શું તમે જાણો છો?
શાના આધારે કહી શકાય કે પ્રાચીન ઇઝરાયેલીઓ માટે સંગીત મહત્ત્વનું હતું?
સંગીત ઇઝરાયેલીઓના જીવનમાં વણાયેલું હતું. બાઇબલમાં ઘણી વાર જણાવ્યું છે કે લોકો વાજિંત્રો વગાડતા હતા અને ગીતો ગાતા હતા. જોવા જઈએ તો બાઇબલનો આશરે દસમો ભાગ ગીતોનો બનેલો છે. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર, ગીતોનું ગીત અને યર્મિયાનો વિલાપ. એક પુસ્તક પ્રમાણે બાઇબલમાં સાફ જોવા મળે છે કે ‘ઇઝરાયેલીઓ ઘણી પ્રવૃત્તિઓમાં સંગીતનો ઉપયોગ કરતા હતા.’—બાઇબલ સમયમાં સંગીત (અંગ્રેજી).
રોજબરોજના જીવનમાં સંગીત. ઇઝરાયેલીઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરવા ગીતો ગાતા અને વાજિંત્રો વગાડતા. (યશા. ૩૦:૨૯) કોઈ નવા રાજાને રાજગાદીએ બેસાડવામાં આવતો ત્યારે, તહેવારો દરમિયાન અને લડાઈમાં જીત મળતી ત્યારે સ્ત્રીઓ ખંજરી વગાડતી, હર્ષનાં ગીતો ગાતી અને નાચતી-કૂદતી. (ન્યા. ૧૧:૩૪; ૧ શમુ. ૧૮:૬, ૭; ૧ રાજા. ૧:૩૯, ૪૦) કોઈનું મરણ થતું ત્યારે પણ ઇઝરાયેલીઓ વિલાપગીતો ગાતા. (૨ કાળ. ૩૫:૨૫) મેકક્લિન્ટોક અને સ્ટ્રોંગે લખેલા એક પુસ્તકમાં જણાવ્યું છે કે ઇઝરાયેલીઓને સંગીત ખૂબ ગમતું હતું.
રાજદરબારમાં સંગીત. ઇઝરાયેલના રાજાઓને સંગીતથી આનંદ મળતો હતો. રાજા શાઉલે પોતાના રાજદરબારમાં વીણા વગાડવા દાઉદને બોલાવ્યા હતા. (૧ શમુ. ૧૬:૧૮, ૨૩) દાઉદે રાજા બન્યા પછી પણ વાજિંત્રો બનાવ્યાં અને સુંદર ગીતો લખ્યાં. તેમણે ગીતો ગાવા અમુક લોકોને નીમ્યા, જેઓએ પછીથી યહોવાના મંદિરમાં ગીતો ગાયાં. (૨ કાળ. ૭:૬; આમો. ૬:૫) રાજા સુલેમાને પોતાના દરબારમાં ગાયકો અને ગાયિકાઓ રાખ્યાં હતાં.—સભા. ૨:૮.
ભક્તિમાં સંગીત. સૌથી મહત્ત્વનું તો, ઇઝરાયેલીઓ યહોવાની ભક્તિમાં સંગીતનો ઉપયોગ કરતા. યરૂશાલેમના મંદિરમાં વાજિંત્રો વગાડવા ૪,૦૦૦ માણસો હતા. (૧ કાળ. ૨૩:૫) તેઓ ઝાંઝ, તારવાળાં વાજિંત્રો, વીણા અને રણશિંગડાં વગાડતા હતા. (૨ કાળ. ૫:૧૨) પણ એવું ન હતું કે ફક્ત એ કુશળ માણસો જ સંગીત દ્વારા યહોવાની ભક્તિ કરતા હતા. ઘણા ઇઝરાયેલીઓ તહેવાર ઊજવવા યરૂશાલેમ જતા ત્યારે ગીતો ગાતા હતા. એને “ચઢવાનાં ગીતો” કહેવામાં આવતાં. (ગીત. ૧૨૦-૧૩૪) યહૂદી લખાણો પ્રમાણે ઇઝરાયેલીઓ પાસ્ખાના ભોજન વખતે “હાલેલ ગીતો” a ગાતા હતા.
આજે પણ ઈશ્વરના લોકો માટે સંગીત ખૂબ મહત્ત્વનું છે. (યાકૂ. ૫:૧૩) ગીતો ગાવા એ આપણી ભક્તિનો એક ભાગ છે. (એફે. ૫:૧૯) સંગીત બધાને એકતાના તાંતણે જોડે છે. (કોલો. ૩:૧૬) કસોટી સહેતા હોઈએ ત્યારે સંગીત આપણી હિંમત વધારે છે. (પ્રે.કા. ૧૬:૨૫) સંગીત દ્વારા આપણે યહોવા પરની શ્રદ્ધા અને તેમના માટેનો પ્રેમ જાહેર કરી શકીએ છીએ.
a ગીતશાસ્ત્ર ૧૧૩થી ૧૧૮ અધ્યાયને યહૂદીઓ “હાલેલ ગીતો” કહે છે. એ ગીતો યહોવાની સ્તુતિ કરવા ગાવામાં આવતાં.