જીવન સફર
તેઓએ સારો દાખલો બેસાડ્યો, હું તેઓનો પડછાયો બન્યો
મેં તેમને પૂછ્યું, ‘તમે જાણો છો મારી ઉંમર કેટલી છે?’ સામેથી ભાઈ આઇઝેક મરેએ જવાબ આપ્યો, ‘મને બરાબર ખબર છે કે તમારી ઉંમર કેટલી છે.’ ભાઈએ મને પેટરસન, ન્યૂ યૉર્કથી કૉલરાડો ફોન કર્યો હતો. ચાલો, હું તમને જણાવું કે એ વાતચીતની શરૂઆત કેવી રીતે થઈ હતી.
મારો જન્મ ૧૦ ડિસેમ્બર, ૧૯૩૬માં અમેરિકાના કૅન્ઝસમાં આવેલા વીચિટા નામના ગામમાં થયો હતો. મારા કુટુંબમાં હું સૌથી મોટો દીકરો છું. મારાં મમ્મી-પપ્પા વિલિયમ અને જિન યહોવાના વફાદાર સેવકો હતાં. મારા પપ્પા મંડળમાં કંપની સેવક તરીકે સેવા આપતા હતા, જે આજે વડીલોના સેવક તરીકે ઓળખાય છે. મારાં નાનીનું નામ ઈમા વેગ્નર છે. તેમણે મમ્મીને સત્ય આપ્યું હતું. નાનીએ ઘણા લોકોને સત્ય શીખવા મદદ કરી હતી. એમાંના એક ગર્ટ્રુડ સ્ટીલ હતા, જેમણે પોર્ટો રિકોમાં મિશનરી તરીકે સેવા આપી હતી. * આમ, મારી આસપાસ વફાદાર સેવકોની વાદળારૂપી ભીડ હતી, જેમના પગલે હું ચાલી શકતો હતો.
સારા દાખલાઓની મીઠી યાદો
શનિવારની એ સાંજ મને હજી યાદ છે. હું ત્યારે પાંચ વર્ષનો હતો. હું અને પપ્પા, રસ્તા પર આવતા જતા લોકોને ચોકીબુરજ અને કોન્સોલેશન (હવે સજાગ બનો!) મૅગેઝિન આપી રહ્યા હતા. એ સમયે દેશ બીજા વિશ્વયુદ્ધની જ્વાળાઓમાં લપેટાયેલો હતો. જોકે, એવા સંજોગોમાં પણ મારા પપ્પા તટસ્થ રહ્યા હતા. દારૂના નશામાં ચકચૂર એક ડૉક્ટર ત્યાં આવ્યો. તે મારા પપ્પા પર આરોપ મૂકવા લાગ્યો કે, પપ્પા કાયર છે અને યુદ્ધમાં ન જોડાવવા માટે બહાનાં કાઢી રહ્યા છે. તેનો ચહેરો મારા પપ્પાના ચહેરાની એકદમ નજીક લાવી તેણે કહ્યું: ‘મને માર. બીકણ, કેમ મને મારતો નથી?’ હું તો ખૂબ ડરી ગયો હતો. પરંતુ, હું મારા પપ્પાની ખૂબ પ્રશંસા કરું છું. તેમણે તો બસ એ બનાવ જોઈ રહેલા લોકોને મૅગેઝિન આપવાનું ચાલુ રાખ્યું હતું. એ જ સમયે, એક સૈનિક ત્યાંથી પસાર થતો હતો. તેને જોઈને ડૉક્ટરે તેને બૂમ પાડી અને કહ્યું, ‘આ બીકણનું કંઈક કરો.’ સૈનિકને અણસાર આવી ગયો કે તે પીધેલો છે, એટલે તેને કહ્યું: ‘ઘરે જા અને ભાનમાં આવ.’ પછી, તેઓ બંને ત્યાંથી ચાલ્યા ગયા. યહોવાએ મારા પપ્પાને જે હિંમત આપી એ માટે હું તેમનો ખૂબ આભારી છું. મારા પપ્પા વાળંદ હતા અને વીચિટામાં તેમની બે દુકાનો હતી. પેલો ડૉક્ટર તો મારા પપ્પાનો ગ્રાહક હતો!
હું આઠ વર્ષનો હતો ત્યારે, મમ્મી-પપ્પાએ અમારું ઘર અને દુકાનો વેચી દીધી અને હરી-ફરી શકે એવું નાનું ઘર બનાવ્યું. પછી અમે પ્રકાશકોની વધારે જરૂર હોય એવી જગ્યાએ સેવા આપવાનો નિર્ણય કર્યો. તેથી, અમે કૉલરાડો રાજ્યના ગ્રાંડ
જંકશન નામના શહેરમાં રહેવા ગયા. તેઓ પાયોનિયરીંગ કરતા અને ઘર ચલાવવા પશુઉછેર અને ખેતીકામ કરતા. યહોવાના આશીર્વાદ અને તેઓની તનતોડ મહેનતને લીધે ત્યાં જલદી જ એક મંડળ શરૂ થયું. ૨૦ જૂન, ૧૯૪૮માં મારા પપ્પાએ પહાડ પરથી વહેતા એક ઝરણામાં મને અને સત્ય સ્વીકારનાર બીજા અમુકને બાપ્તિસ્મા આપ્યું. એમાં બિલી નિકોલસ અને તેમના પત્ની પણ હતા. પછીથી, એ યુગલે સરકીટ કામ શરૂ કર્યું. તેમના દીકરા અને તેની પત્નીએ પણ એમ જ કર્યું.યહોવાની સેવામાં વ્યસ્ત હોય એવાં ઘણાં ભાઈ-બહેનો સાથે અમારી સારી દોસ્તી હતી, ખાસ કરીને સ્ટીલ કુટુંબ સાથે. એ કુટુંબમાં ડોન અને અર્લિન, ડેવ અને જુલિયા, સિ અને માર્થા હતાં. તેઓ સાથે બાઇબલમાંથી ચર્ચા કરવાનું અમને ખૂબ ગમતું. તેઓના સારા દાખલાની મારા પર ઊંડી અસર થઈ. તેઓએ મને એ સમજવા મદદ કરી કે, યહોવાના રાજ્યને પ્રથમ સ્થાન આપીએ છીએ ત્યારે, આપણા જીવનને સાચો હેતુ મળે છે અને આપણું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.
ફરી એક વાર નવી જગ્યાએ જવું
બડ હસ્ટી નામના અમારા એક મિત્રે યુનાઈટેડ સ્ટેટ્સના દક્ષિણ ભાગમાં પાયોનિયરીંગ કરવા મને આમંત્રણ આપ્યું. એ વખતે હું ૧૯ વર્ષનો હતો. સરકીટ નિરીક્ષકે અમને લુઇઝિઍના રાજ્યના રસ્ટન શહેરમાં જવા જણાવ્યું; કારણ કે, ત્યાં રહેતા ઘણા યહોવાના સાક્ષીઓ ભક્તિમાં ઠંડા પડી ગયા હતા. તેમણે અમને જણાવ્યું કે, ભલે કોઈ ન આવે, પણ તમે નિયમિત રીતે અઠવાડિયાની બધી સભા ચલાવજો. સભા ચલાવવા અમને એક જગ્યા મળી અને અમે તેને થોડી વ્યવસ્થિત કરી. અમે બધી જ સભાનું આયોજન કરતા, પણ અમુક સમય સુધી અમારા બે સિવાય બીજું કોઈ જ ન આવતું. અમે વારાફરતી સભાના ભાગો હાથ ધરતા. હું ભાગ લઉં ત્યારે બધા જવાબ બડ આપતો અને તે ભાગ લે ત્યારે બધા જવાબ હું આપતો. જો ભાગમાં દૃશ્ય ભજવવાનું હોય, તો અમે બંને પ્લેટફોર્મ પર એ ભજવતા, પણ શ્રોતાગણ ખાલીખમ. આખરે, એક વૃદ્ધ બહેને સભામાં આવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે, અમુક બાઇબલ વિદ્યાર્થીઓ અને ભક્તિમાં ઠંડાં પડી ગયેલાં ભાઈ-બહેનોએ પણ સભામાં આવવાનું શરૂ કર્યું. જોતજોતામાં, અમારું નાનકડું વૃંદ એક મંડળ બની ગયું.
એક દિવસે, હું અને બડ એક પાદરીને મળ્યા. તે એવી કલમો વિશે વાત કરતો હતો, જે વિશે હું કંઈ જાણતો ન હતો. એ વાત મારા દિલમાં ખટકવા લાગી અને મારી માન્યતા પર ઊંડાણપૂર્વક વિચાર કરવા એણે મને મજબૂર કરી. એક આખું અઠવાડિયું મેં મોડી રાત સુધી જાગીને પેલા પાદરીએ પૂછેલા સવાલોના જવાબ મેળવવા અભ્યાસ કર્યો. એનાથી મને યહોવા સાથેનો મારો સંબંધ ગાઢ બનાવવા મદદ મળી. હવે, હું ચર્ચના બીજા સભ્યોને મળવા તત્પર હતો.
એના થોડા જ સમય પછી, સરકીટ નિરીક્ષકે મને આર્કન્સોમાં આવેલા અલ ડોરાડોના મંડળને મદદ કરવા જણાવ્યું. ત્યાં ગયા પછી મારે અવારનવાર કૉલરાડો જવું પડતું અને લશ્કરની એક સમિતિ સમક્ષ હાજર થવું પડતું. એ સમિતિ નક્કી કરતી કે
લશ્કરમાં કોની ભરતી કરવી. એક વખતે, હું અને બીજા પાયોનિયરો મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ટેક્સાસમાં અમારો અકસ્માત થયો. મારી ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો. અમે એક ભાઈનો સંપર્ક કર્યો; તે ત્યાં આવ્યા અને અમને તેમના ઘરે લઈ ગયા. પછી અમને સભામાં પણ લઈ ગયા. એ સભામાં અમારા અકસ્માતની જાહેરાત કરવામાં આવી અને ભાઈઓએ રાજીખુશીથી અમને અમુક પૈસા આપ્યા. તે ભાઈએ ૨૫ ડૉલરમાં મારી ગાડી વેચી આપી.ત્યાંથી વીચિટા સુધી પહોંચવા અમને સવારી મળી ગઈ. અમારા ખાસ મિત્ર, ઈ. એફ. મેકકાર્ટની, ત્યાં પાયોનિયરીંગ કરતા હતા. અમે તેમને પ્રેમથી ડૉક કહીને બોલાવતા. તેમના જોડિયા દીકરાઓ ફ્રેંક અને ફ્રાન્સિસ આજે પણ મારા ખાસ મિત્રો છે. તેઓ પાસે એક જૂની ગાડી હતી, જે તેઓએ મને ર૫ ડૉલરમાં વેચી. હા, એટલી જ રકમ, જેટલી મને મારી તૂટેલી કારના બદલામાં મળી હતી. મારા જીવનનો આ પહેલો બનાવ હતો, જ્યારે હું પોતે મહેસૂસ કરી શક્યો કે, રાજ્યને પ્રથમ રાખવાને લીધે યહોવાએ મારી જરૂરિયાત પૂરી કરી હતી. એ મુલાકાત વખતે, મેકકાર્ટની કુટુંબે મારી ઓળખ બેથેલ ક્રેન નામની એક સુંદર બહેન સાથે કરાવી. તેના મમ્મી રૂથ, કૅન્ઝસના વેલિંગ્ટનમાં ખૂબ જ ઉત્સાહથી પ્રચાર કરતા હતાં. લગભગ ૯૫ વર્ષના થયા ત્યાં સુધી તેમણે પાયોનિયરીંગ ચાલુ રાખ્યું હતું. એક જ વર્ષમાં એટલે કે ૧૯૫૮માં, મેં અને બેથેલે લગ્ન કર્યું અને પછી બેથેલ મારી સાથે પાયોનિયરીંગ કરવામાં જોડાઈ ગઈ.
દિલ ઝૂમી ઊઠે એવું આમંત્રણ
નાનપણથી જ અમારી આસપાસ વફાદાર ભક્તોના ઘણા સારા દાખલા હતા. અમે તેઓ જેવા બનવા ચાહતા હતા. એટલે, અમે નક્કી કર્યું કે યહોવાના સંગઠન તરફથી કોઈ પણ સોંપણી મળે અમે એને દિલથી સ્વીકારીશું. આર્કન્સોના વોલનટ રીડ્જમાં અમને ખાસ પાયોનિયર તરીકેની સોંપણી મળી. પછી, ૧૯૬૨માં અમને ગિલયડ સ્કૂલના ૩૭મા વર્ગમાં જવાનું આમંત્રણ મળ્યું. એવી સોનેરી તક મળવાથી અમારું દિલ ઝૂમી ઊઠ્યું. ડોન સ્ટીલ પણ અમારી સાથે એ જ વર્ગમાં હશે એનાથી તો જાણે સોનામાં સુગંધ ભળી ગઈ. ગ્રેજ્યુએટ થયા પછી અમને કેન્યાના નૈરોબીમાં સોંપણી મળી. ન્યૂ યૉર્ક છોડતા અમને ખૂબ દુઃખ થયું. પણ, નૈરોબીમાં એરપોર્ટની બહાર આવ્યા ત્યારે, અમને મળવા આવેલા ત્યાંના ભાઈઓને જોઈને અમારા આંસુ ખુશીમાં બદલાઈ ગયા.
કેન્યામાં પ્રચાર કરવા અને ત્યાંની રહેણીકરણીમાં ઢળી જવા અમને બહુ સમય ન લાગ્યો. ક્રિસ અને મેરી કનૈયા અમારા પહેલા બાઇબલ વિદ્યાર્થીઓ હતાં, જેઓએ સત્ય સ્વીકાર્યું હતું. તેઓ આજે પણ કેન્યામાં પૂરા સમયની સેવા કરી રહ્યા છે. એ પછીના વર્ષે, અમને યુગાન્ડા દેશના કંપાલા શહેરમાં જવાનું કહેવામાં આવ્યું. એ દેશમાં અમે સૌથી પહેલા મિશનરી હતા. ઘણાને બાઇબલ સત્યની તરસ હતી અને તેઓમાંથી ઘણાં આપણાં ભાઈ-બહેન બન્યાં. એ સમય એકદમ રોમાંચક હતો. જોકે, આફ્રિકામાં આવ્યાને સાડા ત્રણ વર્ષ પછી અમે કુટુંબને આગળ વધારવા અમેરિકા પાછા જવાનો નિર્ણય લીધો. અમે ભારે હૈયે ન્યૂ યૉર્ક છોડ્યું હતું, પણ આફ્રિકા છોડવાનું દુઃખ એનાથી પણ વધારે હતું! આફ્રિકાના લોકો અમને બહુ પ્રિય થઈ ગયા હતા. અમે એ આશા સાથે આફ્રિકા છોડ્યું કે કોઈક દિવસે ત્યાં પાછા જઈશું.
એક નવી સોંપણી
અમે પશ્ચિમ કૉલરાડોમાં રહેવા ગયા, જ્યાં મારાં મમ્મી-પપ્પા રહેતાં હતાં. થોડા જ સમયમાં, અમારી પહેલી દીકરી કિમ્બર્લીનો જન્મ થયો અને એના ૧૭ મહિના પછી સ્ટેફનીનો. મમ્મી-પપ્પા તરીકેની નવી સોંપણી અમારા માટે ખૂબ મહત્ત્વની હતી. ઢીંગલી જેવી સુંદર દીકરીઓને સત્ય શીખવવા અમે સખત મહેનત કરી. બીજાઓએ અમારા માટે સારો દાખલો બેસાડ્યો હતો, તેમ અમે પણ અમારી દીકરીઓ માટે સારો દાખલો બેસાડવા ચાહતા હતા. અમે જાણતા હતા કે, સારા દાખલાની બાળકો પર ઊંડી અસર થાય છે, પરંતુ એ ગેરંટી નથી આપતું કે બાળકો મોટાં થઈને પણ યહોવાની ભક્તિમાં લાગુ રહેશે. દુઃખની વાત છે કે, મારાં નાના ભાઈ અને બહેને સત્ય છોડી દીધું. હું આશા રાખું છું કે, જે સારા દાખલા જોઈને અમે મોટાં થયાં હતાં, તેઓ એને ફરીથી અનુસરે.
અમારી દીકરીઓને ઉછેરવામાં અમને ઘણો આનંદ મળતો અને બધાં કામ કુટુંબ તરીકે ભેગા મળીને કરવાની અમે કોશિશ કરતા. અમે કૉલરાડોના એસ્પેન શહેર નજીક રહેતા હતા. એટલે, અમે સ્કીઇંગ કરવાનું શીખ્યા, જેથી ભેગા મળીને કોઈક વાર એનો આનંદ માણી શકીએ. સ્કીઇંગ કરવા જતા ત્યારે, અમને દીકરીઓ સાથે વાત કરવાની સારી તક મળતી. અમુક વાર, અમે તેઓ જોડે ફરવા જતા, ખુલ્લામાં તંબુ બાંધીને રહેતા અને તાપણી કરતાં કરતાં તેઓ સાથે સરસ મજાની વાતો કરતા. તેઓ ઉંમરમાં હજી ઘણી નાની હતી, છતાં તેઓ પૂછતી: ‘મોટી થઈને હું શું કરીશ? હું કેવી વ્યક્તિ જોડે પરણીશ?’ અમારી દીકરીઓ યહોવાનાં ધોરણોને પ્રેમ કરવાનું શીખે એ માટે અમે બનતી મહેનત કરી. અમે તેઓને હંમેશાં પૂરા સમયની સેવાનો ધ્યેય રાખવાનું તેમજ એવો જ ધ્યેય રાખતી વ્યક્તિ જોડે પરણવાનું ઉત્તેજન આપ્યું. અમે તેઓને એ સમજવા પણ મદદ કરી કે, કુમળી વયે લગ્ન ન કરે એ સૌથી સારું છે. અમે અવારનવાર તેઓને કહેતા: ‘૨૩ વર્ષની થાઓ પછી જ લગ્ન કરજો.’
અમારાં મમ્મી-પપ્પાનું અનુકરણ કરીને અમે પણ સભાઓમાં જવા મહેનત કરતા અને કુટુંબ તરીકે નિયમિત રીતે સેવાકાર્યમાં ભાગ લેતા. પૂરા સમયની સેવા કરતા અમુક ભાઈ-બહેનો અમારા ઘરે રોકાય એવી અમે ગોઠવણ કરતા. અમે ઝંખના રાખતા કે કોઈ દિવસ અમે ચારેય સાથે મળીને આફ્રિકા જઈશું. અમારી દીકરીઓ પણ એવું જ ચાહતી હતી.
અમે નિયમિત રીતે કૌટુંબિક અભ્યાસ કરતા. સ્કૂલમાં ઊભા થઈ શકે એવા સંજોગોને અમે નાટકીય રીતે ભજવતા અને દીકરીઓ સાક્ષીઓ તરીકે એમાં જવાબ આપતી. આ રીતે શીખવામાં તેઓને ખૂબ મજા આવતી અને તેઓ હિંમતથી બીજાઓને પોતાની માન્યતાઓ જણાવી શકતી. જોકે, તેઓ થોડી મોટી થઈ પછી કોઈક વાર કૌટુંબિક અભ્યાસ કરવા વિશે કચકચ કરતી. એક વાર હું એટલો ચિડાઈ ગયો કે, તેઓને કહી દીધું કે તમારા રૂમમાં ચાલ્યા જાઓ; આજે કોઈ અભ્યાસ નહિ થાય. એ સાંભળીને તેઓને આઘાત લાગ્યો અને રડતાં રડતાં કહેવા લાગી કે, ‘અમારે અભ્યાસ કરવો છે.’ અમને અહેસાસ થયો કે, તેઓને રાજીખુશીથી યહોવા વિશે શીખવવામાં અમે તેઓની મદદ કરી રહ્યા છીએ. સમય વહેતો ગયો તેમ, તેઓને અભ્યાસ કરવો ખૂબ ગમવા લાગ્યો. ઉપરાંત, તેઓ દિલ ખોલીને પોતાનાં વિચારો અને લાગણીઓ અમને જણાવવા લાગી. કોઈક વાર તેઓ બાઇબલના શિક્ષણ જોડે સહમત ન થતી ત્યારે, અમને ખૂબ દુઃખ થતું. જોકે, અમને એ જાણવા મળતું કે તેઓના દિલમાં શું છે. અમે તેઓ સાથે તર્કથી વાત કરતા અને પછી તેઓ યહોવાનાં ધોરણો જોડે સહમત થઈ જતી.
નવા સંજોગોમાં પોતાને ઢાળવા
દીકરીઓના ઉછેરમાં સમય ક્યાં વીતી ગયો એની ખબર જ ન પડી. પણ, યહોવાના સંગઠનથી મળતાં માર્ગદર્શન અને મદદથી અમે તેઓને યહોવાને પ્રેમ કરવાનું શીખવ્યું. એમાં અમે કોઈ કસર બાકી ન રાખી. સ્કૂલના ભણતર પછી બંને દીકરીઓએ પાયોનિયરીંગ શરૂ કર્યું. એનાથી અમને ઘણી ખુશી મળી. પોતાનું ગુજરાન ચલાવવા તેઓ નાનાં-મોટાં કામ કરવાનું શીખી. તેઓ બીજી બે બહેનો સાથે ટેનિસી રાજ્યના ક્લીવલૅન્ડ શહેરમાં રહેવા ગઈ, જેથી જરૂર વધુ છે ત્યાં સેવા આપી શકે. અમને તેઓની ખૂબ ખોટ સાલતી, પરંતુ અમને ખુશી હતી કે તેઓ પોતાનું જીવન પૂરા સમયની સેવામાં વિતાવી રહી છે. મેં અને બેથેલે ફરી એક વાર પાયોનિયરીંગ શરૂ કર્યું. એના લીધે સમય જતાં અમને અવેજી સરકીટ કામ અને સંમેલનના કામોની સોંપણી મળી.
ટેનિસી જતાં પહેલાં અમારી બંને દીકરીઓ ઇંગ્લૅન્ડ ગઈ અને ત્યાં તેઓએ શાખા કચેરીની મુલાકાત લીધી. સ્ટેફની એ વખતે ૧૯ વર્ષની હતી. ત્યાં તે બેથેલમાં કામ કરી રહેલા એક યુવાન ભાઈને મળી, જેનું નામ પૉલ નૉર્ટન હતું. બીજી એક મુલાકાત વખતે કિમ્બર્લી એક યુવાન ભાઈને મળી. તેનું નામ બ્રાયન લેવલીન હતું અને તે પૉલ સાથે કામ કરતો હતો. સ્ટેફની ૨૩ વર્ષની થઈ ત્યારે તેણે પૉલ સાથે લગ્ન કર્યું. એ પછીના વર્ષે કિમ્બર્લીએ બ્રાયન સાથે લગ્ન કર્યું. એ વખતે તે ૨૫ વર્ષની હતી. આમ, તેઓએ ૨૩ વર્ષની ઉંમર પછી લગ્ન કરવાની અમારી સલાહ માની. જીવનસાથીની તેઓની પસંદગીથી અમે બહુ ખુશ હતા.
અમારી દીકરીઓએ કહ્યું કે, અમારા તેમજ નાના-નાની અને દાદા-દાદીના સારા દાખલાથી તેઓને ઘણી મદદ મળી. તેઓ તંગીના સમયે પણ ‘ઈશ્વરના રાજ્યને પ્રથમ’ રાખી શકી. (માથ. ૬:૩૩) એપ્રિલ ૧૯૯૮માં પૉલ અને સ્ટેફનીને ગિલયડ શાળાના ૧૦૫મા વર્ગમાં જવાનું આમંત્રણ મળ્યું. ત્યાર બાદ તેઓને આફ્રિકાના મલાવી દેશમાં સોંપણી મળી. એ જ અરસામાં, બ્રાયન અને કિમ્બર્લીને લંડન બેથેલમાં સેવા આપવાનું આમંત્રણ મળ્યું અને પછીથી તેઓને મલાવી બેથેલમાં સોંપણી મળી. એનાથી અમને અનહદ ખુશી થઈ, કારણ કે યુવાનો પોતાનું જીવન યહોવાની સેવામાં અર્પે એનાથી ઉત્તમ માર્ગ બીજો કયો હોય શકે.
ફરી એક વાર દિલ ઝૂમી ઊઠ્યું
જાન્યુઆરી ૨૦૦૧માં મને એક ફોન આવ્યો, જેના વિશે મેં શરૂઆતમાં વાત કરી હતી. ભાઈ મરે એ સમયે ભાષાંતર સેવા વિભાગના નિરીક્ષક હતા. તેમણે મને જણાવ્યું કે, ભાઈઓ એક કોર્સ તૈયાર કરી રહ્યા છે, જેથી દુનિયાભરના આપણા ભાષાંતરકારોને અંગ્રેજી લખાણ સમજવા મદદ મળે. હું ૬૪ વર્ષનો થઈ ગયો હતો, છતાં તેઓ મને એ કોર્સના શિક્ષક બનવાની તાલીમ આપવા ચાહતા
હતા. મેં અને મારી પત્નીએ એ વિશે પ્રાર્થના કરી અને અમારા બંનેની મમ્મીની સલાહ લીધી. તેઓ બંને વૃદ્ધ હતાં અને જાણતાં હતાં કે અમે જઈશું તો તેઓને મદદ નહિ કરી શકીએ. છતાં, તેઓની ઇચ્છા હતી કે અમે એ તાલીમ માટે જઈએ. મેં ભાઈઓને ફોન કરીને જણાવ્યું કે, અમે નવી સોંપણી માટે ઘણા ખુશ છીએ અને એને દિલથી સ્વીકારીએ છીએ.અમે નવી સોંપણીમાં જઈએ એ પહેલાં મમ્મીને જાણ થઈ કે તેમને કેન્સર છે. અમે તેમને જણાવ્યું કે તેમની કાળજી રાખવા અમે અને મારા બહેન લિન્ડા ઘરે રોકાઈશું. પણ તેમણે ચોખ્ખી ના પાડી અને કહ્યું: ‘જો તમે નહિ જાઓ તો મને ઘણું દુઃખ થશે.’ મારી બહેનને પણ એવું જ લાગતું હતું. મમ્મી, બહેન અને એ વિસ્તારના બીજાં ભાઈ-બહેનોએ અમારા માટે જે ત્યાગ આપ્યો એની અમે દિલથી કદર કરીએ છીએ! અમે પેટરસન બેથેલમાં તાલીમ શાળા માટે પહોંચ્યા એના બીજા જ દિવસે બહેનનો ફોન આવ્યો કે મમ્મી ગુજરી ગયા છે. મમ્મી હોત તો, તેમણે અમને યહોવાની સેવામાં વ્યસ્ત રહેવાનું ઉત્તેજન આપ્યું હોત. એટલે, અમે એમ જ કર્યું.
તમે જાણો છો તાલીમ લીધા પછી અમારી પહેલી સોંપણી ક્યાં હતી? મલાવી શાખા કચેરીમાં. એ જાણીને અમારું દિલ ઝૂમી ઊઠ્યું, કારણ કે અમારી બંને દીકરીઓ અને તેઓના પતિ એ શાખામાં સેવા આપી રહ્યાં હતાં. ફરી એક વાર ભેગા મળવાની સુંદર તક! મલાવી પછી અમે તાલીમ આપવા ઝિમ્બાબ્વે ગયા અને ત્યાર બાદ ઝામ્બિયા ગયા. અમે સાડા ત્રણ વર્ષ સુધી એ કોર્સની તાલીમ આપી અને પછી અમને મલાવી જવા કહેવામાં આવ્યું. મલાવીમાં અમારે એવાં ભાઈ-બહેનોના અનુભવો નોંધવાના હતા, જેઓએ તટસ્થ રહેવાને લીધે સતાવણીનો સામનો કર્યો હતો. *
૨૦૦૫માં ફરી એક વાર અમે દિલ પર પથ્થર મૂકીને આફ્રિકા છોડ્યું. કૉલરાડોમાં આવેલા બસોલ્ટમાંના અમારા ઘરે અમે પાછા ફર્યા; એ શહેરમાં મેં અને બેથેલે પાયોનિયરીંગ ચાલુ રાખ્યું. ૨૦૦૬માં, બ્રાયન અને કિમ્બર્લી અમારા પડોશમાં રહેવા આવ્યા. ત્યાં તેઓએ પોતાની બે દીકરીઓ મેકેન્ઝી અને એલિઝાબેથનો ઉછેર કર્યો. પૉલ અને સ્ટેફની હજી મલાવીમાં છે અને પૉલ ત્યાંની શાખા સમિતિમાં સેવા આપે છે. હવે હું લગભગ ૮૦ વર્ષનો છું. આ વર્ષો દરમિયાન મેં ઘણા યુવાનો સાથે કામ કર્યું છે. એક સમયે હું જે જવાબદારીઓ નિભાવતો હતો, આજે તેઓ એને હાથ ધરી રહ્યા છે. એ જોઈને મારું દિલ આનંદથી છલકાઈ જાય છે. અમારાં બાળકો અને પૌત્રીઓના ભલા માટે અમે એ સારા દાખલા અનુસરવા બનતું બધું કર્યું, જે અમારી સામે હતા. એના લીધે અમારું જીવન ખુશીઓથી મહેકી ઊઠ્યું છે.
^ ફકરો. 5 સ્ટીલ કુટુંબના મિશનરી કામ વિશે વધુ જાણવા મે ૧, ૧૯૫૬ વૉચટાવર પાન ૨૬૯-૨૭૨ અને માર્ચ ૧૫, ૧૯૭૧ વૉચટાવર પાન ૧૮૬-૧૯૦ જુઓ.
^ ફકરો. 30 દાખલા તરીકે, ટ્રોફીમ નસોમ્બાની જીવન સફર વાંચવા એપ્રિલ ૧૫, ૨૦૧૫ ચોકીબુરજ પાન ૧૪-૧૮ જુઓ.