સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૮

સભાઓમાં એકબીજાને ઉત્તેજન આપીએ

સભાઓમાં એકબીજાને ઉત્તેજન આપીએ

“ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ. . . . એકબીજાને ઉત્તેજન આપતા રહીએ.”—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫.

ગીત ૧૧ યહોવાને વળગી રહું

ઝલક a

૧. આપણે કેમ સભાઓમાં જવાબ આપીએ છીએ?

 આપણે કેમ સભાઓમાં જઈએ છીએ? મુખ્ય કારણ છે, યહોવાનો જયજયકાર કરવા. (ગીત. ૨૬:૧૨; ૧૧૧:૧) સભાઓમાં જવાનું બીજું એક કારણ છે કે આપણે આ મુશ્કેલ સમયમાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા માંગીએ છીએ. (૧ થેસ્સા. ૫:૧૧) જ્યારે આપણે હાથ ઊંચો કરીએ છીએ અને જવાબ આપીએ છીએ, ત્યારે એ બંને કામ કરીએ છીએ.

૨. સભાઓમાં આપણે ક્યારે જવાબ આપી શકીએ છીએ?

દર અઠવાડિયે આપણને સભાઓમાં જવાબ આપવાનો મોકો મળે છે. દાખલા તરીકે, અઠવાડિયાના અંતે થતી સભાઓમાં આપણે ચોકીબુરજ અભ્યાસમાં જવાબ આપી શકીએ છીએ. અઠવાડિયા દરમિયાન થતી સભાઓમાં આપણે આ ભાગોમાં જવાબ આપી શકીએ છીએ: કીમતી રત્નો, મંડળમાં બાઇબલ અભ્યાસ અને એવા ભાગ જેમાં સવાલો પૂછવામાં આવે છે.

૩. જવાબ આપવામાં આપણને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે? હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫ આપણને કઈ રીતે મદદ કરે છે?

આપણે બધા જ યહોવાનો જયજયકાર કરવા અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા માંગીએ છીએ. પણ આપણે અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. કદાચ જવાબ આપવામાં આપણને ડર લાગતો હોય અથવા વધારે વાર જવાબ આપવા માંગતા હોઈએ, પણ દર વખતે જવાબ આપવાનો મોકો ન મળે. આપણે શું કરી શકીએ? એનો જવાબ પ્રેરિત પાઉલે હિબ્રૂઓને લખેલા પત્રમાંથી મળે છે. ભેગા મળતા રહેવાનું મહત્ત્વ સમજાવતા તેમણે કહ્યું હતું કે આપણું ધ્યાન ‘એકબીજાને ઉત્તેજન આપવા’ પર હોવું જોઈએ. (હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫ વાંચો.) ભલે આપણો જવાબ નાનો હોય પણ જો એમાં શ્રદ્ધા છલકાતી હોય, તો એવા સાદા જવાબથી પણ ભાઈ-બહેનોને ઉત્તેજન મળી શકે છે. જો એ વાત યાદ રાખીશું તો જવાબ આપતા અચકાઈશું નહિ. તેમ જ, જો આપણને વધારે વાર પૂછવામાં ન આવે, તોપણ આપણે ખુશ થઈશું કે બીજાઓને જવાબ આપવાનો મોકો મળે છે.—૧ પિત. ૩:૮.

૪. આ લેખમાં આપણે કયા ત્રણ મુદ્દા જોઈશું?

આ લેખમાં આપણે સૌથી પહેલાં જોઈશું કે નાના મંડળમાં કઈ રીતે એકબીજાને ઉત્તેજન આપી શકીએ, જ્યાં જવાબ આપવા માટે ઓછા લોકો હોય છે. પછી આપણે જોઈશું કે મોટા મંડળમાં આપણે કઈ રીતે એકબીજાને ઉત્તેજન આપી શકીએ, જ્યાં ઘણાં ભાઈ-બહેનો જવાબ આપવા હાથ ઊંચો કરે છે. છેલ્લે આપણે જોઈશું કે બીજાઓને ઉત્તેજન આપવા આપણે કેવા જવાબ આપી શકીએ.

નાના મંડળમાં એકબીજાને ઉત્તેજન આપીએ

૫. જો સભામાં ઓછાં ભાઈ-બહેનો હોય, તો કઈ રીતે એકબીજાને ઉત્તેજન આપી શકીએ?

નાના મંડળ અથવા સમૂહમાં જવાબ આપવા વધારે ભાઈ-બહેનો નથી હોતાં. એટલે અમુક વાર કદાચ ભાગ લેનાર ભાઈએ સવાલ પૂછ્યા પછી થોડી રાહ જોવી પડે, જેથી કોઈ જવાબ આપે. એવા સમયે સભામાં કદાચ કંટાળો આવે અને એનાથી કોઈને ઉત્તેજન ન પણ મળે. એવામાં તમે શું કરી શકો? જવાબ આપવા ઘણી વાર હાથ ઊંચો કરી શકો. જો તમે એમ કરશો, તો બીજાઓને પણ વધારે જવાબ આપવાનું મન થશે.

૬-૭. જો આપણને જવાબ આપતા ડર લાગતો હોય તો શું કરી શકીએ?

બની શકે કે જવાબ આપવાના વિચારથી જ તમારો પરસેવો છૂટવા લાગે. ઘણાને એવું લાગે છે. પણ ભાઈ-બહેનોને ઉત્તેજન મળે માટે પોતાનો ડર દૂર કરવા શું કરી શકો? ચાલો જોઈએ.

તમે ચોકીબુરજના જૂના લેખોમાં આપેલાં અમુક સૂચનો પર ધ્યાન આપી શકો. b દાખલા તરીકે, સારી તૈયારી કરો. (નીતિ. ૨૧:૫) તમે માહિતીને સારી રીતે સમજશો તો તમારા માટે જવાબ આપવો સહેલું થઈ જશે. બીજું કે, નાના જવાબો આપો. (નીતિ. ૧૫:૨૩; ૧૭:૨૭) તમારો જવાબ જેટલો નાનો હશે, તમને એટલી ઓછી ચિંતા થશે. એક કે બે વાક્યનો જવાબ કદાચ ભાઈ-બહેનો વધારે સારી રીતે સમજી શકશે. પણ જો તમારો જવાબ લાંબો હશે અને એમાં ઘણા બધા વિચારો હશે, તો ભાઈ-બહેનો માટે એ સમજવું કદાચ અઘરું બની શકે. પોતાના શબ્દોમાં નાનો જવાબ આપવાથી દેખાઈ આવશે કે તમે સારી તૈયારી કરી છે અને માહિતીને સારી રીતે સમજ્યા છો.

૮. જવાબ આપવા જે મહેનત કરીએ છીએ, એ વિશે યહોવાને કેવું લાગે છે?

બની શકે કે તમે આગળ આપેલાં સૂચનો પાળ્યાં હોય, તોપણ તમને એક કે બે કરતાં વધારે જવાબ આપતા ડર લાગતો હોય. એવામાં તમે શું કરી શકો? ખાતરી રાખો કે જવાબ આપવા તમે જે મહેનત કરો છો, એની યહોવા ખૂબ જ કદર કરે છે. (લૂક ૨૧:૧-૪) પણ મહેનત કરવાનો એ અર્થ નથી કે આપણે એવું કંઈક કરવાની કોશિશ કરીએ જે આપણાથી ન થાય. (ફિલિ. ૪:૫) વિચારો કે તમે શું કરી શકો, પછી એ પ્રમાણે પગલાં ભરો અને મન શાંત રાખવા પ્રાર્થના કરો. શરૂઆતમાં તમે એક નાનો જવાબ આપવાનો ધ્યેય રાખી શકો.

મોટા મંડળમાં એકબીજાને ઉત્તેજન આપીએ

૯. મોટા મંડળમાં કઈ મુશ્કેલી આવી શકે?

જો તમારા મંડળમાં ઘણા બધા પ્રકાશકો હોય, તો કદાચ તમારે બીજી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે. કદાચ ઘણાં ભાઈ-બહેનો જવાબ માટે હાથ ઊંચો કરે અને એના લીધે તમને ઘણી વાર જવાબ પૂછવામાં ન આવે. ચાલો ડાયનાબહેનનો દાખલો જોઈએ. c તેમને સભામાં જવાબ આપવો બહુ ગમે છે. તે એને ભક્તિનો એક ભાગ ગણે છે. જવાબ આપીને તે બીજાઓને ઉત્તેજન આપી શકે છે અને બાઇબલની વાતો પર પોતાની શ્રદ્ધા મજબૂત કરી શકે છે. પણ જ્યારે તે મોટા મંડળમાં ગયાં, ત્યારે તેમને ભાગ્યે જ જવાબ આપવાનો મોકો મળતો. અમુક વાર તો એકેય જવાબ આપવાનો મોકો ન મળતો. તે કહે છે: “હું અકળાઈ જતી. મને લાગતું કે એક ખાસ લહાવો મારા હાથમાંથી જતો રહ્યો. જ્યારે આવું વારેઘડીએ થવા લાગે ત્યારે કદાચ તમે વિચારવા લાગો, ‘આ ભાઈ આવું જાણીજોઈને તો નથી કરી રહ્યા ને?’”

૧૦. જવાબ આપવાની વધારે તક મળે એ માટે શું કરી શકીએ?

૧૦ શું તમને પણ કદી ડાયનાબહેન જેવું લાગ્યું છે? જો એમ હોય તો કદાચ તમારા મનમાં આવા વિચારો આવે, ‘હાથ ઊંચો કરવાનો શું ફાયદો? એના કરતાં તો ચૂપચાપ બેસીને સાંભળું.’ પણ તમે જવાબ આપવાનું છોડશો નહિ. તમે શું કરી શકો? તમે દરેક સભામાં એક કરતાં વધારે જવાબની તૈયારી કરી શકો. એનાથી શું ફાયદો થશે? જો તમને સભાની શરૂઆતમાં જવાબ પૂછવામાં ન આવે, તો સભા દરમિયાન તમને જવાબ આપવાની બીજી અનેક તક મળી રહેશે. ચોકીબુરજ અભ્યાસની તૈયારી કરતી વખતે વિચાર કરો કે દરેક ફકરો કઈ રીતે લેખના મુખ્ય વિષય સાથે જોડાયેલો છે. એમ કરશો તો આખા અભ્યાસમાં તમને સારા જવાબો આપવાનો મોકો મળશે. વધુમાં તમે કદાચ એવા ફકરાઓમાં જવાબની તૈયારી કરી શકો, જેમાં શાસ્ત્રની ઊંડી વાતો જણાવી હોય છે અને જે સમજાવવી અઘરી હોય છે. (૧ કોરીં. ૨:૧૦) કેમ? કેમ કે એવા સમયે કદાચ ઓછાં ભાઈ-બહેનો જવાબ માટે હાથ ઊંચો કરે. એ બધાં સૂચનો પાળ્યાં પછી પણ ઘણી સભામાં જવાબ આપવાનો મોકો નથી મળતો, તો તમે શું કરી શકો? તમે સભા પહેલાં ભાગ લેનાર ભાઈને જણાવી શકો કે તમે કયા સવાલનો જવાબ આપવા માંગો છો.

૧૧. ફિલિપીઓ ૨:૪માંથી આપણને કયું ઉત્તેજન મળે છે?

૧૧ ફિલિપીઓ ૨:૪ વાંચો. ઈશ્વરની પ્રેરણાથી પ્રેરિત પાઉલે ખ્રિસ્તીઓને ઉત્તેજન આપ્યું કે તેઓ બીજાઓની ભલાઈનો વિચાર કરે. એ સલાહ આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ? એ યાદ રાખીને કે આપણી જેમ બીજાઓ પણ સભામાં જવાબ આપવા માંગે છે.

દોસ્ત સાથે વાત કરતી વખતે, તમે તેને બોલવાનો મોકો આપો છો. એવી જ રીતે, સભાઓમાં પણ બીજાઓને જવાબ આપવાનો મોકો આપો (ફકરો ૧૨ જુઓ)

૧૨. સભાઓમાં બીજાઓને ઉત્તેજન આપવાની એક સારી રીત કઈ છે? (ચિત્ર પણ જુઓ.)

૧૨ આ રીતે વિચારો: ધારો કે તમે તમારા દોસ્તો સાથે વાત કરી રહ્યા છો. શું તમે જ બોલ બોલ કરશો અને સામેવાળાને બોલવાનો મોકો જ નહિ આપો? ના, તમે એવું નહિ કરો. તમે ચાહો છો કે તેઓ પણ તમારી સાથે વાતચીતમાં જોડાય. એવી જ રીતે, આપણે ચાહીએ છીએ કે સભાઓમાં બને એટલાં ભાઈ-બહેનો જવાબ આપે. હકીકતમાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવાની એક સારી રીત છે કે તેઓને પોતાની શ્રદ્ધા વિશે જણાવવાનો મોકો આપીએ. (૧ કોરીં. ૧૦:૨૪) ચાલો જોઈએ કે એવું કઈ રીતે કરી શકીએ.

૧૩. આપણે શું કરી શકીએ જેથી વધારે ભાઈ-બહેનો જવાબ આપી શકે?

૧૩ સૌથી પહેલા ટૂંકો જવાબ આપીએ. આમ, વધારે ભાઈ-બહેનોને જવાબ આપવાનો મોકો મળશે. એ માટે વડીલો અને અનુભવી ભાઈ-બહેનો સારો દાખલો બેસાડી શકે. જો તમારો જવાબ ટૂંકો હોય, તોપણ ઘણા બધા મુદ્દા કહેવાનું ટાળો. જો તમે આખા ફકરાની માહિતી જણાવી દેશો તો બીજાઓ માટે કંઈ કહેવાનું રહેશે જ નહિ. દાખલા તરીકે, આ ફકરામાં બે સૂચનો આપ્યાં છે: (૧) જવાબો ટૂંકા રાખીએ અને (૨) ઘણા મુદ્દા કહેવાનું ટાળીએ. જો આ ફકરામાં તમને સૌથી પહેલા જવાબ પૂછવામાં આવે, તો શું તમે ફક્ત એક જ મુદ્દો જણાવી શકો?

આપણે કયા સમયે જવાબ આપવા હાથ ઊંચો ન કરીએ? (ફકરો ૧૪ જુઓ) f

૧૪. કેટલી વાર હાથ ઊંચો કરવો એ કઈ રીતે નક્કી કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૪ સમજી-વિચારીને નક્કી કરો કે તમે જવાબ આપવા કેટલી વાર હાથ ઊંચો કરશો. જો આપણે વારંવાર હાથ ઊંચો કરીશું તો શું થશે? ભલે ઘણાં ભાઈ-બહેનોને હજી જવાબ આપવાનો મોકો ન મળ્યો હોય, તોપણ ભાગ લેનાર ભાઈને થશે કે આ ભાઈ કે બહેનને તો પૂછવું જ પડશે. એનાથી બીજાઓને કદાચ હાથ ઊંચો કરવાનું મન નહિ થાય.—સભા. ૩:૭.

૧૫. (ક) જો આપણને જવાબ આપવાનો મોકો ન મળે તો શું કરીશું? (ખ) ભાગ લેનાર ભાઈ કઈ રીતે બધાં ભાઈ-બહેનોનો વિચાર કરી શકે? (“ તમે સભાનો કોઈ ભાગ લઈ રહ્યા હો ત્યારે” બોક્સ જુઓ.)

૧૫ કોઈ ભાગમાં ઘણાં ભાઈ-બહેનો હાથ ઊંચો કરે તો, કદાચ આપણે વિચાર્યું હોય એટલી વાર જવાબ આપવાનો મોકો ન મળે. અમુક વાર એવું બને કે આપણને એક પણ વાર પૂછવામાં ન આવે. એવું થાય ત્યારે આપણને દુઃખ થાય છે, પણ આપણે ખોટું ન લગાડીએ.—સભા. ૭:૯.

૧૬. જેઓ જવાબ આપે છે તેઓને કઈ રીતે ઉત્તેજન આપી શકીએ?

૧૬ તમે વિચાર્યું હોય એટલી વાર જવાબ આપવાનો મોકો ન મળે તો તમે બીજું શું કરી શકો? બીજાં ભાઈ-બહેનોના જવાબ ધ્યાનથી સાંભળો અને સભા પછી જવાબ માટે તેઓના વખાણ કરો. વખાણના એ શબ્દોથી ભાઈ-બહેનોને એટલું જ ઉત્તેજન મળશે, જેટલું તમારા જવાબથી મળ્યું હોત. (નીતિ. ૧૦:૨૧) બીજાઓના વખાણ કરવા, એ ઉત્તેજન આપવાની એક રીત છે.

ઉત્તેજન આપવાની બીજી રીતો

૧૭. (ક) મમ્મી-પપ્પા કઈ રીતે બાળકોને યોગ્ય જવાબની તૈયારી કરાવી શકે? (ખ) વીડિયોમાં જણાવ્યું તેમ જવાબ તૈયાર કરવા કયાં ચાર પગલાં ભરી શકીએ? (ફૂટનોટ જુઓ.)

૧૭ સભામાં એકબીજાને ઉત્તેજન આપવા બીજું શું કરી શકીએ? મમ્મી-પપ્પા, તમારાં નાનાં બાળકોને મદદ કરો અને તેઓની ઉંમર પ્રમાણે જવાબ તૈયાર કરાવો. (માથ. ૨૧:૧૬) અમુક વખતે કોઈ ભાગમાં ગંભીર વિષય પર ચર્ચા થાય છે. જેમ કે, લગ્‍નજીવનમાં આવતી તકલીફો અથવા ચારિત્ર શુદ્ધ રાખવા જેવા વિષયો. એ વખતે કદાચ એક કે બે એવા ફકરા હશે, જેમાં બાળકો જવાબ આપી શકે. તમારા બાળકને એ પણ સમજાવો કે તે હાથ ઊંચો કરશે ત્યારે, કેમ દર વખતે તેને જવાબ પૂછવામાં નહિ આવે. જો તમે તેને એ વાત સમજાવશો, તો જ્યારે તેના બદલે બીજાઓને પૂછવામાં આવશે ત્યારે તેને ખોટું નહિ લાગે.—૧ તિમો. ૬:૧૮. d

૧૮. જવાબ આપતી વખતે આપણે કઈ રીતે પોતાની તરફ ધ્યાન દોરવાનું ટાળી શકીએ? (નીતિવચનો ૨૭:૨)

૧૮ આપણે બધા જ એવા જવાબો તૈયાર કરી શકીએ છીએ, જેનાથી યહોવાને મહિમા મળે અને ભાઈ-બહેનોને ઉત્તેજન મળે. (નીતિ. ૨૫:૧૧) અમુક વાર આપણે પોતાનો અનુભવ ટૂંકમાં જણાવી શકીએ, પણ પોતાના વિશે વધારે વાત કરવાનું ટાળીએ. (નીતિવચનો ૨૭:૨ વાંચો; ૨ કોરીં. ૧૦:૧૮) એના બદલે આપણું પૂરું ધ્યાન યહોવા પર, તેમના શબ્દ બાઇબલ પર અને તેમના લોકો પર આપીએ. (પ્રકટી. ૪:૧૧) ખરું કે, અમુક ફકરાના સવાલમાં જણાવ્યું હોય છે કે પોતાનો અનુભવ અને લાગણી જણાવીએ. એ વખતે એમ કરવું સારું રહેશે. એવો એક દાખલો હવે પછીના ફકરામાં જોવા મળશે.

૧૯. (ક) સભામાં બધાનો વિચાર કરીશું તો એનું કેવું પરિણામ આવશે? (રોમનો ૧:૧૧, ૧૨) (ખ) સભામાં જવાબ આપવા વિશે તમને કઈ વાત ગમે છે?

૧૯ જવાબ કઈ રીતે આપવો એ માટે કડક નિયમો નથી. પણ આપણે એવા જવાબો આપવાની પૂરી કોશિશ કરી શકીએ, જેનાથી બધાને ઉત્તેજન મળે. એ માટે શું કરી શકીએ? અમુક વાર આપણે વધારે જવાબ આપી શકીએ. તો અમુક વાર આપણને જવાબ આપવાની જેટલી તક મળે એમાં સંતોષ માનીએ અને બીજાઓને જવાબ આપવાનો મોકો મળે ત્યારે ખુશ થઈએ. મંડળની સભાઓમાં બીજાઓની ભલાઈનો વિચાર કરીએ છીએ ત્યારે, આપણે બધા “અરસપરસ ઉત્તેજન મેળવી શકીએ” છીએ.—રોમનો ૧:૧૧, ૧૨ વાંચો.

ગીત ૨૦ સભાને આશિષ દો

a સભાઓમાં જવાબ આપીને આપણે એકબીજાને ઉત્તેજન આપીએ છીએ. પણ અમુકને જવાબ આપવાના વિચારથી જ પરસેવો છૂટી જાય છે. બીજાઓને જવાબ આપવાનું ગમે છે, પણ થાય કે વધારે વાર જવાબ આપવાનો મોકો મળે તો કેવું સારું! એ બંને સંજોગોમાં આપણે કઈ રીતે ભાઈ-બહેનોનો વિચાર કરી શકીએ, જેથી બધાને ઉત્તેજન મળે? આપણે કેવા જવાબો આપી શકીએ, જેથી ભાઈ-બહેનોને પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન મળે? આ લેખમાં એ વિશે જોઈશું.

c નામ બદલ્યું છે.

f ચિત્રની સમજ: એક મોટા મંડળમાં એક ભાઈએ પહેલેથી જવાબ આપી દીધો છે અને હવે તે બીજાં ભાઈ-બહેનોને જવાબ આપવાનો મોકો આપે છે.