સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૪

શું તમારાં બાળકો મોટા થઈને યહોવાની ભક્તિ કરશે?

શું તમારાં બાળકો મોટા થઈને યહોવાની ભક્તિ કરશે?

“ઈસુની સમજણ વધતી ગઈ, તે મોટા થવા લાગ્યા અને તેમના પર ઈશ્વર તથા માણસોની કૃપા વધતી ગઈ.”લુક ૨:૫૨.

ગીત ૪૧ બાળકો—યહોવાની સાથે ચાલો

ઝલક *

૧. જીવનમાં સૌથી સારો નિર્ણય કયો હોય શકે?

માબાપ જે નિર્ણય લે છે એની ઘણી વાર બાળકો પર લાંબા સમય સુધી અસર રહે છે. માબાપ ખોટો નિર્ણય લે તો બાળકોએ મુશ્કેલીઓ સહેવી પડે છે. પણ જો તેઓ યોગ્ય નિર્ણય લેશે તો તેમનાં બાળકો જીવનમાં સુખી થશે. એટલું જ નહિ, બાળકોએ પોતે પણ સારા નિર્ણયો લેવા જોઈએ. તેઓ યહોવાની સેવા કરવાનો નિર્ણય લેશે તો એ સૌથી સારો નિર્ણય હશે.—ગીત. ૭૩:૨૮.

૨. ઈસુએ અને તેમના માબાપે કયા સારા નિર્ણયો લીધા?

ઈસુનાં માતાપિતાએ મનમાં ગાંઠ વાળી હતી કે પોતાનાં બાળકોને યહોવાની સેવામાં આગળ વધવા મદદ કરશે. તેઓએ યહોવાની ભક્તિ જીવનમાં પ્રથમ રાખી હતી. એ તેમના નિર્ણયથી સાફ દેખાય આવતું હતું. (લુક ૨:૪૦, ૪૧, ૫૨) ઈસુએ પણ જીવનમાં સારા નિર્ણયો લીધા એનાથી તે યહોવાની મરજી પૂરી કરી શક્યા. (માથ. ૪:૧-૧૦) ઈસુ મોટા થતા ગયા તેમ તેમણે દયા, વફાદારી અને હિંમત જેવા ગુણો કેળવ્યા. દરેક માબાપ એવું ચાહશે કે તેઓનાં બાળકોમાં પણ એવા ગુણો હોય.

૩. આ લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?

આ લેખમાં આપણે આવા સવાલોની ચર્ચા કરીશું: ઈસુ માટે યહોવાએ કયા સારા નિર્ણયો લીધા? યુસફ અને મરિયમે જે નિર્ણયો લીધા એમાંથી માબાપો શું શીખી શકે? ઈસુએ જે નિર્ણયો લીધા એમાંથી યુવાનો શું શીખી શકે?

યહોવા પાસેથી શીખીએ

૪. યહોવાએ ઈસુના ઉછેર માટે કયો સારો નિર્ણય લીધો?

ઈસુના ઉછેર માટે યહોવાએ સૌથી સારાં માતાપિતા પસંદ કર્યા હતા. (માથ. ૧:૧૮-૨૩; લુક ૧:૨૬-૩૮) મરિયમને યહોવા અને શાસ્ત્ર માટે ખૂબ પ્રેમ હતો. મરિયમના શબ્દો બાઇબલમાં નોંધવામાં આવ્યા છે. (લુક ૧:૪૬-૫૫) યુસફ પણ યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલતા હતા. એ બતાવતું હતું કે તેમને યહોવા માટે પ્રેમ છે અને તે યહોવાને ખુશ કરવા માંગે છે.—માથ. ૧:૨૪.

૫-૬. યહોવાએ પોતાના દીકરાને કેવી મુશ્કેલીઓ સહેવા દીધી?

યહોવાએ ઈસુ માટે ધનવાન માબાપ પસંદ કર્યા ન હતા, એવું શા પરથી કહી શકાય? ઈસુના જન્મ પછી યુસફ અને મરિયમે બે પક્ષીઓનું અર્પણ ચઢાવ્યું હતું. એનાથી ખબર પડે છે કે તેઓ ગરીબ હતા. (લુક ૨:૨૪) નાઝરેથમાં કદાચ ઘરની બાજુમાં યુસફની એક નાનકડી દુકાન હતી, જેમાં તે સુથારી કામ કરતા. યુસફ અને મરિયમ સાદું જીવન જીવતાં હતાં, કારણ કે તેઓએ સાતેક બાળકોનો ઉછેર કરવાનો હતો.—માથ. ૧૩:૫૫, ૫૬.

યહોવાએ ઈસુને અમુક જોખમોથી બચાવ્યા હતા, પણ તેમણે ઈસુની બધી મુશ્કેલીઓ દૂર કરી નહિ. (માથ. ૨:૧૩-૧૫) દાખલા તરીકે, ઈસુના અમુક સગાઓએ તેમના પર શ્રદ્ધા રાખી નહિ. ઈસુના કુટુંબના અમુક સભ્યોએ તેમનો મસીહ તરીકે સ્વીકાર કર્યો ન હતો. જરા વિચારો, એ સમયે ઈસુ કેટલા નિરાશ થયા હશે. (માર્ક ૩:૨૧; યોહા. ૭:૫) એટલું જ નહિ, ઈસુએ પોતાના પિતાના મરણનું દુઃખ સહેવું પડ્યું હશે. તેમના માથે મોટી જવાબદારી પણ આવી પડી હશે. તેમણે કુટુંબનો ધંધો સંભાળવાનો હતો, કારણ કે તે સૌથી મોટા દીકરા હતા. (માર્ક ૬:૩) ઈસુ મોટા થતા ગયા તેમ કુટુંબની સંભાળ રાખવાનું પણ શીખતા ગયા. કુટુંબનું ભરણપોષણ કરવા તેમણે તનતોડ મહેનત કરવી પડી હશે. તે જાણતા હતા કે દિવસના અંતે એ બધું કરીને થાકીને લોથપોથ થઈ જવાય છે.

માબાપો, બાળકોને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા બાઇબલની સલાહ લેવાનું શીખવો (ફકરો ૭ જુઓ) *

૭. (ક) જે યુગલોનાં બાળકો છે તેઓએ કયા સવાલો પર વિચાર કરવો જોઈએ? (ખ) બાળકોને સારી રીતે શીખવવા નીતિવચનો ૨:૧-૬ કઈ રીતે મદદ કરી શકે?

તમે લગ્‍ન કરેલા હોય અને જો તમે બાળકો ઇચ્છતા હો તો આ સવાલોનો વિચાર કરો: ‘શું અમે યહોવા અને બાઇબલ માટે પ્રેમ બતાવનાર નમ્ર લોકોમાંના એક છીએ? જો અમને બાળક થાય તો શું યહોવા એવો ભરોસો રાખી શકશે કે અમે એનો સારો ઉછેર કરી શકીશું?’ (ગીત. ૧૨૭:૩, ૪) જો તમને બાળકો હોય તો તમે આ સવાલોનો વિચાર કરો: ‘શું હું મારાં બાળકોને સખત મહેનત કરવાનું શીખવું છું?’ (સભા. ૩:૧૨, ૧૩) ‘દુષ્ટ દુનિયામાં બાળકો સાથે ખરાબ કામ થઈ રહ્યા છે અને તેઓ પર ખરાબ બાબતોની અસર પડે છે, શું હું એવી બાબતોથી મારાં બાળકોનું રક્ષણ કરું છું?’ (નીતિ. ૨૨:૩) જોકે, તમે બાળકોને બધી મુશ્કેલીઓમાંથી બચાવી શકતા નથી, પણ તેઓને એનો સામનો કરવા તૈયાર કરી શકો છો. તેઓને બાઇબલની સલાહ લાગુ પાડવાનું પ્રેમથી શીખવી શકો છો. (નીતિવચનો ૨:૧-૬ વાંચો.) દાખલા તરીકે, તમારા કુટુંબમાંથી કોઈ સાચી ભક્તિ કરવાનું છોડી દે છે. એવા સમયે બાળકોને બાઇબલમાંથી શીખવો કે યહોવાને વફાદાર રહેવું શા માટે ખૂબ જરૂરી છે. (ગીત. ૩૧:૨૩) અથવા કુટુંબમાં કોઈનું મરણ થાય ત્યારે બધા દુઃખી થઈ જાય છે. એવા સમયે બાળકોને બતાવો કે એ દુઃખ સહેવા અને મનની શાંતિ જાળવવા બાઇબલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય.—૨ કોરીં. ૧:૩, ૪; ૨ તિમો. ૩:૧૬.

યુસફ અને મરિયમ પાસેથી શીખીએ

૮. પુનર્નિયમ ૬:૬, ૭ પ્રમાણે યુસફ અને મરિયમે શું કર્યું?

યહોવાએ માબાપ માટે શાસ્ત્રમાં માર્ગદર્શન આપ્યું છે. (પુનર્નિયમ ૬:૬, ૭ વાંચો.) યુસફ અને મરિયમે એ માર્ગદર્શન પ્રમાણે ઈસુનો ઉછેર કર્યો. એટલે ઈસુ મોટા થયા ત્યારે યહોવાની કૃપા તેમના પર હતી. યુસફ અને મરિયમનાં દિલમાં યહોવા માટે ખૂબ જ પ્રેમ હતો. એવો જ પ્રેમ પોતાનાં બાળકોનાં દિલમાં કેળવાય એ માટે તેઓએ પૂરો પ્રયત્ન કર્યો.

૯. યુસફ અને મરિયમે કેવા નિર્ણયો લીધા હતા?

યુસફ અને મરિયમે બાળકો સાથે મળીને નિયમિત રીતે યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ બધાં નાઝરેથના સભાસ્થાનમાં દર અઠવાડિયે જતાં અને દર વર્ષે પાસ્ખાના તહેવાર માટે યરૂશાલેમ જતાં. (લુક ૨:૪૧; ૪:૧૬) એ મુસાફરી દરમિયાન તેઓ ઈસુ અને પોતાનાં બીજાં બાળકોને શીખવતાં હશે. યહોવાના લોકો સાથે અગાઉ શું બન્યું હતું એ તેઓ બાળકોને જણાવતાં હશે. તેઓ રસ્તામાં આવતી એવી જગ્યાઓએ જતાં, જે વિશે શાસ્ત્રમાં લખવામાં આવ્યું હતું. તેઓનાં બાળકોની સંખ્યા વધતી ગઈ તેમ, તેઓ માટે એવી મુસાફરી કરવી સહેલી નહિ હોય. પણ યુસફ અને મરિયમ યહોવાની ભક્તિમાં નિયમિત રહ્યાં. તેઓએ યહોવાની ભક્તિ જીવનમાં પ્રથમ રાખી, એટલે તેઓનું કુટુંબ યહોવાની નજીક રહી શક્યું. આમ, તેઓની મહેનત રંગ લાવી.

૧૦. યુસફ અને મરિયમના દાખલામાંથી માબાપ શું શીખી શકે?

૧૦ માબાપો, યુસફ અને મરિયમના દાખલામાંથી તમે શું શીખી શકો? તમે યહોવાને પ્રેમ કરો છો, એ તમારાં વાણી-વર્તનથી બાળકોને દેખાય આવવું જોઈએ. તેઓ યહોવાને પ્રેમ કરવાનું શીખે એ માટે તમે મદદ કરો. એમ કરો છો ત્યારે જાણે તમે તેઓને સુંદર ભેટ આપો છો. તમે બીજી મહત્ત્વની બાબતો પણ શીખવી શકો. જેમ કે, તેઓને નિયમિત રીતે બાઇબલનો જાતે અભ્યાસ કરવાનું, પ્રાર્થના કરવાનું, સભાઓમાં જવાનું અને પ્રચારમાં ભાગ લેવાનું શીખવો. (૧ તિમો. ૬:૬) તમારે બાળકોને જીવન જરૂરી વસ્તુઓ પણ પૂરી પાડવાની છે. (૧ તિમો. ૫:૮) બાળકોનો યહોવા સાથે પાકો સંબંધ હશે તો જ તેઓ શેતાનની દુષ્ટ દુનિયામાંથી બચીને નવી દુનિયામાં જઈ શકશે. યાદ રાખો, ધનદોલત કે માલમિલકત તેઓને બચાવી શકશે નહિ. *હઝકી. ૭:૧૯; ૧ તિમો. ૪:૮.

ખુશીની વાત છે કે આજે ઘણાં માબાપોએ બાળકો માટે સારા નિર્ણયો લીધા છે (ફકરો ૧૧ જુઓ) *

૧૧. (ક) પહેલો તિમોથી ૬:૧૭-૧૯માં આપેલી સલાહ પ્રમાણે માબાપો કેવા નિર્ણયો લે છે? (ખ) કુટુંબ માટે તમારે કેવા ધ્યેયો રાખવા જોઈએ અને એનાથી શું ફાયદો થશે? (“ તમે કયા ધ્યેયો રાખશો?” બૉક્સ જુઓ.)

૧૧ આજે બાળકો યહોવા સાથે સારો સંબંધ કેળવે એ માટે માબાપો મદદ કરી રહ્યા છે. એ કેટલી ખુશીની વાત છે! તેઓ ભેગા મળીને ભક્તિ કરી રહ્યા છે. તેઓ સભાઓ અને સંમેલનોમાં જાય છે. તેઓ ખુશખબર ફેલાવવાનું કામ કરે છે. અમુક કુટુંબ તો એવા વિસ્તારમાં ખુશખબર ફેલાવવા જાય છે, જ્યાં ભાગ્યે જ કામ થયું હોય. બીજા અમુક બેથેલ જોવા જાય છે અથવા બાંધકામ વિભાગમાં કામ કરે છે. એવા કામમાં ભાગ લેનાર કુટુંબોએ પૈસે-ટકે થોડું જતું કરવું પડે છે અને કેટલીક મુશ્કેલીઓ સહેવી પડે છે. પણ યહોવા તેઓ પર આશીર્વાદોનો વરસાદ વરસાવે છે. (૧ તિમોથી ૬:૧૭-૧૯ વાંચો.) એવાં કુટુંબમાં જે બાળકોનો ઉછેર થાય છે તેઓ સારી આદતો કેળવે છે. માબાપે તેઓનો એ રીતે ઉછેર કર્યો માટે તેઓને ખુશી છે. *નીતિ. ૧૦:૨૨.

ઈસુ પાસેથી શીખીએ

૧૨. ઈસુ મોટા થતા ગયા તેમ તેમણે શું કરવાનું હતું?

૧૨ ઈસુના સ્વર્ગના પિતા હંમેશાં સારા નિર્ણયો લે છે. ઈસુનાં પૃથ્વી પરના માતાપિતાએ પણ સારા નિર્ણયો લીધાં હતાં. ઈસુ મોટા થતા ગયા તેમ તેમણે પોતે પણ અમુક નિર્ણયો લેવાના હતા. (ગલા. ૬:૫) આપણી જેમ તેમને પણ પોતાના માટે નિર્ણયો લેવાની છૂટ હતી. તે પોતાનો જ વિચાર કરી શક્યા હોત, પણ તેમણે તો યહોવા સાથે સારો સંબંધ કેળવવાનું પસંદ કર્યું. એટલે તેમણે સારા નિર્ણયો લીધા. (યોહા. ૮:૨૯) તેમના દાખલામાંથી આજે યુવાનોને કેવી મદદ મળી શકે?

યુવાનો, માબાપના માર્ગદર્શન પ્રમાણે ચાલો (ફકરો ૧૩ જુઓ) *

૧૩. ઈસુ નાના હતા ત્યારે શું કર્યું?

૧૩ ઈસુ નાના હતા ત્યારે માતાપિતાનું કહ્યું કરતા. તે ક્યારેય માતાપિતાની આજ્ઞા વિરુદ્ધ ન ગયા. તેમણે ક્યારેય એવું કહ્યું નહિ કે પોતે માતાપિતા કરતાં વધારે હોશિયાર છે. તે હંમેશાં ‘તેઓને આધીન રહ્યા.’ (લુક ૨:૫૧) ઈસુએ મોટા દીકરા તરીકેની બધી જવાબદારી નિભાવી. પિતા પાસેથી તે સુથારીકામ શીખ્યા. તેમણે કુટુંબનું ભરણપોષણ કરવા તનતોડ મહેનત કરી.

૧૪. શા પરથી કહી શકાય કે ઈસુ શાસ્ત્રનો સારો અભ્યાસ કરતા હતા?

૧૪ ઈસુનો જન્મ ચમત્કારથી થયો એ વિશે તેમના માતાપિતાએ તેમને જણાવ્યું હશે. સ્વર્ગદૂતો અને ઈશ્વરભક્તોએ તેમના વિશે જે કહ્યું એ પણ તેમને જણાવ્યું હશે. (લુક ૨:૮-૧૯, ૨૫-૩૮) ઈસુ બીજાઓ પાસેથી શીખ્યા એટલું જ નહિ, પોતે પણ શાસ્ત્રનો સારો અભ્યાસ કરતા હતા. એવું શા પરથી કહી શકાય? તે ૧૨ વર્ષના હતા ત્યારે યરૂશાલેમના ધર્મગુરુઓ ‘તેમની સમજણ અને તેમના જવાબોને લીધે નવાઈ પામ્યા.’ (લુક ૨:૪૬, ૪૭) નાનપણથી શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોવાથી તેમને પૂરો ભરોસો હતો કે યહોવા તેમના પિતા છે.—લુક ૨:૪૨, ૪૩, ૪૯.

૧૫. કઈ રીતે દેખાય આવ્યું કે ઈસુએ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું હતું?

૧૫ ઈસુને ખબર પડી કે યહોવા તેમની પાસેથી શું ચાહે છે, એટલે તેમણે એ પ્રમાણે કરવાનું નક્કી કર્યું. (યોહા. ૬:૩૮) તે જાણતા હતા કે એ પ્રમાણે તે કરશે તો ઘણા લોકો તેમને નફરત કરશે. એમ કરવું તેમના માટે સહેલું ન હતું, તોપણ તેમણે એ કર્યું. ઈસુએ ૨૯ સી.ઈ.માં બાપ્તિસ્મા લીધું ત્યાર પછી તેમણે યહોવાની ઇચ્છા પૂરી કરવામાં પૂરું ધ્યાન લગાડ્યું. (હિબ્રૂ. ૧૦:૫-૭) તે વધસ્તંભ પર હતા ત્યારે પણ તે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા ચાહતા હતા.—યોહા. ૧૯:૩૦.

૧૬. બાળકો ઈસુ પાસેથી શું શીખી શકે?

૧૬ બાળકો, માબાપનું કહ્યું માનો. યુસફ અને મરિયમની જેમ તમારાં માબાપ પણ ભૂલો કરે છે. પણ યહોવાએ તેઓને ખાસ જવાબદારી આપી છે. માબાપે બાળકોનું રક્ષણ કરવું જોઈએ, તેઓને તાલીમ અને માર્ગદર્શન આપવાં જોઈએ. બાળકો, તમે તેઓનું કહેવું માનશો અને તેઓનો આદર કરશો તો ‘તમારું ભલું થશે.’—એફે. ૬:૧-૪.

૧૭. યહોશુઆ ૨૪:૧૫ પ્રમાણે યુવાનોએ કયો નિર્ણય લેવાનો છે?

૧૭ તમે કોની ભક્તિ કરવાનો નિર્ણય લેશો? યહોવા કોણ છે, તેમની ઇચ્છા શું છે અને તેમની ઇચ્છા તમે કઈ રીતે પૂરી કરી શકો, એ વિશે તમારે જાણવું જોઈએ. (રોમ. ૧૨:૨) એમ કરશો તો જ તમે યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લઈ શકશો, જે સૌથી મહત્ત્વનો નિર્ણય છે. (યહોશુઆ ૨૪:૧૫ વાંચો; સભા. ૧૨:૧) જો તમે નિયમિત બાઇબલ વાંચશો અને એનો અભ્યાસ કરશો, તો યહોવા માટે પ્રેમ વધતો જશે. એટલું જ નહિ, તમારી શ્રદ્ધા વધતી જશે.

૧૮. યુવાનોએ બીજો કયો નિર્ણય લેવાનો છે અને એનાથી કેવો ફાયદો થશે?

૧૮ યહોવાની ઇચ્છાને જીવનમાં પ્રથમ રાખવાનો નિર્ણય લો. દુનિયાના લોકો માને છે કે પોતાની આવડતનો પોતાના માટે ઉપયોગ કરશો તો સુખી થશો. પણ કડવી હકીકત એ છે કે જેઓ ધનદોલત પાછળ પડ્યા છે, “તેઓએ પોતાને ઘણાં દુઃખોથી વીંધ્યા છે.” (૧ તિમો. ૬:૯, ૧૦) જો તમે યહોવાની વાત માનશો અને તેમની ઇચ્છાને જીવનમાં પ્રથમ રાખશો, તો સુખી થશો અને સમજી-વિચારીને વર્તી શકશો.—યહો. ૧:૮.

તમે કેવો નિર્ણય લેશો?

૧૯. માબાપે શું યાદ રાખવું જોઈએ?

૧૯ માબાપો, તમારાં બાળકો યહોવાની સેવા કરી શકે માટે બનતું બધું કરો. યહોવા પર ભરોસો રાખો અને તે તમને સારો નિર્ણય લેવા મદદ કરશે. (નીતિ. ૩:૫, ૬) યાદ રાખો, તમે જે કહેશો એના કરતાં તમે જે કરશો એની બાળકો પર વધારે અસર થાય છે. એટલે એવા નિર્ણયો લો, જેમાં બાળકોને યહોવાની કૃપા મેળવવાની તક મળે.

૨૦. યહોવાની સેવા કરવાનો યુવાનો નિર્ણય લેશે તો કેવો ફાયદો થશે?

૨૦ યુવાનો, જીવનમાં સારો નિર્ણય લેવા માબાપ તમને મદદ કરી શકે છે. પણ ઈશ્વરની કૃપા મેળવવા તમારે પોતે મહેનત કરવી પડશે. એટલે ઈસુને પગલે ચાલો અને યહોવાની સેવા કરવાનો નિર્ણય લો. જો એમ કરશો તો તમારી મહેનત રંગ લાવશે અને તમે સુખી થશો. (૧ તિમો. ૪:૧૬) ભાવિમાં તમે નવી દુનિયામાં ખુશહાલ જીવન જીવી શકશો.

ગીત ૨૭ યહોવા મારો માલિક

^ ફકરો. 5 ઈશ્વરભક્ત માતાપિતાઓ ચાહે છે કે તેઓનાં બાળકો મોટા થઈને ખુશ રહે અને યહોવાની ભક્તિ કરે. માતાપિતાઓ કેવી પસંદગી કરશે જેથી તેઓનાં બાળકો યહોવાની ભક્તિ કરે? યુવાનો જીવનમાં સુખી થવા કેવો નિર્ણય લઈ શકે? આ લેખમાં એ સવાલોના જવાબ જોઈશું.

^ ફકરો. 11 ઑક્ટોબર ૨૦૧૧ સજાગ બનો! પાન ૨૦ ઉપર આપેલું આ બૉક્સ જુઓ: “આનાથી વધારે સારા પેરન્ટ્‌સ મળે જ નહિ!” અને એપ્રિલ ૮, ૧૯૯૯ સજાગ બનો! પાન ૨૫ ઉપર આપેલો આ લેખ જુઓ: “પોતાના માબાપને ખાસ પત્ર.

^ ફકરો. 66 ચિત્રની સમજ: ઈસુ નાના હતા ત્યારે મરિયમે તેમના દિલમાં યહોવા માટે પ્રેમ કેળવ્યો હશે. એવી જ રીતે આજે માતાઓ પોતાનાં બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવી શકે છે.

^ ફકરો. 68 ચિત્રની સમજ: યુસફ જાણતા હતા કે પોતાના કુટુંબને સભાસ્થાનમાં લઈ જવું જોઈએ. એવી જ રીતે આજે પિતાઓએ પોતાના કુટુંબને પ્રાર્થનાઘરમાં લઈ જવું જોઈએ.

^ ફકરો. 70 ચિત્રની સમજ: ઈસુએ પોતાના પિતા પાસેથી કામ કરવાની આવડત શીખ્યા હતા. એવી જ રીતે આજે બાળકો પોતાના પિતા પાસેથી કામ કરવાની આવડત શીખી શકે છે.