અભ્યાસ લેખ ૪૩
‘ખરી બુદ્ધિ પોકારે છે’
“ખરી બુદ્ધિ ગલીએ ગલીએ પોકાર કરે છે. એના અવાજના પડઘા આખા ચોકમાં સંભળાય છે.”—નીતિ. ૧:૨૦.
ગીત ૧૧ યહોવાને વળગી રહું
ઝલક *
૧. લોકોને બાઇબલમાંથી બુદ્ધિની વાતો જણાવીએ છીએ ત્યારે ઘણા લોકો શું કરે છે? (નીતિવચનો ૧:૨૦, ૨૧)
ઘણા દેશોમાં આપણાં ભાઈ-બહેનો ભીડભાડવાળા રસ્તે ખુશખબર જણાવે છે. તેઓ આવતાં-જતાં લોકોને ખુશી ખુશી સાહિત્ય આપે છે. શું તમે ક્યારેય આ રીતે ખુશખબર જણાવી છે? એ વખતે તમને કદાચ નીતિવચનોમાં જણાવેલી એક વાત યાદ આવી હશે. એ છે, ખરી બુદ્ધિ ચોકમાં પોકાર કરે છે, જેથી લોકો એ સાંભળે. (નીતિવચનો ૧:૨૦, ૨૧ વાંચો.) બાઇબલ અને એને લગતાં સાહિત્યમાં “ખરી બુદ્ધિ,” એટલે કે યહોવા પાસેથી મળતી બુદ્ધિની વાતો છે. લોકો એ સાહિત્ય લે ત્યારે આપણને ઘણી ખુશી થાય છે. કેમ કે એમાં લખેલી વાતો જાણીને તેઓને હંમેશ માટેનું જીવન મળી શકે છે. પણ કંઈ બધા લોકો એ સાહિત્ય લેતા નથી. અમુક લોકો તો બાઇબલનો સંદેશો સાંભળતા પણ નથી. અમુક આપણી મજાક-મશ્કરી કરે છે. તેઓને લાગે છે કે બાઇબલ તો જૂનું-પુરાણું પુસ્તક છે, એની સલાહ આજે કંઈ કામ ન આવે. અમુકને બાઇબલનાં ધોરણો ગમતાં નથી અને તેઓને પોતાના મનનું જ કરવું હોય છે. તેઓ આપણને જેમતેમ બોલી જાય છે. તેઓને લાગે છે કે આપણે બહુ સિદ્ધાંતવાદી છીએ. ભલે આજે લોકો ખરી બુદ્ધિની વાતોને આંખ આડા કાન કરે છે, પણ યહોવા બધાને ખરી બુદ્ધિ મેળવવાની તક આપે છે. કઈ રીતે?
૨. ખરી બુદ્ધિ ક્યાંથી મળી શકે? પણ મોટા ભાગના લોકો શું કરે છે?
૨ યહોવા બાઇબલ દ્વારા ખરી બુદ્ધિની વાતો શીખવે છે. મોટા ભાગના લોકો સમજી શકે એવી ભાષાઓમાં આજે બાઇબલ પ્રાપ્ય છે. બાઇબલ આધારિત સાહિત્ય દ્વારા પણ યહોવા આપણને શીખવે છે. યહોવાના આશીર્વાદથી એ સાહિત્ય ૧,૦૦૦થી પણ વધારે ભાષાઓમાં છે. જેઓ ખરી બુદ્ધિની વાતો સાંભળે છે, એટલે કે બાઇબલ અને સાહિત્ય વાંચે છે અને એ પ્રમાણે જીવે છે, તેઓને ફાયદા થાય છે. પણ મોટા ભાગના લોકો યહોવાનું સાંભળતા નથી. કોઈ નિર્ણય લેતી વખતે તેઓ પોતાના દિલનું સાંભળે છે, કાં તો બીજાઓને પૂછે છે. તેઓ એવા લોકોનું અપમાન કરે છે, જેઓ બાઇબલ પ્રમાણે નિર્ણય લે છે. આ લેખમાં જોઈશું કે મોટા ભાગના લોકો કેમ એવું કરે છે. પણ સૌથી પહેલા એ જોઈએ કે યહોવા પાસેથી બુદ્ધિ મેળવવા આપણે શું કરવું જોઈએ.
યહોવા વિશે શીખીએ, બુદ્ધિ મેળવીએ
૩. ખરી બુદ્ધિ મેળવવા શું કરવું જોઈએ?
૩ એક બુદ્ધિમાન વ્યક્તિ બધું કામ સમજી-વિચારીને કરે છે અને સારા નિર્ણય લે છે. જોકે ખરી બુદ્ધિ વિશે બાઇબલમાં જણાવ્યું છે: “યહોવાનો ડર બુદ્ધિની શરૂઆત છે, પરમ પવિત્ર ઈશ્વરનું જ્ઞાન લેવું એ સમજણ છે.” (નીતિ. ૯:૧૦) એટલે મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં આપણે એ વિશે યહોવાના વિચારો જાણવાની કોશિશ કરવી જોઈએ. એ કઈ રીતે કરી શકીએ? બાઇબલ અને એનાં સાહિત્ય વાંચીને. જો યહોવાના વિચારો જાણ્યા પછી એ પ્રમાણે નિર્ણય લઈશું, તો દેખાઈ આવશે કે આપણામાં ખરી બુદ્ધિ છે.—નીતિ. ૨:૫-૭.
૪. ખરી બુદ્ધિ કેમ ફક્ત યહોવા જ આપી શકે છે?
૪ ખરી બુદ્ધિ ફક્ત યહોવા જ આપી શકે છે. (રોમ. ૧૬:૨૭) ચાલો એનાં ત્રણ કારણો જોઈએ: (૧) યહોવા સર્જનહાર છે. તેમણે બનાવેલી એકેએક વસ્તુ વિશે તે બધું જાણે છે. (ગીત. ૧૦૪:૨૪) (૨) યહોવાનાં કામોમાં તેમની બુદ્ધિ દેખાઈ આવે છે. (રોમ. ૧૧:૩૩) (૩) તેમની સલાહ પાળવાથી હંમેશાં ફાયદા થાય છે. (નીતિ. ૨:૧૦-૧૨) આ બધાનો વિચાર કરીશું તો ખાતરી થશે કે ખરી બુદ્ધિ ફક્ત યહોવા પાસેથી જ મળે છે. એટલે કોઈ પણ કામ કરતા પહેલાં કે નિર્ણય લેતા પહેલાં યહોવાના વિચારો જાણવાની કોશિશ કરીએ.
૫. યહોવાનું સાંભળવાને બદલે લોકો પોતાની મરજી પ્રમાણે જીવે છે ત્યારે કેવું પરિણામ આવે છે?
૫ દુનિયામાં ઘણા લોકો સ્વીકારે છે કે સૃષ્ટિની સુંદરતા મન મોહી લે એવી છે. પણ તેઓ સર્જનહારને બદલે ઉત્ક્રાંતિમાં માને છે. બીજા અમુક લોકો ઈશ્વરમાં તો માને છે, પણ તેઓને બાઇબલ જૂનું-પુરાણું લાગે છે. તેઓ મન ફાવે એમ જીવે છે. તેઓને લાગે છે કે તેઓને ઈશ્વરની કોઈ જરૂર નથી અને પોતાના નિર્ણય પોતે લઈ શકે છે. જેઓ ઈશ્વરનું સાંભળવાને બદલે પોતાની મરજી પ્રમાણે જીવે છે તેઓ વિશે શું? શું તેઓ આજે ખુશ છે? શું તેઓ પાસે ભાવિની કોઈ આશા છે? શું એનાથી દુનિયાની હાલત સુધરી છે? ના! પણ એનાથી બાઇબલના આ શબ્દો પર આપણો ભરોસો વધે છે: “યહોવા વિરુદ્ધ કોઈ ડહાપણ, સમજણ કે સલાહ ટકી શકતી નથી.” (નીતિ. ૨૧:૩૦) ખરેખર, યહોવા જ ખરી બુદ્ધિ આપી શકે છે. એટલે આપણને મન થાય છે કે યહોવા પાસે બુદ્ધિ માંગતા રહીએ. ચાલો જોઈએ કે ઘણા લોકો કેમ એવું નથી કરતા.
લોકો કેમ બુદ્ધિની વાતો સાંભળતા નથી?
૬. નીતિવચનો ૧:૨૨-૨૫ પ્રમાણે કેવા લોકો ખરી બુદ્ધિની વાતો સાંભળતા નથી?
૬ ખરી બુદ્ધિ “ગલીએ ગલીએ પોકાર કરે છે” ત્યારે, ઘણા લોકો આંખ આડા કાન કરે છે. બાઇબલમાં જણાવ્યું છે કે ત્રણ પ્રકારના લોકો એવું કરે છે. તેઓ છે, “મૂર્ખ,” ‘મશ્કરી કરનારા’ અને “અક્કલ વગરના લોકો.” (નીતિવચનો ૧:૨૨-૨૫ વાંચો.) ચાલો જોઈએ કે તેઓ કેમ યહોવાનું સાંભળતા નથી અને તેઓ જેવા ન બનવા આપણે શું કરી શકીએ.
૭. અમુક લોકો કેમ ભોળા જ રહે છે?
૭ આગળની કલમમાં વપરાયેલા શબ્દ મૂર્ખનો અર્થ ભોળા લોકો પણ થઈ શકે. ભોળા લોકો પાસે બહુ અનુભવ નથી હોતો, તેઓ બધું સાચું માની લે છે. બીજાઓની વાતોમાં આવી જાય છે. લોકો સહેલાઈથી તેઓને છેતરી જાય છે. (નીતિ. ૧૪:૧૫) આજે લાખો લોકો નેતાઓ અને ધર્મગુરુઓને બહુ માને છે. તેઓનો પડ્યો બોલ ઝીલે છે. પણ પછી ખબર પડે કે તેઓએ છેતર્યા છે ત્યારે અમુકને આઘાત લાગે છે. પણ બીજા અમુકને કોઈ ફરક પડતો નથી, તેઓ બસ ભોળા જ રહે છે. તેઓ ધર્મગુરુઓ પાછળ આંખ બંધ કરીને ચાલ્યા કરે છે. (યર્મિ. ૫:૩૧) એવા ઘણા લોકો આપણને પ્રચારમાં મળે છે. તેઓ જાણવા જ નથી માંગતા કે બાઇબલમાં શું લખ્યું છે. તેઓને બાઇબલનાં ધોરણો પાળવાં નથી. તેઓ પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે. કેનેડાના ક્વિબેકમાં આપણા ભાઈને પ્રચારમાં એવી જ એક સ્ત્રી મળી. તે તેના પાદરીને બહુ માનતી હતી. તેણે કીધું: “જો પાદરી અમને ખોટું શીખવતા હોય તો એ એમનો વાંક છે, અમારો નહિ!” આવા લોકો ભોળા જ રહેવા માંગે છે. પણ આપણે તેઓ જેવા જરાય બનવા માંગતા નથી.—નીતિ. ૧:૩૨; ૨૭:૧૨.
૮. સમજદાર વ્યક્તિ બનવા શું કરી શકીએ?
૮ બાઇબલમાં જણાવ્યું છે કે આપણે ભોળા રહેવાને બદલે ‘સમજણમાં પરિપક્વ બનીએ.’ (૧ કોરીં. ૧૪:૨૦) જો બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવીશું, તો સમજદાર બની શકીશું. ધીરે ધીરે આપણને ખબર પડશે કે બાઇબલના સિદ્ધાંતો પાળવાથી ફાયદા થાય છે. આપણે અમુક મુશ્કેલીઓથી બચી શકીએ છીએ. સારા નિર્ણય લઈ શકીએ છીએ. જરા વિચારો, તમે અત્યાર સુધી કેવા નિર્ણયો લીધા છે. જો તમે ઘણા સમયથી બાઇબલનો અભ્યાસ કરતા હો, સભામાં આવતા હો, પણ યહોવાને સમર્પણ કર્યું ન હોય, બાપ્તિસ્મા લીધું ન હોય તો તમે વિચારી શકો, ‘મને એમ કરતા શું રોકે છે?’ જો તમે બાપ્તિસ્મા લીધું હોય તો તમે આનો વિચાર કરી શકો: ‘શું હું ખુશખબર ફેલાવવાના અને શીખવવાના કામમાં વધારે સારું કરવાનો પ્રયત્ન કરું છું? શું હું બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે નિર્ણય લઉં છું? શું હું લોકો સાથે એ રીતે વર્તું છું જેમ ઈસુ વર્તતા હતા?’ જો લાગે કે કંઈ સુધારો કરવાની જરૂર છે, તો યહોવાનાં સલાહ-સૂચનો પર ધ્યાન આપો. કેમ કે તેમનાં સૂચનો “નાદાનને બુદ્ધિમાન બનાવે છે.”—ગીત. ૧૯:૭.
૯. નીતિવચનો ૧:૨૨માં બીજા કયા લોકો વિશે જણાવ્યું છે અને તેઓ શું કરે છે?
૯ નીતિવચનો ૧:૨૨માં ‘મશ્કરી કરનારા લોકો’ વિશે પણ જણાવ્યું છે. બાઇબલમાં પહેલેથી જ જણાવ્યું છે કે છેલ્લા દિવસોમાં એવા લોકોની ખોટ નહિ હોય. (૨ પિત. ૩:૩, ૪) વર્ષો પહેલાં લોતના જમાઈઓએ ઈશ્વરની ચેતવણી પર ધ્યાન આપ્યું નહિ. (ઉત. ૧૯:૧૪) આજે પણ પ્રચારમાં અમુક લોકો આપણા સંદેશા પર ધ્યાન આપતા નથી. અરે, તેઓ આપણી મજાક ઉડાવે છે. (ગીત. ૧૨૩:૪) એવા લોકો ‘પોતાની દુષ્ટ ઇચ્છાઓ પૂરી કરવામાં ડૂબેલા રહે છે.’ એટલે તેઓ બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે ચાલતા લોકોની મજાક ઉડાવે છે. (યહૂ. ૭, ૧૭, ૧૮) સત્યમાં ભેળસેળ કરતા લોકો અને યહોવા વિશે શીખવા ન માંગતા લોકો પણ આ મશ્કરી કરનારાઓ જેવા જ છે.
૧૦. મશ્કરી કરનારા લોકો જેવા ન બનવા આપણે શું કરવું જોઈએ? (ગીતશાસ્ત્ર ૧:૧)
૧૦ આપણે મશ્કરી કરનારા લોકો જેવા બનવા માંગતા નથી. એટલે આપણે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આપણે એવા લોકોથી દૂર રહેવું જોઈએ જેઓ બધી વાતમાં વાંધાવચકા કાઢે છે. (ગીતશાસ્ત્ર ૧:૧ વાંચો.) સત્યમાં ભેળસેળ કરતા લોકો પણ એવા જ છે. એટલે આપણે તેઓનું સાંભળવું ન જોઈએ. તેઓના લેખો વાંચવા ન જોઈએ. જો ધ્યાન નહિ રાખીએ તો આપણે પણ તેઓના જેવું કરવા લાગીશું. કદાચ આપણે પણ દરેક વાતમાં વાંક કાઢવા લાગીએ. કદાચ આપણાં મનમાં શંકા થવા લાગે કે ‘શું આ સંગઠનને ખરેખર યહોવા દોરે છે? જે માર્ગદર્શન મળે છે શું એ સાચું છે?’ ધ્યાન રાખીએ કે આપણને એવી શંકા ન થાય. એટલે જરૂરી છે કે આ સવાલોનો વિચાર કરીએ: ‘જો કોઈ નવું માર્ગદર્શન મળે કે સમજણમાં ફેરફાર થાય તો શું હું એ તરત માનું છું કે પછી કચકચ કરું છું? શું હું સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓની ભૂલો શોધ્યા કરું છું?’ જો તમને લાગે કે તમે એવું કરવા લાગ્યા છો, તો તરત પગલાં ભરો. પોતાનામાં સુધારો કરો. એ જોઈને યહોવા બહુ ખુશ થશે.—નીતિ. ૩:૩૪, ૩૫.
૧૧. કેવા લોકોને “અક્કલ વગરના” કહ્યા છે?
૧૧ નીતિવચનો ૧:૨૨માં “અક્કલ વગરના લોકો” વિશે પણ જણાવ્યું છે. તેઓ ખરી બુદ્ધિની વાતો સાંભળતા નથી. યહોવા સૌથી બુદ્ધિશાળી છે, તોપણ એવા લોકો યહોવાને ઓળખવા માંગતા નથી. તેમનાં ઊંચાં ધોરણો પ્રમાણે જીવવા માંગતા નથી. (ગીત. ૫૩:૧) તેઓ પોતાની મરજી પ્રમાણે જ કરે છે. (નીતિ. ૧૨:૧૫) એટલે તેઓને અક્કલ વગરના કે મૂર્ખ કહ્યા છે. તેઓ પાસે સારી સલાહ નથી, પણ આપણે તેઓને ખુશખબર જણાવીએ છીએ ત્યારે આપણને જ જેમતેમ બોલી જાય છે. તેઓને લાગે છે કે બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવવું તો સાવ નકામું છે. એવા લોકો વિશે બાઇબલમાં જણાવ્યું છે: “સાચી બુદ્ધિ મેળવવી મૂર્ખ માટે ગજા બહાર છે, તે શહેરના દરવાજે મોં ખોલી શકતો નથી.” (નીતિ. ૨૪:૭) એટલે યહોવાએ ચેતવણી આપી છે, અક્કલ વગરના લોકોથી ‘દૂર રહો.’—નીતિ. ૧૪:૭.
૧૨. અક્કલ વગરના લોકો જેવા ન બનવા આપણે શું કરવું જોઈએ?
૧૨ અક્કલ વગરના લોકોને ખરી બુદ્ધિની વાતો સાંભળવી નથી. પણ આપણે તેઓ જેવા બનવા માંગતા નથી. આપણે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાનો અને તેમના જેવા વિચારો કેળવવાનો નિર્ણય લઈએ. એ નિર્ણય દૃઢ કરવા આપણે વિચારીએ કે જેઓ યહોવાનું નથી સાંભળતા તેઓનું જીવન કેવું છે. તેઓ સામે ચાલીને મુસીબતમાં પડે છે. એ પણ વિચારીએ કે યહોવાનું સાંભળવાથી આપણું જીવન કેટલું સરસ છે.—ગીત. ૩૨:૮, ૧૦.
૧૩. શું યહોવા લોકોને તેમનું સાંભળવા બળજબરી કરે છે?
૧૩ યહોવા આજે બધા લોકોને તક આપે છે કે તેઓ ખરી બુદ્ધિની વાતો સાંભળે અને ફાયદો મેળવે. પણ યહોવા કોઈને બળજબરી કરતા નથી. તેમનું સાંભળવું કે નહિ એ તેમણે લોકો પર છોડ્યું છે. પણ તેઓ નહિ સાંભળે તો તેઓનું શું થશે, એ વિશે તેમણે પહેલેથી જણાવ્યું છે. બાઇબલમાં લખ્યું છે, તેઓએ “પોતાનાં કામોનું પરિણામ ભોગવવું પડશે.” (નીતિ. ૧:૨૯-૩૨) તેઓ જે રીતે જીવન જીવે છે, એના લીધે તેઓએ ઘણી દુઃખ-તકલીફો સહેવી પડશે. આખરે તેઓનો નાશ થઈ જશે. પણ જેઓ યહોવાનું સાંભળે છે અને તેમનાં ધોરણો પાળે છે, તેઓને યહોવા વચન આપે છે: “મારું સાંભળનાર સહીસલામત રહેશે અને આફતના ડર વગર નિરાંતે જીવશે.”—નીતિ. ૧:૩૩.
ખરી બુદ્ધિથી થતા ફાયદા
૧૪-૧૫. નીતિવચનો ૪:૨૩માંથી શું શીખવા મળે છે?
૧૪ યહોવાએ આપણને ખરી બુદ્ધિની ઘણી વાતો જણાવી છે. એ પ્રમાણે કરીએ છીએ ત્યારે હંમેશાં ફાયદો થાય છે. નીતિવચનોમાં યહોવાએ એવી ઘણી સલાહ આપી છે, જે આજે પણ આપણને કામ લાગે છે. ચાલો એમાંની ચાર સલાહ જોઈએ.
૧૫ દિલની સંભાળ રાખીએ. બાઇબલમાં જણાવ્યું છે: “સૌથી વધારે તું તારા દિલની સંભાળ રાખ, કેમ કે એમાંથી જીવનનો ઝરો વહે છે.” (નીતિ. ૪:૨૩) આપણે બધા ચાહીએ છીએ કે આપણને હૃદયની કોઈ બીમારી ન થાય. એટલા માટે સારો ખોરાક લઈએ છીએ. કસરત કરીએ છીએ. ખરાબ આદતોથી દૂર રહીએ છીએ. એવી જ રીતે, દિલની સંભાળ રાખવા આપણે દરરોજ બાઇબલ વાંચીએ છીએ. સભાઓની તૈયારી કરીએ છીએ. સભાઓમાં જઈએ છીએ અને જવાબ આપીએ છીએ. ખુશખબર ફેલાવવા પણ ઘણી મહેનત કરીએ છીએ. આપણે એવી બાબતોથી દૂર રહીએ છીએ, જેનાથી આપણા વિચારો ભ્રષ્ટ થઈ જાય, જેમ કે ગંદું મનોરંજન અને ખરાબ સંગત.
૧૬. નીતિવચનો ૨૩:૪, ૫માં આપેલી સલાહથી શું ફાયદા થાય છે?
૧૬ જીવનમાં સંતોષ રાખીએ. બાઇબલમાં સલાહ આપી છે: ‘ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ. દોલત તો આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે, પૈસાને પાંખો આવે છે અને ગરુડની જેમ આકાશમાં ઊડી જાય છે.’ (નીતિ. ૨૩:૪, ૫) પૈસો તો આજે છે ને કાલે નથી. એના પર ભરોસો ના કરાય. અમીર હોય કે ગરીબ, બધાએ આજે પૈસા પાછળ દોટ મૂકી છે. પૈસા કમાવવાની લ્હાયમાં તેઓ પોતાનું નામ ખરાબ કરે છે. સંબંધો અને સ્વાસ્થ્ય દાવ પર લગાડે છે. (નીતિ. ૨૮:૨૦; ૧ તિમો. ૬:૯, ૧૦) પણ આપણે બાઇબલની સલાહ પાળીને પૈસા પાછળ ભાગતા નથી. આપણે જીવનમાં સંતોષ રાખીએ છીએ, એટલે ખુશ રહી શકીએ છીએ.—સભા. ૭:૧૨.
૧૭. નીતિવચનો ૧૨:૧૮માંથી શું શીખવા મળે છે?
૧૭ સમજી-વિચારીને બોલીએ. વગર વિચાર્યે બોલવાથી બહુ નુકસાન થઈ શકે છે. બાઇબલમાં જણાવ્યું છે: “વગર વિચાર્યે બોલવું તલવારના ઘા જેવું છે, પણ સમજુ માણસના શબ્દો ઘા રુઝાવે છે.” (નીતિ. ૧૨:૧૮) બીજાઓની ચાડી-ચુગલી કરવાથી સંબંધોમાં તિરાડ પડી શકે છે. (નીતિ. ૨૦:૧૯) પણ આપણે ચાહીએ છીએ કે આપણી વાતોથી લોકોના ઘા રુઝાય, એટલે કે તેઓને ઉત્તેજન મળે. એમ કરવા આપણે રોજ બાઇબલ વાંચીને દિલમાં સારી વાતો ભરીએ. (લૂક ૬:૪૫) જો આપણે બાઇબલની સલાહ પર મનન કરીશું, તો હંમેશાં ખરી બુદ્ધિની વાતો કરી શકીશું. એ સાંભળીને લોકોને નદીના પાણીની જેમ તાજગી મળશે.—નીતિ. ૧૮:૪.
૧૮. નીતિવચનો ૨૪:૬માં આપેલી સલાહ પાળવાથી કઈ રીતે ખુશખબર વધારે સારી રીતે ફેલાવી શકીશું?
૧૮ માર્ગદર્શન પાળીએ. બાઇબલમાં જણાવ્યું છે: “ખરું માર્ગદર્શન લઈને તું યુદ્ધ લડવા જા અને ઘણા સલાહકાર હોય ત્યાં સફળતા મળશે.” (નીતિ. ૨૪:૬, ફૂટનોટ) એ સલાહ ધ્યાનમાં રાખીશું તો આપણે પોતાની રીતે ખુશખબર ફેલાવવાના બદલે સંગઠન તરફથી મળતું માર્ગદર્શન પાળીશું. આમ, આપણે લોકોને સારી રીતે ખુશખબર ફેલાવી શકીશું અને શીખવી શકીશું. આપણને સભાના અલગ અલગ ભાગ અને પ્રવચન દ્વારા પણ ઘણી મદદ મળે છે. એનાથી શીખવા મળે છે કે કઈ રીતે લોકોને બાઇબલમાંથી વધારે સારી રીતે શીખવી શકીએ. લોકો બાઇબલની વાતો સારી રીતે સમજી શકે એ માટે સંગઠને ઘણાં સાહિત્ય અને વીડિયો પૂરાં પાડ્યાં છે. શું તમે એ બધાનો પૂરેપૂરો ઉપયોગ કરો છો?
૧૯. યહોવાએ આપણને ખરી બુદ્ધિની વાતો જણાવી છે એ વિશે તમને કેવું લાગે છે? (નીતિવચનો ૩:૧૩-૧૮)
૧૯ નીતિવચનો ૩:૧૩-૧૮ વાંચો. આપણે યહોવાનો ઘણો આભાર માનીએ છીએ કે તેમણે બાઇબલમાં ખરી બુદ્ધિની વાતો લખાવી છે. આપણને એ વિશે શીખવા ન મળ્યું હોત તો ખબર નહિ આપણું શું થાત! આ લેખમાં આપણે નીતિવચનોના પુસ્તકમાં આપેલી સલાહની ચર્ચા કરી. બાઇબલમાં એવી તો ઘણી સલાહ છે. પણ દુનિયાના લોકો ઈશ્વરની વાતો સાંભળતા નથી. આપણે ક્યારેય તેઓ જેવા ન બનીએ. આપણે હંમેશાં ‘બુદ્ધિને વળગી રહીએ.’ એમ કરીશું તો ખુશ રહીશું.
ગીત ૫૨ દિલની સંભાળ રાખીએ
^ આજે દુનિયામાં લોકો સલાહ આપવા હંમેશાં તૈયાર હોય છે. પણ યહોવા પાસેથી મળતી બુદ્ધિ તેઓની સલાહ કરતાં ઘણી ચઢિયાતી છે. નીતિવચનોના પુસ્તકમાં એક સરસ વાત જણાવી છે કે ખરી બુદ્ધિ ચોકમાં પોકાર કરે છે. આ લેખમાં જોઈશું કે એનો શું અર્થ થાય. આપણે આ સવાલોના જવાબ પણ મેળવીશું: આપણે ખરી બુદ્ધિ કઈ રીતે મેળવી શકીએ? અમુક લોકો કેમ બુદ્ધિની વાતો સાંભળતા નથી? બુદ્ધિની વાતો પર ધ્યાન આપવાથી કેવા ફાયદા થશે?