અભ્યાસ લેખ ૧૫
ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ
યહોવાના સંગઠન પર ભરોસો મજબૂત કરતા રહો
“તમારામાં આગેવાની લેતા ભાઈઓને યાદ રાખો, જેઓએ તમને ઈશ્વરનો સંદેશો જણાવ્યો છે.”—હિબ્રૂ. ૧૩:૭.
આપણે શું શીખીશું?
આપણે શીખીશું કે યહોવાના સંગઠન પર ભરોસો મજબૂત કરતા રહેવા શું કરી શકીએ.
૧. યહોવાએ સોંપેલું કામ વ્યવસ્થિત રીતે થાય એ માટે પહેલી સદીમાં કઈ ગોઠવણ હતી?
યહોવા જ્યારે પણ પોતાના ભક્તોને કોઈ કામ સોંપે છે, ત્યારે ચાહે છે કે તેઓ એ વ્યવસ્થિત રીતે કરે. (૧ કોરીં. ૧૪:૩૩) જેમ કે, તેમની ઇચ્છા છે કે આખી પૃથ્વી પર ખુશખબર ફેલાય. (માથ. ૨૪:૧૪) તેમણે એ કામ પર દેખરેખ રાખવાની જવાબદારી ઈસુને સોંપી છે. ઈસુએ ખાસ ધ્યાન રાખ્યું છે કે એ કામ વ્યવસ્થિત રીતે થાય. ચાલો પહેલી સદીનો વિચાર કરીએ. યરૂશાલેમમાં પ્રેરિતો અને વડીલોથી બનેલું એક જૂથ નિર્ણયો લેતું. પછી બધાં મંડળો એ પ્રમાણે કરતા. નવાં મંડળો બનતાં ગયાં તેમ એ મંડળના વડીલો ભાઈ-બહેનોને એ વિશે જણાવતા. (પ્રે.કા. ૧૪:૨૩; ૧૫:૨; ૧૬:૪) બધાં ભાઈ-બહેનો એ માર્ગદર્શન પાળતાં, એટલે “મંડળો શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં અને તેઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી ગઈ.”—પ્રે.કા. ૧૬:૫.
૨. ૧૯૧૯થી યહોવા કઈ રીતે પોતાના ભક્તોને માર્ગદર્શન અને બાઇબલનું શિક્ષણ આપે છે?
૨ યહોવા આજે પણ ધ્યાન રાખે છે કે તેમના ભક્તો સોંપેલું કામ વ્યવસ્થિત રીતે કરતા રહે. તે કઈ રીતે એવું કરે છે? તેમના માર્ગદર્શન પ્રમાણે ઈસુ ૧૯૧૯થી અભિષિક્ત ભાઈઓથી બનેલા એક નાના જૂથનો ઉપયોગ કરે છે. એ જૂથ દ્વારા તે ધ્યાન રાખે છે કે પ્રચારકામ વ્યવસ્થિત રીતે થતું રહે અને ભાઈ-બહેનોને યોગ્ય સમયે બાઇબલનું શિક્ષણ મળતું રહે. a (લૂક ૧૨:૪૨) સાફ જોઈ શકીએ છીએ કે યહોવા એ જૂથનાં કામ પર આશીર્વાદ આપી રહ્યા છે.—યશા. ૬૦:૨૨; ૬૫:૧૩, ૧૪.
૩-૪. (ક) દાખલો આપીને સમજાવો કે વ્યવસ્થિત રીતે કામ કરવાથી કેવો ફાયદો થાય છે. (ખ) આ લેખમાં શું જોઈશું?
૩ જો આપણે વ્યવસ્થિત રીતે કામ કરતા ન હોત, તો ઈસુએ સોંપેલું કામ કરી શક્યા ન હોત. (માથ. ૨૮:૧૯, ૨૦) દાખલા તરીકે, જો આપણને કોઈ પ્રચાર વિસ્તાર સોંપવામાં ન આવે અને આપણે મન ફાવે ત્યાં પ્રચાર કરીએ, તો શું થયું હોત? કદાચ અમુક જગ્યાએ વારેઘડીએ પ્રચાર થયો હોત, તો અમુક જગ્યાએ જરાય પ્રચાર ન થયો હોત. સાચે જ, વ્યવસ્થિત રીતે કામ કરવાથી કેટલા ફાયદા થાય છે! શું તમે બીજા અમુક ફાયદા વિશે વિચારી શકો?
૪ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે શિષ્યોને શીખવ્યું હતું કે તેઓ વ્યવસ્થિત રીતે કામ કરવા શું કરી શકે. આજે આપણા સંગઠનમાં એ જ રીતે કામ થાય છે. આ લેખમાં જોઈશું કે ઈસુએ શું કર્યું હતું અને સંગઠન કઈ રીતે ઈસુને અનુસરે છે. એ પણ જોઈશું કે આપણને યહોવાના સંગઠનમાં પૂરો ભરોસો છે એવું કઈ રીતે બતાવી શકીએ.
આપણું સંગઠન ઈસુને અનુસરે છે
૫. ઈસુની જેમ આજે યહોવાનું સંગઠન શું કરે છે? (યોહાન ૮:૨૮)
૫ ઈસુએ જે કંઈ કર્યું અને કહ્યું એ તે પોતાના પિતા યહોવા પાસેથી શીખ્યા હતા. યહોવાનું સંગઠન ઈસુનો દાખલો અનુસરે છે, બાઇબલને આધારે શીખવે છે કે ખરું શું અને ખોટું શું. તેમ જ, સંગઠન જે કંઈ માર્ગદર્શન આપે છે, એ પણ બાઇબલને આધારે છે. (યોહાન ૮:૨૮ વાંચો; ૨ તિમો. ૩:૧૬, ૧૭) આપણને વારંવાર કહેવામાં આવે છે કે બાઇબલ વાંચીએ અને એની વાતો જીવનમાં લાગુ પાડીએ. એ સલાહ પાળવાથી કેવા ફાયદા થાય છે?
૬. બાઇબલનો અભ્યાસ કરવાથી કેવો ફાયદો થાય છે?
૬ બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્યમાંથી અભ્યાસ કરીએ છીએ ત્યારે, ઘણા ફાયદા થાય છે. દાખલા તરીકે, સંગઠન પાસેથી કોઈ માર્ગદર્શન મળે ત્યારે આપણે સરખાવી શકીએ છીએ કે બાઇબલમાં એ વિશે શું જણાવ્યું છે. જ્યારે જોઈએ છીએ કે એ માર્ગદર્શન બાઇબલને આધારે છે, ત્યારે યહોવાના સંગઠન પર આપણો ભરોસો વધારે મજબૂત થાય છે.—રોમ. ૧૨:૨.
૭. ઈસુએ કયો સંદેશો જણાવ્યો? યહોવાના સંગઠનના લોકો કઈ રીતે ઈસુને અનુસરે છે?
૭ ઈસુએ લોકોને “ઈશ્વરના રાજ્યની ખુશખબર” જણાવી. (લૂક ૪:૪૩, ૪૪) તેમણે પોતાના શિષ્યોને પણ એ ખુશખબર જણાવવાની આજ્ઞા આપી. (લૂક ૯:૧, ૨; ૧૦:૮, ૯) આજે યહોવાના સંગઠનમાં ભલે લોકો ગમે ત્યાં રહેતા હોય અથવા તેઓ પાસે ગમે એટલી જવાબદારી હોય, તેઓ ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવે છે.
૮. આપણને કયો મોટો લહાવો મળ્યો છે?
૮ લોકોને ઈશ્વરના રાજ્ય વિશે જણાવવાનો આપણને બહુ મોટો લહાવો મળ્યો છે, જે કંઈ બધાને નથી મળતો. જેમ કે, ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે દુષ્ટ દૂતોને તેમના વિશે સાક્ષી આપતા અટકાવ્યા હતા. (લૂક ૪:૪૧) આજે જે લોકો યહોવાના સાક્ષીઓ સાથે પ્રચારકામમાં ભાગ લેવા માંગે છે, તેઓએ પહેલા તો યહોવા ખુશ થાય એ રીતે જીવન જીવવું જોઈએ. આપણે કઈ રીતે બતાવી શકીએ કે પ્રચારકામના લહાવાની ખૂબ કદર કરીએ છીએ? કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ ખુશખબર જણાવવા તૈયાર રહીએ. ઈસુની જેમ આપણે પણ લોકોનાં દિલમાં ઈશ્વરના રાજ્યનું બી રોપવા અને એને પાણી પાવા માંગીએ છીએ.—માથ. ૧૩:૩, ૨૩; ૧ કોરીં. ૩:૬.
૯. બીજાઓને ઈશ્વરનું નામ જણાવવા યહોવાનું સંગઠન શું કરે છે?
૯ ઈસુએ લોકોને ઈશ્વરનું નામ જણાવ્યું. ઈસુએ પોતાના પિતાને પ્રાર્થનામાં કહ્યું હતું: “મેં તેઓને તમારું નામ જણાવ્યું છે.” (યોહા. ૧૭:૨૬) આજે ઈસુના દાખલાને અનુસરીને યહોવાનું સંગઠન બીજાઓને ઈશ્વરનું નામ જણાવવા બનતું બધું કરે છે. જેમ કે, પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં ઈશ્વરનું નામ એની યોગ્ય જગ્યાએ પાછું મૂકવામાં આવ્યું છે. આખું બાઇબલ અથવા એનાં અમુક પુસ્તકો ૨૭૦ કરતાં વધારે ભાષામાં પ્રાપ્ય છે. નવી દુનિયા ભાષાંતર બાઇબલની વધારે માહિતી ક-૪ અને ક-૫માં જણાવ્યું છે કે ઈશ્વરનું નામ કેમ એની યોગ્ય જગ્યાએ પાછું મૂકવામાં આવ્યું છે. b
૧૦. મ્યાનમારમાં રહેતી એક સ્ત્રીના અનુભવથી તમને શું શીખવા મળ્યું?
૧૦ ઈસુની જેમ આપણે પણ વધારે ને વધારે લોકોને ઈશ્વરનું નામ જણાવવા માંગીએ છીએ. મ્યાનમારમાં રહેતી ૬૭ વર્ષની એક સ્ત્રીને જ્યારે જાણવા મળ્યું કે ઈશ્વરનું નામ યહોવા છે, ત્યારે તેની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. એ સ્ત્રીએ બાઇબલમાંથી શીખવનાર બહેનને કહ્યું: “જીવનમાં પહેલી વાર મને જાણવા મળ્યું કે ઈશ્વરનું નામ યહોવા છે. . . . સૌથી મહત્ત્વની વાત તેં જ મને શીખવી છે.” આ અનુભવ શું બતાવે છે? જ્યારે નમ્ર દિલના લોકો ઈશ્વરનું નામ સાંભળે છે, ત્યારે તેઓ પર જોરદાર અસર થાય છે.
તમને સંગઠન પર ભરોસો છે એ બતાવતા રહો
૧૧. વડીલો કઈ રીતે બતાવી શકે કે તેઓને યહોવાના સંગઠન પર પૂરો ભરોસો છે? (ચિત્ર પણ જુઓ.)
૧૧ વડીલો કઈ રીતે બતાવી શકે કે તેઓને યહોવાના સંગઠન પર પૂરો ભરોસો છે? એક રીત છે, કોઈ માર્ગદર્શન મળે ત્યારે વડીલો એને ધ્યાનથી વાંચે અને એ પ્રમાણે કરવાની પૂરેપૂરી કોશિશ કરે. દાખલા તરીકે, વડીલોને જણાવવામાં આવે છે કે સભાના ભાગ કઈ રીતે લેવા અને સભામાં કઈ રીતે પ્રાર્થના કરાવવી. તેઓને એ પણ જણાવવામાં આવે છે કે ખ્રિસ્તનાં ઘેટાં, એટલે કે ભાઈ-બહેનોની સંભાળ કઈ રીતે રાખવી. જ્યારે વડીલો સંગઠન તરફથી મળતું માર્ગદર્શન પાળે છે, ત્યારે ભાઈ-બહેનો યહોવાનો પ્રેમ અને હૂંફ અનુભવી શકે છે.
૧૨. (ક) કેમ આગેવાની લેતા ભાઈઓને સાથ આપવો જોઈએ? (હિબ્રૂઓ ૧૩:૭, ૧૭) (ખ) કેમ એ ભાઈઓના સારા ગુણો પર ધ્યાન આપવું જોઈએ?
૧૨ વડીલો પાસેથી કોઈ માર્ગદર્શન મળે ત્યારે એને રાજીખુશીથી પાળવું જોઈએ. એમ કરીશું તો આગેવાની લેતા ભાઈઓ પોતાનું કામ સહેલાઈથી કરી શકશે. બાઇબલમાં જણાવ્યું છે કે આપણે એ ભાઈઓનું કહેવું માનીએ અને તેઓને આધીન રહીએ. (હિબ્રૂઓ ૧૩:૭, ૧૭ વાંચો.) પણ એમ કરવું અમુક વાર અઘરું બની શકે છે. શા માટે? કેમ કે એ ભાઈઓમાં પણ અમુક નબળાઈઓ છે. પણ તેઓના સારા ગુણોને બદલે તેઓની ખામીઓ પર જ ધ્યાન આપીશું તો, એ તો આપણા દુશ્મનોને સાથ આપવા બરાબર છે. કઈ રીતે? જો વડીલોની ખામીઓ પર જ ધ્યાન આપીશું, તો સંગઠનમાં પણ ખામીઓ જ દેખાશે અને સંગઠન પરથી આપણો ભરોસો ઊઠી જશે. આપણા દુશ્મનો એવું જ તો ચાહે છે. તો પછી વિરોધીઓનાં જૂઠાણાંને પારખવા અને એનાથી દૂર રહેવા શું કરી શકીએ?
કોઈને પણ તમારો ભરોસો તોડવા ન દો
૧૩. વિરોધીઓ કઈ રીતે આપણા સંગઠનને બદનામ કરે છે?
૧૩ આપણા વિરોધીઓ સંગઠનની સારી વાતોને ખરાબ કહીને બદનામ કરે છે. દાખલા તરીકે, બાઇબલમાંથી આપણે શીખ્યા, યહોવા ચાહે કે તેમના ભક્તો ચોખ્ખા રહે, શુદ્ધ વાણી-વર્તન રાખે અને તેમને ગમે છે એ રીતે ભક્તિ કરે. તે એ પણ ચાહે છે કે જે વ્યક્તિ ખોટાં કામ કરતી રહે છે અને પસ્તાવો કરતી નથી, તેને મંડળથી દૂર કરવામાં આવે. (૧ કોરીં. ૫:૧૧-૧૩; ૬:૯, ૧૦) આપણે બાઇબલની એ આજ્ઞાઓ પાળીએ છીએ. પણ એ જોઈને વિરોધીઓ કહે છે કે આપણે લોકોને પ્રેમ કરતા નથી, તેઓની ભૂલો શોધીએ છીએ અને તેઓને પોતાની મરજી પ્રમાણે જીવવા દેતા નથી.
૧૪. યહોવાના સંગઠન વિરુદ્ધ કોણ જૂઠી વાતો ફેલાવે છે?
૧૪ દુશ્મનને ઓળખીએ. શેતાન આપણા સંગઠન વિરુદ્ધ જાતજાતનાં જૂઠાણાં ફેલાવે છે, કેમ કે તે “જૂઠાનો બાપ છે.” (યોહા. ૮:૪૪; ઉત. ૩:૧-૫) એટલે આપણને એ વાતની નવાઈ નથી લાગતી કે શેતાન પોતાને સાથ આપતા લોકો દ્વારા યહોવાના સંગઠન વિરુદ્ધ જૂઠી વાતો અને અફવાઓ ફેલાવે છે. પહેલી સદીમાં પણ તેણે એવું જ કર્યું હતું.
૧૫. ધાર્મિક આગેવાનોએ કઈ રીતે ઈસુ અને તેમના શિષ્યો વિરુદ્ધ જૂઠી વાતો ફેલાવી?
૧૫ પહેલી સદીમાં શેતાને અમુક લોકો દ્વારા ઈશ્વરના દીકરા વિરુદ્ધ એક પછી એક જૂઠાણાં ફેલાવ્યાં. ઈસુમાં કોઈ ખામી ન હતી અને તે ઈશ્વરની શક્તિની મદદથી અદ્ભુત ચમત્કારો કરતા હતા. પણ ધાર્મિક આગેવાનો દાવો કરતા કે “તે દુષ્ટ દૂતોના રાજાની મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.” (માર્ક ૩:૨૨) ઈસુ પર મુકદ્દમો ચાલતો હતો ત્યારે તેઓએ તેમના પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ મૂક્યો અને લોકોને ઉશ્કેર્યા કે તેઓ ઈસુ માટે મોતની સજા માંગે. (માથ. ૨૭:૨૦) સમય જતાં, ઈસુના શિષ્યો પ્રચાર કરતા હતા ત્યારે વિરોધીઓએ એવું જ કંઈક કર્યું. તેઓએ લોકોને “ઉશ્કેર્યા અને તેઓનાં મનમાં ઝેર ભર્યું,” જેથી તેઓ શિષ્યોની સતાવણી કરે. (પ્રે.કા. ૧૪:૨, ૧૯) પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨ વિશે ડિસેમ્બર ૧, ૧૯૯૮ના ચોકીબુરજમાં સમજાવ્યું હતું: ‘યહૂદી વિરોધીઓએ પોતે તો સંદેશાને તરછોડ્યો, પરંતુ તેઓને ફક્ત એટલાથી જ સંતોષ ન થયો, તેઓ ખ્રિસ્તીઓ પર જૂઠા આરોપો મૂકવામાં સામેલ થયા અને બીજી પ્રજાના લોકોમાં તેઓ વિરુદ્ધ પૂર્વગ્રહ પેદા કરવા માટે પ્રયત્ન કર્યો.’
૧૬. જૂઠી વાતો અને અફવાઓ સાંભળવા મળે ત્યારે શું યાદ રાખવું જોઈએ?
૧૬ શેતાન આજે પણ જંપીને બેઠો નથી. તે “આખી દુનિયાને ખોટે માર્ગે દોરે છે.” (પ્રકટી. ૧૨:૯) જો તમને યહોવાના સંગઠન અને આગેવાની લેતા ભાઈઓ વિરુદ્ધ જૂઠી વાતો સાંભળવા મળે, તો શું યાદ રાખી શકો? એ જ કે વિરોધીઓએ પહેલી સદીમાં ઈસુ અને તેમના શિષ્યો વિશે પણ જૂઠી વાતો ફેલાવી હતી. બાઇબલમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે યહોવાના લોકોએ સતાવણી સહેવી પડશે અને લોકો તેઓ વિશે જૂઠું બોલીને અનેક પ્રકારની ખરાબ વાતો કરશે. (માથ. ૫:૧૧, ૧૨) આજે એવું જ થઈ રહ્યું છે. જો એ મનમાં રાખીશું કે આપણો દુશ્મન કોણ છે અને તરત પગલાં ભરીશું, તો જૂઠી વાતો અને અફવાઓ સાચી માની નહિ લઈએ. પણ કયાં પગલાં ભરવાં જોઈએ?
૧૭. જૂઠી વાતોથી દૂર રહેવા શું કરી શકીએ? (૨ તિમોથી ૧:૧૩) (“ જૂઠી વાતો સાંભળવા મળે ત્યારે શું કરવું જોઈએ?” બૉક્સ પણ જુઓ.)
૧૭ જૂઠી વાતોથી દૂર રહીએ. પ્રેરિત પાઉલે સાફ જણાવ્યું હતું કે જૂઠી વાતો સાંભળવા મળે ત્યારે શું કરવું જોઈએ. તેમણે તિમોથીને કહ્યું હતું કે તે ‘લોકોને કડક સલાહ આપે, જેથી તેઓ ખોટી વાર્તાઓ પર ધ્યાન આપે નહિ.’ તેમ જ, ‘ઈશ્વરની નિંદા કરનાર જૂઠી વાર્તાઓથી દૂર રહે.’ (૧ તિમો. ૧:૩, ૪; ૪:૭) આનો વિચાર કરો: એક નાનું બાળક જમીન પર પડેલી કોઈ પણ વસ્તુ મોંમાં નાખી દેશે. પણ એક મોટી કે સમજદાર વ્યક્તિ એવું નહિ કરે. કેમ કે તેને ખબર છે કે એવું કરવાથી તે બીમાર પડી શકે છે. એવી જ રીતે, આપણે પણ જૂઠી વાતોથી દૂર રહીએ છીએ, કેમ કે આપણને ખબર છે કે એની પાછળ કોનો હાથ છે. એટલું જ નહિ, આપણે ‘ખરા શિક્ષણને’ વળગી રહીએ છીએ.—૨ તિમોથી ૧:૧૩ વાંચો.
૧૮. યહોવાના સંગઠન પર ભરોસો છે એવું કઈ રીતે બતાવી શકીએ?
૧૮ આપણું સંગઠન અનેક રીતે ઈસુને અનુસરે છે. આ લેખમાં આપણે ફક્ત એવી ત્રણ રીતો જોઈ. પણ બાઇબલ અભ્યાસ કરતી વખતે તમે બીજી ઘણી રીતો પર ધ્યાન આપી શકો. વધુમાં, મંડળનાં ભાઈ-બહેનોને મદદ કરો, જેથી તેઓનો યહોવાના સંગઠન પર ભરોસો મજબૂત થાય. તમે પોતે યહોવાને વફાદાર રહો અને તેમના સંગઠનને સાથ આપતા રહો. આમ બતાવી આપો કે તમને યહોવાના સંગઠન પર પૂરો ભરોસો છે, જેના દ્વારા તે પોતાની ઇચ્છા પૂરી કરી રહ્યા છે. આપણને એવાં ભાઈ-બહેનો સાથે કામ કરવાનો લહાવો મળ્યો છે, જેઓ યહોવાને ખૂબ પ્રેમ કરે છે અને તેમને વફાદાર છે. (ગીત. ૩૭:૨૮) તો ચાલો એ લહાવાને હંમેશાં કીમતી ગણતા રહીએ.
તમે શું કહેશો?
-
યહોવાનું સંગઠન કઈ અલગ અલગ રીતે ઈસુને અનુસરે છે?
-
આપણને યહોવાના સંગઠન પર ભરોસો છે એવું કઈ રીતે બતાવતા રહી શકીએ?
-
જૂઠી વાતો કે અફવાઓ સાંભળવા મળે તો શું કરવું જોઈએ?
ગીત ૪૨ ‘નબળાઓને મદદ કરીએ’
a આખી ધરતી પર યહોવાની ભક્તિ! પુસ્તકનાં પાનાં ૧૦૨-૧૦૩ પર આપેલું આ બૉક્સ જુઓ: “૧૯૧૯ જ કેમ?”
b ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન સ્ટડી બાઇબલમાં “ઍપેન્ડિક્સ સી” પણ જુઓ. એમાં ઢગલો સાબિતીઓ આપી છે કે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ કેમ ૨૩૭ વખત આવવું જોઈએ.
c ચિત્રની સમજ: જાહેરમાં પ્રચાર કરવા વિશે સંગઠનના માર્ગદર્શન પર વડીલો ચર્ચા કરે છે. પછી એક ગ્રૂપ નિરીક્ષક એ જ માર્ગદર્શન બે બહેનોને આપે છે, જેઓ ટ્રૉલી આગળ ઊભી છે. સલામતીને ધ્યાનમાં રાખતા તે તેઓને દીવાલને અડીને ઊભા રહેવાનું કહે છે.