સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના ન્યાયચુકાદાનું ‘વંટોળિયું’ આવે એ પહેલાં લોકોએ ચેતવણી પર ધ્યાન આપવું જોઈએ!

ઈશ્વરના ન્યાયચુકાદાઓ—શું ઈશ્વર પૂરતી ચેતવણીઓ આપે છે?

ઈશ્વરના ન્યાયચુકાદાઓ—શું ઈશ્વર પૂરતી ચેતવણીઓ આપે છે?

હવામાન વિશે આગાહી કરનાર વ્યક્તિ રડાર પર હંમેશાં ધ્યાન રાખે છે. તેને ખબર પડે છે કે ગીચોગીચ વસ્તી ધરાવનાર વિસ્તાર પર વાવાઝોડું આવી રહ્યું છે. લોકોની સલામતીની તેને ચિંતા છે, એટલે મોડું થઈ જાય એ પહેલાં તે ચેતવણી આપતો રહે છે.

એવી જ રીતે, યહોવા પૃથ્વીના લોકોને ખતરનાક “વંટોળિયા” એટલે કે વાવાઝોડા વિશે ચેતવણી આપી રહ્યા છે. એ એટલું ખતરનાક છે કે એવા વાવાઝોડા વિશે ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે. યહોવા કઈ રીતે ચેતવણી આપે છે? આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે યહોવા લોકોને એ વિશે પૂરતો સમય આપે છે? એ સવાલોના જવાબ જોતા પહેલાં ચાલો જોઈએ કે, અગાઉ યહોવાએ કઈ કઈ ચેતવણીઓ આપી હતી.

યહોવાએ ક્યારે ચેતવણીઓ આપી હતી?

બાઇબલ સમયમાં યહોવાએ કેટલાય “વંટોળિયા” એટલે કે, ન્યાયચુકાદાઓ વિશે ચેતવણીઓ આપી હતી. તેમના ન્યાયચુકાદાઓ એવા લોકો વિરુદ્ધ હતા, જેઓએ તેમની આજ્ઞા જાણીજોઈને તોડી હતી. (નીતિ. ૧૦:૨૫; યિર્મે. ૩૦:૨૩) તેમણે આજ્ઞા ન પાળનારા લોકોને દર વખતે અગાઉથી ચેતવણી આપી હતી. તેમની આજ્ઞા પાળવા તેઓએ શું કરવું જોઈએ, એ પણ જણાવ્યું હતું. (૨ રાજા. ૧૭:૧૨-૧૫; નહે. ૯:૨૯, ૩૦) લોકોને જીવનમાં સુધારો કરવા મદદની જરૂર હતી. એ માટે યહોવા પોતાના ભક્તોનો ઉપયોગ કરતા હતા. લોકોએ તરત પગલાં ભરવા જોઈએ, એ વાત સમજવા યહોવાના ભક્તો તેઓને મદદ કરતા હતા.—આમો. ૩:૭.

નુહ એક વફાદાર ભક્ત હતા. તેમના સમયમાં લોકો હિંસા કરતા અને ગંદાં કામો કરતા. વર્ષો સુધી તેમણે એ લોકોને પૃથ્વી પર આવનાર જળપ્રલય વિશે ચેતવણી આપી હતી. (ઉત. ૬:૯-૧૩, ૧૭) તેમણે લોકોને એ પણ જણાવ્યું કે પૂરમાંથી બચવા તેઓએ શું કરવાનું છે. નુહે એટલો બધો પ્રચાર કર્યો કે, તે “સત્યનો માર્ગ જાહેર કરનાર” તરીકે ઓળખાયા.—૨ પીત. ૨:૫.

નુહે ઘણી મહેનત કરી, પણ એ સમયના લોકોએ ઈશ્વરના સંદેશા તરફ આંખ આડા કાન કર્યા. તેઓમાં શ્રદ્ધાની ખામી હતી. એટલે જળપ્રલય ‘આવ્યો અને બધાને ખેંચી લઈ ગયો.’ બધા લોકોનો નાશ થઈ ગયો. (માથ. ૨૪:૩૯; હિબ્રૂ. ૧૧:૭) તેઓનો અંત પાસે આવી રહ્યો હતો ત્યારે, તેઓ બહાનું કાઢી શક્યા નહિ કે ઈશ્વરે તેઓને ચેતવણી આપી ન હતી.

બીજા એક સમયે યહોવાના ન્યાયચુકાદાનું ‘વંટોળિયું’ આવવાનું હતું. એના આવતા પહેલાં તેમણે અમુક લોકોને એ વિશે ચેતવણી આપી હતી. તેમણે ખાતરી કરી કે લોકોને ખોટા માર્ગમાંથી પાછા ફરવા પૂરતો સમય મળે. દાખલા તરીકે, ઇજિપ્ત પર દસ આફતો આવવાની હતી ત્યારે, તેમણે અગાઉથી એ વિશે ચેતવણી આપી હતી. એકવાર મુસા અને હારુનને, યહોવાએ ફારૂન અને તેના સેવકો પાસે ચેતવણી આપવા મોકલ્યા. તેઓએ સાતમી આફત વિશે જણાવ્યું કે એમાં ભારે કરાનો વરસાદ થશે. એ વરસાદ બીજા દિવસે પડવાનો હતો. શું યહોવાએ તેઓને રક્ષણ મેળવવા કે નાસી છૂટવા પૂરતો સમય આપ્યો હતો? બાઇબલમાં લખ્યું છે: ‘ફારૂનના સેવકોમાંના જેઓ યહોવાની વાણીથી ડર્યા તેઓ બધા પોતાના ચાકરોને તથા ઢોરોને ઘેર લઈ આવ્યા. જેઓએ યહોવાની વાણીને ધ્યાન આપ્યું નહિ, તેઓ બધાએ પોતાના સેવકોને તથા ઢોરને ખેતરમાં રહેવા દીધાં.’ (નિર્ગ. ૯:૧૮-૨૧) એનાથી સાફ જોવા મળે છે કે યહોવાએ ઘણી ચેતવણીઓ આપી હતી. જેઓએ બચવા માટે પગલાં ભર્યાં, તેઓએ વધારે નુકસાન સહેવું પડ્યું નહિ.

દસમી આફત આવતા પહેલાં ફારૂન અને તેના સેવકોને પણ ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ, તેઓએ એ ચેતવણી પર ધ્યાન આપ્યું નહિ. (નિર્ગ. ૪:૨૨, ૨૩) પરિણામે, તેઓના પ્રથમ જન્મેલા દીકરાઓ મરણ પામ્યા. એ કેટલા દુઃખની વાત કહેવાય! (નિર્ગ. ૧૧:૪-૧૦; ૧૨:૨૯) એ ચેતવણી પર ધ્યાન આપવાનો શું તેઓ પાસે સમય હતો? હા! મુસાએ ઇઝરાયેલીઓને આવનાર દસમી આફત વિશે ચેતવણી આપી હતી. મુસાએ તેઓને પોતાના કુટુંબનો બચાવ કરવા અમુક માર્ગદર્શન પણ આપ્યું હતું. (નિર્ગ. ૧૨:૨૧-૨૮) એ ચેતવણી પર કેટલા લોકોએ ધ્યાન આપ્યું? અંદાજ પ્રમાણે, ૩૦ લાખ લોકોએ ધ્યાન આપ્યું. એમાં ઇઝરાયેલીઓ, બીજા દેશના અને ઇજિપ્તના ‘જુદી જુદી જાતના લોકોનો જથ્થો’ પણ હતો. તેઓએ ઇજિપ્ત છોડી દીધું અને ઈશ્વરના ચુકાદામાંથી તેઓ બચી ગયા.—નિર્ગ. ૧૨:૩૮.

આ દાખલાઓથી જાણવા મળે છે કે યહોવાએ લોકોને પૂરતો સમય આપ્યો હતો. તેઓ ચેતવણી સાંભળીને એ પ્રમાણે પગલાં ભરી શકતા હતા. (પુન. ૩૨:૪) શા માટે યહોવાએ પૂરતો સમય આપ્યો હતો? પ્રેરિત પીતરે એ વિશે સમજાવ્યું હતું, યહોવા ‘ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.’ (૨ પીત. ૩:૯) યહોવાને સાચે જ એ સમયના લોકોની ચિંતા હતી. તે ચાહતા હતા કે તેમનો ન્યાયચુકાદો આવે એ પહેલાં, લોકો પસ્તાવો કરે અને જરૂરી ફેરફારો કરે.—યશા. ૪૮:૧૭, ૧૮; રોમ. ૨:૪.

યહોવા ચેતવણી આપે ત્યારે આપણે કઈ રીતે વર્તીશું?

આજે પણ આખી દુનિયામાં એક મહત્ત્વની ચેતવણી આપવામાં આવી રહી છે. બધા લોકોએ એ ચેતવણી પ્રમાણે પગલાં ભરવાનાં છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે ચેતવણી આપી હતી કે “મહાન વિપત્તિ” દરમિયાન આ દુષ્ટ દુનિયાનો અંત આવશે. (માથ. ૨૪:૨૧) એ ન્યાયચુકાદા વિશે ઈસુએ ઘણી માહિતી આપી હતી. તેમણે સાફ જણાવ્યું કે એ સમય આવશે ત્યારે શિષ્યો કેવી બાબતો જોશે અને અનુભવશે. દુનિયામાં થનાર મહત્ત્વના બનાવો વિશે ઈસુએ જણાવ્યું હતું, જે આજે આપણે જોઈ રહ્યા છીએ.—માથ. ૨૪:૩-૧૨; લુક ૨૧:૧૦-૧૩.

એ ભવિષ્યવાણીમાં બીજી પણ એક બાબત જણાવવામાં આવી હતી. યહોવાએ તેમની ભક્તિ કરવાનું અને તેમની આજ્ઞાઓ પાળવાનું બધાને આમંત્રણ આપ્યું છે. તે ચાહે છે કે તેમની આજ્ઞા પાળનારા લોકો હમણાં ખુશ રહે. નવી દુનિયામાં પણ તેઓ ઘણા આશીર્વાદો મેળવે. (૨ પીત. ૩:૧૩) લોકો યહોવાનાં વચનો પર ભરોસો મૂકે માટે તે તેઓને મદદ કરવા ચાહે છે. તે ચાહે છે કે તેમનો સંદેશો સાંભળીને લોકોનું જીવન બચી જાય. એ સંદેશો ‘રાજ્યની ખુશખબર’ છે. ઈસુએ પહેલેથી જણાવ્યું હતું કે એ સંદેશો “આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે.” (માથ. ૨૪:૧૪) ઈશ્વરે સાચા ભક્તોને કામ સોંપ્યું છે. તેઓ આશરે ૨૪૦ દેશોમાં લોકોને “સાક્ષી” આપી રહ્યા છે, એટલે કે ઈશ્વરનો સંદેશો જણાવી રહ્યા છે. યહોવા ચાહે છે કે બને એટલા વધારે લોકો ચેતવણીને ધ્યાન આપે અને તેમના ન્યાયચુકાદાના ‘વંટોળિયામાંથી’ બચી જાય.—સફા. ૧:૧૪, ૧૫; ૨:૨, ૩.

લોકો ચેતવણી પ્રમાણે પગલાં ભરી શકે માટે યહોવા પૂરતો સમય આપે છે, જેના આપણે પુરાવા જોઈ ગયા. તો હવે આપણને મહત્ત્વનો સવાલ થાય કે, સમય છે ત્યાં સુધી શું લોકો ઈશ્વરની ચેતવણી પર ધ્યાન આપશે? એટલે ચાલો આપણે બને એટલા વધારે લોકોને ચેતવણી આપીએ અને દુષ્ટ દુનિયાના અંતમાંથી બચવા મદદ કરીએ.