સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧૯૨૧—સો વર્ષ પહેલાં

૧૯૨૧—સો વર્ષ પહેલાં

પહેલી જાન્યુઆરી ૧૯૨૧ના વૉચ ટાવરમાં વાચકોને એક સવાલ કરવામાં આવ્યો, “આ વર્ષે આપણે કયું કામ કરવાનું છે?” એના જવાબમાં યશાયા ૬૧:૧, ૨ આપી હતી, ‘યહોવાએ નમ્ર લોકોને ખુશખબર જણાવવા મને પસંદ કર્યો છે. યહોવાની કૃપાનું વર્ષ અને આપણા ઈશ્વરના વેરનો દિવસ જાહેર કરું.’ એ કલમથી યાદ અપાવવામાં આવ્યું કે તેઓએ પ્રચાર કરવાનો હતો.

હિંમતવાન પ્રચારકો

બાઇબલ વિદ્યાર્થીઓએ પ્રચાર કરવા હિંમત બતાવવાની હતી. તેઓએ નમ્ર લોકોને “ખુશખબર” જણાવવાની હતી. સાથે સાથે દુષ્ટ લોકોને ‘ઈશ્વરના વેરના દિવસ’ વિશે જણાવવાનું હતું.

જે. એચ. હોસકીન કેનેડામાં રહેતા હતા. તેમણે વિરોધ હોવા છતાં હિંમતથી પ્રચાર કર્યો. સાલ ૧૯૨૧માં તે એક પાદરીને મળ્યા. વાત શરૂ કરતા પહેલાં ભાઈએ તેમને કહ્યું: “બાઇબલ વિશે વાત કરીએ ત્યારે આપણે દલીલ ન કરવી જોઈએ. આપણે શાંતિથી વાત કરવી જોઈએ. કોઈ વાતમાં આપણે સહમત ન હોઈએ તો વાત ત્યાં જ રોકી દેવી જોઈએ.” પણ એવું ન થયું. ભાઈ આગળ કહે છે, “થોડી જ વારમાં પાદરીએ ગુસ્સામાં જોરથી દરવાજો પછાડ્યો. મને તો લાગ્યું કે હમણાં જ દરવાજાનો કાચ તૂટી જશે.”

પાદરીએ ગુસ્સામાં કહ્યું, “એવા લોકો જોડે વાત કરો જેઓ ખ્રિસ્તી નથી.” હોસકીનભાઈને મનમાં થયું, ‘તમેય ક્યાં ખ્રિસ્તી છો. વ્યવહારથી તો લાગતું નથી.’ પણ તે એવું બોલ્યા નહિ.

બીજા દિવસે એ પાદરીએ ચર્ચમાં ભાષણ આપ્યું અને એમાં ભાઈ વિશે એલફેલ બોલ્યા. ભાઈએ જણાવ્યું, “પાદરીએ મારા વિશે લોકોને કહ્યું કે હું શહેરનો સૌથી જૂઠો વ્યક્તિ છું અને મને મારી નાખવો જોઈએ.” ભાઈ ડરી ન ગયા પણ પ્રચાર કરતા રહ્યા. ઘણા લોકોને તે સંદેશો જણાવી શક્યા. તેમણે કહ્યું, “મને શહેરમાં પ્રચાર કરવાની મજા આવી. અમુક લોકોએ એમ પણ કહ્યું કે ‘અમને ખબર છે કે તમે ઈશ્વરનું કામ કરો છો.’ તેઓ મને જીવન-જરૂરી વસ્તુઓ આપવા પણ તૈયાર હતા.”

અભ્યાસ માટે લેખો

જેઓ બાઇબલ વિશે વધુ જાણવા માંગતા હતા, તેઓને મદદ કરવા બાઇબલ વિદ્યાર્થીઓએ ધ ગોલ્ડન એજ * મૅગેઝિનમાં “બાળકો માટે બાઇબલ અભ્યાસ” શૃંખલા બહાર પાડી. એ લેખોમાં સવાલ-જવાબ હતા. માબાપ બાળકોને એ સવાલો પૂછતાં. તેઓ બાળકોને એના જવાબ બાઇબલમાંથી શોધવા મદદ કરતા. અમુક તો બાઇબલ વિશે સાદા સવાલો હતા. જેમ કે “બાઇબલમાં કેટલાં પુસ્તક છે?” બાળકોને હિંમતવાન પ્રચારક બનાવવા પણ અમુક સવાલો હતા. જેમ કે “શું બધા ખ્રિસ્તીઓને સતાવવામાં આવશે?”

જે બાઇબલ વિદ્યાર્થીઓને બાઇબલની વધારે સમજણ હતી તેઓ માટે ધ ગોલ્ડન એજ મૅગેઝિનમાં બીજી એક શૃંખલા બહાર પાડવામાં આવી. એમાં શાસ્ત્રવચનોનો અભ્યાસ (અંગ્રેજી) પુસ્તકના ગ્રંથ ૧ના આધારે સવાલો હતા. એ બંને શૃંખલાથી હજારો લોકોને ફાયદો થયો. પણ ૨૧ ડિસેમ્બર ૧૯૨૧ના ધ ગોલ્ડન એજ મૅગેઝિનમાં જણાવવામાં આવ્યું કે એ શૃંખલાઓ હવે બંધ કરવામાં આવશે. શા માટે?

એક નવું પુસ્તક

ધ હાર્પ ઑફ ગૉડ પુસ્તક

નાનું કાર્ડ જેમાં લખ્યું હતું કેટલાં પાનાં વાંચવાં

સવાલોનું કાર્ડ

સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓને ખ્યાલ આવ્યો કે નવા બાઇબલ વિદ્યાર્થીઓને બાઇબલના એક પછી એક વિષયો શીખવવા જોઈએ. એટલે નવેમ્બર ૧૯૨૧માં ધ હાર્પ ઑફ ગૉડ પુસ્તક બહાર પાડવામાં આવ્યું. જેઓ એ પુસ્તક લેતા, તેઓ એક કોર્સમાં જોડાતા. એનાથી તેઓ પોતે અભ્યાસ કરી શકતા અને સમજી શકતા કે ઈશ્વર આ સુંદર પૃથ્વી પર હંમેશ માટેનું જીવન આપશે. એ કોર્સમાં શું થતું?

વ્યક્તિને પુસ્તકની સાથે એક નાનું કાર્ડ આપવામાં આવતું. એમાં લખ્યું હતું કે તેણે એ અઠવાડિયે કેટલાં પાનાં વાંચવાના છે. બીજા અઠવાડિયે તેને બીજું કાર્ડ મળતું. તેણે જેટલું વાંચ્યું હોય એના આધારે એમાં સવાલો લખેલા હતા. એમાં એ પણ લખ્યું હતું કે બીજા અઠવાડિયે કેટલાં પાનાં વાંચવાના છે. એવું બાર અઠવાડિયા સુધી ચાલતું.

એ કાર્ડ તેઓને પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવતું. ઘણી વખત એ કાર્ડ એવાં ભાઈ-બહેનો મોકલતાં જેઓ વૃદ્ધ હોય કે ઘર ઘરનું પ્રચાર કરી શકતાં ન હોય. અમેરિકામાં રહેતાં આન્‍ના કે. ગાર્ડનર પોતાની બહેન વિશે જણાવે છે, “મારી બહેન થેલ ચાલી શકતી ન હતી. જ્યારે આ નવું પુસ્તક બહાર પડ્યું ત્યારે તે પ્રચારમાં ઘણું કરી શકી. તે દર અઠવાડિયે સવાલોના કાર્ડ મોકલતી હતી.” આ કોર્સ પત્યા પછી વિદ્યાર્થીને મંડળમાંથી કોઈ મળવા જતું અને તેને બાઇબલ વિશે વધારે શીખવતું.

વ્હિલચૅરમાં થેલ ગાર્ડનર

ઘણું કામ બાકી છે

વર્ષ ૧૯૨૧ પૂરું થવા આવ્યું ત્યારે જે. એફ. રધરફર્ડે બધાં મંડળોને પત્ર લખ્યો. એ પત્રમાં તેમણે લખ્યું: “પાછલા વર્ષ કરતાં આ વર્ષે આપણે વધારે લોકોને ખુશખબર જણાવી છે. પણ હજુ ઘણું કામ બાકી છે. એટલે બીજાઓને ઉત્તેજન આપો કે આ મહત્ત્વના કામમાં ભાગ લે.” બાઇબલ વિદ્યાર્થીઓએ તેમની વાત માની અને ૧૯૨૨માં હિંમતવાન બનીને હજી વધારે લોકોને પ્રચાર કર્યો.

^ ફકરો. 9 ધ ગોલ્ડન એજ મૅગેઝિન પછીથી ૧૯૩૭માં કોન્સોલેશન અને ૧૯૪૬માં સજાગ બનો! નામથી ઓળખાયું.