સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણા આગેવાન ખ્રિસ્ત પર ભરોસો રાખો

આપણા આગેવાન ખ્રિસ્ત પર ભરોસો રાખો

“તમારા આગેવાન એક છે, ખ્રિસ્ત.”—માથ. ૨૩:૧૦.

ગીતો: ૧૪, ૩૦

૧, ૨. યહોશુઆએ કઈ મોટી જવાબદારી ઉપાડવાની હતી?

યહોવાએ યહોશુઆને કહ્યું હતું: “મારો સેવક મુસા મરી ગયો છે; માટે હવે તું તથા આ સર્વ લોક ઊઠો, ને જે દેશ હું તેઓને, એટલે ઈસ્રાએલપુત્રોને, આપું છું તેમાં આ યરદન ઊતરીને જાઓ.” (યહો. ૧:૧, ૨) યહોશુઆએ ૪૦ વર્ષ સુધી મુસાના સેવક તરીકે કામ કર્યું હતું. હવે તેમના માટે એ મોટો ફેરફાર હતો!

મુસા લાંબો સમય ઇઝરાયેલીઓના આગેવાન રહ્યા હતા. હવે, યહોશુઆએ આગેવાની લેવાની હતી. તેમને થયું હશે કે લોકો મને આગેવાન તરીકે સ્વીકારશે કે નહિ. (પુન. ૩૪:૮, ૧૦-૧૨) યહોશુઆ ૧:૧, ૨ વિશે એક પુસ્તક જણાવે છે કે, ‘કોઈ પણ દેશના આગેવાન બદલાય ત્યારે એ સમય કટોકટીનો હોય છે. અગાઉ પણ એવું હતું અને આજે પણ એવું જ છે.’

૩, ૪. યહોશુઆએ ભરોસો રાખ્યો એટલે ઈશ્વરે કેવો આશીર્વાદ આપ્યો? આપણને કયો સવાલ થઈ શકે?

સ્વાભાવિક છે કે એ સમયે યહોશુઆને ઘણી ચિંતા થઈ હશે. પણ તેમણે યહોવા પર ભરોસો રાખ્યો અને તરત જ તેમની આજ્ઞા પ્રમાણે કર્યું. (યહો. ૧:૯-૧૧) એનું કેવું પરિણામ આવ્યું? યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. તેમણે દૂત દ્વારા યહોશુઆ અને ઇઝરાયેલીઓને માર્ગદર્શન આપ્યું. એ દૂત ઈશ્વરે સર્જેલો સૌથી પહેલો દીકરો હોય શકે, જે શબ્દ તરીકે પણ ઓળખાય છે.—નિર્ગ. ૨૩:૨૦-૨૩; યોહા. ૧:૧.

યહોવાની મદદથી ઇઝરાયેલીઓ નવા આગેવાન યહોશુઆને સ્વીકારી શક્યા. આપણા સમયમાં પણ મોટા મોટા ફેરફારો થઈ રહ્યા છે. ઈશ્વરનું સંગઠન ઝડપથી આગળ વધી રહ્યું છે. આપણને કદાચ થાય, ‘આજે એવો કયો પુરાવો છે જે આગેવાન ઈસુમાં આપણો ભરોસો વધારે છે?’ (માથ્થી ૨૩:૧૦ વાંચો.) એનો જવાબ જાણવા ચાલો ઇતિહાસમાં ડોકિયું કરીએ. પ્રાચીન સમયમાં પણ એવા ફેરફારો થયા હતા. ધ્યાન આપીએ કે યહોવાએ પોતાના લોકોને કઈ રીતે દોર્યા હતા.

ઈશ્વરના લોકોને વચનના દેશમાં કોણ દોરી ગયું?

૫. યહોશુઆ સાથે કઈ અનોખી ઘટના બની? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

ઇઝરાયેલીઓએ યરદન નદી પાર કરી હતી. એના થોડા સમય પછી યહોશુઆ સાથે અનોખી ઘટના બની. યરીખો નજીક તેમને એક માણસ મળ્યો, જેના હાથમાં તલવાર હતી. યહોશુઆએ તેને પૂછ્યું: ‘તું અમારી બાજુ છે, કે અમારા શત્રુઓની બાજુ? તેણે કહ્યું, હું યહોવાના સૈન્યનો સરદાર છું.’ ઈશ્વરના લોકોને મદદ કરવા એ દૂત તૈયાર હતા. (યહોશુઆ ૫:૧૩-૧૫ વાંચો.) આ અહેવાલ વિશે બીજી જગ્યાએ એમ નોંધવામાં આવ્યું છે કે, યહોવાએ પોતે યહોશુઆ સાથે વાત કરી હતી. હકીકતમાં યહોશુઆ સાથે વાત કરવા યહોવાએ આ દૂતનો ઉપયોગ કર્યો હતો. એવું લાગે છે કે માણસો સાથે વાત કરવા બીજા પ્રસંગોએ પણ તેમણે આ દૂતનો ઉપયોગ કર્યો હતો.—નિર્ગ. ૩:૨-૪; યહો. ૪:૧, ૧૫; ૫:૨, ૯; પ્રે.કા. ૭:૩૮; ગલા. ૩:૧૯.

૬-૮. (ક) દૂતનાં અમુક સૂચનો શા માટે ઇઝરાયેલીઓને સમજાયા નહિ હોય? (ખ) શા પરથી કહી શકાય કે એ સૂચનો યોગ્ય અને સમયસરનાં હતાં? (ફૂટનોટ પણ જુઓ.)

દૂતે યહોશુઆને જણાવ્યું કે યરીખોને જીતવા તેમણે શું કરવાનું છે. અમુક સૂચનો શરૂઆતમાં યહોશુઆને ગળે ઊતર્યા નહિ હોય. દાખલા તરીકે, દૂતે યહોશુઆને જણાવ્યું કે બધા સૈનિકોની સુન્નત કરવી. એ પછી તો તેઓ એટલા કમજોર થઈ જાય કે અમુક દિવસો સુધી લડાઈ ન કરી શકે. સુન્નત કરવાનો શું એ યોગ્ય સમય હતો?—ઉત. ૩૪:૨૪, ૨૫; યહો. ૫:૨,.

સૈનિકોને કદાચ લાગ્યું હશે: ‘જો દુશ્મનો છાવણી પર હુમલો કરે, તો આપણે પોતાના કુટુંબને કઈ રીતે બચાવીશું?’ પછી, કંઈક અજાયબ થયું! યરીખોના લોકો ઇઝરાયેલીઓથી ડરી ગયા અને તેઓએ હુમલો કર્યો નહિ. એ વિશે શાસ્ત્ર જણાવે છે: ‘ઈસ્રાએલપુત્રોને લીધે યરીખોને સાવ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોઈ બહાર આવતું નહિ, તેમ જ કોઈ અંદર જતું નહિ.’ (યહો. ૬:૧) એ જાણીને ઇઝરાયેલીઓ યહોવાના માર્ગદર્શન પર વધુ ભરોસો રાખવા લાગ્યા!

દૂતે યહોશુઆને જણાવ્યું હતું કે ઇઝરાયેલીઓએ યરીખો પર હુમલો કરવો નહિ. એને બદલે, તેઓએ શહેર ફરતે રોજ એક વાર કૂચ કરવાની હતી. એમ છ દિવસ સુધી કરવાનું હતું. સાતમા દિવસે સાત વાર કૂચ કરવાની હતી. સૈનિકોને લાગ્યું હશે, ‘એ તો મૂર્ખામી છે, સમય-શક્તિનો બગાડ છે!’ પણ ઇઝરાયેલીઓના આગેવાન યહોવા બરાબર જાણતા હતા કે પોતે શું કરી રહ્યા છે! તેમનાં સૂચનો પાળવાથી ઇઝરાયેલીઓની શ્રદ્ધા વધી અને તેઓને યુદ્ધ કરવાની જરૂર પડી નહિ.—યહો. ૬:૨-૫; હિબ્રૂ. ૧૧:૩૦. *

૯. આપણે શા માટે સંગઠન તરફથી મળતાં સૂચનો પાળવાં જોઈએ? દાખલો આપો.

એ અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? યહોવાનું સંગઠન નવા ફેરફારો કરે છે. એની પાછળનું કારણ આપણને કોઈક વાર ન સમજાય. દાખલા તરીકે, થોડા સમય પહેલાં વ્યક્તિગત અભ્યાસ, સેવાકાર્ય કે સભા માટે મોબાઇલ કે ટેબ્લેટ જેવાં સાધનો વાપરવાનું જણાવવામાં આવ્યું હતું. આપણને કદાચ એ યોગ્ય લાગ્યું નહિ હોય. પણ આજે એના ફાયદા જોઈ શકાય છે. આવા ફેરફારો સ્વીકારીએ છીએ ત્યારે, આપણી શ્રદ્ધા અને એકતા મજબૂત થાય છે.

ખ્રિસ્તે પ્રથમ સદીના મંડળની આગેવાની લીધી

૧૦. નિયામક જૂથના ભાઈઓ ભેગા થયા, એ પાછળ કોનો હાથ હતો?

૧૦ કર્નેલિયસ બીજી જાતિના હતા અને તેમણે સુન્નત કરાવી ન હતી. એ પછી તે ખ્રિસ્તી બન્યા હતા. એનાં આશરે ૧૩ વર્ષ પછી પણ અમુક યહુદી ખ્રિસ્તીઓ માનતા હતા કે સુન્નત કરાવવી જરૂરી છે. (પ્રે.કા. ૧૫:૧, ૨) એ વિષય પર અંત્યોખ શહેરના ભાઈઓમાં ભારે ચર્ચા ચાલી રહી હતી. એટલે એવી ગોઠવણ કરવામાં આવી કે પાઊલ યરૂશાલેમ જઈને નિયામક જૂથ પાસેથી માર્ગદર્શન મેળવે. હકીકતમાં એ ગોઠવણ પાછળ કોનો હાથ હતો? ખ્રિસ્તનો હાથ હતો. એ વિશે પાઊલે જણાવ્યું, “પ્રભુએ મને પ્રગટ કર્યું હતું એટલે હું ત્યાં ગયો.” તેથી, નિયામક જૂથના ભાઈઓ ચર્ચા કરવા ભેગા મળ્યા. ખ્રિસ્તે એ રીતે માર્ગદર્શન આપ્યું, જેથી નિયામક જૂથ સમસ્યાનો ઉકેલ લાવી શકે.—ગલા. ૨:૧-૩.

પ્રથમ સદીમાં ખ્રિસ્ત આગેવાની કરી રહ્યા હતા (ફકરા ૧૦, ૧૧ જુઓ)

૧૧. (ક) અમુક યહુદી ખ્રિસ્તીઓ હજી પણ સુન્નત વિશે શું વિચારતા હતા? (ખ) શા પરથી કહી શકાય કે પાઊલે યરૂશાલેમના વડીલોને નમ્ર બની ટેકો આપ્યો હતો? (ફૂટનોટ પણ જુઓ.)

૧૧ ખ્રિસ્તે નિયામક જૂથને માર્ગદર્શન આપ્યું કે, યહુદી ન હોય એવા ખ્રિસ્તીઓએ સુન્નત કરવાની જરૂર નથી. (પ્રે.કા. ૧૫:૧૯, ૨૦) છતાં, યહુદી ખ્રિસ્તીઓ પોતાનાં બાળકોની સુન્નત કરાવતા હતા. એવું ઘણાં વર્ષો સુધી ચાલ્યું. પછી, એવી અફવા ફેલાઈ કે પાઊલ મુસાના નિયમશાસ્ત્રનો આદર કરતા નથી. એ વાત યરૂશાલેમના વડીલોના સાંભળવામાં આવી ત્યારે તેઓએ પાઊલને એક સૂચના આપી. * (પ્રે.કા. ૨૧:૨૦-૨૬) તેઓએ પાઊલને જણાવ્યું કે ચાર માણસોને લઈને મંદિરમાં જાય. તેથી, લોકો જોઈ શકે કે પાઊલ નિયમશાસ્ત્રનો આદર કરે છે. પાઊલ કદાચ કહી શક્યા હોત: ‘આવું તો કંઈ હોતું હોય! તમે મને શા માટે કહો છો? સુન્નત વિશે તો યહુદી ખ્રિસ્તીઓ સમજતા નથી, તેઓને સમજાવો.’ વડીલો ચાહતા હતા કે ઈશ્વરભક્તો વચ્ચે એકતા જળવાઈ રહે. એ વાત પાઊલ સારી રીતે સમજતા હતા. તેમણે નમ્ર બની તેઓના કહેવા પ્રમાણે કર્યું. ઈસુના મરણ પછી મુસાનું નિયમશાસ્ત્ર લાગુ પડતું ન હતું. તો ઈસુએ શા માટે આટલો લાંબો સમય સુન્નતનો વિવાદ ચાલવા દીધો?—કોલો. ૨:૧૩, ૧૪.

૧૨. કયાં કારણોને લીધે ઈસુએ સુન્નતનો વિવાદ તરત જ થાળે ન પાડ્યો?

૧૨ નવી સમજણને પૂરી રીતે સ્વીકારવામાં સમય લાગી શકે. અમુક યહુદી ખ્રિસ્તીઓને એ વાત સમજવા સમયની જરૂર હતી કે તેઓને નિયમશાસ્ત્ર લાગુ પડતું નથી. (યોહા. ૧૬:૧૨) વર્ષોથી તેઓ માનતા હતા કે ઈશ્વરે તેઓને ખાસ પ્રજા તરીકે પસંદ કર્યા છે. એટલે, સુન્નત કરાવવી જરૂરી છે. (ઉત. ૧૭:૯-૧૨) ઘણા યહુદી ખ્રિસ્તીઓને ડર હતો કે, જો તેઓ યહુદી સમાજથી અલગ પડશે તો તેઓની સતાવણી થશે. (ગલા. ૬:૧૨) સમય જતાં, ખ્રિસ્તે પાઊલ પાસે પત્રો લખાવીને વધુ માર્ગદર્શન આપ્યું.—રોમ. ૨:૨૮, ૨૯; ગલા. ૩:૨૩-૨૫.

ખ્રિસ્ત આજે પણ મંડળને દોરી રહ્યા છે

૧૩. ખ્રિસ્તની આગેવાનીને ટેકો આપવા આપણને શું મદદ કરશે?

૧૩ આજે પણ મંડળના આગેવાન ખ્રિસ્ત છે. સંગઠને કરેલો ફેરફાર તમને ન સમજાય તો તમે શું કરશો? ખ્રિસ્તે અગાઉના ઈશ્વરભક્તોને જે રીતે દોર્યા હતા, એ યાદ કરજો. યહોશુઆનો સમય હોય કે પ્રેરિતોનો સમય હોય, ખ્રિસ્તે હંમેશાં ઈશ્વરના લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. એનાથી તેઓની શ્રદ્ધા મજબૂત થઈ અને સંપીને રહેવા મદદ મળી. એ યાદ રાખીશું તો આપણે સહેલાઈથી ખ્રિસ્તની આગેવાનીને ટેકો આપી શકીશું.—હિબ્રૂ. ૧૩:૮.

૧૪-૧૬. કઈ રીતે સાબિતી મળે છે કે ખ્રિસ્ત આપણને મદદ કરવા ચાહે છે?

૧૪ આજે “વિશ્વાસુ અને સમજુ ચાકર” આપણને સમયસર માર્ગદર્શન આપી રહ્યા છે. (માથ. ૨૪:૪૫) એ સાબિતી આપે છે કે ઈસુ આપણી સંભાળ રાખે છે. માર્કભાઈને ચાર બાળકો છે. તે જણાવે છે: ‘કુટુંબો પર હુમલો કરીને શેતાન મંડળોને નબળાં પાડવાં માંગે છે. સમજુ ચાકર કુટુંબના શિરને ઉત્તેજન આપે છે કે દર અઠવાડિયે કુટુંબ તરીકે ભક્તિ કરે. કુટુંબના રક્ષણ માટે એ ખૂબ જરૂરી છે.’

૧૫ આજે ખ્રિસ્ત પોતે આપણને દોરી રહ્યા છે. જો એ પારખીશું, તો જોઈ શકીશું કે તે આપણી શ્રદ્ધા મજબૂત કરવા માંગે છે. દાખલા તરીકે, પેટ્રીક નામના વડીલ કહે છે: ‘શરૂ શરૂમાં અમુકને શનિવારે કે રવિવારે પ્રચાર માટે નાના ગ્રૂપમાં ભેગા મળવાનું ગમતું ન હતું. દાખલા તરીકે, અમુક ભાઈ-બહેનો શરમાળ હતાં, તો બીજા અમુક પ્રચારમાં ઓછું જતાં હતાં. પરંતુ હવે તેઓને લાગે છે કે મંડળને તેઓની જરૂર છે અને તેઓ ઘણું કરી શકે છે. એનાથી તેઓને પ્રચારમાં ઉત્સાહથી ભાગ લેવાનું ઉત્તેજન મળ્યું. એ ફેરફારથી જોવા મળ્યું કે ઈસુ મંડળના દરેક સભ્યની કાળજી રાખે છે.’

૧૬ ખુશખબર ફેલાવવાનું કામ દુનિયામાં થઈ રહેલું સૌથી મહત્ત્વનું કામ છે. એ કામમાં પૂરું ધ્યાન આપવા ઈસુ આપણને મદદ કરે છે. (માર્ક ૧૩:૧૦ વાંચો.) આન્દ્રે હાલમાં જ વડીલ બન્યા છે. સંગઠનના નવા માર્ગદર્શન પ્રમાણે ચાલવા તે હંમેશાં પ્રયત્ન કરે છે. તે જણાવે છે: ‘શાખા કચેરીમાં સભ્યો ઓછા કરવામાં આવ્યા છે. એનાથી મને યાદ રાખવા મદદ મળી કે પ્રચારકામ સૌથી મહત્ત્વનું છે. એમાં આપણે વધારે સમય-શક્તિ આપવાં જોઈએ.’

ખ્રિસ્તના માર્ગદર્શનને સાથ-સહકાર આપીએ

૧૭, ૧૮. ફેરફારો પ્રમાણે પોતાને ઢાળવાથી મળતા આશીર્વાદો વિશે શા માટે વિચાર કરવો જોઈએ?

૧૭ આપણા રાજા ઈસુ ખ્રિસ્ત રાજ કરી રહ્યા છે. તેમના માર્ગદર્શનથી આપણને હમણાં અને ભાવિમાં પણ મદદ મળશે. તાજેતરના ફેરફારો પ્રમાણે પોતાને ઢાળવાથી કેવા આશીર્વાદો મળ્યા છે એનો વિચાર કરો. સભા કે સેવાકાર્યમાં થયેલા ફેરફારોથી તમારા કુટુંબને મદદ મળી હશે. કુટુંબ તરીકે ભક્તિ કરો ત્યારે એની ચર્ચા કરો.

સંગઠનમાં થયેલા ફેરફારો પ્રમાણે ચાલવા, શું તમે કુટુંબને અને બીજાઓને મદદ કરો છો? (ફકરા ૧૭, ૧૮ જુઓ)

૧૮ યહોવાના સંગઠનનું માર્ગદર્શન પાળવાથી સારાં પરિણામો આવે છે. એ વાત યાદ રાખીશું તો, માર્ગદર્શન પ્રમાણે ચાલવું સહેલું થઈ પડશે અને આપણને ખુશી મળશે. સાહિત્ય ઓછું છાપવામાં આવે છે અને એનાથી પૈસાની બચત થાય છે, જેની આપણે કદર કરીએ છીએ. નવી ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવાથી આખી દુનિયામાં ઈશ્વરનું કામ આગળ વધારવા મદદ મળે છે. શું આપણે સાહિત્યની ડિજિટલ કોપી અને વીડિયોનો વધુ ઉપયોગ કરી શકીએ? આપણે સંગઠનના પૈસાનો સૌથી સારો ઉપયોગ કરીએ. ખ્રિસ્તને સહકાર આપવાની એ સારી રીત છે.

૧૯. શા માટે આપણે ખ્રિસ્તના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ?

૧૯ આપણે ખ્રિસ્તના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ છીએ ત્યારે, શ્રદ્ધા દૃઢ કરવા અને સંપીને રહેવા ભાઈ-બહેનોને મદદ કરીએ છીએ. થોડા સમય પહેલાં દુનિયાભરના બેથેલમાં સભ્યો ઓછા કરવામાં આવ્યા હતા. એ વિશે આન્દ્રે જણાવે છે: ‘બેથેલના એ સભ્યો નિરાશ થયા નહિ, પણ તેઓએ ખુશીથી એ ફેરફાર પ્રમાણે કર્યું. એનાથી સંગઠનમાં મારો ભરોસો ખૂબ વધ્યો. જે પણ સોંપણી મળી એને ખુશીથી સ્વીકારીને, તેઓ યહોવાના રથ સાથે ચાલી રહ્યા છે.’

આપણા આગેવાનમાં શ્રદ્ધા અને ભરોસો રાખીએ

૨૦, ૨૧. (ક) આપણે શા માટે આગેવાન ખ્રિસ્ત પર ભરોસો રાખવો જોઈએ? (ખ) આવતા લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?

૨૦ જલદી જ આપણા આગેવાન, ઈસુ ખ્રિસ્ત ‘જીત પૂરી કરવા નીકળશે’ અને “અદ્ભુત કામો કરશે.” (પ્રકટી. ૬:૨; ગીત. ૪૫:૪) અત્યારે પણ નવી દુનિયાના જીવન માટે તે આપણને તૈયાર કરી રહ્યા છે. ભાવિમાં આપણે સજીવન થયેલા લોકોને શીખવીશું. પૃથ્વીને બાગ જેવી બનાવીશું. આપણા આગેવાન એ માટે અત્યારથી આપણને તૈયાર કરી રહ્યા છે.

૨૧ ભલે ગમે એ થાય, આપણા આગેવાન અને રાજા ઈસુ પર ભરોસો રાખવો જ જોઈએ. જો એમ કરીશું તો તે આપણને નવી દુનિયામાં દોરી જશે. (ગીતશાસ્ત્ર ૪૬:૧-૩ વાંચો.) જીવનમાં ફેરફારો આવે ત્યારે આપણને અઘરું લાગે છે. એમાંય અચાનક ફેરફારો આવે તો વધારે અઘરું લાગે છે. એવા સમયે કઈ રીતે મનની શાંતિ જાળવી શકીએ? કઈ રીતે યહોવામાં અડગ શ્રદ્ધા રાખી શકીએ? એ સવાલોની ચર્ચા આપણે આવતા લેખમાં કરીશું.

^ ફકરો. 8 ઇઝરાયેલીઓને યરીખોમાં લૂંટ કરવાની મનાઈ કરવામાં આવી હતી. કાપણીનો સમય હોવાથી, ખેતરોમાં અનાજ ભરપૂર હતું. એ અનાજ ઇઝરાયેલીઓ માટે પૂરતું હતું અને દેશ પર હુમલો કરવાનો એ સૌથી સારો સમય હતો. આપણા સમયમાં યરીખોના ખંડેરમાંથી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો છે. એ બતાવી આપે છે કે યરીખો ફરતે લાંબો સમય ઘેરો નાખવામાં આવ્યો ન હતો અને શહેરમાં અનાજ ખૂટી ગયું ન હતું.—યહો. ૫:૧૦-૧૨.

^ ફકરો. 11 માર્ચ ૧૫, ૨૦૦૩ ચોકીબુરજ પાન ૨૪ ઉપર આપેલું આ બૉક્સ જુઓ: “પાઊલનું સરસ ઉદાહરણ.”