સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૩

ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ

ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ

“તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર અને તેમના એકલાની જ પવિત્ર સેવા કર.”—માથ. ૪:૧૦.

ગીત ૭ હર ઘડી સોંપી દઉં યહોવાને

ઝલક *

૧. શા માટે ફક્ત યહોવાની જ ભક્તિ કરવી જોઈએ?

યહોવાએ આપણને બનાવ્યા છે અને જીવન આપ્યું છે. એટલે આપણે ફક્ત તેમની જ ભક્તિ કરવી જોઈએ. (પ્રકટી. ૪:૧૧) આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમને માન આપીએ છીએ. પણ આપણા માટે અમુક બાબતો એટલી મહત્ત્વની બની જાય કે આપણી ભક્તિને આડે આવવા લાગે. એ આપણા માટે ખતરો બની શકે છે. એવું કઈ રીતે થઈ શકે? એનો જવાબ મેળવતા પહેલાં ચાલો જોઈએ કે ફક્ત યહોવાની ભક્તિ કરવાનો શો અર્થ થાય.

૨. આપણે ફક્ત ઈશ્વરની જ ભક્તિ કરતા હોઈશું તો નિર્ગમન ૩૪:૧૪ પ્રમાણે શું કરીશું?

બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરની ભક્તિ અને તેમના માટેનો ઊંડો પ્રેમ એકબીજા સાથે જોડાયેલા છે. આપણા દિલમાં કોઈ વસ્તુ કે વ્યક્તિને ઈશ્વરનું સ્થાન લેવા ન દઈએ.—નિર્ગમન ૩૪:૧૪ વાંચો.

૩. આપણે શા માટે યહોવાની આંધળી ભક્તિ કરતા નથી?

આપણે યહોવાની આંધળી ભક્તિ કરતા નથી. કારણ કે આપણે તેમના વિશે જે શીખ્યા એના આધારે તેમની ભક્તિ કરીએ છીએ. આપણને તેમના સુંદર ગુણો ગમે છે. આપણે તેમની પસંદ-નાપસંદ જાણીએ છીએ અને આપણે પણ એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વરનો માણસો માટેનો હેતુ છે કે તેઓ તેમની ઇચ્છા પ્રમાણે ચાલે અને હંમેશાં તેમની જ ભક્તિ કરે. તેમનાં ધોરણો પ્રમાણે ચાલીને આપણે એ હેતુ પૂરો કરવામાં ભાગ ભજવીએ છીએ. તેમના મિત્ર બનવાનો આપણી પાસે કેટલો સરસ લહાવો છે! (ગીત. ૨૫:૧૪) સર્જનહાર વિશે આપણે જે કંઈ શીખીએ છીએ, એનાથી તેમની નજીક જઈ શકીએ છીએ.—યાકૂ. ૪:૮.

૪. (ક) યહોવાની ભક્તિમાંથી આપણું ધ્યાન ફંટાવવા શેતાન શું કરે છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આ દુનિયા શેતાનની મુઠ્ઠીમાં છે. તે આપણી નબળાઈઓ જાણે છે. એટલે દુનિયાનો ઉપયોગ કરીને તે આપણી ઇચ્છાઓ ભડકાવે છે. (એફે. ૨:૧-૩; ૧ યોહા. ૫:૧૯) આપણે ફક્ત યહોવાની ભક્તિ કરીએ છીએ. પણ શેતાન ચાહે છે કે એમાંથી આપણું ધ્યાન ફંટાઈ જાય. આ લેખમાં જોઈશું કે એ માટે શેતાન કઈ બે રીતો અજમાવે છે. પહેલી રીત, આપણે પૈસા પાછળ પાગલ થઈ જઈએ માટે તે આપણને લલચાવે છે. બીજી રીત, આપણે ખરાબ મનોરંજન પસંદ કરીએ માટે તે બનતા બધા પ્રયત્ન કરે છે.

પૈસાના પ્રેમી ન બની જઈએ એનું ધ્યાન રાખીએ

૫. પૈસાના પ્રેમી ન બની જઈએ, એનું શા માટે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ?

આપણને બધાને રોટી, કપડાં અને મકાનની જરૂર પડે છે. આપણે પૈસાના પ્રેમી ન બની જઈએ, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે ઘણા લોકો “પૈસાના પ્રેમી” છે. પૈસાથી ખરીદી શકાય એવી વસ્તુઓ પાછળ તેઓ પાગલ છે. (૨ તિમો. ૩:૨) ઈસુ જાણતા હતા કે શિષ્યો પણ એવું કરવા લલચાઈ શકે છે. એટલે ઈસુએ કહ્યું હતું: “બે માલિકની ચાકરી કોઈ કરી શકતું નથી, કેમ કે તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે અથવા એકને વળગી રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વરની અને ધનદોલતની એક સાથે ચાકરી કરી શકતા નથી.” (માથ. ૬:૨૪) એક વ્યક્તિ યહોવાની ભક્તિ કરવાની સાથે સાથે ધનદોલત મેળવવા પોતાનાં મોટાં ભાગનાં સમય-શક્તિ ખર્ચે તો શું થશે? એ તો જાણે બે માલિકની ચાકરી કરવા બરાબર છે. તે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી રહી નથી.

લાવદિકિયાના લોકો પોતાને કેવા ગણતા હતા? યહોવા અને ઈસુની નજરે તેઓ કેવા હતા? (ફકરો ૬ જુઓ)

૬. ઈસુએ લાવદિકિયા મંડળને જે કહ્યું, એમાંથી આપણે શું શીખી શકીએ?

લાવદિકિયા મંડળના અમુક લોકો બડાઈ હાંકતા કે, “હું ધનવાન છું અને મેં સંપત્તિ ભેગી કરી છે અને મને કશાની જરૂર નથી.” પણ યહોવા અને ઈસુની નજરે તેઓ ‘દુઃખી, લાચાર, ગરીબ, આંધળા અને નગ્‍ન’ હતા. શું તેઓ ધનવાન હતા એટલે ઈસુએ તેઓને ઠપકો આપ્યો હતો? ના, એટલે નહિ. તેઓ તો પૈસા પાછળ એટલા પાગલ થઈ ગયા હતા કે યહોવા સાથેનો તેઓનો સંબંધ ખતરામાં આવી ગયો હતો. (પ્રકટી. ૩:૧૪-૧૭) જો આપણને ખબર પડે કે આપણા દિલમાં પૈસા માટેનો મોહ જાગી રહ્યો છે, તો આપણા વિચારો સુધારવા તરત પગલાં ભરવાં જોઈએ. (૧ તિમો. ૬:૭, ૮) જો એમ નહિ કરીએ, તો આપણે બીજી વસ્તુઓને પ્રેમ કરવા લાગીશું અને યહોવા આપણી ભક્તિ નહિ સ્વીકારે. તેમની ઇચ્છા છે કે આપણે ફક્ત તેમની જ ભક્તિ કરીએ. (પુન. ૪:૨૪) આપણા જીવનમાં કઈ રીતે પૈસા વધારે મહત્ત્વના બની જઈ શકે?

૭-૯. ડેવિડભાઈના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?

ચાલો અમેરિકામાં રહેતા ડેવિડભાઈનો દાખલો જોઈએ. તે વડીલ છે અને ખૂબ મહેનત કરે છે. તે પોતાની નોકરીની જગ્યાએ પણ મન લગાડીને કામ કરતા હતા. તેમને કંપનીમાં પ્રમોશન મળ્યું. એ કામ કરવામાં તે એટલા હોશિયાર હતા કે, આખા દેશમાં એ માટે જાણીતા બન્યા હતા. ડેવિડભાઈએ કહ્યું: ‘ત્યારે મને લાગતું કે એ બધું તો ઈશ્વરનો આશીર્વાદ છે.’ પણ શું ખરેખર એવું હતું?

ડેવિડભાઈને ધીરે ધીરે અહેસાસ થવા લાગ્યો કે કામને લીધે યહોવા સાથેનો તેમનો સંબંધ નબળો પડી રહ્યો છે. તે જણાવે છે: ‘સભા અને પ્રચારમાં પણ મારા મનમાં નોકરીના જ વિચારો ફર્યા કરતા. હું ઢગલો પૈસા કમાતો પણ હંમેશાં તણાવમાં રહેતો. એની અસર મારા લગ્‍નજીવનને પણ થતી.’

ડેવિડભાઈને અહેસાસ થયો કે જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે એ તપાસવાની જરૂર છે. તે જણાવે છે: ‘સંજોગોમાં ફેરફાર કરવાનો મેં પાકો નિર્ણય કર્યો.’ નોકરીમાં તે પોતાના કામમાં થોડો ફેરફાર કરવા માંગતા હતા. એ વિશે તેમણે બોસને પણ જણાવ્યું. એટલે ડેવિડભાઈની નોકરી છૂટી ગઈ. તેમણે શું કર્યું? તેમણે કહ્યું, ‘બીજા જ દિવસે મેં સહાયક પાયોનિયરીંગનું ફોર્મ ભર્યું.’ ગુજરાન ચલાવવા ડેવિડભાઈ અને તેમના પત્નીએ સાફ-સફાઈનું કામ શરૂ કર્યું. થોડા જ સમયમાં ડેવિડભાઈ નિયમિત પાયોનિયર બન્યા. પછીથી, તેમનાં પત્ની પણ પાયોનિયર બન્યાં. તેઓ ઘર ચલાવવા જે કામ કરતા, એવું કામ કરવામાં ઘણા લોકો નાનમ અનુભવે છે. પણ તેઓને એવું લાગતું નહિ. કારણ કે તેઓ માટે એ કામ સૌથી મહત્ત્વનું નથી. હવે તેઓની આવક પહેલાં કરતાં દસ ગણી ઓછી થઈ ગઈ છે. પણ દર મહિને તેઓને ગુજરાન ચલાવવા જેટલા પૈસા મળી રહે છે. યહોવાની ભક્તિને તેઓ જીવનમાં પ્રથમ રાખવા માંગે છે. તેઓએ પોતે અનુભવ્યું છે કે જે લોકો યહોવાની ભક્તિને પ્રથમ સ્થાન આપે છે, તેઓની તે કાળજી લે છે.—માથ. ૬:૩૧-૩૩.

૧૦. આપણે કઈ રીતે દિલની સંભાળ રાખવી જોઈએ?

૧૦ આપણી પાસે ઓછા પૈસા હોય કે વધારે, આપણે દિલની સંભાળ રાખવી જોઈએ. કઈ રીતે? આપણા દિલમાં પૈસા માટે પ્રેમ ન જાગવા દઈને. નોકરી તમારા માટે યહોવાની ભક્તિ કરતાં વધારે મહત્ત્વની ન હોવી જોઈએ. તમારા દિલમાં પૈસા માટે પ્રેમ જાગી રહ્યો છે કે કેમ, એ જાણવા શું કરવું જોઈએ? આ સવાલોનો વિચાર કરો: “સભા કે પ્રચારમાં હોઉં ત્યારે શું હું કામધંધા વિશે જ વિચાર્યા કરું છું? ભાવિમાં પૂરતા પૈસા હશે કે નહિ, શું એ વિશે જ ચિંતા કર્યા કરું છું? માલમિલકતને લીધે શું મારા લગ્‍નજીવનમાં તકલીફો આવી રહી છે? યહોવાની સેવામાં વધારે કરવા શું હું કોઈ સામાન્ય કામ કરી શકું?” (૧ તિમો. ૬:૯-૧૨) એ સવાલોનો વિચાર કરીએ ત્યારે યાદ રાખીએ કે, યહોવા આપણને પ્રેમ કરે છે. પોતાના ભક્તોને તેમણે વચન આપ્યું છે: “હું તને કદી છોડીશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” એટલે જ પ્રેરિત પાઊલે લખ્યું હતું: “જીવનમાં પૈસાનો મોહ ન રાખો.”—હિબ્રૂ. ૧૩:૫, ૬.

મનોરંજનની પસંદગી કરવામાં ધ્યાન રાખીએ

૧૧. મનોરંજનની લોકો પર કેવી અસર પડી શકે?

૧૧ યહોવા ચાહે છે કે આપણે જીવનની મજા માણીએ. મનોરંજનથી આપણને મજા આવે છે. બાઇબલમાં જણાવ્યું છે કે, ‘મનુષ્ય ખાય, પીએ અને આનંદ સાથે મહેનત કરે એનાં કરતાં બીજું કશું વધારે સારું નથી.’ (સભા. ૨:૨૪, કોમન લેંગ્વેજ) આજની દુનિયામાં મોટા ભાગના મનોરંજનથી આપણને નુકસાન થઈ શકે છે. એનાથી લોકોના સંસ્કારો બગડે છે. મનોરંજનથી લોકો એવી બાબતોને ચલાવી લેવાનું શીખે છે, જેના વિશે બાઇબલમાં ના પાડવામાં આવી છે.

તમારું મનોરંજન કોણ તૈયાર કરી રહ્યું છે? (ફકરા ૧૧-૧૪ જુઓ) *

૧૨. પહેલો કોરીંથીઓ ૧૦:૨૧, ૨૨ પ્રમાણે આપણે શા માટે મનોરંજનની પસંદગી કરવામાં ધ્યાન રાખવું જોઈએ?

૧૨ આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરવા માંગીએ છીએ. એટલે આપણે “યહોવાની મેજ” પરથી અને “દુષ્ટ દૂતોની મેજ” પરથી એકસાથે ખાઈ શકતા નથી. (૧ કોરીંથીઓ ૧૦:૨૧, ૨૨ વાંચો.) કોઈની સાથે હળીએ-મળીએ અને સાથે બેસીને જમીએ તો, એ મિત્રતાની નિશાની કહેવાય. જો આપણે એવું મનોરંજન પસંદ કરીએ જેમાં હિંસા, મેલીવિદ્યા, વ્યભિચાર, ખરાબ ઇચ્છાઓ અને ખોટું વલણ હોય તો શું થઈ શકે? એ તો જાણે ઈશ્વરના દુશ્મનો સાથે બેસીને જમવા જેવું છે. એનાથી આપણને નુકસાન થશે, એટલું જ નહિ યહોવા સાથેનો આપણો સંબંધ પણ જોખમમાં આવી જશે.

૧૩-૧૪. (ક) આપણે કઈ રીતે મનોરંજનને ખોરાક સાથે સરખાવી શકીએ? (ખ) યાકૂબ ૧:૧૪, ૧૫ પ્રમાણે શા માટે ખરાબ મનોરંજન જોખમી છે? સમજાવો.

૧૩ આપણે કઈ રીતે મનોરંજનને ખોરાક સાથે સરખાવી શકીએ? જમતી વખતે મોંમાં કયો ખોરાક મૂકીશું એ આપણા હાથમાં છે. પણ એક વાર ખાવાનું આપણા મોંમાં જતું રહે પછી આપણે કંઈ કરી શકતા નથી. ખોરાકની આપણા શરીર પર કેવી અસર થશે એ આપણા હાથમાં હોતું નથી. સારા ખોરાકથી આપણું શરીર તંદુરસ્ત રહેશે. આચરકૂચર ખાવાથી આપણે બીમાર પડીશું. ખોરાકની અસર આપણા શરીર પર રાતોરાત નહિ દેખાય. પણ થોડા સમય પછી એની અસર દેખાવા લાગશે.

૧૪ એવી જ રીતે, મનોરંજન નક્કી કરતી વખતે આપણા હાથમાં હોય છે કે મનમાં કેવા વિચારો જવા દઈશું. જે મનોરંજન પસંદ કરીશું એની આપણાં વિચારો અને લાગણીઓ પર કેવી અસર થશે, એ આપણા હાથમાં હોતું નથી. સારા મનોરંજનથી આપણને મજા આવશે. ખરાબ મનોરંજનથી આપણને નુકસાન થશે. (યાકૂબ ૧:૧૪, ૧૫ વાંચો.) ખરાબ મનોરંજનની અસર કદાચ રાતોરાત ન થાય. પણ થોડા સમય પછી એની અસર દેખાવા લાગશે. એટલે જ બાઇબલમાં આ ચેતવણી આપી છે: “છેતરાશો નહિ: ઈશ્વરની મશ્કરી કરાય નહિ. કેમ કે માણસ જે કંઈ વાવે છે, એ જ તે લણે છે; કારણ કે જે કોઈ પોતાના શરીરની પાપી ઇચ્છાઓ પ્રમાણે વાવે છે, તે પોતાના શરીરથી નાશ લણશે.” (ગલા. ૬:૭, ૮) આજે ઘણા મનોરંજનમાં એવી બાબતો હોય છે, જેને યહોવા ધિક્કારે છે. એવા દરેક મનોરંજનથી આપણે દૂર રહીએ એ ખૂબ જ મહત્ત્વનું છે!—ગીત. ૯૭:૧૦.

૧૫. યહોવાએ આપણને કઈ સુંદર ભેટ આપી છે?

૧૫ યહોવાના સાક્ષીઓને JW બ્રૉડકાસ્ટિંગ જોવું ખૂબ ગમે છે. એ આપણું ઇન્ટરનેટ ટીવી સ્ટેશન છે. મેરલીનબેન કહે છે: ‘JW બ્રૉડકાસ્ટિંગથી મને ખુશ રહેવા મદદ મળી છે. એમાં બધી જ બાબતો એકદમ સારી હોય છે એટલે હું બધું જ જોઈ શકું છું. મને સૂનું સૂનું લાગે કે નિરાશાની લાગણી ઘેરી વળે ત્યારે, હું બ્રૉડકાસ્ટિંગ પર ઉત્તેજન આપતાં પ્રવચનો કે સવારની ભક્તિનો કાર્યક્રમ જોઉં છું. એનાથી મને યહોવા અને તેમના સંગઠનની નજીક રહેવા મદદ મળે છે. JW બ્રૉડકાસ્ટિંગની ગોઠવણે મારા જીવનમાં રંગ ભરી દીધો છે.’ યહોવાની ભેટથી શું તમને ફાયદો થઈ રહ્યો છે? JW બ્રૉડકાસ્ટિંગ પર દર મહિને નવા નવા કાર્યક્રમો આવે છે. એમાં ઑડિયો-વીડિયો કાર્યક્રમો અને ઉત્તેજન આપે એવાં ગીતો હોય છે, જે તમે કોઈ પણ સમયે જોઈ શકો અને સાંભળી શકો.

૧૬-૧૭. મનોરંજનમાં જે સમય આપીએ છીએ, એનું શા માટે ધ્યાન રાખવું જોઈએ? આપણે કઈ રીતે એમ કરી શકીએ?

૧૬ આપણે કેવું મનોરંજન પસંદ કરીએ છીએ, એનું ધ્યાન રાખવું જોઈએ. એટલું જ નહિ, એમાં કેટલો સમય કાઢીએ છીએ એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો એમ નહિ કરીએ, તો આપણે યહોવાની ભક્તિ કરતાં વધારે સમય મનોરંજન પાછળ કાઢવા લાગીશું. મનોરંજન માટે સમય નક્કી કરવો ઘણા લોકો માટે અઘરું હોય છે. ૧૮ વર્ષની અબીગાઈલ કહે છે: ‘સાંજે થાકીને આવું ત્યારે ટીવી જોઉં તો જરા સારું લાગે. પણ જો હું ધ્યાન ન રાખું તો કલાકોના કલાકો ટીવી જોવામાં જતા રહે.’ ૨૧ વર્ષનો સેમ્યુલ જણાવે છે: ‘ઇન્ટરનેટ પર નાના નાના વીડિયો જોવામાં મારો ઘણો સમય જતો રહે છે. એક વીડિયો જોવાનો શરૂ કરું પછી ત્રણ-ચાર કલાક ક્યાં નીકળી જાય, એની ખબર જ નથી પડતી.’

૧૭ મનોરંજનમાં જે સમય આપો છો, એનું કઈ રીતે ધ્યાન રાખી શકો? સૌથી પહેલા તો, મનોરંજન પાછળ અઠવાડિયામાં કેટલો સમય કાઢો છો એની નોંધ રાખો. ટીવી જોવામાં, ઇન્ટરનેટમાં અને મોબાઇલ પર ગેમ રમવામાં તમારા કેટલા કલાકો જાય છે, એ કેલેન્ડરમાં લખી લો. જો તમને લાગે કે એમાં વધારે પડતો સમય જતો રહે છે, તો સમયપત્રક બનાવો. પહેલા મહત્ત્વની બાબતો માટે સમય કાઢો અને પછી મનોરંજન કરો. પછી, તમે જે નક્કી કર્યું છે, એ પ્રમાણે કરી શકો માટે યહોવા પાસે મદદ માંગો. આમ, તમારી પાસે આવી બાબતો માટે પૂરતાં સમય-શક્તિ હશે: બાઇબલનો અભ્યાસ, કુટુંબ તરીકેની ભક્તિ, મંડળની સભાઓ અને પ્રચારકાર્ય. તમે યહોવાની ભક્તિને પ્રથમ રાખશો તો, મનોરંજન કરતી વખતે તમારું દિલ ડંખશે નહિ.

ફક્ત યહોવાની જ ભક્તિ કરવાનો પાકો નિર્ણય લઈએ

૧૮-૧૯. કઈ રીતે બતાવી શકીએ કે આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ છીએ?

૧૮ શેતાનની દુનિયાના અંત વિશે અને આવનાર નવી દુનિયા વિશે પ્રેરિત પીતરે લખ્યું હતું. એ પછી તેમણે કહ્યું: “વહાલાઓ, તમે આ બધાની રાહ જુઓ છો તેમ પૂરો પ્રયત્ન કરો કે આખરે ઈશ્વરની નજરે તમે નિર્દોષ, કલંક વગરના અને શાંતિમાં રહેનારા થાઓ.” (૨ પીત. ૩:૧૪) આપણે એ સલાહ પાળવી જોઈએ. યહોવા ચાહે છે એ રીતે જીવવું જોઈએ અને તેમની ભક્તિ કરવી જોઈએ. આમ, બતાવી શકીશું કે આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ છીએ.

૧૯ યહોવાને બદલે આપણે બીજી બાબતોને જીવનમાં પ્રથમ રાખીએ, એ માટે શેતાન અને તેની દુનિયા લાખ પ્રયત્નો કરશે. (લુક ૪:૧૩) ભલે ગમે એવા પડકારો આપણી સામે આવે, આપણે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને યહોવાની જગ્યા લેવા દઈશું નહિ. આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરવી જોઈએ. તે એકલા જ આપણી ભક્તિના હકદાર છે!

ગીત ૫૧ યહોવા અમારો આધાર

^ ફકરો. 5 આપણને યહોવાની ભક્તિ કરવાનું ગમે છે. શું ખરેખર આપણે ફક્ત તેમની જ ભક્તિ કરીએ છીએ? જીવનમાં જે નિર્ણયો લઈએ છીએ, એનાથી એ દેખાય આવે છે. ચાલો આપણે જીવનનાં આ બે પાસાઓની ચર્ચા કરીએ: પૈસા અને મનોરંજન. એ વિશે આપણે કેવા નિર્ણયો લઈએ છીએ એ જોઈએ. એનાથી જોવા મળશે કે યહોવાની ભક્તિ આપણા માટે કેટલી મહત્ત્વની છે.

^ ફકરો. 53 ચિત્રની સમજ: ગંદા રસોડામાં બનેલું ખાવાનું આપણે ખાઈશું નહિ. એવી જ રીતે, આપણે એવું મનોરંજન જોઈશું નહિ, જેમાં હિંસા, મેલીવિદ્યા કે વ્યભિચાર હોય.