સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સોના કરતાં પણ વધુ કીમતી ખજાનો શોધવો

સોના કરતાં પણ વધુ કીમતી ખજાનો શોધવો

શું તમને ક્યારેય સોનાનો ટુકડો મળ્યો છે? બહુ થોડા લોકોને એ મળે છે. પરંતુ, લાખો લોકોને એનાથી પણ કીમતી વસ્તુ જડી છે. એ છે, ઈશ્વરનું અનમોલ ડહાપણ, જે ‘સોનાથી ખરીદી શકાતું નથી.’—અયૂ. ૨૮:૧૨, ૧૫.

બાઇબલ વિદ્યાર્થીઓ પણ અમુક રીતે સોનું શોધનાર વ્યક્તિ જેવા છે. એ વિદ્યાર્થીઓએ ઈશ્વરનું અનમોલ ડહાપણ મેળવવા સખત મહેનત અને શાસ્ત્રમાંથી અભ્યાસ કરતા રહેવાની જરૂર છે. ચાલો, એવી ત્રણ રીતો વિશે જોઈએ, જેના દ્વારા સોનું મળી આવે છે. તેમ જ, એ પણ જોઈએ કે આપણે એમાંથી શું શીખી શકીએ.

તમને સોનાનો ટુકડો મળે છે!

કલ્પના કરો કે, તમે નદીકાંઠે કે દરિયા કિનારે ચાલી રહ્યા છો. તમારી નજર એક નાનકડા પથ્થર પર પડે છે, જે સૂર્યના કિરણોને લીધે ચમકી રહ્યો છે. તમે એને જોવા નીચે નમો છો અને તમને ખ્યાલ આવે છે કે એ તો સોનાનો ટુકડો છે. એ દિવાસળીના માથા કરતાં નાનો અને ઉત્તમ હીરાથી પણ અનમોલ છે. એવા બીજા ટુકડા શોધવા તમે ચોક્કસ આમતેમ નજર ફેરવશો.

શું તમને એવો કોઈ બનાવ યાદ છે, જ્યારે તમને કંઈક કીમતી જડ્યું હતું? એ દિવસ યાદ કરો, જ્યારે યહોવાના સાક્ષીઓએ તમારો દરવાજો ખટખટાવ્યો હતો અને બાઇબલમાંથી તમને ઉજ્જવળ ભાવિની આશા આપી હતી. બાઇબલમાંથી તમે જ્યારે શીખ્યા કે ઈશ્વરનું નામ યહોવા છે, ત્યારે તમને જાણે સોનાનો પહેલો ટુકડો મળ્યો હતો. (ગીત. ૮૩:૧૮) એ બનાવ તમારા મનમાં હજી તાજો હશે. સમય જતાં, તમે એ પણ શીખ્યા હશો કે, તમે યહોવાના મિત્ર બની શકો છો. (યાકૂ. ૨:૨૩) તમને તરત જ ખ્યાલ આવી ગયો હશે કે સોના કરતાં પણ વધુ કીમતી કંઈક તમારે હાથ લાગ્યું છે. બાઇબલમાંથી સોના જેવા બીજા કીમતી ટુકડા શોધવા તમે ચોક્કસ આતુર થયા હશો.

વધુ ટુકડા હાથ લાગે છે!

સોનાના ટુકડા કે નાના કણ ઝરણાં કે નદીઓમાં જમા થાય છે. તેથી, સોનાની શોધ કરનાર મહેનતુ શોધકોને જમા થયેલો સોનાનો જથ્થો એક જ વખતમાં હાથ લાગી શકે છે. એ સોનાની કિંમત લાખો-કરોડોમાં હોય છે.

તમે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે, તમને સોનું શોધનાર જેવું લાગ્યું હશે, જે જમા થયેલું સોનું છૂટું પાડે છે. એક પછી એક બાઇબલ કલમ પર મનન કરવાથી તમારા જ્ઞાનના ખજાનામાં સોનાના ટુકડા ઉમેરાતા ગયા. આમ, યહોવાના આશીર્વાદોથી તમે ધનવાન થયા. બાઇબલના કીમતી સત્ય પર મનન કરતા ગયા તેમ, તમે ઘણું શીખ્યા હશો. જેમ કે, કઈ રીતે ઈશ્વર સાથે સારો સંબંધ બાંધવો અને તેમના પ્રેમમાં રહેવું, જેથી હંમેશ માટેનું જીવન મેળવી શકાય.—યાકૂ. ૪:૮; યહુ. ૨૦, ૨૧.

સોનું શોધનારની જેમ શું તમે પણ બાઇબલનું કીમતી સત્ય શોધવા સખત મહેનત કરો છો?

સોનું શોધનાર જેમ સોનાના ટુકડા શોધે છે, તેમ તમે પણ બાઇબલના કીમતી ખજાનામાંથી કંઈક મેળવવા ઘણી મહેનત કરી હશે. બાઇબલનું મૂળ શિક્ષણ શીખ્યા પછી, તમે સમય જતાં ઈશ્વરને સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવા તરફ ડગ માંડ્યા હશે.—માથ. ૨૮:૧૯, ૨૦.

શોધતા રહો!

સોનું શોધનારને લાવારસમાંથી બનેલા ખડકોમાંથી કદાચ થોડું એવું સોનું મળી આવે. એવા અમુક ખડકોમાં એટલું બધું સોનું હોય છે કે, એ ખડકોને ખોદવામાં આવે છે અને એનો ભૂકો કરીને એમાંથી સોનું છૂટું પાડવામાં આવે છે. કદાચ પહેલી નજરે એ ખડક કે એના ભૂકામાં સોનું દેખાય પણ નહિ. શા માટે? કારણ કે, સૌથી સારા એવા એક ટનના ખડકમાં ફક્ત ૧૦ ગ્રામ જેટલું સોનું હોય છે. ગમે તે હોય, શોધનાર માટે ખાણ ખોદવાની એ મહેનત નકામી જતી નથી.

દરેકે ‘ખ્રિસ્ત વિશેનું મૂળ શિક્ષણ’ શીખ્યા પછી પણ મહેનત કરતા રહેવાની જરૂર છે. (હિબ્રૂ ૬:૧, ૨) બાઇબલમાંથી અભ્યાસ કરો ત્યારે, નવા નવા મુદ્દા શોધવા અને એને જીવનમાં લાગુ પાડવા તમારે મહેનત કરવાની જરૂર છે. ભલે તમે વર્ષોથી બાઇબલમાંથી સંશોધન કરતા હો, છતાં એ મહેનત પાણીમાં ન જાય અને તમને પૂરો ફાયદો થાય એ માટે તમે શું કરી શકો?

નવું નવું શીખવા હંમેશા આતુર રહો. દરેકે દરેક વિગતો પર ધ્યાન આપો. પ્રયત્નો કરતા રહો. આમ કરશો તો, તમને બાઇબલના ખજાનામાંથી ઈશ્વરનું ડહાપણ અને માર્ગદર્શન મળી આવશે. (રોમ. ૧૧:૩૩) બાઇબલ કલમોની વધુ સમજણ મેળવવા તમારી ભાષામાં પ્રાપ્ય હોય એવા સંશોધન માટેનાં સાધનોનો ઉપયોગ કરો. જરૂરી માર્ગદર્શન અને તમારા મનમાં રહેલા બાઇબલ સવાલોના જવાબ ધીરજથી શોધતા રહો. બીજાઓને પૂછો કે, તેઓને કઈ કલમો અને કયા લેખોમાંથી મદદ અને ઉત્તેજન મળ્યાં છે. અભ્યાસ દરમિયાન તમને જે સારા મુદ્દા શીખવા મળ્યા હોય, એ બીજાઓને જણાવો.

ખરું કે, તમારો ધ્યેય ફક્ત ચોકસાઈભર્યું જ્ઞાન વધારવાનો નથી. પ્રેરિત પાઊલે ચેતવણી આપી હતી કે, “જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે.” (૧ કોરીં. ૮:૧) તેથી, નમ્ર અને શ્રદ્ધામાં મજબૂત રહેવા સખત મહેનત કરો. કુટુંબ તરીકેની ભક્તિ અને વ્યક્તિગત બાઇબલ અભ્યાસ નિયમિત કરવાથી તમને યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા મદદ મળશે. તેમ જ, એનાથી તમને બીજાઓને મદદ કરવાનું પણ ઉત્તેજન મળશે. વધારે મહત્ત્વનું તો એ કે, સોના કરતાં પણ વધુ કીમતી વસ્તુ મેળવીને તમારું દિલ આનંદથી ઉભરાઈ જશે.—નીતિ. ૩:૧૩, ૧૪.