સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભક્તિમાં પ્રગતિ કરતા રહેવું શા માટે ખૂબ જરૂરી છે?

ભક્તિમાં પ્રગતિ કરતા રહેવું શા માટે ખૂબ જરૂરી છે?

“શાસ્ત્રવાચન પર, બોધ કરવા પર તથા શિક્ષણ આપવા પર ખાસ લક્ષ રાખજે.”—૧ તીમો. ૪:૧૩.

ગીતો: ૪૫, ૪૨

૧, ૨. (ક) યશાયા ૬૦:૨૨ના શબ્દો આ અંતના સમયમાં કઈ રીતે સાચા પડી રહ્યા છે? (ખ) પૃથ્વી પરના યહોવાના સંગઠનમાં અત્યારે શાની જરૂરિયાત ઊભી થઈ છે?

ઈશ્વરભક્ત યશાયા દ્વારા યહોવાએ ભાખ્યું હતું: “છેક નાનામાંથી હજાર થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે.” (યશા. ૬૦:૨૨) એ શબ્દો આ અંતના સમયમાં પૂરા થઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૫માં ૮૨,૨૦,૧૦૫ યહોવાના સાક્ષીઓએ આખી દુનિયામાં રાજ્યની ખુશખબર ફેલાવવાના કામમાં ભાગ લીધો હતો. પોતાના લોકોમાં થનાર એ વધારા વિશે યહોવાએ ભાખ્યું હતું: “હું યહોવા ઠરાવેલે સમયે તે જલદી કરીશ.” તેથી, સમય વહેતો જાય છે તેમ, આપણા બધા માટે પુષ્કળ કામ રહેલું છે. બીજાઓને ખુશખબર જણાવવા અને બાઇબલમાંથી શીખવવા શું તમે બનતું બધું કરી રહ્યા છો? આજે ઘણાં ભાઈ-બહેનો સહાયક કે નિયમિત પાયોનિયર તરીકે સેવા આપી રહ્યા છે. અમુક એવી જગ્યાએ રહેવા ગયા છે, જ્યાં પ્રચારકોની વધુ જરૂર છે. જ્યારે કે, બીજા અમુક રાજ્યગૃહ બાંધવાના કામમાં તનતોડ મહેનત કરી રહ્યા છે.

દર વર્ષે, લગભગ ૨,૦૦૦ નવાં મંડળો સ્થપાય છે. તેથી, કામ કરનાર લોકોની વધારે જરૂર છે. દાખલા તરીકે, એ મંડળોને ચલાવવા વડીલો અને સેવકાઈ ચાકરોની જરૂર છે. દર વર્ષે, હજારો ભાઈઓ સેવકાઈ ચાકર બને અને બીજા હજારો સેવકાઈ ચાકરો વડીલો બને એ ખૂબ જરૂરી છે. તેથી, એ સ્પષ્ટ છે કે, ભાઈઓ તેમજ બહેનો માટે “પ્રભુના કામમાં” કરવા માટે ઘણું છે.—૧ કોરીં. ૧૫:૫૮.

ભક્તિમાં પ્રગતિ કરવા શાની જરૂર છે?

૩, ૪. ભક્તિમાં પ્રગતિ કરવાનો શો અર્થ થાય?

પહેલો તીમોથી ૩:૧ વાંચો. પ્રેરિત પાઊલે એ ભાઈઓની પ્રશંસા કરી હતી, જેઓ અધ્યક્ષ કે વડીલ બનવાની “ઇચ્છા” રાખતા હતા. બાઇબલમાં, “ઇચ્છા રાખે છે” માટે વપરાયેલા મૂળ ગ્રીક શબ્દનો અર્થ આમ પણ થઈ શકે: ‘દૂરની વસ્તુ તરફ પહોંચવા લંબાવવું.’ જેમ કે, કોઈ વ્યક્તિ ઝાડ પરના ફળ સુધી પહોંચવા પોતાનો હાથ બને એટલો લંબાવે છે તેમ. હવે, એક ભાઈનો વિચાર કરો, જે સેવકાઈ ચાકર બનવા મહેનત કરે છે. તે જાણે છે કે, ખ્રિસ્ત જેવા ગુણો કેળવવા તેમણે મહેનત કરવાની જરૂર છે. સેવકાઈ ચાકર બન્યા પછી પણ તે મહેનત કરતા રહે છે, જેથી ભાવિમાં તે વડીલ તરીકે સેવા આપી શકે.

અમુક ભાઈ-બહેનો યહોવાની સેવામાં વધારે કરવા માંગે છે. દાખલા તરીકે, તેઓ પાયોનિયરીંગ કરવા ચાહે છે, બેથેલમાં સેવા આપવા માંગે છે અથવા રાજ્યગૃહ બાંધકામમાં મદદ કરવા ઇચ્છે છે. એ માટે, તેઓએ પોતાના જીવનમાં ઘણા ફેરફારો કર્યા છે. ચાલો જોઈએ કે, ભક્તિમાં પ્રગતિ કરવા બાઇબલ કઈ રીતે આપણને મદદ કરી શકે.

ભક્તિમાં પ્રગતિ કરતા રહો

૫. યુવાનો કઈ રીતે પોતાની શક્તિનો ઉપયોગ રાજ્યના કામમાં કરી શકે?

યુવાનો યહોવાની સેવામાં ઘણું કરી શકે છે. કારણ કે, તેઓ પાસે સારી તંદુરસ્તી અને શક્તિ હોય છે. (નીતિવચનો ૨૦:૨૯ વાંચો.) અમુક યુવાન ભાઈ-બહેનો બેથેલમાં પુસ્તકો અને બાઇબલનું છાપકામ અને એનું બાઇન્ડિંગ કરે છે. બીજા ઘણા યુવાનો રાજ્યગૃહ બાંધકામ અથવા એના સમારકામમાં મદદ કરે છે. અમુક ભાઈ-બહેનો કુદરતી આફતો પછી રાહતકામમાં મદદનો હાથ લંબાવે છે. જ્યારે કે, બીજા ઘણા યુવાન પાયોનિયરો ખુશખબર ફેલાવવા નવી-નવી જગ્યાએ જાય છે અથવા નવી ભાષાઓ શીખે છે.

૬-૮. (ક) યહોવાની સેવા ખુશીથી કરવા એક ભાઈએ કેવા ફેરફારો કર્યા અને એનું કેવું પરિણામ આવ્યું? (ખ) આપણે કઈ રીતે ‘અનુભવ કરી શકીએ અને જોઈ શકીએ કે યહોવા ઉત્તમ છે’?

આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમને આપણું શ્રેષ્ઠ આપવા ચાહીએ છીએ. છતાં, કોઈક વાર આપણને ભાઈ એરન જેવું લાગી શકે. તેમનો ઉછેર સત્યમાં થયો હતો, છતાં તેમને યહોવાની સેવામાં કોઈ આનંદ ન આવતો. તે કબૂલે છે કે, ‘મને સભાઓ અને પ્રચારમાં કંટાળો આવતો.’ ભાઈ ખુશી ખુશી યહોવાની સેવા કરવા ચાહતા, પણ તેમને જરાય ખુશી મળતી નહિ. ભાઈએ કેવાં પગલાં ભર્યાં?

ભાઈએ નિયમિત બાઇબલ વાંચન કરવા, સભાની તૈયારી કરવા અને સભામાં ટીકા આપવા મહેનત કરી. તેમણે દિવસમાં ઘણી વાર પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. એ પગલાં ભરવાથી તેમને ભક્તિમાં પ્રગતિ કરવા મદદ મળી. તે યહોવાને વધુ સારી રીતે ઓળખી શક્યા અને યહોવા માટેનો તેમનો પ્રેમ વધ્યો. એના લીધે, એરનને ઘણી ખુશી મળી. તેમણે પાયોનિયરીંગ કર્યું, કુદરતી આફતો વખતે બીજાઓને મદદ આપી અને બીજા દેશમાં જઈને ખુશખબર ફેલાવી. ભાઈ અત્યારે એક વડીલ છે અને બેથેલમાં સેવા આપે છે. તેમને પોતાના જીવન વિશે કેવું લાગે છે? એરન કહે છે: ‘મેં “અનુભવ કર્યો અને જોયું કે યહોવા ઉત્તમ છે.” યહોવાના આશીર્વાદોને લીધે હું તેમનો કરજદાર છું અને એનાથી મને સેવાકાર્યમાં વધુ કરવા પ્રેરણા મળે છે અને વધુ મહેનત વધુ આશીર્વાદો લાવે છે.’

એક ઈશ્વરભક્તે કહ્યું હતું: ‘અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત હોશે નહિ.’ (ગીતશાસ્ત્ર ૩૪:૮-૧૦ વાંચો.) યહોવાને શ્રેષ્ઠ આપીએ છીએ ત્યારે, આપણને ખુશી મળે છે. કારણ કે, આપણે જાણીએ છીએ કે એમ કરીને આપણે ઈશ્વરને ખુશ કરી રહ્યા છીએ. આપણે ખાતરી રાખી શકીએ કે, તે પણ તેમના વચન મુજબ આપણી કાળજી રાખશે.

ધીરજથી રાહ જુઓ

૯, ૧૦. ધીરજથી રાહ જોવી શા માટે મહત્ત્વનું છે?

કદાચ આપણે યહોવાની સેવામાં વધુ કરવા માંગતા હોઈશું. પણ, જો મંડળમાં કોઈ લહાવો મેળવવા ઘણો સમય વીતી ગયો હોય, તો શું? કે પછી આપણા સંજોગો બદલાય એ માટે રાહ જોવી પડે, તો શું? એવા સમયે આપણે ધીરજ ધરવાની જરૂર પડી શકે. (મીખા. ૭:૭) અને જો યહોવા આપણા હાલના સંજોગોને ચાલવા દે, તોપણ આપણે ખાતરી રાખી શકીએ કે તે હંમેશાં આપણને મદદ કરશે. ઈબ્રાહીમના દાખલામાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. યહોવાએ તેમને વચન આપ્યું હતું કે તેમને એક દીકરો થશે. જોકે, ઘણાં વર્ષો પછી ઈસ્હાકનો જન્મ થયો અને ત્યાં સુધી ઈબ્રાહીમે ઘણી રાહ જોવી પડી. એ વર્ષો દરમિયાન ઈબ્રાહીમે ધીરજ બતાવી અને યહોવા પરની શ્રદ્ધા ગુમાવી નહિ.—ઉત. ૧૫:૩, ૪; ૨૧:૫; હિબ્રૂ ૬:૧૨-૧૫.

૧૦ ખરું કે, રાહ જોવી હંમેશાં સહેલું નથી હોતું. (નીતિ. ૧૩:૧૨) પણ, જો આપણે આપણા સંજોગો અને આપણી નિષ્ફળતા વિશે સતત વિચાર્યા કરીશું, તો નિરાશામાં ડૂબી જઈશું. સારું થશે કે, એ સમયનો ઉપયોગ એવા ગુણો કેળવવામાં કરીએ, જે મંડળની જવાબદારીઓને નિભાવવા આપણને મદદ કરી શકે.

૧૧. આપણે કેવા ગુણો કેળવવા મહેનત કરી શકીએ અને એ ગુણો શા માટે જરૂરી છે?

૧૧ જરૂરી ગુણો અને આવડત કેળવતા રહો. બાઇબલ વાંચવાથી અને એના પર મનન કરવાથી આપણે ડહાપણ અને સમજશક્તિ જેવાં ગુણો તેમજ સારા નિર્ણયો લેવાની આવડત કેળવી શકીએ છીએ. મંડળની સંભાળ રાખવા ભાઈઓને એવા જ ગુણો અને આવડતોની જરૂર છે. (નીતિ. ૧:૧-૪; તીત. ૧:૭-૯) બાઇબલમાંથી અભ્યાસ કરીને આપણે અલગ અલગ વિષયો પર યહોવાના વિચારો જાણી શકીએ છીએ. રોજબરોજ આપણને મનોરંજન, પહેરવેશ, પૈસા અને બીજાઓ સાથેના આપણા વર્તન વિશે નિર્ણયો લેવા પડે છે. બાઇબલમાંથી આપણે જે શીખીએ છીએ એનો ઉપયોગ એવા નિર્ણયો લેવામાં કરીએ, જેનાથી યહોવા ખુશ થાય છે.

૧૨. ભાઈ-બહેનો કઈ રીતે પોતાને ભરોસાપાત્ર સાબિત કરી શકે?

૧૨ પોતાને ભરોસાપાત્ર સાબિત કરો. નહેમ્યાના સમયનો વિચાર કરો. યહોવાની ભક્તિ માટે તેમણે એક મહત્ત્વનું કામ ઉપાડ્યું હતું. પણ, એ કામ પાર પાડવા તેમને જવાબદાર માણસોની જરૂર હતી. તેમણે કેવા માણસોને નીમ્યા? તેમણે એવા માણસોને પસંદ કર્યા જેઓની શાખ સારી હતી. તે જાણતા હતા કે તે માણસો યહોવાને પ્રેમ કરે છે અને કોઈ પણ કામ કરવા તનતોડ મહેનત કરશે. (નહે. ૭:૨; ૧૩:૧૨, ૧૩) એવી જ રીતે, આજે પણ જેઓ ભરોસાપાત્ર છે અને ખૂબ મહેનત કરે છે, તેઓએ સારું નામ કમાયું છે. બની શકે કે, એ લોકોને વધુ જવાબદારીઓ સોંપવામાં આવે. (૧ કોરીં. ૪:૨) તેથી, દરેક ભાઈ-બહેને પોતાની સોંપણી નિભાવવા બનતું બધું જ કરવું જોઈએ.—૧ તીમોથી ૫:૨૫ વાંચો.

૧૩. બીજાઓ ખરાબ વર્તન કરે ત્યારે, તમે કઈ રીતે યુસફને અનુસરી શકો?

૧૩ યહોવા પર ભરોસો રાખો. જો બીજાઓ તમારી સાથે ખરાબ વર્તન કરે, તો તમે શું કરી શકો? કદાચ તમે પોતાની લાગણી તેઓને જણાવી શકો. પરંતુ, જો તમે પોતાનો જ કક્કો ખરો કરવાનો પ્રયત્ન કરશો, તો મુશ્કેલીઓ વધી જશે. આપણે યુસફના દાખલામાંથી ઘણું શીખી શકીએ છીએ. તેમના ભાઈઓએ તેમની જોડે ખૂબ ખરાબ વર્તન કર્યું. લોકો યુસફ વિશે ખોટું બોલ્યા. કોઈ વાંક-ગુના વગર તેમણે કેદની સજા ભોગવવી પડી. પરંતુ, યુસફે એ સંજોગોમાં યહોવા પર ભરોસો રાખ્યો. તેમણે યહોવાએ આપેલાં વચનો પર મનન કર્યું અને યહોવાને વફાદાર રહ્યા. (ગીત. ૧૦૫:૧૯) એ કપરા સંજોગોમાં તેમણે ઘણા સારા ગુણો કેળવ્યા. પછીથી, જ્યારે તેમને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી, ત્યારે એ ગુણોને લીધે તે એને સારી રીતે હાથ ધરી શક્યા. (ઉત. ૪૧:૩૭-૪૪; ૪૫:૪-૮) જો કોઈએ તમારી જોડે ખરાબ વર્તન કર્યું હોય, તો ડહાપણ માટે યહોવાને પ્રાર્થના કરો. તે તમને શાંત મન રાખવા અને બીજાઓ જોડે નમ્રતાથી વાત કરવા મદદ કરશે.—૧ પીતર ૫:૧૦ વાંચો.

પ્રચારકાર્યમાં પ્રગતિ કરીએ

૧૪, ૧૫. (ક) આપણે જે રીતે લોકોને શીખવીએ છીએ, એ વિશે શા માટે “સાવધ” રહેવાની જરૂર છે? (ખ) ખુશખબર ફેલાવવા આપણે સંજોગો પ્રમાણે કેવા ફેરફારો કરવા પડે? (શરૂઆતનું ચિત્ર અને “ શું તમે નવી નવી રીતો અપનાવવા તૈયાર છો?” બૉક્સ જુઓ.)

૧૪ પાઊલે તીમોથીને ઉત્તેજન આપ્યું હતું: “શાસ્ત્રવાચન પર, બોધ કરવા પર તથા શિક્ષણ આપવા પર ખાસ લક્ષ રાખજે. તારે પોતાને વિશે તથા તારા ઉપદેશ વિશે સાવધ રહેજે.” (૧ તીમો. ૪:૧૩, ૧૬) તીમોથી તો વર્ષોથી ખુશખબર ફેલાવી રહ્યા હતા. છતાં, પોતાના સેવાકાર્યને વધુ અસરકારક બનાવવા તેમણે પોતાની શીખવવાની રીત વિશે “સાવધ” રહેવાનું હતું. તેમણે એમ માની લેવાનું ન હતું કે, તે જે રીતે શીખવે છે એનાથી લોકો સત્ય સ્વીકારી લેશે. પરંતુ, લોકોના હૃદય સુધી પહોંચવા, તેમણે લોકોની જરૂરિયાત પ્રમાણે પોતાની શીખવવાની રીતમાં ફેરફાર કરવાની જરૂર હતી. ખુશખબર ફેલાવવાના કામમાં આપણે પણ એવું જ કરવાની જરૂર છે.

૧૫ ઘરઘરના પ્રચારમાં ઘણી વાર લોકો આપણને ઘરે મળતા નથી. અમુક કોલોની અને મોટા ઍપાર્ટમેન્ટમાં જવાની આપણને પરવાનગી મળતી નથી. જો તમારા પ્રચાર વિસ્તારમાં પણ એવું બનતું હોય, તો લોકો સુધી પહોંચવા શું તમે બીજી રીતો અપનાવી શકો?

૧૬. જાહેરમાં પ્રચાર કરવું શા માટે અસરકારક સાબિત થઈ શકે છે?

૧૬ ઘણાં ભાઈ-બહેનોને જાહેરમાં પ્રચાર કરવામાં ખૂબ મજા આવે છે. દાખલા તરીકે, રેલવે સ્ટેશન, બસ ડેપો, બજાર અને બગીચાઓમાં. કોઈ વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરવા તાજેતરમાં થયેલા બનાવ વિશે જણાવી શકાય. અથવા વ્યક્તિનાં બાળકોના વખાણ કરી શકાય કે તેમના નોકરી-ધંધાને લઈને સવાલ પૂછી શકાય. જો આપણને લાગે કે તે વ્યક્તિ પણ વાતચીતનો આનંદ માણી રહી છે, તો આપણે તેને બાઇબલમાંથી કોઈ સારો મુદ્દો જણાવી શકીએ. પછી એ વ્યક્તિને પોતાના વિચારો જણાવવા કહી શકીએ. આમ, બાઇબલમાંથી વધુ જણાવવાની તક ઊભી થાય છે.

૧૭, ૧૮. (ક) આપણે કઈ રીતે વધારે હિંમતથી જાહેરમાં પ્રચાર કરી શકીએ? (ખ) પ્રચારમાં લાગુ રહીને આપણે કઈ રીતે દાઊદની જેમ યહોવાનો મહિમા કરી શકીએ?

૧૭ બની શકે કે, તમને રસ્તે આવતા-જતા લોકો સાથે વાત શરૂ કરવી અઘરું લાગતું હોય. ન્યૂ યૉર્ક શહેરમાં પાયોનિયરીંગ કરતા ભાઈ એડીને પણ એવું જ લાગતું હતું. વધુ હિંમતથી લોકો જોડે વાત કરવા તેમને શામાંથી મદદ મળી? ભાઈ કહે છે: ‘પ્રચારમાં મળતા લોકો અમુક વિષયોને લઈને સવાલો ઉઠાવતા હોય છે કે પોતાના વિચારો જણાવતા હોય છે. એના જવાબ શોધવા હું અને મારી પત્ની કુટુંબ તરીકેની ભક્તિમાં સંશોધન કરીએ છીએ. ઉપરાંત, વધુ સૂચનો માટે ભાઈ-બહેનોની પણ મદદ લઈએ છીએ.’ એનું કેવું પરિણામ આવ્યું? હવે, ભાઈ એડી જાહેરમાં પ્રચાર કરવા હંમેશાં આતુર રહે છે.

૧૮ જ્યારે આપણે પ્રચારકામમાં આનંદ માણીએ છીએ અને ખુશખબર જણાવવાની રીતમાં સુધારો કરીએ છીએ, ત્યારે સર્વ લોકો જોઈ શકે છે કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. (૧ તીમોથી ૪:૧૫ વાંચો.) વધુમાં, રાજા દાઊદની જેમ આપણે ઊંચે અવાજે યહોવાનો મહિમા કરી શકીશું. તેમણે કહ્યું હતું: ‘હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે. હું યહોવાને લીધે વડાઈ કરીશ; દીન લોકો તે સાંભળીને આનંદ કરશે.’ (ગીત. ૩૪:૧, ૨) બની શકે કે, આપણા પ્રચારને લીધે, નમ્ર દિલના લોકો સાચી ભક્તિ તરફ ખેંચાય અને આપણી સાથે મળીને યહોવાની સેવાનો આનંદ માણે.

ભક્તિમાં પ્રગતિ કરીને યહોવાને મહિમા આપતા રહો

૧૯. કપરા સંજોગોમાં પણ યહોવાના વફાદાર ભક્તે શા માટે ખુશ રહેવું જોઈએ?

૧૯ રાજા દાઊદે આમ પણ કહ્યું: “હે યહોવા, તારાં સર્વ કામ તારો આભાર માનશે; અને તારા ભક્તો તને સ્તુત્ય માનશે. તેઓ તારા રાજ્યના ગૌરવ વિશે બોલશે, તેઓ તારા પરાક્રમ સંબંધી વાતો કરશે; એથી માણસો તેનાં પરાક્રમી કામ, તથા તેના રાજ્યના ગૌરવની શોભા વિશે જાણશે.” (ગીત. ૧૪૫:૧૦-૧૨) જેઓ યહોવાને પ્રેમ કરે છે અને તેમને વફાદાર રહે છે, તેઓ બીજાઓને યહોવા વિશે જણાવવા હંમેશાં આતુર હોય છે. પરંતુ, બીમારી કે વૃદ્ધાવસ્થાને લીધે તમે સેવાકાર્યમાં બહુ કરી શકતા ન હો, તો શું? હંમેશાં યાદ રાખો કે, જ્યારે તમે તમારા નર્સ કે ડૉક્ટર જોડે યહોવા વિશે વાત કરો છો, ત્યારે તમે યહોવાને મહિમા આપો છો. જો તમે શ્રદ્ધાને લીધે જેલમાં છો, તો સંજોગો પ્રમાણે તમે બીજાઓને યહોવા વિશે જણાવતા હશો. તમારા એ પ્રયત્નોથી તમે યહોવાના દિલને ખુશ કરો છો. (નીતિ. ૨૭:૧૧) બની શકે કે, તમારા કુટુંબમાંથી તમે એકલા જ યહોવાની સેવા કરો છો. એવા સંજોગોમાં પણ યહોવાની ભક્તિમાં લાગુ રહીને તમે યહોવાને ખુશ કરો છો. (૧ પીત. ૩:૧-૪) અરે, કપરા સંજોગોમાં પણ તમે યહોવાને મહિમા આપી શકો છો અને ભક્તિમાં પ્રગતિ કરી શકો છો.

૨૦, ૨૧. યહોવાની સેવામાં વધુ મહેનત કરીને, તમે કઈ રીતે બીજાઓ માટે આશીર્વાદ સાબિત થઈ શકો?

૨૦ જો તમે યહોવાના ગાઢ મિત્ર બનવા અને તેમની સેવા કરવા બનતો પ્રયત્ન કરશો, તો યહોવા ચોક્કસ તમને આશીર્વાદ આપશે. તમારા રોજિંદા નિત્યક્રમમાં થોડા ફેરફારો કરવાથી તમને યહોવાના અદ્ભુત વચનો વિશે બીજાઓને શીખવવાની અનેક તકો મળશે. ઉપરાંત, તમે મંડળનાં ભાઈ-બહેનોને વધુ મદદ કરી શકશો. જરા વિચારો કે, તમને મંડળમાં સખત મહેનત કરતા જોઈને, મંડળનાં ભાઈ-બહેનોને કેટલી ખુશી મળશે. ચોક્કસ તેઓ તમને પ્રેમ કરવા પ્રેરાશે.

૨૧ ભલે આપણે ગમે તેટલા વર્ષોથી યહોવાની સેવા કરતા હોઈએ, છતાં તેમની વધુ નજીક જઈ શકીએ છીએ અને ભક્તિમાં પ્રગતિ કરતા રહી શકીએ છીએ. આવતા લેખમાં આપણે ચર્ચા કરીશું કે, ભક્તિમાં પ્રગતિ કરવા આપણે કઈ રીતે બીજાઓને મદદ આપી શકીએ.