શું તમે જાણો છો?
દાઉદ રાજાએ પોતાના સૈન્યમાં કેમ પરદેશીઓને રાખ્યા હતા?
દાઉદ રાજાના સૈન્યમાં ઘણા પરદેશીઓ હતા, જેમ કેઆમ્મોની સેલેક, ઊરિયા હિત્તી અને મોઆબી યિથ્માહ. a (૧ કાળ. ૧૧:૩૯, ૪૧, ૪૬) દાઉદના સૈન્યમાં ‘કરેથીઓ, પલેથીઓ અને ગિત્તીઓ પણ હતા.’ (૨ શમુ. ૧૫:૧૮) એવું માનવામાં આવે છે કે કરેથીઓ અને પલેથીઓનું પલિસ્તી લોકો સાથે ઘણું હળવા-મળવાનું થતું. (હઝકિ. ૨૫:૧૬) ગિત્તીઓ પલિસ્તી શહેર ગાથમાં રહેતા હતા.—યહો. ૧૩:૨, ૩; ૧ શમુ. ૬:૧૭, ૧૮.
દાઉદે પોતાના સૈન્યમાં કેમ પરદેશીઓને રાખ્યા હતા? કેમ કે દાઉદને ભરોસો હતો કે તેઓ તેમને વફાદાર હતા અને સૌથી મહત્ત્વનું તો યહોવાને વફાદાર હતા. દાખલા તરીકે, બાઇબલના એક શબ્દકોશમાં કરેથીઓ અને પલેથીઓ વિશે આમ જણાવ્યું છે: “દાઉદ રાજા બન્યા એ પછી તેમની સૌથી મુશ્કેલ ઘડીઓમાં તેઓ તેમને વફાદાર રહ્યા.” (ધ ન્યૂ ઇન્ટરપ્રિટર્સ ડિક્શનરી ઑફ ધ બાઇબલ) કઈ રીતે? જ્યારે ‘શેબા નામના એક બદમાશ માણસે’ બળવો પોકાર્યો, ત્યારે “બધા ઇઝરાયેલી માણસોએ” દાઉદનો સાથ છોડી દીધો અને શેબાની પાછળ ગયા. પણ કરેથીઓ અને પલેથીઓએ દાઉદને સાથ આપ્યો અને બળવો શાંત પાડવા મદદ કરી. (૨ શમુ. ૨૦:૧, ૨, ૭) ચાલો બીજો એક કિસ્સો જોઈએ. દાઉદ રાજાનો દીકરો અદોનિયા રાજગાદી હડપી લેવા માંગતો હતો. પણ કરેથીઓ અને પલેથીઓ દાઉદ રાજાને વળગી રહ્યા અને તેમના દીકરા સુલેમાનને રાજગાદીએ બેસાડવા મદદ કરી, જેમને યહોવાએ રાજા તરીકે પસંદ કર્યા હતા.—૧ રાજા. ૧:૨૪-૨૭, ૩૮, ૩૯.
ઇત્તાય ગિત્તી પણ ઇઝરાયેલી ન હતા, તોપણ તે દાઉદને વફાદાર રહ્યા. એક વખત દાઉદના દીકરા આબ્શાલોમે બંડ પોકાર્યું અને લોકોનું દિલ દાઉદ વિરુદ્ધ કરી દીધું. પણ ઇત્તાય અને તેમના ૬૦૦ માણસોએ દાઉદને સાથ આપ્યો. દાઉદે જણાવ્યું હતું કે ઇત્તાય એક પરદેશી છે, એટલે તેમણે લડવાની જરૂર નથી. પણ ઇત્તાયે કહ્યું: “યહોવાના સમ અને રાજાજી મારા માલિકના જીવના સમ કે જ્યાં રાજાજી હશે, ત્યાં તમારો આ સેવક હશે. એ માટે હું જીવ આપવા પણ તૈયાર છું.”—૨ શમુ. ૧૫:૬, ૧૮-૨૧.
કરેથીઓ, પલેથીઓ અને ગિત્તીઓ પરદેશીઓ હતા, તોપણ તેઓ માનતા હતા કે યહોવા જ સાચા ઈશ્વર છે અને દાઉદ તેમના પસંદ કરેલા રાજા છે. આવા વફાદાર માણસોનો સાથ હોવાથી દાઉદને કેટલી ખુશી થતી હશે!
a પુનર્નિયમ ૨૩:૩-૬માં યહોવાએ આપેલા નિયમ પ્રમાણે આમ્મોનીઓ અને મોઆબીઓ ઇઝરાયેલના મંડળનો ભાગ બની શકતા ન હતા. એનો અર્થ થાય કે તેઓને ઇઝરાયેલી તરીકેના હક મળતા ન હતા. પણ જો કોઈ આમ્મોની અથવા મોઆબી વ્યક્તિ યહોવાની ભક્તિ કરે, તો તે ઇઝરાયેલીઓ સાથે રહી શકતી હતી અને હળી-મળી શકતી હતી. ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ, ગ્રંથ ૧, પાન ૯૫ જુઓ.