સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧૯૧૯માં સીદાર પોઈન્ટ, ઓહાયોમાં રધરફર્ડભાઈ સંમેલનમાં પ્રવચન આપી રહ્યા છે

૧૯૧૯—સો વર્ષ પહેલાં

૧૯૧૯—સો વર્ષ પહેલાં

મોટું યુદ્ધ (જે પછીથી પ્રથમ વિશ્વયુદ્ધ તરીકે ઓળખાયું) ચાર કરતાં વધારે વર્ષ ચાલ્યું અને છેવટે ૧૯૧૯માં પૂરું થયું. ૧૯૧૮ના અંત ભાગમાં દેશોએ લડવાનું બંધ કર્યું. ૧૮ જાન્યુઆરી, ૧૯૧૯ના રોજ પૅરિસ શાંતિ પરિષદ શરૂ થઈ. એ પરિષદમાં વર્સેલ્સની સંધિ વિશે નક્કી કરવામાં આવ્યું. જર્મની વિરુદ્ધ ઘણા દેશો સાથે મળીને લડતા હતા. ૨૮ જૂન, ૧૯૧૯ના રોજ એ સંધિ કરવામાં આવી ત્યારે લડાઈ બંધ થઈ.

એ સંધિને લીધે એક નવું સંગઠન બન્યું, જે લીગ ઓફ નેશન્સ (રાષ્ટ્રસંઘ) તરીકે ઓળખાયું. એનો હેતુ હતો, ‘દુનિયાભરના દેશો એકબીજાને સાથ-સહકાર આપે અને આખી દુનિયામાં શાંતિ-સલામતી રહે.’ ઘણા ચર્ચો તરફથી એ સંગઠનને ટેકો મળ્યો. અમેરિકાના ચર્ચોના સંગઠને (ધ ફેડરલ કાઉન્સિલ ઓફ ધ ચર્ચીસ ઓફ ક્રાઇસ્ટ ઈન અમેરિકા) લીગ ઓફ નેશન્સના વખાણ કરતા કહ્યું, આ તો ‘ઈશ્વરના રાજ્યનું પૃથ્વી પરનું રાજકીય સંગઠન’ છે. ચર્ચોના એ સંગઠને લીગ ઓફ નેશન્સને ટેકો આપવા પૅરિસ શાંતિ પરિષદમાં પ્રતિનિધિ મોકલ્યા. એમાંના એક પ્રતિનિધિએ જણાવ્યું કે એ પરિષદ તો ‘માણસોના ઇતિહાસમાં નવા યુગની શરૂઆત હતી.’

નવો યુગ શરૂ તો થયો હતો, પણ એ શાંતિ પરિષદના માણસોના પ્રતાપે ન હતો. એ પ્રચારકામનો નવો યુગ હતો, જે ૧૯૧૯માં શરૂ થયો. યહોવાએ પોતાના લોકોમાં જોશ ભરી દીધો, જેથી તેઓ પહેલાં કરતાં પણ વધારે ઉત્સાહથી પ્રચાર કરી શકે. પણ પહેલા બાઇબલ વિદ્યાર્થીઓ માટે કેટલાક ફેરફારો કરવાની જરૂર હતી.

અઘરો નિર્ણય

જોસેફ એફ. રધરફર્ડ

વૉચ ટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટીના સંચાલકોએ ચૂંટણી માટે ૪ જાન્યુઆરી, ૧૯૧૯ શનિવારનો દિવસ નક્કી કર્યો હતો. એ સમયે યહોવાના લોકોની આગેવાની કરનાર જોસેફ રધરફર્ડને અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટામાં કેદ કરવામાં આવ્યા. તેમની સાથે બીજા સાત ભાઈઓને પણ કેદ થઈ. એટલે બીજા ભાઈઓએ નિર્ણય લેવાનો હતો કે, જેલમાં છે એ ભાઈઓને અધિકારીઓ તરીકે ફરીથી ચૂંટવા કે પછી તેઓની જગ્યાએ બીજા કોઈને?

ઇવાનડર જે. કાવર્ડ

બીજી બાજુ જેલની કોટડીમાં રધરફર્ડભાઈને સંગઠનના ભાવિની ચિંતા ઘેરી વળી હતી. તે જાણતા હતા કે અમુક ભાઈઓને લાગતું હશે કે બીજા કોઈને પ્રમુખ બનાવવા સારું કહેવાય. એટલે તેમણે ત્યાં ભેગા થયેલા ભાઈઓ માટે એક પત્ર લખ્યો. એમાં તેમણે ઇવાનડર કાવર્ડને પ્રમુખ બનાવવાની ભલામણ કરી. રધરફર્ડે કાવર્ડભાઈ વિશે જણાવ્યું કે તે ‘શાંત,’ ‘સમજુ’ અને ‘પ્રભુના વફાદાર’ છે. પણ, ઘણા ભાઈઓનું માનવું તો કંઈ અલગ જ હતું. તેઓ તો ચૂંટણીને છ મહિના પાછી ઠેલવવા માંગતા હતા. જે ભાઈઓ જેલમાં હતા, તેઓને મદદ કરનારા વકીલો પણ એ વાતથી સહમત હતા. એક બાજુ ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી અને અમુક ભાઈઓને માઠું લાગ્યું હતું.

રીચર્ડ એચ. બાર્બર

પછી જે થયું, એ વિશે રીચર્ડ બાર્બરે જણાવ્યું, ‘એ તો ધગધગતા અંગારા પર પાણી રેડવા જેવું હતું.’ હાજર લોકોમાંથી એક ભાઈએ ઊભા થઈને કહ્યું, ‘કાયદા-કાનૂન માટે શાની જરૂર છે એ ભલે મને ખબર ન હોય, પણ વફાદાર રહેવા શાની જરૂર છે એ તો મને ખબર છે. ઈશ્વર ચાહે છે કે તેમના ભક્તો વફાદાર હોય. ઈશ્વરને વફાદારી બતાવવાની સૌથી સારી રીત છે કે આપણે ચૂંટણી કરીને રધરફર્ડભાઈને ફરીથી પ્રમુખ બનાવીએ.’—ગીત. ૧૮:૨૫.

એલેક્ઝાંડર એચ. મેકમિલન

એ. એચ. મેકમિલન પણ રધરફર્ડ સાથે જેલમાં હતા. એ સમયની ઘટનાઓ વિશે તેમણે પછીથી જણાવ્યું કે, બીજા દિવસે રધરફર્ડભાઈએ તેમની દીવાલ પર ટકોરા માર્યા અને એક પત્ર આપ્યો. એ પત્ર રધરફર્ડભાઈને મોકલવામાં આવ્યો હતો, જેમાં ચૂંટણીનું પરિણામ હતું. મેકમિલનભાઈને તરત સમજાઈ ગયું. પત્રમાં આપેલા ટૂંકા સંદેશાનો અર્થ હતો કે, બધા સંચાલકોને ફરીથી ચૂંટી કાઢવામાં આવ્યા છે. જોસેફ રધરફર્ડ અને વિલિયમ વાન એમબર્ગ અધિકારીઓ તરીકે નીમાયા છે. રધરફર્ડભાઈ પ્રમુખ તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે.

જેલમાંથી છોડવામાં આવ્યા!

આઠ ભાઈઓને જેલમાંથી છોડાવવા વફાદાર બાઇબલ વિદ્યાર્થીઓએ સરકારને અરજી લખી. પછી એના પર લોકોની સહી લેવાનું શરૂ કર્યું. ૭ લાખથી વધુ લોકોએ એના પર સહી કરી. અરજી આપવામાં આવે એ પહેલાં જ ૨૬ માર્ચ, ૧૯૧૯ બુધવારના રોજ રધરફર્ડભાઈ અને બીજા જવાબદાર ભાઈઓને છોડી મૂકવામાં આવ્યા.

રધરફર્ડભાઈને આવકારવા ઘણા લોકો આવ્યા હતા. તેઓને ભાઈએ જણાવ્યું: ‘મને ખાતરી છે કે આ અનુભવથી આપણને બધાને આવનાર મુશ્કેલ સમય માટે તૈયાર થવા મદદ મળશે. આ લડાઈ ભાઈઓને જેલમાંથી કાઢવા માટે જ ન હતી. એ તો નાનકડો જ મુદ્દો હતો. તમારી લડાઈ તો સત્યની ખુશખબર ફેલાવવા માટે હતી. જેઓએ એ માટે મહેનત કરી તેઓને અઢળક આશીર્વાદ મળ્યા છે.’

ભાઈઓ પર આવેલી કસોટીને જે રીતે હાથ ધરવામાં આવી એનાથી જોવા મળ્યું કે, યહોવાના માર્ગદર્શનથી જ એ બધું શક્ય બન્યું હતું. ૧૪ મે, ૧૯૧૯ના રોજ અપીલ કોર્ટે નિર્ણય લીધો: ‘તેઓનો કેસ ભેદભાવ વગર ચલાવવો જોઈતો હતો, એ તો તેઓનો હક હતો. પણ એવું થયું નથી એટલે નિર્ણય બદલવામાં આવે છે.’ ભાઈઓને ગંભીર ગુનાઓ માટે દોષિત ઠરાવવામાં આવ્યા હતા. જો ભાઈઓને ખાલી માફી મળી હોત કે તેઓની સજા થોડીક જ ઓછી થઈ હોત, તો તેઓના સર્ટિફિકેટમાં એ નિર્ણયની કાયમ માટે અસર રહી હોત. જોકે, પછી તેઓ પર બીજો કોઈ કેસ કરવામાં આવ્યો નહિ. પરિણામે, રધરફર્ડભાઈ જજ તરીકેની પદવી જાળવી શક્યા. અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં તે યહોવાના સાક્ષીઓ વતી કેસ લડવા લાગ્યા. એ રીતે તેમણે ઘણી વાર કેસ લડ્યા હતા.

ખુશખબર ફેલાવવાનો પાકો નિર્ણય

મેકમિલનભાઈ યાદ કરતા કહે છે, ‘પ્રભુ અમને સ્વર્ગમાં લઈ જાય ત્યાં સુધી અમે કંઈ હાથ પર હાથ ધરીને બેસી રહેવાના ન હતા. એટલે અમે એ જાણવાનું નક્કી કર્યું કે હકીકતમાં પ્રભુની ઇચ્છા શું છે.’

મુખ્યમથકના ભાઈઓ વર્ષોથી જે કામ કરી રહ્યા હતા, એ ફરી શરૂ કરી શક્યા નહિ. શા માટે? તેઓ જેલમાં હતા એ સમયે છાપકામની બધી પ્લેટનો નાશ કરવામાં આવ્યો હતો. એનાથી ઘણા ભાઈઓ નિરાશ થઈ ગયા અને કેટલાક ભાઈઓને લાગ્યું કે પ્રચારકામ હવે પૂરું થઈ ગયું છે.

શું હજુ પણ લોકોને ઈશ્વરનો સંદેશો જાણવામાં રસ હતો? એ સવાલનો જવાબ આપવા રધરફર્ડભાઈએ એક પ્રવચન આપવાનું નક્કી કર્યું. લોકોને આમંત્રણ આપવામાં આવ્યું. મેકમિલનભાઈએ કહ્યું, ‘જો કોઈ નહિ આવે, તો એનો અર્થ કે પ્રચારકામ પતી ગયું છે.’

પેપરમાં રધરફર્ડભાઈના પ્રવચનની જાહેરાત હતી, જેનો વિષય હતો, ‘ધ હોપ ફોર ડિસ્ટ્રેસ્ડ હ્યુમેનિટી.’ એ પ્રવચન ૧૯૧૯માં લૉસ ઍંજિલીઝ, કૅલિફૉર્નિયામાં હતું

રધરફર્ડભાઈ ઘણા બીમાર હતા છતાં, તેમણે ૪ મે, ૧૯૧૯ રવિવારના દિવસે, લૉસ ઍંજિલીઝ, કૅલિફૉર્નિયામાં પ્રવચન આપ્યું. એનો વિષય હતો, ‘ધ હોપ ફોર ડિસ્ટ્રેસ્ડ હ્યુમેનિટી.’ આશરે ૩,૫૦૦ લોકો એ પ્રવચનમાં આવ્યા. બીજા સેંકડો લોકો આવ્યા, પણ જગ્યા ન હોવાથી અંદર આવી શક્યા નહિ. બીજા દિવસે, ૧,૫૦૦ લોકો આવ્યા. ભાઈઓને પોતાના સવાલનો જવાબ મળી ગયો. લોકોને હજીયે રસ હતો!

પછી, ભાઈઓએ પ્રચારકામ વિશે એવી ગોઠવણ કરી, જે પ્રમાણે યહોવાના સાક્ષીઓ આજ સુધી કરી રહ્યા છે.

પ્રગતિના પંથે ચાલવા તૈયાર

૧ ઑગસ્ટ, ૧૯૧૯ના ધ વૉચ ટાવરમાં જાહેરાત થઈ કે, સપ્ટેમ્બરની શરૂઆતમાં સીદાર પોઈન્ટ, ઓહાયોમાં સંમેલન થશે. મિઝૂરી રાજ્યના બાઇબલ વિદ્યાર્થી, ક્લેરેન્સ બેટેનીએ એ વિશે જણાવ્યું, ‘બધાને લાગ્યું કે તેઓએ ત્યાં જવું જ જોઈએ.’ તેઓએ ધાર્યું હતું, એનાથી અનેક ગણા વધારે લોકો ત્યાં આવ્યા. ૬,૦૦૦થી વધુ ભાઈ-બહેનો ત્યાં હાજર રહ્યાં હતાં. બીજી ખુશીની વાત એ હતી, ૨૦૦થી વધારે લોકોએ એરીક નામના તળાવમાં બાપ્તિસ્મા લીધું. એ તળાવ નજીકમાં જ હતું.

ઑક્ટોબર ૧, ૧૯૧૯, ગોલ્ડન એજ મૅગેઝિનના પ્રથમ અંકનું પહેલું પાન

૫ સપ્ટેમ્બર, ૧૯૧૯ના રોજ સંમેલનનો પાંચમો દિવસ હતો. “એડ્રેસ ટુ કો-લેબરર્સ” નામના પ્રવચનમાં ભાઈ રધરફર્ડે નવા મૅગેઝિનની જાહેરાત કરી, જેનું નામ હતું, ધ ગોલ્ડન એજ. * એ મૅગેઝિન ‘તાજેતરના મહત્ત્વના સમાચાર વિશે હતું. એમાં શાસ્ત્રમાંથી સમજણ આપવામાં આવી હતી કે એ મોટી ઘટનાઓ શા માટે બની રહી હતી.’

બધા બાઇબલ વિદ્યાર્થીઓને ઉત્તેજન આપવામાં આવ્યું કે હિંમતથી ખુશખબર ફેલાવવા આ નવા સાહિત્યનો ઉપયોગ કરે. એ કામ કઈ રીતે કરવું એના વિશે એક પત્રમાં જણાવ્યું હતું: ‘બાપ્તિસ્મા પામેલા બધા લોકો યાદ રાખે કે સેવા આપવાનો આ ઉત્તમ લહાવો છે. હમણાં જ એ તક ઝડપી લેવી જોઈએ. દુનિયાના લોકોને ખુશખબર જણાવવા બનતી બધી મહેનત કરવી જોઈએ.’ ભાઈ-બહેનોએ એ તક ઝડપી લીધી. ડિસેમ્બર સુધીમાં તો રાજ્યના ઉત્સાહી પ્રચારકોએ આ નવા મૅગેઝિનના પચાસ હજારથી વધારે લવાજમો મેળવ્યા હતા.

બ્રુકલિન, ન્યૂ યૉર્કમાં ભાઈઓ ટ્રક પાસે ઊભા છે, જેમાં ગોલ્ડન એજ મૅગેઝિન ભરેલાં છે

૧૯૧૯ના અંતમાં યહોવાના લોકો ફરીથી વ્યવસ્થામાં કામ કરવા લાગ્યા અને તેઓનો જોશ વધ્યો. વધુમાં, છેલ્લા દિવસોને લગતી કેટલીક ભવિષ્યવાણીઓ પૂરી થઈ. ઈશ્વરના લોકોની પરખ થશે અને તેઓને શુદ્ધ કરવામાં આવશે, એ વિશે માલાખી ૩:૧-૪ની ભવિષ્યવાણી પૂરી થઈ. યહોવાના લોકો ‘મહાન બાબેલોનના’ ફાંદામાંથી આઝાદ થયા. ઈસુએ ‘વિશ્વાસુ અને સમજુ ચાકરʼને ઠરાવ્યો. * (પ્રકટી. ૧૮:૨, ૪; માથ. ૨૪:૪૫) યહોવા ચાહતા હતા એ કામ કરવા બાઇબલ વિદ્યાર્થીઓ હવે તૈયાર હતા!

^ ફકરો. 22 ધ ગોલ્ડન એજ મૅગેઝિન પછીથી ૧૯૩૭માં કોન્સોલેશન અને ૧૯૪૬માં સજાગ બનો! નામથી ઓળખાયું.