સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૪

આપણી આશા મજબૂત કરતા રહીએ

આપણી આશા મજબૂત કરતા રહીએ

“યહોવામાં આશા રાખો.”—ગીત. ૨૭:૧૪.

ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે

ઝલક *

૧. યહોવાએ આપણને કઈ આશા આપી છે?

 યહોવાએ આપણને હંમેશાં જીવવાની અનોખી આશા આપી છે. આપણામાંથી મોટા ભાગના લોકોને આ પૃથ્વી પર હંમેશ માટેના જીવનની આશા છે. એ સમયે બધા એકદમ તંદુરસ્ત હશે, ખુશીઓનો પાર નહિ હોય! (પ્રકટી. ૨૧:૩, ૪) આપણામાંથી અમુક લોકોને સ્વર્ગમાં અમર જીવન મેળવવાની આશા છે. (૧ કોરીં. ૧૫:૫૦, ૫૩) આપણી આશા સ્વર્ગમાં જીવવાની હોય કે પૃથ્વી પર, એ આશાને લીધે આપણાં બધાનું દિલ ખુશીથી ઊભરાય છે. એ આશા પૂરી થાય એની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ.

૨. કેમ ખાતરી રાખી શકીએ કે આપણી આશા પૂરી થશે?

બાઇબલમાં ઘણી વાર “આશા” શબ્દ વપરાયો છે. એનો મતલબ થઈ શકે, “કંઈક સારું થવાની રાહ જોવી.” આપણી આશા કોઈ સપનું નથી. એ ચોક્કસ પૂરી થશે, એના આપણી પાસે પુરાવા છે. યહોવાએ પોતે એ આશા આપી છે. (રોમ. ૧૫:૧૩) તેમણે આપણને પહેલેથી જણાવ્યું છે કે તે ભાવિમાં શું કરવાના છે. આપણને ખબર છે કે તે પોતાનાં વચનો હંમેશાં પૂરાં કરે છે. (ગણ. ૨૩:૧૯) તેમને પોતાનું વચન પૂરું કરવાની ઇચ્છા છે. એમ કરવાની તેમની પાસે તાકાત પણ છે. એટલે ખાતરી રાખી શકીએ કે આપણી આશા સોએ સો ટકા પૂરી થશે.

૩. આ લેખમાં શું જોઈશું? (ગીતશાસ્ત્ર ૨૭:૧૪)

યહોવા આપણા પિતા છે. તે આપણને બહુ પ્રેમ કરે છે. તે ચાહે છે કે આપણે તેમના પર પૂરો ભરોસો રાખીએ. (ગીતશાસ્ત્ર ૨૭:૧૪ વાંચો.) તેમના પર ભરોસો અને આશા રાખીશું તો કસોટીઓમાં પણ હિંમત રાખી શકીશું ને ખુશ રહી શકીશું. આ લેખમાં જોઈશું કે આશા કઈ રીતે લંગર અને ટોપની જેમ આપણું રક્ષણ કરે છે. એ પણ જોઈશું કે કઈ રીતે આપણી આશા મજબૂત કરતા રહી શકીએ.

આપણી આશા લંગર જેવી છે

૪. આપણી આશા કઈ રીતે લંગર જેવી છે? (હિબ્રૂઓ ૬:૧૯)

પ્રેરિત પાઉલે હિબ્રૂઓના પત્રમાં આશાને લંગર સાથે સરખાવી. (હિબ્રૂઓ ૬:૧૯ વાંચો.) પાઉલ ઘણી વાર દરિયાઈ મુસાફરી કરતા હતા. એટલે તે સારી રીતે જાણતા હતા કે વહાણને સ્થિર રાખવા લંગર બહુ જરૂરી છે. એકવાર પાઉલ વહાણમાં હતા ત્યારે દરિયામાં મોટું તોફાન આવ્યું. તેમણે જોયું કે નાવિકોએ દરિયામાં લંગર નાખ્યાં, જેથી વહાણ સ્થિર રહે અને ખડકો સાથે ન અથડાય. (પ્રે.કા. ૨૭:૨૯, ૩૯-૪૧) આપણાં જીવનમાં પણ ઘણી વાર તોફાન જેવી મુસીબતો આવે છે. એ સમયે લંગરની જેમ આશા આપણને અડગ રાખે છે, જેથી યહોવાથી દૂર ન થઈ જઈએ. મુસીબતોમાં આપણે વધારે પડતા બેચેન કે નિરાશ નથી થઈ જતા. કેમ કે આપણે જાણીએ છીએ કે એ તોફાનો જલદી જ શાંત થઈ જશે. ઈસુએ પહેલેથી જણાવ્યું હતું કે આપણી સતાવણી થશે. (યોહા. ૧૫:૨૦) એટલે જો આશાને નજર સામે રાખીશું, તો આપણી શ્રદ્ધા ડગમગી નહિ જાય અને મુશ્કેલીઓમાં પણ યહોવાની ભક્તિ કરતા રહીશું.

૫. મોતનો સામનો કરતી વખતે આશાને લીધે ઈસુ કઈ રીતે વફાદાર રહી શક્યા?

ઈસુ જાણતા હતા કે તેમણે કરુણ મોતનો સામનો કરવો પડશે. પણ તે કઈ રીતે મજબૂત આશાને લીધે વફાદાર રહી શક્યા? સાલ ૩૩ના પચાસમાના દિવસે પ્રેરિત પિતરે ઈસુ વિશેની એક ભવિષ્યવાણી વિશે જણાવ્યું. ગીતશાસ્ત્રની એ ભવિષ્યવાણીથી ખબર પડે છે કે ઈસુને કઈ વાતની ખાતરી હતી અને તેમણે કયો દૃઢ નિર્ણય લીધો હતો. ઈસુ જાણે વિચારી રહ્યા હતા: ‘હું ઈશ્વરમાં આશા રાખીને રહીશ, કેમ કે તમે મને કબરમાં ત્યજી નહિ દો. તમારા વફાદાર સેવકના શરીરને કોહવાણ લાગવા નહિ દો. તમારી આગળ તમે મને આનંદથી ભરપૂર કરશો.’ (પ્રે.કા. ૨:૨૫-૨૮; ગીત. ૧૬:૮-૧૧) ઈસુ જાણતા હતા કે તેમને મારી નાખવામાં આવશે. પણ તેમની આશા મજબૂત હતી કે યહોવા તેમને ફરીથી જીવતા કરશે અને તે તેમની સાથે સ્વર્ગમાં હશે.—હિબ્રૂ. ૧૨:૨, ૩.

૬. એક ભાઈએ ભાવિની આશા વિશે શું જણાવ્યું?

ભાવિની આશાને લીધે આપણાં ઘણાં ભાઈ-બહેનો કસોટીઓ અને મુશ્કેલીઓનો સામનો કરી શક્યાં છે. ઇંગ્લૅન્ડના ભાઈ લિઓનાર્ડ ચિન પોતાની આશાને લીધે મક્કમ રહી શક્યા. તેમણે પહેલા વિશ્વયુદ્ધ વખતે સેનામાં ભરતી થવાની ના પાડી, એટલે તેમને જેલ થઈ. બે મહિના માટે તેમને એકલા અંધારી કોટડીમાં પૂરી દેવામાં આવ્યા. પછી તેમની પાસે કાળી મજૂરી કરાવવામાં આવી. તેમણે લખ્યું: “એ વખતે મને અહેસાસ થયો કે આપણી પાસે જે આશા છે, એ કેટલી કીમતી છે. એનાથી મોટી મોટી મુશ્કેલીઓ સહન કરી શકીએ છીએ. ઈસુ, પ્રેરિતો અને પ્રબોધકો એ આશાને લીધે મુશ્કેલીઓમાં ટકી શક્યા. તેઓ વિશે વિચાર કરીશું અને બાઇબલમાં આપેલાં વચનો પર મનન કરીશું તો આપણી આશા મજબૂત થશે અને મુશ્કેલીઓમાં હિંમત રાખી શકીશું.” લિઓનાર્ડભાઈ માટે આશા એક લંગર જેવી હતી. આપણા માટે પણ આશા લંગર જેવી થઈ શકે છે.

૭. કસોટીઓમાં આપણી આશા કઈ રીતે વધારે મજબૂત થાય છે? (રોમનો ૫:૩-૫; યાકૂબ ૧:૧૨)

બાઇબલમાંથી પહેલી વાર યહોવાનાં વચનો જાણ્યાં ત્યારે આપણને એક આશા મળી. પણ કસોટીઓમાં આપણી એ આશા વધારે મજબૂત થાય છે. કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે યહોવા આપણને સાથ આપે છે અને તે આપણાથી ખુશ છે. (રોમનો ૫:૩-૫; યાકૂબ ૧:૧૨ વાંચો.) શેતાન ચાહે છે કે આપણે કસોટીઓમાં ડરી જઈએ, હિંમત હારી જઈએ. પણ યહોવાની મદદથી આપણે કોઈ પણ કસોટીમાં અડગ રહી શકીશું.

આપણી આશા ટોપ જેવી છે

૮. આપણી આશા કેમ ટોપ જેવી છે? (૧ થેસ્સાલોનિકીઓ ૫:૮)

બાઇબલમાં આશાને ટોપ સાથે પણ સરખાવી છે. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૮ વાંચો.) યુદ્ધમાં સૈનિકો ટોપ પહેરે છે. દુશ્મનો હુમલો કરે ત્યારે એનાથી તેઓનાં માથાંનું રક્ષણ થાય છે. શેતાન આજે અલગ અલગ રીતે આપણા પર હુમલા કરે છે. તે ઘણી રીતે આપણને લલચાવે છે. તે ચાહે છે કે આપણે ખોટા વિચારો મનમાં લાવીએ. એટલે વિચારોનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. જેમ ટોપથી સૈનિકના માથાનું રક્ષણ થાય છે, તેમ આપણી આશાથી આપણા વિચારોનું રક્ષણ થાય છે. આમ યહોવાને વફાદાર રહી શકીએ છીએ.

૯. જે લોકો પાસે કોઈ આશા નથી તેઓ કેવું જીવન જીવે છે?

આપણી પાસે હંમેશ માટે જીવવાની આશા છે. એ યાદ રાખવાથી આપણે જીવનમાં સારા નિર્ણયો લઈ શકીશું. પણ જો એ આશા ઝાંખી થતી જશે, તો પોતાની ઇચ્છાઓ પૂરી કરવામાં લાગી જઈશું અને યહોવાનાં વચનો ભૂલી જઈશું. પહેલી સદીમાં કોરીંથ મંડળનાં અમુક ભાઈ-બહેનો સાથે એવું જ થયું હતું. તેઓને લાગતું હતું કે મરી ગયેલાઓને ઉઠાડવામાં નહિ આવે. યહોવાના એ વચન પર તેઓને ભરોસો ન હતો. (૧ કોરીં. ૧૫:૧૨) પાઉલે લખ્યું કે જેઓ પાસે ભાવિની આશા નથી, તેઓ તો બસ આજ માટે જ જીવે છે. (૧ કોરીં. ૧૫:૩૨) આજે દુનિયામાં એવા ઘણા લોકો છે, જેઓને યહોવાનાં વચનો વિશે ખબર નથી. તેઓ પાસે કોઈ આશા નથી. એટલે તેઓ મોજમજામાં જ ડૂબેલા રહે છે. તેઓ વિચારે છે, ‘કાલ કોણે જોઈ છે? બસ આજે જ જીવી લો!’ પણ આપણે તેઓ જેવા નથી. કેમ કે આપણને યહોવાનાં વચનો પર પૂરો ભરોસો છે. આશા ટોપની જેમ આપણા વિચારોનું રક્ષણ કરે છે. એનાથી આપણે પોતાની ઇચ્છાઓ પૂરી કરવા પાછળ દોડતા નથી અને યહોવા સાથેનો આપણો સંબંધ નબળો પડતો નથી.—૧ કોરીં. ૧૫:૩૩, ૩૪.

૧૦. આપણી આશા કયા ખોટા વિચારથી આપણું રક્ષણ કરશે?

૧૦ આપણે ક્યારેય યહોવાને ખુશ નહિ કરી શકીએ એવા ખોટા વિચારથી પણ આશા આપણું રક્ષણ કરે છે. અમુક કદાચ વિચારે, ‘હું તો કેટલીય વાર યહોવાનાં ધોરણો પાળવાનું ચૂકી જઉં છું. મારાથી કેટલી ભૂલો થાય છે. મને તો હંમેશ માટેનું જીવન નહિ જ મળે.’ અયૂબના મિત્ર અલીફાઝે પણ તેમને એવું જ કંઈક કીધું હતું. અલીફાઝે કીધું: “નાશવંત માણસ કઈ રીતે શુદ્ધ હોય શકે?” તેણે ઈશ્વર વિશે કીધું: “જો! ઈશ્વરને પોતાના દૂતો પર પણ ભરોસો નથી, અરે, સ્વર્ગ પણ તેમની નજરમાં પવિત્ર નથી.” (અયૂ. ૧૫:૧૪, ૧૫) કેટલું હળહળતું જૂઠું! શેતાન ચાહે છે કે આપણે એવું વિચારીએ. તે જાણે છે કે આવા વિચારો આપણી આશાને ઝાંખી કરી નાખશે. એટલે આવા વિચારો તમારા મનમાં આવે, તો એને તરત કાઢી નાખો. યહોવાનાં વચનો પર મન લગાડો. પૂરો ભરોસો રાખો કે યહોવાના દિલની ઇચ્છા છે કે તમે હંમેશ માટે જીવો. તમારી એ આશાને હકીકતમાં બદલવા તે તમને મદદ કરશે.—૧ તિમો. ૨:૩, ૪.

આશા મજબૂત કરતા રહીએ

૧૧. યહોવા પોતાનાં વચનો પૂરાં કરે ત્યાં સુધી આપણે કેમ ધીરજ રાખવી જોઈએ?

૧૧ આશાને મજબૂત રાખવી હંમેશાં સહેલું નથી. અમુક વાર આપણી ધીરજ ખૂટી જાય. આપણને થાય, ‘કેમ યહોવાએ હજી સુધી પોતાનાં વચનો પૂરાં કર્યાં નથી?’ પણ આપણે યાદ રાખવું જોઈએ કે યહોવા હંમેશાં હતા ને હંમેશાં રહેશે. તે સનાતન છે. એટલે આપણને જે સમય બહુ લાંબો લાગે, એ યહોવા માટે થોડો જ છે. (૨ પિત. ૩:૮, ૯) યહોવા યોગ્ય સમયે પોતાનાં વચનો ચોક્કસ પૂરાં કરશે. પણ જરૂરી નથી કે આપણે ચાહીએ એ સમયે તે પૂરાં કરે. એટલે યહોવા પોતાનાં વચનો પૂરાં કરે ત્યાં સુધી આપણે ધીરજ રાખીએ અને આશા મજબૂત કરતા રહીએ. એ માટે શું કરી શકીએ?—યાકૂ. ૫:૭, ૮.

૧૨. હિબ્રૂઓ ૧૧:૧, ૬ પ્રમાણે આશા કઈ રીતે શ્રદ્ધા સાથે જોડાયેલી છે?

૧૨ યહોવાએ જ આપણને ભાવિની આશા આપી છે અને તે જ એ આશા પૂરી કરશે. એટલે યહોવા પર શ્રદ્ધા રાખીશું, તેમની સાથે દોસ્તી પાકી કરીશું તો આપણી આશા વધારે મજબૂત થશે. બાઇબલમાં પણ જણાવ્યું છે કે આપણે શ્રદ્ધા રાખીએ કે યહોવા ખરેખર છે અને “તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.” એવી શ્રદ્ધા હશે તો આપણી આશા મજબૂત થશે કે યહોવા પોતાનાં વચનો ચોક્કસ પૂરાં કરશે. (હિબ્રૂઓ ૧૧:૧,  વાંચો.) ચાલો જોઈએ કે કઈ રીતે યહોવા સાથે પાકી દોસ્તી કરી શકીએ, જેથી આશા મજબૂત થાય.

પ્રાર્થના અને મનન કરવાથી આપણી આશા મજબૂત થશે (ફકરા ૧૩-૧૫ જુઓ) *

૧૩. આપણે કઈ રીતે યહોવા સાથે પાકી દોસ્તી કરી શકીએ?

૧૩ યહોવાને પ્રાર્થના કરો અને બાઇબલ વાંચો. આપણે યહોવાને જોઈ નથી શકતા. પણ તેમની સાથે પાકી દોસ્તી કરી શકીએ છીએ. આપણે પ્રાર્થનામાં તેમની સાથે વાત કરી શકીએ છીએ. આપણને ભરોસો છે કે તે આપણું સાંભળે છે. (યર્મિ. ૨૯:૧૧, ૧૨) બાઇબલ વાંચીને અને મનન કરીને આપણે યહોવાની વાત સાંભળીએ છીએ. બાઇબલમાં એવા ઘણા દાખલા છે, જેમાં યહોવાએ પોતાના વફાદાર ભક્તોનું રક્ષણ કર્યું હોય, તેઓને મદદ કરી હોય. એ દાખલા વાંચીને આપણી આશા મજબૂત થાય છે. બાઇબલમાં જે લખવામાં આવ્યું હતું, “એ આપણને શીખવવા માટે લખવામાં આવ્યું હતું. આપણી પાસે આશા છે, કેમ કે શાસ્ત્ર આપણને ધીરજ ધરવા મદદ કરે છે અને ઉત્તેજન આપે છે.”—રોમ. ૧૫:૪.

૧૪. પહેલાંના સમયમાં યહોવાએ જે રીતે પોતાનાં વચનો પૂરાં કર્યાં એના પર કેમ વિચાર કરવો જોઈએ?

૧૪ યહોવાએ કઈ રીતે પોતાનાં વચનો પૂરાં કર્યાં છે, એના પર વિચાર કરો. ચાલો ઇબ્રાહિમ અને સારાહનો દાખલો જોઈએ. યહોવાએ વચન આપ્યું હતું કે તેઓને એક દીકરો થશે. (ઉત. ૧૮:૧૦) પણ તેઓ વૃદ્ધ હતાં. તેઓને બાળક થાય એ તો અશક્ય લાગતું હતું. પણ ઇબ્રાહિમને ખાતરી હતી કે યહોવા પોતાનું વચન જરૂર પૂરું કરશે. (રોમ. ૪:૧૯-૨૧) બાઇબલમાં જણાવ્યું છે: ‘ઇબ્રાહિમે શ્રદ્ધા બતાવી કે તે ઘણી પ્રજાઓના પિતા બનશે.’ (રોમ. ૪:૧૮) એવું થયું પણ ખરું. યોગ્ય સમયે યહોવાએ પોતાનું વચન પૂરું કર્યું અને તેઓને એક દીકરો થયો. આપણે એવા કિસ્સાઓ પર મનન કરીએ. એનાથી આપણી શ્રદ્ધા વધશે કે યહોવા હંમેશાં પોતાનાં વચનો પૂરાં કરે છે, પછી ભલેને આપણને એ અશક્ય લાગે.

૧૫. યહોવાએ આપણા માટે જે કર્યું છે એના પર કેમ વિચાર કરવો જોઈએ?

૧૫ યહોવાએ તમારા માટે શું કર્યું છે એનો વિચાર કરો. ઈસુએ કીધું હતું કે યહોવા પિતા આપણી જરૂરિયાતો પૂરી કરશે. (માથ. ૬:૩૨, ૩૩) તેમણે એ પણ કીધું હતું કે આપણે યહોવા પાસે પવિત્ર શક્તિ માંગીશું તો તે જરૂર આપશે. (લૂક ૧૧:૧૩) યહોવાએ વચન આપ્યું છે કે તે આપણને માફ કરશે, દિલાસો આપશે અને તેમની ભક્તિ કરી શકીએ માટે જરૂરી બધું પૂરું પાડશે. (માથ. ૬:૧૪; ૨૪:૪૫; ૨ કોરીં. ૧:૩) શું તમે તમારા જીવનમાં યહોવાનાં એ વચનો પૂરાં થતાં જોયાં છે? યહોવાએ તમારા માટે જે કર્યું છે, એના પર વિચાર કરશો તો તમારી આશા વધારે મજબૂત થશે. તમને ભરોસો થશે કે ભાવિમાં પણ તે પોતાનાં વચનો જરૂર પૂરાં કરશે.

આશાને લીધે આનંદ કરીએ

૧૬. આપણી આશા કેમ અનોખી છે?

૧૬ યહોવાએ આપણને હંમેશ માટે જીવવાની અનોખી આશા આપી છે. એ આશા આપણા માટે કીમતી ભેટ છે. આપણને ખાતરી છે કે એ આશા પૂરી થશે. આપણી આશા લંગર જેવી છે. એનાથી તોફાન જેવી મુસીબતોમાં અડગ રહી શકીએ છીએ. કસોટી આવે, સતાવણી થાય કે જીવ જોખમમાં હોય તોપણ એ આશાને લીધે યહોવાને વફાદાર રહી શકીએ છીએ. આપણી આશા ટોપ જેવી પણ છે. એનાથી આપણા વિચારોનું રક્ષણ થાય છે. આપણે ખોટી બાબતો પર વિચાર કરવાને બદલે સારી બાબતો પર મન લગાવી શકીએ છીએ. આશાને લીધે આપણે યહોવાની નજીક જઈ શકીએ છીએ. આપણને ખાતરી મળે છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. સાચે જ, આપણી આશા મજબૂત કરતા રહેવાથી ઘણા ફાયદા થાય છે.

૧૭. આશાને લીધે આપણે કેમ ખુશ રહી શકીએ?

૧૭ પ્રેરિત પાઉલે રોમનોને લખેલા પત્રમાં જણાવ્યું હતું: “આશાને લીધે આનંદ કરો.” (રોમ. ૧૨:૧૨) પાઉલ ખુશ રહી શક્યા, કેમ કે તે જાણતા હતા કે તે યહોવાને વફાદાર રહેશે તો તેમને સ્વર્ગમાં હંમેશ માટેનું જીવન મળશે. આપણે પણ આશાને લીધે ખુશ રહી શકીએ છીએ. કેમ કે આપણને ખાતરી છે કે યહોવા પોતાનું દરેક વચન ચોક્કસ પૂરું કરશે. ગીતશાસ્ત્રના એક લેખકે પણ લખ્યું: ‘સુખી છે એ માણસ, જેને પોતાના ઈશ્વર યહોવામાં આશા છે. એ ઈશ્વર હંમેશાં વફાદાર રહે છે.’—ગીત. ૧૪૬:૫, ૬.

ગીત ૫૫ જીવન દીપ નહિ બૂઝે

^ યહોવાએ આપણને એક અજોડ આશા આપી છે. તકલીફો આવે ત્યારે એ આશાને લીધે આપણે અડગ રહી શકીએ છીએ, નિરાશામાં ડૂબી જતા નથી. આપણે કસોટીમાં હોઈએ ત્યારે આશા આપણી હિંમત બંધાવે છે અને આપણે યહોવાને વફાદાર રહી શકીએ છીએ. તેમ જ આપણા વિચારોનું રક્ષણ થાય છે અને યહોવાથી દૂર લઈ જતા વિચારોને અટકાવી શકીએ છીએ. આ લેખમાં એ ત્રણ બાબતોની ચર્ચા કરીશું. આપણે જોઈશું કે કઈ રીતે આપણી આશા મજબૂત કરતા રહી શકીએ.

^ ચિત્રની સમજ: જેમ એક ટોપ સૈનિકના માથાનું રક્ષણ કરે છે અને એક લંગર વહાણને સ્થિર રાખે છે, તેમ આપણી આશા પણ આપણા વિચારોનું રક્ષણ કરે છે અને કસોટીઓમાં આપણને અડગ રાખે છે. એક બહેન યહોવાને પ્રાર્થના કરે છે. તેમને પૂરો ભરોસો છે કે યહોવા તેમનું સાંભળે છે. એક ભાઈ મનન કરે છે કે યહોવાએ કઈ રીતે ઇબ્રાહિમને આપેલું વચન પૂરું કર્યું. બીજા એક ભાઈ વિચારે છે કે યહોવાએ તેમના માટે શું કર્યું અને કેવા આશીર્વાદો આપ્યા.