સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૧

“મહાન વિપત્તિ” વખતે વફાદારી જાળવી રાખીએ

“મહાન વિપત્તિ” વખતે વફાદારી જાળવી રાખીએ

‘હે યહોવાના સર્વ ભક્તો, તેમના પર પ્રીતિ રાખો. યહોવા વિશ્વાસુ લોકોનું રક્ષણ કરે છે.’—ગીત. ૩૧:૨૩.

ગીત ૧૫૪ અંત સુધી યહોવાને વળગી રહીશું

ઝલક *

૧-૨. (ક) દુનિયાના નેતાઓ જલદી જ કઈ જાહેરાત કરશે? (ખ) આપણે કયા સવાલોના જવાબ જાણવા જોઈએ?

કલ્પના કરો, દુનિયાના નેતાઓએ હમણાં જ ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત કરી છે. તેઓ કદાચ એવી બડાઈ હાંકે કે દુનિયામાં આવી સલામતી તો પહેલાં ક્યારેય ન હતી. તેઓ લોકોના મનમાં એવું ઠસાવવા માંગે કે બધી બાબતો તેઓના કાબૂમાં છે. પણ એ તેઓની ભૂલ છે. એના પછી જે બનવાનું છે, એ રોકવાની તેઓ પાસે તાકાત નથી. શા માટે? કારણ કે બાઇબલમાં અગાઉથી લખ્યું છે: “અચાનક તેઓ પર અણધાર્યો વિનાશ આવી પડશે. અને એ વિનાશમાંથી તેઓ કોઈ પણ રીતે બચશે નહિ.”—૧ થેસ્સા. ૫:૩.

આપણે આ મહત્ત્વના સવાલોના જવાબ જાણવા જોઈએ: મહાન વિપત્તિ વખતે શું થશે? એ સમયે યહોવા આપણી પાસે શાની અપેક્ષા રાખશે? મહાન વિપત્તિ દરમિયાન વફાદારી જાળવી રાખવા અત્યારે કેવી તૈયારી કરવી જોઈએ?—માથ. ૨૪:૨૧.

“મહાન વિપત્તિ” વખતે શું થશે?

૩. પ્રકટીકરણ ૧૭:૫, ૧૫-૧૮ પ્રમાણે ઈશ્વર કઈ રીતે ‘મહાન બાબેલોનનો’ નાશ કરશે?

પ્રકટીકરણ ૧૭:૫, ૧૫-૧૮ વાંચો. ‘મહાન બાબેલોનનો’ નાશ થશે! આગળ જોઈ ગયા તેમ, પછી જે બનવાનું છે એ રોકવાની દુનિયાના નેતાઓ પાસે તાકાત નથી. શા માટે? કારણ કે ‘ઈશ્વર પોતાનો હેતુ પૂરો કરવાનો વિચાર તેઓના દિલમાં મૂકશે.’ કયો હેતુ? દુનિયાના જૂઠા ધર્મોનો નાશ કરવાનો હેતુ. એમાં એવા ધર્મોનો પણ સમાવેશ થાય છે, જે ખ્રિસ્તી હોવાનો દેખાડો કરે છે. * ‘ઘેરા લાલ રંગના જંગલી જાનવરના’ ‘દસ શિંગડાંના’ મનમાં ઈશ્વર પોતાનો હેતુ પૂરો કરવાનો વિચાર મૂકશે. દસ શિંગડાં બધી સરકારોને રજૂ કરે છે અને “જંગલી જાનવર” યુનાઈટેડ નેશન્સને (સંયુક્ત રાષ્ટ્રને) રજૂ કરે છે. બધી સરકારો યુનાઈટેડ નેશન્સને ટેકો આપે છે. (પ્રકટી. ૧૭:૩, ૧૧-૧૩; ૧૮:૮) સરકારો જૂઠા ધર્મો પર હુમલો કરશે, એ તો મહાન વિપત્તિની શરૂઆત હશે. એ બનાવ એકાએક બનશે અને ખૂબ ડરામણો હશે, જેની અસર પૃથ્વીના દરેક રહેવાસીને થશે.

૪. (ક) દુનિયાના દેશો કયા કારણોને લીધે મહાન બાબેલોન પર હુમલો કરશે? (ખ) એ ધર્મોના સભ્યોને પછી શું સમજાશે?

દુનિયાના દેશો કયા કારણોને લીધે મહાન બાબેલોન પર હુમલો કરશે, એ આપણે જાણતા નથી. તેઓ કદાચ કહે કે દુનિયાના ધર્મો શાંતિ લાવવામાં અડચણ ઊભી કરે છે. કે પછી તેઓ કહે કે દુનિયાના ધર્મો રાજકારણમાં માથું મારે છે. અથવા તેઓ કદાચ કહે કે એ ધાર્મિક સંગઠનોએ પુષ્કળ માલમિલકત ભેગી કરી છે. (પ્રકટી. ૧૮:૩,) બધા દેશો જૂઠા ધર્મોનો નાશ કરશે ત્યારે, એના બધા સભ્યોનો કદાચ નાશ નહિ કરે. એવું લાગે છે કે દેશો દરેક ધાર્મિક સંગઠનનો નાશ કરશે. એ બધા સંગઠનનો નાશ થયા પછી એના સભ્યોને સમજાશે કે ‘અમારા જ ગુરુઓએ અમને દગો દીધો છે. તેઓ જે કહેતા હતા એવું તો કંઈ થયું નથી.’ એટલે કદાચ ધાર્મિક સંગઠનના એ સભ્યો એવું બતાવે કે ધર્મો સાથે તેઓને કોઈ લેવાદેવા નથી.

૫. મહાન વિપત્તિ વિશે યહોવાએ કયું વચન આપ્યું છે? શા માટે?

મહાન બાબેલોનના નાશમાં કેટલો સમય લાગશે, એ વિશે બાઇબલ કંઈ જણાવતું નથી. પણ આપણે એટલું જાણીએ છીએ કે એને બહુ વાર નહિ લાગે. (પ્રકટી. ૧૮:૧૦, ૨૧) ‘જેઓને યહોવાએ પસંદ કર્યા છે’ તેઓ માટે અને સાચા ધર્મને ટકાવી રાખવા માટે યહોવાએ વિપત્તિના ‘દિવસો ઓછા કરવાનું’ વચન આપ્યું છે. (માર્ક ૧૩:૧૯, ૨૦) મહાન વિપત્તિથી લઈને આર્માગેદનના યુદ્ધ સુધી યહોવા આપણી પાસે કેવી અપેક્ષા રાખે છે?

યહોવાની શુદ્ધ ભક્તિ કરતા રહીએ

૬. જૂઠા ધર્મોથી દૂર રહેવાની સાથે સાથે બીજું શું કરવું જોઈએ?

અગાઉના લેખમાં જોઈ ગયા તેમ, યહોવા ચાહે છે કે આપણે જૂઠા ધર્મોથી દૂર રહીએ. પણ એટલું જ પૂરતું નથી. યહોવાની શુદ્ધ ભક્તિ કરતા રહેવાનો આપણે પાકો નિર્ણય લેવો જોઈએ. ચાલો એની બે રીતો જોઈએ.

અઘરા સંજોગો આવે તોપણ સભાઓમાં જવાનું ચૂકીએ નહિ (ફકરો ૭ જુઓ) *

૭. (ક) આપણે કઈ રીતે યહોવાનાં નેક ધોરણોને વળગી રહી શકીએ? (ખ) હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫માં સભાઓના મહત્ત્વ વિશે શું જણાવવામાં આવ્યું છે?

પહેલી રીત છે, આપણે યહોવાનાં નેક ધોરણોને વળગી રહેવું જોઈએ. દુનિયાનાં ખરાબ ધોરણો અને રીતભાતને આપણા મનમાં ઘર કરવા દઈશું નહિ. દાખલા તરીકે, આપણે વ્યભિચાર જેવાં કામોને ચલાવી લેતા નથી. એમાં સજાતીય લગ્‍ન અને બીજાં સજાતીય કામો પણ આવી જાય છે. (માથ. ૧૯:૪, ૫; રોમ. ૧:૨૬, ૨૭) બીજી રીત છે, આપણે ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરતા રહેવું જોઈએ. એ માટે પ્રાર્થનાઘરમાં અથવા જરૂર પડે તો કોઈના ઘરે પણ સભામાં જવાનું ચૂકીએ નહિ. અરે, અમુક વાર છુપાઈને સભા કરવી પડે, તોપણ એ ચૂકીએ નહિ. ભલે ગમે એવા સંજોગો આવે, સભાઓમાં જવાનું પડતું ન મૂકીએ. હકીકતમાં, આપણે ‘જેમ જેમ એ દિવસ નજીક આવતો જોઈએ, તેમ તેમ એ પ્રમાણે વધારે કરતા રહેવું જોઈએ.’—હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫ વાંચો.

૮. ભાવિમાં કદાચ આપણે કયો સંદેશો જણાવવો પડે?

મહાન વિપત્તિના સમયે આપણો સંદેશો કદાચ બદલાઈ જશે. અત્યારે આપણે રાજ્યની ખુશખબર ફેલાવીએ છીએ અને શિષ્યો બનાવવાનું કામ કરીએ છીએ. પણ એ સમયે કદાચ આપણે કડક ચેતવણી આપવી પડે. બાઇબલ એ ચેતવણીને મોટા કરા સાથે સરખાવે છે. (પ્રકટી. ૧૬:૨૧) જલદી જ શેતાનની દુનિયાનું નામનિશાન કાઢી નાખવામાં આવશે, એ વિશે આપણે લોકોને જણાવવું પડે. થોડા જ સમયમાં ખબર પડશે કે આપણે કયો સંદેશો આપીશું અને એ કઈ રીતે લોકોને જણાવીશું. પ્રચાર અને શીખવવાની જે રીતો વર્ષોથી વાપરીએ છીએ, શું એ જ રીતોનો ત્યારે ઉપયોગ કરીશું? કે પછી બીજી રીતોનો ઉપયોગ કરીશું? એ જાણવા આપણે રાહ જોવી પડશે. ભલે ગમે એ રીત હોય, પણ એવું લાગે છે કે યહોવાનો ન્યાયચુકાદો હિંમતથી જણાવવાનો આપણને લહાવો મળશે!—હઝકી. ૨:૩-૫.

૯. આપણા સંદેશાથી દુનિયાના લોકો શું કરશે? આપણને શાની ખાતરી છે?

આપણા સંદેશાથી દુનિયાના લોકો એટલા ગુસ્સે ભરાશે કે, તેઓ એ કામ હંમેશ માટે બંધ કરાવવાનો પ્રયત્ન કરશે. જેમ આજે ખુશખબર ફેલાવવા યહોવા પર આધાર રાખીએ છીએ, તેમ ભાવિમાં પણ તેમના પર આધાર રાખવાની જરૂર પડશે. આપણને ખાતરી છે કે ઈશ્વર તેમની ઇચ્છા પૂરી કરવા આપણને ઘણી તાકાત આપશે.—મીખા. ૩:૮.

ઈશ્વરના લોકો પર હુમલો થશે એટલે તૈયાર રહો

૧૦. લુક ૨૧:૨૫-૨૮માં જણાવ્યા પ્રમાણે મહાન વિપત્તિ દરમિયાન દુનિયાના લોકોના કેવા હાલ થશે?

૧૦ લુક ૨૧:૨૫-૨૮ વાંચો. મહાન વિપત્તિ દરમિયાન દુનિયાની વ્યવસ્થા પડી ભાંગશે ત્યારે લોકોને આઘાત લાગશે. કારણ કે તેઓને જેના પર પૂરો ભરોસો હતો, એ તો સાવ પડી ભાંગ્યું હશે. માનવ ઇતિહાસનો એ સૌથી ખરાબ સમય હશે. લોકો ચિંતામાં ડૂબી જશે. પોતાનો નાશ થઈ જશે, એવા ડરથી તેઓને ખૂબ “વેદના” થશે. (સફા. ૧:૧૪, ૧૫) બની શકે કે, એ સમયે યહોવાના લોકો માટે પણ જીવન અઘરું બની જાય. આપણે દુનિયાનો ભાગ બનતા નથી. એટલે કદાચ આપણે પણ અમુક મુશ્કેલીઓ સહેવી પડે. આપણે કદાચ જીવન જરૂરી બાબતો વગર કામ ચલાવવું પડે.

૧૧. (ક) શા માટે બધાનું ધ્યાન આપણા પર હશે? (ખ) શા માટે આપણે મહાન વિપત્તિથી ડરવાની જરૂર નથી?

૧૧ મહાન વિપત્તિ દરમિયાન જેઓના ધર્મોનો નાશ થશે, તેઓ ગુસ્સાથી લાલપીળા થઈ જશે. યહોવાના સાક્ષીઓના ધર્મનો નાશ થયો નથી, એ વાત તેઓને આંખમાં કણાની જેમ ખૂંચશે. તેઓ ઇન્ટરનેટ જેવા માધ્યમોથી પોતાનો ગુસ્સો ઠાલવશે. આપણા ધર્મનો નાશ થશે નહિ, એટલે શેતાન અને એની દુનિયા આપણો ધિક્કાર કરશે. ધરતી પરથી બધા ધર્મોનો વિનાશ કરવાનો તેઓનો હેતુ પૂરો થશે નહિ. એટલે એ બધાનું ધ્યાન આપણા પર હશે. એ સમયે દેશોનો સમૂહ માગોગનો ગોગ * બનશે. તેઓ ભેગા મળીને યહોવાના લોકો પર હુમલો કરવા બધી તાકાત લગાવી દેશે. (હઝકી. ૩૮:૨, ૧૪-૧૬) મહાન વિપત્તિ દરમિયાન જે બનશે, એ વિશે આપણી પાસે બધી માહિતી નથી. એટલે કદાચ આપણે ચિંતાના વાદળોમાં ઘેરાય જઈએ. પણ એક વાતની ખાતરી છે કે યહોવા આપણને જીવન બચાવવા માર્ગદર્શન આપશે. એટલે આપણે મહાન વિપત્તિથી ડરવાની જરૂર નથી. (ગીત. ૩૪:૧૯) આપણો “ઉદ્ધાર નજીક આવી રહ્યો છે.” એ જાણતા હોવાથી આપણે “માથાં ઊંચાં કરીને સીધા ઊભા રહી” શકીશું. *

૧૨. “વિશ્વાસુ અને સમજુ ચાકર” આપણને ભાવિ માટે કઈ રીતે તૈયાર કરી રહ્યો છે?

૧૨ મહાન વિપત્તિ દરમિયાન વફાદારી જાળવી રાખવા આપણને “વિશ્વાસુ અને સમજુ ચાકર” તૈયાર કરી રહ્યો છે. (માથ. ૨૪:૪૫) તે આપણને ઘણી રીતોએ તૈયાર કરી રહ્યો છે. દાખલા તરીકે, ૨૦૧૬-૨૦૧૮નાં આપણાં ત્રણ મહાસંમેલનો કેટલાં સમયસરનાં હતાં! યહોવાનો દિવસ નજીક આવતો જાય તેમ, જરૂરી ગુણો વધારે સારી રીતે બતાવવા એ કાર્યક્રમોથી આપણને ઉત્તેજન મળ્યું છે. ચાલો એ ગુણો વિશે જોઈએ.

વફાદારી, ધીરજ અને હિંમત વધારતા રહીએ

‘મહાન વિપત્તિમાંથી’ બચવા હમણાં તૈયારી કરીએ (ફકરા ૧૩-૧૬ જુઓ) *

૧૩. યહોવા માટેની આપણી વફાદારી મજબૂત કરવા શું કરી શકીએ? શા માટે હમણાં એમ કરવું જરૂરી છે?

૧૩ વફાદારી: ૨૦૧૬ના સંમેલનનો વિષય હતો, “યહોવાને વફાદાર રહીએ.” એ કાર્યક્રમમાંથી શીખવા મળ્યું કે યહોવા સાથે આપણો સંબંધ મજબૂત હશે તો, તેમને વફાદાર રહી શકીશું. એમાં યાદ અપાવવામાં આવ્યું કે, યહોવાની નજીક જવા દિલથી પ્રાર્થના કરીએ અને બાઇબલનો ઊંડો અભ્યાસ કરીએ. એમ કરવાથી મોટી મોટી મુશ્કેલીઓ પાર પાડવા આપણને જરૂરી તાકાત મળશે. શેતાનની દુનિયાનો અંત હાથવેંતમાં છે. એવા સમયે ઈશ્વર અને તેમના રાજ્ય માટેની આપણી વફાદારીની વધારે કસોટી થશે. લોકો આપણી મજાક ઉડાવશે. (૨ પીત. ૩:૩, ૪) કારણ કે આપણે શેતાનની દુનિયાને ટેકો આપતા નથી. આપણી વફાદારી હમણાં મજબૂત કરવી જોઈએ, જેથી મહાન વિપત્તિ દરમિયાન આપણે વફાદાર રહી શકીએ.

૧૪. (ક) પૃથ્વી પર આગેવાની લેનાર ભાઈઓનું શું થશે? (ખ) એ સમયે કઈ રીતે બતાવીશું કે આપણે યહોવાને વફાદાર છીએ?

૧૪ મહાન વિપત્તિ દરમિયાન આગેવાની લેનાર ભાઈઓ બદલાશે. એક સમયે પૃથ્વી પરના બધા અભિષિક્તોને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે, જેથી તેઓ આર્માગેદનના યુદ્ધમાં ભાગ લઈ શકે. (માથ. ૨૪:૩૧; પ્રકટી. ૨:૨૬, ૨૭) એટલે પૃથ્વી પર નિયામક જૂથ નહિ હોય. છતાં, મોટું ટોળું વ્યવસ્થામાં કામ કરશે. બીજા ઘેટાંમાંથી લાયકાત ધરાવનારા અમુક ભાઈઓ આગેવાની લેશે. એ ભાઈઓને આપણે સાથ-સહકાર આપીશું. ઈશ્વર તેઓને માર્ગદર્શન આપશે, એટલે તેઓ જે કંઈ કહે એ પ્રમાણે આપણે કરીશું. એમ કરીને બતાવીશું કે આપણે યહોવાને વફાદાર છીએ.

૧૫. આપણે કઈ રીતે ધીરજ વધારી શકીએ? શા માટે હમણાં એમ કરવું જરૂરી છે?

૧૫ ધીરજ: ૨૦૧૭ના સંમેલનનો વિષય હતો: “હિંમત હારશો નહિ!” એ કાર્યક્રમથી કસોટીઓ સામે ટકી રહેવા વધુ હિંમત મળી છે. એમાંથી શીખવા મળ્યું કે સંજોગો સારા હોય કે ખરાબ, આપણે ધીરજ કેળવી શકીએ છીએ. યહોવા પર આધાર રાખવાથી ધીરજ વધારી શકીએ છીએ. (રોમ. ૧૨:૧૨) ઈસુએ આપેલું આ વચન કદી ન ભૂલીએ: “જે કોઈ અંત સુધી ટકી રહેશે તેનો જ ઉદ્ધાર થશે.” (માથ. ૨૪:૧૩) એ વચનનો અર્થ થાય કે ભલે ગમે એવી તકલીફો આવે, આપણે વફાદાર રહેવું જોઈએ. હમણાં દરેક કસોટી સહીશું તો, મહાન વિપત્તિ આવે એ પહેલાં આપણી શ્રદ્ધા અડગ થઈ ગઈ હશે.

૧૬. આપણે કઈ રીતે હિંમત કેળવી શકીએ? હમણાં હિંમત અને ભરોસો વધારવા શું કરી શકીએ?

૧૬ હિંમત: ૨૦૧૮ના સંમેલનનો વિષય હતો: “હિંમતવાન બનો!” એ કાર્યક્રમથી યાદ રાખવા મદદ મળી કે આપણે પોતાની આવડતના જોરે હિંમત કેળવી શકાતી નથી. જેમ ધીરજ રાખવા યહોવા પર આધાર રાખીએ છીએ, તેમ ખરી હિંમત મેળવવા આપણે યહોવા પર આધાર રાખવો જોઈએ. યહોવા પર ભરોસો મજબૂત કરવા આપણે શું કરી શકીએ? દરરોજ બાઇબલ વાંચીએ. અગાઉ યહોવાએ પોતાના લોકોને કઈ રીતે બચાવ્યા હતા, એના પર મનન કરીએ. (ગીત. ૬૮:૨૦; ૨ પીત. ૨:૯) મહાન વિપત્તિ વખતે દેશો આપણા પર હુમલો કરશે ત્યારે, પહેલાં કરતાં વધારે હિંમતવાન થવાની અને ભરોસો રાખવાની જરૂર પડશે. (ગીત. ૧૧૨:૭, ૮; હિબ્રૂ. ૧૩:૬) હમણાં યહોવા પર આધાર રાખીશું તો, ગોગનો હુમલો થશે ત્યારે હિંમત બતાવી શકીશું. *

નવી દુનિયા પરથી તમારી નજર હટવા ન દો

ઈસુ અને તેમની સ્વર્ગની સેના જલદી જ આર્માગેદનની લડાઈ લડવા આવશે. તેઓ ઈશ્વરના દુશ્મનોનું નામનિશાન મિટાવી દેશે! (ફકરા ૧૭ જુઓ)

૧૭. આર્માગેદનથી શા માટે આપણે ડરવાનું નથી? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૭ અગાઉના લેખમાં જોયું તેમ, આપણામાંથી મોટા ભાગના લોકોએ આખું જીવન છેલ્લા દિવસોમાં વિતાવ્યું છે. આપણી પાસે મહાન વિપત્તિ પાર કરવાનો પણ લહાવો છે. આર્માગેદનના યુદ્ધથી દુષ્ટ દુનિયાનો અંત આવશે. પણ આપણે ડરવાની જરૂર નથી. કારણ કે એ તો ઈશ્વરની લડાઈ હશે, આપણે લડવું નહિ પડે. (નીતિ. ૧:૩૩; હઝકી. ૩૮:૧૮-૨૦; ઝખા. ૧૪:૩) યહોવા આજ્ઞા આપશે ત્યારે ઈસુ ખ્રિસ્ત લડાઈ કરવા નીકળી પડશે. તેમની સાથે કરોડો દૂતો અને સજીવન થયેલા અભિષિક્તો હશે. એ બધા મળીને શેતાન, તેના દુષ્ટ દૂતો અને પૃથ્વી પરના તેના સૈન્ય સામે યુદ્ધ લડશે.—દાની. ૧૨:૧; પ્રકટી. ૬:૨; ૧૭:૧૪.

૧૮. (ક) યહોવાએ શાની ખાતરી આપી છે? (ખ) પ્રકટીકરણ ૭:૯, ૧૩-૧૭માંથી કઈ ખાતરી મળે છે?

૧૮ યહોવાએ ખાતરી આપી છે, ‘તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહિ.’ (યશા. ૫૪:૧૭) યહોવાના વફાદાર ભક્તોનું બનેલું ‘મોટું ટોળું મહાન વિપત્તિમાંથી નીકળી આવશે.’ તેઓ યહોવાની શુદ્ધ ભક્તિ કરવાનું ચાલુ રાખશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૩-૧૭ વાંચો.) બાઇબલમાં ઘણાં કારણો આપેલાં છે, જેનાથી ખાતરી મળે છે કે આપણે ચોક્કસ બચી જઈશું. આપણે જાણીએ છીએ, ‘યહોવા વિશ્વાસુ લોકોનું રક્ષણ કરે છે.’ (ગીત. ૩૧:૨૩) યહોવાના નામ પર લાગેલો બટ્ટો દૂર થશે. એ જોઈને યહોવાને પ્રેમ કરનારા અને મહિમા આપનારા લોકો ઘણા ખુશ થશે.—હઝકી. ૩૮:૨૩.

૧૯. આપણી પાસે કેવું સોનેરી ભાવિ છે?

૧૯ નવી દુનિયામાં શેતાનની અસર રહેશે નહિ, ત્યારે લોકો કેવા હશે! જરા કલ્પના કરો, બીજો તિમોથી ૩:૨-૫માં નવી દુનિયાના લોકોનું વર્ણન કરવામાં આવશે ત્યારે એના શબ્દો કેવા હશે. (“ નવી દુનિયામાં લોકો કેવા હશે?” બૉક્સ જુઓ.) ભાઈ જ્યોર્જ ગાનગેસ નિયામક જૂથના સભ્ય હતા. તે એ વિશે જણાવે છે: ‘એ દુનિયા કેટલી સુંદર હશે, જ્યારે ચારેબાજુ ફક્ત યહોવાને ભજનારા લોકો હશે! બહુ જલદી તમને નવી દુનિયામાં જીવવાનો મોકો મળવાનો છે. જરા વિચારો, તમે યહોવા જેટલું જીવશો! હંમેશ માટે જીવશો!’ કેવું સોનેરી ભાવિ!

ગીત ૩૨ અડગ રહીએ

^ ફકરો. 5 આપણે જાણીએ છીએ કે બહુ જલદી જ “મહાન વિપત્તિ” શરૂ થવાની છે. એ સમયે યહોવાના ભક્તોનું શું થશે? ત્યારે યહોવા આપણી પાસે શાની અપેક્ષા રાખશે? મહાન વિપત્તિ વખતે વફાદાર રહેવા આપણે હમણાં કયા ગુણો કેળવવા જોઈએ? એ વિશે આ લેખમાં ચર્ચા કરીશું.

^ ફકરો. 3 શબ્દોની સમજ: ખ્રિસ્તી હોવાનો દેખાડો કરનારા લોકો કે ધર્મો ખ્રિસ્તને પગલે ચાલવાનો ઢોંગ કરે છે. પરંતુ તેઓ યહોવાનાં ધોરણો પ્રમાણે ભક્તિ કરતા નથી.

^ ફકરો. 11 શબ્દોની સમજ: માગોગનો ગોગ (ટૂંકમાં ગોગ) દેશોના સમૂહને રજૂ કરે છે, જેઓ મહાન વિપત્તિ દરમિયાન ભેગા મળીને યહોવાના ભક્તો પર હુમલો કરશે.

^ ફકરો. 11 આર્માગેદનના યુદ્ધ તરફ દોરી જતા બનાવો વિશે વધુ જાણવા જુલાઈ ૧૫, ૨૦૧૩ ચોકીબુરજ પાન ૩-૮ અને જુલાઈ ૧૫, ૨૦૧૫ ચોકીબુરજ પાન ૧૪-૧૯ જુઓ.

^ ફકરો. 16 ૨૦૧૯ના સંમેલનનો વિષય છે: ‘પ્રેમ કાયમ ટકી રહે છે!’ એનાથી ખાતરી મળે છે કે, યહોવાના પ્રેમની છાયામાં આપણે સલામત રહી શકીએ છીએ.—૧ કોરીં. ૧૩:૮.

^ ફકરો. 64 ચિત્રની સમજ: મહાન વિપત્તિ વખતે સાક્ષીઓ હિંમતથી નાના ગ્રૂપમાં જંગલમાં સભા કરે છે.

^ ફકરો. 66 ચિત્રની સમજ: યહોવાના વફાદાર ભક્તોનું મોટું ટોળું મહાન વિપત્તિમાંથી બહાર નીકળી આવ્યું છે. તેઓ બચી ગયા છે એટલે ખુશખુશાલ છે!