સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૨

ગીત ૪૨ ‘નબળાઓને મદદ કરીએ’

‘ભેટ તરીકે મળેલા માણસોની’ કદર કરીએ

‘ભેટ તરીકે મળેલા માણસોની’ કદર કરીએ

‘તે ઉપર ચઢી ગયા ત્યારે તેમણે માણસો ભેટ તરીકે આપ્યા.’એફે. ૪:૮.

આપણે શું શીખીશું?

સહાયક સેવકો, વડીલો અને સરકીટ નિરીક્ષકો આપણને કઈ રીતે મદદ કરે છે? આપણે એ વફાદાર ભાઈઓ માટે કઈ રીતે કદર બતાવી શકીએ?

૧. ઈસુએ આપણને કઈ અલગ અલગ ભેટ આપી છે?

 ઈસુએ બીજાઓને જેટલી મદદ કરી છે, એટલી બીજા કોઈ મનુષ્યએ નથી કરી. પૃથ્વી પર હતા ત્યારે તેમણે ચમત્કારો કરીને ઘણી વાર બીજાઓને મદદ કરી. (લૂક ૯:૧૨-૧૭) તેમણે આપણા માટે પોતાનું જીવન આપીને આપણને સૌથી મોટી ભેટ આપી છે. (યોહા. ૧૫:૧૩) મરણમાંથી જીવતા થયા પછી પણ ઈસુ આપણને ઉદાર રીતે મદદ કરતા આવ્યા છે. પોતાના વચન પ્રમાણે તેમણે યહોવાને કહ્યું કે તે આપણા પર પવિત્ર શક્તિ રેડે, જેથી આપણે સત્ય સમજી શકીએ અને દિલાસો મેળવી શકીએ. (યોહા. ૧૪:૧૬, ૧૭, ફૂટનોટ; ૧૬:૧૩) ઈસુ આપણને મંડળની સભાઓ દ્વારા પણ તાલીમ આપે છે, જેથી આપણે આખી દુનિયામાં લોકોને બાઇબલમાંથી શીખવી શકીએ અને તેઓને શિષ્યો બનાવી શકીએ.—માથ. ૨૮:૧૮-૨૦.

૨. એફેસીઓ ૪:૭, ૮માં જણાવ્યું છે તેમ જે “માણસો ભેટ તરીકે આપ્યા” છે, એ કોણ કોણ છે?

ઈસુએ બીજી પણ એક ભેટ આપી છે. પ્રેરિત પાઉલે એ વિશે લખ્યું કે ઈસુ સ્વર્ગમાં ગયા એ પછી “તેમણે માણસો ભેટ તરીકે આપ્યા.” (એફેસીઓ ૪:૭, ૮ વાંચો.) પાઉલે સમજાવ્યું કે મંડળને અલગ અલગ રીતે મદદ કરવા ઈસુએ આ ભેટ આપી છે. (એફે. ૧:૨૨, ૨૩; ૪:૧૧-૧૩) આજે એ ભેટમાં કોનો સમાવેશ થાય છે? એમાં સહાયક સેવકો, મંડળના વડીલો અને સરકીટ નિરીક્ષકોનો સમાવેશ થાય છે. a ખરું કે, પાપની અસર હોવાને લીધે આ માણસોથી ભૂલો થઈ જાય છે. (યાકૂ. ૩:૨) પણ આપણા માલિક ઈસુ ખ્રિસ્ત આપણને મદદ કરવા એ ભાઈઓનો ઉપયોગ કરે છે. સાચે જ, કેટલી મોટી ભેટ!

૩. ઈસુએ જે “માણસો ભેટ તરીકે આપ્યા” છે, તેઓને કઈ રીતે સાથ આપી શકીએ? સમજાવો.

ઈસુએ મંડળોને મજબૂત કરવાનું મહત્ત્વનું કામ એ માણસોને સોંપ્યું છે. (એફે. ૪:૧૨) પણ તેઓ એ મહત્ત્વનું કામ કરી શકે એ માટે આપણે બધા તેઓને સાથ આપી શકીએ. આપણે એને પ્રાર્થનાઘરના બાંધકામ સાથે સરખાવી શકીએ. બાંધકામ અમુક જ લોકો કરે છે, પણ બીજાઓ તેઓને સાથ આપે છે. તેઓ માટે ખોરાક અથવા જરૂરી સાધન-સામગ્રી લઈ આવે છે અથવા બીજી રીતોએ મદદ કરે છે. એવી જ રીતે, આપણાં વાણી-વર્તનથી સહાયક સેવકો, વડીલો અને સરકીટ નિરીક્ષકોને મદદ કરી શકીએ છીએ. ચાલો જોઈએ કે એ ભાઈઓની સખત મહેનતથી આપણને કઈ રીતે ફાયદો થાય છે. એ પણ જોઈએ કે કઈ રીતે એ ભાઈઓ માટે અને એ ભેટ આપનાર ઈસુ માટે કદર બતાવી શકીએ.

“મદદ કરનારા” સહાયક સેવકો

૪. પહેલી સદીમાં સહાયક સેવકોએ કઈ અલગ અલગ રીતોએ બીજાઓને મદદ કરી?

પહેલી સદીમાં અમુક ભાઈઓને સહાયક સેવકો તરીકે નીમવામાં આવ્યા હતા. (૧ તિમો. ૩:૮) એવું લાગે છે કે તેઓ એ “મદદ કરનારા” હતા, જેઓ વિશે પાઉલે પહેલો કોરીંથીઓ ૧૨:૨૮માં લખ્યું હતું. દેખીતું છે કે સહાયક સેવકો મંડળનાં ઘણાં જરૂરી કામ કરતા હતા, જેથી વડીલો શીખવવાના કામ પર અને ઈશ્વરનાં ઘેટાંની સંભાળ રાખવાના કામ પર ધ્યાન આપી શકે. દાખલા તરીકે, સહાયક સેવકોએ કદાચ શાસ્ત્રવચનનોની નકલો બનાવવામાં અથવા એ માટે જરૂરી સામાન લાવવામાં મદદ કરી હશે.

૫. સહાયક સેવકો મંડળમાં કયાં અલગ અલગ કામ કરે છે?

વિચારો કે તમારા મંડળના સહાયક સેવકો કયાં અમુક કામો કરે છે. (૧ પિત. ૪:૧૦) તેઓને મંડળના હિસાબની, પ્રચાર વિસ્તારના રેકોર્ડની, સાહિત્ય ઓર્ડર કરવાની અને ભાઈ-બહેનો સુધી પહોંચાડવાની, ઑડિયો-વીડિયો સંભાળવાની, એટેન્ડન્ટ તરીકેની અથવા પ્રાર્થનાઘરની સારસંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી શકે. બધા લોકો સભાનો આનંદ માણી શકે અને પ્રચારકામ વ્યવસ્થિત રીતે થાય એ માટે એ બધાં કામ ખૂબ જ મહત્ત્વનાં છે. (૧ કોરીં. ૧૪:૪૦) એ ઉપરાંત, અમુક સહાયક સેવકો જીવન અને સેવાકાર્ય સભાના ભાગ રજૂ કરે છે અને જાહેર પ્રવચન આપે છે. સહાયક સેવકને ગ્રૂપ નિરીક્ષકના સહાયક પણ બનાવવામાં આવી શકે છે. લાયકાત ધરાવતા સહાયક સેવકો અમુક વાર વડીલો સાથે ઉત્તેજન આપનારી મુલાકાતમાં જાય છે.

૬. આપણે કેમ મહેનતુ સહાયક સેવકોની કદર કરીએ છીએ?

સહાયક સેવકોના કામથી મંડળને કઈ રીતે ફાયદો થાય છે? ચાલો જોઈએ કે એ વિશે અમુક શું કહે છે. બોલિવિયામાં રહેતાં બેબરલીબહેન b કહે છે: “હું અમારા મંડળના સહાયક સેવકોનો ઘણો આભાર માનું છું. તેઓના લીધે હું સભાઓનો પૂરો આનંદ લઈ શકું છું. તેઓના કામને લીધે હું ગીતો ગાઈ શકું છું, જવાબો આપી શકું છું, પ્રવચનો સાંભળી શકું છું તેમજ વીડિયો અને ચિત્રોમાંથી શીખી શકું છું. તેઓ સભામાં આવેલા લોકોની સલામતીનું ધ્યાન રાખે છે. તેઓની મદદને લીધે એ લોકો પણ સભાનો આનંદ લઈ શકે છે, જેઓ ઓનલાઇન જોડાય છે. સભા પછી તેઓ સાફ-સફાઈમાં અને હિસાબ-કિતાબમાં મદદ કરે છે. તેમ જ, ખાતરી કરે છે કે મંડળમાં બધાને જરૂરી સાહિત્ય મળી રહે. હું તેઓની ખૂબ કદર કરું છું.” કોલંબિયામાં રહેતાં લેસ્લીબહેનનો વિચાર કરો. તેમના પતિ વડીલ તરીકે સેવા આપે છે. બહેન કહે છે: “મંડળની અલગ અલગ જવાબદારી ઉપાડવા મારા પતિને સહાયક સેવકોની મદદની ખૂબ જરૂર છે. તેઓની મદદ વગર મારા પતિ વધારે વ્યસ્ત થઈ જતા. તેઓના ઉત્સાહ અને રાજીખુશીથી મદદ કરવાની ભાવના માટે હું તેઓની દિલથી કદર કરું છું.” તમારા મંડળના સહાયક સેવકો જે કામ કરે છે, એ વિશે તમને કેવું લાગે છે?—૧ તિમો. ૩:૧૩.

૭. આપણે સહાયક સેવકો માટે કઈ રીતે કદર બતાવી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

સહાયક સેવકો માટે કદાચ આપણા દિલમાં કદર હોય. પણ બાઇબલ અરજ કરે છે: “બતાવી આપો કે તમે કેટલા આભારી છો.” (કોલો. ૩:૧૫) ક્રિસ્ટોફભાઈ ફિનલૅન્ડમાં રહે છે. તે એક વડીલ છે. તે આ રીતે સહાયક સેવકો માટે કદર બતાવે છે: “હું તેઓને એક કાર્ડ અથવા મૅસેજ મોકલું છું. એમાં એક કલમ લખું છું. હું એ પણ જણાવું છું કે તેઓના લીધે મને કઈ રીતે ઉત્તેજન મળ્યું અથવા હું શા માટે તેઓના કામની કદર કરું છું.” ન્યૂ કેલિડોનિયામાં રહેતાં પાસ્કલભાઈ અને જેએલબહેન સહાયક સેવકો માટે ખાસ પ્રાર્થના કરે છે. પાસ્કલભાઈ જણાવે છે: “હમણાં હમણાંથી અમે સહાયક સેવકો માટે ઘણી પ્રાર્થના કરીએ છીએ. તેઓ માટે યહોવાનો આભાર માનીએ છીએ. યહોવા તેઓની સાથે રહે અને તેઓને મદદ કરે એવી વિનંતી કરીએ છીએ.” યહોવા એવી પ્રાર્થનાઓ સાંભળે છે અને એનાથી આખા મંડળને ફાયદો થાય છે.—૨ કોરીં. ૧:૧૧.

“સખત મહેનત” કરતા વડીલો

૮. પહેલી સદીના વડીલો વિશે કેમ પાઉલે એવું લખ્યું કે તેઓ “સખત મહેનત” કરતા હતા? (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૨, ૧૩)

પહેલી સદીના વડીલો મંડળ માટે સખત મહેનત કરતા હતા. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૨, ૧૩ વાંચો; ૧ તિમો. ૫:૧૭) તેઓ મંડળમાં “આગેવાની” લેતા હતા. જેમ કે, તેઓ સભાઓ ચલાવતા, સાથે મળીને મંડળ માટે નિર્ણયો લેતા અને પ્રેમથી ભાઈ-બહેનોને “શિખામણ” આપતા, જેથી તેઓની શ્રદ્ધા મજબૂત રહે. (૧ થેસ્સા. ૨:૧૧, ૧૨; ૨ તિમો. ૪:૨) એ સિવાય, એ ભાઈઓ પોતાના કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા અને યહોવા સાથેનો પોતાનો સંબંધ મજબૂત રાખવા ખૂબ મહેનત કરતા.—૧ તિમો. ૩:૨, ૪; તિત. ૧:૬-૯.

૯. આજે વડીલો કઈ અલગ અલગ જવાબદારીઓ નિભાવે છે?

આજે વડીલો ઘણાં બધાં કામો કરે છે. તેઓ પ્રચારકો છે. (૨ તિમો. ૪:૫) તેઓ જોરશોરથી પ્રચાર કરીને સારો દાખલો બેસાડે છે. મંડળના વિસ્તારમાં પ્રચાર થાય એની ગોઠવણો કરે છે. તેમ જ, આપણે સારી રીતે પ્રચાર કરી શકીએ અને શીખવી શકીએ એ માટે તાલીમ આપે છે. ન્યાય કરવાની વાત આવે ત્યારે તેઓ દયા બતાવે છે અને કોઈનો પક્ષ લેતા નથી. જ્યારે એક ખ્રિસ્તી મોટી ભૂલ કરી બેસે છે, ત્યારે વડીલો તેને મદદ કરવા મહેનત કરે છે, જેથી યહોવા સાથેનો તેનો સંબંધ ફરીથી બંધાય. તેઓ મંડળ શુદ્ધ રહે એનું પણ ધ્યાન રાખે છે. (૧ કોરીં. ૫:૧૨, ૧૩; ગલા. ૬:૧) સૌથી મહત્ત્વનું તો, વડીલો ઘેટાંપાળકો છે. (૧ પિત. ૫:૧-૩) તેઓ સરસ તૈયારી કરીને બાઇબલની માહિતીને આધારે પ્રવચનો આપે છે. મંડળમાં દરેકને ઓળખવાની કોશિશ કરે છે અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા તેઓની મુલાકાત લે છે. એ ઉપરાંત, અમુક વડીલો બીજી જવાબદારીઓ પણ નિભાવે છે. જેમ કે, તેઓ પ્રાર્થનાઘરના બાંધકામમાં અને સમારકામમાં તેમજ મહાસંમેલનની ગોઠવણોમાં મદદ કરે છે. અમુક વડીલો હૉસ્પિટલ સંપર્ક સમિતિમાં અને દર્દીની મુલાકાત લેતા જૂથમાં સેવા આપે છે. ખરેખર, આપણા વડીલો તનતોડ મહેનત કરે છે.

૧૦. આપણે કેમ મહેનતુ વડીલોની કદર કરીએ છીએ?

૧૦ યહોવાએ ભાખ્યું હતું કે વડીલો ઘેટાંપાળકોની જેમ આપણી સંભાળ રાખશે અને આપણે ‘કદી ગભરાઈશું નહિ કે ડરીશું નહિ.’ (યર્મિ. ૨૩:૪) ફિનલૅન્ડમાં રહેતાં યોહાન્‍નાબહેને એવું જ કંઈ અનુભવ્યું હતું. તેમનાં મમ્મી સખત બીમાર પડ્યાં હતાં એ વખતની આ વાત છે. યોહાન્‍નાબહેન કહે છે: “હું મારી લાગણીઓ સહેલાઈથી બીજાઓને જણાવી શકતી નથી. પણ એક વડીલ મારી સાથે ખૂબ ધીરજથી વર્ત્યા. એ વડીલને તો હું સારી રીતે ઓળખતી પણ ન હતી. પણ જ્યારે મેં મારી ચિંતાઓ જણાવી, ત્યારે તેમણે ધ્યાનથી મારી વાત સાંભળી, મારી સાથે પ્રાર્થના કરી અને મને ભરોસો અપાવ્યો કે યહોવા મને બહુ જ પ્રેમ કરે છે. મને એ તો યાદ નથી કે તેમણે શું કહ્યું હતું, પણ એટલું યાદ છે કે એ સમયે મારો ડર દૂર થઈ ગયો હતો. હું માનું છું કે યહોવાએ એ ભાઈને યોગ્ય સમયે મારી મદદ કરવા મોકલ્યા હતા.” તમારા મંડળના વડીલોએ તમને કઈ રીતે મદદ કરી છે?

૧૧. તમે કઈ રીતે બતાવી શકો કે વડીલોની કદર કરો છો? (ચિત્ર પણ જુઓ.)

૧૧ યહોવા ચાહે છે કે વડીલોના “કામને લીધે” આપણે દિલથી તેઓની કદર કરીએ. (૧ થેસ્સા. ૫:૧૨, ૧૩) હેનરીટાબહેન પણ ફિનલૅન્ડમાં રહે છે. તે કહે છે: “વડીલો ખુશી ખુશી બીજાઓને મદદ કરે છે. પણ એનો અર્થ એ નથી કે તેઓ પાસે આપણા કરતાં વધારે સમય અને શક્તિ છે, કે પછી તેઓના જીવનમાં કોઈ તકલીફ જ નથી. હું અમુક વાર તેઓને કહું છું: ‘એક વાત કહું? તમે બહુ જ સારા વડીલ છો. બસ એ જ કહેવું હતું.’” તુર્કીએમાં c રહેતી સેરા નામની બહેન જણાવે છે: “વડીલો પોતાનું કામ કરતા રહે એ માટે તેઓને ઉત્તેજનની જરૂર હોય છે. એટલે આપણે તેઓને કાર્ડ લખી શકીએ, ઘરે જમવા બોલાવી શકીએ અથવા તેઓ સાથે પ્રચારમાં જઈ શકીએ.” શું તમારા મંડળમાં એવા કોઈ વડીલ છે, જેમની તમે બહુ જ કદર કરો છો? જો એમ હોય, તો અલગ અલગ રીતોએ બતાવી આપો કે તમે તેમની કદર કરો છો.—૧ કોરીં. ૧૬:૧૮.

જવાબદાર ભાઈઓ પોતાનું કામ કરતા રહે એ માટે આપણે તેઓને ઉત્તેજન આપી શકીએ (ફકરા ૭, ૧૧, ૧૫ જુઓ)


મંડળોને મજબૂત કરતા સરકીટ નિરીક્ષકો

૧૨. પહેલી સદીમાં મંડળોને મજબૂત કરવા ઈસુએ બીજી કઈ ગોઠવણ કરી હતી? (૧ થેસ્સાલોનિકીઓ ૨:૭, ૮)

૧૨ ખ્રિસ્ત ઈસુએ મંડળોને બીજી એક રીતે મદદ કરવા અમુક વડીલોને જવાબદારી સોંપી. તેમના માર્ગદર્શન નીચે યરૂશાલેમના વડીલોએ પાઉલ, બાર્નાબાસ અને બીજા ભાઈઓને પ્રવાસી નિરીક્ષક તરીકે મોકલ્યા. (પ્રે.કા. ૧૧:૨૨) શા માટે? મંડળોને મજબૂત કરવા માટે. સહાયક સેવકો અને વડીલોને પણ એ જ હેતુ માટે નીમ્યા હતા. (પ્રે.કા. ૧૫:૪૦, ૪૧) બીજાઓને શીખવવા અને ઉત્તેજન આપવા એ પ્રવાસી નિરીક્ષકોએ ઘણું જતું કર્યું. અરે, પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો.—૧ થેસ્સાલોનિકીઓ ૨:૭, ૮ વાંચો.

૧૩. સરકીટ નિરીક્ષકો કઈ અલગ અલગ જવાબદારીઓ નિભાવે છે?

૧૩ સરકીટ નિરીક્ષકોએ ઘણી મુસાફરી કરવાની હોય છે. અમુક સરકીટ નિરીક્ષકોએ એક મંડળથી બીજા મંડળ જવા સેંકડો કિલોમીટર મુસાફરી કરવી પડે છે. તેઓ દર અઠવાડિયે ઘણાં પ્રવચન આપે છે, ઉત્તેજન આપતી મુલાકાતો લે છે, પાયોનિયરો સાથે અને વડીલો સાથે સભા ભરે છે અને પ્રચારની સભા ચલાવે છે. એ ઉપરાંત, તેઓ પ્રવચનોની તૈયારી કરે છે અને સરકીટ સંમેલનો અને મહાસંમેલનોની ગોઠવણો કરે છે. તેઓ પાયોનિયર સ્કૂલમાં શીખવે છે અને સરકીટના પાયોનિયરો સાથે ખાસ સભા યોજે છે. એટલું જ નહિ, તેઓ બીજી પણ ઘણી જવાબદારીઓ નિભાવે છે. જેમ કે, અમુક વાર શાખા કચેરી તેઓને અમુક મહત્ત્વનું કામ સોંપે છે. કેટલીક વાર એ તાત્કાલિક પૂરું કરવાનું હોય છે. ખરેખર, તેઓ રાત-દિવસ જોયા વગર કામ કરે છે.

૧૪. આપણે કેમ મહેનતુ સરકીટ નિરીક્ષકોની કદર કરીએ છીએ?

૧૪ સરકીટ નિરીક્ષકોના મહત્ત્વના કામથી મંડળોને કઈ રીતે ફાયદો થાય છે? તુર્કીએમાં રહેતા એક ભાઈ સરકીટ નિરીક્ષકોની મુલાકાતો વિશે જણાવે છે: “જ્યારે જ્યારે સરકીટ નિરીક્ષકો અમારા મંડળની મુલાકાતે આવે છે, ત્યારે ત્યારે મારામાં નવો ઉમંગ ભરાઈ જાય છે. મને ઉત્તેજન મળે છે કે ભાઈ-બહેનોને મદદ કરવા હું વધારે સમય આપું. હું ઘણા સરકીટ નિરીક્ષકોને મળ્યો છું, પણ તેઓએ મને ક્યારેય એવું લાગવા નથી દીધું કે તેઓ બહુ વ્યસ્ત છે અથવા મારી સાથે વાત કરવા માંગતા નથી.” યોહાન્‍નાબહેન વિશે અગાઉ જોઈ ગયા. તે એકવાર સરકીટ નિરીક્ષક સાથે પ્રચારમાં ગયાં. પણ તેઓને એકેય વ્યક્તિ ઘરે ન મળી. તે જણાવે છે: “તોપણ હું એ દિવસ ક્યારેય નહિ ભૂલું. થોડા સમય પહેલાં જ મારી બંને બહેનો બીજી જગ્યાએ રહેવા ગઈ હતી અને મને તેઓની બહુ જ યાદ આવતી હતી. સરકીટ નિરીક્ષકે મને ઉત્તેજન આપ્યું. તેમણે મને એ જોવા મદદ કરી કે યહોવાની સેવામાં આપણે કુટુંબ અને મિત્રોથી દૂર જવું પડી શકે, પણ એ થોડા સમય માટે જ છે. નવી દુનિયામાં આપણે યુગોના યુગો સુધી તેઓ સાથે સમય વિતાવીશું.” ચોક્કસ, તમારી પાસે પણ સરકીટ નિરીક્ષકો સાથે વિતાવેલી મીઠી પળોની યાદો હશે.—પ્રે.કા. ૨૦:૩૭–૨૧:૧.

૧૫. (ક) ત્રીજો યોહાન ૫-૮ પ્રમાણે કઈ રીતે સરકીટ નિરીક્ષકો માટે કદર બતાવી શકીએ? (ચિત્ર પણ જુઓ.) (ખ) આપણે કેમ જવાબદાર ભાઈઓની પત્નીઓની કદર કરવી જોઈએ અને એવું કઈ રીતે કરી શકીએ? (“ તેઓની પત્નીઓને યાદ રાખો” બૉક્સ જુઓ.)

૧૫ પ્રેરિત યોહાને ગાયસને ઉત્તેજન આપ્યું હતું કે તે મંડળની મુલાકાત લેતા ભાઈઓને મહેમાનગતિ બતાવે. તેમ જ, તેઓને મુસાફરી માટે ‘એવી રીતે વિદાય આપે, જેથી ઈશ્વર ખુશ થાય.’ (૩ યોહાન ૫-૮ વાંચો.) આપણે પણ એવું કરી શકીએ છીએ. એમ કરવાની એક રીત છે, સરકીટ નિરીક્ષકોને જમવા બોલાવીએ. બીજી રીત છે, તેઓ પ્રચાર માટે જે સભા યોજે છે, એમાં જઈએ. લેસ્લીબહેન વિશે આપણે અગાઉ જોઈ ગયા. તે બીજી પણ અમુક રીતોએ પોતાની કદર વ્યક્ત કરે છે. તે કહે છે: “હું યહોવાને પ્રાર્થના કરું છું કે તે સરકીટ નિરીક્ષકોની જરૂરિયાતો પૂરી પાડે. મેં અને મારા પતિએ સરકીટ નિરીક્ષકોને પત્રો લખ્યા છે અને જણાવ્યું છે કે તેઓની મુલાકાતોથી અમને કેટલું ઉત્તેજન મળ્યું છે.” યાદ રાખો, સરકીટ નિરીક્ષકો પણ આપણી જેમ મુશ્કેલીઓનો સામનો કરે છે અને થાકી જાય છે. અમુક વાર તેઓ બીમાર પડે છે, તેઓને ચિંતા થાય છે અને તેઓ પણ નિરાશ થઈ જાય છે. કદાચ તમે તેઓને પ્રેમાળ શબ્દો કહી શકો અથવા એક નાનકડી ભેટ આપી શકો. બની શકે કે યહોવા આપણા દ્વારા તેઓની પ્રાર્થનાનો જવાબ આપી રહ્યા હોય.—નીતિ. ૧૨:૨૫.

આપણને ભાઈઓની ઘણી જરૂર છે

૧૬. નીતિવચનો ૩:૨૭ પ્રમાણે ભાઈઓ પોતાને કયા સવાલો પૂછી શકે?

૧૬ આજે આખી દુનિયામાં મંડળનાં કામોને પહોંચી વળવા ભાઈઓની ખૂબ જરૂર છે. બાપ્તિસ્મા પામેલા ભાઈઓ, શું તમે બીજાઓને ‘મદદ’ કરવા કંઈક કરી શકો? (નીતિવચનો ૩:૨૭ વાંચો.) શું તમે સહાયક સેવક બનવાનો ધ્યેય રાખી શકો? જો તમે સહાયક સેવક હો, તો શું તમે વડીલ બનવા મહેનત કરી શકો? d શું તમે જીવનમાં અમુક ફેરફારો કરીને રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવાનું વિચારી શકો? એ શાળામાં તમને તાલીમ મળશે અને ઈસુ તમારો વધારે સારી રીતે ઉપયોગ કરી શકશે. જો તમને લાગતું હોય કે તમે જવાબદારીઓ ઉપાડવા તૈયાર નથી, તો યહોવાને પ્રાર્થના કરો. તેમની પાસે પવિત્ર શક્તિ માંગો, જેથી તમને જે પણ જવાબદારી સોંપવામાં આવે એને સારી રીતે પૂરી કરી શકો.—લૂક ૧૧:૧૩; પ્રે.કા. ૨૦:૨૮.

૧૭. આપણને ‘માણસો તરીકે જે ભેટ’ મળી છે, એ આપણા રાજા ખ્રિસ્ત ઈસુ વિશે શું બતાવે છે?

૧૭ ઈસુએ જે “માણસો ભેટ તરીકે આપ્યા” છે, તેઓ સખત મહેનત કરે છે. એ બતાવે કે ઈસુ આ છેલ્લા દિવસોમાં આપણી આગેવાની લઈ રહ્યા છે. (માથ. ૨૮:૨૦) આપણે ખૂબ આભારી છીએ કે આપણા રાજા ખૂબ પ્રેમાળ અને ઉદાર છે. તેમ જ, આપણી દરેકેદરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે અને આપણને મદદ કરવા ભાઈઓ નીમે છે. તો ચાલો બતાવી આપીએ કે આ મહેનતુ ભાઈઓની કેટલી કદર કરીએ છીએ. યહોવાનો આભાર માનવાનું પણ ભૂલીએ નહિ, કારણ કે “દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ” તેમના તરફથી જ મળે છે.—યાકૂ. ૧:૧૭.

ગીત ૩૧ અમે યહોવાના સાક્ષી

a જે વડીલો નિયામક જૂથના સભ્યો, નિયામક જૂથના મદદનીશો અને શાખા સમિતિના સભ્યો તરીકે સેવા આપે છે તેમજ સંગઠનમાં બીજી જવાબદારીઓ નિભાવે છે, તેઓ પણ એ “માણસો” છે, જેઓને “ભેટ તરીકે” આપવામાં આવ્યા છે.

b અમુક નામ બદલ્યાં છે.

c અગાઉ તુર્કી કહેવામાં આવતું હતું.

d જે ભાઈઓ સહાયક સેવક અથવા વડીલ તરીકે સેવા આપવા માંગે છે, તેઓને નવેમ્બર ૨૦૨૪ના ચોકીબુરજમાં આપેલા આ બે લેખોથી મદદ મળશે: “ભાઈઓ—શું તમે સહાયક સેવક બનવાનો ધ્યેય રાખ્યો છે?” અને “ભાઈઓ—શું તમે વડીલ બનવાનો ધ્યેય રાખ્યો છે?