સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૨

સત્યને વળગી રહીએ

સત્યને વળગી રહીએ

“બધી વસ્તુઓની પરખ કરો અને જે સારું છે એને વળગી રહો.”—૧ થેસ્સા. ૫:૨૧.

ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ

ઝલક *

૧. આજે ઘણા લોકો કેમ મૂંઝવણમાં છે?

આજે દુનિયામાં ઘણા ધર્મો છે. એ બધા ધર્મો દાવો કરે છે કે તેઓ સાચા છે. એટલે ઘણા લોકો મૂંઝવણમાં છે. તેઓ વિચારે છે, ‘શું કોઈ સાચો ધર્મ છે? શું બધા ધર્મો ઈશ્વર તરફ લઈ જાય છે?’ પણ આપણા વિશે શું? શું આપણને પૂરો ભરોસો છે કે આપણે જે માનીએ છીએ એ સાચું છે? શું આપણે જે રીતે યહોવાની ભક્તિ કરીએ છીએ એ જ સાચી રીત છે? શું એના કોઈ પુરાવા છે? ચાલો જોઈએ.

૨. પાઉલને કેમ પાકી ખાતરી હતી કે પોતે જે માને છે એ ખરું છે? (૧ થેસ્સાલોનિકીઓ ૧:૫)

પ્રેરિત પાઉલને પાકી ખાતરી હતી કે તે જે માને છે એ ખરું છે. (૧ થેસ્સાલોનિકીઓ ૧:૫ વાંચો.) તેમને એ ગમતું હતું એટલે એની ખાતરી ન હતી, પણ તે માનતા હતા કે “આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.” (૨ તિમો. ૩:૧૬) એટલે તેમણે શાસ્ત્રનો ધ્યાનથી અભ્યાસ કર્યો, એનાથી તેમને પુરાવો મળ્યો કે ઈસુ જ વચન પ્રમાણેના મસીહ છે. એ એવો પુરાવો હતો જેને કોઈ જૂઠો સાબિત કરી શકે એમ ન હતું. તેમ છતાં ધર્મગુરુઓ એ માનવા તૈયાર ન હતા. તેઓ કહેતા કે પોતે ઈશ્વરની વાતો શીખવે છે, પણ તેઓ એવાં કામ કરતા જેને ઈશ્વર ધિક્કારે છે. (તિત. ૧:૧૬) પાઉલ તેઓ જેવા ન હતા. તેમણે શાસ્ત્રની ફક્ત એ જ વાતો ન માની જે તેમને ગમતી હતી. પણ તેમણે “ઈશ્વરની ઇચ્છા” પ્રમાણે બધી વાતો બીજાઓને શીખવી અને પોતે લાગુ પાડી.—પ્રે.કા. ૨૦:૨૭.

૩. શું સાચા ધર્મના લોકો પાસે બધા સવાલોના જવાબ હોવા જોઈએ? સમજાવો. (“ યહોવાનાં કામો અને વિચારો ‘ગણ્યાં ગણાય નહિ એટલાં છે’” બૉક્સ પણ જુઓ.)

અમુક લોકોનું માનવું છે કે સાચા ધર્મના લોકો પાસે બધા સવાલોના જવાબ હોવા જોઈએ. એવા સવાલોના પણ જેના જવાબ બાઇબલમાં નથી. પણ શું એમ માનવું યોગ્ય કહેવાય? ચાલો એ સમજવા પાઉલનો દાખલો જોઈએ. તેમણે સાથી ભાઈ-બહેનોને કહ્યું, “બધી વસ્તુઓની પરખ કરો.” (૧ થેસ્સા. ૫:૨૧) તેમણે એ પણ જણાવ્યું કે ‘આપણું જ્ઞાન અધૂરું છે. હમણાં આપણે અરીસામાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ.’ (૧ કોરીં. ૧૩:૯, ૧૨) પાઉલ કંઈ બધું જાણતા ન હતા અને આપણે પણ જાણતા નથી. જોકે પાઉલ ઈશ્વર વિશેનું મૂળ શિક્ષણ જાણતા હતા. એટલે તેમને પૂરો ભરોસો હતો કે તે જે માને છે એ ખરું છે.

૪. (ક) આપણી પાસે સત્ય છે એવો ભરોસો મજબૂત કરવા શું કરી શકીએ? (ખ) સાચા ઈશ્વરભક્તો શું કરે છે?

ચાલો જોઈએ કે ઈસુએ કઈ રીતે ભક્તિ કરી અને આજે યહોવાના સાક્ષીઓ કઈ રીતે ભક્તિ કરે છે. એ બંનેને સરખાવવાથી ભરોસો મજબૂત થાય છે કે આપણી પાસે સત્ય છે. આ લેખમાં જોઈશું કે સાચા ઈશ્વરભક્તો (૧) મૂર્તિપૂજા કરતા નથી, (૨) યહોવાના નામનો મહિમા કરે છે, (૩) સત્યને પ્રેમ કરે છે અને (૪) એકબીજાને દિલથી પ્રેમ કરે છે.

મૂર્તિપૂજા કરતા નથી

૫. ઈસુએ કઈ રીતે ભક્તિ કરી? એમાંથી આપણે શું શીખી શકીએ?

ઈસુ પોતાના પિતા યહોવાને ખૂબ પ્રેમ કરે છે એટલે સ્વર્ગમાં અને પૃથ્વી પર આવ્યા પછી પણ તેમણે ફક્ત યહોવાની ભક્તિ કરી. (લૂક ૪:૮) તેમણે પોતાના શિષ્યોને પણ એમ કરવાનું શીખવ્યું. ઈસુ અને તેમના શિષ્યોએ ક્યારેય મૂર્તિપૂજા કરી ન હતી. કોઈ માણસે કદી ઈશ્વરને જોયા નથી. એટલે કોઈ તેમનું ચિત્ર કે મૂર્તિ બનાવી ન શકે. (યશા. ૪૬:૫) પણ સંતોની મૂર્તિ બનાવીને તેઓની પૂજા કરવી શું યોગ્ય કહેવાય? યહોવાએ આપેલી દસ આજ્ઞાઓમાંની બીજી આજ્ઞા એ હતી કે “તમે પોતાના માટે કોતરેલી મૂર્તિ ન બનાવો. ઉપર આકાશમાંની, નીચે પૃથ્વી પરની અને પાણીમાંની કોઈ પણ વસ્તુ કે એના આકારની પ્રતિમા ન બનાવો. તમે તેઓ સામે નમશો નહિ.” (નિર્ગ. ૨૦:૪, ૫) જેઓ ઈશ્વરને ખુશ કરવા ચાહે છે, તેઓ મૂર્તિપૂજા કરતા નથી.

૬. આજે યહોવાના સાક્ષીઓ કઈ રીતે ભક્તિ કરે છે?

ઇતિહાસકારો જણાવે છે કે પહેલી સદીના ખ્રિસ્તીઓ ફક્ત ઈશ્વરની જ ભક્તિ કરતા હતા. દાખલા તરીકે, ઇતિહાસના એક પુસ્તકમાં લખ્યું છે કે પહેલી સદીના ખ્રિસ્તીઓને મૂર્તિપૂજાના નામથી પણ નફરત હતી. આજે યહોવાના સાક્ષીઓ પણ તેઓની જેમ ભક્તિ કરે છે. આપણે સંતો કે દૂતોની ભક્તિ કરતા નથી. આપણે ઈસુની પણ ભક્તિ કરતા નથી. આપણે ઝંડાને સલામી આપતા નથી કે દેશભક્તિ કરતા નથી. કોઈ જોરજુલમ કરે તોપણ આપણે ઈસુની આ વાત પાળીએ છીએ, “તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર.”—માથ. ૪:૧૦.

૭. બીજા ધર્મના લોકો અને યહોવાના સાક્ષીઓમાં શું ફરક છે?

આજે ઘણા લોકો જાણીતા ધર્મગુરુઓનું કહેવું માને છે. એ લોકો તેઓની પાછળ એટલા પાગલ છે કે તેઓની ભક્તિ કરે છે, તેઓની સભામાં જાય છે અને તેઓનાં પુસ્તકો ખરીદે છે. અરે, તેઓને અને તેઓની સંસ્થાને મોટું મોટું દાન આપે છે. અમુક તો તેઓનો પડ્યો બોલ ઝીલે છે. ચર્ચના લોકોના મનમાં પાદરીઓ એટલા છવાઈ ગયા હોય છે કે ઈસુ આવે તોપણ તેઓ ધ્યાન ન આપે. પણ આપણે સાક્ષીઓ ફક્ત યહોવાની વાત માનીએ છીએ, માણસોની નહિ. જોકે આપણે આગેવાની લેનાર ભાઈઓને માન આપીએ છીએ, પણ ઈસુની આ વાત હંમેશાં યાદ રાખીએ છીએ, “તમે બધા ભાઈઓ છો.” (માથ. ૨૩:૮-૧૦) આપણે માણસોની ભક્તિ કરતા નથી, પછી ભલે એ ધર્મગુરુ હોય કે કોઈ નેતા. આપણે તેઓની રાજકીય કે ધાર્મિક યોજનાને સાથ આપતા નથી. આપણે કોઈનો પક્ષ લેતા નથી કે દુનિયાના કોઈ કામમાં માથું મારતા નથી. એવી બાબતોમાં આપણે બીજા ધર્મના લોકો કરતાં સાવ અલગ છીએ.—યોહા. ૧૮:૩૬.

યહોવાના નામનો મહિમા કરે છે

સાચા ખ્રિસ્તીઓ ખુશીથી બીજાઓને યહોવા વિશે જણાવે છે (ફકરા ૮-૧૦ જુઓ) *

૮. કઈ રીતે જાણી શકીએ કે યહોવા પોતાના નામનો મહિમા ઇચ્છે છે?

એકવાર ઈસુએ પ્રાર્થનામાં કહ્યું, “હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો.” યહોવાએ સ્વર્ગમાંથી તરત જવાબ આપ્યો કે તે ચોક્કસ પોતાના નામનો મહિમા કરશે. (યોહા. ૧૨:૨૮) ઈસુએ પણ લોકોને યહોવાનું નામ જણાવ્યું અને એ નામને મહિમા આપ્યો. (યોહા. ૧૭:૨૬) એટલે આજે સાચા ખ્રિસ્તીઓ ભક્તિમાં ઈશ્વરનું નામ લે છે અને એ વિશે લોકોને જણાવે છે.

૯. પહેલી સદીના ખ્રિસ્તીઓએ કઈ રીતે ઈશ્વરના નામનો મહિમા કર્યો?

ખ્રિસ્તી મંડળની શરૂઆતના થોડા સમય પછી યહોવાએ “બીજી પ્રજાઓ તરફ ધ્યાન આપ્યું, જેથી તેઓમાંથી એવા લોકોને બહાર કાઢી લાવે, જેઓ તેમના નામે ઓળખાય.” (પ્રે.કા. ૧૫:૧૪) એ ખ્રિસ્તીઓએ ખુશી ખુશી યહોવાનું નામ વાપર્યું અને બીજાઓને જણાવતા અચકાયા નહિ. બાઇબલનાં પુસ્તકો લખતી વખતે પણ તેઓએ એમાં ઈશ્વરનું નામ વાપર્યું. * આમ પુરવાર કર્યું કે તેઓ જ ઈશ્વરના નામે ઓળખાતા લોકો છે.—પ્રે.કા. ૨:૧૪, ૨૧.

૧૦. એવું કેમ કહી શકાય કે ફક્ત યહોવાના સાક્ષીઓ જ યહોવાના નામનો મહિમા કરે છે?

૧૦ આજે યહોવાના નામનો મહિમા કોણ કરે છે? ઘણા પાદરીઓએ યહોવાનું નામ છુપાવવા ધમપછાડા કર્યા. તેઓએ બાઇબલ ભાષાંતરોમાંથી એ નામ કાઢી નાખ્યું. તેઓએ ચર્ચમાં ઈશ્વરનું નામ લેવાની ના પાડી. * પણ યહોવાના સાક્ષીઓ તેઓથી સાવ અલગ છે. આપણને મળેલા નામ પ્રમાણે આપણે યહોવાના નામનો મહિમા કરીએ છીએ. (યશા. ૪૩:૧૦-૧૨) આપણે પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતરની ચોવીસ કરોડથી વધારે પ્રતો છાપી છે. આ બાઇબલમાં જ્યાં હોવું જોઈએ ત્યાં યહોવાનું નામ વાપર્યું છે. બીજા બાઇબલ ભાષાંતરકારોએ ત્યાંથી એ નામ કાઢી નાખ્યું છે. આપણે એક હજારથી વધારે ભાષાઓમાં બાઇબલ આધારિત સાહિત્ય બહાર પાડીએ છીએ, જેમાં યહોવાનું નામ જોવા મળે છે. એનાથી દેખાઈ આવે છે કે ફક્ત યહોવાના સાક્ષીઓ જ યહોવાના નામનો મહિમા કરે છે.

સત્યને પ્રેમ કરે છે

૧૧. પહેલી સદીના ખ્રિસ્તીઓએ કઈ રીતે જાહેર કર્યું કે તેઓને સત્ય માટે પ્રેમ છે?

૧૧ યહોવા અને તેમના હેતુઓ વિશેનું સત્ય ઈસુ જાણતા હતા. એ માટે તેમના દિલમાં ખૂબ પ્રેમ હતો. એટલે તે સત્યના માર્ગે ચાલ્યા અને એ વિશે બીજાઓને પણ જણાવ્યું. (યોહા. ૧૮:૩૭) ઈસુના શિષ્યોને પણ સત્ય માટે ખૂબ પ્રેમ હતો. (યોહા. ૪:૨૩, ૨૪) પ્રેરિત પિતરે કહ્યું, ખ્રિસ્તી હોવાનો અર્થ થાય કે ‘સત્યના માર્ગે’ ચાલવું. (૨ પિત. ૨:૨) પહેલી સદીના ખ્રિસ્તીઓને સત્ય માટે ખૂબ પ્રેમ હતો. એટલે તેઓએ એવાં શિક્ષણ, વિચારો અને રીતરિવાજોને નકારી કાઢ્યાં જે બાઇબલ આધારિત ન હતાં. (કોલો. ૨:૮) એવી જ રીતે, આજે યહોવાના સાક્ષીઓ “સત્યના માર્ગ પર” ચાલવાની પૂરી કોશિશ કરે છે. (૩ યોહા. ૩, ૪) તેઓનું શિક્ષણ અને જીવવાની રીત બાઇબલ આધારિત છે.

૧૨. નિયામક જૂથ ક્યારે ફેરફાર કરે છે અને કેમ?

૧૨ યહોવાના સાક્ષીઓ દાવો કરતા નથી કે તેઓ પાસે બાઇબલની પૂરેપૂરી સમજણ છે. અમુક વાર બાઇબલની કલમો સમજાવવામાં અને સંગઠન ચલાવવામાં તેઓથી ભૂલો થઈ છે. પણ એનાથી આંચકો લાગવો ન જોઈએ. બાઇબલમાં લખ્યું છે કે યહોવા ધીરે ધીરે સત્યની સમજણ વધારે છે. (નીતિ. ૪:૧૮; કોલો. ૧:૯, ૧૦) એટલે આપણે તેમના સમયની રાહ જોવી જોઈએ અને ધીરજ રાખવી જોઈએ. નિયામક જૂથને ખબર પડે કે કોઈ સમજણમાં કે સંગઠન ચલાવવાની રીતમાં ફેરફાર કરવાની જરૂર છે તો, તેઓ તરત પગલાં ભરે છે. તેઓ જરાય અચકાતા નથી. ચર્ચના લોકો પોતાના સભ્યો અને દુનિયાના લોકોને ખુશ કરવા પોતાનાં શિક્ષણમાં ફેરફાર કરે છે. જ્યારે કે યહોવાના સાક્ષીઓ, યહોવાને ખુશ કરવા અને ઈસુની જેમ ભક્તિ કરવા ફેરફાર કરે છે. (યાકૂ. ૪:૪) તેઓ દુનિયાના વિચારો પ્રમાણે નહિ પણ બાઇબલની વધારે સમજણ મળે ત્યારે ફેરફાર કરે છે.—૧ થેસ્સા. ૨:૩, ૪.

એકબીજાને દિલથી પ્રેમ કરે છે

૧૩. (ક) પહેલી સદીના ખ્રિસ્તીઓમાં કયો ખાસ ગુણ હતો? (ખ) આજે યહોવાના સાક્ષીઓ કઈ રીતે એ ગુણ બતાવે છે?

૧૩ પહેલી સદીના ખ્રિસ્તીઓમાં ઘણા સારા ગુણો હતા. એમાં એક ખાસ ગુણ હતો પ્રેમ. ઈસુએ કહ્યું હતું, “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૪, ૩૫) આજે દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓમાં પ્રેમ અને એકતા જોવા મળે છે. ભલે આપણે અલગ અલગ દેશ કે સમાજમાંથી આવતા હોઈએ, પણ આપણે એક કુટુંબનો ભાગ છીએ. આપણી સભાઓ, સંમેલનો અને મહાસંમેલનોમાં એ પ્રેમ સાફ જોવા મળે છે. એનાથી ભરોસો વધે છે કે યહોવાની ભક્તિ કરવાની આપણી રીત સાચી છે.

૧૪. કોલોસીઓ ૩:૧૨-૧૪ પ્રમાણે આપણે કઈ રીતે એકબીજાને ગાઢ પ્રેમ બતાવી શકીએ?

૧૪ બાઇબલમાં ઉત્તેજન આપ્યું છે, “એકબીજા માટે ગાઢ પ્રેમ રાખો.” (૧ પિત. ૪:૮) એ પ્રેમ બતાવવાની એક રીત છે કે એકબીજાને માફ કરીએ અને એકબીજાનું સહન કરીએ. બીજી રીત છે કે ઉદાર બનીએ અને મહેમાનગતિ બતાવીએ. એવા લોકોને પણ ન ભૂલીએ જેઓએ આપણા દિલને ઠેસ પહોંચાડી છે. (કોલોસીઓ ૩:૧૨-૧૪ વાંચો.) એવો પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે.

“એક શ્રદ્ધા”

૧૫. બીજી કઈ બાબતોમાં આપણે પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ ભક્તિ કરીએ છીએ?

૧૫ આપણે બીજી બાબતોમાં પણ પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ ભક્તિ કરીએ છીએ. દાખલા તરીકે, પહેલી સદીના મંડળમાં જે ગોઠવણો હતી એ આજે પણ છે. આજે મંડળમાં સરકીટ નિરીક્ષક, વડીલો અને સહાયક સેવકો હોય છે. (ફિલિ. ૧:૧; તિત. ૧:૫) પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ આપણે સેક્સ, લગ્‍ન અને લોહી વિશે યહોવાના સિદ્ધાંતો પાળીએ છીએ. જેઓ એ સિદ્ધાંતો પાળતા નથી તેઓને મંડળમાંથી દૂર કરવામાં આવે છે.—પ્રે.કા. ૧૫:૨૮, ૨૯; ૧ કોરીં. ૫:૧૧-૧૩; ૬:૯, ૧૦; હિબ્રૂ. ૧૩:૪.

૧૬. એફેસીઓ ૪:૪-૬માંથી શું જાણવા મળે છે?

૧૬ ઈસુએ કહ્યું હતું કે ઘણા લોકો તેમના શિષ્યો હોવાનો ઢોંગ કરશે. (માથ. ૭:૨૧-૨૩) છેલ્લા દિવસો વિશે પણ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે લોકો “ભક્તિભાવનો દેખાડો” કરશે. (૨ તિમો. ૩:૧, ૫) પણ બાઇબલમાં લખ્યું છે, ફક્ત “એક શ્રદ્ધા” એટલે કે એક ધર્મ છે જેને ઈશ્વર સ્વીકારે છે.—એફેસીઓ ૪:૪-૬ વાંચો.

૧૭. આજે કોણ ઈસુના પગલે ચાલીને સાચી ભક્તિ કરે છે?

૧૭ આજે એ ધર્મ કોણ પાળી રહ્યું છે? યહોવાના સાક્ષીઓ. આ લેખમાં જોયું કે ઈસુ અને પહેલી સદીના ખ્રિસ્તીઓ જે રીતે ભક્તિ કરતા હતા, એ જ રીતે યહોવાના સાક્ષીઓ કરે છે. આપણને યહોવાના સાક્ષી બનવાનો એક મોટો લહાવો મળ્યો છે. યહોવા અને તેમના હેતુ વિશે જાણવા મળ્યું એ વાતની આપણને ખુશી છે. એટલે ચાલો આપણે એ સત્યને વળગી રહીએ.

ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત

^ ફકરો. 5 આ લેખમાં જોઈશું કે ઈસુએ કઈ રીતે સાચી ભક્તિ કરવામાં દાખલો બેસાડ્યો અને કઈ રીતે પહેલી સદીના ખ્રિસ્તીઓએ એ જ પ્રમાણે કર્યું. એ પણ જોઈશું કે આજે યહોવાના સાક્ષીઓ કઈ રીતે ઈસુને પગલે ચાલીને સાચી ભક્તિ કરે છે.

^ ફકરો. 9 ઑગસ્ટ ૧, ૨૦૧૦ ચોકીબુરજ પાન ૬ ઉપર આપેલું આ બૉક્સ જુઓ: “શું પહેલી સદીના ખ્રિસ્તીઓ ઈશ્વરનું નામ વાપરતા હતા?

^ ફકરો. 10 દાખલા તરીકે વર્ષ ૨૦૦૮માં પોપ બેનેડિક્ટ સોળે હુકમ કર્યો કે કૅથલિક ચર્ચોમાં સભાઓ વખતે પ્રાર્થના અને સ્તુતિગીતોમાં ઈશ્વરનું નામ લેવું નહિ.

^ ફકરો. 63 ચિત્રની સમજ: યહોવાના સાક્ષીઓએ ૨૦૦થી વધારે ભાષાઓમાં નવી દુનિયા ભાષાંતર બાઇબલ બહાર પાડ્યું છે, જેથી લોકો પોતાની ભાષામાં એ વાંચી શકે. એ બાઇબલમાં ઈશ્વરનું નામ છે.