સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૬

ગીત ૪૪ સંદેશો બધે વાવીએ

પ્રચારકામમાં કઈ રીતે વધારે ખુશી મેળવી શકીએ?

પ્રચારકામમાં કઈ રીતે વધારે ખુશી મેળવી શકીએ?

“ખુશીથી યહોવાની ભક્તિ કરો.”ગીત. ૧૦૦:૨.

આપણે શું શીખીશું?

આ લેખમાં આપણે અમુક સૂચનો જોઈશું, જેનાથી ખુશખબર ફેલાવવાના કામમાં વધારે ખુશી મળશે.

૧. અમુક ભાઈ-બહેનોને ખુશખબર જણાવતા કેમ ડર લાગે છે? (ચિત્ર પણ જુઓ.)

 યહોવાના ભક્તો બધાને ખુશખબર જણાવે છે. કેમ કે તેઓ યહોવા પિતાને ખૂબ પ્રેમ કરે છે અને ચાહે છે કે લોકો તેમના વિશે જાણે. ઘણાં ભાઈ-બહેનોને એ કામમાં મજા આવે છે, પણ અમુકને ડર લાગે છે. શા માટે? અમુક કદાચ શરમાળ સ્વભાવના હોય અને થતું હોય કે તેઓ સારી રીતે નથી શીખવી શકતા. અમુકને લાગતું હોય કે કોઈના બોલાવ્યા વગર કઈ રીતે તેમના ઘરે જઈ શકાય. અમુક કદાચ વિચારે, ‘કોઈ સાંભળવાની ના પાડી દેશે તો?’ અથવા અમુકને નાનપણથી શીખવવામાં આવ્યું હોય કે તેઓએ કોઈને નારાજ ન કરવા જોઈએ. એ બધાં ભાઈ-બહેનો યહોવાને ખૂબ પ્રેમ કરે છે, તોપણ અજાણ્યા લોકોને ખુશખબર જણાવતા તેઓને ડર લાગે છે. જોકે તેઓ સમજે છે કે ખુશખબર ફેલાવવાનું કામ કેટલું મહત્ત્વનું છે અને એ કામમાં નિયમિત ભાગ લે છે. એ જોઈને યહોવાને કેટલી ખુશી થતી હશે!

શું તમને ખુશખબર ફેલાવવાના કામમાં મજા આવે છે? (ફકરો ૧ જુઓ)


૨. પ્રચારકામમાં તમારી ખુશી ઓછી થઈ ગઈ હોય તો કેમ નિરાશ ન થવું જોઈએ?

શું એવી લાગણીઓને લીધે પ્રચારકામમાં તમારી ખુશી ઓછી થઈ ગઈ છે? એમ હોય તો નિરાશ ન થશો. જો તમને લાગતું હોય કે તમે સારી રીતે નથી શીખવી શકતા, તો એ બતાવે છે કે તમે નમ્ર છો. તમે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા નથી માંગતા અને લોકો સાથે દલીલો કરવા નથી માંગતા. આપણે નથી ચાહતા કે લોકો આપણા પર ગુસ્સે થઈ જાય, ખાસ કરીને તેઓનું ભલું કરવા માંગતા હોઈએ ત્યારે. આપણા પિતા યહોવા આપણી લાગણીઓ સારી રીતે સમજે છે અને મદદ કરવા માંગે છે. (યશા. ૪૧:૧૩) આ લેખમાં પાંચ સૂચનો જોઈશું, જેનાથી આપણને મનમાંથી ડર કાઢી નાખવા અને ખુશખબર જણાવવાના કામમાં ખુશી વધારવા મદદ મળશે.

બાઇબલમાંથી હિંમત મેળવો

૩. યર્મિયા પ્રબોધકને પ્રચાર કરવા ક્યાંથી હિંમત મળી?

જૂના જમાનામાં ઘણા ઈશ્વરભક્તો માટે પોતાની સોંપણી પૂરી કરવી અઘરું હતું. પણ જ્યારે તેઓએ યહોવાના સંદેશા પર ધ્યાન આપ્યું, ત્યારે તેઓને એ સોંપણી પૂરી કરવા હિંમત મળી. યર્મિયા પ્રબોધકનો દાખલો લો. યહોવાએ તેમને પ્રચાર કરવાનું કામ સોંપ્યું ત્યારે તેમને ડર લાગ્યો. તેમણે કહ્યું: “મને તો બોલતા પણ નથી આવડતું, હું તો નાનો છોકરો છું.” (યર્મિ. ૧:૬) પણ યહોવાના શબ્દો પર ધ્યાન આપવાથી તે હિંમતથી પ્રચાર કરી શક્યા. તેમણે કહ્યું: ‘તેમનો સંદેશો મારાં હાડકાંમાં આગની જેમ સળગી ઊઠ્યો. હું એને મારી અંદર સમાવી શક્યો નહિ.’ (યર્મિ. ૨૦:૮, ૯) યર્મિયાએ એવા લોકોને પ્રચાર કરવાનો હતો, જેઓ તેમનું જરાય સાંભળવા માંગતા ન હતા. પણ જ્યારે તેમણે વિચાર્યું કે એ સંદેશો કેટલો મહત્ત્વનો છે, ત્યારે તે હિંમતથી લોકોને પ્રચાર કરી શક્યા.

૪. બાઇબલ વાંચવાથી અને એના પર મનન કરવાથી કેવો ફાયદો થશે? (કોલોસીઓ ૧:૯, ૧૦)

ઈશ્વરભક્તોને યહોવાના શબ્દ બાઇબલમાંથી ઘણી હિંમત મળે છે. પ્રેરિત પાઉલે કોલોસે મંડળનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું કે તેઓ પૂરું જ્ઞાન લેતાં રહે, જેથી ‘યહોવાના નામને શોભે એ રીતે જીવી શકે’ અને “દરેક સારાં કામનાં ફળ ઉત્પન્‍ન” કરી શકે. (કોલોસીઓ ૧:૯, ૧૦ વાંચો.) એમાંનું એક સારું કામ છે, ખુશખબર ફેલાવવી. એટલે જો બાઇબલ વાંચીશું અને એના પર મનન કરીશું, તો યહોવામાં આપણી શ્રદ્ધા મજબૂત થશે. તેમ જ ખુશખબર ફેલાવવાના કામનું મહત્ત્વ સમજી શકીશું.

૫. બાઇબલની વાતો સારી રીતે સમજવા શું કરી શકીએ?

બાઇબલની વાતો સારી રીતે સમજવા શું કરી શકીએ? બાઇબલને ઉપર ઉપરથી વાંચવાને બદલે એનો અભ્યાસ કરીએ. એના પર મનન કરવા સમય કાઢીએ. જો કોઈ કલમ સમજવી અઘરી લાગતી હોય, તો એ વાંચીને છોડી ન દઈએ. પણ એને સમજવા યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા અથવા બીજાં સાહિત્યની મદદ લઈએ. આમ, સમય કાઢીને અભ્યાસ કરીશું તો ભરોસો વધશે કે બાઇબલમાં લખેલી વાતો એકદમ સાચી છે. (૧ થેસ્સા. ૫:૨૧) પછી લોકોને પણ એ વિશે જણાવવામાં વધારે ખુશી મળશે.

સારી તૈયારી કરો

૬. પ્રચારમાં જતા પહેલાં કેમ સારી તૈયારી કરવી જોઈએ?

જો પ્રચારમાં જતા પહેલાં સારી તૈયારી કરીશું, તો લોકો સાથે શાંતિથી વાત કરી શકીશું અને ડર નહિ લાગે. ઈસુએ પોતાના શિષ્યોને પ્રચારમાં મોકલતા પહેલાં સારી તૈયારી કરવા મદદ કરી હતી. તેમણે તેઓને અમુક સલાહ-સૂચનો આપ્યાં હતાં. (લૂક ૧૦:૧-૧૧) શિષ્યોએ ઈસુની વાત માની ત્યારે તેઓને સારાં પરિણામ મળ્યાં અને પ્રચારકામમાં વધારે ખુશી મળી.—લૂક ૧૦:૧૭.

૭. આપણે કઈ રીતે સારી તૈયારી કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

પણ કઈ રીતે સારી તૈયારી કરી શકીએ? પહેલેથી વિચારી શકીએ કે લોકો સાથે કયા વિષય પર વાત કરીશું અને કઈ રીતે તેઓને સાદા શબ્દોમાં સમજાવીશું. એ વિશે પણ વિચારી શકીએ કે આપણી વાત સાંભળીને લોકો શું કહેશે, કેવા સવાલો પૂછશે અને જવાબમાં આપણે શું કહીશું. પછી પ્રચાર કરતી વખતે ચહેરા પર એક સ્માઈલ રાખીએ, ગભરાઈએ નહિ અને પ્રેમથી વાત કરીએ.

પ્રચારમાં જતા પહેલાં સારી તૈયારી કરો (ફકરો ૭ જુઓ)


૮. ઈશ્વરભક્તો કઈ રીતે માટીનાં વાસણો જેવા છે?

પ્રેરિત પાઉલે પહેલી સદીના ખ્રિસ્તીઓને કહ્યું હતું: “અમારી પાસે આ ખજાનો માટીનાં વાસણોમાં છે.” (૨ કોરીં. ૪:૭) એ ખજાનો શું છે? ઈશ્વરના રાજ્યની ખુશખબર, જેનાથી લોકોનું જીવન બચી શકે છે. (૨ કોરીં. ૪:૧) માટીનાં વાસણો કોણ છે? લોકોને ખુશખબર જણાવતા ઈશ્વરભક્તો. પાઉલના દિવસોમાં વેપારીઓ અનાજ, દ્રાક્ષદારૂ અને પૈસા જેવી કીમતી વસ્તુઓ બીજે લઈ જવા માટીનાં વાસણોનો ઉપયોગ કરતા. એવી જ રીતે, ખજાના જેવી કીમતી ખુશખબર જણાવવાનું કામ યહોવાએ આપણને સોંપ્યું છે. એ કામ સારી રીતે કરી શકીએ માટે તે આપણને મદદ પણ કરે છે.

ડર દૂર કરવા પ્રાર્થના કરો

૯. લોકો સાથે વાત કરતા ડર લાગે તો શું કરી શકો? (ચિત્ર પણ જુઓ.)

ક્યારેક ક્યારેક આપણને એ વાતનો ડર લાગે કે લોકો આપણો વિરોધ કરશે અથવા આપણો સંદેશો નહિ સાંભળે. શું તમને પણ એવો ડર લાગે છે? ધ્યાન આપો કે પ્રચાર બંધ કરી દેવા પ્રેરિતોને ધમકાવવામાં આવ્યા ત્યારે તેઓએ શું કર્યું. તેઓ ડરી ન ગયા અને પ્રચારકામ પણ બંધ ન કર્યું. તેઓએ યહોવાને પ્રાર્થના કરી અને ‘સંદેશો પૂરી હિંમતથી જણાવતા રહેવા’ મદદ માંગી. (પ્રે.કા. ૪:૧૮, ૨૯, ૩૧) યહોવાએ તેઓની પ્રાર્થના સાંભળી અને તરત મદદ કરી. જો લોકો સાથે વાત કરતા ડર લાગે, તો યહોવા પાસે મદદ માંગો. તેમને વિનંતી કરો કે તે તમારા દિલમાં લોકો માટેનો પ્રેમ એટલો વધારી દે કે તમને ખુશખબર જણાવતા જરાય ડર ન લાગે.

ડર દૂર કરવા પ્રાર્થના કરો (ફકરો ૯ જુઓ)


૧૦. યહોવા આપણને તેમના વિશે સાક્ષી આપવા કઈ રીતે મદદ કરે છે? (યશાયા ૪૩:૧૦-૧૨)

૧૦ યહોવાએ કહ્યું છે કે આપણે તેમના સાક્ષીઓ છીએ. તેમણે વચન આપ્યું છે કે તેમના વિશે સાક્ષી આપવા આપણને હિંમત આપશે. (યશાયા ૪૩:૧૦-૧૨ વાંચો.) પોતાનું વચન પૂરું કરવા તે શું કરે છે? આ ચાર રીતો પર ધ્યાન આપો: પહેલી, ખુશખબર જણાવીએ છીએ ત્યારે ઈસુ આપણી સાથે હોય છે. (માથ. ૨૮:૧૮-૨૦) બીજી, આપણને મદદ કરવા યહોવાએ સ્વર્ગદૂતો નીમ્યા છે. (પ્રકટી. ૧૪:૬) ત્રીજી, યહોવાએ આપણને પવિત્ર શક્તિ આપી છે, જેની મદદથી આપણે શીખેલી વાતો યાદ કરી શકીએ છીએ. (યોહા. ૧૪:૨૫, ૨૬) ચોથી, તેમણે ભાઈ-બહેનો આપ્યાં છે, જેઓ આપણને પ્રચારમાં સાથ આપે છે. યહોવાની મદદથી અને ભાઈ-બહેનોના સાથથી આપણે ડર્યા વગર તેમના વિશે સાક્ષી આપી શકીએ છીએ.

ફેરફાર કરો અને યોગ્ય વલણ રાખો

૧૧. પ્રચારમાં વધારે લોકોને મળી શકાય માટે શું કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૧ પ્રચારમાં લોકો ઘરે ન મળે ત્યારે શું તમે નિરાશ થઈ જાઓ છો? આ સવાલનો વિચાર કરો: ‘મારા પ્રચાર વિસ્તારના લોકો અત્યારે ક્યાં હશે?’ (પ્રે.કા. ૧૬:૧૩) ‘શું તેઓ નોકરી પર ગયા હશે, કે પછી કોઈ કામથી બહાર ગયા હશે?’ જો એવું હોય તો જાહેર જગ્યાએ લોકોને ખુશખબર જણાવી શકો. જોશુઆભાઈ કહે છે: “બજારમાં, મૉલમાં અને ગાડીઓ પાર્ક કરવાની જગ્યાએ મને ઘણા લોકો સાથે વાત કરવાની તક મળે છે.” વધુમાં, ભાઈ અને તેમનાં પત્ની બ્રિજેટે જોયું કે તેઓ પ્રચાર માટે સાંજે અથવા રવિવાર બપોરે નીકળે છે ત્યારે વધારે લોકો ઘરે મળે છે.—એફે. ૫:૧૫, ૧૬.

વધારે લોકોને મળી શકાય એ માટે સમય અને જગ્યામાં ફેરફાર કરો (ફકરો ૧૧ જુઓ)


૧૨. લોકો શું માને છે અથવા તેઓને કઈ ચિંતા છે, એ જાણવા શું કરી શકીએ?

૧૨ લોકોને આપણા સંદેશામાં રસ ન હોય તો શું કરી શકીએ? એ જાણવાની કોશિશ કરીએ કે લોકો શું માને છે અથવા તેઓને કઈ ચિંતા છે. જોશુઆભાઈ અને બ્રિજેટબહેન આપણી પત્રિકાના પહેલા પાન પર આપેલો સવાલ પૂછીને વાત શરૂ કરે છે. જેમ કે, તેઓ લોકોને બાઇબલ વિશે તમે શું વિચારો છો? પત્રિકા બતાવે છે અને પછી કહે છે: “ઘણા લોકો માને છે કે બાઇબલ ઈશ્વર તરફથી છે. પણ અમુક લોકો નથી માનતા. તમે શું માનો છો?” આમ, તેઓ ઘણા લોકો સાથે વાતચીત શરૂ કરી શક્યાં છે.

૧૩. લોકો આપણું ન સાંભળે ત્યારે શું યાદ રાખવું જોઈએ? (નીતિવચનો ૨૭:૧૧)

૧૩ પ્રચારમાં લોકો આપણું ન સાંભળે તો કઈ રીતે યોગ્ય વલણ રાખી શકીએ? યાદ રાખીએ કે આપણે પોતાની જવાબદારી પૂરી કરી છે. એવું કેમ કહી શકીએ? કેમ કે ખુશખબર ફેલાવીએ છીએ ત્યારે, આપણે યહોવા અને ઈસુની ઇચ્છા પૂરી કરીએ છીએ. (પ્રે.કા. ૧૦:૪૨) એટલે જ્યારે લોકો ન મળે અથવા તેઓ આપણું ન સાંભળે, ત્યારે પણ રાજી થઈએ કે આપણે યહોવા પિતાનું દિલ ખુશ કરીએ છીએ.—નીતિવચનો ૨૭:૧૧ વાંચો.

૧૪. કોઈ ભાઈ કે બહેનને એવી વ્યક્તિ મળે જેને યહોવા વિશે શીખવું હોય ત્યારે, કેમ બધાને ખુશી થાય છે?

૧૪ કોઈ ભાઈ કે બહેનને એવી વ્યક્તિ મળે જેને યહોવા વિશે શીખવું હોય ત્યારે, આપણી પણ ખુશી સમાતી નથી. એક ચોકીબુરજમાં જણાવ્યું હતું કે પ્રચારકામ એક ખોવાયેલા બાળકને શોધવા જેવું છે. ઘણા લોકો એ બાળકને શોધવા મંડી પડે છે, તેઓ એકેય ખૂણો બાકી રાખતા નથી. પણ જ્યારે એ બાળક કોઈ એક વ્યક્તિને મળે છે, ત્યારે બધા જ રાજી રાજી થઈ જાય છે. એવી જ રીતે, શિષ્યો બનાવવાનું કામ પણ આપણે બધા સાથે મળીને કરીએ છીએ. આખો પ્રચાર વિસ્તાર આવરવા બધા મહેનત કરે છે અને જ્યારે કોઈ વ્યક્તિ સભાઓમાં આવવાનું શરૂ કરે છે, ત્યારે બધાને અનેરો આનંદ થાય છે.

તમે યહોવાને અને લોકોને કેટલો પ્રેમ કરો છો એનો વિચાર કરો

૧૫. માથ્થી ૨૨:૩૭-૩૯માં આપેલી સલાહ પાળવાથી પ્રચારકામમાં કઈ રીતે આપણો જોશ વધે છે? (ચિત્ર પણ જુઓ.)

૧૫ પ્રચારકામમાં જોશ વધારવા શું કરી શકીએ? એ વાત પર મનન કરીએ કે આપણે યહોવાને અને લોકોને કેટલો પ્રેમ કરીએ છીએ. (માથ્થી ૨૨:૩૭-૩૯ વાંચો.) જરા વિચારો, આપણે લોકોને ખુશખબર જણાવીએ છીએ ત્યારે યહોવા કેટલા ખુશ થાય છે. એ વાતનો પણ વિચાર કરો કે બાઇબલમાંથી શીખીને લોકોનું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તેઓને હંમેશ માટેના જીવનની આશા મળશે.—યોહા. ૬:૪૦; ૧ તિમો. ૪:૧૬.

યહોવા અને લોકોને કેટલો પ્રેમ કરીએ છીએ એના પર વિચાર કરીશું તો, પ્રચારકામમાં વધારે ખુશી મળશે (ફકરો ૧૫ જુઓ)


૧૬. ઘરની બહાર નીકળી શકતા ન હોઈએ તોપણ કઈ રીતે પ્રચારકામમાં ખુશી મેળવી શકીએ? દાખલો આપો.

૧૬ શું કોઈ કારણને લીધે તમે ઘરની બહાર નથી નીકળી શકતા? જો એવું હોય તો નિરાશ ન થતા. વિચારો કે યહોવાને અને લોકોને પ્રેમ બતાવવા તમે શું કરી શકો. સેમ્યુલભાઈ અને દાનિયાબહેનનો દાખલો જોઈએ. કોવિડ-૧૯ મહામારીને લીધે તેઓ ઘરની બહાર નીકળી શકતાં ન હતાં. એટલે તેઓ ફોન અને પત્ર દ્વારા ખુશખબર જણાવતાં અને ઝૂમ પર બાઇબલ અભ્યાસ ચલાવતાં. એટલું જ નહિ, સેમ્યુલભાઈ કેન્સરની સારવાર માટે હૉસ્પિટલ જતા ત્યારે ત્યાંના લોકોને ખુશખબર જણાવતા. ભાઈ કહે છે: “મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ, થાકી જઈએ છીએ. આપણી શ્રદ્ધાની કસોટી થાય છે. એવા સંજોગોમાં પણ આપણે યહોવાની સેવામાં ખુશી મેળવવા મહેનત કરવી જોઈએ.” એ સમયગાળામાં એક દિવસે દાનિયાબહેન પડી ગયાં અને ત્રણ મહિના પથારીવશ રહ્યાં. પછી છ મહિના તેમણે વ્હિલચૅરનો સહારો લેવો પડ્યો. તે કહે છે: “યહોવાની સેવામાં મેં બનતું બધું કરવાની કોશિશ કરી. મારા ઘરે આવતી નર્સને મેં સંદેશો જણાવ્યો, ઘરે સામાન આપવા આવતા લોકો સાથે હું વાત કરતી અને મેડિકલ કંપનીમાં કામ કરતી સ્ત્રી સાથે ફોન પર મારી સારી એવી વાતચીત થતી.” સેમ્યુલભાઈ અને દાનિયાબહેન પોતાના સંજોગોને લીધે વધારે કરી શકતાં ન હતાં, પણ તેઓએ પોતાનાથી થાય એટલું કર્યું. આમ, તેઓ ખુશી મેળવી શક્યાં.

૧૭. આ લેખમાં આપેલાં સૂચનોથી ફાયદો મેળવવા તમે શું કરી શકો?

૧૭ ચાલો આ લેખમાં આપેલાં પાંચ સૂચનો લાગુ પાડીએ. એ સૂચનો કોઈ વાનગીમાં વપરાતા અલગ અલગ મસાલા જેવાં છે. જ્યારે બધા મસાલા એકસાથે વાપરીએ છીએ, ત્યારે વાનગી એકદમ સ્વાદિષ્ટ બની જાય છે. એવી જ રીતે, એ સૂચનો એકસાથે લાગુ પાડીશું તો ડર દૂર કરી શકીશું અને પ્રચારકામમાં વધારે ખુશી મેળવી શકીશું.

તમે શું કહેશો?

  • સારી તૈયારી કરવાથી કઈ રીતે પ્રચારમાં ખુશી વધશે?

  • ડર દૂર કરવા પ્રાર્થના કઈ રીતે મદદ કરે છે?

  • યહોવા અને લોકો માટેના પ્રેમ પર વિચાર કરવાથી કઈ રીતે પ્રચારકામમાં જોશ વધશે?

ગીત ૧૪૫ પ્રચાર કરવા જઈએ