અભ્યાસ લેખ ૪૪
ઈશ્વરના વચનની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ સમજો
‘સત્યની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ પૂરી રીતે સમજો.’ —એફે. ૩:૧૮.
ગીત ૪૩ જાગતા રહીએ
ઝલક a
૧-૨. બાઇબલ વાંચવાની અને એનો અભ્યાસ કરવાની સૌથી સારી રીત કઈ છે? એક દાખલો આપો.
જરા વિચારો કે તમે એક ઘર ખરીદવા માંગો છો. એ ખરીદતા પહેલાં તમે શું કરશો? શું તમે ફક્ત એનો ફોટો જોઈને જ ખરીદી લેશો? ના, તમે પોતે એ ઘરમાં જઈને એની તપાસ કરશો, એના ઓરડાઓ જોશો, એની પહોળાઈ, લંબાઈ અને ઊંચાઈ તપાસશો. અમુક લોકો તો કદાચ ઘરમાલિક સાથે પણ વાત કરે. ઘર વિશે બધી માહિતી મેળવવા તમે કદાચ એનો નકશો પણ જોશો. બધું બરાબર તપાસ્યા પછી જ કદાચ તમે ઘર ખરીદવાનો નિર્ણય લેશો.
૨ બાઇબલ વાંચીએ છીએ અને એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે, આપણે એવું જ કરીએ છીએ. બાઇબલના એક વિદ્વાને કહ્યું કે બાઇબલ “એક વિશાળ ઇમારત જેવું છે, જે બહુ ઊંચી છે અને એના પાયા બહુ ઊંડા છે.” તો પછી બાઇબલમાં લખેલી વાતો સારી રીતે સમજવા આપણે શું કરી શકીએ? જો ફટાફટ બાઇબલ વાંચી જઈશું, તો કદાચ ઉપરછલ્લી જ માહિતી મળશે, એટલે કે “ઈશ્વરનાં પવિત્ર વચનોનું મૂળ શિક્ષણ” જ જાણી શકીશું. (હિબ્રૂ. ૫:૧૨) જેમ ઘર વિશે જાણવા એની અંદર જવું જરૂરી છે, તેમ બાઇબલને પૂરી રીતે સમજવા એનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે. અભ્યાસ કરવાની સૌથી સારી રીત છે, બાઇબલનો એક ભાગ બીજા ભાગ સાથે કઈ રીતે જોડાયેલો છે એ જુઓ. અભ્યાસ કરતી વખતે એ સમજવાની કોશિશ કરો કે તમે શું માનો છો અને કેમ માનો છો.
૩. પ્રેરિત પાઉલે ખ્રિસ્તીઓને કઈ વિનંતી કરી અને કેમ? (એફેસીઓ ૩:૧૪-૧૯ અને ફૂટનોટ)
૩ બાઇબલને પૂરી રીતે સમજવા એમાં રહેલા ઊંડા શિક્ષણનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. પ્રેરિત પાઉલે ખ્રિસ્તી ભાઈ-બહેનોને વિનંતી કરી કે તેઓ ઈશ્વરના વચનનો સારી રીતે અભ્યાસ કરે, જેથી તેઓ સત્યની ‘પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ પૂરી રીતે સમજી શકે.’ એમ કરવાથી તેઓનાં ‘મૂળ ઊંડાં ઊતર્યાં’ હોત અને તેઓ “શ્રદ્ધાના પાયાને વળગી” રહ્યા હોત. (એફેસીઓ ૩:૧૪-૧૯ અને ફૂટનોટ વાંચો.) આપણે પણ એવું જ કરવું જોઈએ. હવે ચાલો જોઈએ કે બાઇબલનું ઊંડું શિક્ષણ સમજવા કઈ રીતે એનો અભ્યાસ કરી શકીએ.
બાઇબલનું ઊંડું શિક્ષણ સમજો
૪. યહોવાની વધારે નજીક જવા શું કરી શકીએ? અમુક દાખલા આપો.
૪ યહોવાના ભક્તો તરીકે શું આપણે ફક્ત બાઇબલના મૂળ શિક્ષણનું જ્ઞાન લઈને બેસી રહેવું જોઈએ? ના, આપણે તો ‘ઈશ્વર વિશેની ઊંડી વાતો’ શીખવા માંગીએ છીએ અને એવું પવિત્ર શક્તિની મદદથી કરી શકીએ છીએ. (૧ કોરીં. ૨:૯, ૧૦) બાઇબલના એવા વિષયો પર ઊંડો અભ્યાસ કરીએ, જેથી યહોવાની નજીક જઈ શકીએ. જેમ કે, તમે એ વિશે સંશોધન કરી શકો કે યહોવાએ પ્રાચીન સમયના પોતાના સેવકોને કઈ રીતે પ્રેમ બતાવ્યો અને એનાથી કઈ રીતે સાબિત થાય છે કે તે તમને પણ પ્રેમ કરે છે. તમે કદાચ અભ્યાસ કરી શકો કે પ્રાચીન ઇઝરાયેલમાં યહોવાની ભક્તિ માટે કઈ ગોઠવણો હતી અને પછી એને આજના સમયની ભક્તિની ગોઠવણો સાથે સરખાવી શકો. કદાચ તમે એવી ભવિષ્યવાણીઓ પર ઊંડો અભ્યાસ કરી શકો, જે ઈસુએ પૃથ્વી પરના પોતાના જીવન અને સેવાકાર્ય દરમિયાન પૂરી કરી.
૫. બાઇબલના કયા વિષય પર તમે ઊંડો અભ્યાસ કરવા માંગો છો?
૫ અમુક ભાઈ-બહેનોને બાઇબલનો ઊંડો અભ્યાસ કરવો બહુ ગમે છે. તેઓને કયા વિષયો પર સંશોધન કરવાનું ગમે છે? તેઓએ જણાવેલાં અમુક સૂચનો આ બૉક્સમાં આપ્યાં છે: “ બાઇબલનો ઊંડો અભ્યાસ કરવા અમુક વિષયો.” એ વિષયો પર સંશોધન કરવા તમને યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાંથી મદદ મળશે. એ રીતે અભ્યાસ કરવામાં તમને બહુ મજા આવશે. બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી તમારી શ્રદ્ધા મજબૂત થશે અને ‘ઈશ્વરનું જ્ઞાન તમારે હાથ લાગશે.’ (નીતિ. ૨:૪, ૫) હવે ચાલો બાઇબલની અમુક ઊંડી વાતોનો વિચાર કરીએ, જેનો આપણે અભ્યાસ કરી શકીએ.
ઈશ્વરના હેતુ વિશે વિચાર કરો
૬. (ક) યોજના અને હેતુ વચ્ચે કયો ફરક છે? (ખ) શાના આધારે કહી શકીએ કે યહોવાનો હેતુ ‘યુગોના યુગો’ માટે છે?
૬ ધ્યાન આપો કે બાઇબલમાં ઈશ્વરના હેતુ વિશે શું જણાવ્યું છે. યોજનામાં અને હેતુમાં બહુ મોટો ફરક છે. એ સમજવા આનો વિચાર કરો. ધારો કે કોઈ જગ્યાએ જવા તમે યોજના બનાવો છો. તમે પહેલેથી વિચારી રાખશો કે એ જગ્યાએ પહોંચવા કયો રસ્તો લેશો. હવે જો એ રસ્તો આગળ જતા બંધ થઈ જાય, તો તમારી યોજના પર પાણી ફરી વળશે. હેતુ મંજિલને રજૂ કરે છે. જો મંજિલ ખબર હશે, તો કોઈ રસ્તો નક્કી નહિ કરી લઈએ. જરૂર પડ્યે રસ્તો બદલી પણ શકીએ. યહોવા માણસો જેવા નથી. પોતાનો હેતુ પૂરો કરવા તે ગમે એ રસ્તો લઈ શકે છે. હવે તે આ રસ્તો લે, કે પેલો રસ્તો, તેમનો હેતુ હંમેશાં સફળ થાય છે, કેમ કે તે “પોતાનો હેતુ પૂરો કરવા પોતે રચેલી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે.” (નીતિ. ૧૬:૪) બાઇબલમાં એમ પણ જણાવ્યું છે કે યહોવાનો હેતુ ‘યુગોના યુગો’ માટે છે. (એફે. ૩:૧૧) કેમ કે એ હેતુ જાહેર થાય એ પહેલાં યહોવાએ ‘યુગોના યુગો’ વીતવા દીધા છે. તેમ જ, પોતાનો હેતુ પૂરો કરવા યહોવા જે કરે છે, એના ફાયદા પણ ‘યુગોના યુગો’ સુધી રહેશે. તો પછી યહોવાનો હેતુ કયો છે અને એ પૂરો કરવા તેમણે કયા ફેરફારો કર્યા છે?
૭. આદમ અને હવાએ બળવો કર્યો ત્યારે યહોવાએ કયા ફેરફારો કર્યા, જેથી પોતાનો હેતુ પૂરો કરી શકે? (માથ્થી ૨૫:૩૪)
૭ ઈશ્વરે પ્રથમ સ્ત્રી-પુરુષ આદમ અને હવાને કહ્યું હતું કે તેઓ માટે તેમનો હેતુ કયો છે. ઈશ્વરે કહ્યું હતું: ‘તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો, પૃથ્વીને ભરી દો અને એના પર અધિકાર ચલાવો અને પૃથ્વીનાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.’ (ઉત. ૧:૨૮) આદમ અને હવાએ બળવો કરીને પાપ કર્યું પછી, એ પાપ આખી માણસજાતમાં આવ્યું. જોકે એનાથી યહોવાનો હેતુ અટકી ન ગયો. યહોવાએ અમુક ફેરફારો કર્યા જેથી પોતાનો હેતુ પૂરો કરી શકે. તરત જ તેમણે નક્કી કર્યું કે તે સ્વર્ગમાં એક રાજ્ય સ્થાપશે, જે માણસજાત અને પૃથ્વી માટે તેમનો હેતુ પૂરો કરશે. (માથ્થી ૨૫:૩૪ વાંચો.) પછી નક્કી કરેલા સમયે યહોવાએ પોતાના એકના એક દીકરાને આ પૃથ્વી પર મોકલ્યા, જેથી તે લોકોને રાજ્ય વિશે શીખવે અને માણસજાતને પાપ અને મરણમાંથી છોડાવવા પોતાનો જીવ આપે. પછી ઈસુને સ્વર્ગમાં જીવન આપવામાં આવ્યું અને ઈશ્વરના રાજ્યના રાજા બનાવવામાં આવ્યા. જોકે રાજ્ય વિશે હજી બીજી પણ ઘણી માહિતી છે, જેના પર આપણે અભ્યાસ કરવો જોઈએ.
૮. (ક) બાઇબલનો મુખ્ય વિષય શું છે? (ખ) એફેસીઓ ૧:૮-૧૧માં જણાવ્યું છે તેમ છેવટે યહોવા શું કરશે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)
૮ બાઇબલનો મુખ્ય વિષય છે, યહોવાનું નામ પવિત્ર મનાવવામાં આવે. યહોવા પોતાના રાજ્ય દ્વારા પૃથ્વી માટેનો પોતાનો હેતુ પૂરો કરશે ત્યારે એવું થશે. એ રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત છે. યહોવાનો હેતુ કદી બદલી શકાતો નથી. તેમણે વચન આપ્યું છે કે તેમણે જે કંઈ કહ્યું છે, એનાં કાનો-માત્રા પણ પૂરાં થયાં વગર રહેશે નહિ. (યશા. ૪૬:૧૦, ૧૧, ફૂટનોટ; હિબ્રૂ. ૬:૧૭, ૧૮) સમય જતાં પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવામાં આવશે. આદમ અને હવાના નેક વંશજોમાં પાપની અસર રહેશે નહિ. એ નેક વંશજો સુંદર પૃથ્વી પર “હંમેશ માટે જીવનનો આનંદ” માણશે. (ગીત. ૨૨:૨૬) પણ યહોવાનો હેતુ એટલેથી અટકી જતો નથી. છેવટે યહોવા સ્વર્ગ અને પૃથ્વી પર રહેતા પોતાના બધા સેવકોને એકતામાં લાવશે. પછી વિશ્વમાં દરેક જણ યહોવાને પોતાના રાજા માનશે અને વફાદારીથી તેમને આધીન રહેશે. (એફેસીઓ ૧:૮-૧૧ વાંચો.) યહોવા જે શાનદાર રીતે પોતાનો હેતુ પૂરો કરે છે, એ જોઈને શું તમને નવાઈ નથી લાગતી!
તમારા ભવિષ્યનો ઊંડો વિચાર કરો
૯. બાઇબલ વાંચવાથી આપણે ભાવિમાં કેટલે દૂર સુધી જોઈ શકીએ છીએ?
૯ યહોવાએ એદન બાગમાં જે ભવિષ્યવાણી કરી હતી એના પર ધ્યાન આપો. એ ઉત્પત્તિ ૩:૧૫માં જોવા મળે છે. b એ એવા ઘણા બનાવો વિશે જણાવે છે, જેનાથી યહોવાનો હેતુ પૂરો થશે. જોકે એ બનાવો હજારો વર્ષો પછી પૂરા થવાના હતા. દાખલા તરીકે, ઈશ્વરે ઇબ્રાહિમને જણાવ્યું હતું કે તેમની ઘણી પેઢીઓ પછી તેમનો એક વંશજ ખ્રિસ્ત બનશે. (ઉત. ૨૨:૧૫-૧૮) પછી ભવિષ્યવાણી પ્રમાણે ઈસુની એડીએ ડંખ મારવામાં આવ્યો. એવું ઈસવીસન ૩૩માં બન્યું. (પ્રે.કા. ૩:૧૩-૧૫) એ ભવિષ્યવાણીની છેલ્લી ઘટના કઈ છે? શેતાનનું માથું કચડી નાખવામાં આવશે. પણ એ ઘટના ભવિષ્યમાં ૧,૦૦૦ કરતાં વધારે વર્ષો પછી પૂરી થશે. (પ્રકટી. ૨૦:૭-૧૦) ભવિષ્યવાણીમાં જણાવ્યું છે તેમ શેતાનની દુનિયા અને યહોવાના સંગઠન વચ્ચે દુશ્મનાવટ રહેશે. એ દુશ્મનાવટનો અંત આવવાનો હશે ત્યારે શું બનશે, એ વિશે પણ બાઇબલમાં ઘણું જણાવ્યું છે.
૧૦. (ક) જલદી જ કયા બનાવો બનશે? (ખ) આપણે કઈ રીતે પોતાનું મન તૈયાર કરી શકીએ? (ફૂટનોટ જુઓ.)
૧૦ જરા આનો વિચાર કરો: બાઇબલમાં પહેલેથી જણાવ્યું છે કે બહુ જલદી એવા બનાવો બનશે જે આખી પૃથ્વીને હલાવી દેશે. સૌથી પહેલા તો દેશો ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત કરશે. (૧ થેસ્સા. ૫:૨, ૩) એ પછી તરત દેશો બધા જૂઠા ધર્મો પર હુમલો કરશે અને “અચાનક” મોટી વિપત્તિ શરૂ થઈ જશે. (પ્રકટી. ૧૭:૧૬) એના પછી કદાચ એકદમ અનોખી રીતે ‘માણસના દીકરા શક્તિ અને મહાન ગૌરવ સાથે આકાશનાં વાદળો પર આવતા’ દેખાશે. (માથ. ૨૪:૩૦) ઈસુ બધા લોકોનો ન્યાય કરશે અને ઘેટાં જેવા લોકોને બકરાં જેવા લોકોથી અલગ કરશે. (માથ. ૨૫:૩૧-૩૩, ૪૬) પણ શેતાન કંઈ હાથ પર હાથ ધરીને બેસી નહિ રહે. શેતાન યહોવાના લોકોને એટલી નફરત કરે છે કે તેઓ પર હુમલો કરવા દેશોના સમૂહને ભડકાવશે. દેશોના એ સમૂહને માગોગ દેશનો ગોગ કહેવામાં આવે છે. (હઝકિ. ૩૮:૨, ૧૦, ૧૧) મોટી વિપત્તિ દરમિયાન કોઈક સમયે, બાકી રહેલા અભિષિક્તોને સ્વર્ગમાં ભેગા કરવામાં આવશે અને મોટી વિપત્તિના અંતે તેઓ ખ્રિસ્ત અને તેમનાં સૈન્યો સાથે મળીને આર્માગેદનનું યુદ્ધ લડશે. c (માથ. ૨૪:૩૧; પ્રકટી. ૧૬:૧૪, ૧૬) એ પછી આખી પૃથ્વી પર ખ્રિસ્તનું હજાર વર્ષનું રાજ શરૂ થશે.—પ્રકટી. ૨૦:૬.
૧૧. નવી દુનિયામાં અબજો વર્ષો જીવ્યા પછી યહોવા સાથેનો તમારો સંબંધ કેવો હશે? (ચિત્ર પણ જુઓ.)
૧૧ હવે ચાલો હજી થોડું દૂરનું જોઈએ. એક હજાર વર્ષ પછી આપણું જીવન કેવું હશે એમાં ડોકિયું કરીએ. બાઇબલમાં જણાવ્યું છે કે આપણા સર્જનહારે “[આપણા] દિલમાં કાયમ જીવવાની ઇચ્છા મૂકી છે.” (સભા. ૩:૧૧) જરા કલ્પના કરો, એ સમયે તમારું જીવન કેવું હશે અને યહોવા સાથેનો તમારો સંબંધ કેટલો ગાઢ હશે. યહોવા કે પર એક જોરદાર વાત લખી છે: ‘સેંકડો, હજારો, લાખો, અરે અબજો વર્ષો જીવ્યા પછી આપણે યહોવાને હમણાં કરતાં પણ કેટલી વધારે સારી રીતે ઓળખતા હોઈશું. તોપણ એવું લાગશે કે તેમના વિશે હજી અસંખ્ય વાતો શીખવાની બાકી છે. હંમેશ માટેનું જીવન આપણી કલ્પના કરતાં અનેક ગણું વધારે સુંદર હશે અને તમને ખબર છે, સૌથી સુંદર શું હશે? આપણે યહોવાની વધારે ને વધારે નજીક જતા રહીશું.’ એ સમય આવે ત્યાં સુધી બાઇબલના ખજાનામાં ઊંડા ઊતરીને બીજાં કયાં રત્નો શોધી શકીએ? કરીબ આઓ પુસ્તકના પાન ૩૧૯
ઊંચે સ્વર્ગમાં નજર કરો
૧૨. આપણે કઈ રીતે ઊંચે સ્વર્ગમાં નજર કરી શકીએ? દાખલો આપો.
૧૨ યહોવા “ઊંચાણમાં” રહે છે અને બાઇબલથી એક ઝાંખી મળે છે કે તેમની આજુબાજુ શું થઈ રહ્યું છે. (યશા. ૩૩:૫) બાઇબલમાં યહોવા વિશે અને તેમના સંગઠનના સ્વર્ગમાંના ભાગ વિશે નવાઈ પમાડે એવી વાતો લખવામાં આવી છે. (યશા. ૬:૧-૪; દાનિ. ૭:૯, ૧૦; પ્રકટી. ૪:૧-૬) દાખલા તરીકે, હઝકિયેલે જોયેલાં અજાયબ દર્શનોનો વિચાર કરો. બાઇબલમાં લખ્યું છે કે ‘એ સમયે આકાશ ઊઘડી ગયું અને ઈશ્વરે આપેલાં દર્શનો તે જોવા લાગ્યા.’—હઝકિ. ૧:૧.
૧૩. હિબ્રૂઓ ૪:૧૪-૧૬માં જણાવ્યું છે તેમ, હમણાં ઈસુ સ્વર્ગમાંથી આપણા માટે જે કરી રહ્યા છે, એ વિશે તમને શું ગમ્યું?
૧૩ વિચારો કે સ્વર્ગમાં ઈસુ આપણા રાજા અને દયાળુ પ્રમુખ યાજક તરીકે આપણા માટે શું કરી રહ્યા છે. તેમના દ્વારા જ આપણે પ્રાર્થનામાં ઈશ્વરની “અપાર કૃપાની રાજગાદી” આગળ જઈ શકીએ છીએ અને “જરૂર હોય ત્યારે” દયા અને મદદ માંગી શકીએ છીએ. (હિબ્રૂઓ ૪:૧૪-૧૬ વાંચો.) દરરોજ વિચારીએ કે યહોવા અને ઈસુએ આપણા માટે શું કર્યું છે અને હમણાં શું કરી રહ્યા છે, એકેય દિવસ બાકાત ન રાખીએ. શું તેઓનો પ્રેમ આપણા દિલને સ્પર્શી જતો નથી? શું એ આપણને ફરજ પાડતો નથી કે આપણે પૂરા જોરશોરથી યહોવાની ભક્તિ કરીએ?—૨ કોરીં. ૫:૧૪, ૧૫.
૧૪. યહોવા અને ઈસુએ આપણા માટે જે કર્યું છે એની કદર બતાવવાની એક રીત કઈ છે? (ચિત્રો પણ જુઓ.)
૧૪ યહોવા અને તેમના દીકરાએ આપણા માટે જે કર્યું છે, એની કદર બતાવવાની ઘણી રીતો છે. એમાંની એક રીત છે, લોકોને યહોવાના સાક્ષી બનવા અને ઈસુના શિષ્ય બનવા મદદ કરીએ. (માથ. ૨૮:૧૯, ૨૦) પ્રેરિત પાઉલે પણ યહોવા અને ખ્રિસ્તની કદર બતાવવા એવું જ કર્યું હતું. તે જાણતા હતા કે “બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય અને તેઓ સત્યનું ખરું જ્ઞાન મેળવે,” એવી યહોવાની ઇચ્છા છે. (૧ તિમો. ૨:૩, ૪) તેમણે બને એટલા વધારે લોકોને ખુશખબર જણાવવા સખત મહેનત કરી, ‘જેથી શક્ય હોય એવી બધી જ રીતે તે અમુકને બચાવી શકે.’—૧ કોરીં. ૯:૨૨, ૨૩.
બાઇબલનો ખૂણે ખૂણો ખૂંદી નાખો, ખુશીનો ખજાનો મેળવો
૧૫. ગીતશાસ્ત્ર ૧:૨ પ્રમાણે આપણને શું કરવાથી ખુશી મળશે?
૧૫ ગીતશાસ્ત્ર ૧ના લેખકે સુખી અને સફળ માણસનું વર્ણન આ રીતે કર્યું છે: “તે યહોવાના નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે, તે રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચીને મનન કરે છે.” (ગીત. ૧:૧-૩) એ કલમો વિશે જોસફ રોધરહામ નામના બાઇબલ ભાષાંતરકારે પોતાના એક પુસ્તકમાં કહ્યું કે વ્યક્તિને “ઈશ્વરનું માર્ગદર્શન મેળવવાની એટલી ઝંખના હોવી જોઈએ કે તે એ માટે શોધખોળ કરે, એનો અભ્યાસ કરે અને લાંબો સમય એના પર વિચાર કરે.” તેમણે એમ પણ કહ્યું કે “જો દિવસ વીતી જાય અને વ્યક્તિએ હજી બાઇબલ ન વાંચ્યું હોય, તો એ દિવસ નકામો ગયો કહેવાય.” તો પછી બાઇબલનો ખૂણે ખૂણો ખૂંદી નાખવા તૈયાર થઈ જાઓ. બાઇબલનો અભ્યાસ કરતી વખતે એની ઝીણામાં ઝીણી માહિતી પર ધ્યાન આપો અને જુઓ કે બાઇબલનો કોઈ એક ભાગ કઈ રીતે બીજા ભાગ સાથે જોડાયેલો છે. આમ તમને બાઇબલની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ સમજવામાં મજા આવશે.
૧૬. આવતા લેખમાં આપણે શું જોઈશું?
૧૬ યહોવાએ બાઇબલમાં જે ઊંડી વાતો લખાવી છે, એ એટલી અઘરી નથી કે આપણે સમજી ન શકીએ. આવતા લેખમાં આપણે યહોવાના ભવ્ય મંદિર વિશે જોઈશું, જેના વિશે પાઉલે હિબ્રૂઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું. એ પણ બાઇબલનું એક ઊંડું શિક્ષણ જ છે. અમને ખાતરી છે કે એનો અભ્યાસ કરવામાં તમને બહુ મજા આવશે.
ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે
a બાઇબલનો અભ્યાસ કરવાથી આપણને આખું જીવન ખુશી મળી શકે છે. એનાથી આપણને ઘણા ફાયદા થાય છે અને સ્વર્ગમાંના આપણા પિતાની વધારે નજીક જવા મદદ મળે છે. આ લેખમાં જોઈશું કે ઈશ્વરના વચનની “પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ” કઈ રીતે સમજી શકીએ.
b જુલાઈ ૨૦૨૨ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “બાઇબલની પહેલી ભવિષ્યવાણી અને એનું મહત્ત્વ.”
c આખી પૃથ્વીને હલાવી નાખતા જે બનાવો થોડા સમયમાં બનવાના છે, એ માટે તમે કઈ રીતે પોતાને તૈયાર કરી શકો? એ જાણવા પરમેશ્વર કા રાજ હુકૂમત કર રહા હૈ! પુસ્તકનું પાન ૨૩૦ જુઓ.