સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શું ઇઝરાયેલીઓ પાસે વેરાન પ્રદેશમાં માન્‍ના અને લાવરીઓ સિવાય બીજું કંઈ ખાવા માટે હતું?

ઇઝરાયેલીઓએ વેરાન પ્રદેશમાં ૪૦ વર્ષ મોટા ભાગે માન્‍ના જ ખાધું હતું. (નિર્ગ. ૧૬:૩૫) બે પ્રસંગોએ યહોવાએ તેઓને ખાવા માટે લાવરીઓ પણ આપી હતી. (નિર્ગ. ૧૬:૧૨, ૧૩; ગણ. ૧૧:૩૧) જોકે, ઇઝરાયેલીઓ પાસે ખાવા માટે બીજી પણ અમુક વસ્તુઓ હતી.

દાખલા તરીકે, યહોવા પોતાના લોકોને અમુક વાર ‘આરામ કરવાની જગ્યાએ’ દોરી જતા હતા, જ્યાં તેઓને ખાવા-પીવાની અમુક વસ્તુઓ મળી રહેતી હતી. (ગણ. ૧૦:૩૩) એકવાર તે ઇઝરાયેલીઓને એલીમ નામની જગ્યાએ લઈ ગયા. ત્યાં “પાણીના ૧૨ ઝરા અને ખજૂરીનાં ૭૦ ઝાડ હતાં.” (નિર્ગ. ૧૫:૨૭) પ્લાન્ટ્‌સ ઑફ ધ બાઇબલ નામનું પુસ્તક ખજૂરીના ઝાડ વિશે આમ જણાવે છે: ‘એ ઝાડ ઘણી જગ્યાએ જોવા મળે છે. રણપ્રદેશના લોકો માટે એ મુખ્ય ઝાડ છે. લાખો લોકોને એનાથી ખોરાક અને તેલ મળે છે તેમજ એની નીચે આશરો મળે છે.’

બની શકે કે ઇઝરાયેલીઓ એક મોટા રણદ્વીપ (રણપ્રદેશનો એવો વિસ્તાર, જ્યાં વૃક્ષો અને પાણી હોય) પર પણ રોકાયા હોય, જે આજે ‘ફેરન’ તરીકે ઓળખાય છે અને ફેરન વહેળાનો ભાગ છે. a ડિસ્કવરીંગ ધ વર્લ્ડ ઑફ ધ બાઇબલ નામના પુસ્તકમાં જણાવ્યું છે કે આ વહેળો કે નદીનું કોતર ‘૧૩૦ કિલોમીટર લાંબું હતું. સિનાઈ પ્રદેશમાં આવેલા વહેળાઓમાં આ વહેળો સૌથી લાંબો, સુંદર અને પ્રખ્યાત હતો.’ એ પુસ્તકમાં આમ પણ લખ્યું છે: ‘જ્યાં આ વહેળો દરિયાને મળે છે, ત્યાંથી ૪૫ કિ.મી. દૂર ફેરન નામનો રણદ્વીપ છે. એ ૪.૮ કિ.મી. લાંબો અને સમુદ્રની સપાટીથી આશરે ૨,૦૦૦ ફૂટ ઉપર છે. ત્યાં ચારે બાજુ ખજૂરીનાં ઝાડ જોવા મળે છે. એ એટલો સુંદર છે કે એને સિનાઈનો એદન બાગ કહેવામાં આવ્યો છે. હજારો વર્ષોથી લોકો અહીં વસવા આવ્યા છે, કેમ કે અહીં ખજૂરીનાં હજારો ઝાડ છે.’

ફેરન રણદ્વીપમાં ખજૂરીનાં ઝાડ

ઇજિપ્ત છોડ્યું ત્યારે ઇઝરાયેલીઓએ પોતાની સાથે બાંધેલો લોટ, લોટ બાંધવાનાં વાસણ તેમજ કદાચ થોડું અનાજ અને તેલ લીધાં હતાં. દેખીતું છે કે એ બધી વસ્તુઓ થોડા સમયમાં પતી ગઈ હશે. ઇઝરાયેલીઓ પોતાની સાથે “પુષ્કળ ઘેટાં-બકરાં અને ઢોરઢાંક” પણ લઈ ગયા હતા. (નિર્ગ. ૧૨:૩૪-૩૯) પણ વેરાન પ્રદેશની કપરી આબોહવાને લીધે કદાચ ઘણાં પ્રાણીઓ મરી ગયાં હશે. અમુક પ્રાણીઓનો ઇઝરાયેલીઓએ ખોરાક તરીકે ઉપયોગ કર્યો હશે. બીજાં પ્રાણીઓનો બલિ ચઢાવ્યો હશે, અરે જૂઠા દેવો આગળ પણ તેઓનો બલિ ચઢાવ્યો હશે. b (પ્રે.કા. ૭:૩૯-૪૩) તોપણ ઇઝરાયેલીઓ પાસે અમુક ઘેટાં-બકરાં અને ઢોરઢાંક હતાં. એવું શાના આધારે કહી શકીએ? ઇઝરાયેલીઓએ યહોવામાં શ્રદ્ધા ન બતાવી ત્યારે યહોવાએ જે કહ્યું, એમાં એનો જવાબ મળે છે. યહોવાએ કહ્યું હતું: “તમારા દીકરાઓ ૪૦ વર્ષ સુધી વેરાન પ્રદેશમાં ઘેટાં-બકરાં ચરાવશે.” (ગણ. ૧૪:૩૩) એટલે શક્ય છે કે એ પ્રાણીઓને લીધે ઇઝરાયેલીઓને દૂધ મળતું હતું અને અમુક પ્રસંગે તેઓએ એ પ્રાણીઓનું માંસ પણ ખાધું હતું. પણ એક વાત ચોક્કસ છે કે, ત્રીસ લાખ લોકોને ૪૦ વર્ષ ખોરાક મળે, એટલાં બધાં પ્રાણીઓ નહિ હોય. c

વેરાન પ્રદેશમાં પ્રાણીઓને ખોરાક-પાણી ક્યાંથી મળ્યાં હતાં? d આજની સરખામણીમાં કદાચ એ સમયે ત્યાં વધારે વરસાદ પડતો હતો, એટલે ત્યાં વધારે ઝાડપાન હતાં. ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ, ગ્રંથ ૧માં લખ્યું છે કે ૩,૫૦૦ વર્ષ પહેલાં ‘અરબસ્તાનમાં આજના કરતાં અનેક ગણો વરસાદ પડતો હતો. એવું શા પરથી કહી શકાય? આજે ત્યાં ઘણા બધા વહેળા કે કોતરો છે, જે સૂકાં અને ઊંડાં છે. એ સાબિતી આપે છે કે ત્યાં પહેલાં એટલો વરસાદ પડતો હતો કે નદીઓ વહેતી હતી.’ છતાં, એ વેરાન પ્રદેશ એકદમ ઉજ્જડ અને ડરામણો હતો. (પુન. ૮:૧૪-૧૬) જો યહોવાએ ચમત્કારથી પાણી ન આપ્યું હોત, તો ઇઝરાયેલીઓ અને તેઓનાં પ્રાણીઓ જીવતાં રહ્યાં ન હોત.—નિર્ગ. ૧૫:૨૨-૨૫; ૧૭:૧-૬; ગણ. ૨૦:૨, ૧૧.

મૂસાએ ઇઝરાયેલીઓને કહ્યું કે યહોવાએ તેઓને માન્‍ના આપ્યું અને “એમ કરીને તે [તેઓને] શીખવવા માંગતા હતા કે માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે.”—પુન. ૮:૩.

a મે ૧, ૧૯૯૨, ચોકીબુરજ (અંગ્રેજી), પાન ૨૪-૨૫ જુઓ.

b ઇઝરાયેલીઓએ વેરાન પ્રદેશમાં યહોવા માટે પ્રાણીઓનો બલિ ચઢાવ્યો હોય એવા બે પ્રસંગો બાઇબલમાં નોંધેલા છે. પહેલો પ્રસંગ, હારુન અને તેમના દીકરાઓને યાજક બનાવવામાં આવ્યા એ સમયે. બીજો પ્રસંગ, પાસ્ખાના તહેવારના સમયે. એ બંને પ્રસંગો ઇઝરાયેલીઓએ ઇજિપ્ત છોડ્યું એના એકાદ વર્ષ પછી, એટલે કે ઈસવીસન પૂર્વે ૧૫૧૨માં બન્યા હતા.—લેવી. ૮:૧૪–૯:૨૪; ગણ. ૯:૧-૫.

c વેરાન પ્રદેશમાં ૪૦ વર્ષ પૂરાં થવાનાં હતાં ત્યારે ઇઝરાયેલીઓએ યુદ્ધ પછી હજારો પ્રાણીઓ લૂંટી લીધાં હતાં. (ગણ. ૩૧:૩૨-૩૪) તોપણ તેઓ વચનના દેશમાં પ્રવેશ્યા નહિ ત્યાં સુધી માન્‍ના ખાતા રહ્યા.—યહો. ૫:૧૦-૧૨.

d પ્રાણીઓ પણ માન્‍ના ખાતા હતા એવો કોઈ પુરાવો નથી, કારણ કે ઇઝરાયેલીઓને કહેવામાં આવ્યું હતું કે, એક વ્યક્તિ ખાઈ શકે એટલું જ માન્‍ના ભેગું કરવું.—નિર્ગ. ૧૬:૧૫, ૧૬.