સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

યહોવાએ મારા નિર્ણય પર આશીર્વાદ વરસાવ્યો

યહોવાએ મારા નિર્ણય પર આશીર્વાદ વરસાવ્યો

આ બનાવ ૧૯૩૯નો છે. સૂર્યના પ્રથમ કિરણો જમીન પર પડી રહ્યાં હતાં. અમને સોંપેલા વિસ્તારના અમુક જ ઘરો બાકી રહ્યાં હતાં. એ ઘરોમાં પત્રિકાઓ નાખવાની હતી. અમે મધરાતે લાંબી મુસાફરી કરીને મિસુરી, યુ.એસ.એ.ના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા નાનકડા શહેર જોપલીનમાં સેવાકાર્ય માટે આવ્યા હતા. અમારું કામ પતાવીને ચૂપચાપ અમે કારમાં નક્કી કરેલા સ્થળે પહોંચ્યા. ત્યાં અમને બીજાં ભાઈ-બહેનો પણ મળવાનાં હતાં. તમને થતું હશે, અમે કેમ સવાર પડે એ પહેલાં સેવાકાર્યમાં ગયા અને પ્રચાર વિસ્તાર કેમ જલદી છોડી દીધો. થોડી રાહ જુઓ, એ વિશે પછીથી જણાવીશ.

મારો જન્મ ૧૯૩૪માં થયો હતો. એનાં ૨૦ વર્ષ પહેલાં, મારાં માતાપિતા ફ્રેડ અને એડના મોલોહન બાઇબલ વિદ્યાર્થી (યહોવાના સાક્ષી) બન્યાં હતાં. તેઓએ મને યહોવાને પ્રેમ કરવાનું શીખવ્યું, એ માટે હું તેઓનો આભારી છું. કેન્સાસ રાજ્યના દક્ષિણ-પૂર્વમાં આવેલા નાનકડા શહેર પારસન્સમાં અમે રહેતાં હતાં. અમારા મંડળમાં મોટા ભાગનાં ભાઈ-બહેનો અભિષિક્ત હતાં. અમારું કુટુંબ સભામાં અને પ્રચારકામમાં નિયમિત હતું. મોટા ભાગે શનિવાર બપોરે અમે રસ્તા પર પ્રચારકામ કરતાં, જેને આજે જાહેર પ્રચારકામ કહેવામાં આવે છે. કેટલીક વાર અમે થાકી જતા ત્યારે, પિતા અમને આઇસક્રીમ ખવડાવતા.

અમારું મંડળ નાનું હતું પણ પ્રચાર વિસ્તાર મોટો હતો. એમાં ગામડાંઓ અને ખેતરોનો સમાવેશ થતો હતો. સાહિત્ય માટે પૈસા આપવાને બદલે, અમુક ખેડૂતો પોતાના ખેતરમાં ઉગાડેલાં શાકભાજી અને ઈંડાં આપતાં. અરે, જીવતી મરઘી પણ આપતા. પિતા પહેલેથી સાહિત્ય માટે દાન આપી દેતા, એટલે અમે એ વસ્તુઓ ઘર માટે વાપરતા.

પ્રચારની ખાસ ઝુંબેશ

મારાં માતાપિતા ખુશખબર ફેલાવવા ફોનોગ્રાફ લઈ આવ્યાં. ભાઈ રધરફર્ડના પ્રવચનનું રેકોર્ડિંગ તેઓ ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસમાં સંભળાવતા. હું નાનો હોવાથી જાતે ફોનોગ્રાફ વગાડી શકતો નહિ, પણ તેઓને મદદ કરવામાં મને મજા આવતી.

સાઉન્ડ કાર આગળ, મારાં માતાપિતા સાથે

પિતાએ અમારી કારની ઉપર એક મોટું સ્પીકર લગાવ્યું હતું. એટલે અમારી કાર સાઉન્ડ કાર બની ગઈ. પ્રચારકામ માટે એ ઘણી ઉપયોગી હતી. લોકોનું ધ્યાન ખેંચવા અમે સંગીત વગાડતા અને પછી પ્રવચન સંભળાવતા. ત્યાર બાદ, અમે રસ ધરાવતા લોકોને સાહિત્ય આપતાં.

કેન્સાસ રાજ્યના ચેરીવિલે નગરમાં મારા પિતાએ બગીચામાં સાઉન્ડ કાર ઊભી રાખી હતી. એ બગીચામાં સેંકડો લોકો રવિવારે નવરાશની પળો માણવા આવતા હતા. પોલીસે મારા પિતાને કહ્યું કે, બગીચાની અંદર કાર ઊભી રાખવાની પરવાનગી નથી. મારા પિતાએ કાર બગીચા બહાર ઊભી રાખી. ત્યાંથી હજી પ્રવચન સંભળાતું હતું! આવા તો કેટલાય મજેદાર પ્રસંગો થયા હતા. પિતા અને મોટા ભાઈ જેરી સાથે કામ કરવું, મારા માટે એક લહાવો હતો.

એ વર્ષોમાં અમે એવા વિસ્તારોમાં ખાસ ઝુંબેશમાં જતા, જ્યાં વિરોધ થતો હોય. આગળ કહ્યું તેમ અમે અડધી રાતે ઊઠીને, લોકોના દરવાજા નીચે પત્રિકા કે પુસ્તિકાઓ સરકાવી આવતા. પછી, શહેરની બહાર એક જગ્યાએ અમે બધા ભેગા થતા, જેથી જાણી શકાય કે કોઈને પોલીસે પકડી લીધા તો નથી ને!

અમારા સેવાકાર્યનો બીજો એક અદ્ભુત ભાગ હતો, ‘માહિતી કૂચ.’ સંદેશો લખેલું મોટું બોર્ડ અમે પહેરતા અને આખા શહેરમાં ચાલતા. મને યાદ છે, એક વાર ભાઈ-બહેનો અમારા નગરમાં આવ્યાં હતાં. ‘ધર્મ એક ફાંદો અને ધતિંગ છે’ નામનું બોર્ડ પહેરીને તેઓએ આખા નગરમાં કૂચ કરી હતી. અમારા ઘરથી શરૂ કરીને નગરમાં આશરે દોઢ કિલોમીટર ફરીને પાછા આવ્યા હતા. સારું કહેવાય કે કોઈએ તેઓને રોક્યા નહિ. પણ આ બધું શું થઈ રહ્યું છે, એ જાણવાની ઘણા લોકોને તાલાવેલી હતી.

બાળપણનાં સંમેલનો

મોટા ભાગે અમારું કુટુંબ સંમેલનો માટે ટૅક્સસ જતું હતું. પિતા રેલ્વેમાં કામ કરતા હોવાથી, અમે ટ્રેનમાં મફત મુસાફરી કરી શકતા. એટલે અમે સંમેલનમાં જઈ શકતા અને સગાંવહાલાંને પણ મળી શકતા. ટૅક્સસ રાજ્યના ટેમ્પલ શહેરમાં મારા મામા ફ્રેડ વિસમર અને મામી યુવ્લલી રહેતાં હતાં. મામા યુવાન હતા ત્યારે, ૧૯૦૦ની સાલ પછી સત્ય શીખ્યા અને બાપ્તિસ્મા લીધું. મારા માતા અને પોતાનાં બીજાં ભાઈ-બહેનોને તે શીખવતા હતા. મધ્ય ટૅક્સસનાં ભાઈ-બહેનો ફ્રેડ મામાને સારી રીતે ઓળખતાં હતાં. કેમ કે તેમણે એ વિસ્તારમાં ઝોન સેવક (હમણાં સરકીટ નિરીક્ષક કહેવાય છે) તરીકે કામ કર્યું હતું. તે પ્રેમાળ, આનંદી અને ઉત્સાહી હતા. તેમણે મારા માટે એક સારો દાખલો બેસાડ્યો હતો.

૧૯૪૧માં અમે ટ્રેનમાં સેન્ટ લુઈસ, મિસુરી ગયા. ત્યાં મોટું સંમેલન હતું. બાળકોને સ્ટેડિયમના એક ખાસ વિભાગમાં બેસાડવામાં આવ્યાં. મારા જેવાં બાળકોને ભાઈ રધરફર્ડનું પ્રવચન “ચિલ્ડ્રન ઓફ ધ કિંગ” સાંભળવા મળ્યું. પ્રવચનના અંતે દરેકને ચિલ્ડ્રન નામનું નવું પુસ્તક ભેટમાં મળ્યું. એ જોઈને અમારી ખુશીનો પાર ન રહ્યો. ૧૫,૦૦૦થી વધુ બાળકોને એ ભેટ મળી હતી. ભાઈ રધરફર્ડ અને તેમના સહાયકોએ દરેક બાળકને એક એક પુસ્તક આપ્યું હતું.

એપ્રિલ ૧૯૪૩માં અમે કોફીવેલ, કેન્સાસમાં નાનકડા સંમેલનનો આનંદ માણ્યો. એનો વિષય હતો ‘કોલ ટુ એક્શન.’ એમાં એક જાહેરાત કરવામાં આવી કે બધા મંડળોમાં હવેથી એક નવી શાળા હશે, દેવશાહી સેવા શાળા. એ શાળામાં વાપરવા અમને બાવન પાઠની પુસ્તિકા પણ મળી. પછીથી એ વર્ષે, મેં વિદ્યાર્થી તરીકે પહેલી ટૉક આપી. ૧૯૪૩નું એ સંમેલન મારા માટે ખાસ હતું. કારણ કે બીજા અમુક લોકોની સાથે સાથે મેં પણ બાપ્તિસ્મા લીધું હતું. નજીકના ખેતરમાં એક ઠંડા પાણીનું તળાવ હતું. અમે ત્યાં બાપ્તિસ્મા લીધું હતું.

મારે બેથેલમાં સેવા આપવી હતી

૧૯૫૧માં મેં શાળાનો અભ્યાસ પૂરો કર્યો. જીવનમાં આગળ શું કરીશ એ પણ મારે નક્કી કરવાનું હતું. મારા ભાઈ જેરીએ બેથેલમાં સેવા આપી હતી. મારે પણ બેથેલમાં સેવા આપવી હતી. એટલે મેં પણ મારી અરજી મોકલી દીધી. થોડા જ સમયમાં, મને બેથેલમાંથી આમંત્રણ મળ્યું. મેં માર્ચ ૧૦, ૧૯૫૨થી બેથેલ સેવા શરૂ કરી. એ મારા માટે સૌથી સારો નિર્ણય હતો. કારણ કે એનાથી હું ઈશ્વરભક્તિમાં વધારે કરી શક્યો.

મેં વિચાર્યું હતું કે ત્યાં મને મૅગેઝિન અને સાહિત્ય છાપવાનું કામ મળશે. પરંતુ, મને ક્યારેય એ કામ સોંપવામાં આવ્યું નહિ. મને વેઇટરનું કામ મળ્યું અને પછીથી રસોડાનું કામ મળ્યું. એ કામ કરવાની મને મજા આવતી અને હું ઘણું શીખ્યો હતો. મારા કામનો સમય બદલાતો રહેતો, એટલે દિવસે મને થોડો સમય મળી રહેતો. કેટલીક વાર હું બેથેલની લાઇબ્રેરીમાં જતો. ત્યાં ઘણાં પુસ્તકો હતાં, જેનાથી મને વ્યક્તિગત અભ્યાસ કરવા મદદ મળી. એનાથી મારી શ્રદ્ધા દૃઢ થઈ અને યહોવા સાથેનો મારો સંબંધ પણ મજબૂત થયો. બેથેલમાં યહોવાની સેવા કરવાનો પાકો નિર્ણય લેવા મને મદદ મળી. જેરીએ ૧૯૪૯માં બેથેલ છોડ્યું અને પેટ્રેશીઆ સાથે લગ્ન કર્યા. તેઓ બ્રુકલિનની નજીક રહેતાં હતાં. હું બેથેલમાં નવો હતો, એટલે તેઓએ મને મદદ કરી અને મારો ઉત્સાહ પણ વધાર્યો.

થોડા સમય પછી, બેથેલ વક્તા તરીકે નવા ભાઈઓને પસંદ કરવામાં આવી રહ્યા હતા. એ વક્તાઓએ બ્રુકલિનની આસપાસ ૩૨૨ કિ.મી. સુધીના મંડળોની મુલાકાત લેવાની હતી. ત્યાં તેઓ જાહેર પ્રવચન આપતા અને મંડળ સાથે સેવાકાર્યમાં પણ ભાગ લેતા. એ માટે મને પસંદ કરવામાં આવ્યો. એ સમયે જાહેર પ્રવચન એક કલાકનું હતું. મેં પહેલું પ્રવચન આપ્યું ત્યારે મારા પગ ધ્રૂજતા હતા. મંડળની મુલાકાત લેવા હું મોટા ભાગે ટ્રેનમાં મુસાફરી કરતો હતો. ૧૯૫૪નો એક રવિવાર મને હંમેશાં યાદ રહેશે. એ દિવસે હું ન્યૂ યૉર્કની ટ્રેનમાં બેઠો, સાંજ સુધી હું બેથેલ પહોંચવાનો હતો. પરંતુ, શિયાળો હોવાથી એ દિવસે બરફનું ભારે તોફાન આવ્યું. ટ્રેનનું એન્જિન ઇલેક્ટ્રિક હતું એટલે બંધ પડી ગયું. છેવટે, સોમવાર સવારે પાંચ વાગ્યે ટ્રેન ન્યૂ યૉર્ક પહોંચી. હું બીજી ટ્રેન પકડીને બ્રુકલિન પહોંચ્યો. થોડો મોડો પડ્યો પણ તરત જ, રસોડામાં કામ કરવા લાગ્યો હતો. આખી રાત ઊંઘ્યો ન હોવાથી બહુ જ થાકેલો હતો. પણ, નવાં નવાં ભાઈ-બહેનોને મળવાથી અને મંડળોની મુલાકાત લેવાથી ઘણી ખુશી મળતી. એની તોલે તો બીજું કંઈ ન આવે.

WBBR સ્ટુડિયો માટે તૈયારી કરતા

બેથેલના શરૂઆતના વર્ષોમાં, હું બાઇબલ સ્ટડી પ્રોગ્રામમાં ભાગ લેવા લાગ્યો. એ ભાગ WBBR નામના રેડિયો સ્ટેશન પર દર અઠવાડિયે પ્રસારિત કરવામાં આવતો. રેડિયો સ્ટેશનનો સ્ટુડિયો ૧૨૪ કોલંબિયા હાઇટ્સ બિલ્ડિંગના બીજા માળ પર હતો. ભાઈ એલેકઝાન્ડર એચ. મેકમીલનને બેથેલમાં કામ કરવાનો ઘણાં વર્ષોનો અનુભવ હતો. તે નિયમિત રીતે રેડિયો પ્રોગ્રામમાં ભાગ લેતા હતા. અમે તેમને ભાઈ મેક કહીને બોલાવતા. ઘણી વાર તેમના જીવનમાં મુશ્કેલીઓના કાળાં વાદળો ઘેરાયાં, છતાં ભાઈ વફાદાર રહ્યા હતા. અમારા જેવા યુવાનો માટે તો એ જોરદાર દાખલો હતો.

WBBRની જાહેરાત કરવા અમે આવાં ચોપાનિયાં વાપરતાં

૧૯૫૮માં મને બીજું કામ સોંપવામાં આવ્યું. હું ગિલયડ શાળાના સ્નાતકો સાથે કામ કરવા લાગ્યો. હું તેઓને વિઝા મેળવવા મદદ કરતો. ઉપરાંત, તેઓની મુસાફરીની ગોઠવણ કરતો. એ દિવસોમાં પ્લેનની મુસાફરી બહુ મોંઘી હતી. એટલે, આફ્રિકા અને એશિયા જતા મિશનરીઓએ સામાન લઈ જતા જહાજોમાં મુસાફરી કરવી પડતી. વર્ષો પછી, પ્લેનની ટિકિટ સસ્તી થવા લાગી. એટલે મોટા ભાગના મિશનરીઓને પ્લેનથી મોકલવામાં આવતા હતા.

સ્નાતક સમારોહ પહેલાં, ગિલયડ માટે તૈયારી કરતા

સંમેલનની મુસાફરી

૧૯૬૦માં અમેરિકાથી યુરોપ જવા કેટલાંક ચાર્ટડ પ્લેનની મેં ગોઠવણ કરી. ૧૯૬૧ના આંતરરાષ્ટ્રીય મહાસંમેલન માટે એ ગોઠવણ કરવામાં આવી હતી. એવું એક સંમેલન હેમબર્ગ, જર્મનીમાં યોજાયું હતું, જેમાં હું પણ ગયો. સંમેલન પછી, મેં અને બેથેલના ત્રણ ભાઈઓએ કાર ભાડે લીધી. અમે જર્મનીથી કાર લઈને ઇટાલી ગયા અને રોમમાં આવેલી શાખા કચેરીની મુલાકાત લીધી. ત્યાંથી અમે ફ્રાંસ ગયા. પિરેનીઝ પર્વતો પાર કરીને અમે સ્પેન પહોંચ્યા. એ સમયે આપણા કામ પર ત્યાં પ્રતિબંધ હતો. બાર્સિલોના શહેરનાં કેટલાંક ભાઈ-બહેનોને અમારે અમુક સાહિત્ય આપવાનાં હતાં. એ સાહિત્યો અમે ગિફ્ટ માટેના કાગળમાં લપેટી લીધાં હતાં. ત્યાંનાં ભાઈ-બહેનોને મળવાનો અનુભવ રોમાંચક હતો! પછી, અમે ઍમ્સ્‌ટરડૅમ ગયા અને ત્યાંથી પ્લેનમાં ન્યૂ યૉર્ક પહોંચ્યા.

૧૯૬૨માં મને મુસાફરીની ગોઠવણ વિશેનું બીજું એક કામ મળ્યું. આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય સંમેલનો થવાના હતા. મારે ૫૮૩ ભાઈ-બહેનોની મુસાફરીની ગોઠવણ કરવાની હતી. ૧૯૬૩ના એ સંમેલનનો વિષય હતો, “એવરલાસ્ટિંગ ગુડ ન્યૂઝ.” એ ભાઈ-બહેનો યુરોપ, એશિયા અને દક્ષિણ પૅસિફિક જવાનાં હતાં. પછી, તેઓ હવાઇ રાજ્યના હોનોલુલુ અને કૅલિફૉર્નિયા રાજ્યના પૅસાડીના જવાનાં હતાં. ઉપરાંત, તેઓ લેબેનન અને જોર્ડનમાં બાઇબલ સમયના પ્રદેશોની ખાસ ટૂર કરવાનાં હતાં. અમારા વિભાગે પ્લેનની ટિકિટ, હોટેલ બુકિંગ અને વિઝા જેવી બધી જરૂરી ગોઠવણ કરી હતી.

મને મળી એક હમસફર

૧૯૬૩નું વર્ષ બીજા એક કારણને લીધે પણ મારા માટે મહત્ત્વનું હતું. ૧૯૬૦માં મિસુરીથી આવેલી લીલા રોજર્સ બેથેલમાં સેવા આપતી હતી. જૂન ૨૯, ૧૯૬૩ના રોજ મેં તેની સાથે લગ્ન કર્યા. લગ્નના અઠવાડિયા પછી, મારે અને લીલાએ ટૂરમાં જવું પડ્યું. અમે ગ્રીસ, ઇજિપ્ત અને લેબેનન ગયાં. ત્યાંથી અમે જોર્ડનની વાટ પકડી. જોકે, આપણા કામ પર પ્રતિબંધ હોવાથી ત્યાંના અધિકારીઓ યહોવાના સાક્ષીઓને વિઝા આપતા ન હતા. એટલે, અમને ખબર ન હતી કે પ્લેનમાંથી ઉતરીશું ત્યારે શું થશે. પણ, એરપોર્ટ પર એક અજાયબ ઘટના થઈ. “યહોવાના સાક્ષીઓ તમારું સ્વાગત છે!” લખેલું મોટું બેનર લઈને આપણાં ભાઈ-બહેનો ઊભાં હતાં. એ જોઈને અમારી ખુશી સમાતી ન હતી. બાઇબલમાં જણાવેલા સ્થળો જોવા એક લહાવો હતો, જેમ કે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ રહ્યા હતા એ જગ્યા, ઈસુ અને પ્રેરિતોએ પ્રચાર કર્યો હતો એ જગ્યા અને ખ્રિસ્તી ધર્મની શરૂઆત થઈ હતી એ જગ્યા. આજે ખ્રિસ્તી ધર્મ “પૃથ્વીના છેડા સુધી” પહોંચ્યો છે.—પ્રે.કા. ૧૩:૪૭.

અમારી બધી સોંપણીમાં લીલાએ મને પંચાવન વર્ષોથી સાથ આપ્યો છે. સ્પેન અને પોર્ટુગલમાં એ સમયે પ્રતિબંધ હતો. કેટલીક વાર અમે ત્યાં ગયાં હતાં. અમે ભાઈ-બહેનોને ઉત્તેજન આપતાં અને તેઓને સાહિત્ય અને બીજી જરૂરી વસ્તુઓ આપતાં. સ્પેનની કેડીઝ જેલમાં ભાઈ-બહેનોને મળવાનો પણ મોકો મળ્યો હતો. ખુશીની વાત છે કે તેઓને ઉત્તેજનભર્યું પ્રવચન આપવાનો મને લહાવો મળ્યો.

૧૯૬૯માં ‘પીસ ઓન અર્થ’ સંમેલનમાં જતી વખતે, જેરી અને પેટ્રેશીઆ સાથે

૧૯૬૩થી આંતરરાષ્ટ્રીય સંમેલનો માટે હું મુસાફરીની વ્યવસ્થા કરતો હતો. જેમ કે, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, મધ્ય અને દક્ષિણ અમેરિકા, યુરોપ, અગ્નિ એશિયા, હવાઇ, ન્યૂ ઝીલૅન્ડ અને પોર્ટો રિકો. મને અને મારી પત્નીને અનેક યાદગાર સંમેલનોમાં જવાનો મોકો મળ્યો છે. ૧૯૮૯માં પોલૅન્ડના વોરસોવમાં થયેલું સંમેલન અમને હજીયે યાદ છે. એ મોટા સંમેલનમાં ઘણાં ભાઈ-બહેનો રશિયાથી આવ્યાં હતાં. એ તેઓનું પહેલું સંમેલન હતું! સોવિયત સંઘનાં ઘણાં ભાઈ-બહેનોએ પોતાની શ્રદ્ધાને લીધે જેલમાં વર્ષો વિતાવ્યાં હતાં. તેઓને મળવાનો પણ અમને મોકો મળ્યો હતો.

અલગ અલગ દેશના બેથેલ કુટુંબ અને મિશનરીઓને મળવાનો અમને લહાવો મળ્યો છે. તેઓને ઉત્તેજન આપવાની સોંપણી મને ખૂબ ગમતી. છેલ્લી મુસાફરીઓમાંની એક, દક્ષિણ કોરિયાની હતી. સુવોન જેલમાં કેટલાક ભાઈઓ સજા ભોગવી હતી. એમાંના ૫૦ ભાઈઓને મળવાનો અમને મોકો મળ્યો હતો. તેઓ ઘણા ઉત્સાહી હતા. તેઓ એ દિવસની રાહ જોતા હતા, જ્યારે કોઈ પણ રોકટોક વગર તેઓ યહોવાની ભક્તિ કરી શકશે. તેઓને મળીને અમને ઘણું ઉત્તેજન મળ્યું હતું!—રોમ. ૧:૧૧, ૧૨.

ભાઈ-બહેનો વધે છે, તેમ મારી ખુશી પણ વધે છે

હું વર્ષોથી જોતો આવ્યો છું કે, યહોવા કઈ રીતે પોતાના લોકોને આશીર્વાદ આપે છે. ૧૯૪૩માં મેં બાપ્તિસ્મા લીધું, એ સમયે ૧,૦૦,૦૦૦ જેટલા પ્રકાશકો હતા. જ્યારે કે આજે ૨૪૦ જેટલાં દેશોમાં ૮૦ લાખથી વધુ યહોવાના ભક્તો છે. ગિલયડનાં સ્નાતક ભાઈ-બહેનોની સખત મહેનતે પણ એમાં ભાગ ભજવ્યો છે. હું ખુશ છું કે, ઘણા મિશનરીઓ સાથે કામ કરવાનો અને તેઓને મદદ કરવાનો મને લહાવો મળ્યો છે.

યહોવાની સેવામાં જીવન વિતાવવાનો નિર્ણય લીધો અને યુવાનીમાં બેથેલ ગયો, એ મારા માટે ખુશીની વાત છે. મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા પણ યહોવાએ મારા પર આશીર્વાદો વરસાવ્યા છે. લીલા અને મેં બ્રુકલિનના ઘણાં મંડળો સાથે પ્રચારકામનો આનંદ માણ્યો છે અને ઘણા સાચા મિત્રો મેળવ્યા છે.

લીલા મારી પડખે ઊભી છે, એટલે હું બેથેલ સેવા કરી શકું છું. હું ખુશ છું, કેમ કે આજે ૮૪ વર્ષની ઉંમરે પણ હું યહોવાની સેવામાં કંઈક કરી શકું છું અને પત્ર વિભાગમાં સેવા આપી શકું છું.

લીલા સાથે

યહોવાના અદ્ભુત સંગઠનનો ભાગ હોવું અને માલાખી ૩:૧૮ના શબ્દો સાચા પડતા જોવા એક લહાવો છે. એ શબ્દો છે: ‘તમે ફરશો અને નેક તથા દુષ્ટ વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેમની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.’ શેતાનની દુનિયાની હાલત દિવસે ને દિવસે બદતર થતી જાય છે. લોકોના જીવનમાં આશા નથી, જરાય ખુશી નથી. પણ, જેઓ યહોવાને પ્રેમ કરે છે અને તેમની સેવા કરે છે, તેઓ કપરા સમયમાં પણ ખુશહાલ જીવન અને ભાવિની પાકી આશા ધરાવે છે. બીજાઓને ખુશખબર જણાવવી એક લહાવો છે! (માથ. ૨૪:૧૪) ઈશ્વરનું રાજ્ય આ દુનિયાને બગીચા જેવી બનાવશે. એ દિવસ જલદી આવે એવું આપણે દરેક ઇચ્છીએ છીએ! ત્યારે દરેક જણ સારી તંદુરસ્તી ધરાવતું હશે અને ખુશ હશે. ઉપરાંત, હંમેશ માટેના જીવનનો આનંદ માણશે!