સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જોસેફ. એફ. રધરફર્ડ અને અમુક ભાઈઓ યુરોપની મુલાકાત વખતે

૧૯૨૦—સો વર્ષ પહેલાં

૧૯૨૦—સો વર્ષ પહેલાં

૧૯૨૦ની શરૂઆતમાં યહોવાના લોકોમાં પ્રચારકામ માટે જોશ જાગ્યો. એ વર્ષ માટે તેઓએ ગીતશાસ્ત્ર ૧૧૮:૧૪ને વાર્ષિક વચન તરીકે પસંદ કર્યું હતું. એમાં લખ્યું છે: ‘પ્રભુ મારું સામર્થ્ય અને ગીત છે.’—ગીત. ૧૧૮:૧૪, IBSI.

યહોવાએ ઉત્સાહી ભાઈ-બહેનોને પ્રચાર કરવા બળ આપ્યું. એટલે એ વર્ષે કોલ્પોર્ચરો અથવા પાયોનિયરોની સંખ્યા ૨૨૫થી વધીને ૩૫૦ થઈ ગઈ. પહેલી વાર ૮,૦૦૦થી પણ વધારે પ્રચારકોએ મુખ્યમથકને પોતાના પ્રચારકામનો રિપોર્ટ મોકલ્યો. ઘણા લોકોએ તેઓનું સાંભળ્યું, એ રીતે યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો.

તેઓનો ઉત્સાહ જોરદાર હતો

૨૧ માર્ચ, ૧૯૨૦ના રોજ ભાઈ જોસેફ એફ. રધરફર્ડે આ વિષય પર પ્રવચન આપ્યું: “અત્યારે જીવનારા કરોડો ક્યારેય મરશે નહિ!” ભાઈ એ દિવસો દરમિયાન સંગઠનના કામની દેખરેખ રાખતા હતા. એ પ્રવચન માટે બાઇબલ વિદ્યાર્થીઓએ ન્યૂ યૉર્ક શહેરનો સૌથી મોટો હૉલ ભાડે લીધો. આશરે ૩,૨૦,૦૦૦ આમંત્રણ પત્રિકા લોકોને આપવામાં આવી. તેઓએ રસ ધરાવતા લોકોને બોલાવવા રાતદિવસ એક કર્યા.

પેપરમાં આ પ્રવચનની જાહેરાત “અત્યારે જીવનારા કરોડો ક્યારેય મરશે નહિ!”

બાઇબલ વિદ્યાર્થીઓએ ધાર્યું હતું, એના કરતાં વધારે લોકો એ પ્રવચન સાંભળવા આવ્યા. હૉલ ૫,૦૦૦થી પણ વધારે લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો. બીજા ૭,૦૦૦ લોકોને પાછા મોકલવા પડ્યા કારણ કે હૉલમાં બેસવાની જગ્યા ન હતી. ધ વૉચ ટાવરમાં જણાવ્યું હતું કે ‘આંતરરાષ્ટ્રીય બાઇબલ વિદ્યાર્થીઓની એ સૌથી મોટી સભા હતી.’

બાઇબલ વિદ્યાર્થીઓ આ સંદેશો જણાવવા માટે જાણીતા હતા: “અત્યારે જીવનારા કરોડો ક્યારેય મરશે નહિ!” એ સમયે તેઓ જાણતા ન હતા કે રાજ્યનો સંદેશો દુનિયાના ખૂણેખૂણે ફેલાવવાનો છે. પણ તેઓનો ઉત્સાહ જોરદાર હતો! આઇડા ઓમસ્ટેડે ૧૯૦૨થી સભામાં જવાનું શરૂ કર્યું હતું. એ દિવસોને યાદ કરતા બહેન કહે છે: ‘અમે જાણતા હતા કે બધા મનુષ્યો માટે ભાવિમાં ઘણા આશીર્વાદો રહેલા છે. એટલે અમે બધાને ખુશખબર જણાવતા હતા.’

ભાઈઓએ પોતે સાહિત્ય છાપવાનું શરૂ કર્યું

બેથલના ભાઈઓએ અમુક સાહિત્ય પોતે છાપવાનું શરૂ કર્યું, જેથી બધા સુધી સત્યનું જ્ઞાન પહોંચે. એ માટે તેઓએ ન્યૂ યૉર્ક, બ્રુકલિન બેથેલની નજીક ૩૫ મર્ટલ એવન્યુમાં એક બિલ્ડીંગ ભાડે લીધી. તેઓએ છાપવાનું મશીન ખરીદ્યું અને એ જગ્યાએ મૂક્યું.

૧૯૨૦માં લીઓ પેલ અને વોલ્ટર કેસલર, બેથેલમાં સેવા આપવા ગયા. વોલ્ટરભાઈ કહે છે કે ‘અમે ત્યાં પહોંચ્યા ત્યારે છાપકામના નિરીક્ષકે અમને કહ્યું કે બપોરના જમવાને દોઢ કલાકની વાર છે. એટલે તેમણે અમને ભોંયરામાંથી પુસ્તકો ભરેલાં ખોખાં લાવવાનું કહ્યું.’

બીજા દિવસે જે થયું એ વિશે લીઓભાઈ જણાવે છે: ‘અમને પહેલા માળની દીવાલો સાફ કરવાનું કામ સોંપવામાં આવ્યું. અમે જીવનમાં એટલી ગંદી દીવાલો ક્યારેય સાફ કરી ન હતી, પણ એ યહોવા માટે હતું એટલે અમે દિલથી કર્યું.’

હાથથી ચાલતું નાનું પ્રેસ મશીન જેમાં ધ વૉચ ટાવર છાપવામાં આવતું

અમુક અઠવાડિયામાં જ આપણા ભાઈઓએ પૂરા જોશથી ધ વૉચ ટાવર છાપવાનું શરૂ કરી દીધું. એ બિલ્ડિંગના બીજા માળે હાથથી ચાલતું નાનું પ્રેસ મશીન મૂકવામાં આવ્યું. એ મશીનથી ૧ ફેબ્રુઆરી, ૧૯૨૦ ધ વૉચ ટાવરની ૬૦,૦૦૦ પ્રતો છાપવામાં આવી. ભાઈઓએ બીજું એક મશીન ભોંયરામાં મૂક્યું, જેને “બેટલશીપ” નામ આપવામાં આવ્યું. ૧૪ એપ્રિલ, ૧૯૨૦થી ધ ગોલ્ડન એજ છાપવાનું શરૂ કર્યું. ભાઈઓ દિલથી કામ કરતા હતા એટલે તેઓની મહેનત રંગ લાવી. એનાથી સાફ દેખાઈ આવ્યું કે તેઓ પર યહોવાનો હાથ હતો.

‘એ કામ યહોવાનું હતું એટલે અમે દિલથી કર્યું.’

“ચાલો આપણે સંપીને રહીએ”

યહોવાના વફાદાર લોકોએ ફરીથી એ કામ પૂરા જોશથી શરૂ કર્યું. તેઓ હળીમળીને કામ કરતા. જોકે, ૧૯૧૭થી ૧૯૧૮ના મુશ્કેલ સમયમાં અમુક બાઇબલ વિદ્યાર્થીઓ સંગઠન છોડીને જતા રહ્યા. શું તેઓને કોઈ મદદ કરવામાં આવી?

૧ એપ્રિલ, ૧૯૨૦ ધ વૉચ ટાવરમાં આ લેખ હતો: “ચાલો આપણે સંપીને રહીએ.” સંગઠન છોડીને ગયેલા બાઇબલ વિદ્યાર્થીઓને એ લેખમાં પ્રેમથી કહેવામાં આવ્યું, ‘અમને ભરોસો છે કે જેઓ યહોવાની આજ્ઞા પાળવા માંગે છે, તેઓ જૂની વાતો ભૂલી જશે. તેઓ યહોવાના લોકો સાથે મળીને યહોવાનું કામ કરશે.’

ઘણાએ એ વાત માની. એક યુગલે સંગઠનને પત્ર લખ્યો: ‘બધા પૂરા જોશથી પ્રચારકામ કરી રહ્યા હતા. પણ અમે દોઢ વર્ષથી પ્રચારકામ છોડી દીધું હતું, એ અમારી મોટી ભૂલ હતી. અમે એ ભૂલ ફરી કરવા માંગતા નથી.’ આમ ઘણાં ભાઈ-બહેનો પાછાં ફર્યાં અને યહોવાનું કામ કરવા લાગ્યાં. યહોવાની સેવામાં તેઓ માટે ઘણું કામ હતું.

ધ ફિનિસ્ડ મિસ્ટ્રી વહેંચવામાં આવ્યું

ધ ફિનિસ્ડ મિસ્ટ્રી પુસ્તક પર ૧૯૧૮માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે, એની ઘણી પ્રતો સાચવી રાખવામાં આવી હતી. એ સ્ટડીઝ ઇન ધ સ્ક્રીપ્ચરનો સાતમો ગ્રંથ હતો. ધ ફિનિસ્ડ મિસ્ટ્રી પુસ્તકને મૅગેઝિનના રૂપમાં છાપવામાં આવ્યું. એને બાઇબલ વિદ્યાર્થીઓએ ૨૧ જૂન, ૧૯૨૦માં વહેંચવાની ઝુંબેશ શરૂ કરી.

એ ઝુંબેશમાં ફક્ત પાયોનિયરોને જ નહિ, પણ બધા પ્રચારકોને ભાગ લેવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. તેઓને કહેવામાં આવ્યું, ‘દરેક મંડળનાં બાપ્તિસ્મા પામેલા પ્રચારકોએ ખુશીથી ભાગ લેવો જોઈએ. દરેકને ધ ફિનિસ્ડ મિસ્ટ્રી આપવાની તેઓએ મનમાં ગાંઠ વાળવી જોઈએ.’ એડમંડ હૂપરે એ ઝુંબેશમાં ભાગ લીધો હતો. એ દિવસોને યાદ કરતા ભાઈ જણાવે છે, ‘એ ઝુંબેશમાં ભાગ લેનાર ઘણાઓએ પહેલી વાર ઘરઘરનું પ્રચારકામ ખરા અર્થમાં કર્યું હતું. અમે કદી વિચાર્યું પણ ન હતું કે આટલું બધું કામ બાકી છે.’

યુરોપમાં ફરી કામ વ્યવસ્થિત કરવામાં આવ્યું

પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન યુરોપના ઘણા દેશોના બાઇબલ વિદ્યાર્થીઓ સાથે વાત કરવી અઘરું હતું. રધરફર્ડભાઈ એ ભાઈ-બહેનોને ઉત્તેજન આપીને પ્રચારકામ ફરી વ્યવસ્થિત કરવા માંગતા હતા. એટલે ૧૨ ઑગસ્ટ, ૧૯૨૦ના રોજ રધરફર્ડભાઈ અને બીજા ચાર ભાઈઓ બ્રિટન અને બીજા દેશોની મુલાકાતે જવા નીકળ્યા.

રધરફર્ડભાઈ ઇજિપ્તમાં

રધરફર્ડભાઈ બ્રિટન ગયા ત્યારે, બાઇબલ વિદ્યાર્થીઓએ બાર જાહેર સભાઓ અને ત્રણ સંમેલનો રાખ્યાં. એમાં આશરે ૫૦,૦૦૦ લોકો આવ્યા હતા. એ વિશે ધ વૉચ ટાવરમાં આમ જણાવ્યું હતું: ‘ભાઈ-બહેનોની હિંમત અને ઉત્સાહ વધ્યાં. તેઓ વચ્ચે પ્રેમ અને એકતાનું બંધન મજબૂત થયું. તેઓએ સાથે મળીને પ્રચાર કર્યો અને તેઓને ઘણી ખુશી મળી.’ પછી રધરફર્ડભાઈ પૅરિસ ગયા. તેમણે ફરીથી આ વિષય પર પ્રવચન આપ્યું: “અત્યારે જીવનારા કરોડો ક્યારેય મરશે નહિ!” એ પ્રવચન સાંભળવા એટલા બધા લોકો આવ્યા કે આખો હૉલ ભરાઈ ગયો. ત્રણસો લોકોએ કહ્યું કે તેઓએ વધારે જાણવું છે.

લંડનના રોયલ આલ્બર્ટ હૉલમાં થનાર પ્રવચનની જાહેરાત કરતું પોસ્ટર

એ પછીના અઠવાડિયામાં રધરફર્ડભાઈ અને અમુક ભાઈઓ એથેન્સ, કાયરો અને યરૂશાલેમની મુલાકાતે ગયા. રધરફર્ડભાઈએ યરૂશાલેમ નજીક રામાલાહના નાનકડા શહેરમાં એક કેન્દ્ર ખોલ્યું. જેઓ વધારે જાણવા માંગતા હતા તેઓ ત્યાંથી સાહિત્ય લઈ શકતા હતા. પછી રધરફર્ડભાઈ યુરોપ પાછા આવી ગયા. તેમણે મધ્ય યુરોપિય શાખા કચેરી ખોલી અને ત્યાં સાહિત્ય છાપવાની વ્યવસ્થા કરી.

અન્યાયનો પડદો હટ્યો

સપ્ટેમ્બર ૧૯૨૦માં બાઇબલ વિદ્યાર્થીઓએ ધ ગોલ્ડન એજનો ૨૭મો ખાસ અંક બહાર પાડ્યો. ૧૯૧૮માં બાઇબલ વિદ્યાર્થીઓની સતાવણી કરવામાં આવી, એના વિશે એ અંકમાં લખવામાં આવ્યું હતું. ભાઈઓએ “બેટલશીપ” નામના મશીન પર રાતદિવસ કામ કર્યું અને એ અંકની ૪૦ લાખથી પણ વધારે પ્રતો છાપી.

પોલીસના રેકોર્ડમાં માર્ટિનબહેનનો ફોટો

જે લોકોએ એ મૅગેઝિન વાંચ્યું, તેઓને ખબર પડી કે માર્ટિનબહેન સાથે શું થયું હતું. કૅલિફૉર્નિયાના, સૅન બર્નાડિનોમાં માર્ટિનબહેન એક કોલ્પોર્ચર હતા. ૧૭ માર્ચ, ૧૯૧૮ના રોજ બહેન બાઇબલ વિદ્યાર્થીઓની એક સભામાં ગયા હતા. એ સભામાં બીજા ત્રણ ભાઈઓ પણ હતા, જેમના નામ ઈ. હૈમ, ઈ. જે. સોનેનબર્ગ અને ઈ. એ. સ્ટીવન્સ હતા.

એ સભામાં એક માણસ એવો હતો, જે બાઇબલ શીખવાના ઇરાદાથી આવ્યો ન હતો. તેણે સમય જતાં જણાવ્યું, ‘સરકારી વકીલની કચેરીએ મને ત્યાં જવાનું કહ્યું એટલે હું ત્યાં ગયો હતો. મને સભામાંથી અમુક પુરાવા ભેગા કરવાનું જણાવવામાં આવ્યું હતું.’ જે પુરાવા માટે તે આવ્યો હતો એ તેને મળી ગયો. એ પુરાવો હતો, ફિનિસ્ડ મિસ્ટ્રીની એક પ્રત. અમુક દિવસ પછી માર્ટિનબહેન અને એ ત્રણ ભાઈઓને કેદ કરવામાં આવ્યા. તેઓએ દેશનો કાયદો તોડ્યો છે એવો આરોપ મૂકવામાં આવ્યો. કારણ કે તેઓ એવા પુસ્તકની પ્રતો વહેંચી રહ્યા હતા, જેના પર પ્રતિબંધ હતો.

માર્ટિનબહેન અને એ ત્રણ ભાઈઓને દોષી ગણવામાં આવ્યા. તેઓને ત્રણ વર્ષની કેદની સજા થઈ. એ માટે તેઓએ કોર્ટમાં ઘણી વાર અપીલ કરી, પણ એને ફગાવી દેવામાં આવી. ૧૭ મે, ૧૯૨૦ના રોજ તેઓને કેદ કરવામાં આવ્યા. પણ બહુ જલદી એવું કંઈક થયું, જેનાથી તેઓને રાહત મળી.

તેઓ સાથે જે બન્યું, એ વિશે રધરફર્ડભાઈએ ૨૦ જૂન, ૧૯૨૦ના રોજ સૅન ફ્રેન્સિસ્કો શહેરમાં થયેલા સંમેલનમાં જણાવ્યું. એ સાંભળીને સંમેલનમાં આવેલાં ભાઈ-બહેનોને ખૂબ આઘાત લાગ્યો. તેઓએ અમેરિકાના રાષ્ટ્રપતિને એક તાર મોકલ્યો. એમાં લખ્યું હતું, ‘અમને લાગે છે કે કાયદાના નામે માર્ટિનબહેનને જે સજા કરવામાં આવી એ ઘોર અન્યાય છે. સરકારી અધિકારીઓએ પોતાના અધિકારનો ખોટો ઉપયોગ કરીને બહેનને ફસાવ્યા છે. તેમના પર ખોટો આરોપ મૂકીને તેમને કેદ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જે કર્યુ એ સાવ ખોટું છે.’

બીજા જ દિવસે રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને માર્ટિનબહેન અને ત્રણ ભાઈઓની સજા રદ કરી અને તેઓને છોડી મૂક્યા.

વર્ષ ૧૯૨૦ના અંતે, બાઇબલ વિદ્યાર્થીઓએ આખા વર્ષમાં જે બધું બન્યું એનો વિચાર કર્યો. એનાથી તેઓને ઘણી ખુશી થઈ. મુખ્યમથકમાં પૂરા જોરશોરથી કામ થવા લાગ્યું. હવે બાઇબલ વિદ્યાર્થી વધુ ઉત્સાહથી જાહેર કરવા લાગ્યા કે માણસોની મુશ્કેલીઓ ફક્ત ઈશ્વરનું રાજ્ય દૂર કરી શકે છે. (માથ. ૨૪:૧૪) બીજા વર્ષે એટલે કે ૧૯૨૧માં રાજ્યનો પ્રચાર વધારે જોરશોરથી થવાનો હતો.