સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૭

ગીત ૨૮ એક નવું ગીત

યહોવાના કુટુંબ સાથે મળીને ભક્તિ કરતા રહો

યહોવાના કુટુંબ સાથે મળીને ભક્તિ કરતા રહો

“હું જેની રચના કરું છું, એમાં હંમેશાં આનંદ કરો, ખુશી મનાવો.”યશા. ૬૫:૧૮.

આપણે શું શીખીશું?

જાણો કે યહોવાના કુટુંબ સાથે મળીને ભક્તિ કરવાથી કયા ફાયદા થાય છે અને બીજાઓ એ કુટુંબનો ભાગ બની શકે માટે શું કરી શકીએ.

૧. આજે આપણે કેવી રીતે યહોવાની ભક્તિ કરીએ છીએ? આપણે શું કરવાનો પાકો નિર્ણય લીધો છે?

 આજે આપણે લાખો લોકો સાથે મળીને યહોવાની ભક્તિ કરીએ છીએ અને ભલાઈનાં કામોમાં વ્યસ્ત છીએ. આપણે ઈશ્વરના સંગઠનનો ભાગ છીએ, જ્યાં સાચી શાંતિ અને એકતા છે. આપણે પાકો નિર્ણય લીધો છે કે યહોવાના કુટુંબ સાથે મળીને તેમની ભક્તિ કરવાનું ક્યારેય નહિ છોડીએ. આપણે ચાહીએ છીએ કે બને એટલા લોકો યહોવાના કુટુંબમાં આવે અને એકબીજા સાથે હળી-મળીને રહે.

૨. યહોવાના કુટુંબની ખાસ વાત કઈ છે?

શેતાનની દુનિયામાં જીવન જોખમોથી ભરેલું છે. મોટા ભાગના લોકો એકબીજાને નફરત કરે છે. (૧ યોહા. ૫:૧૯; પ્રકટી. ૧૨:૧૨) આપણા પ્રેમાળ ઈશ્વર જુએ છે કે આ દુષ્ટ દુનિયાને લીધે દરેકે કેટલું સહેવું પડે છે. પણ ખુશીની વાત છે કે યહોવા પોતાના ભક્તોને એક એવા કુટુંબમાં લઈ આવ્યા છે, જ્યાં આપણે સલામતી અનુભવીએ છીએ. એટલું જ નહિ, સંપ અને શાંતિમાં રહીને તેમની ભક્તિ કરતા રહી શકીએ છીએ. એ કુટુંબ સલામત ‘આશરા’ જેવું છે અને “સારી રીતે પાણી પાયેલા બગીચા” જેવું છે. (યશા. ૪:૬; ૫૮:૧૧) એ કુટુંબમાં રહેતા લોકો પર યહોવાની કૃપા છે. એટલે આ દુનિયાના છેલ્લા દિવસોમાં જીવવું અઘરું હોવા છતાં, તેઓ ખુશી ખુશી યહોવાની ભક્તિ કરી શકે છે.—યશા. ૫૪:૧૪; ૨ તિમો. ૩:૧.

૩. યશાયા અધ્યાય ૬૫ની ભવિષ્યવાણી પહેલી વાર કઈ રીતે પૂરી થઈ?

યશાયા પ્રબોધક દ્વારા યહોવાએ જણાવ્યું હતું કે તેમના ભક્તોનું જીવન કેવું હશે. એ વિશે યશાયા અધ્યાય ૬૫માં જોવા મળે છે. એ ભવિષ્યવાણી પહેલી વાર ઈસવીસન પૂર્વે ૫૩૭માં પૂરી થઈ. પસ્તાવો કરનાર યહૂદીઓ બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થઈને પોતાના વતન પાછા ફર્યા ત્યારે, યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો. ઉજ્જડ થઈ ગયેલા યરૂશાલેમ શહેરને તેઓએ યહોવાની મદદથી ફરી સુંદર બનાવ્યું. તેઓએ મંદિર પણ ફરી બાંધ્યું, જેથી ઇઝરાયેલમાં સાચી ભક્તિ શરૂ થઈ શકે.—યશા. ૫૧:૧૧; ઝખા. ૮:૩.

૪. યશાયા અધ્યાય ૬૫ની ભવિષ્યવાણી આપણા સમયમાં કઈ રીતે પૂરી થઈ રહી છે?

યશાયાની આ ભવિષ્યવાણી બીજી એક વાર પણ સાચી પડી. એની શરૂઆત ૧૯૧૯થી થઈ. એ સમયે યહોવાના ભક્તો મહાન બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા. પછી ઘણા લોકો યહોવાના કુટુંબમાં આવવા લાગ્યા અને હળી-મળીને તેમની ભક્તિ કરવા લાગ્યા. તેઓ ઉત્સાહથી યહોવાના રાજનો પ્રચાર કરવા લાગ્યા. તેઓએ નવાં નવાં મંડળોની શરૂઆત કરી અને ખ્રિસ્ત જેવા ગુણો કેળવ્યા. એક સમયે જે સ્ત્રી-પુરુષો હિંસક હતાં અને ગંદું જીવન જીવતાં હતાં, તેઓએ ‘નવો સ્વભાવ પહેરી લીધો, જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે રચવામાં આવ્યો છે.’ (એફે. ૪:૨૪) યશાયાની ભવિષ્યવાણી એ પણ જણાવે છે કે યહોવા તેમના ભક્તોને કેવા આશીર્વાદો આપશે. એમાંના અનેક આશીર્વાદો યહોવા આજે આપણને આપી રહ્યા છે અને બીજા નવી દુનિયામાં આપશે. હવે ચાલો જોઈએ કે યહોવાના કુટુંબમાં રહેવાથી આજે આપણને કયા ફાયદા થાય છે અને કેમ એ કુટુંબને કદી છોડી દેવું ન જોઈએ.

યહોવાના કુટુંબમાં રહેતા લોકોને કયા ફાયદા થાય છે?

૫. યશાયા ૬૫:૧૩ પ્રમાણે, યહોવાના કુટુંબનો ભાગ હોવાથી આપણે શાનો આનંદ માણીએ છીએ?

તેઓ તંદુરસ્ત રહે છે અને તાજગી અનુભવે છે. યશાયાની ભવિષ્યવાણીથી જોવા મળે છે કે જેઓ યહોવાના કુટુંબનો ભાગ છે અને જેઓ નથી, તેઓ વચ્ચે કેટલો મોટો ફરક છે. (યશાયા ૬૫:૧૩ વાંચો.) યહોવા ચાહે છે કે તેમના ભક્તો તેમની નજીક રહે અને એ માટે તે જરૂરી બધું જ પૂરું પાડે છે. આપણી પાસે તેમની પવિત્ર શક્તિ, બાઇબલ અને અઢળક સાહિત્ય છે, જેથી આપણે ‘ખાઈએ, પીએ અને આનંદ કરીએ.’ (પ્રકટીકરણ ૨૨:૧૭ સરખાવો.) પણ જેઓ યહોવાના કુટુંબનો ભાગ નથી, તેઓ ‘ભૂખ્યા છે, તરસ્યા છે અને અપમાન સહે છે.’ એ કારણે તેઓ સાચા ઈશ્વરને ઓળખી શકતા નથી.—આમો. ૮:૧૧.

૬. (ક) આપણે શ્રદ્ધા મજબૂત રાખી શકીએ એ માટે યહોવા શું કરે છે? (યોએલ ૨:૨૧-૨૪) (ખ) એનાથી આપણને કેવો ફાયદો થાય છે?

યોએલ પ્રબોધકે ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે યહોવા પોતાના લોકોને અનાજ, દ્રાક્ષદારૂ અને જૈતૂનના તેલ જેવી જીવન-જરૂરી વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં આપશે. એનો અર્થ થાય કે યહોવા પોતાના લોકોની શ્રદ્ધા મજબૂત રાખવા જરૂરી બધું જ પૂરું પાડશે. (યોએ. ૨:૨૧-૨૪) તે આજે એવું કઈ રીતે કરે છે? બાઇબલ, બાઇબલ આધારિત સાહિત્ય, આપણી વેબસાઇટ, સભાઓ, સંમેલનો અને મહાસંમેલનો દ્વારા માર્ગદર્શન આપીને. એ બધાથી આપણને દરરોજ ફાયદો થાય છે. આમ આપણે તંદુરસ્ત રહીએ છીએ અને તાજગી અનુભવીએ છીએ.

૭. શાને લીધે આપણું ‘દિલ ખુશીથી ઊભરાઈ જાય છે’? (યશાયા ૬૫:૧૪)

તેઓને ખુશી અને સંતોષ મળે છે. યહોવાએ પોતાના લોકો માટે ઘણું કર્યું છે. એ માટે તેઓ તેમનો આભાર માને છે અને ‘આનંદથી પોકારી ઊઠે છે.’ (યશાયા ૬૫:૧૪ વાંચો.) યહોવા આપણને સાચું શિક્ષણ આપે છે. બાઇબલનાં વચનોથી આપણને દિલાસો મળે છે. તેમ જ, ખ્રિસ્તે આપેલા બલિદાનને આધારે મજબૂત આશા મળે છે. એ બધાને લીધે આપણું ‘દિલ ખુશીથી ઊભરાઈ જાય છે.’ ભાઈ-બહેનો સાથે એ વિશે વાત કરવાથી પણ સાચી ખુશી મળે છે.—ગીત. ૩૪:૮; ૧૩૩:૧-૩.

૮. યહોવાના કુટુંબની સુંદરતા શાને લીધે વધે છે?

યહોવાના લોકોમાં પ્રેમ અને એકતા હોવાથી તેમના કુટુંબની સુંદરતા વધે છે. ‘એકતાના એ બંધનને’ લીધે આપણને કલ્પના કરવા મદદ મળે છે કે નવી દુનિયામાં આપણું જીવન કેવું હશે. એ વખતે યહોવાના લોકોમાં વધારે પ્રેમ અને એકતા હશે. (કોલો. ૩:૧૪) એક બહેનનો વિચાર કરો. જ્યારે તે પહેલી વાર યહોવાના સાક્ષીઓને મળ્યાં, ત્યારે તેમને કેવું લાગ્યું? તે કહે છે: “મારા જીવનમાં કે મારા કુટુંબમાં ખુશી જેવું કંઈ હતું જ નહિ. પણ યહોવાના સાક્ષીઓને મળી ત્યારે મેં પહેલી વાર જોયું કે સાચો પ્રેમ કોને કહેવાય.” જે લોકો એવી ખુશી અને સંતોષ મેળવવા માંગે છે, તેઓએ પોતે યહોવાના કુટુંબમાં આવીને એનો અનુભવ કરવો જોઈએ. ભલે દુનિયાના લોકો આપણું નામ બદનામ કરે, પણ હકીકત તો એ છે કે યહોવાની નજરે આપણું સારું ‘નામ’ છે અને તેમના સેવકો વચ્ચે આપણી સારી શાખ છે.—યશા. ૬૫:૧૫.

૯. યશાયા ૬૫:૧૬, ૧૭માં આપેલા વચન પ્રમાણે આજની દુઃખ-તકલીફોનું શું થશે?

તેઓ મુશ્કેલીઓમાં પણ શાંત રહે છે. યશાયા ૬૫:૧૪માં લખ્યું છે કે જેઓ યહોવાના કુટુંબનો ભાગ બનવા નથી માંગતા, ‘તેઓ દિલની પીડાને લીધે રડશે અને કચડાયેલાં મનને લીધે શોક કરશે.’ પણ જે બાબતોને લીધે યહોવાના લોકો દુઃખ-તકલીફો સહી રહ્યા છે, એનું શું? સમય જતાં એ “ભુલાઈ જશે” અને ઈશ્વરની “નજર આગળથી દૂર થઈ જશે.” (યશાયા ૬૫:૧૬, ૧૭ વાંચો.) યહોવા આપણી બધી તકલીફો દૂર કરશે, ધીરે ધીરે એની કડવી યાદો સાવ ભૂંસાઈ જશે.

૧૦. તમે કેમ સભાઓને એક આશીર્વાદ ગણો છો? (ચિત્ર પણ જુઓ.)

૧૦ નવી દુનિયામાં તો અપાર શાંતિનો આનંદ માણીશું, પણ આજ વિશે શું? આજેય આપણે શાંતિ મેળવી શકીએ છીએ. સભાઓમાં જઈએ છીએ ત્યારે આપણને મનની શાંતિ મળે છે અને બધી ચિંતાઓ ભૂલી જઈએ છીએ. જ્યારે આપણે પ્રેમ, આનંદ, શાંતિ, ભલાઈ અને કોમળતા જેવા ગુણો બતાવીએ છીએ, ત્યારે બીજાં ભાઈ-બહેનોને પણ શાંત રહેવા મદદ કરીએ છીએ. એ ગુણો ઈશ્વરની પવિત્ર શક્તિની મદદથી કેળવી શકીએ છીએ. (ગલા. ૫:૨૨, ૨૩) ઈશ્વરના સંગઠનનો ભાગ હોવું એ કેટલા મોટા સન્માનની વાત છે! જેઓ એનો ભાગ બની રહેશે, તેઓને કયો આશીર્વાદ મળશે? તેઓ યહોવાનું આ વચન પૂરું થતા જોશે: “હું નવું આકાશ અને નવી પૃથ્વી બનાવું છું.”

ઈશ્વરના કુટુંબનો ભાગ હોવું એ સાચે જ મોટો આશીર્વાદ છે (ફકરો ૧૦ જુઓ) b


૧૧. યશાયા ૬૫:૧૮, ૧૯ પ્રમાણે, યહોવાના કુટુંબનો ભાગ હોવાને લીધે આપણે શું કરવું જોઈએ?

૧૧ તેઓનાં દિલમાં કદર અને ઉત્સાહ વધે છે. યશાયાએ આગળ જે કહ્યું એનાથી જોવા મળે છે કે યહોવાના કુટુંબનો ભાગ હોવાને લીધે આપણે ‘આનંદ કરવો જોઈએ અને ખુશી મનાવવી જોઈએ.’ શા માટે? કેમ કે આ કુટુંબની શરૂઆત યહોવાએ પોતે કરી છે. (યશાયા ૬૫:૧૮, ૧૯ વાંચો.) તે ચાહે છે કે આપણે લોકોને યહોવાના સંગઠનમાં લઈ આવીએ. તેઓને દુનિયાના એવા માહોલમાંથી બહાર નીકળવા મદદ કરીએ, જ્યાં ઈશ્વર વિશે સાચી વાતો શીખવવામાં આવતી નથી. પણ જો આપણી વાત કરીએ, તો યહોવાએ આપેલા સાચા શિક્ષણને લીધે આપણને ઘણા આશીર્વાદો મળ્યા છે. એના લીધે આપણાં દિલમાં કદર વધે છે અને બીજાઓને એ વિશે જણાવવાનો ઉત્સાહ વધે છે.—યર્મિ. ૩૧:૧૨.

૧૨. યશાયા ૬૫:૨૦-૨૪માં જણાવેલાં વચનો વિશે તમને કેવું લાગે છે? શા માટે?

૧૨ યહોવા સાથે સારો સંબંધ હોવાને લીધે આપણી પાસે ભાવિની આશા છે. એ કારણે પણ આપણે કદર બતાવીએ છીએ અને બીજાઓને એ વિશે ઉત્સાહથી જણાવીએ છીએ. જરા વિચાર કરો કે નવી દુનિયામાં આપણે શું જોઈશું અને શું કરીશું. બાઇબલમાં વચન આપ્યું છે: “ત્યાં એવું કોઈ બાળક નહિ હોય, જે થોડા જ દિવસો જીવે. અથવા એવો કોઈ વૃદ્ધ માણસ નહિ હોય, જે પૂરેપૂરી જિંદગી ન જીવે.” આપણે ‘ઘરો બાંધીશું અને એમાં રહીશું.’ ‘દ્રાક્ષાવાડીઓ રોપીશું અને એનાં ફળ ખાઈશું.’ આપણે ‘નકામી મહેનત નહિ કરીએ,’ કેમ કે ‘યહોવાનો આશીર્વાદ આપણા પર હશે.’ યહોવાએ વચન આપ્યું છે કે આપણે સલામત હોઈશું અને દરેક કામથી સંતોષ મેળવીશું. યહોવાનો દરેક ભક્ત ‘પોકાર કરે એ પહેલાંથી’ યહોવાને ખબર હશે કે તેને શાની જરૂર છે અને તે ‘બધાની ઇચ્છા પૂરી કરશે.’—યશા. ૬૫:૨૦-૨૪; ગીત. ૧૪૫:૧૬.

૧૩. યશાયા ૬૫:૨૫ પ્રમાણે ઘણાં ભાઈ-બહેનોએ કેવા ફેરફાર કર્યા છે?

૧૩ તેઓ શાંત સ્વભાવના બને છે અને સલામતી અનુભવે છે. ઘણાં ભાઈ-બહેનો યહોવા વિશે શીખ્યાં એ પહેલાં હિંસક હતાં. તેઓ જલદી ગુસ્સે થઈ જતાં હતાં અને બેઈમાન હતાં. પણ પવિત્ર શક્તિની મદદથી તેઓએ મોટા મોટા ફેરફાર કર્યા. (યશાયા ૬૫:૨૫ વાંચો.) તેઓએ ખરાબ આદતો અને સ્વભાવ સુધારવા સખત મહેનત કરી. (રોમ. ૧૨:૨; એફે. ૪:૨૨-૨૪) ખરું કે ઈશ્વરના લોકોમાં આજે પણ પાપની અસર છે, એટલે તેઓથી ભૂલો તો થવાની. પણ યહોવા ‘સર્વ પ્રકારના લોકોને’ પ્રેમ અને શાંતિના એવા બંધનમાં લાવ્યા છે, જેને કોઈ તોડી નહિ શકે. (તિત. ૨:૧૧) એવો ચમત્કાર ફક્ત સર્વશક્તિમાન ઈશ્વર જ કરી શકે છે!

૧૪. એક ભાઈના કિસ્સામાં યશાયા ૬૫:૨૫ના શબ્દો કઈ રીતે સાચા પડ્યા?

૧૪ શું લોકો સાચે જ પોતાનો સ્વભાવ બદલી શકે? આ અનુભવનો વિચાર કરો. એક યુવાન ૨૦ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો ઘણી વાર જેલ જઈ આવ્યો હતો. તે ગંદું જીવન જીવતો હતો અને ઘણો ખૂંખાર હતો. કારની ચોરી, લૂંટફાટ અને બીજા મોટા મોટા ગુનાઓને લીધે તેને જેલની સજા થઈ હતી. તે ગમે ત્યારે કોઈની પણ જોડે ઝઘડી પડતો. જ્યારે તેણે પહેલી વાર બાઇબલમાંથી સત્ય સાંભળ્યું અને યહોવાના સાક્ષીઓની સભાઓમાં જવા લાગ્યો, ત્યારે તેનું જીવન બદલાઈ ગયું. તે યહોવાના કુટુંબ સાથે મળીને તેમની ભક્તિ કરવા માંગતો હતો. બાપ્તિસ્મા લીધા પછી તે ઘણી વાર વિચારતો કે યશાયા ૬૫:૨૫ના શબ્દો તેના જીવનમાં કઈ રીતે સાચા પડ્યા. તે સિંહ જેવો ખૂંખાર હતો, પણ હવે ઘેટા જેવો શાંત બન્યો છે.

૧૫. આપણે કેમ ચાહીએ છીએ કે બીજાઓ પણ યહોવાના કુટુંબનો ભાગ બને? એ માટે શું કરી શકીએ?

૧૫ યશાયા ૬૫:૧૩ આ શબ્દોથી શરૂ થાય છે: “વિશ્વના માલિક યહોવા આમ કહે છે.” કલમ ૨૫ આ શબ્દોથી પૂરી થાય છે: “એવું યહોવા કહે છે.” યહોવાનાં વચનો હંમેશાં સાચાં પડે છે. (યશા. ૫૫:૧૦, ૧૧) એ આજે આપણે સાફ જોઈ શકીએ છીએ. યહોવાએ આપણને એક કુટુંબ આપ્યું છે અને એ સાચે જ અજોડ છે. આ કુટુંબ સૂકા રણ જેવી દુનિયામાં લીલાછમ બાગ જેવું છે. આખી દુનિયામાં ઊથલ-પાથલ મચી છે. પણ યહોવાના લોકો સાથે હોઈએ છીએ ત્યારે આપણે શાંતિ અને સલામતી અનુભવીએ છીએ. (ગીત. ૭૨:૭) એટલે આપણે ચાહીએ છીએ કે બને એટલા લોકો આપણી સાથે મળીને યહોવાની ભક્તિ કરે. એ માટે જરૂરી છે કે શિષ્યો બનાવવાના કામમાં પૂરું ધ્યાન આપીએ.—માથ. ૨૮:૧૯, ૨૦.

બીજાઓ યહોવાના કુટુંબનો ભાગ બની શકે માટે શું કરી શકીએ?

૧૬. લોકો કઈ રીતે યહોવાના કુટુંબ તરફ ખેંચાઈ આવે છે?

૧૬ આપણા બધાની જવાબદારી છે કે યહોવાના કુટુંબને એટલું સુંદર બનાવીએ કે બીજાઓને એમાં આવવાનું મન થાય. એ માટે આપણે યહોવા જેવા બનવું જોઈએ. તે લોકોને જબરજસ્તી પોતાના સંગઠનમાં ઘસડી નથી લાવતા. તે પ્રેમથી તેઓને પોતાની તરફ ‘ખેંચે’ છે. (યોહા. ૬:૪૪, ફૂટનોટ; યર્મિ. ૩૧:૩) જ્યારે નમ્ર દિલના લોકો શીખે છે કે યહોવા કેટલા પ્રેમાળ છે અને તેમનામાં કેવા સુંદર ગુણો છે, ત્યારે તેઓ આપોઆપ તેમની તરફ ખેંચાઈ આવે છે. હવે ચાલો જોઈએ કે આપણાં સારાં ગુણો અને વાણી-વર્તન જોઈને લોકોને કઈ રીતે યહોવાના કુટુંબમાં આવવાનું મન થાય છે.

૧૭. લોકોને યહોવાના કુટુંબમાં આવવાનું મન થાય એ માટે આપણે શું કરી શકીએ?

૧૭ એક રીત છે, ભાઈ-બહેનોને પ્રેમ બતાવીએ અને તેઓ માટે ભલાઈનાં કામો કરીએ. નવા લોકો આપણી સભાઓમાં આવે ત્યારે, તેઓને આપણો પ્રેમ સાફ દેખાઈ આવવો જોઈએ. આપણે ચાહીએ છીએ કે તેઓ પણ એ લોકો જેવું મહેસૂસ કરે, જેઓ કદાચ કોરીંથ મંડળની સભાઓમાં આવ્યા હતા. તેઓએ કહ્યું હતું: “ઈશ્વર સાચે જ તમારી વચ્ચે છે.” (૧ કોરીં. ૧૪:૨૪, ૨૫; ઝખા. ૮:૨૩) એટલે આપણે હંમેશાં આ સલાહ પર ધ્યાન આપવું જોઈએ: “એકબીજા સાથે હળી-મળીને રહો.”—૧ થેસ્સા. ૫:૧૩.

૧૮. શાને લીધે લોકોને આપણા સંગઠનમાં આવવાનું મન થશે?

૧૮ આપણે ભાઈ-બહેનો વિશે હંમેશાં યહોવા જેવા વિચારો રાખવા જોઈએ. તે તેઓને બહુ કીમતી ગણે છે. આપણે પણ તેઓને કીમતી ગણવા જોઈએ. એ માટે તેઓની ખામીઓ પર નહિ, સારા ગુણો પર ધ્યાન આપીએ. કેમ કે ખામીઓ તો સમય જતાં નીકળી જશે. જો આપણે હંમેશાં ‘એકબીજા સાથે માયાળુ અને કૃપાળુ રીતે વર્તીશું અને એકબીજાને દિલથી માફ કરીશું,’ તો બીજાઓ સાથે મનદુઃખ થાય ત્યારે પ્રેમથી એનો ઉકેલ લાવીશું. (એફે. ૪:૩૨) દુનિયાના ઘણા લોકો ચાહતા હોય છે કે તેઓ સાથે એવી જ રીતે વર્તવામાં આવે. એટલે આપણામાં શાંતિ અને એકતા જોઈને તેઓને આપણા સંગઠનમાં આવવાનું મન થશે. a

હંમેશાં યહોવાના કુટુંબમાં રહો

૧૯. (ક) યહોવાના કુટુંબમાં પાછા આવ્યા પછી અમુક લોકોએ શું કહ્યું? (“ તેઓ જતા રહ્યા હતા, પણ પાછા આવ્યા” બૉક્સ જુઓ.) (ખ) તમે શું કરવાનો નિર્ણય લીધો છે? (ચિત્ર પણ જુઓ.)

૧૯ યહોવાએ જે કુટુંબ આપ્યું છે, એ માટે હંમેશાં તેમનો આભાર માનીએ. દિવસે ને દિવસે આ કુટુંબની સુંદરતા વધી રહી છે. વધારે ને વધારે લોકો એ કુટુંબનો ભાગ બની રહ્યા છે અને યહોવાની ભક્તિ કરી રહ્યા છે. જેઓ તાજગી અને સંતોષ મેળવવા માંગે છે, શાંત અને સલામત રહેવા માંગે છે, તેઓએ એ કુટુંબમાં આશરો લેવો જોઈએ, ક્યારેય એને છોડી દેવું ન જોઈએ. જોકે સાવધ રહેવાની પણ જરૂર છે. કેમ કે શેતાન આપણને યહોવાના કુટુંબથી દૂર લઈ જવા પૂરું જોર લગાવી રહ્યો છે. (૧ પિત. ૫:૮; પ્રકટી. ૧૨:૯) આપણે તેના દુષ્ટ ઇરાદાઓ પર પાણી ફેરવી દેવું જોઈએ. તો ચાલો યહોવાના કુટુંબની સુંદરતા વધારવા, એને શુદ્ધ રાખવા અને શાંતિ જાળવવા કોઈ કસર ન છોડીએ.

જેઓ આજે યહોવાના કુટુંબમાં રહે છે, તેઓ ભાવિમાં પણ નવી દુનિયાના આશીર્વાદોનો આનંદ માણશે (ફકરો ૧૯ જુઓ)


તમે શું કહેશો?

  • આપણે કેવી રીતે યહોવાની ભક્તિ કરીએ છીએ?

  • યહોવાના કુટુંબમાં રહેતા લોકોને કયા ફાયદા થાય છે?

  • બીજાઓ યહોવાના કુટુંબનો ભાગ બની શકે એ માટે આપણે શું કરી શકીએ?

ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે

a યહોવાના કુટુંબનો ભાગ હોવાથી એક બહેનને કયા આશીર્વાદો મળ્યા? એ વિશે જાણવા jw.org/gu પર આ વીડિયો જુઓ: અત્યારે શું કરે છે? એલિના ઝીટ્‌નિકોવા: મારું સપનું પૂરું થયું.

b ચિત્રની સમજ: સભામાં ઘણાં ભાઈ-બહેનો એકબીજાને મળી રહ્યાં છે. પણ એક ભાઈએ પોતાને એકલા પાડી દીધા છે અને કોઈને મળતા નથી.