અભ્યાસ લેખ ૪૫
યહોવાના ભવ્ય મંદિરમાં ભક્તિ—એક અનમોલ લહાવો
‘આકાશ, પૃથ્વી, સમુદ્ર અને ઝરણાઓના સર્જનહારની ભક્તિ કરો.’ —પ્રકટી. ૧૪:૭.
ગીત ૨૦ સભાને આશિષ દો
ઝલક a
૧. એક દૂત શું કહી રહ્યો છે અને એ વિશે આપણને કેવું લાગવું જોઈએ?
જો એક દૂત તમને કંઈ કહે, તો શું તમે તેની વાત સાંભળશો? હકીકતમાં આજે એક દૂત ‘દરેક દેશ, કુળ, બોલી અને પ્રજાના’ લોકો સાથે વાત કરી રહ્યો છે. તે શું કહે છે? ‘ઈશ્વરનો ડર રાખો! તેમને મહિમા આપો! આકાશ અને પૃથ્વીના સર્જનહારની ભક્તિ કરો.’ (પ્રકટી. ૧૪:૬, ૭) યહોવા જ એકમાત્ર સાચા ઈશ્વર છે અને દરેક જણે તેમની જ ભક્તિ કરવી જોઈએ. એ કેટલો મોટો લહાવો કહેવાય કે યહોવાએ આપણને તેમના ભવ્ય મંદિરમાં ભક્તિ કરવાનું સન્માન આપ્યું છે! એ માટે દિલથી યહોવાનો આભાર!
૨. યહોવાનું ભવ્ય મંદિર શું છે? (“ યહોવાનું ભવ્ય મંદિર શું નથી?” બૉક્સ પણ જુઓ.)
૨ યહોવાનું ભવ્ય મંદિર શું છે અને એ વિશે સમજણ આપતી માહિતી ક્યાંથી મળી શકે? એ મંદિર સાચુકલી ઇમારત નથી. પણ એ ભક્તિ માટેની યહોવાની ગોઠવણ છે, જે તેમણે ઈસુના બલિદાનના આધારે કરી છે. એ ગોઠવણ વિશે પ્રેરિત પાઉલે પોતાના પત્રમાં સમજાવ્યું હતું. એ પત્ર તેમણે યહૂદિયામાં રહેતા પહેલી સદીના હિબ્રૂ ખ્રિસ્તીઓને લખ્યો હતો. b
૩-૪. પાઉલને યહૂદિયામાં રહેતા હિબ્રૂ ખ્રિસ્તીઓની ચિંતા કેમ થતી હતી? તેમણે તેઓને કઈ રીતે મદદ કરી?
૩ પાઉલે કેમ યહૂદિયામાં રહેતા હિબ્રૂ ખ્રિસ્તીઓને પત્ર લખ્યો? કદાચ બે કારણોને લીધે. પહેલું, તે તેઓને ઉત્તેજન આપવા માંગતા હતા. મોટા ભાગના ખ્રિસ્તીઓ પહેલાં યહૂદી ધર્મ પાળતા હતા. એટલે તેઓ ખ્રિસ્તી બન્યા ત્યારે, યહૂદી ધાર્મિક આગેવાનોએ કદાચ તેઓની મજાક ઉડાવી હશે. શા માટે? કેમ કે ખ્રિસ્તીઓ પાસે ઈશ્વરની ભક્તિ કરવા માટે આલીશાન મંદિર ન હતું, ઈશ્વરને અર્પણો ચઢાવવા વેદી ન હતી અને સેવા કરવા યાજકો ન હતા. એના લીધે ખ્રિસ્તીઓ નિરાશ થઈ શક્યા હોત અને તેઓની શ્રદ્ધા નબળી પડી શકી હોત. (હિબ્રૂ. ૨:૧; ૩:૧૨, ૧૪) કદાચ અમુકે તો ફરીથી યહૂદી ધર્મ પાળવાનું પણ વિચાર્યું હોય શકે.
૪ બીજું કારણ, પાઉલ કહેવા માંગતા હતા કે એ હિબ્રૂ ખ્રિસ્તીઓ શાસ્ત્રની નવી નવી વાતો શીખવા કે ઊંડું શિક્ષણ લેવા કોશિશ કરતા ન હતા. એ ઊંડું શિક્ષણ ‘ભારે ખોરાક’ જેવું છે. (હિબ્રૂ. ૫:૧૧-૧૪) એવું લાગે છે કે તેઓમાંના અમુક ખ્રિસ્તીઓ મૂસાનું નિયમશાસ્ત્ર પાળતા હતા. એટલે પાઉલે સમજાવ્યું કે નિયમશાસ્ત્ર પ્રમાણે જે અર્પણો ચઢાવવામાં આવતાં હતાં, એનાથી પાપ પૂરી રીતે દૂર થતું ન હતું. એ કારણે નિયમશાસ્ત્રની “આજ્ઞાઓ રદ કરવામાં આવી.” પછી પાઉલે તેઓને શાસ્ત્રની અમુક ઊંડી વાતો શીખવી. તેમણે તેઓને યાદ અપાવ્યું કે ઈસુના બલિદાનને આધારે તેઓને જે ‘સારી આશા’ મળી છે, એ તેઓને ઈશ્વરની નજીક જવા સાચે જ મદદ કરી શકે છે.—હિબ્રૂ. ૭:૧૮, ૧૯.
૫. આપણે હિબ્રૂઓને લખેલા પત્રમાં જણાવેલી કઈ ગોઠવણ વિશે સમજવાની જરૂર છે અને શા માટે?
૫ પાઉલે એ હિબ્રૂ ભાઈ-બહેનોને સમજાવ્યું કે ખ્રિસ્તીઓની ભક્તિ કરવાની રીત કેમ યહૂદીઓની ભક્તિ કરવાની રીત કરતાં ચઢિયાતી છે. યહૂદીઓ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે જે રીતે ભક્તિ કરતા હતા, એ તો “આવનાર બાબતોનો પડછાયો” હતો, “પણ હકીકત તો ખ્રિસ્ત છે.” (કોલો. ૨:૧૭) પડછાયાથી આપણને ખ્યાલ આવે છે કે એ વસ્તુ કેવી દેખાતી હશે. એવી જ રીતે, પ્રાચીન સમયમાં યહૂદીઓ જે રીતે ભક્તિ કરતા હતા, એ વધારે સારી રીતે ભક્તિ કરવાની રીતનો (યહોવાના ભવ્ય મંદિરનો) બસ એક પડછાયો હતો. યહોવાએ એ મંદિરની ગોઠવણ કરી. એના લીધે આપણા માટે પાપોની માફી મેળવવાનું શક્ય બન્યું, જેથી યહોવા ચાહે છે એ રીતે તેમની ભક્તિ કરી શકીએ. એટલે એ ગોઠવણ વિશે સમજવું ખૂબ જ જરૂરી છે. હવે ચાલો ‘પડછાયાની’ (પ્રાચીન સમયના યહૂદીઓ ભક્તિ કરતા હતા એ રીતની) “હકીકત” (ખ્રિસ્તીઓની ભક્તિ કરવાની રીત) સાથે સરખામણી કરીએ, જેમ હિબ્રૂઓને લખેલા પત્રમાં સમજાવ્યું છે. એમ કરવાથી આપણે વધારે સારી રીતે સમજી શકીશું કે યહોવાનું ભવ્ય મંદિર શું છે અને એમાં આપણું સ્થાન કયું છે.
મંડપ
૬. મંડપનો ઉપયોગ શાના માટે થતો હતો?
૬ પડછાયો. પાઉલે એ મંડપને ધ્યાનમાં રાખીને વાત કરી, જેને મૂસાએ ઈસવીસન પૂર્વે ૧૫૧૨માં ઊભો કર્યો હતો. (“પડછાયો—હકીકત” ચાર્ટ જુઓ.) મંડપ એક તંબુ હતો, જ્યાં ઇઝરાયેલીઓ ઈશ્વરની ભક્તિ કરવા ભેગા મળતા હતા અને અર્પણો ચઢાવતા હતા. એને “મુલાકાતમંડપ” પણ કહેવામાં આવતો. (નિર્ગ. ૨૯:૪૩-૪૬) ઇઝરાયેલીઓ જ્યારે વેરાન પ્રદેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા, ત્યારે એ મંડપને પોતાની સાથે લઈ ગયા. (નિર્ગ. ૨૫:૮, ૯; ગણ. ૯:૨૨) તેઓએ આશરે ૫૦૦ વર્ષ સુધી, એટલે કે યરૂશાલેમમાં મંદિર બંધાયું ત્યાં સુધી ભક્તિ માટે એ મંડપનો ઉપયોગ કર્યો. જોકે એ મંડપ એવી ચઢિયાતી ગોઠવણને પણ રજૂ કરતો હતો, જે ખ્રિસ્તીઓ માટે થવાની હતી.
૭. યહોવાના મંદિરની શરૂઆત ક્યારે થઈ?
૭ હકીકત. મૂસાએ ઊભો કરેલો મંડપ ‘સ્વર્ગની વસ્તુઓનો પડછાયો’ હતો અને એ યહોવાના મંદિરને દર્શાવતો હતો. પાઉલે કહ્યું કે “એ મંડપ હાલના સમય માટે નમૂનારૂપ છે.” (હિબ્રૂ. ૮:૫; ૯:૯) એટલે પાઉલે હિબ્રૂઓને પત્ર લખ્યો ત્યાં સુધીમાં તો યહોવાનું એ મંદિર હકીકત બની ચૂક્યું હતું. એ મંદિરની શરૂઆત ઈસવીસન ૨૯માં થઈ. એ વર્ષે ઈસુએ બાપ્તિસ્મા લીધું, પવિત્ર શક્તિથી તેમનો અભિષેક થયો અને યહોવાના “મહાન પ્રમુખ યાજક” તરીકે તેમણે એ મંદિરમાં સેવા આપવાનું શરૂ કર્યું. c—હિબ્રૂ. ૪:૧૪; પ્રે.કા. ૧૦:૩૭, ૩૮.
પ્રમુખ યાજક
૮-૯. હિબ્રૂઓ ૭:૨૩-૨૭ પ્રમાણે ઇઝરાયેલીઓના પ્રમુખ યાજકો અને આપણા મહાન પ્રમુખ યાજક ઈસુ ખ્રિસ્ત વચ્ચે કયો મોટો ફરક છે?
૮ પડછાયો. પ્રમુખ યાજક લોકો વતી યહોવા આગળ જતા હતા. ઇઝરાયેલીઓના પહેલા પ્રમુખ યાજક હારુન હતા. જ્યારે મંડપનું ઉદ્ઘાટન થયું, ત્યારે યહોવાએ હારુનને પ્રમુખ યાજક બનાવ્યા હતા. પણ પાઉલે સમજાવ્યું કે “યાજકો મરણ પામવાને લીધે સેવા ચાલુ રાખી શકતા ન હતા. તેથી બીજા યાજકો તેઓની જગ્યા લેતા અને સેવા ચાલુ રાખતા.” d (હિબ્રૂઓ ૭:૨૩-૨૭ વાંચો.) એટલું જ નહિ, આદમના વંશજો હોવાને લીધે એ પ્રમુખ યાજકોમાં પાપની અસર હતી. એટલે તેઓએ પોતાનાં પાપ માટે અર્પણો ચઢાવવા પડતાં હતાં. એનાથી સાફ જોવા મળે છે કે ઇઝરાયેલીઓના પ્રમુખ યાજકો અને આપણા મહાન પ્રમુખ યાજક ઈસુ ખ્રિસ્ત વચ્ચે કેટલો મોટો ફરક છે.
૯ હકીકત. આપણા પ્રમુખ યાજક તરીકે ઈસુ ખ્રિસ્ત “ખરા મંડપના . . . સેવક છે, એ મંડપ માણસોએ નહિ, યહોવાએ ઊભો કર્યો છે.” (હિબ્રૂ. ૮:૧, ૨) પાઉલે સમજાવ્યું કે “[ઈસુ] તો હંમેશાં ને હંમેશાં જીવે છે, એટલે તેમનું યાજકપદ લેવા બીજા કોઈની જરૂર પડતી નથી.” વધુમાં પાઉલે કહ્યું કે ઈસુ “કલંક વગરના અને પાપીઓથી અલગ” છે. ઈસુમાં પાપની જરાય અસર નથી, એટલે ઇઝરાયેલના પ્રમુખ યાજકોની જેમ તેમણે પોતાનાં પાપ માટે “રોજ બલિદાનો ચઢાવવાની જરૂર નથી.” હવે ચાલો જોઈએ કે પહેલાંના સમયમાં વેદીઓ અને અર્પણો શાને રજૂ કરતાં હતાં અને આજના સમયમાં એ શાને રજૂ કરે છે.
વેદીઓ અને અર્પણો
૧૦. તાંબાની વેદી પર ચઢાવવામાં આવતાં અર્પણો શાને રજૂ કરતાં હતાં?
૧૦ પડછાયો. મંડપના પ્રવેશદ્વારની બહાર તાંબાની એક વેદી હતી, જેના પર યહોવા માટે પ્રાણીઓનાં અર્પણો ચઢાવવામાં આવતાં હતાં. (નિર્ગ. ૨૭:૧, ૨; ૪૦:૨૯) પણ એ અર્પણોથી લોકોનાં પાપની પૂરેપૂરી માફી મળી શકતી ન હતી. (હિબ્રૂ. ૧૦:૧-૪) મંડપમાં એક પછી એક, સતત ચઢાવવામાં આવતાં પ્રાણીઓનાં અર્પણો કે બલિદાનો શાને રજૂ કરતાં હતાં? એક એવા બલિદાનને, જેનાથી આખી માણસજાતને પૂરેપૂરી રીતે પાપોની માફી મળવાની હતી.
૧૧. ઈસુએ કઈ વેદી પર પોતાનું બલિદાન ચઢાવ્યું? (હિબ્રૂઓ ૧૦:૫-૭, ૧૦)
૧૧ હકીકત. ઈસુ જાણતા હતા કે તે આખી માણસજાત માટે પોતાના માનવ શરીરનું બલિદાન આપે એ માટે યહોવાએ તેમને આ પૃથ્વી પર મોકલ્યા હતા. (માથ. ૨૦:૨૮) એટલે ઈસુ પોતાના બાપ્તિસ્મા વખતે યહોવાની ઇચ્છા પૂરી કરવા આગળ આવ્યા. (યોહા. ૬:૩૮; ગલા. ૧:૪) ઈસુએ જે વેદી પર પોતાનું બલિદાન ચઢાવ્યું, એ માણસોએ બનાવેલી કોઈ વેદી ન હતી. એ વેદી યહોવાની ‘ઇચ્છાને’ રજૂ કરે છે. યહોવાની ઇચ્છા હતી કે તેમનો દીકરો પોતાનું પાપ વગરનું શરીર બલિદાન તરીકે ચઢાવે. ઈસુએ “એક જ વાર અને હંમેશ માટે” પોતાના જીવનનું બલિદાન ચઢાવ્યું, જેથી જે કોઈ ખ્રિસ્ત પર શ્રદ્ધા મૂકે તેનાં પાપનું પ્રાયશ્ચિત્ત થાય અથવા પાપને કાયમ માટે ઢાંકી દેવામાં આવે. (હિબ્રૂઓ ૧૦:૫-૭, ૧૦ વાંચો.) હવે ચાલો મંડપની અંદર જઈએ અને એના અમુક ભાગની ચર્ચા કરીએ.
પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન
૧૨. (ક) મંડપના પવિત્ર સ્થાનમાં કોણ જઈ શકતું હતું? (ખ) પરમ પવિત્ર સ્થાનમાં કોણ જઈ શકતું હતું?
૧૨ પડછાયો. મંડપ અને યરૂશાલેમમાં પછીથી જે મંદિરો બાંધવામાં આવ્યાં, એમાં ઘણી સમાનતા હતી. એમાં અંદર બે ભાગ હતા, “પવિત્ર સ્થાન” અને “પરમ પવિત્ર સ્થાન.” એ બંને ભાગની વચ્ચે એક પડદો હતો, જેના પર ભરતકામ કરેલું હતું. (હિબ્રૂ. ૯:૨-૫; નિર્ગ. ૨૬:૩૧-૩૩) પવિત્ર સ્થાનની અંદર સોનાની દીવી, ધૂપવેદી અને અર્પણની રોટલીની મેજ હતી. જે યાજકોનો “અભિષેક કરવામાં આવ્યો” હોય, ફક્ત તેઓ જ પવિત્ર સ્થાનમાં જઈને યાજક તરીકેની પોતાની સેવા કરી શકતા હતા. (ગણ. ૩:૩, ૭, ૧૦) પરમ પવિત્ર સ્થાનમાં સોનાનો કરારકોશ હતો, જે યહોવાની હાજરીને રજૂ કરતો હતો. (નિર્ગ. ૨૫:૨૧, ૨૨) ફક્ત પ્રમુખ યાજક પડદાની બીજી બાજુ પરમ પવિત્ર સ્થાનમાં જઈ શકતા હતા અને એ પણ વર્ષમાં એક જ વાર, પ્રાયશ્ચિત્તના દિવસે. (લેવી. ૧૬:૨, ૧૭) દર વર્ષે તે પ્રાણીઓનું લોહી લઈને પરમ પવિત્ર સ્થાનમાં જતા, જેથી પોતાનાં અને આખી પ્રજાનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરી શકે. સમય જતાં યહોવાએ પોતાની પવિત્ર શક્તિથી સ્પષ્ટ કર્યું કે મંડપના એ ભાગો હકીકતમાં શાને રજૂ કરતા હતા.—હિબ્રૂ. ૯:૬-૮. e
૧૩. (ક) મંડપનું પવિત્ર સ્થાન શાને રજૂ કરે છે? (ખ) પરમ પવિત્ર સ્થાન શાને રજૂ કરે છે?
૧૩ હકીકત. ખ્રિસ્તના અમુક શિષ્યોને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા છે અને યહોવા સાથે તેઓનો ખાસ સંબંધ છે. તેઓની સંખ્યા ૧,૪૪,૦૦૦ છે અને તેઓ સ્વર્ગમાં ઈસુ સાથે યાજકો તરીકે સેવા આપશે. (પ્રકટી. ૧:૬; ૧૪:૧) તેઓ હજી પૃથ્વી પર જ હોય છે ત્યારે, ઈશ્વર તેઓને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરે છે અને પોતાના દીકરાઓ તરીકે દત્તક લે છે. મંડપનું પવિત્ર સ્થાન યહોવા અને તેઓ વચ્ચેના એ ખાસ સંબંધને રજૂ કરે છે. (રોમ. ૮:૧૫-૧૭) મંડપનું પરમ પવિત્ર સ્થાન સ્વર્ગને રજૂ કરે છે, જ્યાં યહોવા રહે છે. પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન વચ્ચે જે ‘પડદો’ છે, એ ઈસુના માનવ શરીરને રજૂ કરે છે. એ માનવ શરીર સાથે ઈસુ સ્વર્ગમાં જઈ શકતા ન હતા અને યહોવાના મંદિરના મહાન પ્રમુખ યાજક તરીકે સેવા આપી શકતા ન હતા. ઈસુએ પોતાના માનવ શરીરનું બલિદાન આપીને બધા અભિષિક્ત ખ્રિસ્તીઓ માટે સ્વર્ગમાં જવાનો રસ્તો ખોલી દીધો. સ્વર્ગમાં પોતાનું ઈનામ મેળવતા પહેલાં એ ખ્રિસ્તીઓએ પણ પોતાનું માનવ શરીર છોડવું પડશે. (હિબ્રૂ. ૧૦:૧૯, ૨૦; ૧ કોરીં. ૧૫:૫૦) ઈસુને જીવતા કરવામાં આવ્યા એ પછી તે યહોવાના મંદિરના પરમ પવિત્ર સ્થાનમાં ગયા. સમય જતાં, બધા અભિષિક્ત ખ્રિસ્તીઓ ત્યાં ઈસુ સાથે હશે.
૧૪. હિબ્રૂઓ ૯:૧૨, ૨૪-૨૬ પ્રમાણે શુદ્ધ ભક્તિ માટે યહોવાએ જે ગોઠવણ કરી છે, એ કેમ ચઢિયાતી છે?
૧૪ શુદ્ધ ભક્તિ માટે યહોવાએ જે ગોઠવણ કરી છે, એ ઈસુ ખ્રિસ્તના બલિદાન અને તેમના યાજકપદને આધારે છે. એ ગોઠવણ એકદમ ચઢિયાતી છે. શા માટે? ઇઝરાયેલના પ્રમુખ યાજક પ્રાણીઓનાં અર્પણોનું લોહી લઈને માણસોએ બનાવેલા પરમ પવિત્ર સ્થાનમાં જતા હતા. પણ ઈસુ “સ્વર્ગમાં” ગયા જે સૌથી પવિત્ર જગ્યા છે, જેથી યહોવા આગળ હાજર થઈ શકે. ત્યાં તેમણે આપણા બધા વતી પોતાના પાપ વગરના શરીરની કિંમત રજૂ કરી, જેથી “તે પોતાના બલિદાનથી પાપનો નાશ કરે.” (હિબ્રૂઓ ૯:૧૨, ૨૪-૨૬ વાંચો.) ઈસુનું બલિદાન કાયમ માટે આપણું પાપ ભૂંસી નાખશે. હવે જોઈશું કે ભલે આપણી આશા સ્વર્ગમાં જીવન મેળવવાની હોય કે પૃથ્વી પર, આપણે દરેક જણ યહોવાના મંદિરમાં તેમની ભક્તિ કરી શકીએ છીએ.
આંગણાં
૧૫. મંડપના આંગણામાં કોણ સેવા કરતું હતું?
૧૫ પડછાયો. મંડપનું એક આંગણું હતું, જ્યાં યાજકો સેવા કરતા હતા. એ બહુ મોટો વિસ્તાર હતો અને એની ચારે બાજુ કપડાંની વાડ હતી. આંગણામાં અગ્નિ-અર્પણ માટે તાંબાની એક મોટી વેદી હતી. ત્યાં પાણી માટે એક કુંડ પણ હતો, જેથી યાજકો પવિત્ર સેવા શરૂ કરતા પહેલાં એ પાણીથી પોતાને શુદ્ધ કરી શકે. (નિર્ગ. ૩૦:૧૭-૨૦; ૪૦:૬-૮) પણ પછીથી જે મંદિરો બાંધવામાં આવ્યાં, એમાં અંદરના આંગણા ઉપરાંત એક બહારનું આંગણું પણ હતું. યાજક ન હોય એવા લોકો ત્યાં આવી શકતા હતા અને ઈશ્વરની ભક્તિ કરી શકતા હતા.
૧૬. યહોવાના મંદિરના અંદરના આંગણામાં કોણ સેવા કરે છે? બહારના આંગણામાં કોણ સેવા કરે છે?
૧૬ હકીકત. પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો સ્વર્ગમાં જઈને ઈસુ સાથે યાજકો તરીકે સેવા આપશે. સ્વર્ગમાં જતા પહેલાં તેઓ અહીં પૃથ્વી પર યહોવાના મંદિરમાં અંદરના આંગણામાં વફાદારીથી યહોવાની સેવા કરે છે. આંગણામાં જે પાણીનો મોટો કુંડ છે, એ તેઓને અને આપણને બધાને યાદ અપાવે છે કે આપણે ચારિત્ર શુદ્ધ રાખવું જોઈએ અને યહોવાની શુદ્ધ ભક્તિ કરવી જોઈએ. તો પછી ખ્રિસ્તના અભિષિક્તોને સાથ આપનાર “મોટું ટોળું” ક્યાં ભક્તિ કરે છે? પ્રેરિત યોહાને દર્શનમાં જોયું કે ‘તેઓ ઈશ્વરના રાજ્યાસન આગળ છે અને રાત-દિવસ તેમની પવિત્ર સેવા કરે છે.’ (પ્રકટી. ૭:૯, ૧૩-૧૫) મોટું ટોળું અહીં પૃથ્વી પર યહોવાના મંદિરના બહારના આંગણામાં એ પવિત્ર સેવા કરે છે. યહોવાનો કેટલો આભાર કે તેમણે પોતાના મંદિરમાં ભક્તિ કરવાનું આપણને એક સ્થાન આપ્યું છે! સાચે જ, કેટલું મોટું સન્માન!
યહોવાની ભક્તિ કરવાનો લહાવો
૧૭. આપણી પાસે યહોવાને કયાં અર્પણો ચઢાવવાનો લહાવો છે?
૧૭ આજે બધા જ ઈશ્વરભક્તો પાસે યહોવાને પોતાનાં અર્પણો ચઢાવવાનો લહાવો છે. એવું તેઓ રાજ્યનાં કામ માટે પોતાનો સમય, શક્તિ અને ધનસંપત્તિ આપીને કરે છે. પ્રેરિત પાઉલે હિબ્રૂ ખ્રિસ્તીઓને કહ્યું હતું તેમ, આપણે પણ ‘હંમેશાં ઈશ્વરની સ્તુતિ કરી શકીએ છીએ, એ ઈશ્વરને ચઢાવેલું આપણું અર્પણ છે. આપણાં મોંથી જાહેરમાં તેમનું નામ જણાવી શકીએ છીએ.’ (હિબ્રૂ. ૧૩:૧૫) તો પછી ચાલો, યહોવાને સૌથી સારાં બલિદાનો ચઢાવીએ અને બતાવી આપીએ કે ભક્તિ કરવાનો તેમણે જે લહાવો આપ્યો છે, એની આપણે કેટલી કદર કરીએ છીએ.
૧૮. હિબ્રૂઓ ૧૦:૨૨-૨૫ પ્રમાણે આપણે શું કરતા રહેવું જોઈએ અને આપણે શું ન ભૂલવું જોઈએ?
૧૮ હિબ્રૂઓ ૧૦:૨૨-૨૫ વાંચો. હિબ્રૂઓને લખેલા પત્રના અંત ભાગમાં પાઉલે ભક્તિ વિશેની અમુક બાબતો જણાવી, જે આપણે હંમેશાં કરવી જોઈએ. જેમ કે, યહોવાને પ્રાર્થના કરીએ, બીજાઓને ખુશખબર જણાવીએ, મંડળની સભાઓમાં ભેગા મળીએ અને ‘યહોવાનો દિવસ નજીક આવતો જોઈએ તેમ’ એકબીજાને વધારે ઉત્તેજન આપીએ. પ્રકટીકરણના પુસ્તકના અંત ભાગમાં યહોવાના દૂતે કહ્યું: “ઈશ્વરની ભક્તિ કર!” (પ્રકટી. ૧૯:૧૦; ૨૨:૯) એવું તેણે બે વાર કહ્યું, જે બતાવે છે કે એ કેટલું મહત્ત્વનું છે! તો પછી ચાલો યહોવાના ભવ્ય મંદિર વિશે આપણે જે ઊંડું સત્ય શીખ્યા એને કદી ન ભૂલીએ. એ પણ ન ભૂલીએ કે આપણા મહાન ઈશ્વરે તેમની ભક્તિ કરવાનો આપણને કેટલો મોટો લહાવો આપ્યો છે.
ગીત ૧૧ યહોવાને વળગી રહું
a બાઇબલનું એક ઊંડું શિક્ષણ છે, યહોવાના ભવ્ય મંદિર વિશેનું શિક્ષણ. એ મંદિર શું છે? હિબ્રૂઓના પુસ્તકમાં એ મંદિર વિશે જે માહિતી છે, એની ચર્ચા આ લેખમાં કરવામાં આવશે. યહોવાની ભક્તિ કરવાનો તમને જે લહાવો મળ્યો છે એની કદર વધારવા પણ આ લેખ મદદ કરશે.
b હિબ્રૂઓના પુસ્તકની એક ઝલક જોવા jw.org/gu પર આ વીડિયો જુઓ: હિબ્રૂઓની પ્રસ્તાવના.
c ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ફક્ત હિબ્રૂઓના પુસ્તકમાં જ ઈસુને પ્રમુખ યાજક કહેવામાં આવ્યા છે.
d એક પુસ્તકમાં જણાવ્યું છે કે ઈ.સ. ૭૦માં યરૂશાલેમના મંદિરનો નાશ થયો, ત્યાં સુધીમાં ઇઝરાયેલમાં આશરે ૮૪ પ્રમુખ યાજકો થઈ ગયા હતા.
g જુલાઈ ૧, ૨૦૧૦ ચોકીબુરજ પાન ૩૦ પર આપેલું આ બૉક્સ જુઓ: “યહોવાહની ભક્તિની ગોઠવણ વિષે તેમની શક્તિ વધારે સમજણ પૂરી પાડે છે.”