સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મહાસંમેલનનું સ્ટેજ અને એની ઉપર લટકાવેલું બેનર

૧૯૨૨—સો વર્ષ પહેલાં

૧૯૨૨—સો વર્ષ પહેલાં

‘ઈશ્વર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે.’ (૧ કોરીં. ૧૫:૫૭) એ ૧૯૨૨નું વાર્ષિક વચન હતું. એ શબ્દોથી બાઇબલ વિદ્યાર્થીઓને યાદ રાખવા મદદ મળી કે યહોવા તેઓની વફાદારીનું ઇનામ આપશે. ખરેખર, એ વર્ષે યહોવાએ ઉત્સાહી પ્રચારકોને ઘણા આશીર્વાદ આપ્યા. ૧૯૨૨માં ભાઈઓએ પુસ્તકો છાપવાનું અને બાઇન્ડિંગનું કામ શરૂ કર્યું. એટલું જ નહિ, રેડિયો દ્વારા રાજ્યની ખુશખબર જણાવવાનું પણ શરૂ કર્યું. ૧૯૨૨માં આગળ જતાં ફરીથી સાબિત થયું કે યહોવા તેઓના કામ પર આશીર્વાદ આપી રહ્યા છે. એ વર્ષે એક ઐતિહાસિક મહાસંમેલન રાખવામાં આવ્યું. એ સીદાર પોઈન્ટ, ઓહાયો, અમેરિકામાં હતું. એ મહાસંમેલનમાં જે શીખવવામાં આવ્યું એની જોરદાર અસર આજ સુધી યહોવાના સંગઠન પર થઈ રહી છે.

“એ તો ગજબનો વિચાર હતો”

જેમ જેમ પ્રચારકામ વધતું ગયું તેમ તેમ છાપેલાં સાહિત્યની માંગ વધતી ગઈ. બ્રુકલિન બેથેલમાં ભાઈઓ મૅગેઝિન છાપતા હતા. પણ બાઇન્ડિંગવાળાં પુસ્તકો બહારની કંપનીઓ છાપીને આપતી હતી. એક વાર બહારની કંપનીએ પુસ્તકો છાપવામાં મોડું કર્યું. એમાં મહિનાઓ લાગી ગયા. એની પ્રચારકામ પર પણ અસર પડી. એ સમયે ભાઈ રોબર્ટ માર્ટિન ફેક્ટરી મૅનેજર હતા. ભાઈ રધરફર્ડે તેમને પૂછ્યું કે શું આપણે પુસ્તકો છાપી શકીએ.

ન્યૂ યૉર્કના બ્રુકલિનમાં કોનકોર્દ સ્ટ્રીટ પર છાપકામની ફેક્ટરી

ભાઈ માર્ટિને કીધું: “એ તો ગજબનો વિચાર હતો. એનો મતલબ કે અમારે પુસ્તકો છાપવા અને બાઇન્ડિંગ કરવા એક ફેક્ટરી ઊભી કરવાની હતી.” ભાઈઓએ ૧૮ કોનકોર્દ સ્ટ્રીટ, બ્રુકલિનમાં એક જગ્યા ભાડે લીધી. તેઓએ જરૂરી મશીનો પણ ખરીદ્યાં.

નવી ફેક્ટરીથી કંઈ બધા લોકો ખુશ ન હતા. જે કંપની પહેલાં પુસ્તકો છાપતી હતી એના પ્રેસિડેન્ટ નવી ફેક્ટરી જોવા આવ્યા. તેમણે કીધું: “તમારી પાસે છાપવાનાં આધુનિક મશીનો તો છે, પણ એને ચલાવતા તો કોઈને આવડતું નથી. છ મહિનામાં તમે આ બધાં મશીનો બગાડી નાખશો.”

ભાઈ માર્ટિને કીધું: “આમ જોવા જઈએ તો એ સાચું લાગે. પણ અમારી સાથે યહોવા હતા. તેમણે હંમેશાં અમારી મદદ કરી.” યહોવાની મદદ સાફ દેખાઈ આવી. જોતજોતામાં એ ફેક્ટરીમાં દરરોજ ૨,૦૦૦ પુસ્તકોનું છાપકામ થવા લાગ્યું.

ફેક્ટરીમાં લાઇનોટાઇપ મશીનો નજીક ઊભેલા ભાઈઓ

રેડિયોથી હજારો લોકો સુધી પહોંચ્યા

યહોવાના ભક્તો અમુક પુસ્તકોનું જાતે છાપકામ કરતા હતા. તેઓએ ખુશખબર ફેલાવવાની બીજી એક રીત પણ શોધી કાઢી. તેઓએ રેડિયો બ્રૉડકાસ્ટિંગ શરૂ કર્યું. રવિવાર, ૨૬ ફેબ્રુઆરી, ૧૯૨૨ની બપોરે પહેલી વાર ભાઈ રધરફર્ડે રેડિયો પર પોતાનું પ્રવચન આપ્યું. તેમના પ્રવચનનો વિષય હતો, “કરોડો અત્યારે જીવે છે એ ક્યારેય મરશે નહિ” એ પ્રવચનનું પ્રસારણ કૅલિફૉર્નિયાના લૉસ ઍંજિલીઝના કેઓજી રેડિયો સ્ટેશનથી થયું હતું.

આશરે ૨૫,૦૦૦ લોકોએ એ કાર્યક્રમ સાંભળ્યો. લોકોને એ કાર્યક્રમ એટલો ગમ્યો કે અમુકે તો ભાઈનો આભાર માનવા પત્રો લખ્યા. વીલાર્ડ એશફર્ડ નામના એક માણસે પણ પત્ર લખ્યો. તે સેન્ટા એના, કૅલિફૉર્નિયામાં રહેતા હતા. તેમણે ભાઈ રધરફર્ડનો આભાર માન્યો અને કીધું: “પ્રવચન સાંભળવાની મજા આવી. સરસ મુદ્દા હતા. મારા ઘરમાં ત્રણ જણ બીમાર હતા. એટલે જો તમે અમારા ઘરની નજીક પણ પ્રવચન આપ્યું હોત, તોય અમે સાંભળવા આવી શક્યા ન હોત. પણ રેડિયો પર હતું એટલે સાંભળી શક્યા.”

પછીનાં અઠવાડિયાઓમાં એવા ઘણા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા. વર્ષના અંતે ધ વૉચ ટાવરમાં જણાવવામાં આવ્યું કે “આશરે ત્રણ લાખ લોકોએ રેડિયો પર સંદેશો સાંભળ્યો.”

બાઇબલ વિદ્યાર્થીઓને જાણવા મળ્યું કે રેડિયો કાર્યક્રમોથી ઘણા લોકોને ફાયદો થાય છે. એટલે તેઓએ પોતાનું એક રેડિયો સ્ટેશન બાંધવાનું નક્કી કર્યું. બ્રુકલિન બેથેલની નજીક સ્ટેટન આયલૅન્ડ પર તેઓએ એક રેડિયો સ્ટેશન ઊભું કર્યું. તેઓએ એનું નામ WBBR રાખ્યું. આવનાર વર્ષોમાં બાઇબલ વિદ્યાર્થીઓ એ રેડિયો સ્ટેશનની મદદથી મોટા પાયે રાજ્યનો સંદેશો ફેલાવવાના હતા.

“એડીવી”

૧૫ જૂન, ૧૯૨૨ના ધ વૉચ ટાવરમાં જણાવ્યું હતું કે ૫-૧૩ સપ્ટેમ્બરે એક મહાસંમેલન રાખવામાં આવશે. એ સીદાર પોઈન્ટ, ઓહાયોમાં હશે. બાઇબલ વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં સીદાર પોઈન્ટ પહોંચી ગયાં. તેઓના ઉત્સાહનો કોઈ પાર ન હતો.

ભાઈ રધરફર્ડે મહાસંમેલનના પહેલા પ્રવચનમાં જણાવ્યું: ‘મને પાકી ખાતરી છે કે પ્રભુ આ મહાસંમેલનને આશીર્વાદ આપશે અને અત્યાર સુધી અપાઈ ન હોય એટલા મોટા પાયે સાક્ષી આપવા મદદ કરશે.’ પ્રવચનના વક્તાઓ પ્રચારકામ પર અવાર-નવાર ભાર મૂકતા હતા.

૧૯૨૨માં સીદાર પોઈન્ટ, ઓહાયોમાં રાખવામાં આવેલું મહાસંમેલન

પછી ચોથા દિવસે શુક્રવાર, ૮ સપ્ટેમ્બરે કંઈક ૮,૦૦૦ લોકો એ હૉલમાં ભેગા થયા. તેઓ ભાઈ રધરફર્ડનું પ્રવચન સાંભળવા આતુર હતા. તેઓને જે આમંત્રણ મળ્યું હતું, એના પર “એડીવી” લખ્યું હતું. તેઓને લાગતું હતું કે ભાઈ રધરફર્ડ તેમના પ્રવચનમાં “એડીવી” અક્ષરોનો મતલબ જણાવશે. સ્ટેજની ઉપર બહુ મોટું બેનર વાળીને લટકાવ્યું હતું. ઘણાની નજર એ બેનર પર પડી હશે. ભાઈ આર્થર ક્લોસ અમેરિકાના ટલસા શહેરથી આ મહાસંમેલન સાંભળવા આવ્યા હતા. તેમણે એવી જગ્યા શોધી કાઢી જ્યાંથી પ્રવચનો સારી રીતે સંભળાય. કેમ કે ત્યાં માઇક અને સ્પીકર ન હતા.

“અમે એક એક શબ્દ ધ્યાનથી સાંભળતા હતા”

કાર્યક્રમમાં કોઈને ખલેલ ન પહોંચે એટલે ચેરમેને શરૂઆતમાં જાહેરાત કરી કે ભાઈ રધરફર્ડનું પ્રવચન શરૂ થશે એ પછી કોઈને અંદર આવવા દેવામાં નહિ આવે. સાડા નવ વાગ્યે ભાઈ રધરફર્ડે પોતાનું પ્રવચન શરૂ કર્યું. તેમણે માથ્થી ૪:૧૭માં જણાવેલા ઈસુના શબ્દોથી શરૂઆત કરી. તેમણે કીધું: “સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.” લોકોને ઈશ્વરના રાજ્ય વિશે કઈ રીતે ખબર પડશે, એ વિશે જણાવતા તેમણે કીધું: “ઈસુએ ખુદ જણાવ્યું હતું કે તે પોતાની હાજરીના સમયે કાપણીનું કામ કરશે તેમજ સાચા અને વફાદાર લોકોને ભેગા કરશે.”

ભાઈ આર્થર હૉલમાં બેઠા હતા. તે જણાવે છે: “અમે એક એક શબ્દ ધ્યાનથી સાંભળતા હતા.” પણ અચાનક ભાઈ આર્થરની તબિયત બગડી. તેમણે હૉલની બહાર જવું પડ્યું. તેમને બહાર જવાની જરાય ઇચ્છા ન હતી. તે જાણતા હતા કે તે પાછા અંદર નહિ આવી શકે.

થોડી મિનિટોમાં ભાઈ આર્થરને સારું લાગવા લાગ્યું. તે હૉલ તરફ પાછા જઈ રહ્યા હતા ત્યારે તેમને તાળીઓનો ગડગડાટ સંભળાયો. એ સાંભળીને ભાઈનો જોશ વધી ગયો. તે પ્રવચન સાંભળવા કંઈ પણ કરવા તૈયાર હતા. અરે, છત પર ચઢવા પણ તૈયાર હતા. ભાઈ ૨૩ વર્ષના હતા અને જુવાનીનું જોમ હતું. એટલે તે છત પર ચઢી ગયા. ત્યાં અમુક બારીઓ ખુલ્લી હતી. ભાઈ એની નજીક પહોંચ્યા તો તેમને લાગ્યું કે ત્યાંથી તો બહુ સરસ સંભળાય છે.

ભાઈ આર્થર ત્યાં એકલા ન હતા, તેમના અમુક દોસ્તો પણ ત્યાં હતા. એમાંના એક હતા, ફ્રેંક જોન્સન. તે દોડીને ભાઈ આર્થર પાસે ગયા અને પૂછ્યું: “તારા ખિસ્સામાં ધારદાર ચપ્પુ છે?”

ભાઈ આર્થરે કીધું: “હા, છેને.”

ભાઈ ફ્રેંકે કીધું: “તું અમારી પ્રાર્થનાઓનો જવાબ છે. તને અહીં વાળેલું કંઈક દેખાય છે? એ બેનર છે. તું જજને એકદમ ધ્યાનથી સાંભળજે. * જ્યારે તે કહે, ‘જાહેર કરો, જાહેર કરો,’ ત્યારે તું આ ચાર રસ્સી કાપી નાખજે અને બેનર ખૂલી જશે.”

ભાઈ આર્થર ચપ્પુ લઈને ઊભા હતા. તે અને તેમના દોસ્તો રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ રધરફર્ડ ક્યારે પેલા શબ્દો કહે અને તેઓ રસ્સીઓ કાપે. ભાઈ રધરફર્ડનું પ્રવચન પૂરું થવા આવ્યું હતું. તેમણે પૂરા જોશથી અને ઉત્સાહથી મોટા અવાજે આ શબ્દો કહ્યા: ‘પ્રભુના વફાદાર અને ખરા સાક્ષીઓ બનો. બાબેલોનનું નામનિશાન મિટાવી દેવામાં આવે ત્યાં સુધી લડતા રહો. સંદેશો દૂર દૂર સુધી ફેલાવો. દુનિયાને એની જાણ થવી જ જોઈએ કે યહોવા ઈશ્વર છે અને ઈસુ ખ્રિસ્ત રાજાઓના રાજા તથા માલિકોના માલિક છે. આજનો દિવસ મહત્ત્વનો છે. જુઓ, રાજા રાજ કરે છે! તમે તેમના પ્રચારકો છો. એટલે, રાજા અને તેમના રાજ્યને જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો!’

ભાઈ આર્થર અને બીજા ભાઈઓએ રસ્સી કાપી નાખી. બેનર સહેલાઈથી ખૂલી ગયું. એના પર લખ્યું હતું: “રાજા અને તેમના રાજ્યને જાહેર કરો.” હવે ભાઈ-બહેનોને ખબર પડી કે “એડીવી” અક્ષરોનો શું મતલબ હતો (એ અક્ષરો અંગ્રેજી શબ્દ એડવર્ટાઈઝ માટે વપરાયા હતા, જેનો અર્થ થાય જાહેર કરો).

મહત્ત્વનું કામ

સીદાર પોઈન્ટમાં થયેલા મહાસંમેલનથી ભાઈ-બહેનોને પૂરા જોશથી રાજ્યનો સંદેશો ફેલાવવાનું ઉત્તેજન મળ્યું. તેઓ ખુશી ખુશી એ મહત્ત્વના કામમાં મંડી પડ્યાં. ઑક્લાહોમાના એક કોલ્પોર્ચર (જેને આજે પાયોનિયર કહેવાય છે) ભાઈએ લખ્યું: ‘અમે જે વિસ્તારમાં પ્રચાર કરતા હતા, ત્યાં મોટા ભાગે લોકો કોલસાની ખાણમાં કામ કરતા હતા. તેઓ બહુ જ ગરીબ હતા. ઘણી વાર અમે લોકોને ગોલ્ડન એજ મૅગેઝિનમાંથી સંદેશો જણાવતા ત્યારે તેઓની આંખોમાં આંસુ આવી જતાં. આ કામમાં ભાગ લઈને, લોકોને દિલાસો આપીને અમને બહુ જ ખુશી મળતી.’

ઈસુએ લૂક ૧૦:૨માં કીધું હતું: “ફસલ તો ઘણી છે, પણ મજૂરો થોડા છે.” બાઇબલ વિદ્યાર્થીઓ સારી રીતે જાણતા હતા કે ઈસુના એ શબ્દો કેટલા મહત્ત્વના છે. હવે તેઓમાં પહેલાં કરતાં વધારે જોશ હતો. તેઓએ પાકો નિર્ણય કર્યો હતો કે દુનિયાના ખૂણે ખૂણે રાજ્યનો સંદેશો જાહેર કરશે.

^ ક્યારેક લોકો ભાઈ રધરફર્ડને “જજ” કહીને બોલાવતા. કેમ કે મિઝૂરી, અમેરિકામાં તેમણે અમુક વાર જજ તરીકે કામ કર્યું હતું.