓનો સામનો કરે છે. ચાલો ભાઈ હર્બર્ટ જેનિંગ્ઝના b દાખલા પર ધ્યાન આપીએ. પોતાની જીવન સફરમાં તેમણે જણાવ્યું કે તે અને તેમની પત્ની ઘાનામાં મિશનરી તરીકે સેવા આપી રહ્યાં હતાં અને એ સોંપણીમાં તેઓ બહુ ખુશ હતાં. પણ સમય જતાં ભાઈને એક પ્રકારની બીમારી થઈ, જેમાં વ્યક્તિનો મૂડ વારંવાર બદલાઈ જાય છે. ભાઈ હર્બર્ટ જેનિંગ્ઝે યાકૂબ ૪:૧૪ના શબ્દો ટાંક્યા અને પોતાની હાલત વિશે કહ્યું: ‘આ એવી “કાલ” છે, જેના વિશે અમે કદી વિચાર્યું ન હતું.’ (વાંચો.) તેમણે લખ્યું: ‘હકીકત સ્વીકારીને અમે ઘાના અને ત્યાંના ઘણા પાકા મિત્રોને છોડીને સારવાર માટે કેનેડા પાછાં ફર્યાં.’ ભાઈ જેનિંગ્ઝ અને તેમની પત્નીએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. પણ યહોવાએ તેઓને વફાદારીથી ભક્તિ કરતા રહેવા મદદ કરી.
૧૭. ભાઈ જેનિંગ્ઝના દાખલાથી ભાઈ-બહેનોને કેવી મદદ મળી?
૧૭ ભાઈ જેનિંગ્ઝે પોતાની જીવન સફરમાં જે કહ્યું એનાથી બીજાઓને ઘણી મદદ મળી. એક બહેને લખ્યું: “એ લેખની મારા પર બહુ ઊંડી અસર થઈ. બીમારીને લીધે ભાઈ જેનિંગ્ઝે પોતાની સોંપણી છોડવી પડી, એ વાંચ્યું ત્યારે મને મારા સંજોગો વિશે યોગ્ય રીતે વિચારવા મદદ મળી.” એક ભાઈએ પણ લખ્યું: “મંડળમાં દસ વર્ષ વડીલ તરીકે સેવા આપ્યા પછી એક માનસિક બીમારીને લીધે મારે એ લહાવો છોડવો પડ્યો. મને લાગતું કે હું કંઈ કામનો નથી. એ લાગણી એટલી વધી ગઈ હતી કે જ્યારે હું બીજાં ભાઈ-બહેનોની જીવન સફર વાંચતો, ત્યારે નિરાશ થઈ જતો. પણ ભાઈ જેનિંગ્ઝે જે રીતે હિંમત બતાવી એનાથી મને ઘણું ઉત્તેજન મળ્યું.” એ બતાવે છે કે અણધારી મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરતા હોઈએ, ત્યારે પણ આપણે બીજાઓને ઉત્તેજન આપી શકીએ છીએ. આપણે વિચાર્યું હોય એવું ન થાય ત્યારે પણ આપણે શ્રદ્ધા અને ધીરજ બતાવવામાં એક સારો દાખલો બેસાડી શકીએ છીએ.—૧ પિત. ૫:૯.
૧૮. દૃશ્યથી બતાવ્યું છે તેમ નાઇજીરિયામાં રહેતાં બહેન પાસેથી તમને શું શીખવા મળે છે?
૧૮ કોવિડ મહામારી જેવી આફતોને લીધે યહોવાના ભક્તોએ ઘણું સહન કર્યું છે. ચાલો નાઇજીરિયામાં રહેતાં એક વિધવા બહેનનો દાખલો જોઈએ. તેમની પાસે બહુ થોડું જ ખાવાનું અને પૈસા બચ્યાં હતાં. છેલ્લે તેમની પાસે એક જ કપ ચોખા રહ્યા હતા. એ સવારે તેમની દીકરીએ તેમને પૂછ્યું કે એના પછી તેઓ શું ખાશે. તેમણે પોતાની દીકરીને કહ્યું કે ભલે તેઓ પાસે પૈસા અથવા ખોરાક નથી, પણ તેઓ સારફતની વિધવાને અનુસરી શકે. એ વિધવાની જેમ તેઓ પોતાની પાસે જે છે એ ખાઈ લેશે અને પછી બધું યહોવાના હાથમાં છોડી દેશે. (૧ રાજા. ૧૭:૮-૧૬) હજી તો તેઓ વિચારે કે બપોરે શું જમશે, ત્યાં તો રાહતકામનાં ભાઈ-બહેનો પાસેથી તેઓને ખાવા-પીવાની વસ્તુઓથી ભરેલી એક થેલી મળી. એ થેલીમાં બે અઠવાડિયાં કરતાં વધારે સમય ચાલે એટલો ખોરાક હતો. બહેને જણાવ્યું કે તેમને જરાય ખ્યાલ ન હતો કે જ્યારે તે પોતાની દીકરી સાથે વાત કરતા હતાં, ત્યારે યહોવા એ ધ્યાનથી સાંભળતા હતા. સાચે જ, યહોવા પર ભરોસો રાખીએ છીએ ત્યારે, અણધારી મુશ્કેલીઓ આપણને તેમની વધારે નજીક લઈ જાય છે.—૧ પિત. ૫:૬, ૭.
૧૯. ભાઈ એલેક્સી યેરશોવની કેવી સતાવણી થઈ?
૧૯ હાલનાં વર્ષોમાં આપણાં ઘણાં ભાઈ-બહેનોએ સતાવણીનો સામનો કર્યો છે, જેના વિશે તેઓએ સપનામાં પણ વિચાર્યું નહિ હોય. ચાલો ભાઈ એલેક્સી યેરશોવનો દાખલો જોઈએ, જે રશિયામાં રહે છે. સાલ ૧૯૯૪માં તેમણે બાપ્તિસ્મા લીધું ત્યારે ત્યાંનાં ભાઈ-બહેનો અમુક હદે છૂટથી યહોવાની ભક્તિ કરી શકતાં હતાં. પણ સમય જતાં રશિયામાં સંજોગો બદલાયા. ૨૦૨૦માં અમુક લોકો ભાઈના ઘરમાં અચાનક ઘૂસી આવ્યા અને તેમના ઘરની તપાસ કરવા લાગ્યા. તેઓએ ભાઈની અમુક વસ્તુઓ જપ્ત કરી લીધી. કેટલાક મહિનાઓ પછી સરકારે તેમના પર ગુનેગાર હોવાનો આરોપ મૂક્યો. હકીકતમાં તો એક માણસ એકાદ વર્ષથી ભાઈ સાથે બાઇબલ અભ્યાસ કરવાનો ઢોંગ કરતો હતો. અધૂરામાં પૂરું તેણે જે વીડિયો ઉતાર્યા હતા, એના આધારે ભાઈ પર આરોપ મૂકવામાં આવ્યો હતો. કેટલો મોટો દગો કહેવાય!
૨૦. યેરશોવભાઈએ યહોવા સાથે સંબંધ મજબૂત કરવા શું કર્યું?
૨૦ યેરશોવભાઈને સતાવણી સહેવાથી શું કોઈ ફાયદો થયો? હા! યહોવા સાથેનો તેમનો સંબંધ વધારે મજબૂત થયો. ભાઈ કહે છે: “હવે હું અને મારી પત્ની સાથે મળીને વારંવાર યહોવાને પ્રાર્થના કરીએ છીએ. હું જાણું છું કે યહોવાની મદદ વગર હું આ સંજોગોનો સામનો કરી શક્યો ન હોત.” તે આગળ જણાવે છે: “બાઇબલનો જાતે અભ્યાસ કરવાથી પણ મને નિરાશાનો સામનો કરવા મદદ મળે છે. હું જૂના જમાનાના ઈશ્વરભક્તોના દાખલા પર મનન કરું છું. બાઇબલમાં એવા ઘણા અહેવાલો છે, જે બતાવે છે કે મુશ્કેલીઓમાં શાંત રહેવું અને યહોવા પર ભરોસો રાખવો કેટલું જરૂરી છે.”
૨૧. આ લેખમાં આપણે શું શીખ્યા?
૨૧ આ લેખમાં આપણે શું શીખ્યા? આ દુષ્ટ દુનિયામાં ક્યારે શું બનશે એ આપણે કહી નથી શકતા. તોપણ યહોવા પર આધાર રાખીએ છીએ ત્યારે, તે હંમેશા આપણી મદદ કરે છે. આ લેખની મુખ્ય કલમમાં જણાવ્યું છે તેમ “સાચા માર્ગે ચાલનારે ઘણાં દુઃખો સહેવાં પડે છે, પણ યહોવા તેને બધાં દુઃખોમાંથી છોડાવે છે.” (ગીત. ૩૪:૧૯) તો ચાલો, પોતાની મુશ્કેલીઓ પર ધ્યાન આપવાને બદલે યહોવાની શક્તિ પર, તે આપણને કઈ રીતે છોડાવે છે, એના પર ધ્યાન આપીએ. પછી આપણે પણ પ્રેરિત પાઉલની જેમ કહી શકીશું: “ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.”—ફિલિ. ૪:૧૩.
ગીત ૬૦ યહોવા આપશે તને સાથ
a આ દુષ્ટ દુનિયામાં આપણા પર ગમે ત્યારે મુશ્કેલીઓ આવી શકે છે. પણ આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા પોતાના વફાદાર ભક્તોની સંભાળ રાખશે. જૂના જમાનામાં યહોવાએ કઈ રીતે પોતાના ભક્તોને મદદ કરી હતી? આજે તે કઈ રીતે આપણને મદદ કરે છે? આ લેખમાં આપણે બાઇબલ સમયના અને આજના સમયના અમુક ઈશ્વરભક્તોના દાખલા પર ધ્યાન આપીશું. એનાથી આપણો ભરોસો વધશે કે જો યહોવા પર પૂરો આધાર રાખીશું, તો તે આપણને નિભાવી રાખશે.