સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

આપવાથી મળતી ખુશીનો મેં અનુભવ કર્યો

આપવાથી મળતી ખુશીનો મેં અનુભવ કર્યો

હું ૧૨ વર્ષનો હતો ત્યારે, મને અહેસાસ થયો કે મારી પાસે કંઈક કીમતી છે, જે હું બીજાઓને આપી શકું છું. એક સંમેલનમાં, એક ભાઈએ મને પૂછ્યું કે, ‘શું તારે પ્રચાર કરવો છે?’ મેં ક્યારેય પ્રચાર કર્યો ન હતો, છતાં મેં તેમને “હા” પાડી. અમે પ્રચાર વિસ્તારમાં પહોંચ્યા ત્યારે, તેમણે મને ઈશ્વરના રાજ્ય વિશે જણાવતી અમુક પુસ્તિકાઓ આપી. તેમણે મને કહ્યું: ‘તું રસ્તાની પેલી બાજુના ઘરોમાં વાત કર અને હું રસ્તાની આ બાજુના ઘરોમાં જઈને વાત કરીશ.’ મેં ડરતાં ડરતાં શરૂઆત કરી અને ઘરેઘરે સંદેશો આપવા લાગ્યો. મને નવાઈ લાગી કે મારી બધી પુસ્તિકાઓ થોડી જ વારમાં પૂરી થઈ ગઈ. સાચે જ, હું જે આપી રહ્યો હતો, એ ઘણી વ્યક્તિઓને જોઈતું હતું.

મારો જન્મ ૧૯૨૩માં ચધામ નામના એક નાના શહેરમાં થયો હતો. એ શહેર ઇંગ્લૅન્ડના કેન્ટ વિસ્તારમાં આવેલું છે. મારો ઉછેર એવા લોકો મધ્યે થયો હતો, જેઓ નિરાશાનો ભોગ બન્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકો આશા રાખતા હતા કે, આખી દુનિયામાં શાંતિ ફેલાશે. પણ, એવું ન થયું ત્યારે ઘણા લોકો નિરાશ થઈ ગયા, મારાં માતા-પિતા પણ. તેઓ તો બાપ્તિસ્ટ ચર્ચના પાદરીઓના વલણથી પણ ઘણા નિરાશ થઈ ગયા હતા, કારણ કે પાદરીઓને ચર્ચમાં ઊંચો હોદ્દો મેળવવાની જ પડી હતી. હું નવેક વર્ષનો હતો ત્યારે, મારી માતાએ બાઇબલ વિદ્યાર્થીઓના હૉલમાં જવાનું શરૂ કર્યું, જ્યાં તેઓ પોતાના “ક્લાસીસ” કે સભા ભરતા. એ બાઇબલ વિદ્યાર્થીઓએ “યહોવાના સાક્ષીઓ” નામ અપનાવ્યું હતું. ત્યાં આપણા એક બહેન બાળકોને બાઇબલ અને ધ હાર્પ ઑફ ગૉડ પુસ્તકમાંથી શીખવતા. હું જે શીખી રહ્યો હતો, એ મને ગમતું હતું.

અનુભવી ભાઈઓના હાથ નીચે

હું તરુણ હતો ત્યારે, બાઇબલમાંથી ભવિષ્યની આશા વિશે બીજાઓને જણાવવું મને ખૂબ ગમતું. મોટા ભાગે હું એકલો એકલો જ પ્રચાર વિસ્તારમાં જતો અને ઘરેઘરે પ્રચાર કરતો. જોકે, હું બીજાં ભાઈ-બહેનો પાસેથી પણ પ્રચાર કરવાનું શીખ્યો. દાખલા તરીકે, એક દિવસે હું અને એક વૃદ્ધ ભાઈ સાઇકલ પર પ્રચારમાં જઈ રહ્યા હતા. રસ્તામાંથી પસાર થતા એક પાદરીને જોઈને મેં કહ્યું: ‘જુઓ, એક બકરો જાય છે.’ ભાઈએ સાઇકલ રોકી. ત્યાં ઝાડનું એક થડ પડ્યું હતું, એના પર તેમની સાથે બેસવા જણાવ્યું. પછી તેમણે મને પૂછ્યું: ‘કોણ બકરાં જેવા છે એ ન્યાય કરવાનો અધિકાર તને કોણે આપ્યો છે? બીજાઓને ખુશખબર આપીએ અને એમાં જ આનંદ માણીએ. ન્યાય કરવાનું કામ યહોવા પર છોડી દઈએ.’ શરૂઆતના એ દિવસોમાં, બીજાઓને આપવાથી ખુશી મળે છે, એ વિશે હું ઘણું શીખ્યો.—માથ. ૨૫:૩૧-૩૩; પ્રે.કૃ. ૨૦:૩૫.

બીજા એક વૃદ્ધ ભાઈએ મને શીખવ્યું કે, આપવાથી મળતી ખુશીનો અનુભવ કરવો હોય તો ધીરજ ધરવી પડે. ભાઈની પત્નીને યહોવાના સાક્ષીઓ જરા પણ ન ગમતા. એક વાર, ચા-નાસ્તા માટે તેમણે મને ઘરે બોલાવ્યો. ભાઈ પ્રચાર માટે ઘરથી બહાર હતા, એટલે તેમનાં પત્ની એટલા ગુસ્સે ભરાયાં કે અમારા પર ટી-બેગ્સ ફેંકવા લાગ્યાં. તેમને ધમકાવવાને બદલે ભાઈએ ખુશી ખુશી એ બધી ટી-બેગ્સ એની જગ્યાએ પાછી મૂકી. વર્ષો પછી, ભાઈને ધીરજનું ફળ મળ્યું; તેમનાં પત્નીએ બાપ્તિસ્મા લીધું અને યહોવાના સાક્ષી બન્યાં.

સપ્ટેમ્બર ૧૯૩૯માં બ્રિટને જર્મની સામે યુદ્ધનું એલાન કર્યું. એ વખતે હું ૧૬ વર્ષનો હતો. અમુક મહિનાઓ પછી, ૧૯૪૦ના માર્ચ મહિનામાં મેં અને મારાં મમ્મીએ ડોવર શહેરમાં બાપ્તિસ્મા લીધું. જૂન ૧૯૪૦માં ડનકર્કના યુદ્ધમાંથી બચી ગયેલા ઘાયલ સૈનિકોને ટ્રકમાં પાછા લાવવામાં આવ્યા. એ નજારો મેં મારા ઘરઆંગણેથી જોયો હતો. તેઓની આંખોમાં કોઈ પણ આશા દેખાતી ન હતી. મને ખૂબ ઇચ્છા થતી કે હું જઈને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે જણાવું. એ વર્ષના અંતે બ્રિટન તરફથી બૉમ્બ ફેંકાવાના શરૂ થયા. રોજ રાતે, હું જોતો કે જર્મનીનું વાયુદળ અમારા વિસ્તાર પરથી પસાર થતું. બૉમ્બ પડવાનો અવાજ કાને પડતો અને એનાથી કંપારી છૂટી જતી. બીજી સવારે અમે બહાર નીકળતા ત્યારે, આખા વિસ્તારના ઘરો તબાહ થઈ ગયેલા નજરે પડતા. મને વધારે ને વધારે અહેસાસ થતો ગયો કે, ઈશ્વરનું રાજ્ય જ મારા માટે આશાનું કિરણ છે.

હું આપવાનું શીખ્યો

૧૯૪૧માં મેં પૂરા સમયની સેવા શરૂ કરી. એ ખુશહાલ જીવનની એક નવી શરૂઆત હતી. એ અરસામાં હું ઍપ્રેન્ટિસ તરીકે રોયલ નામની ગોદીમાં વહાણનું બાંધકામ શીખતો. એવી નોકરી માટે લોકો પડાપડી કરતા, કારણ કે એમાં ઘણો લાભ થતો. યહોવાના સેવકોને લાંબા સમયથી ખ્યાલ આવી ગયો હતો કે, ખ્રિસ્તીઓએ પોતાના દેશ માટે બીજા દેશો સામે લડવું ન જોઈએ. ૧૯૪૧ સુધીમાં અમને અહેસાસ થઈ ગયો હતો કે, અમારે હથિયારના ઉદ્યોગમાં કામ ન કરવું જોઈએ. (યોહા. ૧૮:૩૬) અમારી ગોદીમાં સબમરીન બનતી હતી. એટલે, મેં નક્કી કર્યું કે હું મારી નોકરી છોડી દઈશ અને પૂરા સમયની સેવામાં જોડાઈશ. મારી પહેલી સોંપણી કૉટ્સવોલ્ડ્‌સના નાના શહેર સાયરનસેસ્ટરમાં હતી, જે કુદરતી સૌંદર્યથી ભરપૂર હતું.

યુદ્ધમાં જોડાવાનો નકાર કરવાને લીધે મને નવ મહિના માટે જેલમાં પૂરવામાં આવ્યો. એ વખતે હું ૧૮ વર્ષનો હતો. મારી કોટડીનો દરવાજો પછાડીને બંધ કરવામાં આવ્યો અને મને એકલો પૂરી દેવામાં આવ્યો. એ અનુભવ ભયાવહ હતો. જોકે, થોડા જ સમયમાં જેલના કેદીઓ અને ઉપરીઓ મને પૂછવા લાગ્યા કે, મને શા માટે પૂરવામાં આવ્યો છે. મેં ઘણા ઉમળકાથી તેઓને મારી માન્યતા અને શ્રદ્ધા વિશે જણાવ્યું.

જેલમાંથી છૂટ્યા પછી મને લિઓનાર્ડ સ્મિથ * સાથે કેન્ટ વિસ્તારના નાનાં શહેરોમાં પ્રચારની સોંપણી મળી. મારો ઉછેર એ જ વિસ્તારમાં થયો હતો. લંડન પર બૉમ્બમારો ચલાવવા નાઝીના વિમાનોએ કેન્ટ પરથી જવું પડતું. ૧૯૪૪ની શરૂઆતમાં ડુડલબગ્સ તરીકે ઓળખાતા એક હજારથી વધુ બૉમ્બ કેન્ટ પર ફેંકવામાં આવ્યા. એ બૉમ્બ વિસ્ફોટકોથી ભરેલા વિમાન હતા, જેમાં કોઈ પાયલટ ન હતા. જ્યારે વિમાનના એન્જિનનો અવાજ બંધ થવા લાગતો ત્યારે, અમે સમજી જતા કે ગણતરીની પળોમાં એ ભોંય ભેગું થશે અને મોટો વિસ્ફોટ થશે. ચારે બાજુ આતંક જ આતંક હતો. એવા સંજોગોમાં પણ અમે પાંચ સભ્યોવાળા એક કુટુંબનો બાઇબલ અભ્યાસ ચલાવતા. ઘણી વખત, અમે લોખંડના ટેબલ નીચે બેસતા. એ ટેબલ એ રીતે બનાવવામાં આવ્યું હતું કે ઘર પડી ભાંગે ત્યારે, એની નીચે રક્ષણ મેળવી શકાય. સમય જતાં, તે આખા કુટુંબે બાપ્તિસ્મા લીધું.

ખુશખબરને સરહદ પાર લઈ જવી

મારા શરૂઆતના પાયોનિયરીંગના દિવસોમાં આયરલૅન્ડમાં સંમેલનની જાહેરાત કરતી વખતે

યુદ્ધ પછી મેં દક્ષિણ આયરલૅન્ડમાં બે વર્ષ પાયોનિયરીંગ કર્યું. અમને જરાય ખબર ન હતી કે આયરલૅન્ડ ઇંગ્લૅન્ડ કરતાં એકદમ અલગ હશે. અમે તો ઘરેઘરે જતા અને કહેતા કે, અમે મિશનરી છીએ અને અમને રહેવા માટે ઘર જોઈએ છે. રસ્તે ચાલતા લોકોને અમે મૅગેઝિન આપતા. કૅથલિક દેશમાં એ બધું કરવું કેટલું મૂર્ખતાભર્યું હતું! એક વ્યક્તિએ અમને મારવાની ધમકી આપી ત્યારે, મેં પોલીસ અધિકારીને ફરિયાદ કરી. પણ, તેણે કહ્યું કે, ‘તો આના સિવાય તું શાની આશા રાખે છે?’ અમને ખ્યાલ જ ન હતો કે પાદરીઓનું આટલું બધું વર્ચસ્વ હશે. જો લોકો અમારાં પુસ્તકો લેતાં, તો પાદરીઓ તેઓને નોકરીમાંથી કાઢી મુકાવતા. અરે, તેઓએ તો અમને અમારા ભાડાના ઘરમાંથી પણ કાઢી મુકાવ્યા.

થોડા જ સમયમાં અમે સમજી ગયા કે, નવા વિસ્તારમાં જઈએ ત્યારે, એવી જગ્યાએ પ્રચાર કરવો સારું રહેશે, જ્યાં પાદરી અમને ઓળખતા ન હોય. તેથી, અમે અમારા રહેઠાણથી દૂરના વિસ્તારમાં જતા અને પહેલા ત્યાંના લોકોને ખુશખબર જણાવતા. એ પછી અમે નજીકના વિસ્તારમાં પ્રચાર કરતા. કિલકેનીમાં, હિંસક ટોળાનો ડર હોવા છતાં અમે એક યુવાનનો અઠવાડિયામાં ત્રણ વખત બાઇબલ અભ્યાસ ચલાવતા. બીજાઓને બાઇબલમાંથી શીખવવાનું મને એટલું ગમતું કે, હું મિશનરી તાલીમ લેવા ચાહતો હતો. તેથી, મેં વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડમાં જવા અરજી કરવાનો નિર્ણય કર્યો.

૧૯૪૮થી ૧૯૫૩ સુધી સીબિયા નામનું વહાણ, અમારા માટે જાણે મિશનરી ઘર સમાન હતું

ન્યૂ યૉર્કમાં પાંચ મહિનાની તાલીમ પછી, મને અને બીજા ત્રણ ગિલયડ ગ્રૅજ્યુએટને કૅરિબિયન સમુદ્રના નાના ટાપુઓમાં સોંપણી મળી. નવેમ્બર ૧૯૪૮માં અમે ન્યૂ યૉર્ક છોડીને વહાણ મુસાફરી શરૂ કરી. સઢવાળું એ વહાણ ૧૮ મીટર (૫૯ ફૂટ) ઊંચું હતું અને એનું નામ સીબિયા હતું. મેં પહેલાં ક્યારેય દરિયાઈ મુસાફરી કરી ન હતી. તેથી, હું ઘણો રોમાંચ અનુભવતો હતો. અમારા એક સાથી ગેસ્ટ માકી, જહાજના અનુભવી કપ્તાન હતા. તેમણે અમને વહાણ હંકારવા વિશેની અમુક બાબતો શીખવી. જેમ કે, વહાણના સઢને કઈ રીતે ઉપર-નીચે કરવું, હોકાયંત્રનો કઈ રીતે ઉપયોગ કરવો તેમજ સામા પવને કઈ રીતે વહાણ હંકારવું. બહામાસ પહોંચતા સુધી ગેસ્ટે કુશળતાપૂર્વક જોખમી તોફાનમાં વહાણને ૩૦ દિવસ હંકાર્યું.

‘ટાપુઓમાં તે પ્રગટ કરો’

બહામાસના નાના ટાપુઓમાં અમુક મહિના પ્રચાર કર્યા પછી, અમે લીવર્ડ અને વિન્ડવર્ડ નામના ટાપુઓ તરફ હંકારી ગયા. એ નાના ટાપુઓ વર્જિન ટાપુઓથી લઈને લગભગ ત્રિનિદાદ સુધી આશરે ૮૦૦ કિલોમીટરમાં ફેલાયેલા હતા. પાંચ વર્ષ સુધી અમે એવા છૂટાછવાયા ટાપુઓમાં પ્રચાર કર્યો, જ્યાં કોઈ સાક્ષી ન હતું. અમુક વાર અમને અઠવાડિયાઓ સુધી ટપાલ મળતી નહિ કે અમે મોકલી પણ શકતા નહિ. પણ, એ ‘ટાપુઓમાં’ યહોવાનો સંદેશો ફેલાવવામાં અમને કેટલી ખુશી મળી હતી.—યિર્મે. ૩૧:૧૦.

સીબિયામાં સફર કરનાર મિશનરીઓ (ડાબેથી જમણે): રોનાલ્ડ પાર્કીન, ડીક રાઇડ, ગેસ્ટ માકી અને સ્ટેન્લી કાર્ટર

અખાત પાસે અમે વહાણ લાંગરતા ત્યારે, ત્યાંના રહેવાસીઓમાં ભારે ઉત્સુકતા ફેલાઈ જતી. અમે કોણ છીએ એ જોવા દરિયાકિનારે લોકોનાં ટોળાં ઊમટી પડતાં. અમુક લોકોએ એવું વહાણ કે ગોરો માણસ પહેલાં ક્યારેય જોયો ન હતો. એ ટાપુના લોકો ધાર્મિક અને મળતાવડા હતા તેમજ બાઇબલ વિશે જાણતા હતા. ઘણી વાર તેઓ અમને તાજી માછલી, ફળ (ઍવાકાડો) અને મગફળી આપતાં. અમારા નાના વહાણમાં સૂવા, રાંધવા કે કપડાં ધોવાં બહુ ઓછી જગ્યા હતી, પણ અમારું કામ ચાલી જતું.

અમે કિનારે કિનારે વહાણ હંકારતા અને આખો દિવસ લોકોને મળતા. અમે તેઓને જણાવતા કે બાઇબલ પ્રવચનની ગોઠવણ કરવામાં આવી છે. પછી, સાંજે અમે વહાણનો ઘંટ વગાડતા. ત્યાંના રહેવાસીઓને આવતા જોવું કેટલું અદ્ભુત હતું! તેઓના દીવા ટેકરી પરથી ઊતરતા ટમટમતા તારા જેવા લાગતા હતા. અમુક વાર સોએક જેટલા લોકો આવતા અને એટલા સવાલો પૂછતા કે રાત પડી જતી. તેઓને ગીતો ગાવાનું ઘણું ગમતું હોવાથી અમે અમુક રાજ્યગીતો ટાઈપ કરીને તેઓને આપ્યાં. અમે ચારેય જણા સૂરમાં ગાવાની બનતી કોશિશ કરતા અને અમારા સૂરમાં તેઓનો સૂર મધુર રીતે ભળી જતો. એ માહોલ કેટલો ખુશહાલ હતો!

અમે જેઓનો બાઇબલ અભ્યાસ ચલાવતા તેઓમાંના અમુક લોકો તેઓના અભ્યાસ પછી અમારી સાથે સાથે બીજા ઘરે આવતા અને એ કુટુંબના અભ્યાસમાં પણ જોડાતા. જોકે, અમુક અઠવાડિયાઓ વીત્યા પછી અમારે એ જગ્યા છોડીને બીજે જવું પડતું. એટલે, ઘણી વાર અમે સૌથી વધુ રસ ધરાવનાર લોકોને કહેતા કે અમે પાછા આવીએ ત્યાં સુધી બીજાઓનો અભ્યાસ ચલાવતા રહે. અમુક પોતાની સોંપણી દિલથી નિભાવતા, એ જોઈને અમારું દિલ આનંદથી છલકાઈ ઊઠતું.

આજે, મોટા ભાગના એ ટાપુઓ પર્યટકોનું આકર્ષણ બન્યા છે. પણ, અગાઉ એ ટાપુઓ ઘણા શાંત હતા. ત્યાં ફક્ત ખજૂરીનાં ઝાડ, રેતાળ દરિયા કિનારા અને એનાથી જોડાયેલા છીછરા પાણીના સરોવર હતાં. એક ટાપુથી બીજા ટાપુ પર જવા અમે મોટા ભાગે રાત્રે વહાણ હંકારતા. અમુક ડૉલ્ફિન ઉછળતી કૂદતી અમારા વહાણની સાથે સાથે તરતી. અમારું વહાણ આગળ વધતું તેમ, અમને ફક્ત વહાણ સાથે અફળાતા પાણીનો અવાજ કાને પડતો. શાંત દરિયામાં પડતી ચંદ્રની રોશની જાણે ક્ષિતિજ સુધી ઝળહળતો માર્ગ બનાવતી હોય એવું લાગતું.

એ ટાપુઓ પર અમે પાંચ વર્ષ પ્રચાર કર્યો. પછી, અમારા સઢવાળા વહાણને બદલીને એન્જિનવાળી હોડી ખરીદવા અમે પોર્ટો રિકો ગયા. ત્યાં મારી મુલાકાત મેક્સિન બૉઇડ જોડે થઈ, જે એક સુંદર મિશનરી બહેન હતી. તેને જોતા જ હું તેના પ્રેમમાં પડી ગયો. તે બાળપણથી જ ઉત્સાહી પ્રચારક હતી. ૧૯૫૦માં કૅથલિક સરકારે તેનો દેશનિકાલ કર્યો ત્યાં સુધી તે ડોમિનિકન પ્રજાસત્તાકમાં મિશનરી તરીકે સેવા આપતી હતી. વહાણના સદસ્ય તરીકે મને પોર્ટો રિકોમાં ફક્ત એક મહિનો રહેવાની પરવાનગી હતી. હું જલદી જ ટાપુઓ પર પાછો જવાનો હતો અને અમુક વર્ષો સુધી પાછો અહીં આવવાનો ન હતો. તેથી, મેં પોતાને કહ્યું, ‘રોનાલ્ડ, જો તારે આ છોકરી જોઈતી હોય, તો જલદી જ કંઈક કરવું પડશે.’ ત્રણ અઠવાડિયા પછી મેં લગ્ન માટે તેનો હાથ માંગ્યો અને છ અઠવાડિયા પછી અમે લગ્ન કર્યું. મને અને મેક્સિનને પોર્ટો રિકોમાં જ મિશનરી તરીકેની સોંપણી મળી. તેથી, નવી હોડીમાં બીજે ક્યાંક જવાનો મને મોકો જ ન મળ્યો.

૧૯૫૬માં અમે સરકીટ કામ શરૂ કર્યું. એ વિસ્તારના ઘણાં ભાઈ-બહેનો સાવ ગરીબ હતાં, પણ તેઓની મુલાકાત લેવાનું અમને ખૂબ ગમતું. દાખલા તરીકે, પોટાલા પેસ્ટિલોના એક ગામમાં બે સાક્ષી કુટુંબો રહેતાં હતાં. એ કુટુંબોમાં ઘણાં બાળકો હતાં. તેઓ માટે હું વાંસળી વગાડતો. એ બાળકોમાં હિલ્ડા નામની એક નાની છોકરી હતી. મેં તેને અમારી સાથે પ્રચારમાં આવવા વિશે પૂછ્યું. તેણે કહ્યું: ‘મારે તો આવવું છે, પણ મારી પાસે ચંપલ નથી.’ અમે તેના માટે ચંપલ ખરીદ્યા અને તે અમારી સાથે પ્રચારમાં આવી. એ બનાવના વર્ષો પછી, ૧૯૭૨માં હું અને મેક્સિન બ્રુકલિન બેથેલની મુલાકાતે ગયા. એ વખતે એક બહેન અમને મળવા આવી. ગિલયડ સ્કૂલમાંથી તાલીમ લઈને તે ઇક્વેડોરમાં મળેલી પોતાની સોંપણીમાં જવાની તૈયારી કરી રહી હતી. તેણે કહ્યું: ‘તમે મને ઓળખી? હું પેસ્ટિલોની પેલી નાની છોકરી છું, જેની પાસે ચંપલ ન હતા.’ હા, તે હિલ્ડા હતી. તેને જોઈને અમારી આંખો ખુશીના આંસુથી છલકાઈ ગઈ.

૧૯૬૦માં અમે પોર્ટો રિકોની શાખામાં સેવા આપવાનું શરૂ કર્યું, જે સેન્ટુર્સ, સાન વૉનમાં એક નાના મકાનમાં ચાલતી હતી. શરૂઆતમાં હું અને લેનાર્ટ જોનસન મોટા ભાગનું કામ કરતા. તે અને તેમના પત્ની ડોમિનિકન પ્રજાસત્તાકમાં પ્રથમ યહોવાના સાક્ષીઓ હતાં અને તેઓ ૧૯૫૭માં પોર્ટો રિકો આવ્યાં હતાં. પછીથી, મેક્સિન એ લોકો માટે મૅગેઝિન મોકલી આપતી, જેઓએ લવાજમ ભર્યાં હતાં. તે દર અઠવાડિયે એક હજારથી વધુ મૅગેઝિન મોકલી આપતી. તેને એ કામ કરવું ગમતું, કારણ કે તે એ લોકોનો વિચાર કરતી, જેઓ યહોવા વિશે જાણવા માંગતા હતા.

હું બેથેલ સેવાનો આનંદ માણું છું, કારણ કે ત્યાં હું મારી શક્તિનો ઉપયોગ યહોવાની સેવામાં કરું છું. પરંતુ, બેથેલ સેવા હંમેશાં સહેલી નથી હોતી. ચાલો એક અનુભવ જણાવું. ૧૯૬૭માં પોર્ટો રિકોમાં પહેલું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. મારા પર એના આયોજનની ઘણી જવાબદારીઓ હતી અને હું જાણે ભારથી લદાઈ ગયો હતો. એ સમયે યહોવાના સાક્ષીઓમાં આગેવાની લેતા ભાઈ નાથાન નોર પોર્ટો રિકો આવ્યા હતા. તેમને થયું કે મુલાકાતી મિશનરીઓ માટે મેં આવવા-જવાની વ્યવસ્થા કરી નથી. જોકે, મેં સારી વ્યવસ્થા કરી હતી. છતાં, ભાઈએ મને આયોજનને લઈને કડક સલાહ આપી અને જણાવ્યું કે તે મારા કામથી ઘણા નિરાશ થયા છે. હું તેમની સાથે દલીલમાં ઉતરવા માંગતો ન હતો. પણ, મને લાગ્યું કે તેમણે મારી સાથે અન્યાય કર્યો છે અને હું અમુક સમય માટે નિરાશ થઈ ગયો. જોકે, બીજા એક સમયે જ્યારે મારી અને મેક્સિનની મુલાકાત ભાઈ નોર સાથે થઈ, ત્યારે તેમણે અમને રૂમ પર બોલાવ્યા અને અમારા માટે જમવાનું પણ બનાવ્યું.

મારા કુટુંબની મુલાકાત લેવા અમે ઘણી વાર પોર્ટો રિકોથી ઇંગ્લૅન્ડ જતા. મેં અને મમ્મીએ જ્યારે સત્ય સ્વીકાર્યું હતું, ત્યારે પપ્પાએ સત્ય સ્વીકાર્યું ન હતું. પરંતુ, જ્યારે બેથેલમાંથી ભાઈઓ એ વિસ્તારમાં જતા, ત્યારે મમ્મી તેઓને અમારે ઘરે બોલાવતાં અને તેઓ અમારા ઘરે રહેતા. મારા પપ્પાએ મહેસૂસ કર્યું કે, ચર્ચના પાદરીઓ કરતાં બેથેલના નિરીક્ષકો કેટલા નમ્ર છે. તેમના ચર્ચના પાદરીઓએ તો તેમને દુઃખ પહોંચાડ્યું હતું! આખરે, ૧૯૬૨માં મારા પપ્પાએ બાપ્તિસ્મા લીધું.

અમારા લગ્નના થોડા સમય પછી પોર્ટો રિકોમાં મેક્સિન જોડે; ૨૦૦૩માં અમારી ૫૦મી લગ્નતિથિએ

મારી વહાલી પત્ની ૨૦૧૧માં ગુજરી ગઈ. તે સજીવન થઈને પાછી આવશે એ દિવસની હું આતુરતાથી રાહ જોઉં છું. એ વિચારથી જ મારું મન હરખાઈ ઊઠે છે. મેં અને મેક્સિને લગ્નજીવનના ૫૮ વર્ષનો આનંદ માણ્યો છે. એ વર્ષો દરમિયાન પોર્ટો રિકોમાં સાક્ષીઓની સંખ્યા ૬૫૦થી ૨૬,૦૦૦ થઈ. એ વધારો અમે નજરે જોયો છે. પછી, ૨૦૧૩માં પોર્ટો રિકો શાખાને અમેરિકાની શાખા સાથે જોડી દેવામાં આવી. મને વૉલકીલ, ન્યૂ યૉર્કમાં સેવા આપવા જણાવવામાં આવ્યું. મારા જીવનના ૬૦ વર્ષ મેં પોર્ટો રિકોના ટાપુ પર વિતાવ્યા છે. એટલે હું પૂરી રીતે એના રંગે રંગાઈ ગયો હતો. મને લાગતું કે હું પોર્ટો રિકોના કૉકી નામના નાના દેડકા જેવો છું. એ દેડકો ફક્ત પોર્ટો રિકોમાં જ જોવા મળે છે અને સૂર્યાસ્ત થતા કૉકી કૉકી કરવા લાગે છે. હું પોર્ટો રિકોમાં ઘણો ખુશ હતો, પણ હવે એને છોડવાનો સમય આવી ગયો હતો.

“ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે”

હું આજે પણ બેથેલમાં યહોવાની સેવા કરવાનો આનંદ માણી રહ્યો છું. મારી ઉંમર ૯૦ કરતાં વધારે છે. બેથેલમાં મને એક પ્રેમાળ ઘેટાંપાળક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને મારું કામ બેથેલમાં કામ કરતા લોકોને ઉત્તેજન આપવાનું છે. વૉલકીલ આવ્યા પછી મેં ૬૦૦ કરતાં વધારે લોકોની મુલાકાત લીધી છે. જેઓ મને મળવા આવે છે, તેઓમાંના અમુક મારી સાથે વ્યક્તિગત અથવા કુટુંબની સમસ્યાઓ વિશે ચર્ચા કરવા ચાહે છે. અમુક લોકો પોતાની બેથેલ સેવામાં સફળ થવા માટે સલાહસૂચન માંગે છે. નવપરિણીત યુગલો પોતાના લગ્નજીવન વિશે સલાહ માંગે છે. અમુક ભાઈ-બહેનોની સોંપણી બદલવામાં આવી છે. એટલે, તેઓ પોતાની નવી સોંપણી વિશે મારી સાથે વાત કરવા ચાહે છે. મારી સાથે વાત કરનાર દરેકનું હું ધ્યાનથી સાંભળું છું અને યોગ્ય હોય ત્યારે તેઓને કહું છું: ‘“ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.” તેથી, તમારા કામમાં આનંદ માણો. એ કામ યહોવા માટે છે.’—૨ કોરીં. ૯:૭.

જો તમે બેથેલમાં કે બીજી કોઈ પણ જગ્યાએ ખુશીથી કામ કરવા ચાહતા હો, તો એ વાતનું ધ્યાન રાખો કે, તમે જે કરી રહ્યા છો એ શા માટે મહત્ત્વનું છે. બેથેલમાં જે પણ કામ કરીએ છીએ, એ પવિત્ર સેવા છે. એના દ્વારા આપણે “વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર”ને મદદ કરીએ છીએ, જે દુનિયાભરનાં ભાઈ-બહેનોને ભક્તિને લગતો ખોરાક પૂરો પાડે છે. (માથ. ૨૪:૪૫) ચાહે આપણે ગમે ત્યાં રહીને યહોવાની સેવા કરીએ, આપણને તેમનો મહિમા કરવા હંમેશાં તક મળે છે. તેથી, ચાલો આપણને જે કંઈ કામ સોંપવામાં આવે એ ખુશીથી કરીએ, કારણ કે “ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.”

^ ફકરો. 13 લિઓનાર્ડ સ્મિથની જીવન સફર એપ્રિલ ૧૫, ૨૦૧૨ ધ વૉચટાવરમાં આપવામાં આવી છે.